Monday 17 February 2014

મનોબળ

Success is the journey from one failure to another without losing any type of enthusiasm.


मंझिल उन्ही को मिलती है, जिनके सपनों में जान होती है;
पंख से कुछ नहीं होता, हौसलो से उडान होती है ।

        મિત્રો, આ વિષય આમ તો ખુબ ચર્ચાઇ ગયેલો છે, મારા ગયા લેખમાં જે મેં ઉલ્લેખ કરેલો કે એકનાં એક વ્હાલસોયા જુવાનજોધ દિકરાનાં આકસ્મિક મૃત્યુથી ચિત્રાજી અચાનક સાવ ગુમસુમ થઇ ગયા અને એમ કહી શકાય કે પોતાનો અવાજ ખોઇ બેઠા. આવા પ્રચંડ આઘાતને પચાવી જનાર જગજિત સિંઘે પોતાનાં દર્દની દવા સંગીતમાં શોધી અને પ્રબળ મનોબળથી આવા અસહ્ય આઘાતને હસતા ચહેરે પચાવી ગયા. શું છે આ મનોબળ?

होंसले बुलंद कर, रास्तो पर चल दे,
तुझे तेरा मुकाम मील जायेगा,
अकेला तु पहेल कर,
काफिला खुद बन जायेगा,
मायुस हो कर न उम्मीदोका दामन छोड,
वरना खुदा नाराझ हो जायेगा,
ठोकरोंसे ना तु घबरा,
हर पडाव पर अपने आपको तु और मझबुत पायेगा,
नाकामयाबी की धूंध से ना घबराना,
कामयाबी का सूरज तेरी तकदीर रोशन कर जायेगा ।

        એક ફિલ્મનાં સીનથી સમજાવાની કોશીશ કરું. સાલી દુનિયા પણ ગોળ છે હોં! હરીફરીને મારા લેખોમાં ફિલ્મોનો ઉલ્લેખ તો આવે જ. કેમ ખરૂં ને! તો દોસ્તો ફિલ્મ છે ત્રિશુલ. હાં અમિતાભ બચ્ચનની ફિલ્મ, ત્રિશુલ. તમે સહુએ જોઇ હશે આ ફિલ્મ. સીન છે દિલ્હી જેવા મહાનગરમાં એક સફળ બિલ્ડરની ઓફિસ અને કલાકારો છે સંજીવકુમાર અને અમિતાભ બચ્ચન. તો સાહેબાન… સીન એવો છે કે આ બિલ્ડરને મળવા તેની ઓફિસમાં એક અજાણ્યો વ્યક્તિ આવે છે. આ બિલ્ડર એટલે સંજીવકુમાર અને અજાણી વ્યક્તિ એટલે અમિતાભ બચ્ચન. પરંતુ અતિવ્યસ્ત એવા આ બિલ્ડર પાસે તેને મળવાનો સમય ન હોય, સેક્રેટરીને તેને વળાવી દેવાની સુચના આપવામાં આવે છે. આ વાતની જાણ થતાં આ અજાણી વ્યક્તિ પેલી સેક્રેટરીને કહે છે કે મને પાંચ મીનીટ નહીં આપીને તમારા બોસે તેનું પાંચ લાખનું નુકસાન કર્યું છે. આ વાત પેલો બિલ્ડર સાંભળી જાય છે અને પેલી અજાણી વ્યક્તિને મળવા કેબીનમાં બોલાવે છે, અને એની એક પડતર જમીનનો સોદો રૂપીયા પાંચ લાખમાં આ વ્યક્તિ સાથે કરે છે. આ જમીન પર એક માધોસિંઘ નામના ગુંડાએ ગેરકાયદેસર કબ્જો કરેલો હોય છે અને કોર્ટનો હુકમ હોવા છતાંયે આ બિલ્ડર આ જમીન ખાલી ન કરાવી શકતો હોય તેની માટે આ જમીનની કોઇ કિંમત હોતી નથી. આ બધું આ અમીતાભ જાણતો હોવાં છતાંયે સંજીવકુમાર સાથે આ જમીનનો સોદો રૂપીયા પાંચ લાખમાં કરે છે.

