Saturday, 17 August 2013

રક્ષાબંધન…



        ભાઇ – બહેન વચ્ચે ઉજવાતો પવિત્ર તહેવાર. આ તહેવાર એટલે પરસ્પર લાગણી અને રક્ષા નું વચન આપવાનું અને નિભાવવાની તત્પરતા દર્શાવતો તહેવાર.

        રક્ષા અને બંધન. આ બંને શબ્દોમાં જ આ તહેવાર અને આ તહેવાર સાથે જોડાયેલી મુળભાવના ની વાત આવી જાય છે. રક્ષા એટલે To protect someone. એમ જ બંધન એટલે Bond. (એક સંબંધ) જેમ્સ બોન્ડ નહીં. તો કોઇની પણ રક્ષા કરવાનાં બંધનમાં બંધાવું એટલે રક્ષા બંધન. આ સાથે બહેન – ભાઇનો પવિત્ર અને તથાગત સંબંધ પણ જોડાયેલો હોય, આ તહેવારમાં બહેન ભાઇને રક્ષા બંધી, તેની પાસેથી પોતાની બહેનની જીવનપર્યાંત રક્ષા કરવાનું વચન માંગે છે અને આ વચનમાં બાંધી લે છે. સામે છેડે ભાઇ પણ હસતાં હસતાં આ વચનમાં પોતાની જાતને બાંધી લે છે. ભાઇનાં જીવન વિકાસમાં બહેનની સ્નેહપુર્ણ અને પ્રેરક શુભેચ્છાનું પ્રતિક છે આ તહેવાર, આ પર્વ. આપણે જનમીયે ત્યારથી જ કોઇ પણ પ્રકારનો ભય આપણી આસપાસ હંમેશા રહેતો જ હોય છે, અને જ્યાં ભય હોય ત્યાં રક્ષા એટલે protection ની લાગણી કે ભાવના આપોઆપ આવી જ જતી હોય છે. આ રક્ષણ એટલે અંતરથી અપાયેલા આશિર્વાદનું કવચ, હેતભરી શુભ ભાવનાનું રક્ષણ, અદ્રશ્ય રહેલ દેવી-દેવતાઓને સાચા મનથી કરેલી પ્રાર્થના વડે રચાયેલું અદ્રશ્ય રક્ષણ.

        આ તમામ પ્રકારનાં રક્ષણો પોતાનાં ભાઇને મળી રહે એવી શુભ અને પવિત્ર ભાવના સાથે આ દિવસે બહેન એનાં ભાઇનાં કાંડે રાખડી બાંધે છે. હિન્દુ સમાજમાં શ્રાવણી પૂનમે બધી જ બહેનો પોતાનાં ભાઇનાં કાંડે રાખડી બાંધી તેની સર્વ પ્રકારે રક્ષા થાય એવું ઇચ્છે છે. શું સુતરનાં નરમ અને સહજતાથી તૂટી શકે એવાં તાંતણાથી કોઇની રક્ષા થઇ શકે ખરી? રાખડીનાં પ્રત્યેક દોરામાં ભાઇ-બહેનનાં હ્રદયનો નિર્વ્યાજ અને નિતાંત પ્રેમ નીતરતો હોય છે. રાખડીએ માત્ર અને માત્ર સૂતરનો દોરો નથી, એ તો શીલ અને સ્નેહનું રક્ષણ કરતું તેમજ જીવનમાં સંયમની મહત્તા સમજાવતું એક પવિત્ર બંધન છે. ભાઇનાં હાથે રાખડી બાંધીને બહેન માત્ર પોતાનું જ રક્ષણ ઇચ્છે એટલું જ નહીં પરંતુ સમસ્ત સ્ત્રિ સમુદાયને પોતાનાં ભાઇનું રક્ષણ મળે એવી ભવ્ય અને ઉદીત ભાવના અને અપેક્ષા રાખે છે. સાથો સાથ પોતાનો ભાઇ એની અંદરનાં શત્રુઓ કામ, ક્રોધ, લોભ, મોહ, વગેરે ઉપર પણ વિજય મેળવે એવી આશા પણ રાખે છે.

