Monday 30 September 2013

સુભાષ ઘઇ... (Showman of Yesteryears???)

સુભાષ ઘઇઃ ૧૯૭૬ થી ૨૦૦૮ સુધી. (‘કાલિચરણથી યુવરાજ સુધી’)


        યુવાન સુભાષ ઘઇએ જ્યારે નિર્દેશનનાં ક્ષેત્રમાં પ્રવેશ કર્યો હતો ત્યારે મનમોહન દેસાઇ અને પ્રકાશ મહેરા અમિતાભ બચ્ચન સાથે એક પછી એક સફળ ફિલ્મોની વણથંભી વણઝાર લગાવેલી હતી. આ સમયમાં રાજ કપુર પોતાની શરતો પર પોતાની મનપસંદ ફિલ્મો બનાવી રહ્યા હતાં. સુભાષ ઘઇએ પુનાની ફિલ્મ ઇન્સ્ટીટ્યુટમાંથી તાલીમ લીધી હતી અને અભિનયમાં વિશેષ નિપુણતા મેળવી હતી. આમે, સુભાષ ઘઇની પહેલી પ્રાથમિકતા તો ફિલ્મોમાં અભિનય કરવાની જ હતી. પરંતુ કોઇ કારણોસર આ મહેચ્છા પુરી ન થઇ અને તેની ભરપાઇ સ્વરૂપ તેઓ તેમની દરેક ફિલ્મમાં કોઇને કોઇ રીતે એકાદ સીનમાં દેખા દે જ છે. પોતાની આ મનોરંજક શૈલીથી દર્શક રાજા વચ્ચે સુભાષ ઘઇ પોતાની એક અલગ ઓળખ બનાવી દે છે. (વાચકમિત્રો વધુ વિગત ફરી ક્યારેક)

        સુભાષ ઘઇ એક પ્રતિભાશાળી વિદ્યાર્થી હતાં એટલે તેમણે ભારતિય સિનેમાનો ઇતિહાસ પણ આત્મસાત્ કરેલો. તેઓ એ જાણતા હતાં કે પોતાની મૌલિક શૈલી વગર આ ફિલ્મી દુનિયામાં સ્થાન નહીં બનાવી શકાય. તેમની પહેલી ફિલ્મ ‘કાલીચરણ’ ૧૯૭૬ ની રજુઆતની તાજગીથી સ્વતંત્ર શૈલીનો વિકાસ શરૂ થયો. જેમાં એમણે એ સમયની હીટ જોડી શત્રુઘ્નસિંહા અને રીના રોયને લીધા. પરંતુ ‘શોલે’ની સફળતાએ બધાને આશ્ચર્યચકિત કરી દીધા. એ પછી સુભાષ ઘઇએ ફરી આજ જોડીને તેની ફિલ્મમાં રીપીટ કરી અને શત્રુઘ્નસિંહા-રીના રોય સાથે ૧૯૭૮માં ‘વિશ્વનાથ’  બનાવી. આ ફિલ્મે ઘઇને એક સફળ નિર્દેશકની હરોળમાં લાવી દીધા અને શત્રુઘ્નસિંહાની કેરીયરની પણ આ ફિલ્મ, કાલિચરણની સાથે એક વધુ હીટ ફિલ્મ રહી.

        ત્યારબાદ ૧૯૭૯માં ફરી પાછી આ ત્રિપુટી (સુભાષ ઘઇ, શત્રુઘ્ન સિન્હા અને રીના રોય) ‘ગૌતમ ગોવિંદા’ બનાવી. જે ટીકીટ બારી પર સુભાષ ઘઇની અગાઉની બન્ને ફિલ્મોની જેમ દેખાવ ન કરી શકી. મોટા સ્ટારની શિસ્તનાં અભાવને કારણે આ ફિલ્મનાં નિર્માણમાં ઘણો સમય લાગ્યો અને તેમણે અનુભવ્યું કે આ ફિલ્મમાં તેઓ પોતાની કલ્પના સાકાર ન કરી શક્યા. તેમણે એ પણ અનુભવ્યું કે સમાધાન વગર ફિલ્મ બનાવવા ખુદ નિર્માતા પણ બનવું પડશે. તેથી તેમણે પોતાની ફિલ્મ નિર્માણ કંપની ‘મુક્તા આર્ટ્સ’ ની સ્થાપના ૨૮મી ઓક્ટોબર ૧૯૭૮નાં રોજ કરી. એ પછી આવી ૧૯૮૦માં રીશી કપુર સાથે ‘કર્ઝ’. જે આજે પણ હિન્દી ફિલ્મોમાં એક સુપર ડુપર હિટ ફિલ્મ તરીકે ગણાય છે. આ ફિલ્મ સુભાષ ઘઇએ પોતાનાં બેનર હેઠળ બનાવી અને રાતોરાત સુભાષ ઘઇ અને મુક્તા આર્ટ્સ હિટ સુપર હિટ થઇ ગયા. આ ફિલ્મની સાથોસાથ સુભાષ ઘઇની ફિલ્મો બનાવવાની શૈલી પણ સ્પષ્ટ થવા લાગી.

        મોટા સ્ટારનાં વ્યવહારથી નારાજ સુભાષ ઘઇએ જેકી શ્રોફ અને મિનાક્ષી શૈષાદ્રી સાથે સુપર હીટ ફિલ્મ ‘હીરો’ ૧૯૮૩માં બનાવી. અત્યાર સુધીમાં સુભાષ ઘઇની તેમની પોતાની શૈલીનું સંગીત પણ સામે આવ્યું છે. તેમની ફિલ્મોમાં એક પાગલ ખલનાયક જેમ કે સર જ્હોન અને ડો. ડેંગનાં પાત્રોનો વિકાસ થયો. અતિષ્યોક્તિવાળા આ પાત્રોને દર્શક રાજાએ સ્વિકાર્યા. પોતાના નાયકની ક્ષમતાઓને ઉજાગર કરવા માટે તેમણે મજબુત ખલનાયક બનાવ્યા. સુભાષ ઘઇએ અમિતાભ બચ્ચન સાથે ૧૯૮૮માં ‘દેવા’ ફિલ્મ શરૂ કરી અને લખલૂટ ખર્ચ કર્યા પછી આ ફિલ્મને છેવટે પડતી મુકી. તથા નવા સાહસ અને હિંમત સાથે ૧૯૮૯ની સુપરહીટ ફિલ્મ ‘રામ લખન’ બનાવી.

        ‘પરદેશ’માં સુભાષ ઘઇ પોતાની ફિલ્મ બનાવવાની અને રજુઆતની શૈલીમાં પરિવર્તન લાવ્યા અને ડો. ડેંગ અને સર જ્હોનનાં પાત્રોમાંથી છૂટકારો લીધો. એક ફિલ્મ દિગ્દર્શક માટે આ એક સારી બાબત હતી. પરંતુ બોક્સ ઓફીસ પર આનાથી તેમને નુકસાન થયું. સુભાષ ઘઇથી તમામ શ્રેણીનાં દર્શક રાજા નારાજ થવા લાગ્યા અને ફિલ્મ ૧૯૯૯માં આવેલી ફિલ્મ ‘તાલ’માં તેઓ ફક્ત બાલ્કનીનાં દર્શકોનાં જ પસંદગીમાં રહ્યા.

        સુભાષ ઘઇની કંપનીને તેમની ૨૦૦૧માં આવેલી ફિલ્મ ‘યાદેં’ થી ફાયદો થયો પણ ફિલ્મનાં વિતરકોને નુકસાન ગયું. હવે સુભાષ ઘઇ પોતાની રીતે નવા પરિવર્તન સાથે ફિલ્મ ‘કિસ્ના’ લઇને દર્શક રાજાને રિજવવાનો પ્રયત્ન કરે છે. તેમની આ ફિલ્મનો નાયક વાંસળી પણ વગાડે છે અને હથીયાર પણ ચલાવે છે. સુભાષ ઘઇએ તેમની કારકિર્દીમાં પહેલી વાર એક જૂના કાળખંડની પૃષ્ઠભૂમી પર ફિલ્મ બનાવી રહ્યા હતાં. આ ફિલ્મ જ્યારે સ્વાતંત્ર્ય સંગ્રામ એનાં અંતિમ તબક્કામાં હતો ત્યારની કથાવસ્તુ ધરાવતી ફિલ્મ હતી. સુભાષ ઘઇએ તેમની શૈલીમાં પ્રથમ વખત કથામાં ધર્મનો સમાવેશ કર્યો છે અને આધ્યાત્મનો સમાવેશ પણ કર્યો છે. તેમ છતાં આ એક પ્રેમકથા બની રહે તે રીતે ફિલ્મ screenplay માં કહેવામાં આવી છે. દેશપ્રેમની સાથે માનવતાનો નિર્વાહ કરતાં કરતાં ફિલ્મનાં નાયકને યુધ્ધ પણ કરવું પડે છે. પરંતુ આ ફિલ્મનો નાયક વિજેતાનાં અહંકારથી મુક્ત છે અને તેને પરાજયનો ભય નથી.