        બીજા દિવસે અમિતાભ આ જમીન એકલે હાથે પેલા ગુંડાઓને લમધારીને ખાલી કરાવી નાંખે છે. આ વાત સંજીવકુમાર સુધી પણ પહોંચે જે શશી કપુર તેને કહે છે કે આ વિજય(અમિતાભ) ને વો જગાહ ખાલી કરવા દી. કમાલ કર દીયા. ત્યારે જવાબમાં સંજીવકુમાર તેને કહે છે જે ખરેખર સાંભળવા જેવી અને સમજવા જેવી છે. જેમાં પ્રચંડ મનોબળનું એક સુંદર ઉદાહરણ પણ મળે છે. સંજીવકુમાર કહે છે કે ‘કમાલ ઇસ બાત કા નહીં કી ઉસને વો જમીન ખાલી કરવા દી, કમાલ ઇસ બાત કા હૈ કી વો જાનતા થા કી વો યે કામ કર સકતા હૈ.’

        તો વાચકો, વ્યક્તિ પોતાનાં જીવનમાં જે કંઇ મહાન સિદ્ધિઓ કે સ્થાન પ્રાપ્ત કરે એ એના અદમ્ય સાહસ થકી જ મેળવે છે, પરંતુ કોઇપણ સફળતા પામ્યા પહેલાં પોતાનાં સાહસને, ક્ષમતાને બરાબર ઓળખવા એ મનોબળ છે.

‘કદમ અસ્થિર હો એને કદી રસ્તો નથી જડતો,
અડગ મનનાં મુસાફરને હિમાલય નથી નડતો…’

        ધીરૂભાઇ અંબાણી આ વાતનું જ્વલંત ઉદાહરણ છે. કે કઇ રીતે વ્યક્તિ સાહસ અને મનોબળ થકી કઇ ઊંચાઇ સુધી પહોંચી શકે છે. શું હતું ધીરૂભાઇ પાસે જ્યારે એ એડનથી નાના મુકેશને અને કોકીલાબેનને લઇને મુંબઇ આવેલાં? અને આજે? ધીરૂભાઇનાં જીવનકવન પર આધારીત એવી ફિલ્મ ‘ગુરૂ’, ‘સપને મત દેખો, સપને કભી સચ નહીં હોતે. મેરા બાપુ કહેતા થા’. આ ફિલ્મનાં ક્લાઇમેક્સમાં એક સીન છે, જેમાં શક્તિ ઇન્ડસ્ટ્રીઝ પર વિવિધ પ્રકારની ટેક્સ ચોરી માટે કેસ થયા હોય છે અને સુનવાઇ માટે ગુરૂભાઇને કોર્ટમાં બોલાવવામાં આવે છે અને તેને પાંચ મીનીટ આપવામાં આવે છે પોતાની પેરવી કરવા માટે અને ખુલાસાઓ આપવા માટે. ત્યારે છેલ્લે તે એક વાત કહે છે કે ‘આ કેસને કારણે મારે ઘણું બધું ખોવાનો વારો આવ્યો છે પરંતુ એક વસ્તુ તમે મારી પાસેથી ક્યારેય નહીં છીનવી શકો એ છે મારી હિંમત. એ હું ક્યારેય નહીં ગુમાવુ.’ આ છે મનોબળ. આ છે વિશ્વાસ પોતાની ક્ષમતાઓ પર પોતાની સાહસવૃત્તિ પર પોતાની હિંમત પર. આ હિંમત આવે માત્ર અને માત્ર મજબુત મનોબળને કારણે.

