શાયર
નિદાં ફાઝલીએ જ્યારે આ લખ્યું હશે ત્યારે એમને એકલતા સતાવતી હશે કે નહીં, કોને ખબર?
એક ગુજરાતી ગઝલનો શેર યાદ આવે છે:
આયનાઓ હાથમાં રહી જાય છે, ભીંતમાંયે બિંબ તો દેખાય છે.
હું ખડક થઇને ઊભો છું ક્યારનો, જળ બનીને તેઓ મને અફળાય છે.
એકલા પડી જવાનો ભય મોટા ભાગના લોકોને ડરાવે છે.
વૃદ્ધો સંતાનોના ત્રાસને સહન કરે છે કારણ કે એ એકલા જીવી શકે એમ નથી. પતિ પર આધારિત
(આર્થિક કે ઇમોશનલ) પત્ની એનાં લફરાં અને દાદાગીરી ચલાવી લે છે કારણ કે એ એકલી જીવી
શકે તેમ નથી. પડોશીને સહન કરીએ છીએ કારણ કે જંગલમાં જીવી શકીએ તેમ નથી. મિત્રોને સાચવી
લઇએ છીએ કારણ કે જિંદગી મિત્રો વિના જીવી શકાય તેમ નથી. સગાંઓને જીરવીએ છીએ કારણ કે
સામાજિક સંબંધો આપણે માટે અનિવાર્ય છે.
લોન્લીનેસ કે એકલતા આપણે કે કોઇપણ માણસ જીરવી
શકતા નથી. આજના સમયમાં ઘોંઘાટ જીવવાની જરૂરિયાત બનતો જાય છે. ઘરમાં ટેલિવિઝન, ગાડીમાં
રેડિયો, સેલફોન માણસના જીવનની એવી જરૂરિયાત છે કે એને ખાવાનું ન મળે તો ચાલે, પણ આસપાસના
અવાજ વિના એ ઘાંઘો થઇ જાય છે. મૌન માણસમાત્ર માટે અઘરું બનતું જાય છે. શાંત, ચૂપ કે
એકલા ન રહી શકવાની ગૂંગળામણને માણસ ‘બોર થવાના’ નામથી ઓળખે છે. સતત પ્રવૃત્તિ એ જ એમાંથી
છટકવાનો ઉપાય છે. અને ઘણાં તો આ આદતને વળી થોડી રૂપાળી રીતે રજુ કરે છે કે 'દોડતા રહેવું
તો નિયતી છે." મારા એક ખાસ મિત્રનો આ એમ કહોને કે જીવનમંત્ર છે. સતત કામ, કામ
અને કામ, ઘણીવાર ખુબ જ કામને કારણે જેને અંગ્રેજીમાં આપણે 'વર્કોહોલિક' કહીયે એમ માણસ
કામઢો થઇ જાય છે. બીજા માટે તો ઠીક, ખુદ પોતાના માટે પણ તેની પાસે એક પળ નથી કે એક
સેકન્ડ નથી. બસ કામ, કામ અને કામ.
નવથી નવ કામ કરવાથી, ગાડીમાં સંગીત સાંભળવાથી,
ઘેર આવીને ટેલિવિઝન જોવાથી, પાર્ટી કે ઝઘડા કરવાથી એકલવાયાપણું દૂર થઇ શકતું નથી. એકલવાયાપણામાં
દસ વર્ષના છોકરાથી લઇને સો વર્ષના વૃદ્ધ સુધી કોઇ પણ એકલું પડી શકે. કોઇને પણ એકલતાની
ભૂતાવળ ડરાવી શકે. સતત માણસોની વચ્ચે રહેવાથી એકલતા દૂર ભાગે છે એવું માનવું માણસની
સૌથી મોટી ભૂલ હોઇ શકે. માણસમાત્રને એકલતા ડરાવે છે કારણ કે એકલતાની સાથે અસ્વીકાર
જોડાયેલો છે. જગતનો દરેક માણસ ‘સ્વીકાર’ ઝંખે છે. ‘મને કોઇ નથી જોઇતું, હું કોઇનો મોજતાજ
નથી’ કહેનાર માણસ પણ ભીતરથી સ્વીકાર અને આવકાર ઝંખે છે. પોતાને કોઇની પડી નથી કહેનારા
ખરેખર ડિફેન્સ મિકેનિઝમથી કામ કરે છે. જાતને રક્ષણ આપવાની આ વૃત્તિ ભયમાંથી જન્મે છે.
કોઇ પોતાની સાથે સંબંધ તોડી નાખે એ પહેલાં પોતે જ સંબંધ તોડીને નીકળી જવું. કોઇ પોતાને
નકારે તે પહેલાં પોતે જ સામેની વ્યક્તિને નકારી દેવી. કોઇ પોતાને ચાહતું નથી એવી નિરાશા
જન્મે તે પહેલાં પોતાને પ્રેમમાં, ચાહનામાં, સંબંધોમાં વિશ્વાસ નથી કહીને છટકી જવાની
વૃત્તિ ખરેખર તો માણસના મનની આસપાસ રચાતું એક ઇન્સ્યુલેશન છે. જે એને એકલો પડતો અટકાવે
છે-એવું માણસ માને છે.
એકલા
પડી જવાની આ પરિસ્થિતિ બીજા લોકોને કારણે ઊભી થઇ હોય ત્યારે એ સ્વીકારવી અઘરી બને છે.
કોઇ આપણને તરછોડી કે છોડી જાય એ વાત સ્વીકારવાની આપણામાં તૈયારી હોતી નથી. આપણને લાગે
છે કે આ દુનિયામાં એવો કોઇ માણસ છે જ નહીં, જે આપણને નકારી શકે. જે ક્ષણે આવો કોઇ માણસ
મળી જાય અથવા જીવનમાં આવી પરિસ્થિતિ આવી જાય ત્યારે એકલતા અસ્વીકાર્ય પરિસ્થિતિ બને
છે. અહમને અકબંધ રાખવા માટે આપણે નકારવાની પ્રક્રિયા શરૂ કરીએ છીએ. જે ધીમે ધીમે વધુ
એકલતા તરફ ધકેલે છે.
સંબંધો તૂટી જાય અને એકલતા ઘેરી વળે ત્યારે સમજાય
છે કે સંબંધો ટકાવવા માટે આપણે કોઇ પ્રયત્ન કર્યો જ નહોતો. કારણ કે દોસ્ત સંબંધ એક
એવું વૃક્ષ છે જેને પાયાથી જ સમય અને સમજણનાં પાણીથી સીંચવું પડે છે. જો આપણને એવો
ફાંકો હોય કે મને કોઇની જરૂર નથી, તો એ પણ સમજી લેવું અને સ્વિકારી લેવું જોઇએ કે આપણી
પણ કોઇને જરૂર નથી. આ ફાંકો કે અહમ જ માણસને એક્લો પાડી દે છે. એક વાર એકલતાના અનુભવમાં
પ્રવેશીએ પછી એક નવો એક્સ્ટ્રિમ (અંતિમ વિચાર) પ્રવેશે છે. જે રીતે જીવતા હતા તે, શહેર
અને કામધંધા સહિત ક્યારેક મિત્રો કે પ્રિયજનને પણ પોતાની જિંદગીમાંથી બહાર ફેંકી દેવાની
ઇચ્છા થઇ જાય છે.
આનું કારણ આપણી અંદરનો અહંકાર છે, જે કહે છે
કે, ‘કોઇ આપણને શું નકારી શકે, આપણે જ બધાને નકારી દઇએ.’ આ પરિસ્થિતિ જોખમી છે કારણ
કે આ બધું બદલવાથી અંદરનો ખાલીપો બદલાશે નહીં એ નકકી છે. સફળ વ્યક્તિ, કામની વ્યક્તિ,
મોટા લેખકો, અભિનેતા, સરકારી પદ પર રહેલી વ્યક્તિઓ કે મિનિસ્ટર્સ જ્યારે સફળતાના શિખરે
કે સત્તાના સર્વોચ્ચ પદે હોય છે ત્યારે એમની આસપાસ લોકોની ભીડ હોય છે. પદ કે સફળતા
ઓસરી જાય ત્યારે પ્રશંસકો કે ચમચાઓ આસપાસથી ખસી જાય, એ વખતે ખાલીપાનો અનુભવ એમને તોડી
નાખે છે. આનું કારણ કદાચ એ છે કે એમણે એ ટેમ્પરરી અનુભવ-કામચલાઉ પરિસ્થિતિને કાયમી
માની લીધી. આ બધું તો તમારી સફળતા સાથે મળેલું તમને ઇન્સેન્ટીવ્ઝ કહી શકાય, કે અમારી
ગુજરાતી તળપદી ભાષામાં જેને લટકામાં મળેલું કહી શકાય. આ બધું ક્ષણભંગુર હોય છે. કહે
છે ને કે "સફળતાનાં સો બાપ, પણ નિષ્ફળતાનો તો ખુદનો પણ નહીં..."
માણસમાત્રનું
અસ્તિત્વ કાયમી નથી. સંબંધો, સફળતા, સત્તા કાયમી નથી. જે આ સ્વીકારી શકે છે એ પરિસ્થિતિ
સાથે બદલાવાની સ્થિતિસ્થાપકતા ધરાવે છે. જડ થયેલાં મન કે હૃદયને એકલતાના હથોડા તોડી
નાખે છે. ‘વિપશ્યના’ની આધ્યાત્મિક અપલિફટિંગની પ્રક્રિયામાં મૌનનું મહત્વ સમજાવવા એક
જ ઓરડામાં રહેતા બે જણાને એકબીજા સાથે વાત ન કરવાની સૂચના આપવામાં આવે છે. એક ઓરડામાં
કેટલાક દિવસ સાથે રહેનારા બે જણા એકબીજાની હાજરી છતાં મૌન રહેતાં શીખી જાયે ત્યારે
એમને ‘એકલતા’માંથી ‘એકાંત’ તરફ જવાની લાગણી સમજાય છે. આસપાસના લોકોથી જાતે જ અલગ થવાની
શરૂઆત થાય ત્યારે એક સોલિટ્યુડનો અનુભવ થાય છે. આ સોલિટ્યુડ માણસને પોતાની નજીક લઇ
આવે છે. ઘોંઘાટમાંથી નીકળીને વિચાર કરતાં શીખવે છે. માણસ વાત કરવાને બદલે વિચાર કરતો
થાય છે ત્યારે એની એકલતા એકાંતમાં બદલાઇ જાય છે.
પસંદ કરેલું એકાંત અને પરાણે ઠોકી બેસાડાયેલી
એકલતામા ફેર છે. ઠોકી બેસાડાયેલી એકલતા આત્મહત્યાનો ધીમો ડોઝ છે, જ્યારે જાતે પસંદ
કરાયેલું એકાંત વધેલા વર્ષોને આનંદથી જીવવાની જડીબુટ્ટી! એકાંતની તો પોતાની જ મજા છે.
માણસ આ સમયે પોતાની સાથે વાતો કરતો હોય છે. પોતાની સાથે હોય છે અને આ સંગાથની મજા માણતો
હોય છે. એકાંતનો સૂર જો સાંભળી શકો અને સમજી શકો તો ક્યારેય જીવનમાં નિરાશા નહીં આવે
તેની ગેરંટી...
ફિલ્મ (જો આવ્યું પાછું કેમ!) ‘ઝિંદગી ના
મિલેગી દોબારા’ માં ફરહાન અખ્તર ખુબ સરસ નાનકડી કવિતા બોલે છે…! આ કવિતામાં જાતને ઢંઢોળવાની
વાત છે. જાત સાથે દોસ્તી, યારી કરવાની વાત છે.
पिघले निलम सा बहता हुआ ये समां,
नीली नीली सी खामोशियां,
ना कहीं है झमीं, ना कहीं आसमां,
सरसराती हुई टहेनियां, पत्तियां,
केह रही है, बस एक तुम हो यहां,
सिर्फ में हुं, मेरी सांसे है, और मेरी धडकनें,
ऐसी गहेराईयां,
ऐसी तनहाईयां,
और मैं सिर्फ मैं,
अपने होने पे मुझको यकींन आ गया…।
આ એકાંતનો અનુભવ એકવાર કરી જુઓ મિત્રો, જો
જો જીવન પરત્વે નો તમારો દ્રષ્ટિકોણ જડમૂળથી બદલાઇ જાશે. એક વાત ગાંઠે બાંધી લો, જે
વ્યક્તિ પોતાની જાતને ચાહતી નથી, તે દુનિયામાં કોઇને ચાહી ન શકે…!
So Love yourself, love aloneness, enjoy
it! Enjoy yourself, with yourself…
Success
is the journey from one failure to another without losing any type of
enthusiasm.