       

        મહત્વ, આ તાંતણાંનું કે આ રાખડીનું નથી, પણ આ રાખડી બાંધતી વખતે બહેનનાં મનમાંથી જે ભાવનાઓ અને ભગવાનને જે પ્રાર્થના થઇ હોય તે પ્રાર્થનાંનાં કવચથી ભાઇની રક્ષા થતી હોય છે અને બોસ! આ કવચ ભેદવું ખુદ ભગવાનને પણ કપરૂં થઇ પડે. જ્યારે તમે સાચા મનથી સાચા હ્રદયથી કોઇની માટે પ્રાર્થના કરો એટલે આ સુરક્ષા કવચ આપોઆપ રચાય જાય. માટે મહત્વ રક્ષાબંધનનું કે આ પર્વ પર બાંધેલી રાખડીનું નથી, પણ અંતરનાં અમી ઘૂંટીને રાખડી બાંધતી વખતે જે અંતઃકરણથી આશિર્વાદ અપાયા હોય એનું છે. શુધ્ધ ભાવે, ખરા અંતરથી કોઇનાં શ્રેય માટે કરાયેલી ઇચ્છાઓ ક્યારેય નિષ્ફળ જતી નથી. ઇચ્છા-દ્રઢ સંકલ્પ એક અદ્વિતીય અને અસરકારક શક્તિ છે, તાકાત છે. ઘણું – ઘણું કરી શકવાની સમર્થ એવી આ શક્તિ, તાકાત છે. દ્રઢ સંકલ્પથી જ માનવી પોતાની જાતને ઇચ્છાનુસાર ઘડી શકે છે. સંકલ્પમાં એક અનેરૂં અને સવનોખું અનોખું સામર્થ્ય છે. દ્રઢ સંકલ્પ તો ચમત્કારોનો જન્મદાતા છે. રિધ્ધી, બુધ્ધિ, સિધ્ધિ અને પ્રગતિનું ચાલકબળ અને પ્રેરણાદાયી સ્ત્રોત છે. દ્રઢ સંકલ્પ વડે ગમે તેવાં અશક્ય કામો પણ શક્ય બની શકે છે. ઘણાં ઋષિમૂનીઓ દેવી-દેવતાઓ અને રાક્ષસો દાનવોએ પણ પોતાની અતિ દ્રઢ સંકલ્પ શક્તિ વડે જ અનેકો દેવિ દેવતાઓને પ્રસન્ન કરીને ઇચ્છિત વરદાનો અને ફળો મેળવ્યા છે.
       
        દ્રઢ સંકલ્પ અને અંતરમનનાં આશિષોએ અશક્યને પણ શક્ય બનાવ્યું છે. આ બધું કરનાર શક્તિ એટલે આત્માની શક્તિ. પરંતુ આત્મા શુધ્ધ અને પવિત્ર હોવો જોઇએ. આવા અંતરાત્મામાંથી નીકળેલા આશિર્વાદ ક્યારેય એળે નથી જતાં. પોતાનાં ભાઇનાં કાંડે રક્ષા બાંધતી વખતે પણ બહેન આજ ઉદ્દાત ભાવના સાથે પોતાનાં આત્મામાંથી જે આશિર્વાદ આપે એ કારણે જ તેને તેનાં ભાઇની રક્ષાની ખાતરી આપોઆપ મળી જાય છે.

        સ્ત્રી તરફ વિકૃતિની દ્રષ્ટિએ ન જોતાં પવિત્ર દ્રષ્ટિ રાખવી એવો સંદેશ આપતો આ તહેવાર હાલ ભાઇ-બહેન પુરતો અને કુટુંબ પુરતો એક સમાજ પુરતો સંકોચાઇને રહી ગયો છે. આવી શ્રેષ્ઠ ભાવના ધરાવતા આ તહેવારને હિન્દુ તહેવાર સમજીને એક સમાજ એક જાતિ પુરતો મર્યાદિત ન રહે અને વિશ્વકલ્યાણ હેતુ આ તહેવાર અને એની પાછળની આ શ્રેષ્ઠ ભાવનાને વિશ્વ અને ઘર-ઘરમાં ફેલાવવી જોઇએ, એવું આ લખનારનું મારા તમામ વાચકોને નમ્ર નિવેદન છે. રક્ષાબંધનનો તહેવાર એટલે દ્રષ્ટિ પરિવર્તનનો તહેવાર, ભાઇ-બહેનનાં વિશુધ્ધ અને નિર્મળ પ્રેમનું વહેતું અસ્ખલિત ઝરણું. કોઇપણ સ્ત્રી પાસે રાખડી બંધાવવાથી જે તે પુરૂષની દ્રષ્ટિમાં સમૂળગુ પરિવર્તન આવી જાય છે. એ બહેનની રક્ષા કરવાનું વચન અને જવાબદારી એ ભાઇ હસતાં હસતાં સ્વિકારે છે. જેથી એની બહેન સમાજમાં નિર્ભય પણે હરી ફરી શકે જીવી જોઇ શકે. રક્ષાબંધન વખતે બહેન બંધનનું એટલે કે ધ્યેયનું રક્ષણ કરવાની સૂચન કરે છે તો ભાઇ, બહેનની રક્ષા હેતુ પોતાનું સર્વસ્વ પણ જતું કરવું પડે તો પણ એની તત્પરતા બતાવે છે. આ સર્વસ્વ આપવાની ન્યૌછાવર કરવાની પોતાની તત્પરતાનાં પ્રતિકરૂપ ભાઇ પોતાની બહેન કોઇ ભેટ આપે છે.