        ‘કાલિચરણ’ થી ‘યુવરાજ’ સુધી સુભાષ ઘઇનો આ અઢારમો પ્રયાસ છે. આ દરમ્યાન તેમનાં બેનર ‘મુક્તા આર્ટસ’ ની નીચે ઘણાં નવા અને પ્રતિભાશાળી નિર્દેશકોને તક આપવામાં આવી અને ઘણી ફિલ્મો નિર્માણ કરી. હાં! આ કાળક્રમમાં તેમણે ૧૯૭૬માં બનાવેલી પહેલી ફિલ્મ ‘કાલિચરણ’ થી લઇને ૨૦૦૮માં આવેલી ફિલ્મ ‘યુવરાજ’ સુધીમાં તેમની ૩૨ વર્ષની સુદીર્ઘ કારકિર્દીમાં ફિલ્મો બનાવવાની તેમની શૈલીમાં અને ફિલ્મોનાં સંગીતમાં ખુબ મોટો ફેરફાર કર્યો છે.

        આજે ભારતિય સિનેમા જગતમાં સ્વ. યશ ચોપડા -  આદિત્ય ચોપડાનું યશરાજ બેનર, કરણ જોહરનું ધર્મા પ્રોડક્શન બેનર અને રાકેશ રોશનનું ફિલ્મ ક્રાફ્ટ પ્રા. લી. બેનર ટોપ પર છે. જે કાળખંડમાં કે સમયમાં આ ચારેય ફિલ્મ નિર્માતા-દિગ્દર્શકો ટોચ પર પહોંચ્યા તે કાળખંડમાં સુભાષ ઘઇએ તેમનું સ્થાન ગુમાવ્યું છે. યશ ચોપડાએ હંમેશા સુપરસ્ટારો સાથે તેમની મોટા ભાગની ફિલ્મો બનાવી છે. રાજેશ ખન્ના (દાગ) થી લઇને શાહરૂખ ખાન (જબ તક હૈ જાન) સુધી. પરંતુ સુભાષ ઘઇ ક્યારેય સ્ટાર પર આધારિત રહ્યા નથી. તેમણે તે સમયનાં ફ્લોપ એક્ટર્સ – કલાકારો જેમકે જેકી શ્રોફ અને મિનાક્ષી શૈશાદ્રી સાથે સુપર હિટ ‘હિરો’ બનાવી. તેમણે બદનામ સંજય દત્તને લઇને ‘ખલનાયક, ત્રિમૂર્તી’ બનાવી. એશ્વર્યા રાય સાથે નિષ્ફળ અક્ષય ખન્નને લઇને ‘તાલ’ બનાવી. વિવેક ઓબેરોય સાથે ખુબ ખર્ચાળ ‘કિસ્ના’ બનાવી. તો ‘યુવરાજ’ માં આજનાં પ્રમાણમાં સાવ નિષ્ફળ એવી કેટરીના કૈફ અને ઝાયેદ ખાન સાથે બનાવી.

        સુભાષ ઘઇએ એમની પુરી કારકિર્દી દરમ્યાન સૌથી વધુ ફિલ્મો જેકી શ્રોફ અને અનિલ કપુર સાથે બનાવી. જે અંગત જીવનમાં તેમનાં ખુબ નજીકનાં ગાઢ મિત્રો પણ છે. એક સાચો ફિલ્મ નિર્માતા-દિગ્દર્શક પોતાની પ્રતિભા પર ભરોસો રાખીને સ્ટારનાં સહારા વગર સફળ ફિલ્મ બનાવી શકે છે, આ વાત સુભાષ ઘઇએ પોતાની સફળતા સાથે સાબિત કરી દીધી છે. સુભાષ ઘઇને રાજ કપુર બાદ સિનેમા જગતનાં ‘શો મેન’ નું બિરૂદ મળેલું છે.

        હવે ફરી આ શો મેન ને કેમેરા પાછળ જવાનો મોકો મળ્યો છે અને સુભાષ ઘઇ ટૂંક સમયમાં  લાવે છે ફિલ્મ ‘કાંચી’. જોઇએ સુભાષ ઘઇ, ધ શો મેન નો આ શો કેવો સફળ નિવડે છે. અત્યારે સુભાષ ઘઇને શુભેચ્છા.


સ્ટ્રેટ ડ્રાઇવઃ    સુભાષ ઘઇને ક્રેઇન પર ઝુલવુ બહુ ગમતું હોવું જોઇએ. કા.કે તેઓ હંમેશ તેમનાં શોટ આ રીતે જ ક્રેઇન પર ઊંચેથી શોટ સેટ કરીને નીચે સુધી ક્યારેક તો ૫૦ મી. ઊંચે છેકથી ક્રેઇન સાથે કેમેરો આર્ટીસ્ટનાં ક્લોઝ અપ પર સેટ કરે છે. ક્યારેક સુભાષ ઘઇની કોઇ પણ ફિલ્મ ધ્યાન થી જો જો. આ એંગલ સમજાઇ જશે.

Wednesday 25 September 2013

વાસ્તવિકતા સ્વિકારો…

સંત કબીર
આચાર્ય રજનીશ

        કબીર વિશે સર્જનાત્મક ચિંતન જેટલું આચાર્ય રજનીશે કરેલું છે તેટલું ભાગ્યે જ કોઇએ કરેલું હશે. આચાર્ય રજનીશ મુલ્લા નસરૂદ્દિનની કથા કહે છે. તેનાં વિનોદ માટે નહીં, પણ તેમાંથી પણ કોઇ મર્મ સમજાવવા. એવી એક કથા જે મને ખુબ ગમી ગઇ છે.


        મુલ્લા નસરૂદ્દિન ટ્રેનમાં પ્રવાસ કરી રહ્યા હતાં. ટિકિટ ક્લેક્ટ્રર આવ્યો. તેમણે ટીકીટ માંગી. મુલ્લાએ ખિસ્સાં જોયાં, સામાન ખોલીને જોયું પણ ટીકીટ ક્યાંય મળી નહીં. મુલ્લાનો ચહેરો પસીનો પસીનો થઇ ગયો. આ જોઇને ટીકીટ કલેક્ટરે મુલ્લાને કહ્યું કે, ‘ભાઇ અમે બધાં ખિસ્સા જોયાં પણ આ એક ખિસ્સું તો જોયુમ જ નથી. કદાચ તેમાં તમારી ટીકીટ હશે.’

        મુલ્લાએ કહ્યું, ‘તમે મહેરબાને કરી એ ખિસ્સાની વાત ન કરો. હું એ જોવાનો નથી. એ મારી એકમાત્ર આશા છે. જો હું એ ખિસ્સું જૌં અને તેમાં ટીકીટ ન મળે તો ટિકિટ નથી જ એની મને ખાતરી થઇ જાય. એ ખિસ્સાને નથી જોવું. એ મારી સલામતી માટેનું ખિસ્સું છે. ટિકિટ કદાચ એ ખિસ્સામાં હશે એવી હું આશા રાખી શકું. એટલે હું એ ખિસ્સાને અડકીશ પણ નહીં. ટિકિટ મળે કે ન મળે પણ એ ખિસ્સાને હું જોવાનો નથી.’

        વાત હસી કાઢવા જેવી નથી. ઘણીવાર આપણે આ જ કરતાં હોઇએ છીએ. સ્થૂળ રીતે નહીં તો સૂક્ષ્મ રીતે પણ આ રીતે જ વર્તતા હોઇએ છીએ. ક્યારેક કોઇ દિવસ આપણે ધારીએ છીએ તે થશે એવી આશામાં જિંદગીની એક પછી એક જિવાતી ક્ષણ ફંફોસતા રહીએ છીએ. જે ઇચ્છીએ છીએ એ અશક્ય છે, પ્રાપ્ત થાય એમ નથી, એ સ્વિકારી લઇએ તો એ ક્ષણ પુરતું દુઃખ થાય, પણ પછીની ક્ષણો તો આનંદમાં જ વીતે. પરંતુ સત્ય સ્વિકારવાની તૈયારી ન હોય, એટલા માટે બધી જ ક્ષણોને વેડફી નાંખીએ છીએ.

        આપણે સંપૂર્ણતાનું સ્વપ્ન જોઇએ છીએ. ડગલે ને પગલે આપણી પોતાની અપૂર્ણતા એ સ્વપ્નમાંથી ચોંકાવીને જગાડી મૂકે છે. સંપૂર્ણતા શક્ય જ નથી, એ સ્વિકારી લઇએ તો સ્વપ્ન ચૂર થઇ જાય, પણ સતત અનુભવાતી વ્યથામાંથી તો મૂક્તિ મળે જ. સંપૂર્ણતા માટેનાં હવાતિયાં મારવાને બદલે અપૂર્ણતાનું સૌંદર્ય જોવાની દ્રષ્ટિ જગે.

        ઇશ્વરનાં નરી આંખે દર્શન કરવાં છે. એમ માની તપ, વ્રત, નિયમ, કરતાં એક સાધુને કોઇ સિદ્ધ મળી ગયા. એમણે એમને કહ્યું કે, ‘ભાઇ, આ બધું કરીને તો ક્યારેક સાક્ષાત્કાર થશે તો પણ ઇશ્વરને નરી આંખે જોઇ શકાય એટલું તેજ પણ નહીં સાચવી શકે. ઇશ્વરનાં નરી આંખે દર્શન અશક્ય છે. એનાં બદલે તું જે કંઇ જુએ એમાં ઇશ્વરનો અંશ શોધવાનો પ્રયત્ન કર.’

