Thursday, 15 August 2013

જય હિન્દ...

જય હિન્દ મિત્રો, જય હિન્દુસ્તાન અને જય જય ગરવી ગુજરાત... આઝાદ ભારતનાં (હિન્દુસ્તાન, ભાગલા પહેલાં કહેવાતું) ૬૭માં સ્વાતંત્ર્ય દિવસની મારા તમામ વાચક મિત્રોને ખુબ ખુબ શુભેચ્છાઓ…

આઝાદીનાં આ શુભ અવસર પરનાં આ વિષય પર શું લખું એ મથામણ છેલ્લા ૧૨ દિવસથી ચાલતી હતી. શોધખોળ ખુબ ખુબા કરી. હાં એ શોધખોળને એળે નહીં જવા દઉં. ઇ. સ. વર્ષ ૦૦૧૨ થી આઝાદ ભારત અને ૧૪ની ઓગસ્ટ ૧૯૪૭નાં રાત્રીનાં ૧૧ કલાક ૫૯ મીનીટ અને ૫૯મી સેકન્ડ સુધીનો ઇતિહાસ ખુબ જલ્દી એક લેખમાળા રૂપે આપ સૌની સામે આવશે.

આટલા દિવસોની વિમાસણ અંતે શું લખવું, એવામાં આ ફિલ્મ વિશે લખવાની ઇચ્છા થઇ આવી. આઝાદી પર તો આપણી ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ અનેકો ફિલ્મો બનાવી છે. પણ એમાંની આ ફિલ્મ થોડી અપવાદરૂપ ગણાય એવી હોય, ચાલો આજે આ ફિલ્મ વિશે વાતો કરીએ…

(આમે મારા માટે પહેલો મનપસંદ વિષય તો ફિલ્મો જ હોય તે સ્વાભાવિક છે…) તો રીડર બિરાદરો અને વાચક રાજાઓ, પેશ-એ-ખિદમત છે,

ફિલ્મ, ઉપકાર…

        મનોજ કુમારની આ ફિલ્મ પહેલાની ફિલ્મ ‘શહિદ’ ભારતનાં તત્કાલીન વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીને ખુબ ગમેલી. તેમણે જ મનોજ કુમારને એમના સૂત્ર ‘જય જવાન, જય કિસાન’ પર કોઇ ફિલ્મ બનાવવા કહ્યું. શાસ્ત્રીજીનાં સૂચન પ્રમાણે મનોજ કુમારે આ ફિલ્મની કથા લખી.

        તો મનોજ કુમાર દ્વારા અભિનિત-દિગ્દર્શિત આ ફિલ્મ સને ૧૯૬૭ ની સાલમાં દેશભરમાં રીલીઝ થયેલી. આ ફિલ્મ એ વર્ષની સુપર હીટ ફિલ્મ રહી. ફિલ્મને અને મુખ્ય પાત્ર ભારતને મળેલા અપ્રતિમ પ્રતિસાદને જોઇને મનોજ કુમારને સત્તાવાર રીતે આઝાદી પર અને ભારત દેશનાં ગૌરવ પર આધારીત હોય એવી કથા પર જ ફિલ્મો બનાવવાનું જાણે કે લાયસન્સ મળી ગયું. આ ફિલ્મ રીલીઝ થયા પછી મનોજકુમારે સત્તાવાર રીતે પોતાનું ફિલ્મી નામ ‘ભારત’ રાખી લીધું. જે નામે આજ દિ’ લગણ આ ભાઇ સાહેબને, ‘મનોજકુમાર, ભારત’ કે ‘ભારતકુમાર’ તરીકે જ સંબોધવામાં આવે છે. ફિલ્મમાં નિર્દેશક સાહેબ, જવાન પણ બન્યા છે અને કિસાન પણ. મતલબ કે મુખ્ય પાત્ર.

