Showing posts with label મારી લાઇબ્રેરીમાંથી. Show all posts
Showing posts with label મારી લાઇબ્રેરીમાંથી. Show all posts

Friday, 31 January 2014

વાર્તા...



એક માણસને એક નાનકડી દીકરી હતી. એકની એક, ખુબ લાડકી. એ માણસ તેની લાડકી માટે જ જીવતો એમ કહી શકાય, તે બાળકી જ તેનું સર્વસ્વ હતી તેનું જીવન હતી. તેની પૂંજી હતી. જાન કે જીગર થી પણ વહાલી હતી એ માણસને એની આ ઢીંગલી.

એક વાર એ માંદી પડી. તે બાળકીનાં પિતાએ ખુબ વૈદ – હકીમો, સારામાં સારા ડોક્ટર્સ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ હોસ્પીટલમાં સારવાર કરાવી, આકાશ પાતાળ એક કરી દીધા, પણ એ પોતાની વહાલસોયીની માંદગી દુર ન કરી શક્યો. આ દોડધામમાં અને પોતાના કલેજાનાં ટુકડાની માંદગીએ તેને એકદમ બાવરો બનાવી દીધો.

ખુબ પ્રયત્નો કર્યા જતન કર્યા દોરા – દાગા, ભુવા – સાધુ, વૈદ – હકીમ, ડોક્ટર્સ અને હોસ્પીટલ્સ તમામ રીતે યત્ન પ્રયત્ન કરવા છતાંયે એ માણસની ઢીંગલીની માંદગી દુર ન થઇ અને એક દિવસ તેનો કાળજાનો કટકો મૃત્યુ પામ્યો. આ ઘટનાએ એ માણસની તમામ સ્વસ્થતા, તમામ સમજ, તમામ બુદ્ધિ, વિવેક હણી લીધા. તેનાં મનમાં એક પ્રકારની તિવ્ર કટુતા અને કડવાશ આવી ગઇ. એ માણસે આઘાતનાં માર્યા પોતાની જાતને દુનિયા દારીથી દુર, સ્વજન-મિત્રોથી દુર એક ઓરડામાં પુરી દીધી. આ ઘટના બાદ તેનાં સ્વજનોએ પણ આ વ્યક્તિની સામાન્ય જીંદગી જીવી શકશે એવી આશા છોડી દીધી.



એક રાતે આ પિતાને એક સપનું આવ્યું. સપનામાં એ સ્વર્ગ પહોંચી ગયો. ત્યાં એણે નાના નાના બાળકો અને નાના બાળ દેવદુતોનું એક ભવ્ય સરઘસ જોયું. આ સરઘસ અવિરત પણે ચાલ્યું જતું હતું. શ્વેત અને અત્યંત સ્વચ્છ વસ્ત્રો ધારણ કરેલા આ દેવદુતો અને બાળકોનું ઘ્યાન પણ આ વ્યક્તિ પર નહોતું તેઓ તો બસ આ સરઘસમાં શાંતિથી ચાલ્યા જતાં હતાં. આ તમામ બાળકો પાસે એક એક સળગતી મીણબત્તી હતી. તમામ પાસે. પણ આ વ્યક્તિએ જોયું અને નોંધ લીધી કે એક બાળક પાસે ઓલવાઇ ગયેલી મીણબત્તી લઇને આ સરઘસમાં ચાલે છે. તે તુરંત જ એ બાળક પાસે ગયો અને તેણે જોયું તો એ બાળક બીજું કોઇ નહીં પરંતુ તેની મૃત્યુ પામેલી દીકરી જ હતી. તે ખુબ ખુશ થયો, આંસુભરી આંખે તેણે તેની વહાલી દીકરીનાં માંથે હાથ ફેરવ્યો, ચુમી, તેની પોતાની ગોદમાં લઇ લીધી. આ થતાં સરઘસ થંભી ગયું. આ જોઇને આ પિતાએ પોતાની લાડકીને ખુબ વ્હાલથી પુછ્યું કે, ‘બેટા તારી એકલીની જ મીણબત્તી કેમ ઓલવાયેલી છે?’

તો દિકરીએ જવાબ આપ્યો, કે ‘પપ્પા, મારી મીણબત્તી પણ પેટાયેલી જ હતી. પરંતુ વારંવાર એ તમારા આંસુઓથી ઓલવાય જાય છે. આ લોકો ફરી ફરીને પેટાવે છે પરંતુ તમારા આંસુ એને વારંવાર ઓલવી દે છે. જો તમે આંસુ સારવાનું બંધ કરો તો આ તમામ દેવદુતોની જેમ મારી પણ મીણબત્તી પેટાયેલી રહેશે અને હું પણ ખુબ રાજી થઇશ.’



આટલું સાંભળતા પેલો વ્યક્તિ ઊંઘમાંથી સફાળો જાગી ગયો અને એણે જોયું તો તે તો એનાં બંધ ઓરડામાં હતો જયાં ચારેકોર ભારોભાર નિરાશા અને વેદના હતી. તે ક્ષણથી તે ઉઠ્યો અને મનોમન નક્કી કર્યું કે ‘નહીં હું મારી દિકરીની મીણબત્તી ઓલાવા નહીં દઉં. અને આમ એકાંતમાં પુરાઇ ન રહેતા મોકળા મને મારા મિત્રો અને સગા-વહાલાં સાથે હું પણ આનંદથી જીવીશ.’

હવે, તેની લાડકડીની મીણબત્તી તેનાં આંસુઓથી બુજાતી નહોતી.


Wednesday, 25 December 2013

અતિતની ધૂણી જેવી વિરહની વેદના… (ભાગ – ૨)


બીજી પ્રિયતમા વિરહની વ્યથાને જુદી વાચા આપે છે. એ કહે છે, હે કાગ, જ્યારે તું મારું શરીર ખાવાની શરૂઆત કરે ત્યારે ગોતી ગોતીને માંસ ખાજે પણ મારાં બે નયનો ન ખાતો, કારણ કે મને હજી પિયા મિલનની આશા છે.
‘કાગા જબ તુમ ખાઇયો, ચુન ચુન ખાઇયો માંસ,
દો નૈના મત ખાઇયો, મોહે પિયા મિલન કી આસ.’

        પરંતુ રાધાની વ્યથા, આંસુ અને આક્રોશે તો માઝા મૂકી દીધી છે. રાધા કાગાને કહે છે, હું કાળજું કાઢીને ભોંય પર મૂકી દઉં છું. તું એને લઇને ઊડી જા. જો માધવ મેડીએ બેઠા છે, એ ભાળે એમ તું મારૂં કાળજું ખા.
‘કાળજુ કાઢી ભોંય ધરૂં લઇ કાગા ઊડી જા,
માધવ બેઠા મેડીએ ઇ ભાળે એમ ખા.’

        માત્ર રાધાનાં હૈયામાં વેદન છે અને કૃષ્ણનાં હૈયામાં નથી એવું નથી. પણ રાધાની વેદનાને દુનિયાએ જાણી છે જ્યારે માધવની વેદના અજાણી છે. માધવે તો હૈયાનાં ગોખમાં એ વેદનાને સંઘરીને રાખી છે, હોઠ પર કદી આવવા દીધી નથી.
‘રાધાની વેદના તો દુનિયા એ જાણી,
પણ માધવની વેદના અજાણી,
હૈયાનાં ગોખમાં સંઘરીને રાખી,
હોઠ પર કદીય ન આણી.’

        પ્રિયતમની જુદાઇ કલેજામાં આગ દાગ લગાડી જાય છે. આ વિરહની વેદના અતીતની ધૂણી જેવી છે. જ્યારે ખોલો ત્યારે તેમાંથી આગ નીકળ્યા જ કરે.
‘સાજન ગયે બિછડ કે દઇ કલેજે દાગ,
જૈસે ધૂણી અતીત કી જબ ખોલો તબ આગ.’

        પ્રિયતમા, પ્રિયતમને કહે છે, ‘આપણે બેય એક નગરમાં વસીને ભીખ માંગીને ખાશું. પરંતુ પ્રીત વધારીને હવે તું દૂર દેશ ન જા.’
‘પ્રીતમ પ્રીતિ બઢાય કે દૂર દેશ મત જાય,
હમ-તુમ એક નગર બસી, ભીખ માંગ કે ખાય.’

        અલખની ધૂણી ધખાવી એક જોગી ધૂણી પાસે બેઠો છે. ત્યાં એક સુંદર યુવતી આવી, યોગી સામે નજર નોંધી પોતાનું પાત્ર લંબાવ્યું અને એટલું જ કહ્યું કે, ‘યોગી આગ આપશો?’ યોગીએ ધૂણામાંથી આગ તો આપી પણ અંગેઅંગમાં આગ વ્યાપી ગઇ. યોગીએ કહ્યું,
‘લેને આઇ આગ ઔર અંગ અંગ આગ દે ગઇ,
એક નૈન બાન મેં કરોડ બાત કહ ગઇ.’

        પિયુની યાદમાં જોગણ બની વન વન ભટકતી વિરહિણીએ નદીને કિનારે ધુમાડો જોયો અને હૈયામાં ફાળ પડી. ‘નદીકિનારે ધુમાડો જોઇ મારા હૈયામાં કાંઇક થવા માંડ્યું. જેના કારણે હું જોગણ બની છું, એની ચિતા તો નથી સળગતી ને?’
‘નદીકિનારે ધૂંઆ દેખ, મેરે મન મેં  કછુ હોય,
જિસ કારન મૈં જોગણ બની, કહીં ન વહ જલતા હોય.’

        પ્રાણથી પણ અધિક પ્રિય એવી રજપૂતાણીને મળવાનાં ઓરતા હૈયામાં સંઘરીને મારતે ઘોડે રજપૂત પોતાને ગામ પાછો ફરતો હતો ત્યાં પાદરમાં અમંગળનાં એંધાણા દેખાવા માંડ્યા. રજપૂતે પૂછ્યું તો જાણવા મળ્યું કે ‘રજપૂતાણીએ તો લાંબુ ગામતરું કર્યું છે.’ એ સીધો મસાણે પહોંચ્યો. પોતાની પ્રિય રજપૂતાણીને બદલે ભડભડ સળગતી ચિતા જોઇ રજપૂતનાં હૈયામાં વિરહની આગનાં ભડકા ઊઠ્યા. તેને થયું, ‘અરેરે! હવે મારે આ રાખ જ જોવાની રહી?’ ત્યાં તો ચિતાની રાખમાંથી થોડી ભેગી થઇ ઊડી અને રજપૂતનાં હોઠ માથે વળગી પડી.
‘કંથ કણકણે મહણમાં કે હવે મારે રાખ જ જોવાની રહી,
ત્યાં તો ભળેળીને ભેગી થઇ, વળગી હોઠે વિઠલા.’