        એ જ ક્ષણે એ સાધુને લાગ્યું કે આ શબ્દોમાં જ ઇશ્વરનો અંશ છે. એ સિદ્ધ પુરૂષ તો ત્યાંથી ચાલ્યા ગયેલા. પછી એ સાધુએ તેની આસપાસ નજર કરી. તો એને ખબર પડી કે અનુભવ થયો કે એ જ્યારે તપસ્યામાં હતો ત્યારે ક્યારે વસંત આવી અને ચાલી ગઇ એની ખબર પણ નહોતી પડી. ક્યારે વર્ષાઋતુ આવી અને ચાલી ગઇ એનો અનુભવ પણ નહોતો થયો. પરંતુ હવે? દ્રષ્ટિ બદલી એટલે સૃષ્ટિ પણ બદલી. આસપાસ પથરાયેલા લીલાછમ વાતાવરણમાં એને ઇશ્વરનો અંશ દેખાયો, પ્રફુલ્લિત ફુલોમાં, વનરાજીમાં ભગવાનનો સ્પર્શ થયો. નદીનાં વહેતાં પ્રવાહમાં અને એનાં ખળખળ વહેતાં નાદમાં દૈવી ગતિ હતી.

        અત્યાર સુધી એ ઇચ્છતો કે કોઇ મળવા આવે ને ‘હું ઇશ્વર છું’ એમ કહીને તેની સામે ઊભા રહે. દેહધારી, વિચિત્ર વેશભૂષાધારી ઇશ્વરની એને અપેક્ષા હતી.. ઇશ્વર બધે છે એ વાતનો એને ખ્યાલ જ ન હતો. ઇશ્વરનાં નરી આંખે સાક્ષાત્કાર નહીં જ થાય એવું પેલા સિદ્ધ પુરૂષે કહ્યું ત્યારે તો એ હતાશ થઇ ગયો હતો. ‘મારી બધી જ સાધના વ્યર્થ ગઇ, એળે ગઇ…’ એવો વસવસો અનુભવતો હતો. પણ પછી જ્યારે સત્ય સમજાયું કે કશું એળે નથી જતું. જે ગુમાવ્યું છે તે ત્યાં હોઇ શકે એવી સંભાવના કે આશા રાખી શકાય એ માટે એક ખિસ્સું જોયા વિનાનું રાખે એ કરતાં એ ખિસ્સું જોઇ લે અને પોતે કશુંક ગુમાવી જ દીધું છે તેની ખાતરી થાય, તો કદાચ નવ-પ્રાપ્તિની કેડી મળે.

        આપણી આ તૈયારી નથી.

        છેલ્લી આશાનું સ્વપ્ન ગમે  તેવું છે. કવિઓ પણ ગાતા હોય છેઃ
કઇ લાખો નિરાશામાં, અમર આશા છુપાઇ છે.

એક અંધેરા લાખ સિતારે…

        અંધકાર પછી સવાર ઊગવાનું જ છે, એવી પ્રતિતિમાં અંધકારને માણી શકાતો નથી. પાનખર પછી વસંત આવશે જ એનાં વિચારમાં પાનખર આવીને વહી ગઇ એની પણ કલ્પના નથી રહેતી.

        હમણાં એક મિત્રે પૂછ્યું, ‘તબિયત કેમ છે?’

        ‘સારી’ મેં કહ્યું.

        અંગત મિત્ર હતાં. એટલે મારા જવાબને સપાટી પરથી એમણે ન સ્વિકારી લીધો. આગળ પુછ્યું.
        ‘કંઇ તકલીફ તો નથી ને હવે?’

        હવે જવાબ આપવો જ પડ્યો.

        ‘તકલીફ તો છે જ. માત્ર હવે એ સહન કરતાં શરીર ટેવાઇ ગયું છે.’


        અંધકાર તો છે જ. એમ સ્વિકારી લઇએ તો અંધકારનું સૌંદર્ય આપણી સમક્ષ પ્રગટ થાય છે. સવારની રાહ જોતાં હોઇએ ત્યાં સુધી અંધકાર પોતાનાં સૌંદર્યને પડદા પાછળ ઢાંકી રાખે છે. મુલ્લા નસરૂદ્દિનનાં ‘એકમાત્ર આશા’ જેવા ખિસ્સાની જેમ…

Friday 20 September 2013

નિષ્પ્રાણ અને નિરસ જીવનમાં આવી જીવંત અને મેઘધનુષી સવાર...


        આખરે તેત્રીસ વર્ષની, ભીતરમાં પડેલી સ્ત્રીએ બળવો પોકાર્યો અને વૈશાલીએ પીસ્તાલીસ વર્ષનાં સુકુમાર સિન્હા સાથે લગ્ન કરી લીધા.

        વૈશાલી બી.કોમ. થયેલી. રાષ્ટ્રીયકૃત બેંકમાં સર્વિસ કરતી સુંદર, સૌમ્ય અને સંસ્કારી યુવતી હતી. એક સ્ત્રી માટે અલબત્તા મોટી કહી શકાય એવી તેત્રીસ વર્ષ સુધી લગ્ન ન થઇ શકે એવી કોઇ ખોટ વૈશાલીમાં નહોતી.

        વૈશાલી ધારત તો બાવીસ-ચોવીસ વર્ષની ઉંમરે એની મિત્રો, સંગીતા, છાયા, શીતલ, પ્રિતીની જેમ દેશ વિદેશમાં પરણી જઇ સંસાર વસાવી, એકાદ – બે સંતાનોની માતા બની સ્ત્રીનો જન્મસિધ્ધ અધિકાર છે એવો સંસાર વસાવી શકી હોત, પણ…?

        વૈશાલીનાં મનમાં લગ્ન વિશે બાળપણથી જ પૂર્વાગ્રહનું કોચલું બંધાઇ ગયું હતું. પૂર્વાગ્રહનું નિમિત્ત હતાં, તેનાં માતા-પિતા. જેમની વચ્ચે દર બીજા-ત્રીજા દિવસે થતો કલહ કંકાસ અને રાડારાડ. વૈશાલી થોડી સમજુ થતાં જ જોયું કે માતા-પિતા સતત ઝઘડતા હતાં. તેનાં પપ્પા એની મમ્મીને તમાચા મારતાં હતાં. મમ્મી ચીસો પાડી રડતી. વિરોધાભાસ એ હતો કે બંને જણાં વચ્ચે સમજનું બાર ગાઉનું છેટું હતું છતાંયે બંને જણાં વૈશાલી પર પોતાનો પ્રેમ વરસાવવામાં ક્યારેય કોઇ કસર છોડતા નહીં. બસ એમને બંને ને પરસ્પર બનતું નહોતું. આમ, છતાંયે વૈશાલીનાં દિલોદિમાગમાં એક હબક પેસી ગઇ હ્તી. ‘પુરૂષ મારે, સ્ત્રી માર ખાય અને ડુસકાં ભરે. શો અર્થ આ લગ્ન નો?’

        વૈશાલી કોલેજમાં દાખલ થઇ.

        બાળપણથી જ સુંદર એવી વૈશાલીએ યૌવનની લીસી અને લપસણી ધરતી પર પગ મુકતાં તેની રૂપની વસંત ખીલી ઉઠી. ઘરમાં પ્રવેશતાં જ વૈશાલી મા-બાપનાં ઝઘડાથી ત્રાસી ઉઠતી, કોલેજ તેને માટે એ ત્રાસથી મુક્તિનું ધામ બની ગયું. આમ દિવસો વિતવા લાગ્યા. એક દિવસ વૈશાલી પાસે એક યુવાન આવ્યો.

        ‘વૈશાલી, એક રીક્વેસ્ટ કરવાની છે. મારૂં નામ પંકજ છે, હું જી.એસ. નો ઇલેક્શન લડવાનો છું. તમે અમારી પેનલ તરફથી લેડીઝ રીપ્રેઝેન્ટેટીવ તરીકે ઊભા રહો. તમે ચોક્કસ જીતી જશો. તમને જીતાડવા મારી ફરજ બની રહેશે.’

        ‘પણ…………………………. મારી ઇચ્છા નથી.’

        ‘જુઓ, તમને જીતાડવાની અમારી ફરજ બની રહેશે. બીજું કાર્ડ છપાવવાનો તેમજ બીજો ખાણી-પીણીનો ખર્ચ પણ હું કરી લઇશ. એ અંગે તમે નિશ્ચિત રહેજો.’

        જીવનની એકવિધતામાં નવો અનુભવ મેળવવા વૈશાલીએ ‘હા’ પાડી.

        જોરશોરથી બંને પેનલનો પ્રચાર શરૂ થયો. વૈશાલી, પંકજની પેનલમાંથી વિજેતા બની. પંકજની પેનલે એકાદ અપવાદ સિવાય વિજય પ્રાપ્ત કર્યો અને પંકજ કોલેજનો જી.એસ. બની ગયો. પૈસાદાર મા-બાપનો દિકરો હોવાથી પંકજે એની પેનલનાં વિજેતા ઉમેદવારોને એક ભવ્ય હોટેલમાં જોરદાર પાર્ટી આપી. મોજમજા કરી, નાચી ગાઇ ખાઇ પી ને લહેર કરીને સૌ છુટા પડ્યા.

