Friday 31 January 2014

વાર્તા...



એક માણસને એક નાનકડી દીકરી હતી. એકની એક, ખુબ લાડકી. એ માણસ તેની લાડકી માટે જ જીવતો એમ કહી શકાય, તે બાળકી જ તેનું સર્વસ્વ હતી તેનું જીવન હતી. તેની પૂંજી હતી. જાન કે જીગર થી પણ વહાલી હતી એ માણસને એની આ ઢીંગલી.

એક વાર એ માંદી પડી. તે બાળકીનાં પિતાએ ખુબ વૈદ – હકીમો, સારામાં સારા ડોક્ટર્સ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ હોસ્પીટલમાં સારવાર કરાવી, આકાશ પાતાળ એક કરી દીધા, પણ એ પોતાની વહાલસોયીની માંદગી દુર ન કરી શક્યો. આ દોડધામમાં અને પોતાના કલેજાનાં ટુકડાની માંદગીએ તેને એકદમ બાવરો બનાવી દીધો.

ખુબ પ્રયત્નો કર્યા જતન કર્યા દોરા – દાગા, ભુવા – સાધુ, વૈદ – હકીમ, ડોક્ટર્સ અને હોસ્પીટલ્સ તમામ રીતે યત્ન પ્રયત્ન કરવા છતાંયે એ માણસની ઢીંગલીની માંદગી દુર ન થઇ અને એક દિવસ તેનો કાળજાનો કટકો મૃત્યુ પામ્યો. આ ઘટનાએ એ માણસની તમામ સ્વસ્થતા, તમામ સમજ, તમામ બુદ્ધિ, વિવેક હણી લીધા. તેનાં મનમાં એક પ્રકારની તિવ્ર કટુતા અને કડવાશ આવી ગઇ. એ માણસે આઘાતનાં માર્યા પોતાની જાતને દુનિયા દારીથી દુર, સ્વજન-મિત્રોથી દુર એક ઓરડામાં પુરી દીધી. આ ઘટના બાદ તેનાં સ્વજનોએ પણ આ વ્યક્તિની સામાન્ય જીંદગી જીવી શકશે એવી આશા છોડી દીધી.



એક રાતે આ પિતાને એક સપનું આવ્યું. સપનામાં એ સ્વર્ગ પહોંચી ગયો. ત્યાં એણે નાના નાના બાળકો અને નાના બાળ દેવદુતોનું એક ભવ્ય સરઘસ જોયું. આ સરઘસ અવિરત પણે ચાલ્યું જતું હતું. શ્વેત અને અત્યંત સ્વચ્છ વસ્ત્રો ધારણ કરેલા આ દેવદુતો અને બાળકોનું ઘ્યાન પણ આ વ્યક્તિ પર નહોતું તેઓ તો બસ આ સરઘસમાં શાંતિથી ચાલ્યા જતાં હતાં. આ તમામ બાળકો પાસે એક એક સળગતી મીણબત્તી હતી. તમામ પાસે. પણ આ વ્યક્તિએ જોયું અને નોંધ લીધી કે એક બાળક પાસે ઓલવાઇ ગયેલી મીણબત્તી લઇને આ સરઘસમાં ચાલે છે. તે તુરંત જ એ બાળક પાસે ગયો અને તેણે જોયું તો એ બાળક બીજું કોઇ નહીં પરંતુ તેની મૃત્યુ પામેલી દીકરી જ હતી. તે ખુબ ખુશ થયો, આંસુભરી આંખે તેણે તેની વહાલી દીકરીનાં માંથે હાથ ફેરવ્યો, ચુમી, તેની પોતાની ગોદમાં લઇ લીધી. આ થતાં સરઘસ થંભી ગયું. આ જોઇને આ પિતાએ પોતાની લાડકીને ખુબ વ્હાલથી પુછ્યું કે, ‘બેટા તારી એકલીની જ મીણબત્તી કેમ ઓલવાયેલી છે?’

તો દિકરીએ જવાબ આપ્યો, કે ‘પપ્પા, મારી મીણબત્તી પણ પેટાયેલી જ હતી. પરંતુ વારંવાર એ તમારા આંસુઓથી ઓલવાય જાય છે. આ લોકો ફરી ફરીને પેટાવે છે પરંતુ તમારા આંસુ એને વારંવાર ઓલવી દે છે. જો તમે આંસુ સારવાનું બંધ કરો તો આ તમામ દેવદુતોની જેમ મારી પણ મીણબત્તી પેટાયેલી રહેશે અને હું પણ ખુબ રાજી થઇશ.’



આટલું સાંભળતા પેલો વ્યક્તિ ઊંઘમાંથી સફાળો જાગી ગયો અને એણે જોયું તો તે તો એનાં બંધ ઓરડામાં હતો જયાં ચારેકોર ભારોભાર નિરાશા અને વેદના હતી. તે ક્ષણથી તે ઉઠ્યો અને મનોમન નક્કી કર્યું કે ‘નહીં હું મારી દિકરીની મીણબત્તી ઓલાવા નહીં દઉં. અને આમ એકાંતમાં પુરાઇ ન રહેતા મોકળા મને મારા મિત્રો અને સગા-વહાલાં સાથે હું પણ આનંદથી જીવીશ.’

હવે, તેની લાડકડીની મીણબત્તી તેનાં આંસુઓથી બુજાતી નહોતી.


2 comments:

  1. મેઘના...1 February 2014 at 16:04

    ખુબ સુંદર વાર્તા અને સહજભાષામાં રજુઆત.

    અને હાં... વેલકમ બેક!

    ReplyDelete
  2. superb I must Say dear.

    ReplyDelete