Wednesday 12 February 2014

રૂહાની સંગીત અને અવાજનો પર્યાય સમ ગઝલજીત સિંઘ…


सारा आलम गौश-बर-आवाझ है, आज किन हाथोंमें दिल का साझ है;
छुप गया वो साझ-ए-हस्ती छोड कर, अब तो बस आवाझ ही आवाझ है ।


रहने को दहरमें सदा आता नहीं कोई,
तुम जैसे गए, वैसे भी जाता नहीं कोई;

        મિત્રો, ગઝલજીત સિંઘ એટલે પદ્મભૂષણ જગજિત સિંઘ. જે ગઝલ ગાયકીનો પર્યાય હતાં. વિખ્યાત કવિ અને સદ્દગત્ જગજિત સિંઘનાં ખુબ નજીકનાં મિત્રો પૈકીનાં એક એવા ગીતકાર ગુલઝારનાં શબ્દોમાં કહું તો ‘જ્યારે જગજિત ગાય છે ત્યારે ગઝલોનાં શબ્દોને એક નવો જ અર્થ મળે છે અને તે શબ્દોનાં ઊંડાણને વધારે છે.’ કેટલી ખરી અને સચોટ વાત છે. જગજિત સિંઘ એક એવા ગાયક હતાં કે જેઓ તર્જ કરતાં શબ્દો પર વધુ વજન મુકતા. જે ગઝલ કે શેર તેઓ પસંદ કરતાં તેમની અદાઇગી અને પેશ કરવાની ગાવાની શૈલી જ એટલી અલગ હતી કે આફરીન પોકારી ઉઠીએ. ક્યા શબ્દ પર કેટલું વજન મુકવું અને કઇ રીતે મુકવું તે જ જગજિત સિંઘનો મેઇન પોઇંટ હતો. (USP). માટે જગજિત સિંઘની ગાયકીને સુરપ્રધાન ને બદલે બોલપ્રધાન કહેવામાં આવતી. એક જ શબ્દને કે શેરને તેઓ એટલા અલગ અલગ અંદાજમાં પેશ કરતાં કે શ્રોતાઓ ડોલી ઉઠતા. ગઝલ એક ગંભીર વિષય છે. તેની પેશકશ પણ ગંભીરતાથી થવી જોઇએ એવો સામાન્ય શ્રોતાઓમાં સમજ હતી. હાર્મોનિયમ, તબલા બે મુખ્ય સાઝ હતાં ગઝલગાયકોનાં.



गुंजते है तेरे नग्मों से अमीरों के महल, जोंपडोमें गरीबो के भी तेरी आवाझ है;
अपनी मौसिकी पे सबको फक्र होता है, जगजित, आज मौसिकीको तुज पे नाझ है ।

        પરંતુ જગજિત સિંઘે આ નિયમને પોતાની રીતે અજમાવ્યો. તેમની ગઝલોમાં આપણે સીંથેસાઇઝર, ઓક્ટોપેડ, ગીટાર અને વાયોલિન ની સાથો સાથ હિન્દુસ્તાની લોકવાદ્ય એવા ડફ અને ઢોલ પણ સાંભળી શકીયે છીએ. ગઝલનો ચહેરો, તેની પેશકશ અને તેનો અંદાઝને સંપૂર્ણપણે બદલ્યો. જે ગઝલને એક સમયે થોડા બુધ્ધિજીવી અને ચોખલીયા લોકો વચ્ચે અને માત્ર મહેફીલમાં ગાઇ શકાય તેમ હતી તેને એક આંતરરાષ્ટ્રીય સ્તર પર અને લોકરંજન, મનોરંજન માટે અને સામાન્ય લોકો પણ જેને સાંભળી શકે માણી શકે અને સમજી પણ શકે એ સ્તર એ દરજ્જો આ વ્યક્તિએ અપાવ્યો. જે ગઝલ માત્ર હાર્મોનિયમ, તબલાં અને ઢોલક વચ્ચે અટવાતી હતી તેને સિંથેસાઇઝર, ગીટાર અને ઓક્ટોપેડ પર જગજિત સિંઘ લઇ આવ્યા. તેમનાં હજારો કોન્સર્ટમાં આપણે જોઇ શકીયે છીએ કે સ્ટેજ પર હાર્મોનિયમની સાથે સિંથેસાઇઝર પણ હોય, ઢોલક અને તબલાં સાથે, ઓક્ટોપેડ અને ડફ પણ હોય. સંતુર અને સીતાર સાથે સાથે ગીટાર અને વાયોલિન પણ હોય. બાંસુરી પણ હોય અને ક્લેરોનેટ પણ હોય. માટે જ એક સામાન્ય માણસ સુધી જગજીત સિંઘ પોતાની અવાઝ અને ખાસ તો ગઝલને પહોચાડી શક્યા.