मंझिल उन्ही को मिलती
है, जिनके सपनों में जान होती है;
पंख से कुछ नहीं होता,
हौसलो से उडान होती है ।
મિત્રો,
આ વિષય આમ તો ખુબ ચર્ચાઇ ગયેલો છે, મારા ગયા લેખમાં જે મેં ઉલ્લેખ કરેલો કે એકનાં એક
વ્હાલસોયા જુવાનજોધ દિકરાનાં આકસ્મિક મૃત્યુથી ચિત્રાજી અચાનક સાવ ગુમસુમ થઇ ગયા અને
એમ કહી શકાય કે પોતાનો અવાજ ખોઇ બેઠા. આવા પ્રચંડ આઘાતને પચાવી જનાર જગજિત સિંઘે પોતાનાં
દર્દની દવા સંગીતમાં શોધી અને પ્રબળ મનોબળથી આવા અસહ્ય આઘાતને હસતા ચહેરે પચાવી ગયા.
શું છે આ મનોબળ?
होंसले बुलंद कर, रास्तो
पर चल दे,
तुझे तेरा मुकाम मील
जायेगा,
अकेला तु पहेल कर,
काफिला खुद बन जायेगा,
मायुस हो कर न उम्मीदोका
दामन छोड,
वरना खुदा नाराझ हो
जायेगा,
ठोकरोंसे ना तु घबरा,
हर पडाव पर अपने आपको
तु और मझबुत पायेगा,
नाकामयाबी की धूंध
से ना घबराना,
कामयाबी का सूरज तेरी
तकदीर रोशन कर जायेगा ।
એક ફિલ્મનાં સીનથી સમજાવાની કોશીશ કરું. સાલી
દુનિયા પણ ગોળ છે હોં! હરીફરીને મારા લેખોમાં ફિલ્મોનો ઉલ્લેખ તો આવે જ. કેમ ખરૂં ને!
તો દોસ્તો ફિલ્મ છે ત્રિશુલ. હાં અમિતાભ બચ્ચનની ફિલ્મ, ત્રિશુલ. તમે સહુએ જોઇ હશે
આ ફિલ્મ. સીન છે દિલ્હી જેવા મહાનગરમાં એક સફળ બિલ્ડરની ઓફિસ અને કલાકારો છે સંજીવકુમાર
અને અમિતાભ બચ્ચન. તો સાહેબાન… સીન એવો છે કે આ બિલ્ડરને મળવા તેની ઓફિસમાં એક અજાણ્યો
વ્યક્તિ આવે છે. આ બિલ્ડર એટલે સંજીવકુમાર અને અજાણી વ્યક્તિ એટલે અમિતાભ બચ્ચન. પરંતુ
અતિવ્યસ્ત એવા આ બિલ્ડર પાસે તેને મળવાનો સમય ન હોય, સેક્રેટરીને તેને વળાવી દેવાની
સુચના આપવામાં આવે છે. આ વાતની જાણ થતાં આ અજાણી વ્યક્તિ પેલી સેક્રેટરીને કહે છે કે
મને પાંચ મીનીટ નહીં આપીને તમારા બોસે તેનું પાંચ લાખનું નુકસાન કર્યું છે. આ વાત પેલો
બિલ્ડર સાંભળી જાય છે અને પેલી અજાણી વ્યક્તિને મળવા કેબીનમાં બોલાવે છે, અને એની એક
પડતર જમીનનો સોદો રૂપીયા પાંચ લાખમાં આ વ્યક્તિ સાથે કરે છે. આ જમીન પર એક માધોસિંઘ
નામના ગુંડાએ ગેરકાયદેસર કબ્જો કરેલો હોય છે અને કોર્ટનો હુકમ હોવા છતાંયે આ બિલ્ડર
આ જમીન ખાલી ન કરાવી શકતો હોય તેની માટે આ જમીનની કોઇ કિંમત હોતી નથી. આ બધું આ અમીતાભ
જાણતો હોવાં છતાંયે સંજીવકુમાર સાથે આ જમીનનો સોદો રૂપીયા પાંચ લાખમાં કરે છે.
બીજા દિવસે અમિતાભ આ જમીન એકલે હાથે પેલા ગુંડાઓને
લમધારીને ખાલી કરાવી નાંખે છે. આ વાત સંજીવકુમાર સુધી પણ પહોંચે જે શશી કપુર તેને કહે
છે કે આ વિજય(અમિતાભ) ને વો જગાહ ખાલી કરવા દી. કમાલ કર દીયા. ત્યારે જવાબમાં સંજીવકુમાર
તેને કહે છે જે ખરેખર સાંભળવા જેવી અને સમજવા જેવી છે. જેમાં પ્રચંડ મનોબળનું એક સુંદર
ઉદાહરણ પણ મળે છે. સંજીવકુમાર કહે છે કે ‘કમાલ ઇસ બાત કા નહીં કી ઉસને વો જમીન ખાલી
કરવા દી, કમાલ ઇસ બાત કા હૈ કી વો જાનતા થા કી વો યે કામ કર સકતા હૈ.’
તો વાચકો, વ્યક્તિ પોતાનાં જીવનમાં જે કંઇ
મહાન સિદ્ધિઓ કે સ્થાન પ્રાપ્ત કરે એ એના અદમ્ય સાહસ થકી જ મેળવે છે, પરંતુ કોઇપણ સફળતા
પામ્યા પહેલાં પોતાનાં સાહસને, ક્ષમતાને બરાબર ઓળખવા એ મનોબળ છે.
‘કદમ અસ્થિર હો
એને કદી રસ્તો નથી જડતો,
અડગ મનનાં મુસાફરને
હિમાલય નથી નડતો…’
ધીરૂભાઇ અંબાણી આ વાતનું જ્વલંત ઉદાહરણ છે.
કે કઇ રીતે વ્યક્તિ સાહસ અને મનોબળ થકી કઇ ઊંચાઇ સુધી પહોંચી શકે છે. શું હતું ધીરૂભાઇ
પાસે જ્યારે એ એડનથી નાના મુકેશને અને કોકીલાબેનને લઇને મુંબઇ આવેલાં? અને આજે? ધીરૂભાઇનાં
જીવનકવન પર આધારીત એવી ફિલ્મ ‘ગુરૂ’, ‘સપને મત દેખો, સપને કભી સચ નહીં હોતે. મેરા બાપુ
કહેતા થા’. આ ફિલ્મનાં ક્લાઇમેક્સમાં એક સીન છે, જેમાં શક્તિ ઇન્ડસ્ટ્રીઝ પર વિવિધ
પ્રકારની ટેક્સ ચોરી માટે કેસ થયા હોય છે અને સુનવાઇ માટે ગુરૂભાઇને કોર્ટમાં બોલાવવામાં
આવે છે અને તેને પાંચ મીનીટ આપવામાં આવે છે પોતાની પેરવી કરવા માટે અને ખુલાસાઓ આપવા
માટે. ત્યારે છેલ્લે તે એક વાત કહે છે કે ‘આ કેસને કારણે મારે ઘણું બધું ખોવાનો વારો
આવ્યો છે પરંતુ એક વસ્તુ તમે મારી પાસેથી ક્યારેય નહીં છીનવી શકો એ છે મારી હિંમત.
એ હું ક્યારેય નહીં ગુમાવુ.’ આ છે મનોબળ. આ છે વિશ્વાસ પોતાની ક્ષમતાઓ પર પોતાની સાહસવૃત્તિ
પર પોતાની હિંમત પર. આ હિંમત આવે માત્ર અને માત્ર મજબુત મનોબળને કારણે.
‘कौन कहेता है की आसमां
में छेद नहीं हो सकता,
एक पत्थर तो तबियत
से उछालो यारों…’
મજબુત મનોબળ ચમત્કારો પણ કરી શકે છે. ગમે એવી
અસાધ્ય બિમારીમાંથી કે ગમે એવા અશક્ય લાગતાં સંજોગોમાંથી પણ વ્યક્તિ ઊભો થઇ શકે છે,
માત્ર પોતાનાં મનોબળની શક્તિને કારણે. આજે યુવરાજ સિંઘ અને અમિતાભ બચ્ચન આ વાતનું અતિયોગ્ય
ઉદાહરણ છે આપણી સહુની સામે. યુવરાજ સિંઘ વિશે આપણે સહુ જાણીએ છીએ, તેને કેન્સર હતું.
(ક્યારેક આ ‘ભૂતકાળ’ને પ્રયોજવો કેટલો સુખદ લાગે છે.) પોતાનાં આત્મવિશ્વાસ અને મજબુત
મનોબળને કારણે જ આજે આ વ્યક્તિ આપણી સહુની વચ્ચે સહીસલામત અને પુર્ણતઃ રોગમુક્ત અવસ્થામાં
છે. આજ રીતે ૧૯૯૫માં અમિતાભ બચ્ચને અમિતાભ બચ્ચન કોર્પોરેશન લીમીટેડની સ્થાપના કરેલી
અને આજે જે પદ્ધતિ પર પુરી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ચાલી રહી છે તે પદ્ધતિ પર પોતાની કંપની
સ્થાપેલી. કંપની પોતે નવા અને જુના સિદ્ધહસ્ત નિર્દેશકો પાસે ફિલ્મ અને સીરીયલ્સનું
નિર્માણ કરવું અને વિતરણ કરવું. ખેર, શક્ય છે કે ૧૯૯૫માં આ વિચાર હજુ સમય પહેલાંનો
હોઇ શકે. માટે કંપની ખાડે ગઇ અને બચ્ચનસાહેબ પર એ જમાનામાં રૂપિયા ૬૪ કરોડનું કરજ ચડી
ગયું. હવે બે જ રસ્તા હતાં અમિતાભ પાસે. એક તો કરજની પાઇ પાઇ ચુકવી દેવી અને બીજો પોતાને
અને કંપનીને નાદાર જાહેર કરીને આ કરજ ચુકવણીથી હાથ ખંખેરી નાંખવા. પરંતુ આ વ્યક્તિએ
પહેલો રસ્તો જે ખરેખર ખુબ અઘરો અને તે સમયે તો અશક્ય પણ લાગતો હતો એ પસંદ કર્યો. ધીરે
ધીરે, અને પ્રખર મહેનત અને પોતાની જાત પરનાં વિશ્વાસને આધારે અમિતાભે તમામે તમામ બેંકોની
પાયેપાઇ વ્યાજ સાથે અને અમારા કાઠીયાવાડમાં કહેવાત છે એમ દુધે ધોઇને ચુકવી દીધી. પચાસી
વટાવી ચુકેલી વ્યક્તિ એક નવા જ સાહસ અને મનોબળને સાથે લઇને આવા કપરા સંજોગો સાથે બાથ
ભીડે એ લગભગ અશક્ય જેવી વાત ન હોય તો અઘરી તો કહી જ શકાય. આ બધું શક્ય બન્યું મજબુત
મનોબળને કારણે.
શારીરિક શક્તિ કરતાંયે મનની શક્તિ તો કંઇક
ગણી અધિક છે. શરીર ભલે નીર્બળ હોય પણ મનોબળ મજબુત હોય તો વ્યક્તિ ગમે તે ઉંમરે અને
ગમે તેવા વિપરીત સંજોગોમાંથી પણ સફળતાપૂર્વક બહાર આવી શકે છે. એક બીજી વાત પણ મહત્વની
છે કે તમે જો નબળા મનનાં લોકો સાથે સંબંધ રાખશો તો આ લખવૈયાનાં એક લેખની જેમ તમારૂં
પણ નેગેટીવ પ્રોગ્રામીંગ થશે અને છેવટે તમેય નબળા મનનાં થતા જશો. આપણે જો સાહસવીર વ્યક્તિનાં
સંપર્કમાં રહીએ તો ધીરેધીરે આપણું મનોબળ પણ વિકસતું જશે અને દિનપ્રતિદિન દ્રઢ થતું
જશે. આપણાં ગુજરાતીમાં કહેવત છે કે, ‘હિજડાની જાનમાં જ જવાય, મરદની મૈયતમાં જવાય’.
મનોબળ એટલે સ્વસ્થતા, મનોબળ એટલે આત્મવિશ્વાસ,
મનોબળ એટલે વિપરીત સંજોગો સામે લડવાની અને જીતવાની ક્ષમતા, મનોબળ એટલે પોતાનાં સોના
જેવા શુદ્ધ અને ૨૪ કેરેટ ગોલ્ડ જેવા સામર્થ્ય પર પૂર્ણ ભરોસો.
