Wednesday 30 October 2013

સરદાર પટેલ - એક વિરાટ વ્યક્તિત્વ ધરાવનાર મહામાનવ...

વાચકમિત્રો, 
                 આવતીકાલે આપણાં દેશનાં પનોતા પુત્ર અને લોખંડી પુરૂષ એવા અખંડ ભારતનાં ઘડવૈયા સરદાર વલ્લભભાઇનો ૧૩૮મો જન્મદિવસ છે. તો આવો આજે આપણે તેમને યાદ કરીયે અને તેમની સ્મૃતિમાં આ લેખ અર્પણ કરૂં છું...


        વલ્લભભાઇનો જન્મ થયો, ૧૮૭૫ની ઓસ્ટોબરની ૩૧મીએ. આ એમની સત્તાવાર જન્મતારીખ માનવામાં આવે છે. કારણ કે એ સમયે બાળકોની જન્મતારીખ યાદ રાખવાનું ચલણ નહોતું. અત્યારની જેમ નાનુ કુટુંબ સુખી કુટુંબની માન્યતા પણ નહોતી. માટે વલ્લભભાઇને પુરા પાંચ ભાંડરડા. લેઉઆ પાટિદાર પટેલ એવા એમના પિતા ઝવેરભાઇ અને માતા લાડબાઇબેનનાં કુખે વલ્લભભાઇ સિવાયનાં બીજા પાંચ સંતાનો. એમાં વલ્લભભાઇ સિવાય બીજા ચાર દિકરા અને એક દિકરી. એમાં વલ્લભભાઇ માતા-પિતાનું ચોથું સંતાન.

        જે જમાનામાં છોકરી કે છોકરો માંડ ૧૦-૧૨ વર્ષનાં થાય ત્યાંતો એમને પરણાવી દેવામાં આવે એ વખતમાં વલ્લભભાઇએ પુરા ૧૮૯૨માં ૧૭ વર્ષ પુરા કર્યા અને ત્યારે એમનો વિવાહયોગ આવ્યો. વલ્લભભાઇનાં ધર્મપત્નિ એવાં કરમસદ પાસે આવેલ એક નાનકડા એવા ‘ગાના’ ગામનાં ઝવેરબા બેન વલ્લભભાઇથી પુરા પાંચ વર્ષ ‘નાના’ હતાં. એ જમાનામાં છોકરો નાની ઉંમર હોય લગ્ન પછી પણ પોતાનો અભ્યાસ વગેરે ચાલુ રાખતો. આમ, વલ્લભભાઇએ પણ લગ્ન પછી પોતાનું ભણતર પુરૂં કરવાનું હોય પુરા આઠ વર્ષનો લગ્ન પછી વિવાહીત દંપતિએ વિયોગ વેઠ્યો.

        સન ૧૯૦૦ની શરૂઆતમાં વલ્લભભાઇનો અભ્યાસ પુરો થયો અને તેમણે સફળતાપુર્વક એમની પ્લીડરની પરિક્ષા પાસ કરી, અને સાથોસાથ દંપતિનો વિયોગ પણ પુરો થયો હોય વલ્લભભાઇએ ઝવેરબાને એમની પાસે ગોધરામાં તેડાવી લીધા.આમ, ૧૮૯૨માં થયેલ લગ્ન પછી છેક ૧૯૦૦માં બંનેનું ગૃહસ્થજીવન શરૂ થયું. વલ્લભભાઇ અને ઝવેરબાનાં સ્વભાવમાં ઉત્તર-દક્ષિણનું અંતર હતું. ઝવેરબા સ્વભાવે મૃદુ, મિતભાષી અને નરમ દિલનાં હતાં જ્યારે વલ્લભભાઇ થોડા ગરમ, જોશીલા અને કોઇપણ ભોગે પોતાનું ધાર્યું કરવામાં માનનારા સખત સ્વભાવનાં યુવાન હતાં. વલ્લભભાઇની પ્રકૃતિમાં જડતાનો અનુભવ કરાવે એવી દ્રઢતા અને સિદ્ધાંત એટલે સિદ્ધાંત ની જડ માન્યતા આપણને ખટકે એવા અજીબ સ્વભાવનો સુમેળ સંગમ હતો.

        વલ્લભભાઇએ એમની વકીલાતની પ્રેકટીસ બોરસદમાં શરૂ કરી. આજીવન અવિવાહીત રહીને વલ્લભભાઇની સાથે રહેનાર એવી એમની પુત્રી મણિબેનનો જન્મ એપ્રિલ ૧૯૦૪માં થયો. નવેમ્બર ૧૯૦૫માં વલ્લભભાઇનાં પુત્ર ડાહ્યાભાઇનો જન્મ થયો. આ બંનેનો જન્મ વલ્લભભાઇનાં સાસરે ગાનામાં થયો હોવાનું માલુમ પડે છે. આ સમય દરમ્યાન વલ્લભભાઇની વકીલાતની પ્રેકટીસ સારી ચાલવા લાગેલી. ધીકતી પ્રેકટીસ અને સુખી દાંપત્યજીવનને માણતા વલ્લભભાઇ પોતાનું જીવન આનંદથી પસાર કરી રહ્યા હતાં. આ સમય દરમ્યાન વલ્લભભાઇનાં મોટાભાઇ વિઠ્ઠલભાઇ બેરિસ્ટર બનવા ઇંગ્લેન્ડ ગયા હોય તેમનાં પત્ની દિવાળી બહેન આ લોકોની સાથે બોરસદ રહેવા આવે છે, અને દિવાળીબેનનાં ખરાબ સ્વભાવને કારણે થોડા સમયમાં ઘરમાં ક્લેશ અને અશાંતિનું વાતાવરણ ઊભું થાય છે. આ વાતાવરણની બાળકો પર માઠી અસર ન પડે એ હેતુ વલ્લભભાઇ ઝવેરબાને એમનાં પિયર મોકલી આપે છે.

        ૧૯૦૮માં મોટાભાઇ બેરિસ્ટર બનીને આવતાં વિઠ્ઠલભાઇ મુંબઇ સ્થાયી થવાનું નક્કી કરે છે અને આ તરફ બોરસદમાં ફરી ઝવેરબાને પરત બોલાવી વલ્લભભાઇ દાંપત્યજીવનની ગાડી પાટે ચડાવવાની કોશીશ કરે છે. ત્યાં તો ૧૯૦૯માં ઝવેરબાને આંતરડાની ગંભીર બીમારી લાગુ પડતાં તેમની સારવાર અર્થે તેમને મુંબઇની કામા હોસ્પીટલમાં ખસેડવા પડે છે. તાત્કાલિક આંતરડાનું ઓપરેશન કર્યું. ઓપરેશન પછીનાં દિવસે ઝવેરબાની તબિયત અચાનક બગડતાં તેમનું અકાળે અવસાન થાય છે. ભરજુવાનીમાં વિધુર થયેલા વલ્લભભાઇ પત્નીનાં ઓચિંતા મૃત્યુનો વસમો ઘા પચાવી જાય છે. હવે સવાલ ઊભો છે કે મા વિનાનાં આ બંને બાળકોનાં ઉછેરનું શું? માતાનાં મૃત્યુ સમયે બંને બાળકો મણીબેન પાંચ વર્ષનાં અને ડાહ્યાભાઇ માંડ ચાર વર્ષનાં હતાં.