‘कौन कहेता है की आसमां में छेद नहीं हो सकता,
एक पत्थर तो तबियत से उछालो यारों…’

        મજબુત મનોબળ ચમત્કારો પણ કરી શકે છે. ગમે એવી અસાધ્ય બિમારીમાંથી કે ગમે એવા અશક્ય લાગતાં સંજોગોમાંથી પણ વ્યક્તિ ઊભો થઇ શકે છે, માત્ર પોતાનાં મનોબળની શક્તિને કારણે. આજે યુવરાજ સિંઘ અને અમિતાભ બચ્ચન આ વાતનું અતિયોગ્ય ઉદાહરણ છે આપણી સહુની સામે. યુવરાજ સિંઘ વિશે આપણે સહુ જાણીએ છીએ, તેને કેન્સર હતું. (ક્યારેક આ ‘ભૂતકાળ’ને પ્રયોજવો કેટલો સુખદ લાગે છે.) પોતાનાં આત્મવિશ્વાસ અને મજબુત મનોબળને કારણે જ આજે આ વ્યક્તિ આપણી સહુની વચ્ચે સહીસલામત અને પુર્ણતઃ રોગમુક્ત અવસ્થામાં છે. આજ રીતે ૧૯૯૫માં અમિતાભ બચ્ચને અમિતાભ બચ્ચન કોર્પોરેશન લીમીટેડની સ્થાપના કરેલી અને આજે જે પદ્ધતિ પર પુરી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ચાલી રહી છે તે પદ્ધતિ પર પોતાની કંપની સ્થાપેલી. કંપની પોતે નવા અને જુના સિદ્ધહસ્ત નિર્દેશકો પાસે ફિલ્મ અને સીરીયલ્સનું નિર્માણ કરવું અને વિતરણ કરવું. ખેર, શક્ય છે કે ૧૯૯૫માં આ વિચાર હજુ સમય પહેલાંનો હોઇ શકે. માટે કંપની ખાડે ગઇ અને બચ્ચનસાહેબ પર એ જમાનામાં રૂપિયા ૬૪ કરોડનું કરજ ચડી ગયું. હવે બે જ રસ્તા હતાં અમિતાભ પાસે. એક તો કરજની પાઇ પાઇ ચુકવી દેવી અને બીજો પોતાને અને કંપનીને નાદાર જાહેર કરીને આ કરજ ચુકવણીથી હાથ ખંખેરી નાંખવા. પરંતુ આ વ્યક્તિએ પહેલો રસ્તો જે ખરેખર ખુબ અઘરો અને તે સમયે તો અશક્ય પણ લાગતો હતો એ પસંદ કર્યો. ધીરે ધીરે, અને પ્રખર મહેનત અને પોતાની જાત પરનાં વિશ્વાસને આધારે અમિતાભે તમામે તમામ બેંકોની પાયેપાઇ વ્યાજ સાથે અને અમારા કાઠીયાવાડમાં કહેવાત છે એમ દુધે ધોઇને ચુકવી દીધી. પચાસી વટાવી ચુકેલી વ્યક્તિ એક નવા જ સાહસ અને મનોબળને સાથે લઇને આવા કપરા સંજોગો સાથે બાથ ભીડે એ લગભગ અશક્ય જેવી વાત ન હોય તો અઘરી તો કહી જ શકાય. આ બધું શક્ય બન્યું મજબુત મનોબળને કારણે.

        શારીરિક શક્તિ કરતાંયે મનની શક્તિ તો કંઇક ગણી અધિક છે. શરીર ભલે નીર્બળ હોય પણ મનોબળ મજબુત હોય તો વ્યક્તિ ગમે તે ઉંમરે અને ગમે તેવા વિપરીત સંજોગોમાંથી પણ સફળતાપૂર્વક બહાર આવી શકે છે. એક બીજી વાત પણ મહત્વની છે કે તમે જો નબળા મનનાં લોકો સાથે સંબંધ રાખશો તો આ લખવૈયાનાં એક લેખની જેમ તમારૂં પણ નેગેટીવ પ્રોગ્રામીંગ થશે અને છેવટે તમેય નબળા મનનાં થતા જશો. આપણે જો સાહસવીર વ્યક્તિનાં સંપર્કમાં રહીએ તો ધીરેધીરે આપણું મનોબળ પણ વિકસતું જશે અને દિનપ્રતિદિન દ્રઢ થતું જશે. આપણાં ગુજરાતીમાં કહેવત છે કે, ‘હિજડાની જાનમાં જ જવાય, મરદની મૈયતમાં જવાય’.