        જગજિત સિંઘે ગાયેલી કોઇપણ એવી ગઝલ સાંભળી લો કે જે ગઝલ તેનાં સમકાલીન ગાયકોએ પણ ગાઇ હોય. મિત્રો, ઊભા અને આડા પણ જમ્બો જેટ જેટલો ફર્ક સંભળાશે અને અનૂભવાશે પણ. આ વાત શક્ય છે કે જગજિત સિંઘ પ્રત્યેનાં મારા અહોભાવ અને લાગણીથી તરબતર મારી આ વાત પક્ષપાતી લાગશે. પણ માનો કે ન માનો ઠાકુર યહી સચ હૈ…!

अभी नग्मों की सरगम फिझांओमें है, अभी सांसोकी खूश्बू हवांओमें है;
अभी साझोंपे है उंगलीयों के निशां, तुम अभी थे यहीं, तुम अभी थे यहीं…

અને આખરે…
सारा जग जीत के ले गया,
जग छोड के जानेवाला…

        હાઝરીન, જગજિત સિંઘ જેવી વ્યક્તિ અને તેમનાં બહુઆયામી વ્યક્તિત્વ વિશે લેખ શરૂ કરતાં પહેલાં જરા યે શેર પેશ-એ-ખિદમત હૈ…

उसकी तक्मील और कौन करें,
जिस फसाने की तुजसे है तम्हीद…

        જગજિતસિંઘનું સાચુ નામ જગમોહન સીંઘ હતું. એક ધાર્મિક શીખ કુટુંબનાં નબીરા એવા જગમોહનનો જન્મ ૮મી ફેબ્રુઆરી ૧૯૪૧ના રોજ રાજસ્થાનનાં શ્રીગંગાપુરમાં થયેલો. જગમોહનનાં માતા-પિતા ધાર્મિકવૃત્તિવાળા હોય તેમનાં એક સીખ ગુરુસાહેબે તેમને જગમોહનનું નામ જગજિત કરો તેવું સુચન કર્યું અને ત્યારથી જ આજીવન જગમોહન સિઘ અમરજીત સિંઘ ધીમાન, જગજિત સિંઘ ધીમાન બની ગયા. જગજિતનું શરૂઆતનું શિક્ષણ તેમનાં જ શહેરની ખાલસા સ્કુલમાં થયું અને આગળની હાઇસ્કુલનું શિક્ષણ શ્રીગંગાપુર હાઇસ્કુલ અને ગવર્મેન્ટ કોલેજમાં થયું. તેમણે તેમની આર્ટ્સ ફેકલ્ટીની સ્નાતકની ડિગ્રી ડીએવી કોલેજ - જલંધરમાંથી મેળવી. ત્યારબાદ ઇતિહાસમાં અનુસ્નાતક થયા કુરૂક્ષેત્ર યુનિવર્સીટી – હરીયાણાથી. જગજિતનાં પિતાની એવી ઇચ્છા હતી કે તેમનો પુત્ર મોટો થઇને IAS ઓફિસર કે પછી મોટો અમલદાર બને. અહીં પણ જગજિત સિંઘની ગાયકી તો શરૂ જ હતી. ઓલ ઇન્ડિયા રેડિયોમાં અને કોલેજ ફેસ્ટીવલ્સમાં કે પછી યુથ ફેસ્ટીવલમાં પણ જગજિત સિંઘ પોતાની ગાયકી પેશ કરતાં અને ત્યારે પણ લોકોની વાહવાહી અને તાળીઓ મેળવતાં.


