Friday 28 February 2014

ૐ નમઃ શિવાય...

ૐ નમઃ શિવાય

જય ભોળાનાથ,


મિત્રો ગઇકાલે શિવરાત્રી હતી. શિવરાત્રી નવરાત્રીની જેમ રાત્રીનાં ઉજવાતો તહેવાર છે. એમ તો કૃષ્ણ જન્મ પણ રાત્રીનાં જ ઉજવાય છે ને!

શિવરાત્રીની વાર્તા વિશે પણ આપણે સહુ જાણીએ છીએ એમ, પેલા પારધી એટલે કે શિકારીની વાર્તા…
કે પોતાના પરિવારનાં ગુજરાન માટે શિકાર કરતો પારધી એક હરણીને શિકાર કરવા તૈયાર છે, હરણી એનાં પરિવારને મળવા જાય એ દરમ્યાન પારધી જાડ પર ચડીને એનાં પાંદડા નીચે ફેંકતો સમય પસાર કરે છે અને નીચે શિવલીંગ પર આ બધા પાન પડે છે અને જે જાડ પર તે ચડેલો હોય તે જાડ પણ બીલીનું એટલે કે શિવજીનું પ્રિય જાડ હોય છે. અને શિવજી પ્રસન્ન થઇને તે પારધીને દોષ મુક્ત કરે છે અને પોતાની ભક્તિની શક્તિ અને ફળ આપે છે.

આવી કંઇક વાર્તા આ પ્રસંગે નાના હતા ત્યારે દાદા પાસે સાંભળેલી. મહા વદ ૧૪નાં રોજ ધામધુમથી ઉજવાતી આ શિવરાત્રીનું પૌરાણિક મહત્વ પણ ખુબ છે. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ (શિવજી) આ ત્રણેય દેવો આ તમામ સૃષ્ટિનાં, જન્મદાતા, પાલક અને સંહારક છે. કંઇક નાશ પામશે તો જ કંઇક નવિન પ્રગટ્શે તેવો એક સત્ય અને સનાતનકાળથી ચાલ્તો ક્રમ છે. શિવ અને વિષ્ણુ અભિન્ન છે. મૂળમાં જગન્નિયંતા સર્વેશ્વર, સર્વ અંતર્યામી એક જ પરમાત્માનાં બે સ્વરૂપો છે.

यथा शिवमयो, विष्णुरेवं विष्णुमयं शिवः”

      બંને એકબીજાનાં ઉપાસક તથા પ્રસંશક છે. બંને “પરસ્પરાત્મનૌ” અને “પરસ્પરાનુતિપ્રિયૌ” છે. બંને પરસ્પર એકમેકનાં હ્રદયમાં વાસ કરે છે.

शिवस्य ह्रदयं विष्णुर्विष्णोश्व ह्रदयं शिवः”

        રામાયણમાં રામેશ્વરની સ્થાપના સમયે પ્રભુશ્રી રામને શિવજીની સ્થાપના અને પૂજા-અર્ચના કરતાં જોઇ લક્ષ્મણજી પ્રભુને સહજભાવે પ્રશ્ન કરે છે કે, ‘આપે આ શિવલીંગનું નામ રામેશ્વર કેમ રાખ્યું?’ ત્યારે ભગવાન વિષ્ણુ જે ત્યારે પ્રભુશ્રી રામ સ્વરૂપે હતાં તે લક્ષ્મણજીની ઉત્કંઠાનો જવાબ દે છે કે,


रामस्य ईश्वरस्य, त रामेश्वर ।
જે રામનો ઇશ્વર છે તે રામેશ્વર છે…

        તો એ જ સમયે કૈલાશપર્વત પર માતા શક્તિ પણ ભગવાન મહાદેવને આ જ સવાલ પૂછી રહ્યા છે કે, પ્રભુએ આ શિવલીંગનું નામ રામેશ્વર કેમ રાખ્યું? ત્યારે માતા સતિને જવાબ આપતા ભોળાનાથ કહે છે કે પ્રભુ શ્રી રામ ભલે કહે કે રામનો ઇશ્વર છે એટલે આ રામેશ્વર છે પરંતુ હકીકતે તો,

रामः ईश्वरस्य सा रामेश्वरो ।
જેમનો ઇશ્વર સ્વયં શ્રીરામ છે તે રામેશ્વર છે…

        કેટલો સુંદર જવાબ અને પરસ્પર કેટલો એકબીજા પ્રત્યેનો અનુરાગ અને આદરભાવ આ બંને વાતમાં વ્યક્ત થાય છે. બંને પરસ્પરને એકબીજાનાં ઇશ્વર કહે છે. શ્રીરામ મહાદેવને પોતાનાં આરાધ્ય માને છે અને ઇશ્વર તરીકે પૂજે છે તો સામે ભગવાન ભોળાનાથ પણ પ્રભુશ્રી રામને પોતાનાં પ્રાતઃસ્મરણિય ગણીને ઇશ્વર તરીકે માને છે.