        ઝવેરબાનાં અકાળ અવસાન પછી કળ વળતાં પરિવારનું વલ્લભભાઇ પર ફરી લગ્ન કરવા દબાણ થયું. પણ વલ્લભભાઇ પોતાનાં સંતાનો માટે સાવકી માં લાવવા ઈચ્છતા નહોતાં માટે ખુબ દબાણ હોવા છતાં પણ એ એમનાં નિર્ણય પર અડગ રહ્યા અને બીજા લગ્ન ન જ કર્યા. વલ્લભભાઇનું સ્પષ્ટ પણે માનવું હતું કે દુનિયામાં સાવકી માં નું દુઃખ સૌથી વધુ ગણાય છે. એટલે એમનાં બાળકોને સાવકી માં નાં દુઃખથી દુઃખી કરવા કરતાં મા વગર રહેવાનું દુઃખ કદાચ ઓછું ગણાશે. વિધુર થયા બાદ વલ્લભભાઇ ૧૯૧૦માં બેરિસ્ટર બનવા ઇંગ્લેન્ડ ગયા અને ૧૯૧૩માં બેરિસ્ટર બનીને વતન પરત ફર્યા અને મોટાભાઇની જેમ મુંબઇમાં પ્રેક્ટીસ કરવાને બદલે તેમણે અમદાવાદને પોતની કર્મભૂમિ તરીકે પસંદ કર્યું.

        વલ્લભભાઇનો સંતાનો સાથેનો સંબંધ પણ જરા હટ કે હતો. એ બીજા બધા પિતાની માફક પોતાનાં સંતાનોને તુંકારે કે લાડથી બીજા કોઇ નામે સંબોધવાને બદલે માનાર્થે સંબોધતાં. કાગળો લખતા તો એમાં પણ તુંકારાને બદલે એકબીજાને માનથી જ બોલાવવાનો શીરસ્તો હતો. કાગળમાં તેઓ બંને બાળકોને મણિ અને ડાહ્યો કહેવાને બદલે ચિ. મણીબહેન કે ચિ. ડાહ્યાભાઇ, મજામાં હશો. સમાચારો લખતા રહેશો, વગેરે વગેરે… પરંતુ આવા અંગ્રેજી વિવેક વાણી વર્તનને કારણે પણ બંને બાળકોમાં મૂળગત સંસ્કારો હતાં જ. મણિબહેનનાં કહેવા મુજબ ‘તેઓ પુખ્ત થયા ત્યાં સુધી પિતા (વલ્લભભાઇ) સાથે છૂટથી વાતો કરી શકતાં નહોતાં.’ તો આ સહાદર આક્ષેપનાં જવાબમાં વલ્લભભાઇ એમ કહે છે કે, ‘આ તો પરંપરાગત રૂઢી ચાલી આવે છે અમારા પરિવારમાં. હું પણ ત્રીસ વરસનો થયો ત્યાં સુધી ઘરનાં વડિલો કે મોટાઓની હાજરીમાં બોલી પણ નહોતો શકતો.’

        વલ્લભભાઇનાં છ ભાઇ-બહેનોમાંથી વલ્લભભાઇ અને વિઠ્ઠલભાઇ જ જાહેરજીવનમાં પડ્યા. સન ૧૯૧૭માં ગાંધીજી સાથે જોડાયા પછી જ વલ્લભભાઇને પોતાના જીવનની યોગ્ય દિશા મળી. ૧૯૧૮માં ખેડા નાં સત્યાગ્રહ દરમ્યાન ગાંધીજી અને વલ્લભભાઇ વચ્ચે ઘનિષ્ટતા વધી. રોલેટ એક્ટની ચળવળ દરમ્યાન વલ્લભભાઇ અમદાવાદનાં સામાન્ય નાગરિકોની પણ પહેલી પસંદ બન્યા અને અમદાવાદ મ્યુનિસિપાલિટીની ચુંટણીમાં વલ્લભભાઇની આગેવાની હેઠળ કોંગ્રેસનો ભવ્ય વિજય થયો.

        આપણે સૌ જાણીએ છીએ એમ, ૧૯૨૮નાં બારડોલીનાં સત્યાગ્રહ પછી જ વલ્લભભાઇને ‘સરદાર’નું બિરુદ મળેલું. આ સત્યાગ્રહ દરમ્યાન તેમની પુત્રી મણિબહેન પણ સરદારનાં સંઘર્ષમાં સાથે જોડાયા. મળેલ જાણકારી અનુસાર સરદારનાં કપડા માટેનું સુતર મણિબહેન ખુદ કાંતતા અને આ કપડામાંથી બનેલા વસ્ત્રો પહેરીને સરદારને પરમ સંતોષ થતો. ગાંધીજી સાથે જોડાયા પછી વલ્લભભાઇ પણ ખાદીનો આગ્રહ રાખતાં. તેમનું માનવું હતું કે ખાદી એક ભાવના છે જેને આ ભાવનામાં શ્રદ્ધા હોય એ પહેરે છે.

        વલ્લભભાઇની નજર હંમેશા વિજય તરફ જ રહેતી. સ્વભાવે લડવૈયા હોવાથી સરદાર વિરોધીઓની નબળાઇ અને નિર્બળતા જાણી જતાં અને તેનાં પર જ ઘા કરીને એમને ચિત્ત કરી દેતાં. વલ્લભભાઇ એક સેલ્ફ – મેઇડ વ્યક્તિ હતાં. હંમેશા સફળતા અને વિજય જ તેમનું મુખ્ય ધ્યેય રહેતાં. આક્રમક ધ્યેયનિષ્ઠા એમની મુખ્ય તાકાત. સાહિત્ય અને કળા પ્રત્યે પણ તેમનો લગાવ પુરતો હતો. હાં સ્વભાવગત એમની લાક્ષણિકતામાં આ નહોતું આવતું જેટલું પંડિતજીનાં વ્યવ્હાર અને સ્વભાવમાં હતું. પંડિતજી જેટલા બુદ્ધિમંત ન હોવા છતાંયે એમની આ ક્ષેત્ર (કળા, સાહિત્ય) પ્રત્યે એમની રસ અને રૂચી અને કોઠાસુઝ હતી જ.

        આ લખનારની જાણકારી અનુસાર, સરદારને ભાષા પ્રત્યે પણ લગાવ હતો. હિન્દુસ્તાનની સત્તાવાર ભાષા એવી હિન્દીને કારણે ઉર્દુ ભાષાને મુસ્લીમોની ભાષા ગણીને એ પ્રત્યે કોઇ અલગાવ ન રખાય તેને પુરી ચીવટ અને ખેવના સરદારે રાખેલી. એ સમયે ઉત્તરપ્રદેશમાં બહોળી સંખ્યામાં આ ભાષાનો (ઉર્દુનો) પ્રયોગ થતો. આ વાતને ધ્યાને રાખીને સરદારે સરકારી ખર્ચે ત્યાં સરોજીની નાયડુનાં કહેવા પ્રમાણે જોશ મલિહાબાદીનાં તંત્રીપદે એક સામયિક શરૂ કરવાનું નક્કી કર્યું. આમ, કળા, વાંચન, સાહિત્ય કે સિનેમા કોઇઅપન પાસા પ્રત્યે સરદારે દુર્લક્ષ ન રાખ્યું અને જે જે ક્ષેત્રને જેવી રીતે પણ જરૂર પડી ત્યારે અને તે રીતે તેમણે તે ક્ષેત્રને પુરતી મદદ કરી. સરદાર એક વારની ભરપુર ચીવટ રાખતાં કે અમલદારશાહી, બાબુશાહીને લીધે સાંસ્કૃતિક ક્ષેત્ર સાથે જોડાયેલી વ્યક્તિઓએ કે આ ક્ષેત્રોને કોઇપણ રીતે તકલીફ ન પડવી જોઇએ તેની પુરી કાળજી રાખતાં. તેમની બૌદ્ધિક ક્ષમતાનો કહેવાતો અને ક્યારેક અનુભવાતો અભાવ આ બાબતમાં ક્યારેય અડચણરૂપ ન બન્યો.

