જાદુઇ જોડી, પંચમ અને ગુલઝારની
આર.ડી. એ ગુલઝાર સાથે કરી એનાંથી ખુબ વધુ ફિલ્મો બીજા ગીતકારો સાથે કરી. છતાં સમયનાં વહેતાં વહેણમાં બેઉનાં સહિયારા સર્જન જેવાં ગીતો અમર થયાં અને આ જોડી સૌથી અનોખી સાબિત થઇ.
આર.ડી. એ ગુલઝાર સાથે કરી એનાંથી ખુબ વધુ ફિલ્મો બીજા ગીતકારો સાથે કરી. છતાં સમયનાં વહેતાં વહેણમાં બેઉનાં સહિયારા સર્જન જેવાં ગીતો અમર થયાં અને આ જોડી સૌથી અનોખી સાબિત થઇ.
ઘણાંને
કદાચ ખ્યાલ નથી કે રાહુલદેવ બર્મન – ગુલઝારની જુગલબંધી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની સૌથી લાંબી
ગીતકાર – સંગીતકારની જોડી હતી. સહીયારા આ બંને એ ૨૮ ફિલ્મોમાં ૧૧૭ ગીતો આપ્યા.
પંચમનો
વિચાર કરતાં મનમાં સુરીલી ધ્વની અને મેલોડી ગૂંજવા માંડે. ફિલ્મ ‘યાંદો કી બારાત’નાં
‘ચૂરા
લિયા હૈ, તુમને જો દિલ કો…’ ગીતની કાચનાં બે ગ્લાસને એકબીજા સાથે અથડાવીને
જે સાઉન્ડ બનાવ્યો તેને તો આજે પણ ચાહકો યાદ કરે છે. ફિલ્મ ‘શોલે’ નાં ‘મહેબૂબા મહેબૂબા’ને તો કેમ
ભૂલાય? આ ગીતમાં પંચમે જે હુ..ઉ..ઉ..ઉ અવાજ કાઢ્યો તેને કારણે આજે જ્યારે પણ આ ગીત
વાગે ત્યારે પંચમના ચાહકો બીલકુલ આજ લહેકામાં હસ્કી અવાજ સાથે લો-ટોનમાં ગીત ગુનગુનાવે
છે. ‘પરિચય’ ફિલ્મનું ‘બીતી ના બીતાયી રૈના…’ ની ક્લાસિકલ ધુન
હોય કે ફિલ્મ ‘હરે રામા હરે ક્રિષ્ના’નું ‘દમ મારો દમ’ જેવું ફુલ્લી વેસ્ટ્ર્નાઇઝ્ડ સોંગ હોય… પંચમ તમામ
રીતે છવાયા. આ તો બધી એ વાતો કરી કે જેવું આર.ડી.બર્મનનું નામ સંગીતનો કોઇપણ ચાહક સાંભળે
એટલે તેનાં મનમાં આ બધા ગીતો તો આવે ને આવે જ. ૧૦૦૦%…!
ગુલઝાર
સા’બનો વિચાર આવતાં સ્ટાર્ચ કરેલાં સફેદ કુરતો – પાયજામો અને રાજસ્થાની મોજડી… મનમાં
આવે. પંચમ તેમનાં આ પરમમિત્રને સફેદ કૌઆ કહેતાં. અને શા માટે કહેતાં તે પણ સમજવું અઘરૂં
તો નથી હોં!
વાચકમિત્રો…
તમને કદાચ ખ્યાલ નહીં હોય પણ, પંચમ ક્યારેય જેમ હું અને તમે ચા પીએ તેમ નહોતા પીતા.
તેઓ ગરમ ચામાં પહેલાં ઠંડુ પાણી રેડતા, પછી જ ઘુંટડો ભરતા. પંચમ ચેઇનસ્મોકર હતાં તે
આપણે સૌ જાણીએ છીએ, પણ પહેલો કશ ખેંચતા પહેલાં સિગારેટમાં બે લવિંગ ખોંસી દેતા. આવું
કરવા પાછળ તેમનું એમ માનવું હતું કે તમાકુ સાથે લવિંગને લીધે એમનો અવાજ ક્યારેય ખરાબ
નહીં થાય એ એવોને એવો જ અકબંધ જળવાઇ રહેશે લાંબા સમય સુધી.