        જગજિતમાં નાનપણથી જ સંગીતની સૂઝ હતી આ વાતનો અંદાજ તેમનાં પિતાજીને આવી જ ગયેલો. માટે તેઓ નાના જગજિતને ગુરૂદ્વારામાં ભજનો સાંભળવા અને ક્યારેક ગાવા મોકલતા અને આમ નાનકડા જગજિતની સમજ અને ગળું કેળવાતું ગયું. આ અણસારનાં આધારે જ સરદાર અમર સિંઘે જગજિતને પંડિત છગનલાલ શર્મા પાસે વિધીવત શાસ્ત્રિય ગાયકીની તાલીમ અપાવવાનું શરૂ કર્યું. પંડિત શર્મા પાસે પુરા બે વર્ષની સઘન તાલીમ બાદ જગજિત સિંઘે ઉસ્તાદ જમાલ ખાં પાસે સંગીતની તાલીમ લગલગાટ છ વર્ષ લીધી. જેમાં તેઓ ખયાલ, ઠુમરી અને ધ્રુપદ ગાયકી સીખ્યા. ખાં સાહેબ સેનિયા ઘરાનાનાં ગાયક હતાં. જે વિખ્યાત મિયાં તાનસેનનાં વંશજો તરીકે ઓળખાતા. જગજિતે પોતાની રીતે પણ ખુબ મહેનત કરી અને ઉસ્તાદોની શીખને, તાલીમને સાર્થક કરી બતાવી. જગજિત સિંઘ હંમેશા રીયાઝને ખુબ મહત્વ આપતાં. તેમની ગાયકી પર ઉસ્તાદ આમિર ખાં સાહેબની અસર ખુબ દેખાય છે અને અનુભવાય છે. કારણ કે ઉસ્તાદ આમિર્ ખાં સાહેબ અને ત્યાર બાદ જગજિત સિંઘે ગાયકીને શાસ્ત્રિય ગાયકીને ભાવપ્રદ બનાવવા સુરપ્રધાન ને બદલે બોલપ્રધાન બનાવી.


        કોલેજનાં શિક્ષણ દરમ્યાન જગજિત સિંઘે જલંધર ઓલ ઇન્ડિયા રેડિયો પર અને સ્ટેજ પર પરફોર્મ કર્યું અને આમ આવા કેટલાક કાર્યક્રમો દ્વારા તેઓ એ સમયનાં કેટલાક ખ્યાતનામ સંગીતકારોનાં સંપર્કમાં આવ્યા. પંજાબ યુનિવર્સિટી અને કુરુક્ષેત્ર યુનિવર્સીટીનાં વાઇસ ચાન્સલર પ્રોફેસર સુરજ ભાણે જગજિત સિંઘમાં રહેલી ક્ષમતાઓને પુરૂ અને ખુલ્લું આકાશ મળી રહે એ માટે તેમને મુંબઇ જઇને સંગીતમાં કારકિર્દી બનાવે તેવું સુચન કર્યું. આ સમય દરમિયાન જગજિત સિંઘને એક વાતની પ્રતિતિ અવશ્ય થઇ ગયેલી કે તેમની મંઝીલ સ્નાતક કે અનુસ્નાતક બનીને પુરી જીંદગી સરકારી નોકરીમાં વેડફી નાંખવાની નથી પરંતુ પોતે મેળવેલી સઘન તાલીમનાં સહારે એક આલા દરજ્જાનાં ગાયક તરીકે જાતને ઓળખાવાની છે. આ મંઝીલ મેળવવા હેતુ જ ૨૪ વર્ષનાં ગભરૂ સીખ યુવાન જગજિત સિંઘે સપનાની નગરી એવી મુંબઇની રુખ લીધી. ઘરમાં કોઇને કહ્યા વગર જગજિત સિંઘ ૧૯૬૫માં મુંબઇ આવતાં રહ્યા. અહીંથી શરૂ થયો એમનો સંઘર્ષનો સમય…
  

