Showing posts with label મન. Show all posts
Showing posts with label મન. Show all posts

Thursday, 6 March 2014

Loneliness or Aloneness?

हर तरफ, हर जगाह, बेशुमार आदमी,
फिर भी तन्हाईयों का शिकार आदमी…!
શાયર નિદાં ફાઝલીએ જ્યારે આ લખ્યું હશે ત્યારે એમને એકલતા સતાવતી હશે કે નહીં, કોને ખબર? એક ગુજરાતી ગઝલનો શેર યાદ આવે છે:
આયનાઓ હાથમાં રહી જાય છે, ભીંતમાંયે બિંબ તો દેખાય છે.
હું ખડક થઇને ઊભો છું ક્યારનો, જળ બનીને તેઓ મને અફળાય છે.

       એકલા પડી જવાનો ભય મોટા ભાગના લોકોને ડરાવે છે. વૃદ્ધો સંતાનોના ત્રાસને સહન કરે છે કારણ કે એ એકલા જીવી શકે એમ નથી. પતિ પર આધારિત (આર્થિક કે ઇમોશનલ) પત્ની એનાં લફરાં અને દાદાગીરી ચલાવી લે છે કારણ કે એ એકલી જીવી શકે તેમ નથી. પડોશીને સહન કરીએ છીએ કારણ કે જંગલમાં જીવી શકીએ તેમ નથી. મિત્રોને સાચવી લઇએ છીએ કારણ કે જિંદગી મિત્રો વિના જીવી શકાય તેમ નથી. સગાંઓને જીરવીએ છીએ કારણ કે સામાજિક સંબંધો આપણે માટે અનિવાર્ય છે.
       લોન્લીનેસ કે એકલતા આપણે કે કોઇપણ માણસ જીરવી શકતા નથી. આજના સમયમાં ઘોંઘાટ જીવવાની જરૂરિયાત બનતો જાય છે. ઘરમાં ટેલિવિઝન, ગાડીમાં રેડિયો, સેલફોન માણસના જીવનની એવી જરૂરિયાત છે કે એને ખાવાનું ન મળે તો ચાલે, પણ આસપાસના અવાજ વિના એ ઘાંઘો થઇ જાય છે. મૌન માણસમાત્ર માટે અઘરું બનતું જાય છે. શાંત, ચૂપ કે એકલા ન રહી શકવાની ગૂંગળામણને માણસ ‘બોર થવાના’ નામથી ઓળખે છે. સતત પ્રવૃત્તિ એ જ એમાંથી છટકવાનો ઉપાય છે. અને ઘણાં તો આ આદતને વળી થોડી રૂપાળી રીતે રજુ કરે છે કે 'દોડતા રહેવું તો નિયતી છે." મારા એક ખાસ મિત્રનો આ એમ કહોને કે જીવનમંત્ર છે. સતત કામ, કામ અને કામ, ઘણીવાર ખુબ જ કામને કારણે જેને અંગ્રેજીમાં આપણે 'વર્કોહોલિક' કહીયે એમ માણસ કામઢો થઇ જાય છે. બીજા માટે તો ઠીક, ખુદ પોતાના માટે પણ તેની પાસે એક પળ નથી કે એક સેકન્ડ નથી. બસ કામ, કામ અને કામ.
       નવથી નવ કામ કરવાથી, ગાડીમાં સંગીત સાંભળવાથી, ઘેર આવીને ટેલિવિઝન જોવાથી, પાર્ટી કે ઝઘડા કરવાથી એકલવાયાપણું દૂર થઇ શકતું નથી. એકલવાયાપણામાં દસ વર્ષના છોકરાથી લઇને સો વર્ષના વૃદ્ધ સુધી કોઇ પણ એકલું પડી શકે. કોઇને પણ એકલતાની ભૂતાવળ ડરાવી શકે. સતત માણસોની વચ્ચે રહેવાથી એકલતા દૂર ભાગે છે એવું માનવું માણસની સૌથી મોટી ભૂલ હોઇ શકે. માણસમાત્રને એકલતા ડરાવે છે કારણ કે એકલતાની સાથે અસ્વીકાર જોડાયેલો છે. જગતનો દરેક માણસ ‘સ્વીકાર’ ઝંખે છે. ‘મને કોઇ નથી જોઇતું, હું કોઇનો મોજતાજ નથી’ કહેનાર માણસ પણ ભીતરથી સ્વીકાર અને આવકાર ઝંખે છે. પોતાને કોઇની પડી નથી કહેનારા ખરેખર ડિફેન્સ મિકેનિઝમથી કામ કરે છે. જાતને રક્ષણ આપવાની આ વૃત્તિ ભયમાંથી જન્મે છે. કોઇ પોતાની સાથે સંબંધ તોડી નાખે એ પહેલાં પોતે જ સંબંધ તોડીને નીકળી જવું. કોઇ પોતાને નકારે તે પહેલાં પોતે જ સામેની વ્યક્તિને નકારી દેવી. કોઇ પોતાને ચાહતું નથી એવી નિરાશા જન્મે તે પહેલાં પોતાને પ્રેમમાં, ચાહનામાં, સંબંધોમાં વિશ્વાસ નથી કહીને છટકી જવાની વૃત્તિ ખરેખર તો માણસના મનની આસપાસ રચાતું એક ઇન્સ્યુલેશન છે. જે એને એકલો પડતો અટકાવે છે-એવું માણસ માને છે.