        ભગવાન મહાદેવનાં કેટલાય સ્વરૂપો છે. તેમાં લિંગ સ્વરૂપ છે તેને આપણે શિવજી કહીએ છીએ અને જે મૂર્તિ સ્વરૂપે છે તેને શંકર. ‘શિવલિંગ’ વિશે સ્કંદપુરાણમાં કહેવામાં આવ્યું છે…

आकाश लिंगमित्याहः पृथिवी तस्य पीठीका ।
आलयः सर्व देवानां लयनाल्लिड्य मुच्यते ॥”

એટલે કે, આકાશ લિંગ છે, પૃથ્વિ તેની પીઠિકા છે, સર્વ દેવતાઓનુમ આલય છે.
તેમાં સર્વોનો લય થાય છે લોપ થાય છે, તેથી જ તેને શિવલિંગ કહેવામાં આવે છે.

        બ્રહ્માંડરૂપી જ્યોતિર્લિંગ અનંતકોટિ છે. લિંગનો સામાન્ય અર્થ ચિહ્ન કે લક્ષણ થાય છે. દેવચિહ્નના અર્થમાં શિવલિંગ શિવજીનું પ્રતિક સ્વરૂપ મનાય છે. બાકીનાં દેવોની પ્રતિમાને મૂર્તિ કહે છે. મૂર્તિમાન સ્વરૂપમાં દેવોનું સ્મરણ કરવામાં આવે છે, જ્યારે લિંગનાં આકાર કે રૂપનો ઉલ્લેખ નથી. તે ચિહ્મ માત્ર છે. લિંગનાં મૂળમાં પરમપિતા બ્રહ્મા, મધ્યમાં ત્રૈલોક્યનાથ ભગવાન વિષ્ણુ અને ઉપર પ્રણવાખ્ય મહાદેવ સ્થિત છે. વેદી મહાદેવી અને લિંગ મહાદેવ છે. આમ, એક શિવલિંગની પૂજામાં સર્વ દેવોની પૂજા થઇ જાય છે.

        પરમપિતા પરમાત્માનું નામ ‘શિવ’ છે. શિવ નો અર્થ છે ‘કલ્યાણકારી’. કોઇપણ ધર્મનો આત્મા મંદિર, મસ્જિદ, અગિયારી વગેરેમાં જાય છે તો પોતાનાં કલ્યાણ અર્થે જ. તેથી સિદ્ધ થાય છે કે ભગવાન કલ્યાણકારી જ હોઇ શકે. ભગવાન મહાદેવનું શિવનું સ્વરૂપ જ્યોતિબિંદુ છે. તે આ જ્યોતિબિંદુ સ્વરૂપ જે છે તે જ છે આ શિવલિંગ. ભગવાનતો નિરાકાર છે. તેઓ તો નામ અને રૂપથી પરે છે. પરંતુ જ્યારે ભક્તો આ રૂપનાં દર્શનની લાલસા રાખે ઇચ્છા રાખે આશા રાખે ત્યારે પરમાત્માએ પણ પોતાનાં રૂપો પ્રગટ કરવા પડે. સ્વરૂપ વગરની કોઇ વસ્તુ કે આશા ન હોઇ શકે. ગુણને રૂપ નથી હોતું પણ ગુણીને રૂપ હોવું જરૂરી છે. પરમાત્માને નામ, રૂપ અને ગુણથી ન્યારા કે પરે સમજવાથી ભક્તિ, જ્ઞાન અને યોગનું ખંડન થાય છે. એટલે ખુદ પરમપિતા પરમાત્માએ પોતાનો પરિચય આપ્યો છે અને આ પરિચયને આપણે શિવલિંગ કહીએ છીએ. ભારતમાં શિવજીનાં સૌથી મહત્વનાં અને પ્રાચીનકાળથી પ્રતિષ્ઠિત એવા બાર જ્યોતિર્લિંગ મંદિરો પણ જ્યોતિબિંદુ સ્વરૂપ મહાદેવની હાજરીનાં પરમસૂચક છે. આ બારે બાર જ્યોતિર્લિંગોમાં સૌરાષ્ટ્રનું સોમનાથ, હિમાલયનું કેદારેશ્વર, માળવામાં આવેલ વિશ્વેશ્વર અને ઉજ્જૈન – મધ્યપ્રદેશમાં આવેલ મહાકાલેશ્વરનું મહત્વ શિવભક્તિમાં ભક્તોમાં વિશિષ્ટ માનવામાં આવે છે.