        એવું પણ નહોતું કે આ સમય દરમ્યાન વલ્લભભાઇ કે સરદાર પોતાની શારિરીક તંદુરસ્તીને ટકાવી શકેલાં. આટલી વ્યસ્તતા અને સતત અને સખત દોડાદોડીને કારણે સ્વાભાવિક છે કે સ્વાસ્થ્ય પર તો અસર પડવાની જ. ૧૯૩૪માં નાકની અને ૧૯૪૧માં આંતરડાની બિમારીએ એમને ખુબ હેરાન કર્યાં.


        વ્યક્તિગત રીતે તેમણે પોતાની સઘળી ભક્તિ અને સંપુર્ણ જીવન હિન્દુસ્તાન માટે અને ગાંધીજીને સમર્પિત કરી દીધું. ૧૯૪૮માં ગાંધીજી પર થયેલાં જીવલેણ હુમલાએ સરદારને અત્યંત ગંભીર માનસિક આઘાત પહોંચાડ્યો અને આઘાતને કારણે તેમને હ્રદયરોગનો પ્રચંડ હુમલો આવ્યો. મિત્ર ઉર્વિશ કોઠારીનાં પુસ્તક ‘સરદાર – સાચો માણસ સાચી વાત’નાં પાના નં ૧૧માં જણાવ્યા મુજબ મરણપથારી પર અંતિમ ઇચ્છા તરીકે તેમણે ધાર્મિક પાઠ-સ્તુતિને બદલે વીણાવાદન સાંભળવાની ઇચ્છા વ્યક્ત કરી. એ ‘શુષ્ક’ ગણાતા સરદારનાં જીવનની ઓછી જાણીતી હકીકત છે. કર્ણાટકી સંગીતમાં મોટું નામ ધરાવતા વી.કે.નારાયણ મેનને સરદારનાં સરી જતાં શ્વાસમાં વીણાનાં સૂર વહેતાં કર્યાં. થોડા કલાકો પછી, ૧૫મી ડિસેમ્બર ૧૯૫૦, સવારનાં ૯-૩૭ વાગ્યે, અનેક કથા અને દંતકથાઓને જીવન આપનાર સરદાની આંખ મીંચાઇ અને પાછળ રહી ગયો ભેંકાર ખાલીપ, જે તેમના મૃત્યુનાં ૬૩ વર્ષ પછી પણ સાલતો રહ્યો છે.


નોંધઃ આ લેખમાં લખેલ અમુક અંશો ઉર્વિશ કોઠારીનાં પુસ્તક 'સરદાર - સાચો માણસ સાચી વાત' માંથી સહ આદર લેવામાં આવ્યા છે.  

Friday 25 October 2013

“મ્યુઝીક થેરપિ કે સંગીત ચિકિત્સા”

તથ્ય કે તૂત?


        ઘણું કરીને ૧૯૫૪માં એમ. સદિકની એક ફિલ્મ આવેલીઃ શબાબ. એમાં ભારત ભૂષણ અને નૂતન હતાં. નૂતન એક એવી રાજકુમારી છે જેને અનિદ્રાનો વ્યાધિ છે. ભારત ભૂષણ એક ગાયક છે જે પોતાના ગાયનની શક્તિથી નાયિકાને ઉંઘાડી દે છે. ગાયક-સંગીતકાર હેમંતકુમારે નૌશાદનાં સંગીતમાં રાગ મિશ્ર પીલુ પર આધારિત હાલરડા (લોરી) પ્રકારનું ગીત ગાયું હતું, ‘ચંદન કા પલના રેશમ કી ડોરી ઝુલા ઝુલાવે…’ ફિલ્મમાં નાયિકાનો અનિદ્રાનો વ્યાધિ આ ગીતથી મટી જાય છે. યોગાનુયોગે ફિલ્મમાં એક સાખી પણ રજુ કરેલી, ‘સંગીત હૈ શક્તિ ઇશ્વર કી, હર સૂર મેં બસે હૈં રામ, રાગી જો સુનાયે રાગિણી, રોગી કો મીલે આરામ…’ આ લખનારને અહીં થોડી અતિશયોક્તિ લાગે છે. કારણ કે, દુનીયાની દરેક માતા પોતાના કંઠે ગાંડુઘેલું કંઈક ગણગણે છે જે સાંભળીને બાળક ઊંઘી જાય છે. દરેક માતા કંઈ લતા મંગેશકર જેવી ગાયીકા હોતી નથી, પરંતુ માતાના કંઠમાં રહેલો ઉત્કટ ભાવ બાળકને ઊંઘાડી દેવામાં નિમિત્ત બને છે.

        જો કે સંગીતકાર નૌશાદ સાથે શબાબનાં આ ગીતની વાત નીકળી ત્યારે તેમણે આ લેખકને એક નાનકડું લેક્ચર આપી દીધેલું. એનો સાર એટલો જ કે સંગીત માર્તંડ પંડિત ઓમકારનાથ ઠાકુરે ૧૯૩૩માં ઇટાલીનાં સરમુખત્યાર મુસોલિનીનો અનિદ્રાનો રોગ પોતાના ગાયન દ્વારા મટાડેલો. મુસોલિનીએ પોતાના સંગીતકારોને પંડિત ઓમકારનાથજીની ગાયકીનું નોટેશન (સ્વરલિપિ) નોંધી લેવાનો આદેશ આપ્યો હતો. પંડિતજીએ ભરુચમાં ડોક્ટર જી. એન. વૈષ્ણવ, અમદાવાદમાં ડોક્ટર અમીન અને અલાહાબાદમાં મેજર ડોક્ટર રણજિતસિંહજીનો અનિદ્રાનો વ્યાધિ રાગ કોમળ રિષભ આશાવરી ગાઇને મટાડયો હતો એવું પંડિતજીનાં ચરિત્રકાર ડોક્ટર પ્રદીપકુમાર દીક્ષિતે નોંધ્યું છે.

        આ તો વાત થઇ અનિદ્રાની, ઔર એક રસપ્રદ નિરીક્ષણ તાજેતરમાં વાંચવામાં આવ્યું. આધ્યાત્મ માર્ગે આગળ વધવા સતત સાચા ગુરુની શોધમાં દંતાલીવાળા સ્વામી સચ્ચિદાનંદે ઘણી રઝળપાટ કરી, પરંતુ ગુરુ મળ્યા નહીં ત્યારે એમનામાં એક પ્રકારનું ડિપ્રેશન આવી ગયું. એ ડિપ્રેશન શંકર જયકિશનનાં સંગીતથી સર્જેલા ફિલ્મીગીતો સાંભળીને દુર થયુ. એટલે સ્વામીએ વાસંદામાં જયકિશનની કાંસાની એક પ્રતિમા સ્થાપિત કરાવી. આધુનિક વિજ્ઞાન કહે છે કે શહેરી ભાગદોડ વચ્ચે રહેતા શહેરીજનોની મોટા ભાગની બિમારી સાઇકોસોમેટિક એટલે કે મનોદૈહિક હોય છે. ભારતિય સંગીતે માણસના અશાંત મનને શાંત કરવામાં વિપુલ ફાળો આપ્યો છે એ હકિકત છે. ચિત્ત શાંત થાય એટલે અમુક બિમારી આપોઆપ દૂર થઈ જાય છે.