પૌરાણિક કથા અનુસાર,
        જ્યારે શીશુપાલ રાજ્યસભામાં કૃષ્ણ ને અપશબ્દો કહેવા લાગ્યો અને વરદાન અનુસાર ભગવાન શ્રી કૃષ્ણ તેની ૧૦૦ ભૂલો માફ કરવાનાં હતાં, ત્યારે જેવી ૧૦૧ મો અપશબ્દ શીશુપાલનાં મુખમાંથી નીક્ળ્યો એવું ભગવાનનું સુદર્શન ચક્રએ શીશુપાલનું મસ્તક ધડથી અલગ કરી નાખ્યું. સુદર્શન ચક્ર ફરવાને કારણે ભગવાનની આંગળીમાંથી લોહી વહેવા લાગ્યું અને સભામાં ઉપસ્થિત દ્રૌપદીએ ઊભા થઇ પોતાની ઓઢણીનો છેડો ફાડી ભગવાનની આંગળી પર બાંધ્યો અને રક્ત વહેતું અટકાવ્યું. આ જોઇને ગદગદીત પ્રભુએ દ્રૌપદીને આશિર્વાદ આપતાં પોતાની બહેન માની અને જોગાનુજોગ તે દિવસ શ્રાવણ માહની પૂનમનો હતો. તો આમ પ્રભુ શ્રીકૃષ્ણએ દ્રૌપદીની હસ્તિનાપુરની રાજ્યસભામાં લૂંટાતી આબરૂ બચાવી અને શાસ્ત્રો અનુસાર ૯,૯૯,૯૯૯ ચીર પુર્યા.
આ રીતે રાખડી બાંધેલ બહેનની ઇજ્જત, આબરૂં, શીલ ની રક્ષા કરવી તે દરેક ભાઇનું પરમ કર્તવ્ય બને છે.

બીજી એક કથા અનુસાર…
        રાક્ષસનો રાજા બલીને ભગવાન વિષ્ણુનાં વરદાન અનુસાર સ્વયં પ્રભુ નારાયણ તેનાં રાજ્યની રક્ષા કરશે એવું વરદાન હતું. હવે વરદાન અનુસાર પ્રભુને વૈકુંઠ છોડીને બલીની સાથે તેનાં રાજ્યની રક્ષા હેતુ જવું પડ્યું, અને મા લક્ષ્મી વૈકુંઠમાં એકલા પડી ગયા. હવે પ્રભુને પરત વૈકુંઠમાં લાવવા તો કેમ લાવવા?
        ભગવાન નારાયણનાં પરમ ભક્ત એવા નારદે મા લક્ષ્મીને આ ઉપાય સુજાડ્યો અને એ અનુસાર શ્રાવણી પૂનમનાં દિવસે મા લક્ષ્મી બલીનાં ઘરે ગયા અને તેનાં કાંડે રાખડી બાંધી. હવે પરંપરા અનુસાર બહેન જ્યારે રાખડી બાંધે અને ભાઇ પાસે તે જે કંઇ માંગે તે આપવું તેવી પ્રથા છે. આ પ્રથા અનુસાર બલી એ જેવું કહ્યું કે માંગો… એવું તુરંત જ લક્ષ્મીજી એ ભગવાન નારાયણને એનાં વરદાનથી મુક્ત કરી દેવા એ અભયવચન માંગ્યું, અને બલી રાજાએ આપ્યું પણ ખરૂં. આમ વૈકુંઠમાં ફરીવાર નારાયણ અને લક્ષ્મીનો મીલાપ થયો.
        આ દિવસે બહેન ભાઇ પાસે ભાઇની શક્તિ અનુસાર જે કંઇ માંગે તે આપવું તે ભાઇનું પ્રથમ કર્તવ્ય બને છે. બહેનની રક્ષા કરવી અને જરૂર પડ્યે પોતાનું સર્વસ્વ બલીદાન કરવાની તૈયારી પણ રાખવી પડે.