        મુંબઇ આવીને જગજિતે સૌથી પહેલું કામ પોતાનાં ધર્મમાં જે મનાઇ છે એ કામ જ કર્યું. સીખ ધર્મ મુજબ સીખ પોતાનાં કેશ આજીવન ઉતારે નહીં. એટલે કે હજામત ન કરાવે. પરંતુ પંજાબી એવા જગજિતે પોતાની દાઢી, મુંછ અને અંબોડીને કઢાવીને ક્લીનશેવ ચહેરો અને વ્યવસ્થિત વાળ ઓળેલા ચહેરે ફરવા લાગ્યા. ધીરેધીરે કામ મળવા લાગતા જગજિતે જાહેરાતોનાં જિંગલ્સ ગાવાનું શરુ કર્યું. સંઘર્ષનાં કપરાં દિવસોમાં જગજિત સિંઘ જેવા ગાયકે પાર્ટીઓમાં અને લગ્ન સમારંભોમાં પણ ગાવાનું શરૂ કર્યું. તેમને સૌથી પહેલો બ્રેક એક ગુજરાતી પ્રોડ્યુસર એવા સુરેશ અમીને આપેલો. જે એ સમયે ધરતીનાં છોરૂં ફિલ્મ બનાવતાં હતાં. આ ફિલ્મ બાદ ૧૯૬૬માં ‘બહુરૂપી’ નામની ફિલ્મમાં પણ તેમણે પ્લેબેક કર્યું. ગીત હતું, ‘લાગી રામ મજનની લગની’. આજ સંઘર્ષનાં દિવસો દરમ્યાન યુવાન જગજિતની મુલાકાત એક જીંગલ્સનાં રેકોર્ડીંગમાં ચિત્રા સાથે થઇ.


        ચિત્રાજી જન્મે એક બંગાળી છે. પ્રિય વાચકો, તમને જાણીને નવાઇ ચોક્કસ લાગશે કે ચિત્રાજીએ સંગીતની કોઇપણ પ્રકારની મુળભૂત તાલીમ લીધી નથી. તે મારી તમારી જેમ કાનસેન છે. તેઓનાં માતા જે સંગીત ગુરૂ પાસે સંગીતની તાલીમ લેતાં હતાં તે જોઇ જોઇને જ ચિત્રાજીમાં સંગીત વિકસ્યું. પછી તો ચિત્રાજીનાં લગ્ન થઇ ગયા અને પતિનાં વ્યવસાયને કારણે તેઓ કલકત્તા છોડીને મુંબઇમાં વસ્યા. તેમનાં પતિ શ્રીમાન દત્તાને એક રેકોર્ડીંગ સ્ટુડિયો હતો, જે તેઓ તેમનાં ઘરમાં જ ચલાવતાં હતાં. ચિત્રાજી પણ એક સારા ગાયીકા હોવાને કારણે પતિદેવને મળતાં જીંગલ્સ ગાતા. આ દંપતિને એક મીઠડી દીકરી પણ હતી, મોનિકા.

        જગજિત સિંઘ સાથે તેમની મુલાકાત પણ એક જીંગલ્સનાં રેકોર્ડીંગ દરમ્યાન થઇ. જગજિતજી તેમનાં ઘરે એક જીંગલનાં રેકોર્ડીંગ અર્થે આવેલા. બસ, આ મુલાકાત આગળ જતાં પ્રેમ અને છેવટે પ્રથમ પતિને છુટાછેડા આપી ચિત્રા – જગજિત ડિસેમ્બર ૧૯૬૯માં પરિણયનાં મંગળસૂત્રે બંધાયા. આ પરિણયની ફલશ્રુતિ આ બંનેનાં ઘરે પુત્ર વિવેક થયો. જે જુલાઇ ૧૯૯૦માં એક કાર અકસ્માતમાં અચાનક મૃત્યુ પામ્યો અને આ આઘાતને કારણે ચિત્રાજીએ અચાનક ગાવાનું બંધ કરી દીધું. જ્યારે જગજિત સિંઘે આ આઘાતને પચાવવા અને સહેવા સંગીતનો જ સહારો લીધો. આ દંપતિએ પોતાનું એક આલ્બમ ‘સમવન સમવ્હેર’ વિવેક સિંઘ, એમના પુત્રને સમર્પિત કર્યું છે. જગજિતનાં મતે સંગીતે તેમને આ આઘાત સહન કરવાની દવાની જેમ શક્તિ આપી.