       એકલા પડી જવાની આ પરિસ્થિતિ બીજા લોકોને કારણે ઊભી થઇ હોય ત્યારે એ સ્વીકારવી અઘરી બને છે. કોઇ આપણને તરછોડી કે છોડી જાય એ વાત સ્વીકારવાની આપણામાં તૈયારી હોતી નથી. આપણને લાગે છે કે આ દુનિયામાં એવો કોઇ માણસ છે જ નહીં, જે આપણને નકારી શકે. જે ક્ષણે આવો કોઇ માણસ મળી જાય અથવા જીવનમાં આવી પરિસ્થિતિ આવી જાય ત્યારે એકલતા અસ્વીકાર્ય પરિસ્થિતિ બને છે. અહમને અકબંધ રાખવા માટે આપણે નકારવાની પ્રક્રિયા શરૂ કરીએ છીએ. જે ધીમે ધીમે વધુ એકલતા તરફ ધકેલે છે.
       સંબંધો તૂટી જાય અને એકલતા ઘેરી વળે ત્યારે સમજાય છે કે સંબંધો ટકાવવા માટે આપણે કોઇ પ્રયત્ન કર્યો જ નહોતો. કારણ કે દોસ્ત સંબંધ એક એવું વૃક્ષ છે જેને પાયાથી જ સમય અને સમજણનાં પાણીથી સીંચવું પડે છે. જો આપણને એવો ફાંકો હોય કે મને કોઇની જરૂર નથી, તો એ પણ સમજી લેવું અને સ્વિકારી લેવું જોઇએ કે આપણી પણ કોઇને જરૂર નથી. આ ફાંકો કે અહમ જ માણસને એક્લો પાડી દે છે. એક વાર એકલતાના અનુભવમાં પ્રવેશીએ પછી એક નવો એક્સ્ટ્રિમ (અંતિમ વિચાર) પ્રવેશે છે. જે રીતે જીવતા હતા તે, શહેર અને કામધંધા સહિત ક્યારેક મિત્રો કે પ્રિયજનને પણ પોતાની જિંદગીમાંથી બહાર ફેંકી દેવાની ઇચ્છા થઇ જાય છે.
       આનું કારણ આપણી અંદરનો અહંકાર છે, જે કહે છે કે, ‘કોઇ આપણને શું નકારી શકે, આપણે જ બધાને નકારી દઇએ.’ આ પરિસ્થિતિ જોખમી છે કારણ કે આ બધું બદલવાથી અંદરનો ખાલીપો બદલાશે નહીં એ નકકી છે. સફળ વ્યક્તિ, કામની વ્યક્તિ, મોટા લેખકો, અભિનેતા, સરકારી પદ પર રહેલી વ્યક્તિઓ કે મિનિસ્ટર્સ જ્યારે સફળતાના શિખરે કે સત્તાના સર્વોચ્ચ પદે હોય છે ત્યારે એમની આસપાસ લોકોની ભીડ હોય છે. પદ કે સફળતા ઓસરી જાય ત્યારે પ્રશંસકો કે ચમચાઓ આસપાસથી ખસી જાય, એ વખતે ખાલીપાનો અનુભવ એમને તોડી નાખે છે. આનું કારણ કદાચ એ છે કે એમણે એ ટેમ્પરરી અનુભવ-કામચલાઉ પરિસ્થિતિને કાયમી માની લીધી. આ બધું તો તમારી સફળતા સાથે મળેલું તમને ઇન્સેન્ટીવ્ઝ કહી શકાય, કે અમારી ગુજરાતી તળપદી ભાષામાં જેને લટકામાં મળેલું કહી શકાય. આ બધું ક્ષણભંગુર હોય છે. કહે છે ને કે "સફળતાનાં સો બાપ, પણ નિષ્ફળતાનો તો ખુદનો પણ નહીં..."
       માણસમાત્રનું અસ્તિત્વ કાયમી નથી. સંબંધો, સફળતા, સત્તા કાયમી નથી. જે આ સ્વીકારી શકે છે એ પરિસ્થિતિ સાથે બદલાવાની સ્થિતિસ્થાપકતા ધરાવે છે. જડ થયેલાં મન કે હૃદયને એકલતાના હથોડા તોડી નાખે છે. ‘વિપશ્યના’ની આધ્યાત્મિક અપલિફટિંગની પ્રક્રિયામાં મૌનનું મહત્વ સમજાવવા એક જ ઓરડામાં રહેતા બે જણાને એકબીજા સાથે વાત ન કરવાની સૂચના આપવામાં આવે છે. એક ઓરડામાં કેટલાક દિવસ સાથે રહેનારા બે જણા એકબીજાની હાજરી છતાં મૌન રહેતાં શીખી જાયે ત્યારે એમને ‘એકલતા’માંથી ‘એકાંત’ તરફ જવાની લાગણી સમજાય છે. આસપાસના લોકોથી જાતે જ અલગ થવાની શરૂઆત થાય ત્યારે એક સોલિટ્યુડનો અનુભવ થાય છે. આ સોલિટ્યુડ માણસને પોતાની નજીક લઇ આવે છે. ઘોંઘાટમાંથી નીકળીને વિચાર કરતાં શીખવે છે. માણસ વાત કરવાને બદલે વિચાર કરતો થાય છે ત્યારે એની એકલતા એકાંતમાં બદલાઇ જાય છે.
       પસંદ કરેલું એકાંત અને પરાણે ઠોકી બેસાડાયેલી એકલતામા ફેર છે. ઠોકી બેસાડાયેલી એકલતા આત્મહત્યાનો ધીમો ડોઝ છે, જ્યારે જાતે પસંદ કરાયેલું એકાંત વધેલા વર્ષોને આનંદથી જીવવાની જડીબુટ્ટી! એકાંતની તો પોતાની જ મજા છે. માણસ આ સમયે પોતાની સાથે વાતો કરતો હોય છે. પોતાની સાથે હોય છે અને આ સંગાથની મજા માણતો હોય છે. એકાંતનો સૂર જો સાંભળી શકો અને સમજી શકો તો ક્યારેય જીવનમાં નિરાશા નહીં આવે તેની ગેરંટી...