        વિરહની વ્યથામાં શરીર લંકા બની જાય છે અને મન લંકેશ થઇ જાય છે અને વિરહ હનુમંત બની બધે આગ લગાડી દે છે.
‘આ તન તો લંકા ભઇ મન ભયો રાવણરાય,
બિરહ રૂપ હનુમંત ભયો દેત લગાય લાય.’

        દરદ દીવાની મીરાં કહે છે, ‘ધાન નથી ભાવતું, નિંદ્રા નથી આવતી. વિરહ સતાવ્યા કરે છે. ઘાયલ બની હું ઘૂમતી ફરું છું પણ મારું દરદ કોઇ જાણતું નથી.’
‘ધાન ન ભાવે, નીંદ ન આવે, બિરહ સતાવે મોય,
ઘાયલ સી મૈં ઘૂમત ફિરું, મેરો દરદ ન જાને કોઇ.’

        અરેરે આવી જો ખબર હોત કે પ્રીત કરવાથી આવું દુઃખ મળે છે તો તો હું નગરમાં ઢંઢેરો પિટાવી દેત કે કોઇ પ્રીત કરશો નહીં.
‘જો મૈં ઐસા જાનતી કિ પ્રીત કિયે દુઃખ હોય,
નગર ઢિંઢોરા પીટતી કિ પ્રીત કરો મત કોય.’

        પરંતુ છેવટે પ્રેમનો મારગ જ ત્યાગનો છે, બલિદાનનો છે, પ્રેમને માટે માથું મૂકી જ દીધું છે તો પછી હવે રોવું શું?
સમજ બુજ દિલ ખોજ પ્યારે,
આશિક હોકર સોના ક્યા?
જિસ નૈન સે નીંદ ગંવાઇ,
તકિયા લેફ બિછૌના ક્યા?
રૂખા સુખા રામ કા ટુકડા,
ચિકના ઔર સલોના ક્યા?
કહત કમાલ પ્રેમ કે મારગ,
શીષ દિયા ફિર રોના ક્યા?



- લેખક શાહબુદ્દિન રાઠોડનાં પુસ્તક ‘શો મસ્ટ ગો ઓન’ માંથી સહઆદર…

Friday, 20 December 2013

અતિતની ધૂણી જેવી વિરહની વેદના… (ભાગ – ૧)

મિત્રો શાહબુદ્દિન રાઠોડ, માત્ર એક હાસ્ય કલાકાર નથી પણ એક ઊંચા ગજાનાં લેખક અને વાંચક પણ છે. તેમને પ્રસ્તુતીમાં ગુજરાતી ભાષાનાં ગામઠી અને તળપદી શબ્દોની મીઠાશ છે અને ઉજાસ છે એમની માર્મિક અને સરળ રજુઆતનો.

અત્રે પ્રસ્તુત લેખમાં શાહબુદ્દિન રાઠોડની ગંભીર બાજુની નોંધ લઇએ. શ્રોતાઓ સમક્ષ તે હંમેશ એક ઉમદા હાસ્ય કલાકાર બનીને પ્રસ્તુત થયા છે. પણ તેમનાં સ્વભાવની અને વાંચનની આ બાજુ પણ માણવા જેવી છે, જાણવા જેવી છે.

પ્રસ્તુત લેખ થોડો લાંબો હોવાને કારણે અને વાંચકો પુરો વાંચે અને વાંચતા વાંચતા કંટાળે કે થાકે એ પહેલા ક્રમશઃ કરીને અટકાવ્યો છે. માટે બે ભાગમાં મુકવામાં આવશે. જેથી કરીને મારા વાંચકો લેખને વાંચે અને પચાવે. જેમ ગમે એટલી ભૂખ લાગી હોય તો પણ પેટ ભરાઇ ગયા પછી વધુ જમવાની ઇચ્છા થતી નથી તેમ લેખ ગમે એટલો સરસ હોય પેટ ભરાય જાય એટલે બાકીનો વાંચવામાં બોજો પડે છે એક અજાણતો કંટાળો ચડે છે. માટે મારૂં નમ્ર નિવેદનને ધ્યાને લઇને આ લેખનાં બંને ભાગને પુરેપુરા વાંચી શકો, સમજી શકો અને પચાવી શકો એ સહેતુ આ લેખ બે ભાગમાં પ્રસ્તુત છે. જો કોઇ શબ્દ ન  સમજાય તો બેજીજક કોમેન્ટ દ્વારા પુછજો. જવાબ પણ આપીશ અને એ કહેવા પાછળનો ભાવ પણ સમજાવીશ. તો પ્રસ્તુત છે…

અતિતની ધૂણી જેવી વિરહની વેદના… (ભાગ – ૧)

        વિરહની કટારી હૈયામાં પ્રથમ ભોંકાય છે પછી એમાં ને એમાં ભાંગી જાય છે અને જ્યારે તેમાંથી ટપક ટપક લોહી ટપકવા માંડે છે – જે વ્યથા જન્મે છે –

        એ વ્યથા જો ચિત્ર દ્વારા વ્યક્ત થાય તો મહાન ચિત્રકાર લિયોનાર્દો દ વિન્ચીનાં ‘મોના લિસા’ જેવા યાદગાર ચિત્રનું સર્જન થાય.

        એ વ્યથા જો શિલ્પ દ્વારા વ્યક્ત થાય તો સુપ્રસિદ્ધ શિલ્પી માઇકલ એન્જલોનાં અમર શિલ્પ ‘સૉરો ઇન સ્ટોન’ જેવી કૃતિ રચાય.

        એ વ્યથા જો સ્થાપત્ય દ્વારા વ્યક્ત થાય તો મશહૂર સ્થપતિ ઉસ્તાદ ઇસાનાં અણમોલ સ્થાપત્ય ‘તાજમહાલ’ જેવી યાદગાર ઇમારત જગતને મળે.

        એ જ વ્યથા, એ જ દુઃખ જો સાહિત્ય દ્વારા વ્યક્ત થાય તો? આવાં મહામોલાં મોતીઓ વેરાવા માંડે.

        દેશ સૂનો કરીને સોનું લેવા પિયુ ગયો એ તેને ન મળ્યું. પ્રિયતમાને પિયુ ન મળ્યો. મળી માત્ર પ્રતિક્ષા, જેમાં રૂપા જેવા શ્વેત કેશ બની ગયા.
‘સોના લેને પિયુ ગયે સૂના કર ગયે દેશ,
સો ના મિલા પિયુ ના મિલા રૂપા બન ગયે કેશ.’

        પતિ મોતી લેવા જાય છે, પત્ની ઘરે રોતી રહે છે અને નિશ્વાસ નાખે છે એ પ્રદેશ જલી જજો જ્યાં મોતી નીપજે છે.
‘પતિ ગયે પરદેશ પ્રિયા રહી ઘર રોતી,
જલ જાઓ ઉસ દેશ જહાં નિપજત મોતી.’

        ‘હું જાઉં છું. જલ્દી આવીશ, તરત જ આવી જઇશ. આ તિથિએ ચોક્કસ.’ આવા અનેક કોલ આપીને પ્રિયતમ ગયો. ગયો તે તો ના આવ્યો પણ તિથિઓની ગણતરી કરીકરીને પ્રિયતમાની આંગળીની રેખાઓ ઘસાઇ ગઇ.
‘આવત આવત કહે ગયે, દે ગયે કૌલ અનેક,
ગિનતે ગિનતે ઘિસ ગઇ, મેરી અંગુલિયોં કી રેખ.’

        કાદવ અને પાણીને પ્રીત છે. પાણી સુકાઇ જતાં કાદવનાં હૈયામાં તિરાડો પડી જાય છે. આ જોઇને પ્રિયતમા હૈયાને ઠપકો આપે છે કે કાદવનાં કટકા નીર વીણ નોખા થઇ ગયા. પણ ફટ રે ફટ હૈયા સાજણ જવા છતાં તમે સાજાં રહ્યા?
‘કાદવનાં કટકા ઇ નીર વિણ નોખાં થીયાં,
પણ ફટ રે ફટ હિયા, સાજણ જાતાં સાજા રીયાં.’

        સાજણ તમારા સ્નેહમાં મારૂં આખું શરીર સુકાઇ ગયું પણ આ પાપી નયનો ન સુકાણાં, ઊલટાનાં એ તો ભરી ભરી નીર લાવ્યાં.
‘સાજણ તમારા સ્નેહમાં, સુકાણાં અમ શરીર,
એક પાપી નૈણાં નો સૂકયાં ઇ તો ભર ભર લાવ્યાં નીર.’

        લાકડું સળગે છે કોલસો બને છે. કોલસો સળગે છે અને રાખ બની જાય છે. પણ હું અભાગણ જીવતરમાં એવી સળગી છું કે નથી કોલસો બની કે નથી રાખ બની.
‘લકડી જલી કોયલા ભયા, કોયલા જલા ભઇ રાખ;
મૈં અભાગિન ઐસી જલી, ન કોયલા ભઇ ન રાખ.’

        વિરહમાં તડપતી સ્ત્રી અને કાગનો નાતો પુરાણો છે. પ્રિયતમા કાગને કહે છે, હે કાગ, હું મારી બંને આંખો તને કાઢીને આપું છું. એ લઇને તું મારા પ્રિયતમ પાસે જા, પહેલાં એમનાં દર્શન આંખોને કરાવજે અને પછી તું ખાઇ જજે.
‘કાગા નૈન નિકાલ દૂં જો પિયુ પાસ લે જાય,
પહલે દર્શ દિખાય કે, ફિર લિજો ખાય.’

(ક્રમશઃ)


Saturday, 5 October 2013

માનવ મનનો અસલી ચહેરો ક્યો?



        પૂ. મોરારીબાપુ એમની કથા દરમ્યાન એક દ્રષ્ટાંત આપેલું, કે કોઇ આગળ પોતાનું દુઃખ રડશો નહીં, કોઇ આપનું દુઃખ દુર કરી શકે એમ નથી. દુનિયા શું આપણું દુઃખ દૂર કરવાની હતી? દુનિયાથી ન ભય પામવું કે ન લાચાર થવું. એમ કહેતાં તેઓ એક દ્રષ્ટાંત આપે છે એક છોકરો ગ્રેજ્યુએટ થયો. પણ નોકરી ન મળે. બધે નોકરી શોધી શોધીને અંતે થાક્યો અને નક્કી કર્યું કે જેવી મળે એવી નોકરી હવે સ્વિકારી લેવી.