દ્રઢ મનોબળનું શ્રેષ્ઠ ઉદાહરણ એટલે સરદાર વલ્લભભાઇ
પટેલ. તેમને લોખંડી પુરૂષનું ઉપનામ મળેલું. તેઓ કંઇ લોખંડનાં નહોતા બનેલા. પરંતુ આ
ઉપનામ તેમને તેમનાં દ્રઢ અને લોખંડ જેવા મજબુત મનોબળને કારણે મળેલું. આઝાદીની લડાઇ
હોય કે આઝાદી બાદનાં તમામ રજવાડાઓને અખંડ ભારતમાં વિલીન કરાવીની કપરી કામગીરી. સરદારે
આ તમામ કાર્યો જે લગભગ અશક્ય લાગતાં હતાં તે શક્ય કરી બતાવ્યા, માત્ર પોતાનાં પ્રચંડ
મનોબળથી.
સંજોગ, હાલાત યાને પરિસ્થિતિ એ ચીજ છે કે જ્યાંથી
મનોબળ પેદા થાય છે. મનમાંથી નીકળતી વિપરિત સંજોગો સામે લડવાની તાકાત એટલે મનોબળ. પણ
દર વખતે મનમાંથી ઉદ્દભવતું એ મનોબળ કેમ અલગ અલગ હોય છે? વ્યક્તિ વ્યક્તિએ મનોબળની માત્રા
અને તિવ્રતા કેમ બદલતી રહી છે? એનું કારણ પણ કદાચ ઠામ-ઠેકાણા વગર મનમાં રહેલું છે.
મન પોતે જ અજાયબ ચીજ છે. શરીરમાં હ્રદય ક્યાં છે એ આપણે જાણીએ છીએ. શરીરની ભૂગોળમાં
તમામ અંગોનાં સરનામાંથી આપણે ભલીભાંતી વાકેફ છીએ, પણ મન ક્યાં આવ્યું તેનું કોઇ સ્પષ્ટ
ઠેકાણું નથી.
આધુનિક તબીબી વિજ્ઞાન મનને ચેતાતંત્ર અને વિવિધ
ચેતાઓ વચ્ચે સંવેદનોની આપ-લે દરમિયાન થતાં રાસાયણિક સ્ત્રાવ સાથે સાંકળે છે. આયુર્વેદનાં
અભિપ્રાય મુજબ મનોબળ હકીકતે હ્રદયબળ છે. ચરકસંહિતા પણ એમ જ કહે છે કે, ‘चेतः चिन्त्यं ह्रदि संस्थितम्’. અર્થાત મનનું સ્થાન હ્રદયમાં છે.
ભારતીય દર્શનશાસ્ત્ર સાચે જ અદ્દભુત છે. અને
અદ્દભુત છે તેમાં રજુ થતું માનસદર્શન. યજુર્વેદનું શિવસંકલ્પસૂક્ત મન વિશે કહે છે,
‘ज्योतिषां ज्योतिः’ અર્થાત, અનંતયાત્રા કરતો વિચારોનો શાશ્વત
પ્રકાશ એટલે મન. મનનું શરીરમાં સ્થાન ક્યાં છે એ વિશે શિવસંકલ્પસૂક્ત પાસે જવાબ છે.
‘यज्ज्योतिरन्तुमृतं प्रजासु’ – એટલે કે વિચારનાં તેજઃ પૂંજમાંથી પ્રગટતી
અમૃતમય જ્યોતિ જ્યાં સ્થિત રહે છે તે છે મન. દીવાની જ્યોતિ સતત ફરકતી રહે છે. વિચાર
એ દીવાની જ્યોત જેવો છે. વિચાર ક્યારેય સ્થિર નથી અને માટે મનનું સ્થાન સ્થિર નથી.
તો પછી મનોબળ શું છે?
અન્ય બધા વિચારોને અતિક્રમીને, બાજુ પર હડસેલીને
કલ્યાણકારી વિચારને જે બળ આપે છે તે છે મનોબળ. યજુર્વેદ વિચારને શક્તિ ગણાવે છે, અને
શક્તિ અજન્મા છે એ તો આધુનિક વિજ્ઞાન પણ સ્વિકારે છે. શક્તિ ન તો જન્મે છે કે ન તો
નાશ પામે છે તે ફક્ત રૂપાંતરિત થાય છે. માટે એક વિચારમાંથી બીજો વિચાર જન્મે છે, અને
બીજામાંથી ત્રીજો એમ આ ચક્ર ચાલ્યા જ કરે છે.
જ્યારે સંજોગો કે પરિસ્થિતિ આપણાં વશમાં ન
હોય અને માત્ર અને માત્ર હવે તો યુદ્ધ એ જ કલ્યાણની જેમ લડી જ લેવું પડે એવી સ્થિતિ
સર્જાણી હોય ત્યારે જે ઢીલાપોચા માણસને પણ લડી લેવાની શક્તિ આપનાર પણ મનોબળ જ છે. આ
શક્તિ શારીરિક નહીં પરંતુ માનસિક છે. આવા બળકટ અને મજબુત વિચારને જ મનમાં આવવા દેવા
હોય તો, હંમેશા! વિચારો પર આપણો કોઇ અંકુશ ખરો?
તો જવાબ છે કે ના! આપણાં શાસ્ત્રો અને આધુનિક
વિજ્ઞાન પણ આ વાતમાં હામી ભરે છે કે કે વિચાર સ્વયંભૂ છે અને પ્રકૃતિગત છે. તેનું ભૌતિક
અસ્તિત્વ કે સ્થૂળ બંધારણ નથી. મનોબળ તો વિચારમાંથી જન્મે છે અને વિચરનું સરનામું નથી,
ચહેરો પણ નથી કે આકાર પણ નથી. મનોબળ કે વિચારતો વ્યક્તિની અંદર જ પ્રગટે છે આપબળે જ
આવે છે. સંજોગો સામે લડી લેવાની હિંમત અને એ વિચાર જ મનોબળ છે. એક રક્ષણાત્મક પ્રતિક્રિયા.
અઢળક વિચારોનાં તેજોમય ઝબકારા વચ્ચે તિવ્રતાથી ઉઠતો એક જોરદાર ભડકો મનોબળ છે. આ ભડકો
આપોઆપ થાય છે અને તેનાં થવાનાં સમયે જ થાય છે.
દ્રઢ મનોબળ મેળવા હકારાત્મક વિચારોનાં નિર્માતા
બનો, સર્જક બનો. સફળતા આપોઆપ તમારા દ્વારે ઊભી રહેશે. Whatever the mind of human
being conceive and believe, it can achieve.
એક માણસને એક નાનકડી દીકરી હતી.
એકની એક, ખુબ લાડકી. એ માણસ તેની લાડકી માટે જ જીવતો એમ કહી શકાય, તે બાળકી જ તેનું
સર્વસ્વ હતી તેનું જીવન હતી. તેની પૂંજી હતી. જાન કે જીગર થી પણ વહાલી હતી એ માણસને
એની આ ઢીંગલી.
એક વાર એ માંદી પડી. તે બાળકીનાં
પિતાએ ખુબ વૈદ – હકીમો, સારામાં સારા ડોક્ટર્સ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ હોસ્પીટલમાં સારવાર
કરાવી, આકાશ પાતાળ એક કરી દીધા, પણ એ પોતાની વહાલસોયીની માંદગી દુર ન કરી શક્યો. આ
દોડધામમાં અને પોતાના કલેજાનાં ટુકડાની માંદગીએ તેને એકદમ બાવરો બનાવી દીધો.
ખુબ પ્રયત્નો કર્યા જતન કર્યા
દોરા – દાગા, ભુવા – સાધુ, વૈદ – હકીમ, ડોક્ટર્સ અને હોસ્પીટલ્સ તમામ રીતે યત્ન પ્રયત્ન
કરવા છતાંયે એ માણસની ઢીંગલીની માંદગી દુર ન થઇ અને એક દિવસ તેનો કાળજાનો કટકો મૃત્યુ
પામ્યો. આ ઘટનાએ એ માણસની તમામ સ્વસ્થતા, તમામ સમજ, તમામ બુદ્ધિ, વિવેક હણી લીધા. તેનાં
મનમાં એક પ્રકારની તિવ્ર કટુતા અને કડવાશ આવી ગઇ. એ માણસે આઘાતનાં માર્યા પોતાની જાતને
દુનિયા દારીથી દુર, સ્વજન-મિત્રોથી દુર એક ઓરડામાં પુરી દીધી. આ ઘટના બાદ તેનાં સ્વજનોએ
પણ આ વ્યક્તિની સામાન્ય જીંદગી જીવી શકશે એવી આશા છોડી દીધી.
એક રાતે આ પિતાને એક સપનું આવ્યું.
સપનામાં એ સ્વર્ગ પહોંચી ગયો. ત્યાં એણે નાના નાના બાળકો અને નાના બાળ દેવદુતોનું એક
ભવ્ય સરઘસ જોયું. આ સરઘસ અવિરત પણે ચાલ્યું જતું હતું. શ્વેત અને અત્યંત સ્વચ્છ વસ્ત્રો
ધારણ કરેલા આ દેવદુતો અને બાળકોનું ઘ્યાન પણ આ વ્યક્તિ પર નહોતું તેઓ તો બસ આ સરઘસમાં
શાંતિથી ચાલ્યા જતાં હતાં. આ તમામ બાળકો પાસે એક એક સળગતી મીણબત્તી હતી. તમામ પાસે.
પણ આ વ્યક્તિએ જોયું અને નોંધ લીધી કે એક બાળક પાસે ઓલવાઇ ગયેલી મીણબત્તી લઇને આ સરઘસમાં
ચાલે છે. તે તુરંત જ એ બાળક પાસે ગયો અને તેણે જોયું તો એ બાળક બીજું કોઇ નહીં પરંતુ
તેની મૃત્યુ પામેલી દીકરી જ હતી. તે ખુબ ખુશ થયો, આંસુભરી આંખે તેણે તેની વહાલી દીકરીનાં
માંથે હાથ ફેરવ્યો, ચુમી, તેની પોતાની ગોદમાં લઇ લીધી. આ થતાં સરઘસ થંભી ગયું. આ જોઇને
આ પિતાએ પોતાની લાડકીને ખુબ વ્હાલથી પુછ્યું કે, ‘બેટા તારી એકલીની જ મીણબત્તી કેમ
ઓલવાયેલી છે?’
તો દિકરીએ જવાબ આપ્યો, કે ‘પપ્પા,
મારી મીણબત્તી પણ પેટાયેલી જ હતી. પરંતુ વારંવાર એ તમારા આંસુઓથી ઓલવાય જાય છે. આ લોકો
ફરી ફરીને પેટાવે છે પરંતુ તમારા આંસુ એને વારંવાર ઓલવી દે છે. જો તમે આંસુ સારવાનું
બંધ કરો તો આ તમામ દેવદુતોની જેમ મારી પણ મીણબત્તી પેટાયેલી રહેશે અને હું પણ ખુબ રાજી
થઇશ.’
આટલું સાંભળતા પેલો વ્યક્તિ ઊંઘમાંથી
સફાળો જાગી ગયો અને એણે જોયું તો તે તો એનાં બંધ ઓરડામાં હતો જયાં ચારેકોર ભારોભાર
નિરાશા અને વેદના હતી. તે ક્ષણથી તે ઉઠ્યો અને મનોમન નક્કી કર્યું કે ‘નહીં હું મારી
દિકરીની મીણબત્તી ઓલાવા નહીં દઉં. અને આમ એકાંતમાં પુરાઇ ન રહેતા મોકળા મને મારા મિત્રો
અને સગા-વહાલાં સાથે હું પણ આનંદથી જીવીશ.’
હવે, તેની લાડકડીની મીણબત્તી
તેનાં આંસુઓથી બુજાતી નહોતી.
મિત્રો,
મેં એક વાત ખાસ નોંધ લીધી છે કે આખા વર્ષ દરમિયાન લોકો આ રજામાં રોમાંચકારી સ્થળ પર
જવાનાં સપનાં જુએ છે. તૈયારીઓ કરે છે અને પ્રોગ્રામ ઘડતા રહે છે. પણ ખરેખર આવી કોઇ
જગ્યાએ પહોંચી ગયા પછી તેઓ એટલા રોમાંચિત થાય છે ખરાં?