ફિલ્મ (જો આવ્યું પાછું કેમ!) ‘ઝિંદગી ના મિલેગી દોબારા’ માં ફરહાન અખ્તર ખુબ સરસ નાનકડી કવિતા બોલે છે…! આ કવિતામાં જાતને ઢંઢોળવાની વાત છે. જાત સાથે દોસ્તી, યારી કરવાની વાત છે.
पिघले निलम सा बहता हुआ ये समां,
नीली नीली सी खामोशियां,
ना कहीं है झमीं, ना कहीं आसमां,
सरसराती हुई टहेनियां, पत्तियां,
केह रही है, बस एक तुम हो यहां,
सिर्फ में हुं, मेरी सांसे है, और मेरी धडकनें,
ऐसी गहेराईयां,
ऐसी तनहाईयां,
और मैं सिर्फ मैं,
अपने होने पे मुझको यकींन आ गया…।
આ એકાંતનો અનુભવ એકવાર કરી જુઓ મિત્રો, જો જો જીવન પરત્વે નો તમારો દ્રષ્ટિકોણ જડમૂળથી બદલાઇ જાશે. એક વાત ગાંઠે બાંધી લો, જે વ્યક્તિ પોતાની જાતને ચાહતી નથી, તે દુનિયામાં કોઇને ચાહી ન શકે…!

So Love yourself, love aloneness, enjoy it! Enjoy yourself, with yourself…

Monday, 27 January 2014

दिल तो बच्चा है जी....



મિત્રો, દરેક વ્યક્તિમાં એક બાળક છુપાયેલું હોય છે. આપણે સહુ ગમે એટલા મોટા થઇ જઇએ, ગમે એ ઉંમરનાં હોઇએ કે ગમે તે સ્થિતિમાં હોઇએ, આપણી મ્હાંયલો બાળક ક્યારેક અને ક્યારેક તો જ્યારે એવી સ્થિતિ કે પરિસ્થિતિ સર્જાય કે તરત જ આપણી પર હાવી બને છે.

તમારામાંથી દરેક વ્યક્તિ અહીં હું ઉંમરમાં વયસ્ક વ્યક્તિઓની વાત કરું છું. કે તમારામાંની દરેક વ્યક્તિ હંમેશા એવું ઇચ્છે છે કે હંમેશા બાળક બનીને રહીએ. ખરેખર દોસ્તો, કેવી વિચિત્ર વિચિત્રતા અને કેવો અદ્દ્ભુત સ્થિતિ હોય છે, કે જ્યારે બાળક હતાં ત્યારે આપણે ખુબ જલ્દી જલ્દી મોટા થવા ઇચ્છતા. પપ્પાનાં શુઝમાં પહેરીને ચાલવાની કોશીશ કરતાં, પપ્પાની ટાઇ કે એમનો પટ્ટો બાંધવાની કોશીશ કરતાં, ઘણું ઘણું એવું કરવાની કોશીશ કરતાં કે જેનાથી આપણી આસપાસની વ્યક્તિઓ આપણને મોટા સમજે. ભલે ઉંમરમાં નહીં તો સમજમાં. પણ મોટા તો ગણે. આપણે હંમેશા એ કોશીશમાં રહેતા. કેમ ખરું કે નહીં?

અને આજે?

આજે સ્થિતિ એ જ છે. પણ ઉંમરમાં ફર્ક પડી ગયો. શું પડ્યો કે આપણે હકીકતમાં ઉંમરમાં મોટા થઇ ગયા. હવે કંઇ એવી કોઇ હરકત કરીએ તો તરત જ આસપાસ ચોપાસની વ્યક્તિઓ મીઠો ઠપકો આપે, કે ઘેલા કાઢમાં! હવે તું ઢગો થયો… કે ઢાંઢો થયો. આ ઉંમરે આવા નખરા કરાય? વગેરા વગેરા…

આવા નખરા કરવાનું કારણ શું? કારણ અતિ સામાન્ય. આપણે જે છીએ તે ક્યારેય બની રહેવા ઇચ્છતા નથી. મોટા થયા પછી જ ગાવાનું મન થાય…’ વો કાગઝ કી કશ્તિ, વો બારીશ કા પાની…’ કારણ આપણે મોટા થઇ ગયા ભાઇ…! હવે આ મોટપની મજા નથી આવતી. આના કરતાં તો એ નાનપણ હજાર દરજ્જે સારું હતું. ખરૂં ને? નાનપણની, બાળપણની પણ એની મસ્તી છે અને હું તો ત્યાં સુધી કહુ છુ દોસ્તો, કે જ્યારે જ્યારે મોકો મળે ત્યારે ઘડીક તો ઘડીક પણ આવા કાલાઘેલા કાઢી લેવા. જેથી આપણી અંદરનો બાળક જીવતો રહે.