        ગામમાં એક સરકર આવ્યું હતું. ડૂબતો માણસ જેમ તરણા ને બાઝે એમ આ છોકરો સરકસનાં મેનેજર પાસે ગયો. તેમને વિનંતી કરી કે ‘મને કોઇ પણ કામે રાખી લો, મારે નોકરીની સખત જરૂર છે.’ સરકસનાં મેનેજરે કહ્યું કે ‘ભાઇ, મારે ત્યાં તો બીજુમ શુમ કામ હોય? હા, એક કામ છે. ગઇકાલે રાતે અમારૂં રીંછ મરી ગયું. તું રીંછનું ચામડુ પહેરીને જો સરકસમાં રીંછનો રોલ ભજવે તો દરેક શોનાં તને દોઢસો રૂપીયા આપું.’ લાચારીમાં માણસ કોઇપણ કામ સ્વિકારી લે એમ છોકરાએ રીંછ બનવાનું સ્વિકારી લીધું. આ છોકરાએ થોડી તાલીમ લીધી અને શો દરમ્યાન રીંછનું ચામડું પહેરીને રીંગમાં આવ્યો. રીંછ તરીકે એનો પ્રભાવ પડ્યો.

        અચાનક રીંગમાં સિંહનું પાંજરુ લાવવામાં આવ્યું. પાંજરૂ ખુલ્યુ અને વિકરાળ સિંહે રીંછને જોઇને બહાર છલાંગ મારી. ભયનાં માર્યું રીંછ ભાગવા જતું હતું, ત્યાં પેલા સિંહે કહ્યું કે, ‘દોસ્ત, ડર નહીં ભાગ મા. તું ગ્રેજ્યુએટ થયેલો છે તો હું અનુસ્નાતક છું. તે રીંછનું ચામડું પહેર્યું છે અને મેં સિંહનું.’

        આ દ્રષ્ટાંત પછી બાપુ કહે છે કે ‘કોણ કોનાથી ભાગે? બધાએ મહોરાં પહેર્યાં છે. એ મહોરાં નીચે તો દુઃખ અને લાચારી જ છે. આ કથા આ દ્રષ્ટાંત મને ખુબ ગમે છે. આમ તો બાપુની બધી વાત મને ગમે છે પણ એમાં પણ આ ખાસ.

        આપણું દુઃખ આપણે કોઇનીય પાસે રડવા જઇએ તો કોઇ હમદર્દ હોય, દોસ્ત હોય તો સમભાવથી સાંભળે. કોઇ દેખાવ પૂરતો મિત્ર હોય તો મનમાં હસે પણ કે, ‘હંમ્મ, હવે  કેવો ફસાયો?’ કોઇને ઉપદેશ આપવાની આદત હોય તો એમ કહે કે, ‘ભાઇ, આમ ન કર્યું હોત તો આ દુઃખ ન આવત.’ દુઃખી હોઇએ ત્યારે બધા જ ઉપદેશ આપવા નીકળી પડે છે. કવિ મરીઝે સરસ કહ્યું છે કે,

‘બસ દુર્દશાનો એટલો આભાર હોય છે;
જે પણ મળે છે મુજથી સમજદાર હોય છે.’

        આવા ઉપદેશોથી દુઃખ ઘટતું નથી. ક્યારેક ઉપહાસને કારણે વધુ તિવ્ર બની જતું હોય છે. તો ક્યારેક સમભાવ કે અમસ્તી સહાનુભૂતિથી પણ વધતું હોય છે. જેની પાસે આપણે આપણા દુઃખડા રડવા જઇએ છીએ, શું એ પોતે સુખી હોય છે? જો એ સુખી હોય આટલો સમજદાર હોય તો તે આ દુન્વયી દુનિયાનાં વ્યવહારોથે પર થઇ ગયો હોય દોસ્ત…!

        છતાંય માણસને ક્યાંક તો હ્રદય ઠાલવવાનો ખપ પડે છે. આવું બને ત્યારે હ્રદય ઠલવાય છે ખરૂં? હ્રદયમાંનુ દુઃખ ઘટે છે કે વધે છે? કોઇને કહી દઇએ ત્યારે મન હળવું બને એવી માન્યતા છે. વાસ્તવમાં કહીએ તો એટલી ક્ષણો એટલી મીનીટો ભલે હળવાશ અનુભવીએ પછી તો માંહ્યલી વેદના ઓર ઉત્કટ બને છે. કારણ કે જેને પણ વાત કરો કે મન ખોલો તે ઘડીક સાંભળે, ઉપેક્ષા કરે, સમભાવ બતાવે, સહાનુભૂતિ વ્યક્ત કરે કે ઉપહાસ કરે પણ આ કોઇપણ સંજોગોમાં સામેવાંળી વ્યક્તિ તમારૂં દુઃખ ઘટાડી તો નથી જ શકતી. જે તે દુઃખની વેદના તો જે તે વ્યક્તિએ પોતેજ સહેવી પડતી હોય છે.



        હાં જે તમારી વાત સાંભળે છે તે પણ પોતાના દુઃખોથી પર થઇ ગયેલો હોતો નથી જ. હાં ક્યારેક જડ થઇ ગયો હોય તેવું બની શકે. જેથી એને પોતાના દુઃખોનો અનુભવ ન હોય. એની સંવેદનશક્તિની ધાર બૂઠી થઇ ગઇ હોય એવું બની શકે. કોઇક પોતાની વેદનાને ભીતર સંઘરીને સુખી હોવાનું મહોરૂં પહેરે છે. મહોરૂં એ આપણો નિત્ય સ્વભાવ છે. એટલે જ પોતાનો અસલ ચહેરો ભાગ્યે જ કોઇ જાણે છે. કવિ મનોજ ખંડેરીયાનાં શબ્દોમાં કહું તો,

‘ક્ષણો તોડવા બેસું તો વરસોનાં વરસ લાગે;
બુકાની છોડવા બેસું તો વરસોનાં વરસ લાગે…’

        બધા જ માણસોએ બુકાની બાંધી છે. જે ચહેરો અરીસામાં જોઇએ છીએ કે જેને આપણે કવચિત્ સુશોભિત કરીએ છીએ એ આપણો અસલ ચહેરો હોય છે ખરો? કેટકેટલી બુકાનીઓનાં પડ તેનાં પર ચડ્યા હોય છે! આપણે કોઇને મળીએ અને તેનાં ક્ષેમકુશળ પુછીએ ત્યારે ખરેખર આપણને એનાં ક્ષેમ કે કુશળની ચિંતા કે ખેવના હોય છે ખરી?
       
        માણસનાં મૃત્યુ પછી જ માણસને એનાં સદ્દ્ગુણોની ખબર પડે છે. અને એનાં ગુણગાન કરે છે. ક્યારેક આ ગુણગાનમાં નર્યો દંભ પણ હોય છે. ચહેરો પહેરીને કરાતી વાતોમાં સચ્ચાઇ ક્યાંય તળીયે પણ બેઠી હશે કે કેમ એ વાત વિચારયોગ્ય બની જાય છે. માત્ર મૃત લોકો માટે જ એવું નથી. આપણી સૌથી નજીકનાં માણસો પાસે પણ આપણે પુરેપુરા પ્રગટ થઇ શકીયે છીએ ખરા? ગમે તેટલી ઇચ્છા હોય તો પણ પ્રિયજન સમક્ષ પુરેપુરા પ્રગટ થવાનું શક્ય નથી. કોઇ માણસ પોતાનાં જ માણસો સામે પુરી રીતે પ્રગટ ન થઇ શકતો હોય ત્યાં બીજા લોકો સામે તો શું પ્રગટ થતો હશે કે ખૂલતો હશે? બીજાઓ સમક્ષ તો કેટકેટલા ચહેરાઓ ઓઢીને બેસતો હશે? અહંકાર એ માણસનાં અસલ ચહેરા પરનું એક પડ છે, ઘમંડ કે ક્રુરતા એ અન્ય પડ છે. એક બુકાની છોડીએ એટલે અસલ ચહેરો પ્રગટ થાય એવું નથી. અહંકારની બુકાની છોડીએ એટલે નમ્રતાની બુકાની નીકળે. ક્રુરતાની બુકાની છોડો એટલે દયાની બુકાની પહેરી લેવાય. આમ બુકાની છોડવાની પ્રક્રિયા સહેલી નથી. કવિ કહે છે એમ કરતાં તો વરસોનાં વરસ લાગી જાય.


        બધાં જ દુઃખી છે. એમાંથી કોઇ સુખનું મહોરૂં પહેરે છે. કોઇ વધુ દુઃખી હોવાનું. કરૂણ રાગ કાઢીને ભીખ માંગનારો હાથમાં મોટો સિક્કો કે નોટ આવી જાય તો ખુશીનું ગીત ગણગણવા માંડે અને કશું ન આવે તો બે-ચાર અપશબ્દો પણ ચોપડાવી દે, બોલી નાંખે. આનો અર્થ તો એ જ થયો કે તેને વધુ દુઃખી દેખાવાનું મહોરૂં જ પહેરેલું. આમાં અસલિયત ક્યાંય નથી. આ અસલિયત ને શોધવી ક્યાં? સોચો ઠાકુર…!

Wednesday, 25 September 2013

વાસ્તવિકતા સ્વિકારો…

સંત કબીર
આચાર્ય રજનીશ

        કબીર વિશે સર્જનાત્મક ચિંતન જેટલું આચાર્ય રજનીશે કરેલું છે તેટલું ભાગ્યે જ કોઇએ કરેલું હશે. આચાર્ય રજનીશ મુલ્લા નસરૂદ્દિનની કથા કહે છે. તેનાં વિનોદ માટે નહીં, પણ તેમાંથી પણ કોઇ મર્મ સમજાવવા. એવી એક કથા જે મને ખુબ ગમી ગઇ છે.


        મુલ્લા નસરૂદ્દિન ટ્રેનમાં પ્રવાસ કરી રહ્યા હતાં. ટિકિટ ક્લેક્ટ્રર આવ્યો. તેમણે ટીકીટ માંગી. મુલ્લાએ ખિસ્સાં જોયાં, સામાન ખોલીને જોયું પણ ટીકીટ ક્યાંય મળી નહીં. મુલ્લાનો ચહેરો પસીનો પસીનો થઇ ગયો. આ જોઇને ટીકીટ કલેક્ટરે મુલ્લાને કહ્યું કે, ‘ભાઇ અમે બધાં ખિસ્સા જોયાં પણ આ એક ખિસ્સું તો જોયુમ જ નથી. કદાચ તેમાં તમારી ટીકીટ હશે.’