તાજેતરમાં એક સર્વેથી એવું તારણ બહાર આવ્યું
છે કે રજા પહેલાનો અને પછીનો હેપ્પીનેસ ઇન્ડેક્ષ કંઇક જુદો જ હોય છે. હેપ્પીનેસ ઇન્ડેક્ષ
એટલે સફર પહેલાં અને પછી થયેલી ખુશી કે મોજ. મનોવિજ્ઞાનિઓએ એવું તારણ કાઢ્યું કે સફરની
યોજના બનાવવી, એ વિશે સપના જોવાં, દોસ્તો સાથે વાત કરવી એ વાસ્તવિક પ્રવાસ કરતાં વધુ
સુખદ હોય છે. લોકો કલ્પનામાં વધુ ખુશી અનુભવે છે! યાત્રાની મુસીબતો, સફરનો થાક, ઘરની
સુખ સુવિધાનો અભાવ, સફરમાં બગડતી તબીયત અને આપસમાં થતાં ઝઘડા વગેરેને લીધે એમનાં ફરવાનાં
ઉત્સાહમાં કમી આવી જાય છે. એવું જાણવા મળ્યું છે કે એમણે જેટલું ધાર્યુ હતું એનાથી
ઘણો ઓછો આનંદ એમને વાસ્તવમાં મળ્યો હતો.
એક બીજો સર્વે હતો રજા પછીની મનોદશાનો, કે ૯૫%
લોકોએ પાછા ફર્યા બાદ ઉદાસી અને હતાશાનો અનુભવ કર્યો હતો! કોઇપણ સફરની હંમેશા બે બાજુ
હોય છે. શરિરીક અને માનસિક. લોકો હંમેશા તંદુરસ્તીની ફિકર કરે છે, પણ મન દુરસ્તી વિશે
ક્યારેય વિચાર્યું છે? તેની માટે કે તેને સોલિડ કરવા માટે ક્યારેય કંઇ ઉપાય કર્યો?
સવાલ છે… શું તમારું મન આનંદ મેળવવાની કળા
જાણે છે? દરેક ક્ષણમાંથી સુખને મજાને, ઉત્સાહને નિતારી લેવાની કળા મનદુરસ્તી માટે અતિ
અતિ ને ફરીવાર અતિ જરૂરી છે. તમને ભવિષ્યમાં જેવવાની કે કલ્પનામાં રાચવાની આદત હશે.
તો સુખી થવાની કળાથી લખી લો બાપુ! વંચિત રહી જશો. કારણ કે, સુખ ‘આજ’ અને ‘અહીં’ રહેલું
હોય છે. ‘કાલ’ માં અને ‘ત્યાં’ નહીં.
એક સરળ
ઉદાહરણ આપું. મારો એક મિત્ર છે. તે હાલની પરિસ્થિતિ પ્રમાણે સાધન સંપન્ન કહી શકાય એમ
છે. ઠીક ઠીક પ્રમાણમાં આવક અને ખુબ શાંત અને સરળ જિંદગી. તે તેની આવકનો ખુબ મોટો હિસ્સો
એની આવનારી જીંદગી માટે રોકાણ કરી દે છે. કારણ ખુબ સ્પષ્ટ કે અત્યારે કમાઇ શકું છું
એટલે બચવી શકીશ. ૨૦-૨૬ વર્ષ પછી કમાઇ નહીં શકું ત્યારે આ જ બચતને વાપરવાની રહેશે. એ
સમયની જિંદગીને અત્યારની લાઇફસ્ટાઇલ પ્રમાણે જીવી શકું એ માટે હું આ કરું છું. ખોટી
વાત નથી… પણ મેં ખાસ નોંધ્યું છે કે એ અત્યારે પણ ઘણી બાબતોને બાંધછોડનાં નામે જતી
કરે છે કે જેમાં થોડો ખર્ચ થતો હોય. કારણ કે તો તે તેનાં આવનારા સમય જે ૨૦-૨૫ વર્ષ
પછી આવશે એ માટે યોગ્ય બચત નહીં કરી શકે કે રોકી નહીં શકે. માટે ઘણાં સપનાંઓ મારીને
પણ એ પોતાનો આવનારો સમય યોગ્ય વિતે એ માટે પ્રયાસ કરતો હોય છે.
ડિટ્ટો આ જ વાત ગયા વર્ષે આવેલી ઝોયા અખ્તર
નિર્દેશીત ફિલ્મ ‘ઝિંદગી ના મીલેગી દોબારા’
માં પણ કહી છે. કે ૪૦ વર્ષે રીટાયર થવા માટે અત્યારે મશીનની જેમ કામ કરવું અને જીંદગીનો
સોનેરી સમય વેડફી નાખવો શુમ યોગ્ય છે? અને દોસ્ત, કાલની કોને ખબર છે? શું મારો મિત્ર
૨૦-૨૫ વર્ષ સુધી હયાત રહેવાનો એની એને ખાત્રી છે? ના… નથી! તો પછી શા માટે તમારી આવતીકાલ
ખુશનુમા વિતે એ માટે તમે તમારી આજને વેડફો છો? થોડું પોતાના માટે જીવવું ખોટું નથી,
ફરી લો, દુનિયા જુઓ અને મજા કરો.
તમારી આવતીકાલને સજાવો પણ આજ નાં ભોગે નહીં
દોસ્ત… કાલ જો ન ઉઠી શક્યા તો મરતાં મરતાં પણ અફસોસ રહી જશે કે કાશ! આ કરવું હતું કે
તે કરવું હતું પણ જીંદગી જ ન રહી.
કે,
‘આગે ભી ના જાને તુ, પીછે ભી ના જાને તુ, જો ભી હૈ બસ યહી ઇક પલ હૈ…!’
કલ્પનામાં
રાચવા કરતાં અને વિવિધ પ્રકારનાં ગભરાટમાં આવવા કરતાં અને પોતાનાં મનનું આવું નેગેટીવ
પ્રોગ્રામિંગ કરવા કરતાં સફર પર નીકળે જવું સારું. તેમ છતાંય, આવા કલ્પનાશીલ લોકો માટે
ઓશોએ અમુક સરળ ધ્યાન વિધિઓ બતાવી છે. એ કરી જુઓ. તમારી સફરની ગુણવત્તા બદલાઇ જશે.
તમે કોઇ વાહનમાં બેસો છો તો ક્યારેક હડદોલા
લાગવાથી તમારૂં શરીર દુઃખવા લાગે છે. ટ્રેન, કાર કે વિમાન કોઇપણ વાહન હોય – વાહનમાં
બેસવાથી તમે થાકી જાઓ છો. વાહનમાંથી ઊતરો છો ત્યાં સુધીમાં શરીરનાં સાંધેસાંધા દુઃખવા
લાગે છે. તમને લાગે છે કે એ સફરનો થાક છે, પણ જરા વિચારો. તમે કંઇ કર્યું તો છે નહીંતો
પછી થાકોડો કેવો? જો થોડું ધ્યાનથી આત્મનિરિક્ષણ કરશો તો આ થાક છો તમારા વિરોધનો…!
વાહનની એક ગતિ છે, એ ગતિ સાથે તમે વિરોધ કરી રહ્યા છો. તો તમે વગર કર્યે ઘણું કરી રહ્યા
છો દોસ્ત! તમે એમ ઇચ્છો કે વાહન ઝડપથી ન ચાલે, હડદોલા ન લાગે, વાહન ડાબી-જમણી તરફ વળે
ત્યારે તમે શરીરને અક્કડ રાખો છો તેની ઝડપ અને ગતિ સાથે વિરોધ કરો છો, ગતિમાન રહેતા
નથી. ઉબડખાબડ રસ્તાને કારણે તમે જવાબદારોને મનોમન ભાંડતા હો તો પણ શું? કે આવા રસ્તાને
કારણે શરીરને સહન કરવા પડતા હડદોલાને કારણે તમે ડ્રાઇવર પર ચિડાવ તો તેનું કોઇ કારણ
નથી. ધીમે ધીમે આ પ્રકારનો દ્રષ્ટિકોણ તમારા પર પુરેપુરો છવાઇ જાય છે… બસ આનાથી થાક
વધે છે કે લાગે છે.
જ્યારે
થાક લાગે ત્યારે અંદર જ નેગેટિવ શક્તિ ભેગી થાય છે. બેચેનીનું પુર આવ્યું હોય એવું
આગે છે. આવા વખતે આ બોજને બહાર ફેંકવાનો ઉપાય જાણતા હો તો ચોક્કસપણે એમાંથી છુટકારો
મેળવી શકો. વરસાદમાં કાદવ-કિચડ થાય તો એને પાવડાથી બહાર ફેંકીને આપણે આપણું આંગણું
સાફ અને ચોખ્ખું કરી દઇએ છીએ, એમ થાકરૂપી કે બેચેનીરૂપી કાદવ-કિચડને બહાર ફેંકવા શ્વાસરૂપી
ઝાડુનો ઉપયોગ કરો. શ્વાસ લેવાની જેમ શ્વાસ છોડવાની પ્રક્રિયા પર પણ ઘ્યાન કેંદ્રીત
કરો. જોરથી શ્વાસને બહાર કાઢો. આવું સતત થોડીવાર માટે કરો. અંદર જમા થયેલો દુષિત વાયુ
બહાર નીકળી જશે, સાથોસાથ નીકળશે ખરાબ વિચાર અને ત્યાર બાદ ખરાબ ભાવ. તમે પોતે જ તમારી
જાતને હ્ળવી અનુભવી શકશો.
એટલે સૌથી પહેલી વાત તો એ કરવાની કે, મનોમન
ઉત્પન્ન થતાં વિરોધને ઓગાળી નાંખો. Just Go with the Flow…! ઉક્તિ માફક વિચારો કે તમારું
શરીર વિરોધ કરવાનું છોડી દેશે અને જેવો તમારો માનસિક વિરોધ તૂટશે કે તમારી સખ્તાઇ ઓછી
થશે એટલે તમને થાક ઓછો લાગશે અથવા તો બિલ્કુલ નહીં લાગે. વાહનની ગતિ સાથે તાદમ્યતા
સાધો, શરીરને લચીલું રાખો કે જેથી વાહન ડાબી કે જમણી તરફ વળે તો સાથે તમારું શરીર અક્કડ
ન રહેતાં સાથોસાથ વળે. ધીમેધીમે તમે વાહન સાથે તાલ મેળવતા જ્શો અને માનસિક રીતે પુરેપુરા
શાંત રહીને સફરનો આનંદ પણ માણી શકશો.
આ તમામ ક્રિયાઓ કરો એ દરમ્યાન એકદમ શાંત બેસી
રહો. માત્ર અને માત્ર આત્મકેન્દ્રિત થઇને. શાંત બેસી રહેવાથી અને આત્મકેન્દ્રીત થવાથી
તમારી ચોમેર વિખરાયેલી ઉર્જા એકઠી થશે અને ધીરેધીરે તે તમારી અંદર પ્રવેશીને તમારી
નકારાત્મકતાને મીટાવી દેશે. હળવાફુલ થઇને સફરનો આનંદ ઉઠાવી શકશો. સુંદર સ્થળ અને સુંદર
જગ્યા તમને વધુ સરસ દેખાવા લાગશે આપોઆપ.
કારણ… તમારું હવે પ્રોગ્રામીંગ પોઝીટીવ થયું
છે એટલે સ્તો…! દ્રષ્ટિ બદલી એટલે સૃષ્ટિ બદલી.
તમારી શક્તિને જાણો, ઓળખો અને એનાં પર વિશ્વાસ રાખો.
દુનિયામાં
કોણ એવું છે કે જેનાં મનમાં, હ્રદયમાં મહત્વાકાંક્ષાં નથી હોતી? દરેકનાં મનમાં કોઇને
કોઇ ઇચ્છા અવશ્ય હોય જ છે. હરકોઇ કંઇક ને કંઇક મેળવવા ઇચ્છે છે. પરંતુ શું માત્ર ઇચ્છા
રાખવાથી જ તમે તે સ્થાન કે તમારી મહત્વાકાંક્ષાને મેળવી શકશો? પામી શકશો? દરેક મહત્વાકાંક્ષા
અત્યંત પરિક્ષમ માંગે છે. હવે ખેડૂતનું જ ઉદાહરણ લઇ લો. પોતાની ખેતી કે ફસલ માટે એ
કેટલી મહેનત કરે છે, પરિક્ષમ કરે છે. ફુલ-ફળ શું આપમેળે ઉગે છે? એને ઉગાડવાવાળાં લોકો
પાસેથી જ આપણે જાણી શકીએ છીએ કે આ બધું ઉગાડવા કે મેળવવા તેમણે કેટલી મહેનત કરેલી,
કેટલો સખત પરિક્ષમ કરેલો. મહત્વાકાંક્ષા પણ આમા અપવાદ નથી.
મહેનત
કરો. તમારી હર એક મહત્વાકાંક્ષા હરેક ઇચ્છા પુરી થશે. પણ એ માટે પહેલી શરત છે, મહેનત
કરવાની, પરિક્ષમ કરવાની અને એ પણ સખત. મહેનત કરવાથી તમને બધું મળી શકે છે. બસ જરૂર
છે યોગ્ય દિશામાં મહેનત કરવાની.