        આ ભાઇ સિવાય આ ફિલ્મમાં આજીવન ખુબસુરત એવી આશા પારેખ પણ લીડ હિરોઇનનાં રોલમાં છે. આ ફિલ્મમાં આશા પારેખ ફેમીલી પ્લાનિંગની ડૉક્ટર બની છે. આશા પારેખ સાથે પણ આ ફિલ્મ બનતી હતી ત્યારે આ મનોજકુમારને વાંકુ પડેલું. બનેલું એવું કે ફિલ્મ ખેડૂતલક્ષી હોય, ઘણાં શોટ્સ વહેલી સવારનાં છે. આટલી વહેલી સવારનાં શુટીંગ માટે આશા પારેખે એકવાર હિંમત કરીને નિર્દેશક સાહેબ પાસે પોતાનો વાંધો રજુ કર્યોને આ ગોસ્વામી બાપુની ખોપડી હલી ગઇ. પુરા યુનીટ વચ્ચે આશા પારેખને જબરી ખખડાવી નાખી. હવે આશા પારેખ જેવી કલાકાર આ કેમે સહન કરી શકે? તેમણે લીધા અબોલા, ખુદ ડાયરેક્ટર – એક્ટર સાથે. માત્ર શુટીંગ પુરતી જ કેમેરો ઓન હોય ત્યારે વાત કરવાની, ને એ પણ ડાયલોગ સ્વરૂપે બાકી કીટ્ટા…! આશાજીને એટલું લાગી આવેલું કે ફિલ્મનાં પ્રિમીયરમાં પણ તેઓ હાજર ના રહ્યા. જ્યારે ફિલ્મ આટલી કામયાબ અને સફળ રહી ત્યારે પણ આશા પારેખે ગોસ્વામી બાપુ સાથે બુચ્ચા ના કર્યા તે ના જ કર્યા. ગમે એમ તો યે અમારા કાઠીયાવાડનું પાણીને ભા! એમ થોડું નમે…

        આ સીવાય મલંગ ચાચાને તો કેમે ભૂલાય. આ લખનારનાં સ્પષ્ટ મતે પ્રાણે ભજવેલું આ પાત્ર તેમણે ભજવેલા શ્રેષ્ઠ ચરિત્ર માં સર્વ શ્રેષ્ઠ ચરિત્ર અભિનિત પાત્ર તરીકે આવે. પ્રાણ એટલે ખલનાયકીનું સમાનાર્થી શબ્દ કે વ્યક્તિ. પણ આ ફિલ્મમાં મનોજ કુમારે તેમને ચરિત્ર અભિનયની છાંટ ધરાવતુ પાત્ર આપ્યું. ફિલ્મની શરૂઆત પણ નાનકડા ‘ભારત’ અને મલંગ ચાચા દ્વારા જ થાય છે. મલંગ ચાચા બનેલા પ્રાણ ભારતને શીખામણ સ્વરૂપે જીવનનો સાચો પાઠ શીખવે છે, કહે છે ‘જી ભર કર દૂસરોં પે ઉપકાર કર, લેકીન પહેલે અપની સોચ…’ અને બીજો એક ડાયલોગ છે, જ્યારે ભારત, મલંગ ચાચાન બીજા લોકો પર વિશ્વાસ મુકવાની વાત પર સવાલ પૂછે છે, ત્યારે તેનાં જવાબમાં મલંગ ચાચા કેવી સરસ વાત કરે છે, કે ‘દિન મેં મૈં વો કહેતા હૂં જો હોના ચાહીયે, ઔર રાતકો મૈં વો કહેતા હૂં, જો હો રહા હૈ! સમજે?’ વધુ એક એવો, ‘રાશન પે ભાષન બહોત હૈ, લેકીન ભાષન પે રાશન નહીં…’

        આ સીવાય ફિલ્મમાં મનોજ કુમારનાં સ્વાર્થી અને મતલબી એવા ભાઇની ભૂમિકામાં પ્રેમ ચોપરા છે. આજીવન લાલાની ઇમેજમાં જ કેદ રહેલા કનૈયાલાલ (અરે…રાધા રાની…., યાદ આવ્યું ને!) મદનપુરી આ ફિલ્મનાં વિલનનાં પાત્રમાં છે. મેજર સાહેબનાં પાત્રમાં ડેવિડ જામે છે. પણ ફિલ્મનાં અંતે તો આ ત્રણ પાત્ર જ દર્શકો પર અસર છોડે છે, ભારત, કવિતા અને મલંગ ચાચા.