        વૈશાલી, પંકજ પ્રત્યે આકર્ષાઇ ચુકી હતી. ‘બધા જ પુરૂષો એનાં પપ્પા જેવાં ક્રુર નથી હોતાં અને બધી જ સ્ત્રીઓ એની મમ્મીની જેમ દુઃખી અને બીચારી નથી હોતી.’ મનને સમજાવી, ઘરનાં આ કજીયા-કંકાસભર્યા વાતાવરણમાંથી છુટવા વૈશાલીએ યોગ્ય સમયે પ્રેમનો અને લગ્નનો પ્રસ્તાવ પંકજ સામે મુકવાનું નક્કી કર્યું. પણ……! હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતો અને મુળ ગામડામાં રહેતો પંકજ બી.કોમ. ની પરીક્ષા આપી ઘેર ચાલ્યો ગયો. વૈશાલીનું સપનું તૂટી ગયું. માંડ માંડ ઓગાળી નાંખેલા પુર્વગ્રહે ફરી પાછો મનનો કબજો લીધો.

        વૈશાલીની મમ્મી વૈશાલી બી.કોમ થઇ ત્યાં સુધીમાં જ્ઞાતિનાં અને ભાણે ખપતી જ્ઞાતિનાં પણ અનેક છોકરાઓ બતાવવા માંડ્યા, પણ વૈશાલી દરેકને ‘ના’ જ ભણતી રહી. તે સમયે બેંકની નોકરીઓમાં ભરતી ચાલુ હતી. વૈશાલીને નેશનલાઇઝ્ડ બેંકમાં નોકરી મળી ગઇ.

        વૈશાલીની મમ્મી વૈશાલીને ખુબ સમજાવતી કે, ‘સર્વિસ અને પ્રવૃત્તિઓનાં આધારે સમસ્ત જીવન ગાળી શકાતું નથી. વર્ષો વીતતાં જુવાની બળવો કરશે અને લગ્નની ઝંખના થશે ત્યારે એ ઉંમરે યોગ્ય પાત્ર મળવું મુશ્કેલ બનશે. હજુ મોડું થયું નથી. અમે હયાત છીએ ત્યાં સુધીમાં ક્યાંક ઠેકાણે પડી જા તો અમારા જીવને શાંતિ.’ સામે વૈશાલી દલીલ કરતી કે, ‘લગ્નની ઇચ્છા જ થતી નથી, ઝંખના જ થતી નથી, પછી કોઇને મળવાનો કે કોઇનો ઇન્ટરવ્યુ લેવાનો શો અર્થ? પીળા પડી ગયેલા પાંદડાઓ પર પાણી છાંટવાથી કંઇએ લીલા થોડા થવાનાં?

        આમને આમ સમય વહેવા લાગ્યો…..

        એક સંબંધીનાં પ્રસંગમાંથી પરત આવતાં વૈશાલીનાં માતા-પિતાનું ગમખ્વાર કાર અકસ્માતમાં મૃત્યુ થયું. વૈશાલી સાવ એકલી પડી ગઇ. જે ઘર મા-બાપનાં કંકાસથી પણ ગાજતું લાગતું ત્યાં ચીર શાંતિનો વાસ હતો હવે. ક્યારેક વૈશાલીને એમ પણ થતું કે ભલે પુરો દિવસ ઝઘડતા – અવાજો કરતાં, બુમો પાડતાં પણ માતા-પિતાની હયાતી દરમ્યાન આ ઘર ભરેલું હતું હવે તો એક ઘોર સન્નાટો અને સુનકાર છવાઇ ગયો છે પુરા ઘરમાં.

        બેંકની નોકરી હતી એટલો સમય ટેન્શન વગર પસાર થઇ જતો. સાથી કર્મચારીઓ સારા હતાં. એટલે વૈશાલીને નોકરી દરમ્યાન એની એકલતા ભૂલાઇ જતી. એમાં પણ હેડ ઓફિસમાંથી બદલી થઇ પ્રૌઢ ઉંમરનાં મેનેજર સુકુમાર સિન્હા પણ નવા નવા ઓફિસમાં આવેલાં. વૈશાલીનાં હેડ હતાં પણ સાલસ સ્વભાવ અને મળતાવડા હોવાને કારણે થોડા જ સમયમાં ઓફિસમાં સૌના પ્રિય બની રહ્યા.

        વૈશાલી સાંજે ઘરે આવે, સવારે બે ટાઇમનું બનાવેલી રસોઇ ગ્રમ કરી રાતે જમી લેતી. એકલા એકલા જમવામાં પણ મજા નહોતી આવતી. મોડી રાત સુધી ટીવી જોતી, વાંચતી પણ મનને કાંઇ ચેન પડતું નહોતું. ‘કશુંક ખૂટી રહ્યું છે એવો અજંપો સતત મનને કોર્યા કરતો. વૈશાલી પણ એક સમજ્દાર યુવતી હતી અને સમજતી હતી કે આ વધી રહેલી આયુનો અણસાર છે, અજંપો છે, ખાલીપો છે અને જરૂરીયાત છે.

        બત્રીસી વટાવી ગયા પછી વૈશાલી ધીંગામસ્તી કરતાં યુગલોને જોતી, કે ફિલ્મોમાં કે ટીવીમાં આવતાં ઉત્કટ પ્રણયનાં દ્રશ્યો જોતી ત્યારે તેને પણ અનુભવાતું કે તે તેને શેની અતૃપ્તિ છે? દિવસે દિવસે આ એકલતા અને અતૃપ્તિ વધવા લાગ્યા. વૈશાલીને લાગ્યું કે કોઇ યોગ્ય સાથીની અને એનાં સહવાસની એને તાતી જરૂરીયાત છે. આ જરૂરીયાત તો માત્ર લગ્નથી જ પુરી થઇ શકે એમ છે. વૈશાલીએ જીવનસાથીને શોધવા આસપાસ નજર દોડાવી.

        તેંત્રીસ-પાંત્રીસ-સાડત્રીસ નો કોઇ પણ સુશીક્ષીત પુરૂષ અને મારી સાથે શોભે એવો મળે કે તરત જ પરણી જવું છે. જેથી એકલતા અને અતૃપ્તિનાં આ દાવાનળને શાંત કરી શકાય. જીવનમાં આનંદનો આવિષ્કાર થાય અને મારા આ એકલતાનાં વૃક્ષ પર ફરી વાસંત મ્હોરી ઉઠે.

        વૈશાલી કોઇ મોલમાં શોપીંગ કરવા ગઇ હોય દરમિયાન કોલેજમાં સાથે ભણતા મિત્રો મળી જાય તો તેમની ખુશહાલ ઝીંદગી જોઇ તેનાંથી પોતાની આ હાલત પર નિસાસો નખાઇ જતો. ‘ઢળતી યુવાનીને યોગ્ય જીવનસાથી મળશે કે પછી બાકીનું જીવન આમ જ એકલતા અને અતૃપ્તિનાં વલવલાટમાં પુરૂ થશે?

        વૈશાલીએ ‘લગ્નવિષયક’ જાહેરાતો જોવા માંડી. મોટી ઉંમરનો કોઇ વિધૂર હોય, કોઇ ડિવોર્સી ભલે હોય. આમ કરતાં કરતાં એક દિવસ તેની નજર એક જાહેરાત પર પડી, ‘યોગ્ય પાત્રની તલાશમાં અપરણિત રહેલાં, બેંકમાં ઉચ્ચ હોદ્દો ધરાવતા પિસ્તાલીસ વર્ષનાં અને સાધન સંપન્ન પુરૂષને યોગુઅ જીવનસાથીની જરૂર છે. જ્ઞાતિબાધ નથી.’

        વૈશાલીને લાગ્યું કે આ જાહેરાત જાણે એનાં માટે જ આવેલી. પોતાનાં જ ક્ષેત્રનો વ્યક્તિ છે. પોતાનાંથી બાર વર્ષ મોટો છે પણ અરજી કરવામાં શો વાંધો છે. વૈશાલીએ પોતાનાં બાયોડેટા સહિત જાહેરાતમાં જણાવેલ સરનામા પર અરજી કરી દીધી. થાય તો ઠીક છે. જીવનમાં પહેલા વાર જ આ રીતે કોઇ પુરૂષને મળવાનું થશે, અને એ અરજીનાં જવાબની રાહ જોવા લાગી.

        એક દિવસ વૈશાલી બેંકમાંથી છૂટીને ઘરે જવા બસસ્ટેન્ડ પર ઊભી હતી, ત્યાં એક કાર અટકી અને સિન્હા સાહેબ ઉતરી વૈશાલી પાસે આવ્યા. ‘વૈશાલી, મારે તમારી સાથે એક અગત્યની વાત કરવાની છે. જો વાંધો ન હોય તો હું તમારી સાથે તમારા ઘરે આવું’ પોતાનાં બોસ અને હેડની આવી નિખાલસ છતાંય સજ્જ્નતા વૈશાલીને સ્પર્શી ગઇ, અને તેમની સાથે ઘરે આવવા એમની જ કારમાં બેસી ગઇ. બંને ઘરે આવ્યા. વૈશાલીએ સિન્હા સાહેબને પાણી આપ્યું, પછી પોતે સામેનાં સોફા પર બેસી ગઇ.