        મુલ્લાએ કહ્યું, ‘તમે મહેરબાને કરી એ ખિસ્સાની વાત ન કરો. હું એ જોવાનો નથી. એ મારી એકમાત્ર આશા છે. જો હું એ ખિસ્સું જૌં અને તેમાં ટીકીટ ન મળે તો ટિકિટ નથી જ એની મને ખાતરી થઇ જાય. એ ખિસ્સાને નથી જોવું. એ મારી સલામતી માટેનું ખિસ્સું છે. ટિકિટ કદાચ એ ખિસ્સામાં હશે એવી હું આશા રાખી શકું. એટલે હું એ ખિસ્સાને અડકીશ પણ નહીં. ટિકિટ મળે કે ન મળે પણ એ ખિસ્સાને હું જોવાનો નથી.’

        વાત હસી કાઢવા જેવી નથી. ઘણીવાર આપણે આ જ કરતાં હોઇએ છીએ. સ્થૂળ રીતે નહીં તો સૂક્ષ્મ રીતે પણ આ રીતે જ વર્તતા હોઇએ છીએ. ક્યારેક કોઇ દિવસ આપણે ધારીએ છીએ તે થશે એવી આશામાં જિંદગીની એક પછી એક જિવાતી ક્ષણ ફંફોસતા રહીએ છીએ. જે ઇચ્છીએ છીએ એ અશક્ય છે, પ્રાપ્ત થાય એમ નથી, એ સ્વિકારી લઇએ તો એ ક્ષણ પુરતું દુઃખ થાય, પણ પછીની ક્ષણો તો આનંદમાં જ વીતે. પરંતુ સત્ય સ્વિકારવાની તૈયારી ન હોય, એટલા માટે બધી જ ક્ષણોને વેડફી નાંખીએ છીએ.

        આપણે સંપૂર્ણતાનું સ્વપ્ન જોઇએ છીએ. ડગલે ને પગલે આપણી પોતાની અપૂર્ણતા એ સ્વપ્નમાંથી ચોંકાવીને જગાડી મૂકે છે. સંપૂર્ણતા શક્ય જ નથી, એ સ્વિકારી લઇએ તો સ્વપ્ન ચૂર થઇ જાય, પણ સતત અનુભવાતી વ્યથામાંથી તો મૂક્તિ મળે જ. સંપૂર્ણતા માટેનાં હવાતિયાં મારવાને બદલે અપૂર્ણતાનું સૌંદર્ય જોવાની દ્રષ્ટિ જગે.

        ઇશ્વરનાં નરી આંખે દર્શન કરવાં છે. એમ માની તપ, વ્રત, નિયમ, કરતાં એક સાધુને કોઇ સિદ્ધ મળી ગયા. એમણે એમને કહ્યું કે, ‘ભાઇ, આ બધું કરીને તો ક્યારેક સાક્ષાત્કાર થશે તો પણ ઇશ્વરને નરી આંખે જોઇ શકાય એટલું તેજ પણ નહીં સાચવી શકે. ઇશ્વરનાં નરી આંખે દર્શન અશક્ય છે. એનાં બદલે તું જે કંઇ જુએ એમાં ઇશ્વરનો અંશ શોધવાનો પ્રયત્ન કર.’

        એ જ ક્ષણે એ સાધુને લાગ્યું કે આ શબ્દોમાં જ ઇશ્વરનો અંશ છે. એ સિદ્ધ પુરૂષ તો ત્યાંથી ચાલ્યા ગયેલા. પછી એ સાધુએ તેની આસપાસ નજર કરી. તો એને ખબર પડી કે અનુભવ થયો કે એ જ્યારે તપસ્યામાં હતો ત્યારે ક્યારે વસંત આવી અને ચાલી ગઇ એની ખબર પણ નહોતી પડી. ક્યારે વર્ષાઋતુ આવી અને ચાલી ગઇ એનો અનુભવ પણ નહોતો થયો. પરંતુ હવે? દ્રષ્ટિ બદલી એટલે સૃષ્ટિ પણ બદલી. આસપાસ પથરાયેલા લીલાછમ વાતાવરણમાં એને ઇશ્વરનો અંશ દેખાયો, પ્રફુલ્લિત ફુલોમાં, વનરાજીમાં ભગવાનનો સ્પર્શ થયો. નદીનાં વહેતાં પ્રવાહમાં અને એનાં ખળખળ વહેતાં નાદમાં દૈવી ગતિ હતી.

        અત્યાર સુધી એ ઇચ્છતો કે કોઇ મળવા આવે ને ‘હું ઇશ્વર છું’ એમ કહીને તેની સામે ઊભા રહે. દેહધારી, વિચિત્ર વેશભૂષાધારી ઇશ્વરની એને અપેક્ષા હતી.. ઇશ્વર બધે છે એ વાતનો એને ખ્યાલ જ ન હતો. ઇશ્વરનાં નરી આંખે સાક્ષાત્કાર નહીં જ થાય એવું પેલા સિદ્ધ પુરૂષે કહ્યું ત્યારે તો એ હતાશ થઇ ગયો હતો. ‘મારી બધી જ સાધના વ્યર્થ ગઇ, એળે ગઇ…’ એવો વસવસો અનુભવતો હતો. પણ પછી જ્યારે સત્ય સમજાયું કે કશું એળે નથી જતું. જે ગુમાવ્યું છે તે ત્યાં હોઇ શકે એવી સંભાવના કે આશા રાખી શકાય એ માટે એક ખિસ્સું જોયા વિનાનું રાખે એ કરતાં એ ખિસ્સું જોઇ લે અને પોતે કશુંક ગુમાવી જ દીધું છે તેની ખાતરી થાય, તો કદાચ નવ-પ્રાપ્તિની કેડી મળે.

        આપણી આ તૈયારી નથી.

        છેલ્લી આશાનું સ્વપ્ન ગમે  તેવું છે. કવિઓ પણ ગાતા હોય છેઃ
કઇ લાખો નિરાશામાં, અમર આશા છુપાઇ છે.

એક અંધેરા લાખ સિતારે…

        અંધકાર પછી સવાર ઊગવાનું જ છે, એવી પ્રતિતિમાં અંધકારને માણી શકાતો નથી. પાનખર પછી વસંત આવશે જ એનાં વિચારમાં પાનખર આવીને વહી ગઇ એની પણ કલ્પના નથી રહેતી.

        હમણાં એક મિત્રે પૂછ્યું, ‘તબિયત કેમ છે?’

        ‘સારી’ મેં કહ્યું.

        અંગત મિત્ર હતાં. એટલે મારા જવાબને સપાટી પરથી એમણે ન સ્વિકારી લીધો. આગળ પુછ્યું.
        ‘કંઇ તકલીફ તો નથી ને હવે?’

        હવે જવાબ આપવો જ પડ્યો.

        ‘તકલીફ તો છે જ. માત્ર હવે એ સહન કરતાં શરીર ટેવાઇ ગયું છે.’


        અંધકાર તો છે જ. એમ સ્વિકારી લઇએ તો અંધકારનું સૌંદર્ય આપણી સમક્ષ પ્રગટ થાય છે. સવારની રાહ જોતાં હોઇએ ત્યાં સુધી અંધકાર પોતાનાં સૌંદર્યને પડદા પાછળ ઢાંકી રાખે છે. મુલ્લા નસરૂદ્દિનનાં ‘એકમાત્ર આશા’ જેવા ખિસ્સાની જેમ…

Friday, 30 August 2013

સુરીલા સહિયારા સર્જનનાં સાથી સાથેનાં સુખદ સંભારણા…

જાદુઇ જોડી, પંચમ અને ગુલઝારની

આર.ડી. એ ગુલઝાર સાથે કરી એનાંથી ખુબ વધુ ફિલ્મો બીજા ગીતકારો સાથે કરી. છતાં સમયનાં વહેતાં વહેણમાં બેઉનાં સહિયારા સર્જન જેવાં ગીતો અમર થયાં અને આ જોડી સૌથી અનોખી સાબિત થઇ.



        ઘણાંને કદાચ ખ્યાલ નથી કે રાહુલદેવ બર્મન – ગુલઝારની જુગલબંધી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની સૌથી લાંબી ગીતકાર – સંગીતકારની જોડી હતી. સહીયારા આ બંને એ ૨૮ ફિલ્મોમાં ૧૧૭ ગીતો આપ્યા.

        પંચમનો વિચાર કરતાં મનમાં સુરીલી ધ્વની અને મેલોડી ગૂંજવા માંડે. ફિલ્મ ‘યાંદો કી બારાત’નાં ‘ચૂરા લિયા હૈ, તુમને જો દિલ કો…’ ગીતની કાચનાં બે ગ્લાસને એકબીજા સાથે અથડાવીને જે સાઉન્ડ બનાવ્યો તેને તો આજે પણ ચાહકો યાદ કરે છે.  ફિલ્મ ‘શોલે’ નાં ‘મહેબૂબા મહેબૂબા’ને તો કેમ ભૂલાય? આ ગીતમાં પંચમે જે હુ..ઉ..ઉ..ઉ અવાજ કાઢ્યો તેને કારણે આજે જ્યારે પણ આ ગીત વાગે ત્યારે પંચમના ચાહકો બીલકુલ આજ લહેકામાં હસ્કી અવાજ સાથે લો-ટોનમાં ગીત ગુનગુનાવે છે. ‘પરિચય’ ફિલ્મનું ‘બીતી ના બીતાયી રૈના…’ ની ક્લાસિકલ ધુન હોય કે ફિલ્મ ‘હરે રામા હરે ક્રિષ્ના’નું ‘દમ મારો દમ’  જેવું ફુલ્લી વેસ્ટ્ર્નાઇઝ્ડ સોંગ હોય… પંચમ તમામ રીતે છવાયા. આ તો બધી એ વાતો કરી કે જેવું આર.ડી.બર્મનનું નામ સંગીતનો કોઇપણ ચાહક સાંભળે એટલે તેનાં મનમાં આ બધા ગીતો તો આવે ને આવે જ. ૧૦૦૦%…!

        ગુલઝાર સા’બનો વિચાર આવતાં સ્ટાર્ચ કરેલાં સફેદ કુરતો – પાયજામો અને રાજસ્થાની મોજડી… મનમાં આવે. પંચમ તેમનાં આ પરમમિત્રને સફેદ કૌઆ કહેતાં. અને શા માટે કહેતાં તે પણ સમજવું અઘરૂં તો નથી હોં!