આ માટે અમુક નિયમો કે સુચનાઓ પર નજર દોડાવીએ.
મનોદશા કે ચિત્તને સ્થિર રાખો –
તમારા
કામ પર તમારા મનને એકાગ્ર કરો. સ્થિર કરો. તમારી જ જીત થશે અને મનોવાંછીત ફળ પણ મળશે
જ એવાં પૂર્ણ આત્મવિશ્વાસ સાથે મચી પડો. દ્રઢ નિશ્ચય અને પૂર્ણ આત્મવિશ્વાસ સાથે પોતાની
તમામ શક્તિઓને તમારા લક્ષ પર એકાગ્ર કરી દો તો જ સફળતા મળશે. આશા, દ્રઢ નિશ્ચય અને
પૂર્ણ આત્મવિશ્વાસ ધરાવનારાઓની ક્યારેય હાર થતી નથી. પરિસ્થિતિ ભલે ગમે એવી હોય, પણ
પોતાનાં મનને સ્થિર મનોદશાને સ્થિર રાખો. પછી જુઓ ચમત્કાર…!
આત્મ શ્રધ્ધા રાખો –
તમે
જે લક્ષ પ્રાપ્ત કરવા ઇચ્છો છો તો એ મેળવવા માટે જો તમને તમારી જાત પર જ વિશ્વાસ નહીં
હોય શ્રધ્ધા નહીં હોય તો એ તો પેલી વાત જેવું થયું કે તમે ચાલો છો તો પશ્ચિમ બાજુ પણ
પૂર્વ પર પહોંચવા ઇચ્છો છો. સફળ થવા માટેનો સૌથી મોટો અને સીધો સાદો સિદ્ધાંત છે કે
તમે જે લક્ષને મેળવવા ઇચ્છો છો તેને મેળવવાની પ્રબળ આશા પણ રાખો તેમજ એ માટેની જરૂરી
એવી શક્તિ અને આત્મવિશ્વાસ તમારા મનમાં ભરી દો. જો તમે જ તમારી યોગ્યતા પર અને લક્ષની
પ્રાપ્તિ હેતુ શક્તિ અને સામર્થ્ય પર વિશ્વાસ નહીં રાખો શ્રદ્ધા નહીં રાખો તમે લખી
રાખજો કે મનચાહી સફળતાને તમે કદી તમારી પ્રત્યે આકર્ષી નહીં શકો.
મનોવૃત્તિ બદલો –
આપણાં
વિચારોની ગરીબી, નિરાશાની ભાવના, પોતાની શક્તિઓ પર સંદેહ અને ભયની ભાવના, આત્મવિશ્વાસની
કમી અને કાર્યહિન બેસી રહેવાની વૃત્તિ જ આપણને ગરીબ બનાવી રાખે છે.
તમે
તમારી મનોવૃત્તિને એક ધનાઢ્ય વ્યક્તિની મનોવૃત્તિ જેવી બનાવો. તમારી કોઇ પણ ચેષ્ટા
કે અભિનયથી તમારી ગરીબી દેખાવી ન જોઇએ. જ્યાં સુધી તમારી આસપાસનું વાતાવરણ જ તમને ગરીબીની
માનસિકતા તરફ ખેંચતું રહેશે ત્યાં સુધી તમે મનથી પણ ક્યારેય ધનાઢ્યની જેમ વર્તી નહીં
શકો. તમારા ઉદ્દેશપૂર્તી હેતુ જે કરવું પડે તે જ કરો. ઘણીવાર પોતાનાં વર્તનથી જ માણસ
સફળ થતો હોય છે. પોતાનું દુઃખડું કોઇપાસે રડો નહીં. પોતાની જાતને મજબૂત બનાવો. માર્ગમાં
આવનારા વિધ્નથી જરા પણ વિચલીત થયા વિના લક્ષ્ય પર દ્રષ્ટિ રાખો અને આગળ વધો. તમે જરૂર
સફળ થશો.
ખાસમખાસ
નેગેટીવ પ્રોગ્રામિંગ ન થાય એનું ખાસ ધ્યાન રાખવું અને આવા લોકોથી હરહંમેશ સાવચેત રહેવું.
આ એ લોકો છે જેમની મનોદશા ગરીબ છે. તમારે એમનાં જેવું રહેવું હોય તો અને તો જ આવા લોકોનાં
સંપર્કમાં રહેજો.
વિશ્વાસ તો કાર્યસિદ્ધિનો શ્વાસ છે –
વિશ્વાસ
તો કાર્યસિદ્ધિનો પિતા છે. વિશ્વાસથી માનસિક શક્તિઓને સહારો મળે છે અને આ શક્તિઓમાં
વધારો પણ થાય છે. વિચારોની તિવ્રતા કેવળ ધારણાઓથી મળે છે. એનામાં સ્થિરતા કેવળ દ્રઢ
નિશ્ચયથી આવે છે. એને શક્તિ માત્ર અને માત્ર પ્રચંડ આત્મવિશ્વાસમાંથી મળે છે. જો તમારો
આ ગુણ નબળો પડશે તો વિચાર પણ નબળો પડશે અને તમે તમારી કાર્યસિદ્ધિ માટે અસમર્થ થઇ જશો.
માટે વિચારો પર વિશ્વાસ રાખો.
દુનિયામાં
કોઇપણ વ્યક્તિ ત્યાં સુધી કંઇ નથી કરી શક્તો કે સફળ થતો જ્યાં સુધી એને પોતાનાં હાથમાં
લીધેલા કામનાં વિષયમાં અને એ કામને પુરી કરી શકવાનાં પોતાના સામર્થ્ય પર દ્રઢ વિશ્વાસ
ન હોય. જો આ દ્રઢ વિશ્વાસ હોય તો એવા લોકોનું પોતાનાં લક્ષ સાધ્ય હેતુ પાછીપાની કરવાનું
અસંભવ હોય છે. એને પોતાનાં પર અને પોતાની શક્તિ અને સામર્થ્ય પર પૂર્ણતઃ દ્રઢ વિશ્વાસ
હોય કે જે કામ એને કરવાનું છે એ કામ એ કરી શકે એમ છે. એ માટે એનાં માર્ગમાં આવનારા
તમામ વિઘ્નોનો સામનો કરવાની હિંમત પણ ધરાવે છે.
કોઇનું અનુકરણ ન કરવું –
જે
લોકો પોતાનાથી વધુ સામર્થ્ય ધરાવતા લોકોનું અનુકરણ કરવાનું શરૂ કરે ત્યાં એ પોતાની
આગવી ઓળખ ગુમાવી લેતા હોય છે. ત્યારબાદ તેઓ માત્ર તેટલું જ જોઇ શકે છે કે વિચારી શકે
છે જેટલું પેલી વ્યક્તિ જેનું એ અનુકરણ કરતાં હોય. એક રીતે કહું તો આવા લોકો કૂપમંડૂક
બનીને પુરૂ જીવન વ્યતિત કરતાં હોય છે. પોતાનું જીવનમાં ક્યારેય તેઓ પ્રગતિ કરી શકતાં
નથી. એમનું જીવન એક ઘોર અંધકારની ગર્તામાં ધકેલાઇ જાય છે, અને એનો આવા લોકોને જરા પણ
અહેસાસ હોતો નથી.
ઉઠો,
જાગો અને આગળ વધો! આગળ વધીને દોડો ત્યારે જ તમને તમારી મનચાહી મંઝીલ મળશે. ભગવાને રસ્તો
તો બનાવ્યો જ છે. પણ ઉઠીને એ રસ્તા પર ન ચાલો તો આમાં દોષ કોનો? સ્વાભાવિક છે કે આપણો
જ દોષ છે.
શ્રેષ્ઠ પરિણામની જ આશા સેવો –
પ્રત્યેક
કાર્ય પ્રત્યે રચનાત્મક દ્રષ્ટિથી જોવું, એની સારી બાજુ જોવી, આશા ભરી નજરોંથે જોવું,
સફળતાનો ભરોસો રાખવો અને મનમાં વારંવાર સફળ થશું જ એવા જ ભાવ લાવવા. સંદેહ અને સંશય
જેવા નિર્બળ કરનારા ભાવોને મનથી અને પોતાનાથી દુર રાખવા, આ તમામ કાર્યો એવા છે કે જેના
કારણે મનુષ્ય પોતાના તમામ કામો અને ચેષ્ટાનું સર્વોત્તમ અને શ્રેષ્ઠ પરિણામ જ મેળવે.
આશાવાદથી
તમામ માનસિક યોગ્યતાઓમાં વૃદ્ધિ થાય છે વિકાસ થાય છે ઠીક એમ જ જેમ સુર્યોદય થવાથી ફુલ-છોડ
અને વૃક્ષોની વૃદ્ધિ થાય છે. નિરાશાવાદ એક નકારાત્મક બાજુ છે, એક વિચાર છે, સોચ છે.
નિરાશાવાદ ઘોર અંધકાર ભર્યું નરક છે. જ્યાં મનુષ્યની તમામ શક્તિઓ અને તમામ યોગ્યતાઓ
અપંગ બની જાય છે અને તેમનો વિકાસ રૂંધાઇ જાય છે. જેમને ચારેકોર નિરાશા જ નિરાશા દેખાતી
હોય એમનું ભવિષ્ય અંધકારમય છે.
સિદ્ધિનાં અવસરો –
એક
વાતને તમે ગાંઠે બાંધી લો કે હાલની પરિસ્થિતિવશ તમે કેટલા નિર્ધન અને ગરીબ શા માટે
ન હો પણ ભવિષ્યમાં તમે ધનાઢ્ય બની શકો છો. જો કોઇ વ્યક્તિ પોતાની જાત પર ભરોસો રાખે,
જો નિરંતર પોતાના ઉદ્દેશ્યની વિશે જ વિચારતો હોય, જે પોતાની કાર્ય કરવાની યોગ્યતાઓ
પર ભરોસો રાખતો હોય, જે પોતાની દ્રષ્ટિ નિરંતર પોતાનાં લક્ષ્ય પર એકાગ્ર કરીને રાખતો
હોય, જે વ્યક્તિ પોતાનાં પર વિશ્વાસ રાખી અને ઘોર પરિક્ષમ અને સંઘર્ષ કરવાની ઇચ્છા
અને સંકલ્પ રાખતો હોય એવા લોકોની જીત હંમેશા થતી હોય છે. આવા લોકો જ પોતાનું ઇચ્છીત
ફળ, ઇચ્છીત હેતુંને પાર પાડી શકતા હોય છે.
તમે
જે કાર્યો પુરા કરવાનો મનોમન સંકલ્પ કર્યો હોય એ કાર્યોની સિદ્ધિ પર તમને પૂર્ણતઃ વિશ્વાસ
હોવો જરૂરી છે. આશાવાદ જેટલો તિવ્ર હશે એટલો જ ઉત્સાહ પણ ઉગ્ર હશે. ઉત્સાહ જેટલો ઉગ્ર
હશે એટલો જ માનસિક પ્રયત્ન પ્રચંડ હશે. માનસિક પ્રયત્ન જેટલો પ્રચંડ હશે એટલી જ તિવ્રતાથી
સફળતા પ્રાપ્ત થશે.
નિશ્ચયમાં દ્રઢતા –
જે
વસ્તુને આપણુ હ્રદય ઇચ્છે છે ચાહે છે તે સ્વરૂપનું નિર્માણ આપણી આશા-આકાંક્ષા, આપણો
વિશ્વાસ, આપણો દ્રઢ સંકલ્પ અને આપણાં પ્રયત્નો થકી જ થાય છે. જો આપણે આપણાં લક્ષની
સિદ્ધિ માટે દ્રઢ નિશ્ચય કરી લઇએ પછી એ પ્રાપ્તિ હેતુ માર્ગમાં ગમે એવાં વિઘ્નો આવે
કે અડચણ આવે આપણે આપણાં સંકલ્પ બળના આધારે આ તમામ વિઘ્નો અને અડચણોને દુર કરી સફળતા
મેળવી ને જ રહીએ છીએ.
પૂ.
મોરારીબાપુ એમની કથા દરમ્યાન એક દ્રષ્ટાંત આપેલું, કે કોઇ આગળ પોતાનું દુઃખ રડશો નહીં,
કોઇ આપનું દુઃખ દુર કરી શકે એમ નથી. દુનિયા શું આપણું દુઃખ દૂર કરવાની હતી? દુનિયાથી
ન ભય પામવું કે ન લાચાર થવું. એમ કહેતાં તેઓ એક દ્રષ્ટાંત આપે છે એક છોકરો ગ્રેજ્યુએટ
થયો. પણ નોકરી ન મળે. બધે નોકરી શોધી શોધીને અંતે થાક્યો અને નક્કી કર્યું કે જેવી
મળે એવી નોકરી હવે સ્વિકારી લેવી.
