વાંકડિયા
વાળ, સુરોનો જુવાળ ને ચહેરો પ્રેમાળ. સોનુ ત્રણેય મિલકતોનો માલિક છે. ગીતો એનાં કંઠે
ગવાઇને ગરીમા પામે છે, અને સંગીતને મળે છે વિશિષ્ટ શોભા…
સોહામણો દેખાવ, સરસ નૃત્યશૈલી અને લોભામણી
સ્ક્રીન પ્રેઝન્સ. એનાં સરવાળાથી સોનુને અભિનયની અનેક ઓફર્સ મળતી રહી છે. પણ જો કે
ભાઇસાહેબે એકવાર હિરો બનીને કોશીશ કરી લીધી. હવે એ ગાયક-પરફોર્મર રહીને જ રાજી છે.
અને શા માટે નહીં! તમારી જેમાં આવડત છે, હોંશીયારી છે, હાથોટી છે તે ક્ષેત્રમાં સંપૂર્ણતા
હાંસલ કરો તો પણ ઘણું છે ને… સોનુ પછી આપણા એક ગુજ્જુભાઇ હિમેશે પણ આ રવાડે ચડીને જોઇ
લીધું કે આપણે જે કરીએ છીએ એ બરાબર છે પડદા પાછળ સારા.
સોનુની વૈશ્ચિક અપીલ જોરદાર છે. જૂજ જ કલાકારોને
મળે એવો પ્રેમ અને પ્રતિસાદ એ દેશ-વિદેશમાં મેળવતો રહ્યો છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો એ
સૌથી મોંઘો પ્લેબેક સિંગર ઉપરાંત સફળ પોપ આર્ટીસ્ટ પણ છે. બહુમુખી પ્રતિભા ધરાવતો સોનુ
અનેક ભાષાઓમાં ગાઇ શકે છે. ટીવી શોઝ, રીયાલીટી શોઝનું કે રેડીયોનાં શોઝનું સંચાલન કે
નિર્ણાયકની ભૂમિકા હોય, સોનુ દરેક કામગીરીને ૧૦૦% સફળતાથી પુરી કરે છે. અને આટઆટલું
કરવા છતાંયે હજુ એ એમ માને છે કે ઘણું કરવાનું બાકી છે.
૩૦મી જુલાઇ ૧૯૭૩નાં રોજ ફરિદાબાદ, હરિયાણામાં
શોભા અને અગમકુમાર નિગમને ત્યાં સોનુનો જન્મ થયો. નાનપણથી જ એને સંગીત પ્રત્યે વિશેષ
રૂચિ. સાડાત્રણ વર્ષની ઉંમરે એને સ્ટેજ પરથી રફીનું ક્યા હુઆ તેરા વાદા… ગીત ગાયું
હતું. પછી ગાયક પિતાને એટલા બધા શોઝમાં સાથ આપ્યો કે એ એનાથી જ સોનુને ગાયક તરીકેની
કારકિર્દી શરૂ થઇ ગઇ. સોનુએ શાસ્ત્રિય ગાયક ઉસ્તાદ ગુલામ મુસ્તફા ખાં સાહેબ પાસે સંગીતની
વિધીવત તાલિમ લીધેલી છે.
શરૂઆતમાં રફીં કી યાંદે આલ્બ્મ કરવાથી એને
વોઇસ ઓફ રફીનું લેબલ લાગી ગયું. આજે તેની નકલ કરનારાઓને વોઇસ ઓફ સોનુ નિગમ કહેવાય છે.
સોનુને પહેલો બ્રેક ફરીવાર ગુલશનકુમાર સાથે મહેશભટ્ટની ‘જાનમ’ ફિલ્મમાં મળ્યો. જે ૧૯૯૨માં
આવેલી. આ સિવાય એ સમયગાળામાં સોનુએ ખુબ બધા રેડિયો જીંગલ્સ પણ ગાયા.
દરેકને પોતાનો એક આદર્શ હોય છે, આઇકોન હોય
છે, પ્રેરણામૂર્તિ હોય છે. હું નાનપણથી જ રફી સાબને સાંભળતો રહેલો એટલે એમની સ્ટાઇલ
અનાયાસે મારામાં આવી જ જાય પણ એ નકલ નથી.