        ૧૯૮૦નાં દાયકામાં મુંબઈની કે.ઈ.એમ. હોસ્પિટલમાં ફૌજી ડોક્ટર બ્રિગેડિયર કે. કે. દાતેએ ભારતિય સંગીત દ્વારા મનોરોગીઓને સારા કરવાનો સફળ પ્રયોગ કરેલો. જગપ્રસિધ્ધ સંતુરવાદક પંડિત શિવકુમાર શર્માએ એક મુલાકાતમાં આ લખનારને એટલું કહેલું કે અમેરિકામાં અને ઇંગ્લેન્ડમાં મને કહેવામાં આવ્યું છે કે તમારું સંતુરવાદન સંભળાવીને અમે ઘણા પેશન્ટને ઝડપભેર ‘રિલેક્સ’ થતાં જોયાં છે. લગભગ એવો જ અભિપ્રાય બાંસુરીવાદક હરીપ્રસાન ચૌરસિયાને મળ્યો છે. આમ ભારતિય વાદ્ય સંગીત માણસનાં અશાંત મનને શાંતિનો અનુભવ કરાવે છે એ સિધ્ધ થયું. સૌરાષ્ટ્રનાં કેટલાક વિસ્તારોમાં આ બંને કલાકારોનાં રેકોર્ડીંગ સંભળાવતાં ગાયોએ વધુ દૂધ આપ્યુ કે કેટલાક પ્લાંટનો વિકાસ ઝડપી બન્યો એવા અહેવાલો પણ પ્રગટ થયા, પરંતુ સંગીત ચિકિત્સાની વાત કરીએ ત્યારે કેટલાક મુદ્દા સમજી લેવા અનિવાર્ય બની જાય છે. એમાં સાબિતીરુપે ક્લીનિકલ રિપોર્ટ્સ પણ જોઇએ.

        દાખલા તરીકે, કોઇ એમ કહે કે ફલાણો રાગ ગાવાથી તાવ ઊતરી જાય ત્યારે પ્રશ્ન ઊભો થાય કે ક્યા તાવની વાત કરો છો? તાવ ઘણી જાતના થાય. સામાન્ય તાવ, ઇન્ફ્લુએન્ઝાનો તાવ, ટાઢિયો તાવ, મુદતિયો તાવ, ચિકનગુનિયાનો તાવ, સ્વાઇનફ્લૂનો તાવ, ન્યૂમોઇયાનો તાવ, બ્રોન્કાઇટિસનો તાવ વગેરે. આ બધા તાવનો ઇલાજ એક ઔષધિથી થતો નથી.

        દરેકનું પ્રિસ્ક્રીપ્શન અલગ હોય છે. શું તમે જણાવેલો રાગ આ બધા તાવને ભગાડે છે? તો એ ખરેખર ચમત્કાર ગણાય. અહીં એક આડ્વાત, ઓલ્ટરનેટિવ ચિકિત્સાના મોટાભાગના ઉપાસકો કહે છે કે બને ત્યાં સુધી તમારે ડોક્ટરની દવા ચાલુ રાખવી એટલે કે ઓલ્ટરનેટિવ ચિકિત્સા માત્ર પુરક બની રહે છે. એક વિદ્વાનનાં કહેવા મુજબ અગાઉનાં વૈદ-હકિમો પોતાના પડીકાં સાથે અમુક-તમુક રાગનું પ્રિસ્ક્રીપ્શન પણ આપતાં. એ વાત સાચી હોય તો સંગીત પણ પુરક ચિકિત્સા બની રહે.

        બીજો એક મહત્વનો મુદ્દો ભારતિય સંગીતમાં દરેક રાગ-રાગિણી ગાવા-વગાડવાનો ચોક્કસ સમય નિશ્ચિત હોય છે. એ જ રીતે અમુક રાગ ઋતુપ્રધાન છે, એટલે રોગીને ક્યો રાગ ક્યારે સંભળાવવો એ નક્કી શી રીતે કરવું?



- લેખક અજિત પોપટનાં પુસ્તકઃ ‘ગાયે જા ગીત ફિલમ કે’, માંથી સાભાર...

Sunday 20 October 2013

શ્યામલ સૌંદર્યઃ સ્મિતા પાટીલ…

મૂળે એ દૂરદર્શનની ન્યુઝ રીડર. આર્ટ અને કમર્શિયલ ફિલ્મોમાં એણે ઊંડી છાપ છોડી. અકાળે વિદાય લેનાર આ અપ્રતિમ અભિનેત્રીની વાતો મમળાવીએ…




        દુનિયાએ પહેલીવાર સ્મિતા પાટીલને દૂરદર્શન મુંબઇની મરાઠી ચેનલ પર ‘બાતમ્યા’ (સમાચાર) વાંચતી જોઇ હતી. દર્શકો એનાં બોલકા ચહેરાથી ખૂબ પ્રભાવિત હતાં. એની વિશાળ બદામી આકારવાળી ઊંડી આંખો થકી મંત્રમુગ્ધ થતાં. અને મરાઠી આર્ટ ફિલ્મ જગતથી માંડી હિન્દી આર્ટ ફિલ્મો સુધી આ ન્યુઝ રીડરની ચર્ચા શરૂ થઇ. ન્યુઝ રીડર તરીકે એણે પ્રભાવ જમાવવાનો આરંભ કર્યો ત્યાં જ એને ફિલ્મોની ઓફર્સ મળવા માંડી.

        સ્મિતા તો પોતાના સ્તર, આદર્શ અને વિચારો સાથે મેળ ખાય એવી જ ફિલ્મો કરવા ઇચ્છતી હતી. તેથી જ મોટા પ્રોડ્યુસર્સ એનો એપ્રોચ નહોતા કરતાં. સ્મિતા નાચ-ગાનવાળી સામાન્ય ફિલ્મો કરવા નહોતી ઇચ્છતી. તેથી જ એણે એક્ટિંગ સરિયર શ્યામ બેનેગલ સાથે શરૂ કરી. ‘નિશાંત’ એની પહેલી ફિલ્મ. પછી ‘મંથન’ અને હંસા વાડકરની આત્મકથા સાંગત્યે ઐકા પર આધારિત ‘ભૂમિકા’ થકી એણે ચિતાર આપી દીધો હતો કે એ કયા માર્ગે આગળ વધવા માંગે છે. ફિલ્મ ‘નિશાંત’ નામ શુટિંગ વખતે સ્મિતા કોઇ એંગલથી અભિનેત્રી નહોતી લાગતી. શોટ આપ્યા પછી એ સ્પોટ બોય્ઝ સાથે મજાક-મશ્કરી કરરી તો ક્યારેક બાળકો દેખાય તો એમની સાથે રમવા માંડતી. લંચ દરમ્યાન યુનિટવાળા સાથે બેસતી અને એમના ટિફિનમાંથી જમતી. ટિફિનના નામે સ્મિતા પાસે સ્ટીલનો એક નાનકડો ડબ્બો રહેતો. એમાં માંડ છ રોટલીઓ અને શાક સમાતા. કેટલીયેવાર લંચ વખતે એ ચાર રોટલીઓ અને શાક યુનિટ મેમ્બર્સમાં વહેંચી દેતી અને પોતે બાકી રહેલી બે રોટલીથી કામ ચલાવી લેતી.