        થોડીવારમાં સિન્હા સાહેબે વૈશાલીને એક કાગળ આપ્યો, આ એજ અરજી હતી જે વૈશાલીએ લગ્ન વિષયક જાહેરાત વાંચીને કરેલી. વૈશાલી શરમાઇ ગઇને કહ્યું કે, ‘મેં તમને મારો બાયોડેટા મોકલેલો?’ સાહેબે સંમતિ સુચક માથું હલાવીને હ્ળવે અવાજે પુછ્યું કે, ‘આપણે એકબીજાને ઓળખીયે છીએ. તમારો શો ઉત્તર છે?’

        મારી ‘હા’ છે, વૈશાલીએ તુરંત જ જવાબ આપ્યો.

        આખરે તેત્રીસ વર્ષની વૈશાલી અને પિસ્તાલીસ વર્ષનાં સુકુમાર સિન્હા બેઉં લગ્નગ્રંથીથી જોડાઇ ગયા. વૈશાલીની એકલતા અને અતૃપ્તિ ઓગળી ગયા અને ઢળતા યૌવનની આથમતી સાંજે વૈશાલીનાં જીવનમાં સહજીવનની વસંત ખીલી ઉઠી અને તેનું જીવન આનંદનાં સુર્યથી ઝળહળી ઉઠ્યું.

Sunday 15 September 2013

મૈં આઝાદ હું... (Part - 2)

વાર્તા કંઇક આવી છે.


રાજનગર શહેરનાં એક અખબારનાં માલિક ગોકુલચંદ (મનોહર સીંઘ)ને એનાં અખબારનાં જોર પર હાલની સરકારને ઉથલાવીને શક્ય હોય તો પોતાને મુખ્યમંત્રી બનવાનાં સપના હોય છે. પણ એનું અખબાર જોઇએ એટલી સનસનીખેજ સ્ટોરી, કૌભાંડો કે એવી કોઇ મસાલેદાર વાતો કે ઘટનાઓ ધરાવતું ન હોય તેનું સરક્યુલેશન ઓછું છે જે કોઇપણ ભોગે વધવું જોઇએ. ખર્ચ ઓછા કરવા માટે તંત્રીનાં અભિપ્રાયનાં આધારે સ્ટાફનાં અમુક લોકોને છુટા કરવા, એમ નક્કી કરવામાં આવે છે. આ બધામાં સ્ટાફમાં કામ કરતી સુભાષિની પણ હોય છે, જે પોતાનાં તેજાબી અને નેતાઓની ગંદી મીલીભગત અને ખુરસી બચાવવા ખેલતા ગંદા રાજકારણને પોતાનાં વિવાદી લખાણો દ્વારા ખુલ્લા પાડતી હોય છે એને પણ છુટી કરવામાં આવે છે. આ વાતની જાણ થતાં તે પોતાનો છેલ્લો લેખ આ અખબાર માટે લખે છે જેમાં એક એવા કાલ્પનિક પાત્ર ‘આઝાદ’ – ગરીબો કા મસીહા, ને જન્મ આપે છે કે જે નેતાઓને ખુલ્લેઆમ પડકારીને તેનાં તમામ કાળા કામોને જનતાની સમક્ષ લાવશે સાથો સાથ તેની થોડી માંગો પણ છે, સરકાર સામે, આ ભ્રષ્ટ એવી સમાજ વ્યવસ્થાનાં બની બેઠેલા ઠેકેદારો પાસે, અને જો તેની માંગણીઓ નહીં સંતોષાય તો તે શહેરની નવી બની રહેલી ૩૦ માળની બિલ્ડીંગ પરથી ૨૬ જાન્યુઆરીનાં ગણતંત્ર દિવસે કુદીને આત્મહત્યા કરશે. તેવી જાણ કરતો પત્ર આઝાદે તેને લખ્યો છે એમ લખે છે. આ વાંચીને રાતોરાત જનતા આઝાદ કોણ છે અને શું શું કરશે એવી ઉત્કંઠાથી અખબારને પત્રો દ્વારા અને ફોન દ્વારા પુછે છે. આમ, રાતોરાત આઝાદ લોકોમાં લોકપ્રિય થઇ જાય છે અને આ ઘટનાને કારણે ગોકુલચંદનું અખબાર લોકોમાં લોકપ્રિય થતાં તેનું સરક્યુલેશન વધે છે. જેને કારણે સુભાષિની ગોકુલચંદની નજરમાં આવે છે અને તેને છુટી કરવામાં નથી આવતી.

પછી શરૂ થાય છે એવા પાત્રની શોધ જે આઝાદ જેવો લાગે અને તે આ ગામનો ન હોય, લોકો તેને ઓળખતા ન હોય અને જે થોડા રૂપિયા કમાવા માટે ગોકુલચંદ અને સુભાષિની જે બોલવાનું કહે અને જે કરવાનું કહે તે બોલે પણ અને કરે પણ. સુભાષિનીની શોધ છેવટે, અમિતાભ પર પુરી થાય છે જે એક બેકાર, ફટીચર, ખાનાબદોશ, નિર્ધન અને મુફલિસ જેવો માણસ હોય છે. જેની પાસે ટ્રેનમાં ટીકીટ લેવાનાં પૈસા પણ નથી. એવા આ વ્યક્તિને થોડા રૂપિયાની લાલચમાં સુભાષિની ‘આઝાદ’ બનવા માટે મનાવી લે છે.

આઝાદ એ જ કહે છે જે લોકો અનુભવે છે, જેમાં લોકો પીસાતા હોય છે, અન્યાય. પણ એકલા નિડર બનીને ઉભા રહેવાની અને સામનો કરવાની હિંમત નથી. આવા લોકોનો અવાજ બને છે આઝાદ અને જેવો એ લોકોની સામે આવે છે રાતોરાત લોકપ્રિયતાની ટોચે પહોંચે છે અને ગોકુલચંદ એ વાત ખુબ સારી રીતે સમજતો હોય છે કે એક વાર જનતા તેની સાથે થઇ ગઇ કે જનતાનો કોઇ નાયક કે નેતા તેની સાથે થઇ ગયો. ત્યારે અત્યારની સરકારને ઉથલાવીને મુખ્યમંત્રીની ખુરસી મેળવી શકાય છે. એટલે એ સુભાષિનીને ‘આઝાદ’ને હાઇલાઇટ અને હાઇપ કરવાનું કામ સોંપે છે.

આ બધામાં અને અનુભવને કારણે આઝાદ જે હકીકતે એક ઉપજાવી કાઢેલું અને સંપુર્ણ કાલ્પનિક પાત્ર જ હોય છે તેને હકીકતનો અનુભવ થાય છે કે આ તો મેં લોકોને સપના જોતાં કરી દીધા, તેઓ તો હવે મને જ સાચો આઝાદ સમજીને મારી પાસે આશાઓ રાખવા લાગ્યા કે આ વ્યક્તિમાં કંઇક છે, આ વ્યક્તિ અમારા દુઃખો સમજી શકે છે એનાં હાથ મજબુત કરવાથી તે કાલે અમારા જ કામમાં આવશે. આવી આવી આશાઓ અને અપેક્ષાઓ લોકો રાખવા લાગતા, આઝાદને ખ્યાલ આવે છે કે જેને તે મામુલી કામ સમજીને કરેલું તેણે તો સામાન્ય જનતામાં એક આઝાદીની એક ચેતનાની એક જુસ્સાની જોમની હવા ઊભી કરી છે. હવે તેનામાં રહેલો આઝાદ જાગે છે અને તે હકીકતે લોકોની સાથે રહીને તેમનાં કામો આગળ આવીને અન્યાયનો સામનો કરો એવી ચેતના જગાડે છે.

ગોકુલચંદને જો આવું કંઇ થાય તો આ વ્યક્તિ કે જેને આઝાદનો મુખવટો પહેરાવીને લોકો સામે ઊભો કર્યો છે તે તો એક તેનું પ્યાદુ હતું. તેણે થોડા રૂપિયા માટે આ કામ કરેલું તે કોઇ સાચેસાચો આઝાદ નથી. એવું કબુલનામું અમિતાભ પાસે લખાવી લીધેલું હોય છે, જે છેવટે તેને બાઝી પોતાના હાથમાંથી સરતી જાય છે તે જોઇને પોતાના અખબારમાં છાપે છે અને લોકોને આ બની બેઠેલા આઝાદની સામે ભડકાવે છે અને તેને મારી નાંખવાનો કાવત્રુ ઘડે છે.