        ખેર, આ બંને સંગીતવિભૂતિએ સંગ-સંગ સંગત કરી સંગીતબદ્ધ કર્યું અને ૧૯૭૬માં પોતાનું પ્રથમ આલ્બમ રીલીઝ કર્યું, ‘ધી અનફરગોટેબલ’…એટલે કે અવિસ્મરણીય. આ આલ્બમનાં ‘બાત નીકલેગી તો ફિર દૂર તલક જાયેગી’, ‘આહિસ્તા-આહિસ્તા’, ‘દર્દ બઢકર’ જેવી ગઝલો અને નઝ્મો લોકજીભે ગણગણાવા લાગી અને આ પહેલાં જ આલ્બમથી જગજિત સિંઘે જગ જીતી લીધું. આ આલ્બમની ગઝલ જે ખુબ લોકપ્રિય થઇ તે ‘બાત નીકલેગી’ પહેલા જગજિત સિંઘે ૧૯૬૫-૬૬ માં ભુપિન્દર સિંઘ પાસે ગવડાવેલી અને પોતે સંગીતબદ્ધ કરેલી. સંજોગોવશાત તે આલ્બમ ન બની શક્યું. ત્યારબાદ આ નઝ્મ એક ફિલ્મ ‘શા`શા’ માટે ફરી રેકોર્ડ કરવામાં આવી. આ ફિલ્મ પણ કોઇ કારણોસર રીલીઝ ન થઇ શકી. ત્યારબાદ વર્ષો બાદ જ્યારે HMV કંપની એ આલ્બમ બનાવવાની ઓફર કરી ત્યારે સૌપ્રથમ આ નઝ્મ રેકોર્ડ કરાઇ. આમ, આ નઝ્મ પણ જગજિત સિંઘનાં સંઘર્ષની સાથી બની રહી.


        આ આલ્બમ હકીકતે આજદિન સુધી ગઝલનાં ચાહકોમાં નામ માફક અવિસ્મરણીય જ રહ્યું છે. બસ પછી તો એક પછી એક આલ્બમ આપીને તેઓ એક પછી એક ‘માઇલસ્ટોન’ વટાવતા ગયા. ગઝલનો ચહેરો, તેની પેશકશ અને તેનો અંદાઝને સંપૂર્ણપણે બદલ્યો. જે ગઝલને એક સમયે થોડા બુધ્ધિજીવી અને ચોખલીયા લોકો વચ્ચે અને માત્ર મહેફીલમાં ગાઇ શકાય તેમ હતી તેને એક આંતરરાષ્ટ્રીય સ્તર પર અને લોકરંજન અને સામાન્ય લોકો પણ જેને સાંભળી શકે માણી શકે અને સમજી પણ શકે એ સ્તર એ દરજ્જો આ વ્યક્તિએ અપાવ્યો. જે ગઝલ માત્ર હાર્મોનિયમ, તબલાં અને ઢોલક વચ્ચે અટવાતી હતી તેને સિંથેસાઇઝર, ગીટાર અને ઓક્ટોપેડ પર જગજિત સિંઘ લઇ આવ્યા. તેમનાં હજારો કોન્સર્ટમાં આપણે જોઇ શકીયે છીએ કે સ્ટેજ પર હાર્મોનિયમની સાથે સિંથેસાઇઝર પણ હોય, ઢોલક અને તબલાં સાથે, ઓક્ટોપેડ અને ડફ પણ હોય. સંતુર અને સીતાર સાથે સાથે ગીટાર અને વાયોલિન પણ હોય. બાંસુરી પણ હોય અને ક્લેરોનેટ પણ હોય. માટે જ એક સામાન્ય માણસ સુધી જગજીત સિંઘ પોતાની અવાઝ અને ખાસ તો ગઝલને પહોચાડી શક્યા. જગજીત સિંઘને સાંભળીયે ત્યારે તેની અવાજ આપણાં આત્મા સુધી પહોંચે છે. જગજીત સિંઘ એક બહુઆયામી ગાયક હતાં. તેમણે, ગઝલની સાથોસાથ, ભક્તિગીતો, ભજનો અને લોકગીતો પણ ગાયા.