        ફિલ્મ ‘પેટ, પ્યાર ઔર પાપ’ નું શુટિંગ મુંબઇની ધારાવીની ઝુપડપટ્ટીમાં થયું હતું. ત્યાં સ્મિતા દરરોજ ઝુપડપટ્ટીનાં ગરીબ બાળકોને પોતાનું ભોજન જમાડતી. એનાં વ્યક્તિત્વનો સૌથી મોટો ગુણ એ કે બીજાઓ માટે મનમાં હંમેશા નિઃસ્વાર્થ પ્રેમ અને આદરભાવ રાખતી. નિર્દેશક હોય, કલાકાર હોય કે સ્પોટ બોય, સ્મિતાની નજરે દરેક માણસ પ્રેમ અને આદરને પાત્ર રહેતો. અભિનેત્રી તરીકે એ અલગ અને અજોડ હતી. હોમવર્ક એ જરાય નહોતી કરતી. સેટ પર પહોંચીને સૌપ્રથમ નિર્દેશક સાથે દ્રશ્યોને મગજમાં ઉતારી લેતી. કેમેરા સામે આવતાં જ સમગ્ર પાત્રમાં ઓતપ્રોત થઇ જતી હતી. ‘નિશાંત’, ‘ભૂમિકા’, ‘ધ નક્સલાઇટ્સ’, ‘કોંડુરા’, જયવંત દળવીની આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત નવલકથા પરથી બનેલી ‘ચક્ર’, ‘બાઝાર’, ‘મંડી’, ‘દિલ-એ-નાદાન’ ગોવિંદ નિહલાનીની ‘અફલાતૂન’, અર્ધ સત્ય’, ‘રાવણ’ મહેશ ભટ્ટ્ની ‘અદ્દ્ભૂત’, ‘અર્થ’, ‘ચટપટી’, ‘સુબહ’, ‘વારીસ’ જેવી ફિલ્મોમાંના પોતાના પાત્રને એણે જીવંત બનાવ્યા હતાં.

        સ્મિતાનાં વ્યક્તિત્વનો કરિશ્મા દર્શાવતો આ કિસ્સો. મા બન્યા પછી એ કમળીનો ભોગ બનેલી. એના માટે લોહીની તાતી અને તાત્કાલિક જરૂર પડેલી. ત્યારે મુંબઇની જસલોક હોસ્પિટલની બહાર હજારોં રક્તદાતા કતારમાં ઊભા રહ્યા હતાં. હોસ્પિટલની સામે જ બ્લ્યુ સ્ટાર નામનું ક્લિનિક હતું. ત્યાં બ્લડ ગ્રુપ ચેક કરીને લોહી એકઠું કરવામાં આવતું અને બોટલ સીધી હોસ્પિટલનાં ટેબલ પર પહોંચી જતી. આટલો પ્રચંડ આદર અને સ્નેહ નિઃસંદેહ દરેક એક્ટ્રેસને નથી મળતો.

        ‘નિશાંત’ સ્મિતાની પહેલી ફિલ્મ ખરી. પણ એણે પહેલીવાર કેમેરાનો સામનો કરેલો ચિલ્ડ્રન ફિલ્મ ‘ચરણદાસ ચોર’ માટે. પત્રકારો સાથે એ ચર્ચા કરતી ત્યારે કમર્શિયલ ફિલ્મો પ્રત્યે ભારે ઉદાસીન અને અસંતુષ્ટ વર્તાતી. એ અચૂક કહેતી કે હું મસાલા ફિલ્મોથી અળગી જ રહેવા ઇચ્છું છું. એટલે જ એની કોઇ કમર્શિયલ ફિલ્મ ફ્લોપ થતી ત્યારે એને જરાય ફરક પડતો નહોતો. જાણે એવી વ્યર્થ ફિલ્મોનું ભવિષ્ય એ અગાઉથી જ જાણતી હોય! ‘ભીગીં પલકેં’ થી એક નવો હીરો અને નવો પુરૂષ સ્મિતાનાં જીવનમાં આવ્યો, નામે રાજ બબ્બર. એ એક એવો મિત્ર, સાથી અને પ્રેમી સાબિત થયો જેણે સ્મિતાનાં જીવનનો પ્રવાહ પલટી નાખ્યો. આ ફિલ્મનાં શૂટિંગ દરમ્યાન બંને ખૂબ નિકટ આવી ગયાં. જે સ્મિતા અગાઉ કોમર્શિયલ ફિલ્મોથી આઘી રહેતી એ રાજની નિકટતાને કારણે વધુ કોમર્શિયલ ફિલ્મો કરવા માંડી. ‘તજુર્બા’, ‘મેરા ઘર મેરે બચ્ચે’, ‘ચટપટી’, ‘શપથ’, ‘તીસરા કિનારા’, ‘નમક હલાલ’ એવી ફિલ્મો હતી જે સ્મિતા પાટીલનાં અભિનય સ્તર સામે મોળી હતી. વાત સ્પષ્ટ હતી કે આવી ફિલ્મો એ માત્ર રાજ ખાતર કરતી. જેથી બેઉ વધુ નિકટ રહી શકે. દિલચસ્પ અને નોંધનીય એ હતું કે એ વખતથી મસાલા ફિલ્મો સામે નારાજગી દર્શાવવાનું સ્મિતાએ બંધ કરી દીધું.



        રાજ બબ્બર એક પરિણીત પુરૂષ હોવાં છતાંયે બેઉએ લગ્ન કર્યા. પછી બેઉનાં પોષાકમાં પણ ગજબનું પરિવર્તન આવ્યું. અગાઉ હંમેશા જીન્સ-ટીશર્ટમાં દેખાતી સ્મિતા લગ્ન પછી સાડીમાં દેખાવા લાગી. તો રાજ બબ્બર કુર્તા-પાયજામા પહેરતો એમાંથી પેન્ટ-શર્ટમાં દેખાવા માંડ્યો. પોષાક જ નહીં પણ બંનેનાં વ્યક્તિત્વમાં પણ નવા રંગ અને નવો ઉલ્લાસ અને જોમ ઝળહળવા લાગ્યું. માતૃત્વનો લહાવો મેળવી પ્રતિક સમાન સ્વસ્થ અને સુંદર દિકરાને જન્મ આપ્યા પછી સ્મિતાનાં ચહેરા પર પ્રસન્નતા દેખાતી હતી.

        ડાયરી લખવાનો શોખ સ્કુલમાં ભણતી ત્યારથી જ સ્મિતાને હતો. દિનચર્યા ઉપરાંત જીવનનાં અંગત અનુભવો એ ડાયરીમાં નોંધતી. એની ડાયરીમાં નવલિકાઓ અને કાવ્યો પણ રહેતાં, અને એવી પણ વાતો જે એ કોઇને કહી નહોતી શકતી. કેટલીયે વાર દિલનો બોજ એ રોજનિશી લખીને હળવો કરી લેતી. સ્મિતાનાં આ સ્વલેખનથી એક વાત તો સ્પષ્ટ થતી કે એ એક ગંભીર ચિંતક અને અંતર્મુખી સ્વભાવની સ્ત્રી હતી. જીવનની દરેક પ્રતિતિ, દરેક અનુભવ અને પળને સમજવાનો એ પ્રયત્ન કરતી. સ્મિતા કેટલી હદે ભાવુક અને સંવેદનશીલ હતી એ એની ડાયરીનાં પાનામાં સ્પષ્ટ ઝળકે છે.