આ બધી વાત યાદ આવી એ પાછળ પણ એક કારણ છે. મને ખુદને ફેન્ટસીની દુનિયામાં કલ્પનાની દુનિયામાં વિહરવું ગમે છે. સાચી વાત કહું છું યારો! આજે પણ જ્યારે કોઇ વાર્તા કહે કે એવું કંઇ પણ આવે ત્યારે જોવું, જાણાવું અને સૌથી અગત્યનું એને માણવું ગમે દોસ્તો.

તમારો જ દાખલો લઇ લો. તમારામાંનાં સહુને રામાયણ, મહાભારત જોવી ગમે કે નહીં? અત્યારે લાઇફ ઓકે પર આવતી ‘મહાદેવ’ ગમે કે નહીં? ‘સુપરમેન, હેરીપોટર, બેટમેન, કે સ્પાઇડરમેન કે આપણા દેશી વર્ઝન એવા ક્રિશ, રોબોટ કે રા-વન જોવા ગમે છે ને? શા માટે? કન્ટેન્ટને કારણે નહીં દોસ્ત! આપણને મજા આવે છે એ હવામાં ઉડતા પાત્રોને જોવાની, એ લાકડીમાંથી વિજળી છોડતા જોવાની, આપણે જે નથી કરી શકતાં કે જે માત્ર અને માત્ર સપનાંઓમાં જ આપણે કરી શકીએ એમ છીએ આપણી વાંછનાઓને પડદા પર જોવામાં મજા પડી જાય છે ને? એ જ પ્રમાણ છે યાર! કે તું હજુયે બાળક છે.



આજે પણ આપણને સહુને જો આપણા નાનપણમાં ફરી જવા મળે તો? ચાલો આપો જવાબ…

Tuesday, 5 November 2013

સંકલ્પ શક્તિ શું છે? Know your Strength...


તમારી શક્તિને જાણો, ઓળખો અને એનાં પર વિશ્વાસ રાખો.

        દુનિયામાં કોણ એવું છે કે જેનાં મનમાં, હ્રદયમાં મહત્વાકાંક્ષાં નથી હોતી? દરેકનાં મનમાં કોઇને કોઇ ઇચ્છા અવશ્ય હોય જ છે. હરકોઇ કંઇક ને કંઇક મેળવવા ઇચ્છે છે. પરંતુ શું માત્ર ઇચ્છા રાખવાથી જ તમે તે સ્થાન કે તમારી મહત્વાકાંક્ષાને મેળવી શકશો? પામી શકશો? દરેક મહત્વાકાંક્ષા અત્યંત પરિક્ષમ માંગે છે. હવે ખેડૂતનું જ ઉદાહરણ લઇ લો. પોતાની ખેતી કે ફસલ માટે એ કેટલી મહેનત કરે છે, પરિક્ષમ કરે છે. ફુલ-ફળ શું આપમેળે ઉગે છે? એને ઉગાડવાવાળાં લોકો પાસેથી જ આપણે જાણી શકીએ છીએ કે આ બધું ઉગાડવા કે મેળવવા તેમણે કેટલી મહેનત કરેલી, કેટલો સખત પરિક્ષમ કરેલો. મહત્વાકાંક્ષા પણ આમા અપવાદ નથી.

        મહેનત કરો. તમારી હર એક મહત્વાકાંક્ષા હરેક ઇચ્છા પુરી થશે. પણ એ માટે પહેલી શરત છે, મહેનત કરવાની, પરિક્ષમ કરવાની અને એ પણ સખત. મહેનત કરવાથી તમને બધું મળી શકે છે. બસ જરૂર છે યોગ્ય દિશામાં મહેનત કરવાની.

આ માટે અમુક નિયમો કે સુચનાઓ પર નજર દોડાવીએ.

મનોદશા કે ચિત્તને સ્થિર રાખો –
        તમારા કામ પર તમારા મનને એકાગ્ર કરો. સ્થિર કરો. તમારી જ જીત થશે અને મનોવાંછીત ફળ પણ મળશે જ એવાં પૂર્ણ આત્મવિશ્વાસ સાથે મચી પડો. દ્રઢ નિશ્ચય અને પૂર્ણ આત્મવિશ્વાસ સાથે પોતાની તમામ શક્તિઓને તમારા લક્ષ પર એકાગ્ર કરી દો તો જ સફળતા મળશે. આશા, દ્રઢ નિશ્ચય અને પૂર્ણ આત્મવિશ્વાસ ધરાવનારાઓની ક્યારેય હાર થતી નથી. પરિસ્થિતિ ભલે ગમે એવી હોય, પણ પોતાનાં મનને સ્થિર મનોદશાને સ્થિર રાખો. પછી જુઓ ચમત્કાર…!