ગામમાં
એક સરકર આવ્યું હતું. ડૂબતો માણસ જેમ તરણા ને બાઝે એમ આ છોકરો સરકસનાં મેનેજર પાસે
ગયો. તેમને વિનંતી કરી કે ‘મને કોઇ પણ કામે રાખી લો, મારે નોકરીની સખત જરૂર છે.’ સરકસનાં
મેનેજરે કહ્યું કે ‘ભાઇ, મારે ત્યાં તો બીજુમ શુમ કામ હોય? હા, એક કામ છે. ગઇકાલે રાતે
અમારૂં રીંછ મરી ગયું. તું રીંછનું ચામડુ પહેરીને જો સરકસમાં રીંછનો રોલ ભજવે તો દરેક
શોનાં તને દોઢસો રૂપીયા આપું.’ લાચારીમાં માણસ કોઇપણ કામ સ્વિકારી લે એમ છોકરાએ રીંછ
બનવાનું સ્વિકારી લીધું. આ છોકરાએ થોડી તાલીમ લીધી અને શો દરમ્યાન રીંછનું ચામડું પહેરીને
રીંગમાં આવ્યો. રીંછ તરીકે એનો પ્રભાવ પડ્યો.
અચાનક
રીંગમાં સિંહનું પાંજરુ લાવવામાં આવ્યું. પાંજરૂ ખુલ્યુ અને વિકરાળ સિંહે રીંછને જોઇને
બહાર છલાંગ મારી. ભયનાં માર્યું રીંછ ભાગવા જતું હતું, ત્યાં પેલા સિંહે કહ્યું કે,
‘દોસ્ત, ડર નહીં ભાગ મા. તું ગ્રેજ્યુએટ થયેલો છે તો હું અનુસ્નાતક છું. તે રીંછનું
ચામડું પહેર્યું છે અને મેં સિંહનું.’
આ
દ્રષ્ટાંત પછી બાપુ કહે છે કે ‘કોણ કોનાથી ભાગે? બધાએ મહોરાં પહેર્યાં છે. એ મહોરાં
નીચે તો દુઃખ અને લાચારી જ છે. આ કથા આ દ્રષ્ટાંત મને ખુબ ગમે છે. આમ તો બાપુની બધી
વાત મને ગમે છે પણ એમાં પણ આ ખાસ.
આપણું
દુઃખ આપણે કોઇનીય પાસે રડવા જઇએ તો કોઇ હમદર્દ હોય, દોસ્ત હોય તો સમભાવથી સાંભળે. કોઇ
દેખાવ પૂરતો મિત્ર હોય તો મનમાં હસે પણ કે, ‘હંમ્મ, હવે કેવો ફસાયો?’ કોઇને ઉપદેશ આપવાની આદત હોય તો એમ
કહે કે, ‘ભાઇ, આમ ન કર્યું હોત તો આ દુઃખ ન આવત.’ દુઃખી હોઇએ ત્યારે બધા જ ઉપદેશ આપવા
નીકળી પડે છે. કવિ મરીઝે સરસ કહ્યું છે કે,
‘બસ દુર્દશાનો એટલો આભાર હોય છે;
જે પણ મળે છે મુજથી સમજદાર હોય છે.’
આવા
ઉપદેશોથી દુઃખ ઘટતું નથી. ક્યારેક ઉપહાસને કારણે વધુ તિવ્ર બની જતું હોય છે. તો ક્યારેક
સમભાવ કે અમસ્તી સહાનુભૂતિથી પણ વધતું હોય છે. જેની પાસે આપણે આપણા દુઃખડા રડવા જઇએ
છીએ, શું એ પોતે સુખી હોય છે? જો એ સુખી હોય આટલો સમજદાર હોય તો તે આ દુન્વયી દુનિયાનાં
વ્યવહારોથે પર થઇ ગયો હોય દોસ્ત…!
છતાંય
માણસને ક્યાંક તો હ્રદય ઠાલવવાનો ખપ પડે છે. આવું બને ત્યારે હ્રદય ઠલવાય છે ખરૂં?
હ્રદયમાંનુ દુઃખ ઘટે છે કે વધે છે? કોઇને કહી દઇએ ત્યારે મન હળવું બને એવી માન્યતા
છે. વાસ્તવમાં કહીએ તો એટલી ક્ષણો એટલી મીનીટો ભલે હળવાશ અનુભવીએ પછી તો માંહ્યલી વેદના
ઓર ઉત્કટ બને છે. કારણ કે જેને પણ વાત કરો કે મન ખોલો તે ઘડીક સાંભળે, ઉપેક્ષા કરે,
સમભાવ બતાવે, સહાનુભૂતિ વ્યક્ત કરે કે ઉપહાસ કરે પણ આ કોઇપણ સંજોગોમાં સામેવાંળી વ્યક્તિ
તમારૂં દુઃખ ઘટાડી તો નથી જ શકતી. જે તે દુઃખની વેદના તો જે તે વ્યક્તિએ પોતેજ સહેવી
પડતી હોય છે.
હાં
જે તમારી વાત સાંભળે છે તે પણ પોતાના દુઃખોથી પર થઇ ગયેલો હોતો નથી જ. હાં ક્યારેક
જડ થઇ ગયો હોય તેવું બની શકે. જેથી એને પોતાના દુઃખોનો અનુભવ ન હોય. એની સંવેદનશક્તિની
ધાર બૂઠી થઇ ગઇ હોય એવું બની શકે. કોઇક પોતાની વેદનાને ભીતર સંઘરીને સુખી હોવાનું મહોરૂં
પહેરે છે. મહોરૂં એ આપણો નિત્ય સ્વભાવ છે. એટલે જ પોતાનો અસલ ચહેરો ભાગ્યે જ કોઇ જાણે
છે. કવિ મનોજ ખંડેરીયાનાં શબ્દોમાં કહું તો,
‘ક્ષણો તોડવા બેસું તો વરસોનાં વરસ લાગે;
બુકાની છોડવા બેસું તો વરસોનાં વરસ લાગે…’
બધા
જ માણસોએ બુકાની બાંધી છે. જે ચહેરો અરીસામાં જોઇએ છીએ કે જેને આપણે કવચિત્ સુશોભિત
કરીએ છીએ એ આપણો અસલ ચહેરો હોય છે ખરો? કેટકેટલી બુકાનીઓનાં પડ તેનાં પર ચડ્યા હોય
છે! આપણે કોઇને મળીએ અને તેનાં ક્ષેમકુશળ પુછીએ ત્યારે ખરેખર આપણને એનાં ક્ષેમ કે કુશળની
ચિંતા કે ખેવના હોય છે ખરી?
માણસનાં
મૃત્યુ પછી જ માણસને એનાં સદ્દ્ગુણોની ખબર પડે છે. અને એનાં ગુણગાન કરે છે. ક્યારેક
આ ગુણગાનમાં નર્યો દંભ પણ હોય છે. ચહેરો પહેરીને કરાતી વાતોમાં સચ્ચાઇ ક્યાંય તળીયે
પણ બેઠી હશે કે કેમ એ વાત વિચારયોગ્ય બની જાય છે. માત્ર મૃત લોકો માટે જ એવું નથી.
આપણી સૌથી નજીકનાં માણસો પાસે પણ આપણે પુરેપુરા પ્રગટ થઇ શકીયે છીએ ખરા? ગમે તેટલી
ઇચ્છા હોય તો પણ પ્રિયજન સમક્ષ પુરેપુરા પ્રગટ થવાનું શક્ય નથી. કોઇ માણસ પોતાનાં જ
માણસો સામે પુરી રીતે પ્રગટ ન થઇ શકતો હોય ત્યાં બીજા લોકો સામે તો શું પ્રગટ થતો હશે
કે ખૂલતો હશે? બીજાઓ સમક્ષ તો કેટકેટલા ચહેરાઓ ઓઢીને બેસતો હશે? અહંકાર એ માણસનાં અસલ
ચહેરા પરનું એક પડ છે, ઘમંડ કે ક્રુરતા એ અન્ય પડ છે. એક બુકાની છોડીએ એટલે અસલ ચહેરો
પ્રગટ થાય એવું નથી. અહંકારની બુકાની છોડીએ એટલે નમ્રતાની બુકાની નીકળે. ક્રુરતાની
બુકાની છોડો એટલે દયાની બુકાની પહેરી લેવાય. આમ બુકાની છોડવાની પ્રક્રિયા સહેલી નથી.
કવિ કહે છે એમ કરતાં તો વરસોનાં વરસ લાગી જાય.
બધાં
જ દુઃખી છે. એમાંથી કોઇ સુખનું મહોરૂં પહેરે છે. કોઇ વધુ દુઃખી હોવાનું. કરૂણ રાગ કાઢીને
ભીખ માંગનારો હાથમાં મોટો સિક્કો કે નોટ આવી જાય તો ખુશીનું ગીત ગણગણવા માંડે અને કશું
ન આવે તો બે-ચાર અપશબ્દો પણ ચોપડાવી દે, બોલી નાંખે. આનો અર્થ તો એ જ થયો કે તેને વધુ
દુઃખી દેખાવાનું મહોરૂં જ પહેરેલું. આમાં અસલિયત ક્યાંય નથી. આ અસલિયત ને શોધવી ક્યાં?
સોચો ઠાકુર…!
જય હિન્દ મિત્રો, જય હિન્દુસ્તાન અને જય જય ગરવી ગુજરાત... આઝાદ
ભારતનાં (હિન્દુસ્તાન, ભાગલા પહેલાં કહેવાતું) ૬૭માં સ્વાતંત્ર્ય દિવસની મારા તમામ
વાચક મિત્રોને ખુબ ખુબ શુભેચ્છાઓ…
આઝાદીનાં
આ શુભ અવસર પરનાં આ વિષય પર શું લખું એ મથામણ છેલ્લા ૧૨ દિવસથી ચાલતી હતી. શોધખોળ ખુબ
ખુબા કરી. હાં એ શોધખોળને એળે નહીં જવા દઉં. ઇ. સ. વર્ષ ૦૦૧૨ થી આઝાદ ભારત અને ૧૪ની
ઓગસ્ટ ૧૯૪૭નાં રાત્રીનાં ૧૧ કલાક ૫૯ મીનીટ અને ૫૯મી સેકન્ડ સુધીનો ઇતિહાસ ખુબ જલ્દી
એક લેખમાળા રૂપે આપ સૌની સામે આવશે.
આટલા
દિવસોની વિમાસણ અંતે શું લખવું, એવામાં આ ફિલ્મ વિશે લખવાની ઇચ્છા થઇ આવી. આઝાદી પર
તો આપણી ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ અનેકો ફિલ્મો બનાવી છે. પણ એમાંની આ ફિલ્મ થોડી અપવાદરૂપ
ગણાય એવી હોય, ચાલો આજે આ ફિલ્મ વિશે વાતો કરીએ…
(આમે
મારા માટે પહેલો મનપસંદ વિષય તો ફિલ્મો જ હોય તે સ્વાભાવિક છે…) તો રીડર બિરાદરો અને
વાચક રાજાઓ, પેશ-એ-ખિદમત છે,
ફિલ્મ,
ઉપકાર…
મનોજ કુમારની આ ફિલ્મ પહેલાની ફિલ્મ ‘શહિદ’
ભારતનાં તત્કાલીન વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીને ખુબ ગમેલી. તેમણે જ મનોજ કુમારને
એમના સૂત્ર ‘જય જવાન, જય કિસાન’ પર કોઇ ફિલ્મ બનાવવા કહ્યું. શાસ્ત્રીજીનાં સૂચન પ્રમાણે
મનોજ કુમારે આ ફિલ્મની કથા લખી.
તો મનોજ કુમાર દ્વારા અભિનિત-દિગ્દર્શિત આ
ફિલ્મ સને ૧૯૬૭ ની સાલમાં દેશભરમાં રીલીઝ થયેલી. આ ફિલ્મ એ વર્ષની સુપર હીટ ફિલ્મ રહી.
ફિલ્મને અને મુખ્ય પાત્ર ભારતને મળેલા અપ્રતિમ પ્રતિસાદને જોઇને મનોજ કુમારને સત્તાવાર
રીતે આઝાદી પર અને ભારત દેશનાં ગૌરવ પર આધારીત હોય એવી કથા પર જ ફિલ્મો બનાવવાનું જાણે
કે લાયસન્સ મળી ગયું. આ ફિલ્મ રીલીઝ થયા પછી મનોજકુમારે સત્તાવાર રીતે પોતાનું ફિલ્મી
નામ ‘ભારત’ રાખી લીધું. જે નામે આજ દિ’ લગણ આ ભાઇ સાહેબને, ‘મનોજકુમાર, ભારત’ કે ‘ભારતકુમાર’
તરીકે જ સંબોધવામાં આવે છે. ફિલ્મમાં નિર્દેશક સાહેબ, જવાન પણ બન્યા છે અને કિસાન પણ.