        વાચકમિત્રો… તમને કદાચ ખ્યાલ નહીં હોય પણ, પંચમ ક્યારેય જેમ હું અને તમે ચા પીએ તેમ નહોતા પીતા. તેઓ ગરમ ચામાં પહેલાં ઠંડુ પાણી રેડતા, પછી જ ઘુંટડો ભરતા. પંચમ ચેઇનસ્મોકર હતાં તે આપણે સૌ જાણીએ છીએ, પણ પહેલો કશ ખેંચતા પહેલાં સિગારેટમાં બે લવિંગ ખોંસી દેતા. આવું કરવા પાછળ તેમનું એમ માનવું હતું કે તમાકુ સાથે લવિંગને લીધે એમનો અવાજ ક્યારેય ખરાબ નહીં થાય એ એવોને એવો જ અકબંધ જળવાઇ રહેશે લાંબા સમય સુધી.

        ગુલઝાર એમનાં પુસ્તક ‘કતરા કતરા’માં જણાવે છે એમ, ‘પંચમને ધુનની પ્રેરણા ક્યાં, ક્યારે અને કેવી રીતે સ્ફૂરતી એ કદી કહી શકાતું નહીં’. ફિલ્મફેરનાં ૧૯૮૪ની સાલ ૧૬-૩૦ જુનનાં એક ઇન્ટરવ્યુમાં પંચમ જણાવે છે કે અમુક ગીતોની ધુન તેમણે સપનાંમાં બનાવેલી. પંચમને કોઇ ધૂન જેવી સ્ફુરતી કે તેઓ ભૂલી ન જવાય માટે એ તુરંત જ તેને કેસેટમાં રેકોર્ડ કરી લેતાં. એ કેસેટ ગુલઝારને મોકલી આપતાં અને ગુલઝાર આ ધૂન પર ગીતો લખતાં. ‘કતરા કતરા’માં ગુલઝાર કહે છે કે આવી એક એક થી ચડીયાતી ધૂનો વાળી અસંખ્ય કેસેટ મારા ઘરમાં પડી છે.

        ગુલઝાર સા’બની પેંગ્વિન પબ્લિકેશન્સ દ્વારા પ્રસ્તુત બુક 100 Lyrics – Gulzar, Translated by Sunjoy Shekhar માં ગુલઝાર સા’બ પંચમ સાથેનાં સંભારણા વાગોળતા કહે છે કે ફિલ્મ ‘પરિચય’ નું ‘મુસાફિર હું યારોં, ના ઘર હૈ ના ઠિકાના…’ આ ગીત મારૂં પંચમ સાથેનું પહેલું ગીત હતું. (પંચમ ત્યારે એક સ્વતંત્ર સંગીતકાર બની ચુક્યા હતાં) ગુલઝાર લખે છે કે રાજકમલ સ્ટુડિયોમાં કોઇ ફિલ્મનું બેકગ્રાઉન્ડ મ્યુઝીક સેટ થતું હતું. સ્ટુડિયો જતાં પંચમ મને સાથે લઇ ગયા. ગીતની સીચ્યુએશન હું પંચમને અગાઉ જ કહી ચુકેલો એટલે એણે અમસ્તા જ ગાડીમાં કહ્યું કે હજુ સુધી મને કંઇ સુજ્યુ નથી કે કેવી ધૂન બનાવવી. તું કોઇ પંક્તિ બોલ હું તેના પર ધૂન બનાવવાની કોશીશ કરીશ. મારા મનમાં જે બે ચાર શબ્દો હતાં તેને સંયોજીને મેં તેને ગીતનું મુખડું તૈયાર કરી આપ્યું. ત્યાં સુધીમાં અમે સ્ટુડિયો પહોંચી ચુક્યા હતાં. સ્ટુડિયો પહોંચીને મેં પંચમને એ મુખડું સંભળાવ્યું અને તેણે તે નોટ કરી લીધું. નોટ કરીને સહજભાવે મને જવાનું કહ્યું. જો હું પંચમની આ (કૂ)ટેવથી વાકેફ ન હોત અને મારી જગ્યાએ બીજો કોઇ હોત તો સામું સંભળાવી દે. હું ત્યાંથી રવાના થયો.

        રાતનાં લગભગ ૧૨ – ૧ વાગ્યા આસપાસ મારા ઘરનો બેલ વાગ્યોને મેં બારણું ખોલ્યું તો સામે પંચમબાબુ હાજર. મને પુછવા લાગ્યા કે શું સુતો હતો? ચાલ નીચે ગાડીમાં, કામ છે. (આ પંચમની એક બીજી (કૂ)ટેવ) ગાડીમાં એણે કેસેટ ચડાવી જેમાં એણે ધૂન રેકોર્ડ કરી રાખેલી જેનાં શબ્દો મેં એને રાજકમલ સ્ટુડિયોમાં લખી આપેલાં. ખુબ સુંદર ધૂન હતી. અમે બંને હું અને પંચમ મુંબઇની ખાલી અને સુમસામ સડકો પર ગીતનાં શબ્દોને ચરિતાર્થ કરતાં ફરી રહ્યા હતાં અને સવારનાં ચાર – સાડા ચાર સુધીમાં આમ જ રખડતા રખડતા અમે પુરૂં ગીત બનાવી લીધું. હું શબ્દો ગોઠવતો ગયો અને એ ધૂન. આ ગીતથી અમારી ગીતકાર- સંગીતકાર કરતાં પણ દિલોજાન દોસ્તીની સંગીતમય સહીયારી સફર શરૂ થઇ.

        પંચમ-ગુલઝારનું મિલન ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અનન્ય ગણાય છે. ૭૦-૮૦નાં દાયકામાં ૨૮ ફિલ્મોમાં ૧૧૭ ગીતો એમણે સાથે મળીને સર્જેલા. પંચમની ચીરવિદાયને આજે ૧૯-૧૯ વરસનાં વહાણા વિતી ગયા છતાંયે, ‘ઇસ મોડ સે જાતે હૈ…’ (આંધી), ‘દો નૈનોંમેં આંસુ ભરે હૈ…’ (ખુશ્બુ), ‘ધન્નો કી આંખોમેં…’ (કિતાબ), ‘આજકલ પાંવ ઝમીં પર…’ (ઘર), ‘તુજસે નારાઝ નહીં ઝિંદગી…’ (માસૂમ) કે પછી આ લખવૈયાનું ઓલ ટાઇમ ફેવરીટ એવું ‘ઓ માંઝી રે…’ (ખૂશ્બૂ) અને ‘રોઝ રોઝ ડાલી ડાલી…’ (અંગૂર) હોય. કેટલા ગીતો લખું દોસ્તો… (આડવાતઃ ખાલી પંચમ-ગુલઝારનાં ગીતો પર જ એક લેખમાળા બની શકે એમ છે… ‘સૂચન આવકાર્ય…!’)

        આર.ડી.નાં ચાહકોનું એવું માનવું છે કે એમનાં મોટાભાગનાં ગીતો ગુલઝારે જ લખ્યા છે કે ગુલઝાર સાથેનાં જ હીટ નીવડ્યા છે. પણ આ સાવ સાચું નથી. ગુલઝારે પંચમ માટે ૨૮ ફિલ્મોમાં ગીત લખ્યા. મજરૂહ સુલ્તાનપુરીએ ૭૪ ફિલ્મોમાં અને આનંદ બક્ષીએ ૯૭ ફિલ્મોમાં ગીતો લખ્યા. આ નોંધ ખુદ ગુલઝારે એમનાં આ પુસ્તક ‘કતરા કતરા’માં કરી છે.

        એ વાત તો સ્વિકારવી જ રહી કે ભલે પંચમે અન્ય ગીતકારો સાથે સર્જેલા ગીતો પણ ખુબ ગાજ્યા, પણ પંચમ અને ગુલઝાર જેવી જોડી કોઇની નહીં. કારણ માત્ર એટલું કે આ જોડીનાં ગીતો જેટલા હ્રદયસ્પર્શી છે એટલા બીજાનાં નથી. ગમે એટલી વાર સાંભળો પછી પણ વિસરતાં નથી આ જોડીનાં ગીતો. આર.ડી. સાથે કરેલી બંદીશો કે ધૂનોને ગુલઝાર ક્યારેય જુનવાણી કે આઉટ ડેટેડ ગણાવતાં નથી. કારણ કે પંચમે એ જમાનામાં ધૂનો બનાવેલી કે જ્યારે સંગીત માટે પણ ટાંચા સાધનો ઉપ્લબ્ધ હતાં. માટે પંચમની ધૂનો ક્યારેય જુની નહીં થાય. ગુલઝારનું કહેવું છે કે, ‘ચીલાચાલુ ઢબે અમે બંનેએ ક્યારેય સંગીત બેઠકો યોજી જ નહોતી. (જેને ફિલ્મી ભાષામાં ‘મ્યુઝીક સીટીંગ્ઝ’ કહેવાય છે.) અમારે મન ગીત સર્જવું એ કામ નહોતું. અમે સર્જનપ્રક્રિયાની પળેપળ માણતાં. ધૂન બનાવવા ધૂનીની જેમ વર્તતા નહીં. ક્યારેય કશું એકાએક સ્ફૂરે તો વગર પૂછ્યે એકબીજા પાસે પહોંચી જતાં. લોંગ ડ્રાઇવ જઇએ ત્યારે પંચમ નવી ધૂન ગણગણાવતા. હું કારનાં ડેશબોર્ડ પર કે બારણે તાલ દેતો. એ બધા થકી એની ધૂનની લાગણી હું આત્મસાત કરી શકતો. પછી એને શબ્દ દેહે મઢતો.
       
        પંચમ – ગુલઝારની પ્રસંશા પરસ્પર રહેતી. ૧૯૭૫માં ફિલ્મ ‘ખૂશ્બૂ’ વખતે ‘ઓ માંઝી રે…’ નાં રેકોર્ડીંગ વખતની વાત. પંચમે અચાનક જ રેકોર્ડીંગ અટકાવીને સોડાની બે બોટલો મંગાવી. ગુલઝારનાં મનમાં એવું કે પંચમનાં ભેજામાં કંઇક તો રમતું જ હોવું જોઇએ, નહીંતર આમ અધવચ્ચે રેકોર્ડીંગ અટકાવે નહીં. ત્યાંતો પંચમે બંને બોટલોની અંદરની સોડાને બહાર ફેંકાવીને તેમાં પાણી ભરી લાવવા કહ્યું અને કઇ બોટલમાં કેટલું ભરવું આ બધી સુચના આપી. જેવી બોટલો પાછી આવી પાણી ભરાઇને તેવી તેમણે એક બોટલ ઉઠાવીને તેમાં ફૂંક મારી ને અવાજ સર્જ્યો ‘પક્’. આ અવાજ આ ગીત સાંભળતી વખતે સ્પષ્ટ સાંભળી શકાય છે. આવા હતાં પંચમ…! હંમેશા કશુંક નવું શોધવા સતત પ્રયત્નશીલ, હંમેશા નવા નવા સાઉન્ડની શોધમાં જ હોય, વિચારોથી ફાટફાટ થતો જેને અંગ્રેજીમાં ‘ટ્રુલી જીનીયસ Truly Genius’ કહી શકાય એવા.