        મનોબળ એટલે સ્વસ્થતા, મનોબળ એટલે આત્મવિશ્વાસ, મનોબળ એટલે વિપરીત સંજોગો સામે લડવાની અને જીતવાની ક્ષમતા, મનોબળ એટલે પોતાનાં સોના જેવા શુદ્ધ અને ૨૪ કેરેટ ગોલ્ડ જેવા સામર્થ્ય પર પૂર્ણ ભરોસો.

        દ્રઢ મનોબળનું શ્રેષ્ઠ ઉદાહરણ એટલે સરદાર વલ્લભભાઇ પટેલ. તેમને લોખંડી પુરૂષનું ઉપનામ મળેલું. તેઓ કંઇ લોખંડનાં નહોતા બનેલા. પરંતુ આ ઉપનામ તેમને તેમનાં દ્રઢ અને લોખંડ જેવા મજબુત મનોબળને કારણે મળેલું. આઝાદીની લડાઇ હોય કે આઝાદી બાદનાં તમામ રજવાડાઓને અખંડ ભારતમાં વિલીન કરાવીની કપરી કામગીરી. સરદારે આ તમામ કાર્યો જે લગભગ અશક્ય લાગતાં હતાં તે શક્ય કરી બતાવ્યા, માત્ર પોતાનાં પ્રચંડ મનોબળથી.

        સંજોગ, હાલાત યાને પરિસ્થિતિ એ ચીજ છે કે જ્યાંથી મનોબળ પેદા થાય છે. મનમાંથી નીકળતી વિપરિત સંજોગો સામે લડવાની તાકાત એટલે મનોબળ. પણ દર વખતે મનમાંથી ઉદ્દભવતું એ મનોબળ કેમ અલગ અલગ હોય છે? વ્યક્તિ વ્યક્તિએ મનોબળની માત્રા અને તિવ્રતા કેમ બદલતી રહી છે? એનું કારણ પણ કદાચ ઠામ-ઠેકાણા વગર મનમાં રહેલું છે. મન પોતે જ અજાયબ ચીજ છે. શરીરમાં હ્રદય ક્યાં છે એ આપણે જાણીએ છીએ. શરીરની ભૂગોળમાં તમામ અંગોનાં સરનામાંથી આપણે ભલીભાંતી વાકેફ છીએ, પણ મન ક્યાં આવ્યું તેનું કોઇ સ્પષ્ટ ઠેકાણું નથી.
       
        આધુનિક તબીબી વિજ્ઞાન મનને ચેતાતંત્ર અને વિવિધ ચેતાઓ વચ્ચે સંવેદનોની આપ-લે દરમિયાન થતાં રાસાયણિક સ્ત્રાવ સાથે સાંકળે છે. આયુર્વેદનાં અભિપ્રાય મુજબ મનોબળ હકીકતે હ્રદયબળ છે. ચરકસંહિતા પણ એમ જ કહે છે કે, ‘चेतः चिन्त्यं ह्रदि संस्थितम्’. અર્થાત મનનું સ્થાન હ્રદયમાં છે.       
        ભારતીય દર્શનશાસ્ત્ર સાચે જ અદ્દભુત છે. અને અદ્દભુત છે તેમાં રજુ થતું માનસદર્શન. યજુર્વેદનું શિવસંકલ્પસૂક્ત મન વિશે કહે છે, ‘ज्योतिषां ज्योतिः’ અર્થાત, અનંતયાત્રા કરતો વિચારોનો શાશ્વત પ્રકાશ એટલે મન. મનનું શરીરમાં સ્થાન ક્યાં છે એ વિશે શિવસંકલ્પસૂક્ત પાસે જવાબ છે. ‘यज्ज्योतिरन्तुमृतं प्रजासु’ – એટલે કે વિચારનાં તેજઃ પૂંજમાંથી પ્રગટતી અમૃતમય જ્યોતિ જ્યાં સ્થિત રહે છે તે છે મન. દીવાની જ્યોતિ સતત ફરકતી રહે છે. વિચાર એ દીવાની જ્યોત જેવો છે. વિચાર ક્યારેય સ્થિર નથી અને માટે મનનું સ્થાન સ્થિર નથી. તો પછી મનોબળ શું છે?