સોનુએ હિન્દી, ઉપરાંત, ઉર્દુ, ઉડીયા, તમિલ,
અસમી, પંજાબી, બંગાલી, મલયાલમ, મરાઠી, તેલુગુ અને નેપાળી જેવી ભાષામાં ગીતો ગાયા છે.
ભારતભરમાં તેનાં ખુબ ચાહકો છે પણ એનાં વતન હરિયાણામાં તેનાં ચાહકો વિશેષ છે એમ સોનુ
કહે છે. પંજાબી ગીતોનું સોનુમાં વળગણ ગાયકી સુધી મયાર્દિત નથી. આ ગીતો સાથે એની ગાઢ
આત્મિયતા લાઇવ પર્ફોર્મન્સમાં પણ દેખાય છે. એનાં પરફોર્મન્સમાં જબરજસ્ત ઉર્જા અને સ્ટેજ
પ્રેઝન્સ હોય છે.
મને હંમેશા પડકારજનક કામ કરવું ગમે છે. એકવિધતા
મને અકળાવી મૂકે છે, તેથી કાયમ પ્રયોગોમાં રાચું છું. પછી એ મારી ગાયકીમાં હોય કે મારા
દેખાવને લઇને. મારે મન સ્ટેજ મારૂં બીજું ઘર છે. કારણ, નાનપણથી જ સ્ટેજ સાથે મારો સંબંધ
રહ્યો છે. શ્રેષ્ઠ ગાયકી માટે ખુબ જરૂરી છે યોગ્ય રિયાઝ. એમ સોનુ ભારપૂર્વક કહે છે
કે રિયાઝ વગર પણ તમે ગાઇ શકશો પણ આ ગાયકી લાંબો સમય અકબંધ ટકી નહીં રહે.
સોનુએ વિશ્વનં લગભગ દરેક ખંડમાં સ્ટેજ શોઝ
કર્યા છે. ૨૦૦૭નાં નવેમ્બરમાં હાર્વર્ડ યુનિવર્સીટીનાં ૨૮માં પ્રમુખ તરીકે ડૉ. ડ્ર્યુ
ગિલપિન ફાઉસ્ટની વરણી થઇ એ નિમિત્તે ત્યાં ગાંધીજીનાં ફેવરીટ ભજન વૌષ્ણવ જન તો તેને
રે કહીયે… ગાઇને સોનુએ ઇતિહાસ રચ્યો. કારણ કે પહેલીવાર એક ભારતિય ગાયકને હાર્વર્ડ યુનિવર્સિટીએ
આમંત્રણ આપ્યું હતું અને ગવડાવ્યું હતું.
સોનુ નિગમે અત્યારનાં તમામ ભારતિય રીયાલીટી
શો ઝનાં સૌથી પહેલો રીયાલીટી શો એટલે કે ૧લી મે ૧૯૯૫નાં રોજ ઝી ટીવી પર શરૂ થયેલો સા
રે ગા મા. આ એક એવો શો હતો જેને ફિલ્મ સંગીત સાથે સંકળાયેલા ધૂરંધરોએ વખાણેલો. આ શોનાં
નિર્દેશક હતાં ગજેન્દ્રસિંઘ. (હાં! અંતાક્ષરીવાળા) અને સંચાલન કરેલું સોનુ નિગમે. આ
શો થકી આજે આપણી વચ્ચે, શ્રેયા ઘોષાલ, પાર્થિવ ગોહીલ, કૃણાલ ગાંજાવાલા અને શેખર રવજિયાની
છે. આ શો ની સૌથી વધુ સિઝનને હોસ્ટ સોનુએ કરેલી. ઝી ટીવી સા રે ગા મા ને સોનુએ ૧૯૯૫થી
શરૂ કરી ૧૯૯૯ સુધી એકધારી હોસ્ટ કરી. ત્યારબાદ શાનએ આ શોને હોસ્ટ કરવાનું શરૂ કર્યું.