મતલબ કે મુખ્ય પાત્ર.
આ ભાઇ સિવાય આ ફિલ્મમાં આજીવન ખુબસુરત એવી
આશા પારેખ પણ લીડ હિરોઇનનાં રોલમાં છે. આ ફિલ્મમાં આશા પારેખ ફેમીલી પ્લાનિંગની ડૉક્ટર
બની છે. આશા પારેખ સાથે પણ આ ફિલ્મ બનતી હતી ત્યારે આ મનોજકુમારને વાંકુ પડેલું. બનેલું
એવું કે ફિલ્મ ખેડૂતલક્ષી હોય, ઘણાં શોટ્સ વહેલી સવારનાં છે. આટલી વહેલી સવારનાં શુટીંગ
માટે આશા પારેખે એકવાર હિંમત કરીને નિર્દેશક સાહેબ પાસે પોતાનો વાંધો રજુ કર્યોને આ
ગોસ્વામી બાપુની ખોપડી હલી ગઇ. પુરા યુનીટ વચ્ચે આશા પારેખને જબરી ખખડાવી નાખી. હવે
આશા પારેખ જેવી કલાકાર આ કેમે સહન કરી શકે? તેમણે લીધા અબોલા, ખુદ ડાયરેક્ટર – એક્ટર
સાથે. માત્ર શુટીંગ પુરતી જ કેમેરો ઓન હોય ત્યારે વાત કરવાની, ને એ પણ ડાયલોગ સ્વરૂપે
બાકી કીટ્ટા…! આશાજીને એટલું લાગી આવેલું કે ફિલ્મનાં પ્રિમીયરમાં પણ તેઓ હાજર ના રહ્યા.
જ્યારે ફિલ્મ આટલી કામયાબ અને સફળ રહી ત્યારે પણ આશા પારેખે ગોસ્વામી બાપુ સાથે બુચ્ચા
ના કર્યા તે ના જ કર્યા. ગમે એમ તો યે અમારા કાઠીયાવાડનું પાણીને ભા! એમ થોડું નમે…
આ સીવાય મલંગ ચાચાને તો કેમે ભૂલાય. આ લખનારનાં
સ્પષ્ટ મતે પ્રાણે ભજવેલું આ પાત્ર તેમણે ભજવેલા શ્રેષ્ઠ ચરિત્ર માં સર્વ શ્રેષ્ઠ ચરિત્ર
અભિનિત પાત્ર તરીકે આવે. પ્રાણ એટલે ખલનાયકીનું સમાનાર્થી શબ્દ કે વ્યક્તિ. પણ આ ફિલ્મમાં
મનોજ કુમારે તેમને ચરિત્ર અભિનયની છાંટ ધરાવતુ પાત્ર આપ્યું. ફિલ્મની શરૂઆત પણ નાનકડા
‘ભારત’ અને મલંગ ચાચા દ્વારા જ થાય છે. મલંગ ચાચા બનેલા પ્રાણ ભારતને શીખામણ સ્વરૂપે
જીવનનો સાચો પાઠ શીખવે છે, કહે છે ‘જી ભર કર દૂસરોં પે ઉપકાર કર, લેકીન પહેલે અપની
સોચ…’ અને બીજો એક ડાયલોગ છે, જ્યારે ભારત, મલંગ ચાચાન બીજા લોકો પર વિશ્વાસ મુકવાની
વાત પર સવાલ પૂછે છે, ત્યારે તેનાં જવાબમાં મલંગ ચાચા કેવી સરસ વાત કરે છે, કે ‘દિન
મેં મૈં વો કહેતા હૂં જો હોના ચાહીયે, ઔર રાતકો મૈં વો કહેતા હૂં, જો હો રહા હૈ! સમજે?’
વધુ એક એવો, ‘રાશન પે ભાષન બહોત હૈ, લેકીન ભાષન પે રાશન નહીં…’
આ સીવાય ફિલ્મમાં મનોજ કુમારનાં સ્વાર્થી અને
મતલબી એવા ભાઇની ભૂમિકામાં પ્રેમ ચોપરા છે. આજીવન લાલાની ઇમેજમાં જ કેદ રહેલા કનૈયાલાલ
(અરે…રાધા રાની…., યાદ આવ્યું ને!) મદનપુરી આ ફિલ્મનાં વિલનનાં પાત્રમાં છે. મેજર સાહેબનાં
પાત્રમાં ડેવિડ જામે છે. પણ ફિલ્મનાં અંતે તો આ ત્રણ પાત્ર જ દર્શકો પર અસર છોડે છે,
ભારત, કવિતા અને મલંગ ચાચા.
ફિલ્મનાં ગીતોનું ફિલ્માંકન અને ચુસ્ત પટકથા
સાથેનો સડસડાટ ચાલતો સ્ક્રિનપ્લે. આ ફિલ્મ નિર્દેશક તરીકે મનોજ કુમારની પહેલી ફિલ્મ
હોય, તેણે ફિલ્મનાં એકપણ વિભાગમાં કંઇ કસર ન રહી જાય તેનું પુરતું ધ્યાન રાખ્યું છે.
અને એ માટે મનોજભાઇ શાબાશીનાં હક્કદાર પણ ખરાં. ફિલ્મનાં શરૂઆતમાં રજુ થતું સેન્સર
બોર્ડનાં સર્ટીફિકેટમાં ફિલ્મની ભાષામાં ‘હિન્દુસ્તાની’ લખાયું છે… વાહ મનોજભાઇ વાહ!
ફિલ્મનું પ્રથમ દ્રશ્ય પણ ડાબી તરફથી સૈન્યનાં જવાનનું હથીયાર એવી રાયફલ આવે છે તો
જમણી તરફથી દેશનાં ખેડૂતોનું મુખ્ય ઓજાર એવું હળ દર્શાવવામાં આવે છે. સીધો સંદેશ… ‘જય
જવાન, જય કિસાન’. મનોજ કુમારનો ફેવરીટ શોટ ટેકિંગ એંગલ એટલે દૂર કેમેરો સેટ કરવો અને
સીધો તીરની જેમ ક્લોઝપર ફોક્સ કરવો. તેની ફિલ્મો જરા ધ્યાનથી જો જો દોસ્તો!
આ લેખ આઝાદીનાં પર્વ નિમિત્તે હોય આજે અહીં
આ એક ગીતની જ વાત કરીશું. બાકી આ ફિલ્મનું અને આ લખનારનું ઓલ ટાઇમ ફેવરીટ અને દુનિયાદારીની
સીખ આપતું ગીત ઇન્દીવર લીખીત અને મન્ના દાનાં મખમલી કંઠે ગવાયેલું એવું ‘કસમે વાદેં
પ્યાર વફા સબ, બાંતે હૈં, બાતોં કા કયા…’ હોય કે પછી, મુકેશનાં દર્દભર્યા અવાજથી સજ્જ
એવું ‘દિવાનો સે યે મત પૂછો’ , કે પછી મહેન્દ્ર કપુર, આશા ભોંસલે અને મન્ના ડે એ ગાયેલું
ગીત ‘આયી જુમકે બસંત, જુમલો સંગ સંગમેં’, કે ગુલશન બાવરા લીખીત અને લતા મંગેશકરે ગાયેલું
ફિલ્મનું એકમાત્ર ગીત એવું ‘હર ખુશી હો વહાં, તું જહાં ભી રહે’ અને છેલ્લું એવું આશા
ભોંસલે અને મો. રફીએ ગાયેલું યુગલ ગીત, ‘ગુલાબી રાત’ હોય. આ ગીતોની ચર્ચા ફરી ક્યારેક…
ફિલ્મનું આ ગીત ‘મેરે દેશ કી ધરતી સોના ઉગલે,
ઉગલે ઉગલે હીરે-મોતી…’ આજદિન સુધીનું કોઇ એવી ૧૫મી ઓગસ્ટ કે ૨૬મી જાન્યુઆરી એવી નહીં
ગઇ હોય કે આ ગીત આ બંને ખાસ દિવસો પર વગાડવામાં ન આવ્યું હોય. ધીન તડક્ તક્ ધીધીન તડ્ક
તક્… નાં ઢોલનાં તાલ પર શરૂ થતું કોરસથી આ ગીત. આ ગીતનાં ફિલ્માંકન માટે મનોજભાઇને
૧૦૦ માંથી ૧૫૦ માર્ક્સ આપવા પડે. કેટલી સુંદર કલ્પના જુઓ. મલંગ ચાચા સાથેનાં સીનને
પુરો કરતા સમયે કેમેરો દિવાની ટમટમાતી જ્યોત પર ફોક્સ થાય છે અને એના પછીનાં જ સીનમાં
ઝળહળતો સુરજ પૂર્વ દિશાથી પ્રગટતો દર્શાવવામાં આવે છે. મંદીરનાં ક્લોઝ અપ ને ઝુમ આઉટ
કરીને પાણીમાં તેનાં પ્રતિબિંબને પણ દર્શાવવામાં આવે છે. ચહેકતા-કલશોર કરતાં પંખીઓ
ઉડે અને દર્શકોને એક સુંદર સવાર ઉગ્યાનો અહેસાસ હજુ થાય ત્યાં આ અસરમાંથી હજુ બહાર
આવે એ પહેલાં વહેલી સવારમાં ખેતરે જતાં ખેડૂતો એકસાથે કોરસમાં આ ગીતની ધુન ગાતા ગાતા
પડદા પર જોવા મળે છે. આ ગીતમાં ગૌતમ બુધ્દ્ન, ગુરૂ નાનક દેવ, ગાંધી બાપુ, રવિન્દ્રનાથ
ટાગોર, ભગતસીંઘ, સુભાષ ચંદ્ર્ બોઝ, લોકમાન્ય તિલક, જવાહરલાલ નહેરૂ, લાલ બહાદુર શાસ્ત્રી
અને પંજાબી શહીદ હરિસિંઘ નલવાને સૌને યાદ કરવામાં આવ્યા છે. એક રીતે આ ગીત આપણાં દેશનાં
આ સપૂતોને શ્રધ્ધાંજલી છે. ગીત લખ્યું છે ગુલશન બાવરાએ. એક એક પંક્તિ પર ગુલશન બાવરાની
પીઠ થાબડવી પડે. ગીત સાંભળતી વખતે ખાસ તો જોતી
વખતે સામાન્ય પ્રેક્ષક પણ શબ્દો સાથે પોતાની જાતને જોડી શકે એવા શબ્દો અને ધુન છે.
રાષ્ટ્ર ભક્તિ અને પ્રેમથી તરબતર એવું આ ગીત આ માટે જ આટલા વર્ષો પછી પણ એવું ને એવું
તાજું અને દેશદાજથી છલકતું છે.
આ ફિલ્મનાં સંગીતકાર કલ્યાણજી-આણંદજી એ
આ ગીતમાં ધુન નું જે સ્મૂધ ટ્રાન્ઝીશન એટલું પરફેક્શન સાથે કર્યું છે કે સાંભળનારને
બંને ધુન એક જ લાગે. આ સ્મૂધ ટ્રાન્ઝીશન એટલે કે જે ધુન વાગતી હોય તે જ ધુન પણ વાદ્યો
જુદા જુદા પણ શ્રોતાને જરા પણ ખલેલ ન પહોંચે અને ધુન બદલાઇ ગઇ હોય. ઉ.દા. તરીકે ગીતનો
અંતરો પુરો થતાં પડદા પરનું દ્રશ્ય બદલાય છે. સમજોને કે જુદી જ દુનિયા… ક્લબનાં રોક
એન્ડ રોલ સંગીતની ધુન પર થીરકતા શરીરો અને ભારતનો સાવકો ભાઇ પુરન જોવા મળે છે. અને
જે રીતે ડ્રમ વાગતાં વાગતાં ક્લોઝ અપ કેમેરો કટ્ટ ટુ ખેતરમાં ઢોલ પર ફોક્સ થાય. દર્શકોને
જરા પણ એવું ન લાગે કે દ્રશ્ય બદલાઇ ગયું, ધુન બદલાઇ ગઇ.