        સ્મિતાની ડાયરી આજેય રાજ બબ્બર પાસે મધુર સ્મૃતિનાં ખજાનાની જેમ સચવાઇ છે. અભિનેત્રી તરીકે પણ એ પોતાની અંદરની સ્ત્રીનું સ્વાભિમાન અકબંધ રાખવા પ્રતિબધ્ધ હતી. એક ઇન્ટરવ્યુમાં એણે કહેલિં કે એને એવાં દ્રશ્યો ભજવવામાં ખૂબ આનંદ અને સંતોષ મળે છે જેમાં નારીશક્તિ ઝળકે. પડદા પર સ્મિતા સ્ત્રીને શક્તિશાળી દેખાડવા જ ઇચ્છતી હતી. સ્ત્રીશક્તિનો પરચો દર્શાવતી તેની ફિલ્મ ‘વારીસ’ એને અન્ય ફિલ્મોથી વધુ સારી લાગેલી. પડદે શક્તિશાળી સ્ત્રીને ન્યાય આપતી સ્મિતા પરિવારમાં જો કે સહજ, ભાવુક અને સરળ હતી. તેથી જ ફિલ્મી દુનિયામાં એ કેટલાયની દીકરી તો કેટલાયની દીદી હતી. એનાં ફેન લેટર્સમાંયે મોટાભાગનાં એને દીદી તરીકે જ સંબોધતા.

        ફિલ્મોમાં ભલે એ મોંઘા અને ગ્લેમરસ પોષાક પહેરતી, પણ અંગત જીવનમાં કાયમ સાદા પોષાકમાં જ રહેતી. સ્વભાવે ભાવુક સ્મિતા ખૂબ તંગ સ્થિતિમાં રડી પડતી. ગાયનેકોલોજીસ્ટે એની ડીલીવરી પછી જ્યારે એને જણાવ્યું કે એ દિકરાની માં બની છે ત્યારે પ્રસન્નતાથી એ ધ્રુજવા માંડેલી. રાજ એની પાસે જ હતો.


        રાજની પ્રથમ પત્નિ નાદિરા અને બબ્બર ફેમિલીની સ્વીકૃતિ એને આસાનીથી નહોતી મળી. સ્મિતાએ તેમ છતાં પોતાના સારા સ્વભાવથી સૌનાં મન જીતી લીધાં હતાં. બદનસીબ એટલી કે દાંપત્યજીવનનું સુખ લાંબુ ભોગવી ન શકી. માત્ર ૩૧ વર્ષની આ કુશળ અને સંવેદનશીલ અભિનેત્રી ૧૩મી ડિસેમ્બર ૧૯૮૬નાં રોજ મૃત્યુ પામી. છતાંયે આ લખનારની જેમ લાખો, કરોડો ચાહકોનાં હ્રદયમાં એ જીવે છે. 


Tuesday 15 October 2013

ઇક રૂકા હુઆ ફૈસલા...

 


માત્ર અને માત્ર અભિનય અને સ્ક્રિનપ્લેનાં દમ પર એક ફિલ્મને કઇ કક્ષાની કલાકૃતિ બનાવી શકાય એનો ઉત્તમોત્તમ નમુનો એટલે ફિલ્મ ‘ઇક રૂકા હુઆ ફૈસલા’.

        મારી મનગમતી ફિલ્મોમાંની એક. ફિલ્મમાં નથી એક પણ મારધાડનું દ્રશ્ય કે મા-દિકરાનો ફુલ ઓફ મેલોડ્રામેટીક સીન. વિલન કે હિરો વચ્ચેની આરપારની લડાઇનું ( આ શબ્દ કંઇક સાંભળેલો લાગે છે કે ને?) પણ એકેય દ્રશ્ય નથી કે નથી હિરોઇન પોતાનું શીલ બચાવવા નફ્ફ્ટ અને નાલાયક એવા વિલનનાં ભાઇને કે બેટાને કાકલૂદી કરતો એક પણ સીન આ ફિલ્મમાં નથી.

        એકધારી સડસડાટ ચાલતી પટકથા, દમદાર અને જાનદાર અભિનય અને સંવાદોની સાથો સાથ ચુસ્ત એડિટીંગ અને અસરકારક સ્ક્રિનપ્લેને કારણે ફિલ્મ ખરેખર જોવા જેવી છે. ફિલ્મી કીડાઓ (મારી જેવા) ને ગમે એવી છે.

        ૧૯૮૬માં રીલીઝ થયેલી ફિલ્મ ૧૯૫૭માં આવેલ ‘ધ ટ્વેલ્વ એન્ગ્રીમેન’ નું હિન્દી વર્ઝન કહી શકાય. જેને સિડની લ્યુમેટે નિર્દેશિત કરેલી. અને એ સમયમાં અતિપ્રતિષ્ઠિત એવો ‘ગોલ્ડ્ન બિયર’ એવોર્ડ પણ જીતેલી. એવી ધ ટ્વેલ્વ એન્ગ્રીમેનનું હિન્દી રૂપાંતર એટલે આપણાં બાસુ ચેટરજી નિર્મિત અને નિર્દેશીત ૧૧૭ મીનીટ એટલે કે અંદાજે બે કલાક લાંબી અને ૧૫ રીલ ધરાવતી આ ફિલ્મ એટલે ‘ઇક રૂકા હુઆ ફૈસલા’.

        દમદાર અને અસરકારક સંવાદો રંજીત કપુર હતાં અને ફિલ્મની પટકથા રંજીત કપુર અને બાસુ ચેટરજીએ સાથે મળીને લખેલી. ફિલ્મમાં દિપક કેજરીવાલ, અમિતાભ શ્રીવાસ્તવ, પંકજ કપુર, એસ.એમ. ઝાહિર, સુબોધ ઉદ્ઘટે, હેમંત મિશ્રા, એમ. કે. રૈના, કે. કે. રૈના, અન્નુ કપુર, સુબ્બીરાજ, શૈલેન્દ્ર ગોએલ, અઝીઝ કુરેશી કલાકારો છે.

ડાબેથી, એમ. કે. રૈના, કે. કે. રૈના, અન્નુ કપુર અને સુબ્બીરાજ...
        ઉપર નામાવલી મુજબ ફિલ્મ આ ૧૨ લોકોની વચ્ચે અને આસપાસ જ ફરે છે. આ ૧૨ લોકોને એક રૂમમાં પુરી દેવામાં આવ્યા હોય છે અને એ સુચના આપવામાં આવી હોય છે કે તેઓ તેમને જે કામ સોંપવામાં આવેલું છે તેને યોગ્ય નિષ્કર્ષ પર લાવીને પછી જ બહાર નીકળી શકશે. અને શરૂ થાય છે એક એકથી ચડીયાતી દલીલોનો દોર…

એસ. એમ. ઝાહિર (બેઠેલા) અને પંકજ કપુર (ઊભા)

        ફિલ્મનો ઉઘાડ એક કોર્ટરૂમથી થાય છે જેમાં એક યુવાનનો ક્લોઝ અપ જે ધીરે ધીર ઝુમ થતો જાય અને દર્શકો યુવકની ફાટી રહેલી આંખો અને એ આંખોમાં સ્પષ્ટ રીતે ડોકાતો ડર જોઇ શકે છે. બેકગ્રાઉન્ડમાં કોર્ટરૂમનાં જજસાહેબનો અવાજ આવે છે જે પોતાનાં નિવેદનમાં રજુઆત કરે છે કે કોર્ટ કોઇ પ્રકારનાં નિર્ણય પર ન પહોંચી શકવાને કારણે એક ‘પેનલ ઓફ જ્યુરી’નું સંગઠન કરે છે. આ જ્યુરીએ કેસની તમામેતમામ બારીકી અને કોર્ટમાં રજુ કરવામાં આવેલ તમામ પુરાવાઓને વ્યવસ્થિત રીતે ચકાસી, અભ્યાસી અને બુદ્ધિની એરણ પર ચડાવીને આ કેસ સોલ્વ કરવાનો છે અને એક નિર્ણય પર આવવાનું છે. જો આ જ્યુરીનો નિર્ણય યુવક ને નિર્દોષ સાબિત કરશે તો એને છોડી મુકવામાં આવશે અમે જો જ્યુરીનો નિર્ણય યુવક કસુરવાર એટલે કે ગુનેગાર સાબિત કરશે તો બીજી કોઇ દલીલને નહીં સાંભળતા કોર્ટ યુવકને તુરંત જ ફાંસીની સજા આપી દેશે.