        ફિલ્મનાં ગીતોનું ફિલ્માંકન અને ચુસ્ત પટકથા સાથેનો સડસડાટ ચાલતો સ્ક્રિનપ્લે. આ ફિલ્મ નિર્દેશક તરીકે મનોજ કુમારની પહેલી ફિલ્મ હોય, તેણે ફિલ્મનાં એકપણ વિભાગમાં કંઇ કસર ન રહી જાય તેનું પુરતું ધ્યાન રાખ્યું છે. અને એ માટે મનોજભાઇ શાબાશીનાં હક્કદાર પણ ખરાં. ફિલ્મનાં શરૂઆતમાં રજુ થતું સેન્સર બોર્ડનાં સર્ટીફિકેટમાં ફિલ્મની ભાષામાં ‘હિન્દુસ્તાની’ લખાયું છે… વાહ મનોજભાઇ વાહ! ફિલ્મનું પ્રથમ દ્રશ્ય પણ ડાબી તરફથી સૈન્યનાં જવાનનું હથીયાર એવી રાયફલ આવે છે તો જમણી તરફથી દેશનાં ખેડૂતોનું મુખ્ય ઓજાર એવું હળ દર્શાવવામાં આવે છે. સીધો સંદેશ… ‘જય જવાન, જય કિસાન’. મનોજ કુમારનો ફેવરીટ શોટ ટેકિંગ એંગલ એટલે દૂર કેમેરો સેટ કરવો અને સીધો તીરની જેમ ક્લોઝપર ફોક્સ કરવો. તેની ફિલ્મો જરા ધ્યાનથી જો જો દોસ્તો!

        આ લેખ આઝાદીનાં પર્વ નિમિત્તે હોય આજે અહીં આ એક ગીતની જ વાત કરીશું. બાકી આ ફિલ્મનું અને આ લખનારનું ઓલ ટાઇમ ફેવરીટ અને દુનિયાદારીની સીખ આપતું ગીત ઇન્દીવર લીખીત અને મન્ના દાનાં મખમલી કંઠે ગવાયેલું એવું ‘કસમે વાદેં પ્યાર વફા સબ, બાંતે હૈં, બાતોં કા કયા…’ હોય કે પછી, મુકેશનાં દર્દભર્યા અવાજથી સજ્જ એવું ‘દિવાનો સે યે મત પૂછો’ , કે પછી મહેન્દ્ર કપુર, આશા ભોંસલે અને મન્ના ડે એ ગાયેલું ગીત ‘આયી જુમકે બસંત, જુમલો સંગ સંગમેં’, કે ગુલશન બાવરા લીખીત અને લતા મંગેશકરે ગાયેલું ફિલ્મનું એકમાત્ર ગીત એવું ‘હર ખુશી હો વહાં, તું જહાં ભી રહે’ અને છેલ્લું એવું આશા ભોંસલે અને મો. રફીએ ગાયેલું યુગલ ગીત, ‘ગુલાબી રાત’ હોય. આ ગીતોની ચર્ચા ફરી ક્યારેક…