આત્મ શ્રધ્ધા રાખો –
        તમે જે લક્ષ પ્રાપ્ત કરવા ઇચ્છો છો તો એ મેળવવા માટે જો તમને તમારી જાત પર જ વિશ્વાસ નહીં હોય શ્રધ્ધા નહીં હોય તો એ તો પેલી વાત જેવું થયું કે તમે ચાલો છો તો પશ્ચિમ બાજુ પણ પૂર્વ પર પહોંચવા ઇચ્છો છો. સફળ થવા માટેનો સૌથી મોટો અને સીધો સાદો સિદ્ધાંત છે કે તમે જે લક્ષને મેળવવા ઇચ્છો છો તેને મેળવવાની પ્રબળ આશા પણ રાખો તેમજ એ માટેની જરૂરી એવી શક્તિ અને આત્મવિશ્વાસ તમારા મનમાં ભરી દો. જો તમે જ તમારી યોગ્યતા પર અને લક્ષની પ્રાપ્તિ હેતુ શક્તિ અને સામર્થ્ય પર વિશ્વાસ નહીં રાખો શ્રદ્ધા નહીં રાખો તમે લખી રાખજો કે મનચાહી સફળતાને તમે કદી તમારી પ્રત્યે આકર્ષી નહીં શકો.

મનોવૃત્તિ બદલો –
        આપણાં વિચારોની ગરીબી, નિરાશાની ભાવના, પોતાની શક્તિઓ પર સંદેહ અને ભયની ભાવના, આત્મવિશ્વાસની કમી અને કાર્યહિન બેસી રહેવાની વૃત્તિ જ આપણને ગરીબ બનાવી રાખે છે.

        તમે તમારી મનોવૃત્તિને એક ધનાઢ્ય વ્યક્તિની મનોવૃત્તિ જેવી બનાવો. તમારી કોઇ પણ ચેષ્ટા કે અભિનયથી તમારી ગરીબી દેખાવી ન જોઇએ. જ્યાં સુધી તમારી આસપાસનું વાતાવરણ જ તમને ગરીબીની માનસિકતા તરફ ખેંચતું રહેશે ત્યાં સુધી તમે મનથી પણ ક્યારેય ધનાઢ્યની જેમ વર્તી નહીં શકો. તમારા ઉદ્દેશપૂર્તી હેતુ જે કરવું પડે તે જ કરો. ઘણીવાર પોતાનાં વર્તનથી જ માણસ સફળ થતો હોય છે. પોતાનું દુઃખડું કોઇપાસે રડો નહીં. પોતાની જાતને મજબૂત બનાવો. માર્ગમાં આવનારા વિધ્નથી જરા પણ વિચલીત થયા વિના લક્ષ્ય પર દ્રષ્ટિ રાખો અને આગળ વધો. તમે જરૂર સફળ થશો.

        ખાસમખાસ નેગેટીવ પ્રોગ્રામિંગ ન થાય એનું ખાસ ધ્યાન રાખવું અને આવા લોકોથી હરહંમેશ સાવચેત રહેવું. આ એ લોકો છે જેમની મનોદશા ગરીબ છે. તમારે એમનાં જેવું રહેવું હોય તો અને તો જ આવા લોકોનાં સંપર્કમાં રહેજો.

વિશ્વાસ તો કાર્યસિદ્ધિનો શ્વાસ છે –
        વિશ્વાસ તો કાર્યસિદ્ધિનો પિતા છે. વિશ્વાસથી માનસિક શક્તિઓને સહારો મળે છે અને આ શક્તિઓમાં વધારો પણ થાય છે. વિચારોની તિવ્રતા કેવળ ધારણાઓથી મળે છે. એનામાં સ્થિરતા કેવળ દ્રઢ નિશ્ચયથી આવે છે. એને શક્તિ માત્ર અને માત્ર પ્રચંડ આત્મવિશ્વાસમાંથી મળે છે. જો તમારો આ ગુણ નબળો પડશે તો વિચાર પણ નબળો પડશે અને તમે તમારી કાર્યસિદ્ધિ માટે અસમર્થ થઇ જશો. માટે વિચારો પર વિશ્વાસ રાખો.

        દુનિયામાં કોઇપણ વ્યક્તિ ત્યાં સુધી કંઇ નથી કરી શક્તો કે સફળ થતો જ્યાં સુધી એને પોતાનાં હાથમાં લીધેલા કામનાં વિષયમાં અને એ કામને પુરી કરી શકવાનાં પોતાના સામર્થ્ય પર દ્રઢ વિશ્વાસ ન હોય. જો આ દ્રઢ વિશ્વાસ હોય તો એવા લોકોનું પોતાનાં લક્ષ સાધ્ય હેતુ પાછીપાની કરવાનું અસંભવ હોય છે. એને પોતાનાં પર અને પોતાની શક્તિ અને સામર્થ્ય પર પૂર્ણતઃ દ્રઢ વિશ્વાસ હોય કે જે કામ એને કરવાનું છે એ કામ એ કરી શકે એમ છે. એ માટે એનાં માર્ગમાં આવનારા તમામ વિઘ્નોનો સામનો કરવાની હિંમત પણ ધરાવે છે.