યમ અને યમુનાની કથા અનુસાર…
        ભગવાન સૂર્ય નારાયણનાં પુત્ર એવા યમ અને પુત્રી એવી યમુનાની આ પૌરાણિક કથા અનુસાર, યમ જે મૃત્યુનાં દેવતા છે, તેનાં કાંડે જ્યારે તેમની બહેન એવી યમુના (ઉત્તર ભારતમાં વહેતી નદી) એ રાખડી બાંધી ત્યારે મૃત્યુનાં આ દેવતાએ પોતાની બહેનને સદા કાળનું અમરત્વનું વરદાન આપ્યું. સાથોસાથ એ પણ વરદાન આપ્યું કે જ કોઇ પુર્ણતઃ આસ્થા અને વિશ્વાસ સાથે આ તહેવારનું યોજન કરશે અને જે ભાઇ પોતાની બહેનની રક્ષા કરશે તેને તેઓ અમરત્વ આપશે.
        ભલે મૃત્યુનાં દેવ હોય, બહેનનાં પ્રાણ થોડા હરી શકે? બાપુ! ભલભલા ચમરબંધીઓ તો શું સ્વર્ગ લોકનાં દેવો પણ સ્ત્રી શક્તિ પાસે માથું નમાવતા હોય તો મારી અને તમારી શી વિસાત, દોસ્ત. આ શક્તિ જ્યારે કંઇ કરવા પર મક્કમ થઇ જાય ત્યારે કોનું ગજું છે કે આ શક્તિની હડફેટે ચડે?
        શાસ્ત્રો ખોલી ને જોઇ લો, જે જે હડફેટે ચડ્યા છે એનાં કેવા ફનાફાતિયાં થયાં છે. માટે મારા વહાલ વાચકમિત્રો અને સહેલીઓ, બહેન પણ આ જ શક્તિ ધરાવે છે. માટે તેને સાથે રાખો, તેની સંભાળ રાખો. તેને રાજી રાખો. ભાઇ-બીજ અને રક્ષાબંધન બંને તહેવારો બહેનોનાં છે. તેનો હક્ક છે તમારી પાસે કંઇ પણ માંગવાનો અને તમારી પહેલી ફરજ અને એકમાત્ર ફરજ એ છે તેની માંગણી પુરી કરવાનો.

ઇતિહાસ મુજબ…
        જ્યારે ગુજરાતનો સુલતાન બહાદુર શાહે ચિત્તોડ પર ચઢાઇ કરી ત્યારે ચિત્તોડનાં મહારાણાની વિધવા એવી રાણી કર્ણાવતી એ દિલ્હીનાં સુલતાન મુઘલ શહેનશાહ હુમાયુને ચિઠ્ઠી મોકલી સાથો સાથ એક રાખડી પણ મોકલી અને મદદ કરવાની માંગણી કરી.
        તાબડતોપ, બાદશાહ હુમાયુએ સૈન્ય બોલાવ્યું અને ચિત્તોડ તરફ કુચ કરી. પણ ક્યાં દિલ્હી અને ક્યાં ગુજરાત? બહાદુર શાહે ચિત્તોડનો કિલ્લો સર કર્યો અને રાણીને બંદી બનાવવા હેતુ કિલ્લામાં પ્રવેશ કર્યો. એક વાયકાનુસાર, એ સમયે રાણીનાં કિલ્લામાં અંદાજન ૧૩૦૦૦ સ્ત્રીઓ હતી. રાણી કર્ણાવતીએ બહાદુર શાહનાં હાથમાં આવીને અપમાનિત થવાને બદલે જૌહર પસંદ કર્યું.
        થોડા દિવસોમાં રાણીનો ધર્મનો ભાઇ બાદશાહ હુમાયુ ચિત્તોડ પહોંચ્યા અને બહાદુર શાહને લડાઇમાં હાર આપીને ચિત્તોડ પર ફરી રાણાઓનું રાજ લાવ્યા. રાણીનાં પુત્ર વિક્રમસિંઘને ગાદીનશીન કરીને પછી જ હુમાયુએ ચિત્તોડ છોડ્યું.
        આમ, આ તહેવાર હિન્દુ હોય કે મુસ્લિમ કે કોઇ પણ કોમ કે જાત હોય, જ્યારે કોઇ બહેન કોઇ પુરૂષનો ધર્મનો ભાઇ માને ત્યારે કોઇ જાત-પાત કે કોમ-જ્ઞાતિનાં વાડા નથી નડતા. તેઓ બસ ભાઇ-બહેન હોય છે.