        ફિલ્મનું આ ગીત ‘મેરે દેશ કી ધરતી સોના ઉગલે, ઉગલે ઉગલે હીરે-મોતી…’ આજદિન સુધીનું કોઇ એવી ૧૫મી ઓગસ્ટ કે ૨૬મી જાન્યુઆરી એવી નહીં ગઇ હોય કે આ ગીત આ બંને ખાસ દિવસો પર વગાડવામાં ન આવ્યું હોય. ધીન તડક્ તક્ ધીધીન તડ્ક તક્… નાં ઢોલનાં તાલ પર શરૂ થતું કોરસથી આ ગીત. આ ગીતનાં ફિલ્માંકન માટે મનોજભાઇને ૧૦૦ માંથી ૧૫૦ માર્ક્સ આપવા પડે. કેટલી સુંદર કલ્પના જુઓ. મલંગ ચાચા સાથેનાં સીનને પુરો કરતા સમયે કેમેરો દિવાની ટમટમાતી જ્યોત પર ફોક્સ થાય છે અને એના પછીનાં જ સીનમાં ઝળહળતો સુરજ પૂર્વ દિશાથી પ્રગટતો દર્શાવવામાં આવે છે. મંદીરનાં ક્લોઝ અપ ને ઝુમ આઉટ કરીને પાણીમાં તેનાં પ્રતિબિંબને પણ દર્શાવવામાં આવે છે. ચહેકતા-કલશોર કરતાં પંખીઓ ઉડે અને દર્શકોને એક સુંદર સવાર ઉગ્યાનો અહેસાસ હજુ થાય ત્યાં આ અસરમાંથી હજુ બહાર આવે એ પહેલાં વહેલી સવારમાં ખેતરે જતાં ખેડૂતો એકસાથે કોરસમાં આ ગીતની ધુન ગાતા ગાતા પડદા પર જોવા મળે છે. આ ગીતમાં ગૌતમ બુધ્દ્ન, ગુરૂ નાનક દેવ, ગાંધી બાપુ, રવિન્દ્રનાથ ટાગોર, ભગતસીંઘ, સુભાષ ચંદ્ર્ બોઝ, લોકમાન્ય તિલક, જવાહરલાલ નહેરૂ, લાલ બહાદુર શાસ્ત્રી અને પંજાબી શહીદ હરિસિંઘ નલવાને સૌને યાદ કરવામાં આવ્યા છે. એક રીતે આ ગીત આપણાં દેશનાં આ સપૂતોને શ્રધ્ધાંજલી છે. ગીત લખ્યું છે ગુલશન બાવરાએ. એક એક પંક્તિ પર ગુલશન બાવરાની પીઠ થાબડવી પડે. ગીત સાંભળતી વખતે ખાસ તો  જોતી વખતે સામાન્ય પ્રેક્ષક પણ શબ્દો સાથે પોતાની જાતને જોડી શકે એવા શબ્દો અને ધુન છે. રાષ્ટ્ર ભક્તિ અને પ્રેમથી તરબતર એવું આ ગીત આ માટે જ આટલા વર્ષો પછી પણ એવું ને એવું તાજું અને દેશદાજથી છલકતું છે.

આ ફિલ્મનાં સંગીતકાર કલ્યાણજી-આણંદજી એ આ ગીતમાં ધુન નું જે સ્મૂધ ટ્રાન્ઝીશન એટલું પરફેક્શન સાથે કર્યું છે કે સાંભળનારને બંને ધુન એક જ લાગે. આ સ્મૂધ ટ્રાન્ઝીશન એટલે કે જે ધુન વાગતી હોય તે જ ધુન પણ વાદ્યો જુદા જુદા પણ શ્રોતાને જરા પણ ખલેલ ન પહોંચે અને ધુન બદલાઇ ગઇ હોય. ઉ.દા. તરીકે ગીતનો અંતરો પુરો થતાં પડદા પરનું દ્રશ્ય બદલાય છે. સમજોને કે જુદી જ દુનિયા… ક્લબનાં રોક એન્ડ રોલ સંગીતની ધુન પર થીરકતા શરીરો અને ભારતનો સાવકો ભાઇ પુરન જોવા મળે છે. અને જે રીતે ડ્રમ વાગતાં વાગતાં ક્લોઝ અપ કેમેરો કટ્ટ ટુ ખેતરમાં ઢોલ પર ફોક્સ થાય. દર્શકોને જરા પણ એવું ન લાગે કે દ્રશ્ય બદલાઇ ગયું, ધુન બદલાઇ ગઇ.

ફિલ્મમાં ઘણાં સીન્સ એવા છે જેમાં ઉડીને આંખે વળગે એવી રીતે અને વગર પાણીએ ગળે ઉતરી જાય એવી રીતે પણ સંદેશાઓ આપવામાં આવ્યા છે. જેમ કે મેજર સાહેબ જ્યારે ભારતને મળવા તેનાં ખેતરે આવે છે ત્યારે બપોરની જમણનો સમય થયો હોય, સૌને જમવાનું કહેવામાં આવે છે ત્યારે, કુવાની પાળે ખેડૂતો પોતાનાં હળ અને જવાનો – સૈનિકો પોતાની બંધૂક એક સાથે એકબીજાનાં ટેકે રહે એમ મૂકે છે. આ સ્પષ્ટ સંદેશો છે ‘જય જવાન જય કિસાન’ સૂત્રનો. એવી રીતે ફિલ્મમાં ડૉક્ટર છે એવી કવિતા (આશા પારેખ) પણ ‘વધુ બાળ વધુ જંજાળ’ નો સંદેશો આપીને ફેમીલી પ્લાનિંગનો સરકારી સંદેશ વહેતો મૂકે છે.