કોઇનું અનુકરણ ન કરવું –
        જે લોકો પોતાનાથી વધુ સામર્થ્ય ધરાવતા લોકોનું અનુકરણ કરવાનું શરૂ કરે ત્યાં એ પોતાની આગવી ઓળખ ગુમાવી લેતા હોય છે. ત્યારબાદ તેઓ માત્ર તેટલું જ જોઇ શકે છે કે વિચારી શકે છે જેટલું પેલી વ્યક્તિ જેનું એ અનુકરણ કરતાં હોય. એક રીતે કહું તો આવા લોકો કૂપમંડૂક બનીને પુરૂ જીવન વ્યતિત કરતાં હોય છે. પોતાનું જીવનમાં ક્યારેય તેઓ પ્રગતિ કરી શકતાં નથી. એમનું જીવન એક ઘોર અંધકારની ગર્તામાં ધકેલાઇ જાય છે, અને એનો આવા લોકોને જરા પણ અહેસાસ હોતો નથી.

        ઉઠો, જાગો અને આગળ વધો! આગળ વધીને દોડો ત્યારે જ તમને તમારી મનચાહી મંઝીલ મળશે. ભગવાને રસ્તો તો બનાવ્યો જ છે. પણ ઉઠીને એ રસ્તા પર ન ચાલો તો આમાં દોષ કોનો? સ્વાભાવિક છે કે આપણો જ દોષ છે.

શ્રેષ્ઠ પરિણામની જ આશા સેવો –
        પ્રત્યેક કાર્ય પ્રત્યે રચનાત્મક દ્રષ્ટિથી જોવું, એની સારી બાજુ જોવી, આશા ભરી નજરોંથે જોવું, સફળતાનો ભરોસો રાખવો અને મનમાં વારંવાર સફળ થશું જ એવા જ ભાવ લાવવા. સંદેહ અને સંશય જેવા નિર્બળ કરનારા ભાવોને મનથી અને પોતાનાથી દુર રાખવા, આ તમામ કાર્યો એવા છે કે જેના કારણે મનુષ્ય પોતાના તમામ કામો અને ચેષ્ટાનું સર્વોત્તમ અને શ્રેષ્ઠ પરિણામ જ મેળવે.

        આશાવાદથી તમામ માનસિક યોગ્યતાઓમાં વૃદ્ધિ થાય છે વિકાસ થાય છે ઠીક એમ જ જેમ સુર્યોદય થવાથી ફુલ-છોડ અને વૃક્ષોની વૃદ્ધિ થાય છે. નિરાશાવાદ એક નકારાત્મક બાજુ છે, એક વિચાર છે, સોચ છે. નિરાશાવાદ ઘોર અંધકાર ભર્યું નરક છે. જ્યાં મનુષ્યની તમામ શક્તિઓ અને તમામ યોગ્યતાઓ અપંગ બની જાય છે અને તેમનો વિકાસ રૂંધાઇ જાય છે. જેમને ચારેકોર નિરાશા જ નિરાશા દેખાતી હોય એમનું ભવિષ્ય અંધકારમય છે.

સિદ્ધિનાં અવસરો –
        એક વાતને તમે ગાંઠે બાંધી લો કે હાલની પરિસ્થિતિવશ તમે કેટલા નિર્ધન અને ગરીબ શા માટે ન હો પણ ભવિષ્યમાં તમે ધનાઢ્ય બની શકો છો. જો કોઇ વ્યક્તિ પોતાની જાત પર ભરોસો રાખે, જો નિરંતર પોતાના ઉદ્દેશ્યની વિશે જ વિચારતો હોય, જે પોતાની કાર્ય કરવાની યોગ્યતાઓ પર ભરોસો રાખતો હોય, જે પોતાની દ્રષ્ટિ નિરંતર પોતાનાં લક્ષ્ય પર એકાગ્ર કરીને રાખતો હોય, જે વ્યક્તિ પોતાનાં પર વિશ્વાસ રાખી અને ઘોર પરિક્ષમ અને સંઘર્ષ કરવાની ઇચ્છા અને સંકલ્પ રાખતો હોય એવા લોકોની જીત હંમેશા થતી હોય છે. આવા લોકો જ પોતાનું ઇચ્છીત ફળ, ઇચ્છીત હેતુંને પાર પાડી શકતા હોય છે.

        તમે જે કાર્યો પુરા કરવાનો મનોમન સંકલ્પ કર્યો હોય એ કાર્યોની સિદ્ધિ પર તમને પૂર્ણતઃ વિશ્વાસ હોવો જરૂરી છે. આશાવાદ જેટલો તિવ્ર હશે એટલો જ ઉત્સાહ પણ ઉગ્ર હશે. ઉત્સાહ જેટલો ઉગ્ર હશે એટલો જ માનસિક પ્રયત્ન પ્રચંડ હશે. માનસિક પ્રયત્ન જેટલો પ્રચંડ હશે એટલી જ તિવ્રતાથી સફળતા પ્રાપ્ત થશે.

નિશ્ચયમાં દ્રઢતા –
        જે વસ્તુને આપણુ હ્રદય ઇચ્છે છે ચાહે છે તે સ્વરૂપનું નિર્માણ આપણી આશા-આકાંક્ષા, આપણો વિશ્વાસ, આપણો દ્રઢ સંકલ્પ અને આપણાં પ્રયત્નો થકી જ થાય છે. જો આપણે આપણાં લક્ષની સિદ્ધિ માટે દ્રઢ નિશ્ચય કરી લઇએ પછી એ પ્રાપ્તિ હેતુ માર્ગમાં ગમે એવાં વિઘ્નો આવે કે અડચણ આવે આપણે આપણાં સંકલ્પ બળના આધારે આ તમામ વિઘ્નો અને અડચણોને દુર કરી સફળતા મેળવી ને જ રહીએ છીએ.