ઇતિહાસની બીજી એક વાત અનુસાર…
        એલેક્ઝાન્ડર ધ ગ્રેટને જ્યારે પુરૂ રાજા સાથે લડાઇ કરી ત્યારે એલેક્ઝાન્ડરની પત્નીએ રાજા પુરૂને રાખડી મોકલી અને ધર્મનાં ભાઇ બનાવ્યા. રાખડી મોકલીને બહેને પોતાના પતિનો જીવ બક્ષી દેવાની માંગણી કરી જે લડાઇ દરમ્યાન જ્યારે એલેકઝાન્ડરને રાજા પુરૂ મારી શકે તેમ હતાં છતાંયે બહેનને આપેલ વચન અનુસાર જીવતો જવા દીધો.

આમ, શાસ્ત્રોમાં અને ઇતિહાસમાં રક્ષા બંધન નિમિત્તે ભાઇ બહેનની ઘણી વાતો ઉપલબ્ધ છે. ઇન્દ્ર દેવ અને રાણી શચીની તેમજ ભગવાન ગણેશ અને સંતોષીમાંની. એમ ઘણી ઘણી કથાઓ છે.
        આ દિવસે બલરામ જયંતિ પણ ઉજવવામાં આવે છે. પ્રભુ શ્રી કૃષ્ણનાં મોટાભાઇ એવા બલરામ પ્રભુનો જન્મ પણ શ્રાવણી પૂનમનાં દિવસે થયો હતો.

        આ દિવસને નારીયેળી પૂનમ પણ કહેવામાં આવે છે. આ દિવસે માછીમાર ભાઇઓ સહકુટુંબ દરિયાદેવ (વરૂણદેવ) પાસે જાય છે અને તેને નારીયેળ અર્પણ કરે છે, અને માછીમારી કરવા દરિયો ખેડે છે. નારિયેળ અર્પણ કરી તેઓ દરિયાદેવ પાસે પોતાની ખેપ સફળ થાય અને ખુબ મચ્છીનો પાક ઉતરે અને હેમખેમ પરત ફરે એવી પ્રાર્થના કરે છે. આ દિવસે મુંબઇનાં દરિયાકાંઠે જાણે કે નારીયેળની ભરતી થઇ હોય એટલા બધા નારીયેળ જોવા મળે છે.

આ દિવસને ભારતમાં અને નેપાળમાં જનોઇ પૂર્ણિમા તરીકે પણ કહેવામાં આવે છે. આ દિવસે વહેલી સવારમાં બ્રાહ્મણો અને ક્ષત્રિયો પોતપોતાની જનોઇ બદલે છે. આમ કરવા પાછળ વિધિ વિધાન એટલું જ કે જેમ જૂની જનોઇ ઉતારી એમ જે તે વ્યક્તિનાં ગયા વર્ષમાં થયેલાં તમામ પાપો પણ ઉતારી દે છે અને નવી જનોઇ સાથે ફરી પવિત્ર થઇ જાય છે. જનોઇ પૂર્ણિમા ઉત્તરાખંડમાં પણ ઉજવાય છે. જેને ત્યાંનાં સ્થાનિક રહેવાસીઓ ‘જન્યો પૂન્યુ’ કહે છે. ‘જન્યો’ એટલે જનોઇ કે જનોઉ અને ‘પૂન્યુ’ મતલબ પૂર્ણિમા. નેપાળમાં આ દિવસે ત્યાંનાં સ્થાનિક રહેવાસીઓ જાતજાતનાં ધાન્યથી બનાવેલું સૂપ જેને એ લોકો ‘ક્વાતિ’ કહે છે એ પીએ છે. ઉત્તરાખંડમાં આવેલ ચંપાવત નામનાં જીલ્લાનાં દેવીધુરા શહેરમા આ દિવસથી ‘બગવાલ’નો મેળો યોજાય છે.