        જગજીત સિંઘ આજનાં ઘણા પ્રતિભાશાળી ગાયકોની કારકિર્દીમાં પાયાનો પથ્થર બની રહ્યા હતાં. એક ગુરૂ, ભાઇ કે પિતાને છાજે તે દરજ્જાથી આ તમામ અને બીજા કેટલાય ગાયકોની શ્રેષ્ઠ અને ઝળહળતી કારકિર્દીનું પ્રથમ ડગલું તેમણે પોતાનાં હાથથી ભરાવેલું. આમાંનાં થોડાક નામો, સુધા મલ્હોત્રા, સુખવિન્દર સિંઘ, ઘનશ્યામ વાસવાની, વિનોદ સહેગલ, સીમા શર્મા, અશોક ખોસલા, દિલરાજ કૌર, ઇલા અરૂણ, હરિહરન, કુમાર સાનુ, તલત અઝિઝ, અભિજીત, જસવિંદર નરૂલા… જેવા કંઇ કેટલાય દોસ્તો…!

        આવી જ રીતે આ ગઝલદંપતિએ માત્ર આપણાં દેશમાં જ નહીં, બલ્કે પુરા વિશ્વમાં ગઝલને લોકપ્રિય બનાવી છે. પુરા વિશ્વમાં ઠેર ઠેર શોઝ અને કોન્સર્ટ્સથી ગઝલને આંતરરાષ્ટ્રિય સ્વરૂપ આપ્યું. જગજીત-ચિત્રાનાં ચાહકો દુનિયાનાં તમામ ખુણામાં મળી રહેશે, એ પછી  અમેરિકા હોય, કેનેડા હોય, બ્રિટન, કે પછી પાકિસ્તાન, સિંગાપોર, કેન્યા, દક્ષિણ આફ્રિકા, દુબઇ, કુવૈત, યુરોપ, ઓસ્ટ્રેલિયા કે પછી ન્યુઝીલેન્ડ હોય તમામ દેશોમાં અને દુનિયાનાં તમામ ખંડો અને ૪૦ થી વધુ દેશોમાં જગજીત-ચિત્રાએ લોકોને ગઝલ પાછળ દિવાના બનાવ્યા છે.

        લતા મંગેશકર સાથે ગાવાનું ખુબ જુનુ સપનું જગજીત સિંઘનું ‘સજદા’ સ્વરૂપે પુરૂ થયું. આ આલ્બમ પહેલી વખત એક સેટ સ્વરૂપે ૧૯૯૧-૯૨માં બહાર પડ્યું. લતા મંગેશકરની જેમ જગજીત સિંઘ ગુલઝાર, નિદા ફાઝલી, જાવેદ અખ્તર, અટલ બિહારી બાજપેયી સહિત કેટલાય નામી ગીરામી શાયરો અને કવિઓ સાથે કામ કર્યું છે અને તેમનાં શબ્દોને અવાઝ આપી અમર બનાવ્યા છે.

        એક ઔર વાત જગજીત સિંઘ વિશે જે ખુબ ઓછા લોકો જાણે કે તેમને ઘોડાનો ખુબ શોખ હતો. આ શોખને પુરો કરવા તેમણે એક બા-કાયદા ઘોડાઓનું ફાર્મ બનાવેલું અને જ્યારે સમય મળતો તે ત્યાં પહોંચી જતાં. તેમનાં ફાર્મનાં ઘોડાઓ ડર્બી રેસ પણ જીતી ચુકેલા છે.

        કંઇ કેટલાયે એવોર્ડ અને પારિતોષિક વિજેતા જગજીત સિંઘને એવોર્ડ મળે એ જે તે એવોર્ડનું સન્માન સમું કહેવાય. એવા આ કલાકારને ભારત સરકારે ૨૦૦૩માં ‘પદ્મભૂષણ’ થી સન્માનિત કર્યા છે.

        આ ગઝલ ગાયકીનો પર્યાય એવા મારા અને આપણા સહુનાં પ્રિય જગજીત સિંઘ ૧૦મી ઓક્ટોબરે આ ફાની દુનિયા છોડી. ઇશ્વરને કે ભગવાનને સ્વર્ગમાં કોન્સર્ટનું આયોજન કર્યું હશે તો તેમાં શિરકત કરવા પોતાની પાસે બોલાવી લીધા.

        જગજીત સિંઘ વિશે તો લખવા બેસીયે તો હજુ કેટલાયે પાના ભરાઇ જાય એમ છે. આ તો તેમની આછેરી ઝલક આપી. ક્યારેક પુરી લેખમાળામાં જગજિત સિંઘની ખુબ ખુબ વાતો કરીશું અને તેનાં જીવનનાં એવનવા પાસા અને રંગ પર પેટભરીને (સોરી પાનાભરીને) વાતો કરીશું. આજે આટલું જ.