ગુલઝાર
એમનાં પુસ્તક ‘કતરા કતરા’માં જણાવે છે એમ, ‘પંચમને ધુનની પ્રેરણા ક્યાં, ક્યારે અને
કેવી રીતે સ્ફૂરતી એ કદી કહી શકાતું નહીં’. ફિલ્મફેરનાં ૧૯૮૪ની સાલ ૧૬-૩૦ જુનનાં એક
ઇન્ટરવ્યુમાં પંચમ જણાવે છે કે અમુક ગીતોની ધુન તેમણે સપનાંમાં બનાવેલી. પંચમને કોઇ
ધૂન જેવી સ્ફુરતી કે તેઓ ભૂલી ન જવાય માટે એ તુરંત જ તેને કેસેટમાં રેકોર્ડ કરી લેતાં.
એ કેસેટ ગુલઝારને મોકલી આપતાં અને ગુલઝાર આ ધૂન પર ગીતો લખતાં. ‘કતરા કતરા’માં ગુલઝાર
કહે છે કે આવી એક એક થી ચડીયાતી ધૂનો વાળી અસંખ્ય કેસેટ મારા ઘરમાં પડી છે.
ગુલઝાર
સા’બની પેંગ્વિન પબ્લિકેશન્સ દ્વારા પ્રસ્તુત બુક 100 Lyrics – Gulzar, Translated
by Sunjoy Shekhar માં ગુલઝાર સા’બ પંચમ સાથેનાં સંભારણા વાગોળતા કહે છે કે ફિલ્મ ‘પરિચય’
નું ‘મુસાફિર
હું યારોં, ના ઘર હૈ ના ઠિકાના…’ આ ગીત મારૂં પંચમ સાથેનું પહેલું ગીત હતું.
(પંચમ ત્યારે એક સ્વતંત્ર સંગીતકાર બની ચુક્યા હતાં) ગુલઝાર લખે છે કે રાજકમલ સ્ટુડિયોમાં
કોઇ ફિલ્મનું બેકગ્રાઉન્ડ મ્યુઝીક સેટ થતું હતું. સ્ટુડિયો જતાં પંચમ મને સાથે લઇ ગયા.
ગીતની સીચ્યુએશન હું પંચમને અગાઉ જ કહી ચુકેલો એટલે એણે અમસ્તા જ ગાડીમાં કહ્યું કે
હજુ સુધી મને કંઇ સુજ્યુ નથી કે કેવી ધૂન બનાવવી. તું કોઇ પંક્તિ બોલ હું તેના પર ધૂન
બનાવવાની કોશીશ કરીશ. મારા મનમાં જે બે ચાર શબ્દો હતાં તેને સંયોજીને મેં તેને ગીતનું
મુખડું તૈયાર કરી આપ્યું. ત્યાં સુધીમાં અમે સ્ટુડિયો પહોંચી ચુક્યા હતાં. સ્ટુડિયો
પહોંચીને મેં પંચમને એ મુખડું સંભળાવ્યું અને તેણે તે નોટ કરી લીધું. નોટ કરીને સહજભાવે
મને જવાનું કહ્યું. જો હું પંચમની આ (કૂ)ટેવથી વાકેફ ન હોત અને મારી જગ્યાએ બીજો કોઇ
હોત તો સામું સંભળાવી દે. હું ત્યાંથી રવાના થયો.
રાતનાં
લગભગ ૧૨ – ૧ વાગ્યા આસપાસ મારા ઘરનો બેલ વાગ્યોને મેં બારણું ખોલ્યું તો સામે પંચમબાબુ
હાજર. મને પુછવા લાગ્યા કે શું સુતો હતો? ચાલ નીચે ગાડીમાં, કામ છે. (આ પંચમની એક બીજી
(કૂ)ટેવ) ગાડીમાં એણે કેસેટ ચડાવી જેમાં એણે ધૂન રેકોર્ડ કરી રાખેલી જેનાં શબ્દો મેં
એને રાજકમલ સ્ટુડિયોમાં લખી આપેલાં. ખુબ સુંદર ધૂન હતી. અમે બંને હું અને પંચમ મુંબઇની
ખાલી અને સુમસામ સડકો પર ગીતનાં શબ્દોને ચરિતાર્થ કરતાં ફરી રહ્યા હતાં અને સવારનાં
ચાર – સાડા ચાર સુધીમાં આમ જ રખડતા રખડતા અમે પુરૂં ગીત બનાવી લીધું. હું શબ્દો ગોઠવતો
ગયો અને એ ધૂન. આ ગીતથી અમારી ગીતકાર- સંગીતકાર કરતાં પણ દિલોજાન દોસ્તીની સંગીતમય
સહીયારી સફર શરૂ થઇ.