આ બાજુ જે લોકો ગઇકાલ સુધી તેની સાથે હતાં, પગે પડતાં, તેની હા માં હા મેળવતા હોય તે લોકો આજે તેની ઉપર પથ્થર ફેંકે છે તે જોઇ, જાણીને આઝાદને આઘાત પહોંચે છે અને તે જે કાલ્પનિક ડરનું વાતાવરણ ઊભુ કરવા સુભાષિનીએ તેનાં લેખમાં શહેરની ૩૦ માળની નવી બનેલી બિલ્ડીંગનો ઉલ્લેખ કરેલ હોય ત્યાંથી સાચેસાચ કુદીને પોતે સાચો આઝાદ છે તે પુરવાર કરે છે. પરંતુ કુદતા પહેલાં તે એક આખરી સંદેશો રેકોર્ડ કરતો જાય છે અને તે સંદેશામાં લોકોને કોઇનાં ભ્રમમાં ન આવતાં પોતાના આત્માનો અવાજ સાંભળશો, અન્યાય સામે માથું ક્યારેય ન નમાવશો, સાથે સાથે એક સાથે રહીને સંપીને આગળ વધશો એવી વાતો કરે છે અને લોકોમાં રહેલો આઝાદને ઝંઝોડીને જગાડે છે.

આ કહાની છે મૈં આઝાદ હું ની.

અંતમાં જોવા અને માણવા લાયક ફિલ્મ છે, “મૈં આઝાદ હું”.



Tuesday 10 September 2013

મૈં આઝાદ હું... ( Part - 1 )

પ્રસ્તાવના:

આજે આ ફિલ્મ યાદ આવવા પાછળ પણ એક નાની ઘટના જવાબદાર છે. અત્યારે ૨૦૧૩નું વર્ષ ચાલે છે. મારા ગામ રાજુલામાં એક જ ગેસ એજન્સી હોય, અમારે લોકોને ગેસનો બાટલો લેવો હોય તો યે, અને હોમ ડિલીવરીની સગવડ એજન્સીએ આપવી પડે એવો કંપનીનો નિયમ હોવા છતાંયે આ એજન્સી ‘જય મારૂતિ ગેસ એજન્સી’ ખુલે આમ તેનાં ગ્રાહકોને સવાર સવારમાં તડકો, ઠંડી કે વરસાદ ગમે એવા વાતાવરણમાં લાઇનમાં ઊભા રાખે અને જે વહેલો તે પહેલાનાં ધોરણે બાટલાનું વિતરણ કરે. ઘરે તો બોસ! કાં તો એજન્સીનાં માલિક સુધી તમારી પહોંચ હોય અથવા તો તમે કોઇ અધિકારી (ખાસ તો સરકારી) હો તો જ હોમ ડિલીવરી થાય, બાકી મારી જેવાને તો લાઇનમાં ઊભા રહો અને રાહ જુઓ, પહેલા તો બાટલાની ગાડી આવે એની અને પછી તમારો વારો આવે એની.

ઘનશ્યામ (મારો ખાસમખાસ ભાઇબંધ)

વાત હવે શરૂ થાય છે, મારા એક મિત્ર ઘનશ્યામે જ્યારે આ સ્થિતિનો અને આ વિતરણ પ્રણાલીનો વિરોધ કર્યો, તો તેને હવે તેનાં ઘરે એ જ્યારે ઇચ્છે ત્યારે હોમ ડિલીવરી થાય છે. તેને બીજા સૌની જેમ લાઇનમાં ઊભા નથી રહેવું પડતું. આ જોઇને મને આ ફિલ્મ યાદ આવી કે ‘બોલે એના બોર વેચાય’ પણ જે બોલે એને ક્યારેક મારા ખાવા કે સહન કરવાનો પણ વારો આવે. પણ તેનું પરિણામ હંમેશા એની ફેવરમાં હોય, જો એ સત્યને વળગીને રહે તો. इन्साफ की डगर पे…

મુખ્ય લેખઃ

મારા મિત્રની અંદર રહેલો ‘આઝાદ’ જાગી ચુક્યો છે, તે જરા પણ અન્યાય સહન કરી શકતો નથી. તે તેની સામે લડવામાં સમજે છે અને અમને પણ એ જ સમજાવે છે. સહન કરવાની માનસિક અને ક્યારેક શારીરિક પણ તૈયારી રાખો અને અન્યાય સામે અવાજ ઊંચો કરીને એનો વિરોધ કરો તો ન્યાય મળશે જ, જીત તમારી જ થશે. પણ આ આખી પ્રક્રિયામાંથી પસાર થતી વખતે આઝાદને હરહંમેશ જગાડી રાખો.

મૈં આઝાદ હું, ફિલ્મ એક એવી ફિલ્મ છે જે જોયા પછી દર્શકો સિનેમા હોલની બહાર નીકળીને કંઇ બોલી શકતા નથી એ હદ સુધી સુધબુધ કરી નાખનારી ફિલ્મ છે.  આ ફિલ્મ ૧૯૮૯ની ૧૫ ડીસેમ્બરે રીલીઝ થઇ. આ એ સમય હતો જ્યારે આપણાં ભારત દેશમાં લાયસન્સ રાજ હતું અને ગ્લોબલાઇઝેશનનો વાયરો ફુંકાવાને અચ્છા ખાસ્સા એવા ત્રણ વર્ષની વાર હતી. આ ફિલ્મમાં એ સમયની પણ છે જ્યારે અમિતાભે રાજકારણનો સ્વાદ પણ ચાખી લીધેલો અને સન્યાંસ લઇ, રાજકારણથી તૌબા તૌબા પોકારીને, બાકાયદા રાજીનામું આપીને ભાઇ સાહેબ ફરી હતાં ત્યાં ફિલ્મી દુનિયામાં પરત ફરેલાં.

સામાન્ય નોકરીયાત વ્યક્તિ હોય કે ગમે એવો મોટો વેપારી, કારખાનેદાર, મીલમાલીક, ગૃહીણી કે પછી એ ભલે ને કોઇ સ્કુલનો વિદ્યાર્થી કે કોલેજીયન હોય સૌની સ્થિતિ એક સરખી બનાવી દે છે અને દરેકનાં મનમાં એક જ સવાલ ગુંજે રાખે કે મેં આઝાદ હું?

મૈં આઝાદ હું ફિલ્મની સ્ટોરી એક કોમનમેન, જેને આજકાલનાં અંગ્રેજી અખબારો અને આપણાં સમાજનાં જે કહેવાઇ ગયા છે એવા બુધ્ધિમંતો જેને ‘મેંગોમેન’ કહે છે એવા સામાન્ય માણસની કહાની છે. કહાની દ્વારા કહાનીનો નાયક દર્શકોને ફક્ત એટલો જ સંદેશો આપે છે કે જુઓ જેમ મારી અંદરનો આઝાદ જાગી ગયો તેમ તમારી અંદર પણ એક આઝાદ સુતેલો છે, આપણી દરેકની અંદર એક આઝાદ છે પણ આપણે રોટી, કપડા અને મકાનની લ્હાયમાં એને એવી ગાઢ નિંદ્રામાં પોઢાડી દીધો છે કે ગમે એવી પરિસ્થિતિ આવે કે ગમે એવું શોષણ થાય તો, સરકારને, તંત્રને કે ભષ્ટ અધિકારીઓને થોડું મનોમન ભાંડીને ફરી પાછા એ જ સમાજમાં એ જ વાતાવરણમાં ગોઠવાઇ જઇએ છીએ. આપણી સહનશક્તિ તો સાહેબ! ભલભલા ઋષિમુનીઓનાં તપ, સાધનાને પણ ઝાંખી પાડી દે એવી છે, અને આપણી યાદશક્તિ પણ. ગમે એવી ઘટના બને કે પોતાની સાથે પણ ગમે એવું અઘટિત બને. તો થોડા દિવસ મનમાં ચચરશે અને પછી પરિસ્થિતિ થાળે પાડી વળગો કામધંધે. શું કહેવું છે આ વાત સાચી છે ને દોસ્તો બોલો!

આ ફિલ્મનાં નાયકની અંદરનો આઝાદ જાગી ઊઠે છે અને તે તેની આસપાસ થનારા શોષણ, ભ્રષ્ટાચાર અને અન્યાય સામે એક અહેલક જગાવે છે. જે જોઇને, સાંભળીને નેતાઓ અને અધિકારીઓ ભડકી ઊઠે છે અને તેને ખતમ કરી નાંખવાનો કારસો ગોઠવે છે.

નાયક કહે છે તમે સૌ તમારી અંદરનાં સુતેલા આઝાદને જે દિવસે પણ જગાડી દેશો, તે જે દિવસે જાગી જશે તે દિવસે કોઇ માઇનો લાલ આપણો વાળ પણ વાંકો નહીં કરી શકશે. માત્ર જરૂર છે તો તમારા આત્મસન્માનને તમારી ચેતનાને તમારી અંદર સુઇ રહેલા આઝાદને જગાડવાની. એક જણો ચાલતો હશે તો થાકી પણ જશે, હારી પણ જશે અને ઝુકી પણ જશે, પણ જો આપણે સૌ સાથે મળીને એક બની ને આગળ વધીશું તો આપણી પ્રગતિ કોઇ નહીં રૂંધી શકે. આ આત્માથી જાગેલા સમાજનાં સમુદાયનાં સમુદ્રને કોઇ અટકાવી નહીં શકે અને આપણે સૌ આપણી ધારેલી, ઇચ્છેલી અને જેને આપણે સૌ લાયક છીએ એ મુકામ એ મંઝીલ પર સૌ સાથે પહોચીશું.