ઓરીસ્સામાં આ દિવસને ‘ગમ્હા પૂર્ણીમા’ કહેવામાં આવે છે. આ દિવસે સૌ પોતપોતાનાં ઘરે મીઠાઇઓ બનાવે છે અને સગા-વહાલાં, મિત્રોમાં વહેંચે છે સાથોસાથ ગાયો-બળદોને સરસ રીતે શણગારે છે. વાયકા અનુસાર ભગવાન જગન્નાથ (કૃષ્ણ ભગવાન) અને રાધાજી આ દિવસોમાં શ્રાવણી એકાદશીથી પૂનમ સુધી એમ આ પાંચ દિવસ સુધી વરસાદી ઋતુનો આનંદ લે છે અને આ દિવસોમાં ભક્તો તેમને (ભગવાન શ્રી કૃષ્ણ અને રાધાજી) સુંદર રીતે મનમોહક આભૂષણો અને વસ્ત્રોમાં તૈયાર કરી હિંડોળા જુલાવે છે, જેને જુલન-યાત્રા પણ કહેવાય છે. આ જુલન યાત્રા, ઓરીસ્સા સિવાય બંગાળ, મધ્યપ્રદેશ અને ગુજરાતમાં ઉજવાય છે.

તો મિત્રો, તમને સૌને મારા તરફથી રક્ષાબંધનની ખુબ ખુબ શુભેચ્છા. પરમકૃપાળુ પરમાત્મા તમારો અને તમારી બહેનનો સંબંધ હંમેશા બનાવી રાખે. મોજથી અને હંમેશા હસતા હસતા આ દિવસને ઉજવો…


જય હો!
મારી બંને બહેનો (અશ્વિના અને કિર્તી)

15 comments:

  1. Superb Article as usual.

    ReplyDelete
    Replies
    1. Thanks a lot dear reader. Keep reading and keep posting. 'As usual'.

      Delete
  2. Nice Description of Rakhi.

    ReplyDelete
  3. દેવ માંજરીયા22 August 2013 at 21:41

    ખુબ સરસ માહિતી સભર.

    ReplyDelete
    Replies
    1. આભાર દેવ. વાંચતા રહેશો અને તમારા પ્રતિભાવો જણાવતા રહેશો.

      Delete
  4. રક્ષાબંધન પરનો લેખ ખુબ સરસ. પુરી માહીતી સાથે, પછી એ પુરાણકાળની હોય કે આદી-અનાદી કાળની. લોકોની ભાવનાઓને પુરી નિષ્ઠાથી વાચા આપી. અભિનંદન.

    ReplyDelete
    Replies
    1. રાજેશભાઇ, આજ મારૂં કામ છે અને આ કામને પુરી નિષ્ઠાથી કરી શકું એવી શક્તિ મને પ્રભુ આપે એવી પ્રાર્થના. તમારા પ્રતિભાવ બદલ ધન્યવાદ દોસ્ત.

      Delete
  5. મેઘ ખાગડ24 August 2013 at 12:40

    તમારા લેખમાં જે સ્ત્રી શક્તિ વિશે લખ્યું છે તે જાણી, વાંચીને આનંદ થયો. કુલ મળીને પુરો લેખ અને તમામ વર્ણનો સરસ છે. અભિનંદન.

    ReplyDelete
    Replies
    1. આભાર સિવાય તો શું કહું. આમે સ્ત્રી શક્તિને શક્તિ કહ્યા પછી વધુ તો કઈ કહી શકાય નહી, માટે ધન્યવાદ.

      Delete
  6. Superbly describe the whole informations.

    ReplyDelete
    Replies
    1. Thank a lot Mr. Gandhi for your valuable comment.

      Delete
  7. ભાવ-સ્નેહનું સતત સર્જન,

    અદકેરું બંધન, રક્ષાબંધન.

    રેશમનો તાર, એક અનોખો સાર,

    ભીંજાય એમાં આખો સંસાર.

    ReplyDelete
    Replies
    1. પ્રેમાળ સ્નેહનું સતત વહેતું ઝરણું એવા મારા મિત્રને ધન્યવાદ, અને અંતઃકરણથી આભાર.

      Delete
  8. Thank you dear. Keep reading and keep posting your comments. It makes me sharp.

    ReplyDelete