૮મી ફેબ્રુઆરીએ તેમનાં જન્મદિન પર જગજીત સિંઘને અને જગજીત સિંઘથી મને પરિચીત કરાવનાર મારા પરમમિત્ર દેવદત્તને સમર્પિત લેખ…


सुनते है मिल जाती है हर चीज दुआ से;
एक रोझ तुम्हे मांग के देखेंगे, खुदा से…

આડવાતઃ દેવદત્તની ઘરે રોડ પર પડતી બારી પર તેનું નેશનલ કંપનીનું ઇક્વીલાઇઝર ધરાવતું ટેપ મુકીને તેની સામેજ હિંચકા પર ડાબો પગ જમણા પગ નીચે કરી એક પગે હિંચકાને ધક્કો મારતાં જગજિત સિંઘનાં રૂહાની અવાજ સાથે અમારા આત્માને એકાકાર કરતાં. ઉર્દુની થોડી ઘણી સમજ જે મને છે તે પણ પહેલા જગજિત સિંઘની ગઝલોને કારણે અને બીજા દેવને કારણે…


થેંક્યુ દોસ્ત… 

8 comments:

  1. ખૂબ સરસ અને માહિતી સભર લેખ છે. મેં પણ દેવદત્ત ના ઘરે જગજીતસિંઘ ની ઘણી ગઝલ સાંભળી છે. મને પ્રિય ગઝલ --- વો કાગઝ કી કશ્તી,
    વો બારિશકા પાની…

    ReplyDelete
  2. No word to describe what I feel. Superb article. It may be one of your best article ever. Superb.

    ReplyDelete
  3. મેઘના...14 February 2014 at 13:53

    ખુબ જ સરસ. ખુબ ખુબ સરસ.

    ReplyDelete
  4. વાહ ભૈ... જલસો પાડી દીધો. દોસ્ત આવા લેખ માટે તો અમે આ બ્લોગનાં નિયમીત વાચકો બનીયે છીએ.

    આ લેખ તમારા અમુક શ્રેષ્ઠ લેખમાંનો એક સાબિત થશે. આ અગાઉ 'ભારત રત્ન' પણ આ કેટેગરીમાં આવે.

    ખુબ સરસ લેખ. ઘણી માહિતી, પુરી નહીં કહું. શું કામ તમે જાણો છો. શેર પણ ખુબ પ્રસંગોચીત અને યોગ્ય.

    અભિનંદનનાં હક્કદાર.

    ReplyDelete
  5. Very nice article. You portrait Jagjit Singh very much efficiently. Very impressed. Good work, Well done.

    ReplyDelete
  6. Nice work. Good article.

    ReplyDelete
  7. ધવલ મેહ્તા15 February 2014 at 21:23

    સરસ માહિતીસભર લેખ અને યોગ્ય રીતે યોગ્ય જગ્યાએ વપરાયેલા શેર...

    ReplyDelete
  8. આભાર…………

    સાચુ કહું તો તા. 10 ઑક્ટોબર 2011 થી આજ સુધી જગજીતને સરખી રીતે સાંભળી જ શકતો નથી. ઘણા પ્રયત્નો છતાં સાલુ દિલ એ માનવા તૈયાર નથી થાતું કે હવે જગજીતજી નથી.

    હું પણ ઘણા સમયથી જગજીતજી અંગે અને તેમની એવી ગઝલ વિષે લખવું છે કે જે ગઝલ વિષે ખુદ જગજીતજીએ કહેલું આ ગઝલ હવે મારા કલેક્શનમાં પણ નથી. સદભાગ્યે આ ગઝલ્સ મારી પાસે છે, હવે કદાચ 10.10.14 ના રોજ મારા બ્લોગ ( thakerdevdutt.wordpress.com ) પર મુકીશ.

    वो रूलाकर हस ना पाया देर तक….
    जब मै रो कर मुस्कुराया देर तक….

    भूलना चाहा अगर उसको कभी
    और भी वो याद आया देर तक....

    ReplyDelete