ફિલ્મમાં જ્યારે અમિતાભ બચ્ચન જે ‘આઝાદ’, ગરીબો કા મસિહા, ને સ્ટેજ પર ગોકુલચંદ અને સુભાષિની લોકો સમક્ષ રજુ કરે છે ત્યારે એક સ્પીચ તૈયાર કરી આપે છે, જે આઝાદે બોલવાની હોય છે પણ આઝાદ તો માત્ર પોતાના હ્રદયનો અવાજ જ સાંભળતો હોય છે તે જે કહે છે તે ખરેખર રૂંવાડા ઊભા કરી મુકે એવું છે. આ રહી ક્લિપ… જુઓ, સાંભળો અને સમજો.



મૈં આઝાદ હું ફિલ્મની કહાની જાવેદ અખ્તરે લખી છે. તેનાં સંવાદો પણ જાવેદ સા’બ નાં લખેલા છે. ફિલ્મ માત્ર અને માત્ર એની સ્ટોરી પર જ આધાર રાખીને એના ચોટદાર સંવાદોને કારણે જ આવી ધારદાર બની છે.

ફિલ્મમાં માત્ર એક જ ગીત છે, જે કૈફી આઝમીએ લખ્યું છે અને ગાયું છે, ખુદ આઝાદે… (મતલબ અમિતાભ બચ્ચને)

ઇતને બાજુ ઇતને સર,
ગીનલે દુશ્મન ધ્યાન સે,
હારેગા વો હર બાઝી,
જબ ખેલે હમ જી જાન સે!




ટિનુ આનંદનાં નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ ભલે બોક્સ ઓફિસ પર ધારેલો દેખાવ ન કરી શકી, પણ અમિતાભ બચ્ચનની એક્ટિંગને કારણે આ ફિલ્મને ક્રિટીક્સ તરફથી સારો પ્રતિસાદ મળેલો.

આ ફિલ્મ, ૧૯૪૧માં બનેલી ફ્રાંક કાપરાની ફિલ્મ ‘મીટ જૉન ડૉ’ નું ભારતિય રૂપાંતર છે. એ જે હોય તે પરંતુ ભારતિય દર્શકોને એક હટકે ફિલ્મ આપવા બદલ નિર્દેશક ટીનુ આનંદ અને જાવેદ અખ્તરની પીઠ થાબડવી પડે. ફિલ્મનાં ચોટદાર સંવાદોને કારણે ફિલ્મનાં ડાયલોગ રાઇટર જાવેદ અખ્તરને એ વર્ષનો શ્રેષ્ઠ ડાયલોગ રાઇટરનો ફિલ્મફેર એવોર્ડ મળેલો. બીજા કોઇપણ એવોર્ડ આ ફિલ્મને મળેલા નહીં.

ફિલ્મમાં, અમિતાભ બચ્ચન(આઝાદ), મનોહર સીંઘ(સેઠ ગોકુલચંદ), શબાના આઝમી(સુભાષિની), અજીત વચ્છાની(અખબારનો તંત્રી, શર્મા), રામ ગોપાલ બજાજ(રામ ભાઉ), અનુપમ ખેર(દાલચંદ જૈન) જેવા કલાકારોએ પોતાના અભિનયનાં ઓજસ પાથરીને ફિલ્મને એક અલગ જ સ્તર આપેલું છે.

સ્ટ્રેટ ડ્રાઇવ -   ૧૯૯૦ની ફેબ્રુઆરીમાં જ્યારે હું મારા મામા સાથે આ ફિલ્મ મહુવામાં ‘મેઘદુત’ સિનેમામાં જોવા ગયેલો. (મારા બાકીનાં ભાઇ-બહેનો ‘હેવન’ સિનેમામાં વિનોદ ખન્નાની ‘જુર્મ’ જોવા ગયેલા) મામાને એમ કે ભાણ્યો ભલેને સાથે રહ્યો, ચા-પાણી કે પાન મંગાવવું હોય તો એકાદ જણ સાથે હોય તો કામ સોંપી શકાય. બાકી મારા મામા મને કંઇ મારી બુધ્ધિપ્રતિભા કે સમજણ પર ઓવારી જઇને આવી વિચારશીલ અને રૂટીન સિનેમાથી હટકે એવી ફિલ્મ જોવા અમસ્તા નહોતા લઇ ગયા. પરંતુ ત્યારે જે અનુભવ થયો એનો આ નીચોડ છે. જ્યારે આ બધું થયું (પ્રસ્તાવના) ત્યારે આ ટેકનોલોજીનાં જમાનામાં અચાનક આ ફિલ્મ યાદ આવી ગઇ, અને યુ-ટ્યુબ પર ફરી જોઇ! 

ક્રમશઃ
આવતા ભાગમાં ફિલ્મની કહાની વિશે ચપટીક્…

Thursday 5 September 2013

શિક્ષક દિન : 5th September every year...!


“शिक्षक कभी साधारण नहीं होता,
प्रलय और निर्माण उसकी गोदमें पलते हैं…”

        શિક્ષક… શિક્ષા કરે એનું નામ શિક્ષક. પહેલા એ વાતનો ખુલાસો અહીં જરૂરી બને છે આજે અને ખાસમખાસ આ વિષય પર લખતાં પહેલાં. કે જો કોઇને મારો લેખ વાંચતા એવું લાગે કે હું જરા શિક્ષકો તરફી પક્ષપાતી બની રહ્યો છું તો મને આંગળી ચીંધે. રહી વાત પક્ષપાતની તો વાત જાણે એમ છે મિત્રો કે છેવટે હું પણ લોહી તો માસ્તરનું જ છું. હાં! મારા માતા-પિતા બંને શિક્ષક છે, હતાં કહી શકાય. હવે એક નિવૃત્ત છે. એટલે થોડો શિક્ષક તરફી જોક રહે ઇતના તો બનતા હૈં ના બોસ!

        હાં! તો મૂળ વાત પર આવીએ. શિક્ષક અને શિક્ષક દિન. શિક્ષક દિન ખાસ તો આ ક્ષેત્રમાં નોંધપાત્ર સિધ્ધિ મેળવનારને કે અનુદાન કરનારને બિરદાવવાનો દિવસ છે. આમે આપણાં સમાજમાં, આપણી સંસ્કૃતિમાં અને આપણાં શાસ્ત્રોમાં ગુરૂ કે શિક્ષકને ઇશ્વર સમાન કે તેનાંથી પણ ઉપર ગણ્યા છે.

“गुरू गोविंद दोनों खडे, के को लागु पाय?
बलीहारी गुरू आपकी, गोविंद दियो दिखाय…”

        આ લખનારને નાનપણથી જ એમ શીખવવામાં આવેલું, કે દુનિયામાં સૌથી વધુ જો પુજનીય હોય તો તે છે આપણી મા. પછી પિતા. પછી ગુરૂ અને છેલ્લે ઇશ્વર. મિત્રો માતા-પિતા આપણને જન્મ આપે છે, ઉછેરે છે. પણ જીવન જીવતા અને જીવનમાં આગળ વધતાં તો ગુરૂ જ શીખવે. જીવનમાં આવનારી મુશ્કેલીઓનો સામનો કેમ કરવો, તે મુશ્કેલીઓ પર વિજય કેમ મેળવવો, કઇ રીતે પોતાનાથી નિર્બળનો ઉપહાસ અને પોતાનાથી સબળનો નિરાદાર ક્યારેય ન કરવો… આ બધી વાત ગુરૂ જ આપણને શીખવે છે. ફિલ્મ (યાર! આટલી તો લીબર્ટી મને આપવી જ પડશે. મારી કોઇ વાત ફિલ્મથી પરે નથી. એટલે એ તો વચ્ચે આવવાની જ.) ‘દો દૂની ચાર’ નો પોપલી હલવાઇ યાદ આવે છે? એ ખુબ સરસ વાત કરે છે, કે “માસ્ટર હમતો મિઠાઇયાં બનાતે હૈ, ખાયા-પીયા ઔર ખતમ. લેકીન તુમ બનાતે હો ઇન્સાન. અગર થોડી ચુક હો જાયે તો ઉસે ગુડ બોય મેં સે બેડ બોય બનતે દેર નહીં લગતી. અગર મેરે કો ભી તુમ જૈસા માસ્ટર મીલા હોતા તો મૈં ભી આજ ગુડ બોય હોતા ઔર ઇન કંજરો કો ભી બનાતા.” દોસ્તો, વાત સામાન્ય લાગે એવી છે. પણ છે ખુબ ઊંડી. આજે પણ જ્યારે તમે કે હું આપણે જેને ખરા દિલથી ગુરૂ માન્યા હોય તેની વાત આવતાં કે તે સામે મળતા માથું આપોઆપ જુકી જાય. આ બીક નથી, આ આદર છે.