        અન્ય બધા વિચારોને અતિક્રમીને, બાજુ પર હડસેલીને કલ્યાણકારી વિચારને જે બળ આપે છે તે છે મનોબળ. યજુર્વેદ વિચારને શક્તિ ગણાવે છે, અને શક્તિ અજન્મા છે એ તો આધુનિક વિજ્ઞાન પણ સ્વિકારે છે. શક્તિ ન તો જન્મે છે કે ન તો નાશ પામે છે તે ફક્ત રૂપાંતરિત થાય છે. માટે એક વિચારમાંથી બીજો વિચાર જન્મે છે, અને બીજામાંથી ત્રીજો એમ આ ચક્ર ચાલ્યા જ કરે છે.

        જ્યારે સંજોગો કે પરિસ્થિતિ આપણાં વશમાં ન હોય અને માત્ર અને માત્ર હવે તો યુદ્ધ એ જ કલ્યાણની જેમ લડી જ લેવું પડે એવી સ્થિતિ સર્જાણી હોય ત્યારે જે ઢીલાપોચા માણસને પણ લડી લેવાની શક્તિ આપનાર પણ મનોબળ જ છે. આ શક્તિ શારીરિક નહીં પરંતુ માનસિક છે. આવા બળકટ અને મજબુત વિચારને જ મનમાં આવવા દેવા હોય તો, હંમેશા! વિચારો પર આપણો કોઇ અંકુશ ખરો?

        તો જવાબ છે કે ના! આપણાં શાસ્ત્રો અને આધુનિક વિજ્ઞાન પણ આ વાતમાં હામી ભરે છે કે કે વિચાર સ્વયંભૂ છે અને પ્રકૃતિગત છે. તેનું ભૌતિક અસ્તિત્વ કે સ્થૂળ બંધારણ નથી. મનોબળ તો વિચારમાંથી જન્મે છે અને વિચરનું સરનામું નથી, ચહેરો પણ નથી કે આકાર પણ નથી. મનોબળ કે વિચારતો વ્યક્તિની અંદર જ પ્રગટે છે આપબળે જ આવે છે. સંજોગો સામે લડી લેવાની હિંમત અને એ વિચાર જ મનોબળ છે. એક રક્ષણાત્મક પ્રતિક્રિયા. અઢળક વિચારોનાં તેજોમય ઝબકારા વચ્ચે તિવ્રતાથી ઉઠતો એક જોરદાર ભડકો મનોબળ છે. આ ભડકો આપોઆપ થાય છે અને તેનાં થવાનાં સમયે જ થાય છે.


        દ્રઢ મનોબળ મેળવા હકારાત્મક વિચારોનાં નિર્માતા બનો, સર્જક બનો. સફળતા આપોઆપ તમારા દ્વારે ઊભી રહેશે. Whatever the mind of human being conceive and believe, it can achieve. 

2 comments:

  1. માનવે ગમે તેવા પ્રતિકૂળ-પીડાજનક પ્રસંગ દરમિયાન પણ પોતાના મનોબળને મજબૂત રાખવું જોઈએ. મનને મક્કમ કરીને અને રાખીને ધીરજ, હિંમત તથા શાંતિપૂર્વક આગળનો માર્ગ વિચારવો જોઈએ અને રસ્તો કાઢવો જોઈએ. સ્થિરતાને સદા સતત રાખવી જોઈએ. કદી કોઈયે કારણે ભંગાઈ કે નંખાઈ જવું ના જોઈએ. માનવની સાચી કસોટી કપરા સંજોગોમાં જ થતી હોય છે. એ સંજોગો બદલાય છે પણ ખરા. માટે માનવે સદા આશાવાદી બનીને નિરાશાની વચ્ચે પણ નાસીપાસ થયા સિવાય કર્તવ્યની કેડી પર ઉત્તરોત્તર આગળ અને આગળ વધવું જોઈએ.

    ReplyDelete
  2. Never ever disappoint in any situation. Always think that these days will even pass on...!

    This is the real funda of living life happily. Nice article man...! You are improving.

    ReplyDelete