        માટે એક યુવકની જીંદગી અને મોત હવે આ ૧૨ સભ્યોની બનેલી જ્યુરી કમીટીનાં હાથમાં છે. માટે તમામેતમામ જ્યુરીને એક રૂમમાં શિફ્ટ કરવામાં આવે છે, જ્યાં બહારની દુનિયા સાથે તેમનો કોઇ સંપર્ક રહેશે નહીં. આ રૂમનું બારણું એક વાર બંધ થયા પછી ત્યારે જ ખુલશે જ્યારે સૌ સભ્યો એક મત થઇ ચુક્યા હોય. આ ૧૨ જ્યુરી સભ્યો સમાજનાં વિવિધ ક્ષેત્રમાંથી આવતા હોય છે. કોઇક મોટો વેપારી છે તો કોઇ સ્ટાઇલીશ બીઝનેસમેન. કોઇ આર્કિટેક્ટ છે તો કોઇ નાનકડી ફર્મમાં ક્લાર્ક. કોઇ અધ્યાપક છે તો કોઇ ઇન્ડસ્ટ્રીયલિસ્ટ. તો કોઇ એડવર્ટાઇઝર છે તો કોઇ ઉર્દુભાષા બોલતા બડેમીયાં. કોઇ સમાજનાં ઉચ્ચ વર્ગમાંથી આવે છે તો કોઇ એકદમ પછાત અને ગરીબીથી ખદબદતી ઝુપડપટ્ટીમાંથી. દરેક ક્ષેત્ર અને વર્ગનાં લોકોને આ જ્યુરીમાં સભ્ય બનાવીને આ કેસનો નિર્ણય કરવાનું કામ સોંપ્યુ છે.

        ક્ટ ટુ જ્યુરી રૂમ… પડદા પરનો સીન ચેન્જ થાય છે અને કોર્ટ રૂમમાંથી જ્યુરી રૂમમાં કેમેરો લગાવવામાં આવે છે. હવે પડદા પર આવનારી ૧૦૦ મીનીટ્સ સુધી આ જ દ્રશ્ય રહેશે. માત્ર કેમેરો ઉપસ્થિત આ ૧૨ પાત્રો ફરતો રહેશે.

        ફિલ્મમાં એક શબ્દ વારંવાર સાંભળવા મળે છે ‘માકુલ શક્’. માકુલ શબ્દ ઉર્દુ છે જેનો અર્થ થાય છે ઉચીત કે યોગ્ય. મતલબ કે જો કોઇ ઉચીત કે યોગ્ય શંકા ઉપજી હોય તો તેનું નિરાકરણ કરવું.

        હવે ધીરે ધીરે આ લોકો અંદરોઅંદર દલીલ કરે છે અને શરૂઆતમાં જે લોકોને લાગતું હોય છે કે યુવાન જ ગુનેગાર છે એનાં બદલે જ્યુરી નં ૮ ની સધ્ધર દલીલ અને યોગ્ય સમજાવટને કારણે છેવટે સહુ પોતાનો નિર્ણય અને દ્રષ્ટિકોણ બદલે છે અને નિર્ણય કરે છે કે યુવાન નિર્દોષ છે. આ તમામ પ્રક્રિયામાં જ્યુરી નં ૮ ને બાકીનાં ૧૧ જ્યુરીને જે રીતે ધીરજપુર્વક સમજાવવા પડે છે એ જ છે આ ફિલ્મનું હાર્દ. જ્યુરી નં ૮ બનેલા કે. કે. રૈના આ ફિલ્મમાં અભિનય દ્વારા દર્શકોને પણ વિચારતા કરી મુકે છે.

        જ્યારે જ્યુરી નં ૩ બનેલા પંકજ કપુરનો અભિનય હંમેશની જેમ જ કાબીલે દાદ છે. પંકજ કપુર આમ પણ એક પ્રતિભાશાળી અને અનેક અભિનય કૌશલ્યમાં પારંગત એવા કલાકાર છે. ફિલ્મનાં અંત સુધી તે પોતાનો મત બદલવા તૈયાર નથી અને જ્યારે બાકીનાં સૌનું એમ માનવું છે કે યુવક નિર્દોષ છે. ત્યારે જે રીતે પંકજ કપુર પોતાની વ્યથા વર્ણવે છે. બોસ દાદુ અભિનય હોં! એ સીવાય પણ જ્યારે જ્યારે ફિલ્મમાં નિર્ણય સંબંધી મતભેદો થયા છે ત્યારે તેમનો એગ્રેસીવ રીસ્પોન્સ ફિલ્મ જુઓ તો જ ખબર પડે.

        જ્યુરી નં ૯ બનતા અન્નુ કપુર. શું કહેવું આ કલાકાર માટે. ફિલ્મ ૧૯૮૬માં રીલીઝ થયેલી છે. આ સમયે અન્નુ કપુરની ઉંમર માત્ર ૩૦ વર્ષની હોવાની. ૩૦ વર્ષની નાની આયુએ અન્નુ કપુરએ જે ૭૦-૭૫ વર્ષનાં બુઝુર્ગનો અભિનય કર્યો છે તે સેંકડો તાળીઓને હક્કદાર છે. વાહ! અન્નુજી વાહ! તેની ડાયલોગ બોલવાની શૈલી અને અભિનય જોતાં એમ જ લાગે કે અન્નુ કપુરની ઉંમર હકીકતે આટલી જ હશે. પણ નહીં. આ તો એની અભિનયની કમાલ છે.

        આ સિવાયનાં જ્યુરી મેમ્બર, નં ૪, એસ. એમ. ઝાહિર એક સ્ટાઇલીશ બિઝનેસમેન બતાવ્યા છે. જે પોતાની વાત હંમેશા ટુંકમાં અને મુદ્દાસર કરતાં હોય છે. મેમ્બર નં. ૧૦ સુબ્બીરાજ. એક ઝઘડાળુ અને બદતમીઝ વ્યક્તિ તરીકે ફિલ્મમાં છે. જે જોરજોરથી ઉશ્કેરાટ ભર્યું અને માત્ર અને માત્ર ઝઘડો કરવા હેતુ બાકીની તમામ જ્યુરી સાથે પણ લડી બેસે છે. તેમને ઝુપડપટ્ટીનાં લોકોથી સખત નફરત હોય છે અને આ નફરતને કારણે તે ઉશ્કેરાટમાં જ પોતાનો અભિનય કરે છે. બાકીનાં જ્યુરી મેમ્બર નં ૨ - અમિતાભ શ્રીવાસ્તવ એક હિન્દી અધ્યાપક હોય છે અને પુરી ફિલ્મમાં શુધ્ધ હિન્દીમાં ઉચ્ચારણ કરે છે. જ્યુરી નં ૭ જેમાં એમ. કે. સૈના અભિનય આપ્યો છે. તે એક હેપી ગો લકી જેવો એક સેલ્સમેન તરીકે આ ફિલ્મમાં રજુ કરવામાં આવ્યો છે. ફિલ્મ, નાટક, સંગીત અને પુરે પુરો મતલબી વ્યક્તિ બતાવવામાં આવ્યો છે. જ્યુરી નં ૫, ૬  અને ૧૧ સુભાષ ઉદઘટે, હેમંત મિશ્રા અને શૈલેન્દ્ર ગોયેલ સમાજનાં મધ્યમ વર્ગમાંથી આવેલા હોય છે. તેઓ કોઇનો વિરોધ પણ નથી કરતાં અને પુરી ઇમાનદારી તેમને સોંપવામાં આવેલી જવાબદારી નીભાવે છે, અને પોતાની દલીલ, વાત અને મત ખુબ શાંત અને ધીરજથી બાકીનાં જ્યુરી મેમ્બર સામે મુકે છે. જ્યુરી નં ૧૨ અઝીઝ કુરેશી એક એડવર્ટાઇઝર હોય છે અને પુરી ફિલ્મમાં પોતાનાં મતને લઇને ખુબ જ મથામણમાં રહે છે. ક્યારેક એમના મતે યુવક નિર્દોષ છે તો ક્યારેક એમના મતે યુવક ગુનેગાર.