પણ મનોજકુમારે આ ફિલ્મ સરકારી ડોક્યુમેન્ટ્રી ન બની જાય અને એક ફુલ ફ્લેજ્ડ કોમર્શીયલ ફિલ્મ બને તેનાં પુરતા પ્રયાસો કર્યા છે અને તેમાં સફળ પણ રહ્યા. આ ફિલ્મને લગતાં પાસાએ વિશેની અમુક વાતો જાણવા જેવી છે જે નીચે મુજબ છે.

૦૧.    ‘ઉપકાર’ ફિલ્મને બેસ્ટ હિન્દી ફિલ્મનો રાષ્ટ્રિય પુરસ્કાર મળેલો.
૦૨.    તત્કાલિન વડાપ્રધાન શાસ્ત્રીજી માટે દિલ્હીમાં ફિલ્મ ‘શહિદ’નાં યોજેલ ખાસ શો બાદ, શાસ્ત્રીજીએ પુરા યુનિટને તેમનાં ઘરે ચા-નાસ્તા માટે આમંત્રણ આપ્યું, ત્યારે મનોજ કુમારને આ સુત્ર ‘જય જવાન જય કિસાન’ પર એક ફિલ્મ બનાવવાનું સુચન કર્યું. દિલ્હીથી પરત મુંબઇ ટ્રેનમાં આવતાં આવતાં મનોજકુમારે ફિલ્મની કહાની લખી. (મનોજ કુમારને હવાઇ યાત્રાનો ફોબિયા છે.)
૦૩.    આ ફિલ્મ જેમ ઉપર લેખકે જણાવ્યું છે તેમ સદ્દ્ગત વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીજી ને સમર્પિત છે. કારણ ખુબ સ્પષ્ટ હતું કે તેમનું અવસાન ફિલ્મની રીલીઝનાં આગલા જ વર્ષે એમ ૧૯૬૬માં તાસ્કંદ ખાતે ભેદી સંજોગોમાં અને કારણોવશ થયેલું. ૧૯૬૫નું પાકિસ્તાન સાથેનું યુધ્ધ જીતનાર બહાદુર એવા વડાપ્રધાન હોવાની સાથોસાથ નહેરૂની જેમ તેઓ શાંતિ અને સુમેળનાં પણ એટલા જ આગ્રહી હતાં. (નહેરૂ અને શાસ્ત્રીજીમાં ફર્ક એટલો જ કે નહેરૂ એ તેમની શાંતિ અને સુમેળતાનો ઉપયોગ દેશની અખંડિતતાનાં ભોગે અને પોતાની છબી વધુ ઉજ્જ્વળ બને એ નાપાક હેતુ સબબ કર્યો, જ્યારે શાસ્ત્રીજી એ પહેલા પાડોશી દેશને યુધ્ધમાં શિકસ્ત આપી ત્યારબાદ શાંતિ સ્થાપવાનાં પ્રયાસો કર્યા.) માટે શાસ્ત્રીજીની આ બંને છબીને ભારતનાં નાગરીકો સમક્ષ લાવવા કેટલાક દ્રશ્યો મનોજકુમારે ફિલ્મમાં લીધા હોવાને કારણે એવો મત પણ એવી ભાવના પણ મનમાં પ્રગટ થાય કે નિર્દેશકે પોતાનાં અને ફિલ્મનાં માર્કેટીંગનાં હેતુ સબબ શાસ્ત્રીજીની શહીદીનો ઉપયોગ કર્યો. હકીકત જે હોય તે ફિલ્મ બનાવીને મનોજ કુમારે એક ઉત્કૃષ્ઠ ભેટ દેશને આપી કહી શકાય.
૦૪.    આ ગીત ‘મેરે દેશ કી ધરતી….’ નું રેકોર્ડીંગ સળંગ વીસ કલાક જેટલો સમય ચાલ્યું હતું.