એ પછી સોની ટીવીની ઇન્ડીયન આઇડ્લને પણ શરૂઆતની બંને સિઝનમાં… અનુ મલિક, ફરાહ ખાન સાથે
સોનુ એ નિર્ણાયક તરીકેની ભૂમિકા ભજવેલી. આ સિવાય સોનુ ઝી ટીવીની સારેગામાપા લિટલ ચેમ્સ
ઇન્ટરનેશનલમાં પણ નિર્ણાયક તરીકે હતો.
સોનુએ પ્લેબેક સિવાય ઘણાં પોપ આલ્બ્સ પણ બહાર
પાડ્યા છે. જેમાનું સૌથી પહેલું અને સૌથી સફળ એવું ‘દિવાના’ જે ૧૯૯૯ની સાલમાં ટી-સીરીઝે
બહાર પાડેલું. જેમાં સંગીત આપેલું અત્યારનાં સૌથી સફળતમ મ્યુઝીક કંમ્પોઝર એવા સાજીદ-વાજીદે.
આ સિવાય પણ રફીનાં અપ્રતિમ ચાહકનાં નાતે સોનુએ છ ડિસ્કનાં સેટ સાથેનું ‘કલ આજ ઔર કલ’
નામથી રફીનાં ૧૦૦ ગીતોનું કલેક્શન ધરાવતો આલ્બમ સેટ પણ બનાવ્યો છે. હમણાં થોડા સમય
પહેલાં જ સોનુનું નવું આલ્બમ રીલીઝ થયેલું છે, ક્લાસિકલી માઇલ્ડ… જે મિશ્ર શાસ્ત્રિય
છે.
સોનુએ ગાયકી ઉપરાંત નાનપણથી જ અભિનયનાં પણ
ચમકારા બતાવ્યા છે. તેની રીલીઝ થયેલી ફિલ્મોમાં, પ્યારા દુશ્મન, કામચોર, ઉસ્તાદી ઉસ્તાદ
સે, હમ સે હૈ જમાના, તકદીર અને બેતાબમાં બાળકલાકાર
તરીકે અને ક્રિષ્ના ક્રિષ્ના, જાની દુશ્મન, કાશ આપ હમારે હોતે અને લવ ઇન નેપાલમાં લીડ
રોલ કરેલાં છે.
દુનિયાભરમાં ઉડાઉડ, કોન્સર્ટ્સ, સ્ટેજ શોઝ
વચ્ચે પણ સોનુ ભગવાનને ભૂલતો નથી. તેનું માનવું છે કે ધાર્મિક હોવા કરતાં આધ્યાત્મિક
હોવું જરૂરી છે.
આટઆટલા વ્યસ્ત રહેવાં છતાંયે સોનુ પોતાનાં
શારિરીક દેખાવમાં પણ નિયમિત પરિવર્તન લાવવાની મહેનત કરે છે. વાચકમિત્રો, કદાચ તમે નહીં
જાણતા હો, સોનુ એક જપાની માર્શલ આર્ટ અને ખુબ આકરી એવી ‘ટીકવોડો’ નો જાણકાર છે. એની
બદલાતી રહેતી હેરસ્ટાઇલ, સુદઢ બાંધો એની અલગ ગાયિકીની જેમ જ એક અનોખો માહોલ સર્જે છે.
આ કારણે જ સોનુને એમ ટીવી તરફથી સાલ ૨૦૦૩ અને ૨૦૦૫માં એમ બે વાર ‘સ્ટાઇલ આઇકન ઓફ ધ
યર’ નો એવોર્ડ મળેલો છે. સોનુ કહે છે કે મારા વાળ કુદરતી રીતે જ વાંક્ડીયા છે. લાંબા
વાળમાં મારો દેખાવ સરસ લાગતો હોવાને કારણે હું વાળની લંબાઇનાં અખતરા સતત કરૂં છું.
સ્વસ્થ્ય જાળવવાનો પણ આગ્રહ રાખું છું. આ ક્ષેત્ર જ એવું છે કે જેમાં સતત તમારે કંઇને
કંઇ નવિનતા દર્શકોને આપતી જ રહેવી પડતી હોય છે.