        દોસ્તો, અતિષ્યોક્તિ લાગે તો માફ કરજો. પણ મેં તો આ અનુભવેલી વાત કહું છું. મારા સ્વ. પિતા એક નિષ્ઠાવાન શિક્ષક હતાં. તે સ્કુલમાં જ એટલું ભણાવતાં કે વિદ્યાર્થીને ટ્યુશનની જરૂર જ ન પડતી. આજે પણ તેનાં મૃત્યુનાં ૨૫ વર્ષ થઇ ગયા હોવાં છતાં પણ જ્યારે તેમનાં ભણાવેલા વિદ્યાર્થીઓ જે આજે ખુબ મોટા બિઝનેસમેન કે વેપારી કે સરકારી સારામાં સારા હોદ્દા પર છે તેમને જ્યારે મળવાનું થાય અને મારા પિતાનો ઉલ્લેખ થતાં માત્ર જ એક આદર સાથે વિનમ્રતા આવી જાય છે. જ્યારે એમ સાંભળવા મળે ને કે તારા પપ્પાએ મને ઠોઠ વિદ્યાર્થીમાંથી હોંશીયાર બનાવ્યો અને આજે જો એની મહેનતનું પરિણામ. ત્યારે તેની આંખમાં તો આંસુ હોય પણ મારા ચહેરા પર એક ગર્વની લાગણી હોય. મિત્રો, મા-બાપ પછી જીવનમાં ગુરૂનું સ્થાન સર્વશ્રેષ્ઠ છે. અરે ખુદ ભગવાન એનાં પગે પડતાં હોય તો હું અને તમે શું?

        શાસ્ત્રો ખોલીને જોઇ લો, ગુરૂની આજ્ઞા પર રાજપાટ છોડી દેનાર ભગવાન રામનો ઉલ્લેખ છે, ગુરૂની આજ્ઞા વશ ત્રિલોકનાં નાથ એવા ભગવાન વિષ્ણુ, કૃષ્ણવતારમાં જંગલમાં લાકડા વિણે છે. ગુરૂની ઊંઘને વિક્ષેપ ન પહોંચે એ સહેતુ મહાબલી – દાનવીર કર્ણ ભમરાનાં અસહ્ય ડંખ સહી જાય છે. ગુરૂની આજ્ઞાને આધિન થઇ એકલવ્ય પોતાનો અંગૂઠો કાપી નાંખે છે. રાક્ષસો કે જેઓ કોઇનાં કહ્યામાં નહોતાં તે ગુરૂ શુક્રાચાર્યની સામે નરમઘેંશ જેવા થઇ જાય છે તેનો પડ્યો બોલ તેની આજ્ઞાને આધીન થઇને રહે છે.

સિકંદરની એક વાત યાદ આવે છે. એક વખત સિકંદર અને તેના ગુરુ એરિસ્ટોટલ જંગલમાંથી પસાર થઈ રહ્યા હતા. રસ્તામાં વરસાદના પાણીનો વહેળો આવ્યો. એરિસ્ટોટલ અને સિકંદરમાં એ વાતે વિવાદ થયો કે પહેલા વહેળો કોણ પાર કરશે? સિકંદરે નક્કી કર્યું કે પહેલાં તે વહેળો ઓળંગશે. એરિસ્ટોટલે સિકંદરની વાત માની લીધી. પણ પછી થોડા દુ:ખી થઈને એમણે કહ્યું, ‘તેં મારી આજ્ઞાનું પાલન ના કર્યું.’ સિકંદરે જવાબ આપતા કહ્યું, ‘ગુરુજી, મારી કર્તવ્યનિષ્ઠાએ જ મને એમ કરવા માટે પ્રેરણા આપી. એરિસ્ટોટલ હજારો સિકંદર તૈયાર કરી શકશે, પણ સિકંદર તો એક પણ એરિસ્ટોટલ તૈયાર નહીં કરી શકે.

        દરેક વ્યક્તિનાં ઘડતરમાં બે વ્યક્તિનો ખુબ મોટો ફાળો હોય છે, એક છે માતા-પિતા અને બીજા ગુરૂ. અગાઉ કહ્યું એમ માતા-પિતા તેની ફરજ મુજબ આપણને ઉછેરે છે. આદર્શ શિક્ષક આપણને જીવનમાં આગળ વધવા માટેનું પ્રેરક બળ, દિશા અને પ્રોત્સાહન પુરૂં પાડે છે. વર્ગખંડમાં એક શિક્ષકની ભૂમિકા ખુબ જ મહત્વનું કાર્ય છે., કારણ કે તેની એકએક પળ વિદ્યાર્થીનાં જીવન સાથે જોડાયેલી હોય છે. દરેક વિદ્યાર્થીનું ભવિષ્ય શિક્ષકનાં હાથમાં રહેલું હોય છે. એક આદર્શ શિક્ષક વિદ્યાર્થીનાં ઉમદા જીવનનો પ્રણેતા બની શકે છે. તેનાં જીવનનું ધ્યેય અને તે ધ્યેય સુધી પહોચવાનો માર્ગ બની શકે છે. સમાજનું ઘડતર કરનાર અને સમાજને સુરક્ષિત રાખવામાં મોટામાં મોટો ફાળો હોય છે શિક્ષકનો. આજનો દરેક વિદ્યાર્થી ભવિષ્યનો નાગરિક છે. તે સમગ્ર દેશનો આધાર સ્તંભ છે. તે ઇમારતનો એક પાયો છે. એ પાયાને મજબૂત કરવાનું કામ એક શિક્ષક કરે છે. તેઓ ઇમારતનું એવું પાકુ ચણતર કરે છે કે ગમે એવો ઝંઝાવાત આવે તો પણ એ ડગે નહીં.

        શિક્ષકદિનનાં દિવસે શ્રેષ્ઠ શિક્ષકને રાષ્ટ્રપતિનાં હસ્તે સન્માનિત કરવામાં આવે છે. આ દિવસે શાળાઓમાં સ્વયં શિક્ષક દિનની ઉજવણી પણ કરવામાં આવે છે. જેના અંતર્ગત વિદ્યાર્થીઓ એક દિવસ માટે શિક્ષક બનીને વર્ગમાં અભ્યાસ કરાવે છે. જેનાંથી વિદ્યાર્થીઓમાં નાનપણથીજ નેતૃત્વનાં ગુણ ખીલે છે. તેમજ વિદ્યાર્થીઓ શિક્ષકોનાં ઉત્તરદાયિત્વને સમજે અને જાણે કે શિક્ષક થવું કેવું અઘરૂં છે. આમ, સંસ્કૃતિનાં સંસ્કાર આપતાં શિક્ષકોનું ગરવું પર્વ એટલે ‘શિક્ષક દિન’.

                        ૫ સપ્ટેમ્બર એટલે ‘રાષ્ટ્રીય શિક્ષક દિન’. મહાન કેળવણીકાર અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ સ્વ. ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની યાદમાં તેમનો જન્મદિન આપણે ત્યાં શિક્ષક દિન તરીકે ઊજવાય છે. મિત્રો તમારા માનસપટ પર કોઈ શિક્ષક પોતાના અસરકારક વ્યક્તિત્વની અમીટ છાપ છોડી જાય છે. તેને તમે જિંદગીભર ભૂંસી નથી શકતા. આવા શિક્ષકો પ્રત્યે તમારો આદરભાવ વ્યક્ત કરવાનો ખાસ દિવસ છે ‘શિક્ષક દિન’.

        ગુરૂનો મહિમા ગાતા શ્રી વિનોબા ભાવે લખે છે કે, ‘શિલવાન સાધુ હોય છે, પ્રજ્ઞાવાન જ્ઞાની હોય છે અને કરૂણાવાન મા હોય છે, પરંતુ ગુરૂ તો સાધુ, જ્ઞાની અને મા ત્રણેય હોય છે. ગુરૂ શબ્દનો ભાવાર્થા મારી દ્રષ્ટિએ કરૂં તો, ગુઃ એટલે ગુણવાન અને રૂઃ એટલે ઋષિ. તો ગુઋનો અર્થ થયો ગુણવાન ઋષિ.

चंदनम् शितलम् लोके, चंदनात् अपि चंद्रमा,
चंद्र – चंदनयोः मध्ये, शीतला गुरू संगतिः
(અર્થાતઃ આ જગતમાં ચંદન શીતળ છે, ચંદન કરતાં ચંદ્રની ચાંદની વધુ શીતળતા આપે,
ચંદન અને ચંદ્રમાંની ચાંદની કરતાં પણ ગુરૂની સંગતિ વધુ શીતળતા આપે છે.)

गुरू ब्रह्मा, गुरू विष्णु, गुरू देवो महेश्वर,
गुरू साक्षात परब्रह्म, तस्मै श्री गुरुवै नमः

ગુરૂ વિણ જ્ઞાન ન ઉપજે, ગુરૂ વિણ મળે ન ભેદ,
ગુરૂ વિણ સંશય ના ટળે, જય જય જય ગુરૂદેવ.

गुरू कुंभार और शिष्य कुंभ है, घट घट काढे खोट,
ભીતરથી ભલે હાથ પસારે, ઉપર મારે ચોટ.

सदगुरू ऐसा किजीए, जैसे पुनम को चंद्र,
तेज करे पर तपे नहीं, उपजावे अति आनंद…


આવો આ દિવસે સહુ સહુનાં ગુરૂને યાદને કરીએ અને વંદન કરીએ. કારણ કે આજે આપણે જે કંઇ સફળ છીએ એમાં આપણાં ગુરૂની શિક્ષકની જહેમત છે.