આ સાથે આ જ લેખકનો આ અગાઉ લખાયેલ લેખ 'નેગેટીવ પ્રોગ્રામીંગ' પણ જરૂર વાંચવો. નીચે લીંક પર ક્લિક કરવાથી એ લેખ ખુલશે.
http://jignesh1976.blogspot.in/2013/05/negative-programming.html

તો મિત્રો પોતાના પર વિશ્વાસ રાખો...

Saturday, 5 October 2013

માનવ મનનો અસલી ચહેરો ક્યો?



        પૂ. મોરારીબાપુ એમની કથા દરમ્યાન એક દ્રષ્ટાંત આપેલું, કે કોઇ આગળ પોતાનું દુઃખ રડશો નહીં, કોઇ આપનું દુઃખ દુર કરી શકે એમ નથી. દુનિયા શું આપણું દુઃખ દૂર કરવાની હતી? દુનિયાથી ન ભય પામવું કે ન લાચાર થવું. એમ કહેતાં તેઓ એક દ્રષ્ટાંત આપે છે એક છોકરો ગ્રેજ્યુએટ થયો. પણ નોકરી ન મળે. બધે નોકરી શોધી શોધીને અંતે થાક્યો અને નક્કી કર્યું કે જેવી મળે એવી નોકરી હવે સ્વિકારી લેવી.

        ગામમાં એક સરકર આવ્યું હતું. ડૂબતો માણસ જેમ તરણા ને બાઝે એમ આ છોકરો સરકસનાં મેનેજર પાસે ગયો. તેમને વિનંતી કરી કે ‘મને કોઇ પણ કામે રાખી લો, મારે નોકરીની સખત જરૂર છે.’ સરકસનાં મેનેજરે કહ્યું કે ‘ભાઇ, મારે ત્યાં તો બીજુમ શુમ કામ હોય? હા, એક કામ છે. ગઇકાલે રાતે અમારૂં રીંછ મરી ગયું. તું રીંછનું ચામડુ પહેરીને જો સરકસમાં રીંછનો રોલ ભજવે તો દરેક શોનાં તને દોઢસો રૂપીયા આપું.’ લાચારીમાં માણસ કોઇપણ કામ સ્વિકારી લે એમ છોકરાએ રીંછ બનવાનું સ્વિકારી લીધું. આ છોકરાએ થોડી તાલીમ લીધી અને શો દરમ્યાન રીંછનું ચામડું પહેરીને રીંગમાં આવ્યો. રીંછ તરીકે એનો પ્રભાવ પડ્યો.

        અચાનક રીંગમાં સિંહનું પાંજરુ લાવવામાં આવ્યું. પાંજરૂ ખુલ્યુ અને વિકરાળ સિંહે રીંછને જોઇને બહાર છલાંગ મારી. ભયનાં માર્યું રીંછ ભાગવા જતું હતું, ત્યાં પેલા સિંહે કહ્યું કે, ‘દોસ્ત, ડર નહીં ભાગ મા. તું ગ્રેજ્યુએટ થયેલો છે તો હું અનુસ્નાતક છું. તે રીંછનું ચામડું પહેર્યું છે અને મેં સિંહનું.’

        આ દ્રષ્ટાંત પછી બાપુ કહે છે કે ‘કોણ કોનાથી ભાગે? બધાએ મહોરાં પહેર્યાં છે. એ મહોરાં નીચે તો દુઃખ અને લાચારી જ છે. આ કથા આ દ્રષ્ટાંત મને ખુબ ગમે છે. આમ તો બાપુની બધી વાત મને ગમે છે પણ એમાં પણ આ ખાસ.

        આપણું દુઃખ આપણે કોઇનીય પાસે રડવા જઇએ તો કોઇ હમદર્દ હોય, દોસ્ત હોય તો સમભાવથી સાંભળે. કોઇ દેખાવ પૂરતો મિત્ર હોય તો મનમાં હસે પણ કે, ‘હંમ્મ, હવે  કેવો ફસાયો?’ કોઇને ઉપદેશ આપવાની આદત હોય તો એમ કહે કે, ‘ભાઇ, આમ ન કર્યું હોત તો આ દુઃખ ન આવત.’ દુઃખી હોઇએ ત્યારે બધા જ ઉપદેશ આપવા નીકળી પડે છે. કવિ મરીઝે સરસ કહ્યું છે કે,

‘બસ દુર્દશાનો એટલો આભાર હોય છે;
જે પણ મળે છે મુજથી સમજદાર હોય છે.’

        આવા ઉપદેશોથી દુઃખ ઘટતું નથી. ક્યારેક ઉપહાસને કારણે વધુ તિવ્ર બની જતું હોય છે. તો ક્યારેક સમભાવ કે અમસ્તી સહાનુભૂતિથી પણ વધતું હોય છે. જેની પાસે આપણે આપણા દુઃખડા રડવા જઇએ છીએ, શું એ પોતે સુખી હોય છે? જો એ સુખી હોય આટલો સમજદાર હોય તો તે આ દુન્વયી દુનિયાનાં વ્યવહારોથે પર થઇ ગયો હોય દોસ્ત…!