પંચમ-ગુલઝારનું
મિલન ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અનન્ય ગણાય છે. ૭૦-૮૦નાં દાયકામાં ૨૮ ફિલ્મોમાં ૧૧૭ ગીતો
એમણે સાથે મળીને સર્જેલા. પંચમની ચીરવિદાયને આજે ૧૯-૧૯ વરસનાં વહાણા વિતી ગયા છતાંયે,
‘ઇસ
મોડ સે જાતે હૈ…’ (આંધી), ‘દો નૈનોંમેં આંસુ ભરે હૈ…’ (ખુશ્બુ),
‘ધન્નો
કી આંખોમેં…’ (કિતાબ), ‘આજકલ પાંવ ઝમીં પર…’ (ઘર), ‘તુજસે
નારાઝ નહીં ઝિંદગી…’ (માસૂમ) કે પછી આ લખવૈયાનું ઓલ ટાઇમ ફેવરીટ એવું ‘ઓ માંઝી
રે…’ (ખૂશ્બૂ) અને ‘રોઝ રોઝ ડાલી ડાલી…’ (અંગૂર) હોય. કેટલા
ગીતો લખું દોસ્તો… (આડવાતઃ ખાલી પંચમ-ગુલઝારનાં ગીતો પર જ એક લેખમાળા બની શકે એમ છે…
‘સૂચન આવકાર્ય…!’)
આર.ડી.નાં
ચાહકોનું એવું માનવું છે કે એમનાં મોટાભાગનાં ગીતો ગુલઝારે જ લખ્યા છે કે ગુલઝાર સાથેનાં
જ હીટ નીવડ્યા છે. પણ આ સાવ સાચું નથી. ગુલઝારે પંચમ માટે ૨૮ ફિલ્મોમાં ગીત લખ્યા.
મજરૂહ સુલ્તાનપુરીએ ૭૪ ફિલ્મોમાં અને આનંદ બક્ષીએ ૯૭ ફિલ્મોમાં ગીતો લખ્યા. આ નોંધ
ખુદ ગુલઝારે એમનાં આ પુસ્તક ‘કતરા કતરા’માં કરી છે.
એ
વાત તો સ્વિકારવી જ રહી કે ભલે પંચમે અન્ય ગીતકારો સાથે સર્જેલા ગીતો પણ ખુબ ગાજ્યા,
પણ પંચમ અને ગુલઝાર જેવી જોડી કોઇની નહીં. કારણ માત્ર એટલું કે આ જોડીનાં ગીતો જેટલા
હ્રદયસ્પર્શી છે એટલા બીજાનાં નથી. ગમે એટલી વાર સાંભળો પછી પણ વિસરતાં નથી આ જોડીનાં
ગીતો. આર.ડી. સાથે કરેલી બંદીશો કે ધૂનોને ગુલઝાર ક્યારેય જુનવાણી કે આઉટ ડેટેડ ગણાવતાં
નથી. કારણ કે પંચમે એ જમાનામાં ધૂનો બનાવેલી કે જ્યારે સંગીત માટે પણ ટાંચા સાધનો ઉપ્લબ્ધ
હતાં. માટે પંચમની ધૂનો ક્યારેય જુની નહીં થાય. ગુલઝારનું કહેવું છે કે, ‘ચીલાચાલુ
ઢબે અમે બંનેએ ક્યારેય સંગીત બેઠકો યોજી જ નહોતી. (જેને ફિલ્મી ભાષામાં ‘મ્યુઝીક સીટીંગ્ઝ’
કહેવાય છે.) અમારે મન ગીત સર્જવું એ કામ નહોતું. અમે સર્જનપ્રક્રિયાની પળેપળ માણતાં.
ધૂન બનાવવા ધૂનીની જેમ વર્તતા નહીં. ક્યારેય કશું એકાએક સ્ફૂરે તો વગર પૂછ્યે એકબીજા
પાસે પહોંચી જતાં. લોંગ ડ્રાઇવ જઇએ ત્યારે પંચમ નવી ધૂન ગણગણાવતા. હું કારનાં ડેશબોર્ડ
પર કે બારણે તાલ દેતો. એ બધા થકી એની ધૂનની લાગણી હું આત્મસાત કરી શકતો. પછી એને શબ્દ
દેહે મઢતો.