        બિમલ રૉયે ગુલઝારનો પરિચય, પંચમ સાથે કરાવેલો. ગુલઝારે ત્યારે ફિલ્મ ‘બંદિની’ માટે ‘મેરા ગોરા અંગ લઇ લે…’ લખેલું ત્યારે પંચમ તેમનાં પિતાનાં આસિસ્ટન્ટ તરીકે કામ કરતાં. પંચમનો બેચેન સ્વભાવ, ઉત્સાહ અને અખૂટ શક્તિ ગુલઝારે પારખ્યાં હતાં. બન્નેમાં ત્યારથી જ એક અતૂટ આત્મિયતા બંધાઇ ગઇ હતી. બંને સરખી ઉંમરનાં હતાં. આ જુગલ જોડીએ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની તવારીખમાં એવા એવા ગીતો સર્જ્યા કે જે ક્યારેય ભૂલી શકાય એમ નથી. ક્યા કહેતે હો ઠાકુર…!

        ગુલઝાર જણાવે છે કે, ‘એકવાર પંચમે મને આશ્ચર્યનો આંચકો આપતાં કહેલું કે ગીતો બની નથી જતાં દોસ્ત, બલ્કે તે બાળકની જેમ એમને ઉછેરવા પડે છે. મને સમજાઇ ગયું કે અમારી જોડીનાં ચમત્કારમાં આ ભાવના જ કારગત નીવડી. એ દરેક ગીતને એક પિતાનાં ભાવથી જ ઉછેરતો અને સજાવતો. મારાં બધા ગીતો પંચમનાં ઘરમાં બાળકની જેમ રમતાં…’

ગુલઝાર સાહેબનાં શબ્દોમાં,
याद है बारीशों के दिन थे वो, पंचम!
और पहाडी के नीचे वादीमें धुंद से झांक कर नीकलती हुइ रेल की पटरीयां गुजरती थी.
और धुंदमें ऐसे लग रहे थे हम, जैसे दो पौधे पास बैठे है.
हम बहुत देर पटरीयों पर बैठे उस मुसाफीर का झिक्र करते रहे,
जिसको आना था पिछली शब पर उसके आने का वक्त टलता रहा…
हम बहुत देर पटरीयों पर बैठे हुए ट्रेन का इन्तझार करते रहे.
ट्रेन आयी ना उसका वक्त हुआ, और
तुम युंही दो कदम चलकर धुंद पर पांओ रखकर गुम हो गये.
मैं अकेला हुं धुंदमें, पंचम!


        આજનાં આ પ્રોફેશનાલિઝમનાં જમાનામાં આ શક્ય છે? સોચો ઠાકુર…!

Saturday, 10 August 2013

કાર્યને મૂલવો તેનાં ઇરાદાથી… (PART - 2)

Mr. WINSTON CHURCHILL
         વિન્સટન ચર્ચિલ એ વખતે ઇંગ્લેન્ડનાં વડાપ્રધાન હતાં. તેમનાં એક અનન્ય સ્નેહીને ત્યાં ખૂબ ભવ્ય પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. ચર્ચિલ પણ આ પાર્ટીમાં હાજર હતાં. દેશનાં નામાંકિત મહાનુભાવો આ પાર્ટીમાં એકત્રિત થયેલાં. સૌ મોજમાં હતાં, આનંદમાં હતાં. પાર્ટીનાં આયોજક યજમાને ખાસ આ પાર્ટીમાટે એક અણમોલ ચાંદીનો સેટ ઉપયોગમાં લીધો હતો, જેની એક એક વસ્તુ આકર્ષક હતી.

        હવે બન્યું એવું કે પાર્ટીમાં આવેલ તમામ મહેમાનોમાનાં એક સદ્દ્ગૃહસ્થને થયું, ચાંદીનાં સેટમાંથી એક પીસ કે ગમે તે એક વસ્તુ તો ગમે તેમ કરીને પણ રાખી લેવી કે સેરવી લેવી. તેમણે ધીરે રહીને એક ચાંદીનો ચમચો કોટનાં આગળનાં ખિસ્સામાં સેરવી દીધો. અચાનક ઘટના પર અને આ વ્યક્તિ પર પાર્ટીનાં આયોજક યજમાનની નજર પડી, ને તેમણે જોયું કે તેનાં મહેમાને શું કરેલું. ચમચો લેનાર સજ્જનને કંઇ કહી શકાય તેમ હતું નહીં, સાથોસાથ ચાંદીનાં મૂલ્યવાન સેટને પણ ખંડીત કરી શકાય તેમ હતો નહીં. આ ઉપરાંત ચમચા જેવા બાબત માટે આટલી મોટી પાર્ટીની મજા મરી જાય અને કંઇ અનર્થ સર્જાય એ પણ યજમાનને મંજૂર નહોતું. હવે કરવું શું. બરાબરનાં મૂંજાણા…

        છેવટે તેમણે તેમની મૂંજવણ ચર્ચિલ પાસે રજૂ કરી.

        ચર્ચિલે વિગત જાણી યજમાનને કહ્યું કે, “જરા ચિંતા કરશો નહીં, બેફિકર રહો.” મોઢામાં ચિરૂટ અને હાથમાં વાઇનનાં ગ્લાસ સાથે વાતો કરતાં કરતાં ફરતાં ફરતાં ચર્ચિલ ચમચો ચોરી લેનાર પેલા વ્યક્તિ પાસે આવી પહોંચ્યા. તેમની સાથે થોડી વાર ખૂબ આત્મિયરાથી વાતો કરી અને છેવટે નજીક આવીને પેલાનાં કાનમાં કહ્યું, “ચાંદીનો સેટ અણમોલ છે, એન્ટિક છે, ખોટું શું કામ કહું? મેં તો એક ચમચો લઇ લીધો.” આમ કહી ચર્ચિલે પોતાના કોટનાં ખિસ્સામાં મૂકેલો ચાંદીનો ચમચો પેલા વ્યક્તિને બતાવ્યો. ચર્ચિલ જેવી વ્યક્તિ આટલી લાગણી બતાવી વિશ્વાસ મૂકી આવી વાત પોતાને કહી એટલે પેલા વ્યક્તિનો વિશ્વાસ વધી ગયો. તેમણે પણ ચમચો બતાવીને કહ્યું કે, “તમારી જેમ મેં પણ એક ચમચો ઉપાડી લીધો છે.” થોડી આડીઅવળી વાતો કરી ચર્ચિલ ત્યાંથી ચાલ્યા ગયા.

        પાર્ટીનાં ભોજનની વ્યવસ્થા થઇ રહી હતી, ટેબલો સજાવ્યા હતાં, સંગીતનાં સુર રેલાઇ રહ્યા હતાં, ડ્રિંક્સ અને વાઇનનાં જામ ભરાઇ રહ્યા હતાં. સૌ ખુશખુશાલ હતાં, આનંદમાં હતાં… યજમાન તરફથી સૌને જમવા માટે ડિનર ટેબલ પર સ્થાન લેવાની વિનંતી કરવામાં આવી.

        એ વખતે ચર્ચિલ ફરી પેલા ચમચો ચોરનાર વ્યક્તિ પાસે આવ્યા અને થોડા ચિંતાતુર અવાજમાં કહ્યું કે, “મને વહેમ છે કે યજમાનને ખ્યાલ આવી ગયો છે. અંદર સેટની ગણતરી શરી થઇ ગઇ છે. મારી હિંમત નથી ચાલતી. કદાચ બેઇજ્જ્તી થાય તો? પકડાઇ ગયા તો? હું તો મારો ચમચો મૂકી દઉં છું.” તેમ કહી તેમણે પોતાનો ચમચો ધીરે રહી ટેબલ પર મૂકી દીધો. ચર્ચિલની આવી વાત સાંભળી ચમચો ચોરનાર વ્યક્તિ પણ મૂંઝાઇ ગયો અને મનમાં વિચાર્યું કે, “તો પછી હું પણ શા માટે જોખમ વહોરી લઉં? હું પણ મૂકી દઉં છું.” આમ કહીને તેણે પણ ચમચો ટેબલ પર મૂકી દીધો. ચર્ચિલે યજમાનને કહ્યું કે, “સમસ્યા હલ થઇ ગઇ છે.” યજમાન ખૂબ ખુશ થયાં. પાર્ટી શાનદાર રીતે પૂરી થઇ.

        આમ, કોઇ પણ કાર્યનું મૂલ્યાંકન તેની પાછળ એ કાર્ય કરવાનાં ઇરાદા પરથી નક્કી થાય છે.

Monday, 5 August 2013

કાર્યને મૂલવો તેનાં ઇરાદાથી… (PART - 1)


        લાલા હજારીપ્રસાદ અને લાલા બિહારીલાલ બંને જીગરજાન મિત્રો. બંનેનો એક ભાણામાં હાથ. બંનેનાં પરિવારમાં પણ એટલી જ આત્મીયતા. બંને અમીર પરિવારોનાં સુખી જીવનમાં એક વાર એવું સંપત્તિનું વમળ સર્જાયું કે જીવનમરણનો પ્રશ્ન સામે આવીને ઊભો રહ્યો.

        બન્યું એવું કે લાલા હજારીપ્રસાદજી સપરિવાર ચારધામની યાત્રાએ નીકળ્યા. તેમણે દિલ્હીનાં ચાંદની ચોક પાસે આવેલી પોતાની શાનદાર કોઠી એમ ને એમ તેમના અનન્ય મિત્ર લાલા બિહારીલાલને સુપરત કરી. સરસામાન, દરદાગીના, નોકર-ચાકર સહિત લાલાલ હજારીપ્રસાદે પરિવાર સાથે યાત્રા માટે પ્રસ્થાન કર્યું. લાલા બિહારીલાલે કોઠીની મુલાકાત લીધી, લાલાજીનો વૈભવ જોયો, આભૂષણો, રાચરચીલું, ચાંદીનાં કિંમતી વાસણો, કિંમતી ગાલીચા, અણમોલ કલાકૃતિઓ, અમૂલ્ય ચિત્રો, આ બધું જોઇ લાલા બિહારીલાલની દાનત બગડી. સંપત્તિનો મોહ માનવી પાસે શું શું નથી કરાવતો?