        છતાંય માણસને ક્યાંક તો હ્રદય ઠાલવવાનો ખપ પડે છે. આવું બને ત્યારે હ્રદય ઠલવાય છે ખરૂં? હ્રદયમાંનુ દુઃખ ઘટે છે કે વધે છે? કોઇને કહી દઇએ ત્યારે મન હળવું બને એવી માન્યતા છે. વાસ્તવમાં કહીએ તો એટલી ક્ષણો એટલી મીનીટો ભલે હળવાશ અનુભવીએ પછી તો માંહ્યલી વેદના ઓર ઉત્કટ બને છે. કારણ કે જેને પણ વાત કરો કે મન ખોલો તે ઘડીક સાંભળે, ઉપેક્ષા કરે, સમભાવ બતાવે, સહાનુભૂતિ વ્યક્ત કરે કે ઉપહાસ કરે પણ આ કોઇપણ સંજોગોમાં સામેવાંળી વ્યક્તિ તમારૂં દુઃખ ઘટાડી તો નથી જ શકતી. જે તે દુઃખની વેદના તો જે તે વ્યક્તિએ પોતેજ સહેવી પડતી હોય છે.



        હાં જે તમારી વાત સાંભળે છે તે પણ પોતાના દુઃખોથી પર થઇ ગયેલો હોતો નથી જ. હાં ક્યારેક જડ થઇ ગયો હોય તેવું બની શકે. જેથી એને પોતાના દુઃખોનો અનુભવ ન હોય. એની સંવેદનશક્તિની ધાર બૂઠી થઇ ગઇ હોય એવું બની શકે. કોઇક પોતાની વેદનાને ભીતર સંઘરીને સુખી હોવાનું મહોરૂં પહેરે છે. મહોરૂં એ આપણો નિત્ય સ્વભાવ છે. એટલે જ પોતાનો અસલ ચહેરો ભાગ્યે જ કોઇ જાણે છે. કવિ મનોજ ખંડેરીયાનાં શબ્દોમાં કહું તો,

‘ક્ષણો તોડવા બેસું તો વરસોનાં વરસ લાગે;
બુકાની છોડવા બેસું તો વરસોનાં વરસ લાગે…’

        બધા જ માણસોએ બુકાની બાંધી છે. જે ચહેરો અરીસામાં જોઇએ છીએ કે જેને આપણે કવચિત્ સુશોભિત કરીએ છીએ એ આપણો અસલ ચહેરો હોય છે ખરો? કેટકેટલી બુકાનીઓનાં પડ તેનાં પર ચડ્યા હોય છે! આપણે કોઇને મળીએ અને તેનાં ક્ષેમકુશળ પુછીએ ત્યારે ખરેખર આપણને એનાં ક્ષેમ કે કુશળની ચિંતા કે ખેવના હોય છે ખરી?
       
        માણસનાં મૃત્યુ પછી જ માણસને એનાં સદ્દ્ગુણોની ખબર પડે છે. અને એનાં ગુણગાન કરે છે. ક્યારેક આ ગુણગાનમાં નર્યો દંભ પણ હોય છે. ચહેરો પહેરીને કરાતી વાતોમાં સચ્ચાઇ ક્યાંય તળીયે પણ બેઠી હશે કે કેમ એ વાત વિચારયોગ્ય બની જાય છે. માત્ર મૃત લોકો માટે જ એવું નથી. આપણી સૌથી નજીકનાં માણસો પાસે પણ આપણે પુરેપુરા પ્રગટ થઇ શકીયે છીએ ખરા? ગમે તેટલી ઇચ્છા હોય તો પણ પ્રિયજન સમક્ષ પુરેપુરા પ્રગટ થવાનું શક્ય નથી. કોઇ માણસ પોતાનાં જ માણસો સામે પુરી રીતે પ્રગટ ન થઇ શકતો હોય ત્યાં બીજા લોકો સામે તો શું પ્રગટ થતો હશે કે ખૂલતો હશે? બીજાઓ સમક્ષ તો કેટકેટલા ચહેરાઓ ઓઢીને બેસતો હશે? અહંકાર એ માણસનાં અસલ ચહેરા પરનું એક પડ છે, ઘમંડ કે ક્રુરતા એ અન્ય પડ છે. એક બુકાની છોડીએ એટલે અસલ ચહેરો પ્રગટ થાય એવું નથી. અહંકારની બુકાની છોડીએ એટલે નમ્રતાની બુકાની નીકળે. ક્રુરતાની બુકાની છોડો એટલે દયાની બુકાની પહેરી લેવાય. આમ બુકાની છોડવાની પ્રક્રિયા સહેલી નથી. કવિ કહે છે એમ કરતાં તો વરસોનાં વરસ લાગી જાય.


        બધાં જ દુઃખી છે. એમાંથી કોઇ સુખનું મહોરૂં પહેરે છે. કોઇ વધુ દુઃખી હોવાનું. કરૂણ રાગ કાઢીને ભીખ માંગનારો હાથમાં મોટો સિક્કો કે નોટ આવી જાય તો ખુશીનું ગીત ગણગણવા માંડે અને કશું ન આવે તો બે-ચાર અપશબ્દો પણ ચોપડાવી દે, બોલી નાંખે. આનો અર્થ તો એ જ થયો કે તેને વધુ દુઃખી દેખાવાનું મહોરૂં જ પહેરેલું. આમાં અસલિયત ક્યાંય નથી. આ અસલિયત ને શોધવી ક્યાં? સોચો ઠાકુર…!