ફિલ્મમાં ઘણાં સીન્સ એવા છે જેમાં ઉડીને
આંખે વળગે એવી રીતે અને વગર પાણીએ ગળે ઉતરી જાય એવી રીતે પણ સંદેશાઓ આપવામાં આવ્યા
છે. જેમ કે મેજર સાહેબ જ્યારે ભારતને મળવા તેનાં ખેતરે આવે છે ત્યારે બપોરની જમણનો
સમય થયો હોય, સૌને જમવાનું કહેવામાં આવે છે ત્યારે, કુવાની પાળે ખેડૂતો પોતાનાં હળ
અને જવાનો – સૈનિકો પોતાની બંધૂક એક સાથે એકબીજાનાં ટેકે રહે એમ મૂકે છે. આ સ્પષ્ટ
સંદેશો છે ‘જય જવાન જય કિસાન’ સૂત્રનો. એવી રીતે ફિલ્મમાં ડૉક્ટર છે એવી કવિતા (આશા
પારેખ) પણ ‘વધુ બાળ વધુ જંજાળ’ નો સંદેશો આપીને ફેમીલી પ્લાનિંગનો સરકારી સંદેશ વહેતો
મૂકે છે.
પણ મનોજકુમારે આ ફિલ્મ સરકારી ડોક્યુમેન્ટ્રી
ન બની જાય અને એક ફુલ ફ્લેજ્ડ કોમર્શીયલ ફિલ્મ બને તેનાં પુરતા પ્રયાસો કર્યા છે અને
તેમાં સફળ પણ રહ્યા. આ ફિલ્મને લગતાં પાસાએ વિશેની અમુક વાતો જાણવા જેવી છે જે નીચે
મુજબ છે.
૦૨. તત્કાલિન
વડાપ્રધાન શાસ્ત્રીજી માટે દિલ્હીમાં ફિલ્મ ‘શહિદ’નાં યોજેલ ખાસ શો બાદ, શાસ્ત્રીજીએ
પુરા યુનિટને તેમનાં ઘરે ચા-નાસ્તા માટે આમંત્રણ આપ્યું, ત્યારે મનોજ કુમારને આ સુત્ર
‘જય જવાન જય કિસાન’ પર એક ફિલ્મ બનાવવાનું સુચન કર્યું. દિલ્હીથી પરત મુંબઇ ટ્રેનમાં
આવતાં આવતાં મનોજકુમારે ફિલ્મની કહાની લખી. (મનોજ કુમારને હવાઇ યાત્રાનો ફોબિયા છે.)
૦૩. આ
ફિલ્મ જેમ ઉપર લેખકે જણાવ્યું છે તેમ સદ્દ્ગત વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીજી ને સમર્પિત
છે. કારણ ખુબ સ્પષ્ટ હતું કે તેમનું અવસાન ફિલ્મની રીલીઝનાં આગલા જ વર્ષે એમ ૧૯૬૬માં
તાસ્કંદ ખાતે ભેદી સંજોગોમાં અને કારણોવશ થયેલું. ૧૯૬૫નું પાકિસ્તાન સાથેનું યુધ્ધ
જીતનાર બહાદુર એવા વડાપ્રધાન હોવાની સાથોસાથ નહેરૂની જેમ તેઓ શાંતિ અને સુમેળનાં પણ
એટલા જ આગ્રહી હતાં. (નહેરૂ અને શાસ્ત્રીજીમાં ફર્ક એટલો જ કે નહેરૂ એ તેમની શાંતિ
અને સુમેળતાનો ઉપયોગ દેશની અખંડિતતાનાં ભોગે અને પોતાની છબી વધુ ઉજ્જ્વળ બને એ નાપાક
હેતુ સબબ કર્યો, જ્યારે શાસ્ત્રીજી એ પહેલા પાડોશી દેશને યુધ્ધમાં શિકસ્ત આપી ત્યારબાદ
શાંતિ સ્થાપવાનાં પ્રયાસો કર્યા.) માટે શાસ્ત્રીજીની આ બંને છબીને ભારતનાં નાગરીકો
સમક્ષ લાવવા કેટલાક દ્રશ્યો મનોજકુમારે ફિલ્મમાં લીધા હોવાને કારણે એવો મત પણ એવી ભાવના
પણ મનમાં પ્રગટ થાય કે નિર્દેશકે પોતાનાં અને ફિલ્મનાં માર્કેટીંગનાં હેતુ સબબ શાસ્ત્રીજીની
શહીદીનો ઉપયોગ કર્યો. હકીકત જે હોય તે ફિલ્મ બનાવીને મનોજ કુમારે એક ઉત્કૃષ્ઠ ભેટ દેશને
આપી કહી શકાય.
૦૪. આ ગીત ‘મેરે દેશ કી ધરતી….’ નું રેકોર્ડીંગ સળંગ
વીસ કલાક જેટલો સમય ચાલ્યું હતું.
૦૫. ગીતનાં
કવિ ગુલશન બાવરા ૧૯૫૯થી ફિલ્મોમાં ગીતકાર તરીકે પ્રવૃત્ત હોવા છતાં આ ગાયનથી એ પ્રસિધ્ધિની
ટોચે પહોંચ્યાં. તેમને ‘બેસ્ટ ગીતકાર’ નો ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યો. શરીરે સુકલકડી
એવા આ શાયરે ‘ઉપકાર’માં સોમ-મંગલ એવી કોમેડી જોડી પૈકીનાં ‘સોમ’ ની ભૂમિકા મોહનચેટી
સાથે મળીને કરી હતી.
૦૬. ‘મેરે
દેશ કી ધરતી…’ ગીત ગાવા બદલ ગાયક મહેન્દ્ર કપુરને નેશનલ એવોર્ડ મળેલો. જ્યારે તે જ
વર્ષે રીલીઝ થયેલી ફિલ્મ ‘હમરાઝ’ નાં એક ગીત ‘નીલે ગગન કે તલે…’ માટે બેસ્ટ પ્લેબેક
સિંગર તરીકેનો ફિલ્મફેર એવોર્ડ પણ મળેલો.
૦૭. આ
ફિલ્મની હીરોઇન એવી આશા પારેખ એ સમયે ડાન્સ ક્વિન કહેવાતી. પણ એની આ ઇમેજ બદલવા માટે
નિર્દેશકે આશા પારેખ પાસે આ ફિલ્મમાં ગીતોની પંક્તિઓ ગવડાવી પણ નાચવાનો મોકો ન જ આપ્યો.
તેમ છતાં આશા પારેખ ગીત ‘આયી જુમકે બસંત, જુમલો સંગ સંગમેં’ માં થોડું શરીર હલાવી લે
છે.
૦૮. એ
વર્ષનાં ‘ફિલ્મફેર એવોર્ડ’ માં ફિલ્મ ‘ઉપકારે’ એવો સપાટો બોલાવ્યો કે, શ્રેષ્ઠ ડાયલોગ,
શ્રેષ્ઠ એડિટીંગ, શ્રેષ્ઠ સહાયક, શ્રેષ્ઠ સ્ટોરી, એમ મોટાભાગની કેટેગરીમાં તે જ ફિલ્મ
(ઉપકાર)ને એવોર્ડ જાહેર થયા. એક એવોર્ડ લેવા જતાં મનોજકુમારને દીલીપકુમારે ટોક્યા પણ
ખરાં કે, “અમારે ભાગે પણ એકાદ એવોર્ડ રહેવા દેજો!” મનોજકુમારને બેસ્ટ ડાયરેક્ટર નો
એવોર્ડ મળ્યો. (જો કે એ વર્ષે દિલીપકુમારને ફિલ્મ ‘રામ ઔર શ્યામ’ નાં ડબલ રોલ માટે
બેસ્ટ એક્ટરનો ફિલ્મફેર એવોર્ડ મળેલો.)
૦૯. ઉપકાર
માટે ખલનાયક પ્રાણને તેમનાં ‘મંગલચાચા’ નાં રોલ બદલ શ્રેષ્ઠ સહાયક ભૂમિકા નો ફિલ્મફેર
એવોર્ડ મળેલો. ત્યારે વરસો સુધી પડદા પર સફળ ખલનાયકની ભૂમિકા ભજવનાર પ્રાણ પહેલીવાર
એક કલાકાર તરીકે અને એ પણ પોઝીટીવ કેરેક્ટર તરીકે પુરસ્કૃત થયા. પ્રાણ આ એવોર્ડ સ્ટેજ
પર લેવા ગયા ત્યારે તેમણે કહ્યું પણ ખરૂં કે જો ફિલ્મફેરમાં બેસ્ટ વિલન નો એવોર્ડ હોત
(ત્યારે આ કેટેગરી ન હતી) તો મને અત્યાર સુધીમાં કેટલાયે ફિલ્મફેર એવોર્ડ મળી ચુક્યા
હોત. શ્રેષ્ઠ વિલન (ખલનાયક) ના એવોર્ડની કેટેગરી ફિલ્મફેરમાં હોવી જોઇએ એવી એમણે માંગણી
પણ કરી અને એ માંગણી છેવટે ૨૫ વર્ષ પછી સન
૧૯૯૧માં પુરી થઇ. ત્યાં સુધીમાં પ્રાણસાહેબ પોતે ચરિત્ર અભિનેતા બની ચુક્યા હતાં અને
ત્રણ વાર શ્રેષ્ઠ સહાયક તરીકે ફિલ્મફેર એવોર્ડ લઇ ચુક્યા હતાં.
૧૦. પ્રાણસાહેબ
પર ફિલ્માવાયેલું ગીત ‘કસમે વાદેં પ્યાર વફા સબ, બાંતે હૈ બાતોં ક ક્યા?’ મનોજકુમાર
બેકગ્રાઉન્ડમાં વગાડીને પોતાના પર પીક્ચરાઇઝ કરવું જોઇએ એવી પણ સલાહ મળી હતી પણ હોશીયાર
દિગ્દર્શક મનોજકુમારે પોતાનો અંગત ફાયદો જોવાને બદલે ફિલ્મનું હિત વિચાર્યું અને પ્રાણ
જેવું દુનિયાદારી સમજતું પાત્ર છે ફિલ્મમાં એવું જ દુનિયાદારી સમજાવતું આ ગીત છેવટે
તેનાં પર ફિલ્માવવામાં આવ્યું.
૧૧. ફિલ્મ
‘ઉપકાર’ ને ઘણા લોકો ‘મધર ઇન્ડિયા’ની પુરૂષ આવૃત્તિ ગણાવે છે. અહીં ‘ભારત’ વ્યક્તિ
જેટલી જ દેશનાં પ્રતિક તરીકેની છે. નાયકનું નામ અગાઉ ‘રામ’ રાખવામાં આવેલું. પરંતુ,
સ્ટોરીનો છેલ્લો વળાંક જ્યારે લખાણો ત્યારે મનોજકુમારે પોતાની ભૂમિકાનું નામ ‘ભારત’
કર્યુ.
૧૨. ફિલ્મમાં
છેલ્લે ‘ભારત’ (મનોજકુમાર)નાં બન્ને હાથ કાપી નાંખવા પડે છે. એ સિમ્બોલિક (પ્રતિકાત્મક)
ઘટના છે. સન ૧૯૪૭માં આઝાદી વખતે ‘અખંડ હિન્દુસ્તાન’ નાં ટુકડા થાય અને આપણો દેશ ‘હિન્દુસ્તાન’
ને બદલે ‘ભારત દેશ’ કહેવાયો. ભારત દેશનાં નકશામાં પણ તેની બે બાજુ કપાઇ ગઇ હતી, પૂર્વ
પાકિસ્તાન અને પશ્ચિમ પાકિસ્તાન… (જે પૈકીનું પૂર્વ પાકિસ્તાન સન ૧૯૭૧માં ‘બાંગ્લાદેશ’
તરીકે સ્વતંત્ર્ય દેશ તરીકે ઓળખ પામ્યું).
જો હજુ સુધી આ ફિલ્મ ન જોઇ હોય તો આ રહી. જરા ક્લિક કરો અને માણો દેશપ્રેમથી છલકતી ફિલ્મ.
સ્ટ્રેટ ડ્રાઇવઃ આ
ફિલ્મ વિશે લખ્યા પછી મારા વાચકો સાથે એક વાત જરૂર શેર કરવા ઇચ્છુ છું કે આ લખનારે આ ફિલ્મ સૌપ્રથમ વાર ધો. ૪ માં અભ્યાસ કરતી
વખતે ૧૫મી ઓગસ્ટનાં અનુસંધાને મારી સ્કુલ રાજુલા કુમાર શાળા નં ૧, ટાવર સામે ની પાછળ
જ આવેલ કન્યા શાળા નં. ૧ માં હોલમાં ૮mm લેન્સનાં હાથથી ઘુમાવી શકાય એવા પ્રોજેક્ટર
પર જોયેલી. નીચે ફોટો છે એવું...