        સદા મૈત્રીને જોતી આંખ પર સ્વાર્થનાં ચશ્મા ચડી ગયાં. દ્રષ્ટી બદલાઇ એટલે સૃષ્ટી પણ બદલાઇ. લાલા બિહારીલાલે એક પછી એક મૂલ્યવાન વસ્તુ પોતાની કોઠી પર મોકલી આપવાની શરૂઆત કરી દીધી. એમ કરતાં લાલા હજારીપ્રસાદની કોઠીની લગભગ બધી અતિ મૂલ્યવાન વસ્તુઓ લાલા હજારીપ્રસાદે પોતાની કોઠી પર સેરવી દીધી.

        લાલા હજારીપ્રસાદ યાત્રામાંથી પરત આવતાં જોયું તો એમની કોઠી લગભગ ખાલીખમ થઇ ચુકી હતી. પણ! હજારીપ્રસાદ સાવ ભોળા, સરળ સ્વભાવનાં હતાં. મિત્રની આ પ્રપંચલીલાને પ્રથમ તો સમજી જ ન શક્યા, કદાચ થોડા દિવસ તેમને ત્યાં લઇ ગયા હશે એમ ધાર્યું. પરંતુ લાલા હજારીપ્રસાદે જ્યારે લાલા બિહારીલાલ સમક્ષ જઇ રજૂઆત કરી કે પોતાની તમામ વસ્તુ પરત આપે. ત્યારે બિહારીલાલે “તમારે ત્યાં જે કંઇ હતું તે એમ ને એમ જ છે. તમારૂં તો મહિનો દહાડો ઘર સાચવ્યું એનો આવો બદલો આપો છો એ પણ દોસ્ત થઇને? એક આબરૂદાર માણસ સામે આવી વાત કરતાં તમને શરમ ન આવી કે સંકોચ ન થયો. આવી ગળે પડવાની વાત કરી એટલે હજારીપ્રસાદ ભાંગી પડ્યા. જીવનની સંધ્યાએ લૂંટાઇ ચૂક્યા હતાં, અને વળી વધુ આઘાત તો એ વાતનો લાગેલો કે પોતાના જીગરજાન મિત્રએ જ તેમને લૂંટી લીધા હતાં.

        દુઃખી હ્રદયે તેઓ ઘરે પાછા ફર્યા. પત્નીએ આ વિગત જાણી. બંનેને એકીસાથે એક બુધ્ધિવાન સ્વજનની યાદ આવી. જેનું નામ હતું, મહેશદાસ બિરબલ. અકબર બાદશાહનાં નવરત્નો – ખાનખાનાન રહીમ, ટોડરમલ, અબુલફઝલ, ફૈઝી, મુલ્લાં દોપિયાઝી, મિયાં તાનસેન, હકીમ હમામ, માનસિંહ અને બિરબલ. આ નવરત્નોમાં બિરબલની ગણના પણ થતી. બિરબલ બુધ્ધિમાન હતો, વિચક્ષણ હતો, ભાંગ્યાનો ભેરૂ હતો. લાલા હજારીપ્રસાદે પોતાની વ્યથાની કથા બિરબલને સંભળાવી. બિરબલ કહેઃ “કોઇ સાક્ષી? કાંઇ લખાણ, કાગળ પત્ર?” લાલાજી કહે, “કાંઇ નથી. મારા માટે તો મૈત્રી એ જ વિશ્વાસ હતો”. બિરબલ કહે, “જરા પણ ચિંતા કરશો નહીં. તમારી એકે એક વસ્તુ તમને ઘર બેઠાં મળી રહેશે.” લાલાજી અને તેમનાં પત્નીને હૈયાધારણ મળી. બિરબલને તેમણે ભાવભરી વિદાય આપી.

        થોડા દિવસ પછી બિરબલે લાલા બિહારીલાલને પોતાના મહેલે બોલાવ્યા. ઉત્તમ પ્રકારની આગતાસ્વાગતા કરી, ખૂબ આત્મિયતા બતાવી અને ધીમા સ્વરે કહ્યું, “વાત અત્યંત ગુપ્ત છે એટલે હમણાં કોઇને કહેવાની ભૂલ કરશો નહીં. બાદશાહ સલામત દીવાન બદલવા ઇચ્છે છે, પરંતુ કોઇ લાયક વ્યક્તિ મળ્યા પછી જ. હવે ત્રણ લાયક વ્યક્તિઓમાં એક છે શેઠશ્રી બ્રિજભૂષણલાલજી, બીજા જનાબ ઇનાયતઅલી ખાન અને ત્રીજા છે…” બિરબલે ધીરેથી કહ્યું, “લાલા બિહારીલાલ.” પોતાનું  નામ એ પણ આવડા મોટા પદ, હોદ્દા માટેનાં ઉમેદવાર તરીકે બિરબલ જેવા રાજરત્ન પાસેથી સાંભળી બિહારીલાલ ખુબ ખુશખુશાલ થઇ ગયા. બિરબલે તેમનાં ચહેરાનાં ભાવોનું નિરીક્ષણ કર્યું. અન્ય વાતો થઇ. બિહારીલાલ હાથીની અંબાડી પર દિલ્હીનાં ચાંદની ચોઅકમાં પોતાને દીવાનનાં રૂપમાં જોઇ રહ્યા. એક સુંદર સ્વપ્ન સાથે બિહારીલાલ વિદાય થયા.

        બે મહિના પછી વળી બિરબલનું કે’ણ આવ્યું. લાલા બિહારીલાલ તરત જ તૈયાર થઇ ને બિરબલને ત્યાં પહોંચ્યા. બિરબલે એટલું જ જણાવ્યું કે, “વિશ્વાસુ અધિકારીઓ દ્વારા ત્રણેયનાં જીવન વિશે માહિતી ભેગી કરવાનું શહેનશાહે ફરમાન કર્યું છે.”

        પાછો એક મહિનો પસાર થયો. અચાનક એક રાત્રે બિરબલનું કે’ણ લાલા બિહારીલાલને આવ્યું. લાલા બિહારીલાલ તરત જ બિરબલ સમક્ષ હાજર થયાં. બિરબલે ઝીણી આંખ કરી કીધુ કે, “તમારે કોઇની સાથે કાંઇ વાંધો કે તકરાર હોય એવું તો નથી ને?” બિહારીલાલ પણ ઉસ્તાદ હતાં. “નહીં હજૂર, કોઇની સાથે કંઇ નથી. આપ હુકમ કરો તો મારા જિગરજાન દોસ્ત લાલ હજારીપ્રસાદને આપની સમક્ષ હાજર કરૂં.” સમયને પારખી લાલા બિહારીલાલે રજૂઆત કરી.

        બિરબલ કહે, “સાવધ રહેજો, એક વિશ્વાસુ, ઇમાનદાર ઇન્સાનની જહાંપનાહ બાદશાહ સલામતને જરૂર છે. આવો વિશ્વાસ તેમને થઇ જવો જોઇએ.” બિહારીલાલ કહે, “હજૂર, સમજદાર ઇન્સાનને ઇશારો જ કાફી છે.” આટલું કહી લાલા બિહારીલાલ બિરબલને ત્યાંથી વિદાય થયાં.

        બીજા જ દિવસે લાલા હજારીપ્રસાદની કોઠી પર તેમની એકે એક વસ્તુ પહોંચતી કરી દીધી. ચાંદીનો થાળ સાચા મોતીનો ભરેલો લાલા હજારીપ્રસાદની પત્નીને લાલા બિહારીલાલ તરફથી ભેટ આપવામાં આવ્યો, તેમજ સપરિવાર બિહારીલાલને ત્યાં ભોજ નું આમંત્રણ પણ આપ્યું.

        બંને મિત્રો મળ્યાં, સપરિવાર જમ્યા, સૌએ અલક મલકની વાતો કરી, ખુબ આનંદ કર્યો. આ તમામ વિગત બિરબલે જાણી. પંદરક દિવસ પછી તેમણે લાલા બિહારીલાલ ને પોતાને ત્યાં ફરી બોલાવી સમાચાર આપ્યા કે, “દીવાનનો પ્રશ્ન હમણાં થોડા સમય માટે બાદશાહે મુલતવી રાખ્યો છે.”

        ક્યારેક વિશુધ્ધ ઉદ્દેશ માટે નિઃસ્વાર્થ ભાવે બુધ્ધિમાનો મોટા સત્યને ખાતર નાના સત્યનો ભોગ આપી દે છે.

Tuesday, 30 July 2013

વાર્તાઃ

      વાર્તા એ માનવસમાજની અણમોલ અમાનત છે. પ્રાચીન કાળથી આજ દિન સુધી વાર્તા સાંભળવાની મનવીની અદમ્ય વૃત્તિ હજી પણ એવી ને એવી જ છે. ‘હિતોપદેશ’, ‘પંચતંત્ર’, ‘કથાસરિત્સાગર’, ‘જાતક કથાઓ’, ‘સિંહાસન બત્રીસી’, ‘વિક્રમ વેતાળની વાતો’, ‘અકબર-બિરબલની વાતો’, ‘અરેબિયન નાઇટ્સ’, ‘સિંદબાદ ધી સેલર’, વગેરે…

        તો ચાલો આજે હું મને ગમતી એક વાર્તા કહું, (લખું). વાર્તા કંઇક આવી છે…


        વાર્તા એક ક્ષત્રિય યુવાનની છે. એ દિલ્હી જઇ રહ્યો હતો. બાદશાહ સલામતનું કહેણ હતું. પાણીદાર અશ્વ માથે સવાર થઇ પંથ કાપતાં કાપતાં એ નદીને કિનારે, વનરાઇની છાયામાં મંદિરના પગથિયે આવીને ઊભો રહી ગયો હતો. પરિશ્રમને લીધે ચહેરા પર ધસી આવેલાં લોહીની લાલાશથી જુવાન અસવાર વધુ દેખાવડો લાગતો હતો. એનો જાતવાન અશ્વ, કિંમતી પોશાક, આંખોમાં દેખાતી અમીરાત અને ચહેરા પર જણાઇ આવતી ખાનદાની એ કોઇ ઉચ્ચ કુળનો છે તે દર્શાવી આપતાં હતાં. યુવાનને તરસ લાગી હતી, ઘોડો પણ તરસ્યો થયો હતો. ઘોડાને તો તેણે નદીમાં પાણી પાયું. પરંતુ પોતાની તરસ હજી અતૃપ્ત જ હતી. ત્યાં મંદિરની બાજુના રસ્તામાંથી એક પનિહારી નીકળી. એ યુવતીને જોતાં જ યુવાનનાં હોઠ ફફડ્યા. હૈયાની વાત હોઠ સુધી જ આવીને રહી ગઇ, કાંઇ કહેવાને બદલે એ પનિહારીને જોઇ જ રહ્યો. પનિહારીએ પણ યુવાન સામું જોયું. પનિહારીની પ્રથમ નજર યુવાનનાં હૈયા સોંસરવી નીકળી ગઇ.