        ભગવાન મહાદેવ તો સર્વવ્યાપી છે. બૌદ્ધ ધર્મનાં અનુયાયીઓ પણ સાધના કરવા બેસે ત્યારે શિવલિંગ જેવા એક પત્થરને ત્રણ ફુટ દુર અને ત્રણ ફુટ ઊંચા સ્થાન પર રાખી તેનાં પર ધ્યાન કેન્દ્રિત કરે છે. ઇઝરાયેલ તથા યહુદીઓનાં અન્ય દેશોમાં પણ યહુદીઓ કોઇપણ સોગંદ લેતી વખતે તેમની રીતરસમ અનુસાર આવા એક પત્થરને માનપૂર્વક સ્પર્શીને જે તે સોગંધ લે છે. આ ઉપરાંત પ્રાચીન અને પ્રસિદ્ધ દેશ ઇજિપ્તનાં ફોનેશિયા નગરમાં, ઇરાનનાં સીરિયામાં, યૂનાનનાં સ્પેનમાં, જર્મની, સ્કેન્ડેનેવિયામાં, અમેરિકા, મેક્સિકો, સુમાત્રા, જાવા, સ્કોટલેન્ડનાં ગ્લાસગો, તુર્કિ, તાશ્કંદ, વેસ્ટ ઇન્ડીઝનાં ગિયાના, શ્રીલંકા, મોરેશિયસ, માડાગાસ્કર જેવા અનેકો દેશમાં પણ મહાદેવની પૂજા અર્ચના થાય છે.

        અનેક ધર્મોમાં મતભેદ વધવાને કારણે અન્ય દેશોમાં ભગવાન શિવની ભક્તિભાવમાં થોડી ઓટ આવી હોય એવું બની શકે પરંતુ જે સ્થળેથી શિવલિંગની પૂજાની શરૂઆત થઇ ને વિશ્વમાં પ્રસરી ગઇ એવા ભારતદેશનાં લોકોમાં આજેપણ ભગવાન ભોળાનાથ એટલા જ પૂજનીય અને અતિપ્રિય છે. શ્રી રામને રામેશ્વરમાં, કૃષ્ણને ગોપેશ્વરમાં અન્ય દેવતાઓને પણ તેઓ સર્વેનાં પરમપૂજ્ય ઇશ્વર શિવને દર્શાવવા માટે શિવલિંગની પૂજા કરતા બતાવ્યા છે. એમ કહી શકાય કે સૃષ્ટિનાં સર્વ આત્માઓનાં કોઇપણ ધર્મ યા સંપ્રદાયનાં એકમાત્ર પરમપ્રિય પરમપિતા પરમાત્મા ‘જ્યોતિબિંદુ લિંગસ્વરૂપ શિવ’ છે.

        મહાદેવ તો સંગીતનાં જન્મદાતા કહેવાય છે, સંગીતનાં ત્રણે ક્ષેત્ર એટલે કે વાદન, ગાયન અને નૃત્યમાં મહાદેવ દેવોનાં દેવ કહેવાય છે અને પુર્ણતઃ પણ. આ માટે વિદ્ધાન શબ્દ ઓછો પડે. અને આ લખવૈયાની જાણકારી અનુસાર રાગ માલકૌંસ ભગવાન શિવે બનાવ્યો છે, માટે તેમનાં ઘણાખરાં ભજનો આ જ રાગમાં હોય છે. એમાનું સૌથી પ્રચલિત એવું, ‘સતસૃષ્ટિ તાંડવ રચયિતા, નટરાજ રાજ નમો નમઃ’ આ જ રાગ આધારીત છે. આ ટોપીક પર વધુ વાત ફરી ક્યારેક કરીશું, અત્યારે તો ભગવાન મહાદેવને પ્રસન્ન કરનારો મંત્ર અત્રે પ્રસ્તુત છે,

वंदे शंभुमुमापति सुरगुरूं, वंदे जगतकारणम्
वंदे पन्नगभुषणं च मृगधरं, वंदे पशुनांपतिम् ।
वंदे सूर्यशशांकवहिनयनम्, वंदे मुकुन्दम्प्रियम्
वंदे भक्तजनाश्रयं च वरदं, वंदे शिवंशंकरम् ॥


ૐ નમઃ શિવાય…

(અત્રે લખેલ વિચારો લેખકનાં પોતાના છે. કોઇ સંપ્રદાય કે ધર્મનું ઘસાતું બોલવાનો કે કહેવાનો કોઇ આશય નથી.)

1 comment:

  1. GHANSHYAM N VYAS4 March 2014 at 14:38

    સુંદર અને માહિતીસભર લેખ.

    ReplyDelete