૦૫.    ગીતનાં કવિ ગુલશન બાવરા ૧૯૫૯થી ફિલ્મોમાં ગીતકાર તરીકે પ્રવૃત્ત હોવા છતાં આ ગાયનથી એ પ્રસિધ્ધિની ટોચે પહોંચ્યાં. તેમને ‘બેસ્ટ ગીતકાર’ નો ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યો. શરીરે સુકલકડી એવા આ શાયરે ‘ઉપકાર’માં સોમ-મંગલ એવી કોમેડી જોડી પૈકીનાં ‘સોમ’ ની ભૂમિકા મોહનચેટી સાથે મળીને કરી હતી.
૦૬.    ‘મેરે દેશ કી ધરતી…’ ગીત ગાવા બદલ ગાયક મહેન્દ્ર કપુરને નેશનલ એવોર્ડ મળેલો. જ્યારે તે જ વર્ષે રીલીઝ થયેલી ફિલ્મ ‘હમરાઝ’ નાં એક ગીત ‘નીલે ગગન કે તલે…’ માટે બેસ્ટ પ્લેબેક સિંગર તરીકેનો ફિલ્મફેર એવોર્ડ પણ મળેલો.
૦૭.    આ ફિલ્મની હીરોઇન એવી આશા પારેખ એ સમયે ડાન્સ ક્વિન કહેવાતી. પણ એની આ ઇમેજ બદલવા માટે નિર્દેશકે આશા પારેખ પાસે આ ફિલ્મમાં ગીતોની પંક્તિઓ ગવડાવી પણ નાચવાનો મોકો ન જ આપ્યો. તેમ છતાં આશા પારેખ ગીત ‘આયી જુમકે બસંત, જુમલો સંગ સંગમેં’ માં થોડું શરીર હલાવી લે છે.
૦૮.    એ વર્ષનાં ‘ફિલ્મફેર એવોર્ડ’ માં ફિલ્મ ‘ઉપકારે’ એવો સપાટો બોલાવ્યો કે, શ્રેષ્ઠ ડાયલોગ, શ્રેષ્ઠ એડિટીંગ, શ્રેષ્ઠ સહાયક, શ્રેષ્ઠ સ્ટોરી, એમ મોટાભાગની કેટેગરીમાં તે જ ફિલ્મ (ઉપકાર)ને એવોર્ડ જાહેર થયા. એક એવોર્ડ લેવા જતાં મનોજકુમારને દીલીપકુમારે ટોક્યા પણ ખરાં કે, “અમારે ભાગે પણ એકાદ એવોર્ડ રહેવા દેજો!” મનોજકુમારને બેસ્ટ ડાયરેક્ટર નો એવોર્ડ મળ્યો. (જો કે એ વર્ષે દિલીપકુમારને ફિલ્મ ‘રામ ઔર શ્યામ’ નાં ડબલ રોલ માટે બેસ્ટ એક્ટરનો ફિલ્મફેર એવોર્ડ મળેલો.)
૦૯.    ઉપકાર માટે ખલનાયક પ્રાણને તેમનાં ‘મંગલચાચા’ નાં રોલ બદલ શ્રેષ્ઠ સહાયક ભૂમિકા નો ફિલ્મફેર એવોર્ડ મળેલો. ત્યારે વરસો સુધી પડદા પર સફળ ખલનાયકની ભૂમિકા ભજવનાર પ્રાણ પહેલીવાર એક કલાકાર તરીકે અને એ પણ પોઝીટીવ કેરેક્ટર તરીકે પુરસ્કૃત થયા. પ્રાણ આ એવોર્ડ સ્ટેજ પર લેવા ગયા ત્યારે તેમણે કહ્યું પણ ખરૂં કે જો ફિલ્મફેરમાં બેસ્ટ વિલન નો એવોર્ડ હોત (ત્યારે આ કેટેગરી ન હતી) તો મને અત્યાર સુધીમાં કેટલાયે ફિલ્મફેર એવોર્ડ મળી ચુક્યા હોત. શ્રેષ્ઠ વિલન (ખલનાયક) ના એવોર્ડની કેટેગરી ફિલ્મફેરમાં હોવી જોઇએ એવી એમણે માંગણી પણ કરી અને એ માંગણી છેવટે  ૨૫ વર્ષ પછી સન ૧૯૯૧માં પુરી થઇ. ત્યાં સુધીમાં પ્રાણસાહેબ પોતે ચરિત્ર અભિનેતા બની ચુક્યા હતાં અને ત્રણ વાર શ્રેષ્ઠ સહાયક તરીકે ફિલ્મફેર એવોર્ડ લઇ ચુક્યા હતાં.