પંચમ
– ગુલઝારની પ્રસંશા પરસ્પર રહેતી. ૧૯૭૫માં ફિલ્મ ‘ખૂશ્બૂ’ વખતે ‘ઓ માંઝી
રે…’ નાં રેકોર્ડીંગ વખતની વાત. પંચમે અચાનક જ રેકોર્ડીંગ અટકાવીને સોડાની
બે બોટલો મંગાવી. ગુલઝારનાં મનમાં એવું કે પંચમનાં ભેજામાં કંઇક તો રમતું જ હોવું જોઇએ,
નહીંતર આમ અધવચ્ચે રેકોર્ડીંગ અટકાવે નહીં. ત્યાંતો પંચમે બંને બોટલોની અંદરની સોડાને
બહાર ફેંકાવીને તેમાં પાણી ભરી લાવવા કહ્યું અને કઇ બોટલમાં કેટલું ભરવું આ બધી સુચના
આપી. જેવી બોટલો પાછી આવી પાણી ભરાઇને તેવી તેમણે એક બોટલ ઉઠાવીને તેમાં ફૂંક મારી
ને અવાજ સર્જ્યો ‘પક્’. આ અવાજ આ ગીત સાંભળતી વખતે સ્પષ્ટ સાંભળી શકાય છે. આવા હતાં
પંચમ…! હંમેશા કશુંક નવું શોધવા સતત પ્રયત્નશીલ, હંમેશા નવા નવા સાઉન્ડની શોધમાં જ
હોય, વિચારોથી ફાટફાટ થતો જેને અંગ્રેજીમાં ‘ટ્રુલી જીનીયસ Truly Genius’ કહી શકાય
એવા.
બિમલ
રૉયે ગુલઝારનો પરિચય, પંચમ સાથે કરાવેલો. ગુલઝારે ત્યારે ફિલ્મ ‘બંદિની’ માટે ‘મેરા ગોરા
અંગ લઇ લે…’ લખેલું ત્યારે પંચમ તેમનાં પિતાનાં આસિસ્ટન્ટ તરીકે કામ કરતાં.
પંચમનો બેચેન સ્વભાવ, ઉત્સાહ અને અખૂટ શક્તિ ગુલઝારે પારખ્યાં હતાં. બન્નેમાં ત્યારથી
જ એક અતૂટ આત્મિયતા બંધાઇ ગઇ હતી. બંને સરખી ઉંમરનાં હતાં. આ જુગલ જોડીએ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની
તવારીખમાં એવા એવા ગીતો સર્જ્યા કે જે ક્યારેય ભૂલી શકાય એમ નથી. ક્યા કહેતે હો ઠાકુર…!
ગુલઝાર
જણાવે છે કે, ‘એકવાર પંચમે મને આશ્ચર્યનો આંચકો આપતાં કહેલું કે ગીતો બની નથી જતાં
દોસ્ત, બલ્કે તે બાળકની જેમ એમને ઉછેરવા પડે છે. મને સમજાઇ ગયું કે અમારી જોડીનાં ચમત્કારમાં
આ ભાવના જ કારગત નીવડી. એ દરેક ગીતને એક પિતાનાં ભાવથી જ ઉછેરતો અને સજાવતો. મારાં
બધા ગીતો પંચમનાં ઘરમાં બાળકની જેમ રમતાં…’
ગુલઝાર સાહેબનાં શબ્દોમાં,
याद है बारीशों के दिन थे वो, पंचम!
और पहाडी के नीचे वादीमें धुंद से झांक कर नीकलती हुइ रेल की पटरीयां
गुजरती थी.
और धुंदमें ऐसे लग रहे थे हम, जैसे दो पौधे पास बैठे है.
हम बहुत देर पटरीयों पर बैठे उस मुसाफीर का झिक्र करते रहे,
जिसको आना था पिछली शब पर उसके आने का वक्त टलता रहा…
हम बहुत देर पटरीयों पर बैठे हुए ट्रेन का इन्तझार करते रहे.
ट्रेन आयी ना उसका वक्त हुआ, और
तुम युंही दो कदम चलकर धुंद पर पांओ रखकर गुम हो गये.
मैं अकेला हुं धुंदमें, पंचम!
આજનાં
આ પ્રોફેશનાલિઝમનાં જમાનામાં આ શક્ય છે? સોચો ઠાકુર…!