        ભવાટવિમાં વિખૂટા પડી ગયેલા વિજોગી પ્રેમીઓ અચાનક એકબીજાને મળી જાય અને એકમેકને ઓળખી લે એમ બેયનાં હૈયા મળી ગયાં. યુવાનની મૂંઝવણ જોઇ યુવતી હરી. તેણે જ સામેથી પૂછ્યું, “પાણી પીવું છે?” યુવાનનાં તૃષાતુર હૈયે કહ્યું, “હા”. યુવતીએ એનાં ઘડામાંથી પાણી રેડવાનું શરૂ કર્યું અને યુવાને પાણી પીવા પોતાનો ખોબો ધર્યો. પણ ધ્યાન યુવતીની સામું હોવાથી મોટા ભાગનું પાણી વહી ગયું. થોડું પાણી પીધું. મંદિરનાં ચોગાનમાં આવેલ આવાસમાંથી કોઇ વૃધ્ધ બહાર નીકળ્યા અને યુવતીને પુછ્યું, “કોણ છે બેટા?” યુવતીએ જવાબ આપ્યો, “દાદા, કોઇ અજાણ્યા વટેમાર્ગુ છે, તેમને પાણી પીવું છે.” વૃધ્ધે કીધું, “અહીં બોલાવી લે.” યુવકે આમંત્રણનો સ્વિકાર કર્યો. યુવાનને જોઇ વૃધ્ધે કહ્યું કે, “લાંબો પંથ કાપીને આવ્યા લાગો છો. બપોર ટાણું થયું છે. હવે અહીં જ જમી લ્યો અને બપોર કેડે આરામ કરીને પછી આગળ પ્રયાણ કરજો.” વર્ષોનો પરિચય હોય એમ નરી સહાજીકતાથી થયેલ આ આગ્રહને યુવાન ના ન કહી શક્યો. યુવતીએ પાણીનો લોટો મૂક્યો, યુવકનાં વિશ્રામની વ્યવસ્થા કરીને રસોઇ બનાવવા લાગી.

        યુવાન રોકાયો, જમ્યો. એ જ મંદિરમાં ઇશ્વરસાક્ષીએ સાથે જીવતર જીવવાનાં એકબીજાને કોલ દીધા. તિથિ, વાર, વખત બધું નક્કી થયું. યુવક પ્રયાણ કરે તે પહેલાં યુવતીએ કહ્યું, “જુઓ, આપણે નક્કી કર્યા મુજબ એ જ તિથિએ સાંજ સુધીમાં જો નહીં પહોંચોં તો આ જ ગામનાં ચોકમાં સૌ નગરજનોની હાજરીમાં ચિતાએ ચડી હું આયખું ટૂંકવી નાખીશ. તમારે મારી પછી રાખ જ જોવાની રહેશે.” યુવકે “હાં, હાં” કહી યુવતી એની પ્રેમીકાનાં મોં આડે હાથ ધર્યો અને કીધું, “હું એ પહેલાં આવી પહોંચીશ, વચન આપું છું.” યુવતીએ આંસુભરી આંખે પોતાનાં પ્રેમીને વિદાય આપી અને યુવકે આગળ તરફ પ્રયાણ કર્યું.

        યુવાન દિલ્હી પહોંચ્યો. બાદશાહ સલામતે દોસ્તનાં પુત્રનું શાનદાર સ્વાગત કર્યું અને ત્યાર પછી શાહી મહેમાનગતિનો દોર શરૂ થયો. દરબાર ભરાતા, વિદ્વાનોની ચર્ચા થતી, રાજ્યનાં  મહત્વનાં કામોનો નિકાલ થતો. રોજ અવનવા પ્રસંગો યોજાતા. કોક ‘દિ શિકાર, તો રાતે સંગીતની મહેફિલ, તો બીજે ‘દિ નાચવાનો કાર્યક્રમ હોય, તો ત્રીજે ‘દિ શાહી રસાલા સાથે કંઇક સફરે જવાનું થાય. રંગરાગમાં અને મોજશોખમાં દિવસો ક્યાં પસાર થયાં એ યુવાનને ભાન રહ્યું નહીં.

        એવું ન્હોતું કે આ યુવાન પ્રેમીને પોતાની પ્રેયસીને આપેલ કોલ યાદ નહોતો, આ બધા વચ્ચે પણ તે પોતાનાં વચન પ્રત્યે પુર્ણતઃ સભાન હતો. પરંતુ જ્યારે જ્યારે એ જવાની વાત કરે ત્યાં બાદશાહ તરફથી આગ્રહ થતો. બેગમસાહેબા પણ સાથે સૂર પુરાવતાં અને યુવક પરવશ બની જતો… એમ કરતાં કરતાં પંથ લાંબો થવા લાગ્યો અને જીવતર ટૂંકું થવા માંડ્યું. અચાનક એક દિવસ યુવક કોઇને જણાવ્યા વિના દિલ્હીથી રવાના થયો. એ પંથ કાપતો જતો હતો. હૈયામાં એક જ અજંપો હતો કે, “કદાચ, નહીં પહોંચું તો?” તરત જ પ્રાણપ્યારી પ્રિયતમાની સળગતી ચિતા તેની નજર સામે તરવરતી અને યુવાનનાં આંખે અંધારા આવી જતાં. ભૂખ્યો-તરસ્યો એ રાત-દિ બસ મજલ કાપ્યા જ કરતો… હૈયામાં પસ્તાવાનો પાર નહોતો.

        અહીં, યુવતીએ ગામલોકોને જાણ કરી દીધી. છેલ્લો દિવસ પણ આવી પહોંચ્યો… યુવતી પોતાનાં મનમાં મક્કમ હતી, સમજાવટનો હવે કોઇ અર્થ નહોતો તેમ ગામલોકોને ખાત્રી થઇ ચૂકી હતી… ભારે હૈયે ગામનાં ચોગાનમાં ચંદનનાં લાકડાની ચિતા ગોઠવવા લાગી. સંતો, ભક્તો, ભૂદેવો, સગાં સંબંધીઓ સૌ એકત્રિત થયાં હતાં. સૌનાં હૈયા વ્યથાનાં ભારથી ભારે થઇ ગયાં હતાં. ધીરે ધીરે સૂરજ અસ્તાચળ તરફ ઢળી રહ્યો હતો. યુવકનો પ્રવાસ પૂરો થયો નહોતો. અહીં યુવતીનાં વચન પ્રમાણેનો સમય પૂરો થવા આવ્યો…

        રાત પડવા માંડી એટલે ગામનાં ગઢનાં દરવાજા મંડ્યા એક પછી એક બંધ થવા. જેવો છેલ્લો દરવાજો બંધ થયો, અહીં યુવતીએ પોતાનાં વાળ છૂટા મુક્યા, સૌને આખરી પ્રણામ કર્યા અને ચિતા તરફ ડગ માંડ્યા…

        આ તરફ યુવાનની છાતીમાં શ્વાસ માતો નથી. સતત પ્રવાથી આંખ્યું ઊંડી ઊતરી ગઇ છે. શરીર માથે કપડાં ફાટી ગયાં છે. કોરાં ભઠ વાળ હવામાં ફરફર ફગફગે છે. સુકાયેલા હોઠ, કરમાઇ ગયેલો ચહેરો અને ભાંગેલા હૈયા સાથે યુવાન ગામ બહારનાં પેલા મંદિરનાં ઓટલે આવતાં આવતાં એક લથડિયું ખાઇ ગયો. વૃધ્ધ દાદાએ યુવાનને સંભાળી લીધો. યુવાને વાત કહી, એટલે દાદા યુવાનને તરત જ ઓળખી ગયા. પણ ગામમાં પહોંચવાનાં તમામ દરવાજા તો બંધ થઇ ગયા છે. અને આ તરફ યુવતી પોતાની આખરી મંજીલ તરફ પોતાનાં કદમો આગળ બઢાવી ચુકી છે. હવે શું કરવું?

આવી હૈયા ચીરી નાંખતી પારાવાર મૂંઝવણનાં ઉકેલ રૂપે યુવતીનાં દાદાએ મંદિરની પાસેની પુરાતન કાળની એક અવાવરૂ વાવમાંથી ગામમાં જવાનો ગુપ્ત માર્ગ યુવાનને બતાવ્યો. યુવાન પોતાની છેલ્લી શક્તિ એકત્રિત કરી વાવમાં ઊતર્યો, કમાડ ભાંગીને આગળ વધ્યો. વર્ષોથી અવાવરૂ પડી રહેલી આ બંધિયાર વાવનાં માર્ગમાં ઊડતાં ચામાચિડીયાં, લટકતાં સર્પો, ઘોર અંધકાર. પણ આ એકેય વાતની કે રૂકાવટની યુવાનને આજે પરવા નહોતી. એ ગમે તેમ કરીને માર્ગ પસાર કરી ગામમાં આવી પહોંચ્યો. હતું એટલું બળ ભેગું કરીને ચિતા તરફ દોડ્યો અને યુવતીનાં ખોળામાં છેવટે બેભાન થઇને ઢળી પડ્યો. યુવતીએ આ બેહાલ થઇ ગયેલા પોતાના પ્રિયતમને તુરંત જ ઓળખી લીધો.

આઠ દિવસની સઘન સારવારને અંતે યુવક સાજો થયો. બંનેનાં ધામધૂમથી લગ્ન થયાં, અને ગામનાં લોકો ખુશખુશાલ થઇ ગયાં.

આ તો પ્રેમકથા છે અને પ્રેમનો અર્થ જ સમર્પણ થાય છે. કબિરનું પદ છે ને –
यह तो प्रेम का घर है, खाला का घर नाहीं

शिश काट भूंई धरे फिर पैठे मांही…


from, Shahbuddin Rathod, Show Must Go ON...