૧૦.    પ્રાણસાહેબ પર ફિલ્માવાયેલું ગીત ‘કસમે વાદેં પ્યાર વફા સબ, બાંતે હૈ બાતોં ક ક્યા?’ મનોજકુમાર બેકગ્રાઉન્ડમાં વગાડીને પોતાના પર પીક્ચરાઇઝ કરવું જોઇએ એવી પણ સલાહ મળી હતી પણ હોશીયાર દિગ્દર્શક મનોજકુમારે પોતાનો અંગત ફાયદો જોવાને બદલે ફિલ્મનું હિત વિચાર્યું અને પ્રાણ જેવું દુનિયાદારી સમજતું પાત્ર છે ફિલ્મમાં એવું જ દુનિયાદારી સમજાવતું આ ગીત છેવટે તેનાં પર ફિલ્માવવામાં આવ્યું.
૧૧.    ફિલ્મ ‘ઉપકાર’ ને ઘણા લોકો ‘મધર ઇન્ડિયા’ની પુરૂષ આવૃત્તિ ગણાવે છે. અહીં ‘ભારત’ વ્યક્તિ જેટલી જ દેશનાં પ્રતિક તરીકેની છે. નાયકનું નામ અગાઉ ‘રામ’ રાખવામાં આવેલું. પરંતુ, સ્ટોરીનો છેલ્લો વળાંક જ્યારે લખાણો ત્યારે મનોજકુમારે પોતાની ભૂમિકાનું નામ ‘ભારત’ કર્યુ.
૧૨.    ફિલ્મમાં છેલ્લે ‘ભારત’ (મનોજકુમાર)નાં બન્ને હાથ કાપી નાંખવા પડે છે. એ સિમ્બોલિક (પ્રતિકાત્મક) ઘટના છે. સન ૧૯૪૭માં આઝાદી વખતે ‘અખંડ હિન્દુસ્તાન’ નાં ટુકડા થાય અને આપણો દેશ ‘હિન્દુસ્તાન’ ને બદલે ‘ભારત દેશ’ કહેવાયો. ભારત દેશનાં નકશામાં પણ તેની બે બાજુ કપાઇ ગઇ હતી, પૂર્વ પાકિસ્તાન અને પશ્ચિમ પાકિસ્તાન… (જે પૈકીનું પૂર્વ પાકિસ્તાન સન ૧૯૭૧માં ‘બાંગ્લાદેશ’ તરીકે સ્વતંત્ર્ય દેશ તરીકે ઓળખ પામ્યું).

જો હજુ સુધી આ ફિલ્મ ન જોઇ હોય તો આ રહી. જરા ક્લિક કરો અને માણો દેશપ્રેમથી છલકતી ફિલ્મ.



સ્ટ્રેટ ડ્રાઇવઃ     આ ફિલ્મ વિશે લખ્યા પછી મારા વાચકો સાથે એક વાત જરૂર શેર કરવા ઇચ્છુ છું કે આ  લખનારે આ ફિલ્મ સૌપ્રથમ વાર ધો. ૪ માં અભ્યાસ કરતી વખતે ૧૫મી ઓગસ્ટનાં અનુસંધાને મારી સ્કુલ રાજુલા કુમાર શાળા નં ૧, ટાવર સામે ની પાછળ જ આવેલ કન્યા શાળા નં. ૧ માં હોલમાં ૮mm લેન્સનાં હાથથી ઘુમાવી શકાય એવા પ્રોજેક્ટર પર જોયેલી. નીચે ફોટો છે એવું...

4 comments:

  1. Superb Article I must say.

    ReplyDelete
    Replies
    1. Thank you Mr. Gandhi. Keep reading and keep appreciating as usual.

      Delete
  2. Good Information Nice article

    ReplyDelete