        જ્યુરી નં ૧ બનતા દિપક કાજરીવાલ એક સરકારી ઓફીસર છે જેને સરકારે આ જ્યુરીનાં હેડ તરીકે નિયુક્ત કરેલાં હોય છે. અને છેલ્લે જ્યુરી નં ૮ કે. કે. રૈના. જે ફિલ્મમાં આર્કિટેક્ટ હોય છે. આ પાત્ર ફિલ્મની શરૂઆતથી જ યુવકને નિર્દોષ માનતું હોય છે. પુરી ફિલ્મમાં આ જ્યુરી મેમ્બરની ધીરજની કસોટી થાય છે અને જે રીતે બાકીનાં તમામેતમામ ૧૧ જ્યુરી મેમ્બર સામે એક પછી એક દ્રષ્ટીકોણ રજુ કરીને તમામ પુરાવાઓને તે મુલવે છે અને દરેકને ધીરેધીરે પોતાનો મત બદલવા મજબુર કરે છે, તે જ જોવાનું છે. સુપર્બ…!


        ટુંકમાં પુરી ફિલ્મ માત્ર અને માત્ર વાર્તા, અને અભિનયનાં જોર પર છે. જોવા જેવી ફિલ્મ…
ફિલ્મનાં દ્રશ્યો...

Thursday 10 October 2013

માનવજીવનમાં શાસ્ત્રો અને ગ્રંથોનું મહત્વઃ-

    
 

        ભારતિય વેદશાસ્ત્રોની પરંપરામાં વૈદાતિરિક્ત સ્મૃતિ સાહિત્ય પણ વિશેષ મહત્વ ધરાવે છે. સ્મૃતિ શબ્દનો પ્રયોગ શ્રુતિગ્રંથોથી પૃથક બતાવવા માટે કરેલો છે. શ્રુતિ-સ્મૃતિ શબ્દનો વ્યુત્પત્યર્થ જોઇએ તો ખ્યાલ આવે કે, ‘શ્રુતિ એટલે ‘श्रुयते अनेन इति श्रुतिः’ અને સ્મૃતિ એટલે ‘स्मर्यते अनेन इति स्मृतिः’ પ્રાચીન ભારતમાં એક એવી પરંપરા હતી કે વેદ મંત્રોનું અધ્યયન કેવળ શ્રવણમાત્રથી થતું હતું, જેમકે ગુરૂ મંત્રોચ્ચાર કરે અને તેમની પાછળ શિષ્ય બોલે. એ સમયે અત્યારને જેમ લેખન કાર્ય કરીને ભણાવવામાં આવતું ન હતું. શિષ્યો કેવળ શ્રવણ માત્રથી ભણતાં, તેથી તેનું નામ ‘શ્રુતિ’ એવું પડ્યું અને કાળાન્તરે એજ વૈદિક મંત્રોનાં સિદ્ધાંતોને સ્મરણ કરી ઋષિઓએ જે ગ્રંથોની રચના લૌકિક ભાષામાં કરી તેને સ્મૃતિ કહેવામાં આવે છે.

        ઉપરોક્ત શ્રુતિસ્મૃત્યાત્મક ગ્રંથોમાં રહેલા આચારને જ ધર્મ એવું નામ આપવામાં આવ્યું છે. શ્રી સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રી શ્લોક ૧૦૩માં કહેલું છે કે, ‘धर्मो ज्ञेयः सदाचरः श्रुतिस्मृत्युपपादितः’ । સંક્ષેપમાં કહીએ તો શ્રુતિથી વેદ ગ્રાહ્ય છે અને સ્મૃતિથી ધર્મ શાસ્ત્રોનું ગ્રહણ કરાય છે. મનુસ્મૃતિમાં કહ્યું છે કે, ‘श्रुतिस्तु वेदो विज्ञयो धर्मशास्त्रं तु वै स्मृतिः’ । શ્રુતિ શ્રવણ, મનન અને અધ્યાપનનો વિષય છે, જ્યારે સ્મૃતિ કેવળ સ્મરણનો વિષય છે. ટુંકમાં સ્મૃતિ અને ધર્મશાસ્ત્ર આ બંન્ને શબ્દો પર્યાયવાચક કહી શકાય.

        વેદસાહિત્યમાં શ્રૌતસૂત્રોની જેમ કલ્પસૂત્રો પણ પ્રાપ્ત થાય છે. તેમાં શ્રૌતસૂત્રો જ્ઞાન, ઉપાસના તેમજ કર્મકાંડનાં વિવેચક છે. પણ ગૃહ્યસૂત્રો ગૃહસ્થજીવનની જન્મ, જન્મપૂર્વે, વિવાહ, મૃત્યુ કે મૃત્યુબાદ પ્રંસંગોપાત કરાતી ક્રિયાઓનું વર્ણન કરે છે. તેથી તેમને ગૃહ્યસૂત્રો અથવા સ્મૃતિસૂત્રો અર્થાત સ્મૃતિ આધારિત સૂત્રો કહેવામાં આવે છે. આ રીતે સ્મૃતિનો શ્રુતિથી ભેદ સ્પષ્ટ કરી શકાય છે. કારણ કે સ્મૃતિ કેવળ પ્રત્યક્ષ સ્મરણ ઉપર જ ભાર આપે છે, તેથી તેના માટે કોઇ વિશેષ શિક્ષા અથવા સાધનાની આવશ્યકતા નથી.

        સ્મૃતિગ્રંથોમાં મનુ અને યાજ્ઞવલ્કય સ્મૃતિઓ અગ્રેસર છે. તેમાં મનુસ્મૃતિ સર્વથી પ્રાચીન છે. જ્યારે યાજ્ઞવલ્કય સ્મૃતિ ત્યારબાદની રચના છે. પ્રાયઃ સ્મૃતિગ્રંથો પદ્યાત્મક છે અને તેમની ભાષા લૌકિક છે. મનુ, યાજ્ઞવલ્કય, ગૌતમ, અંગીરા, બૃહસ્પતિ, દક્ષ, શાતાતપ, પરાશર, પ્રચેતા, સંવર્ત, શંખ, લિખિત, ઉશનસ, આપસ્તમ્બ, અત્રિ, વિષ્ણુ, હારિત વગેરે ઋષિઓ મુખ્ય સ્મતિકારો કહેવાય છે અને ઉપસ્મૃતિકારોમાં વ્યાસ, સન્તકુમાર, બૌધાયન, ગાર્ગ્ય, નારદ, પુલાહો, શૌનક, કાત્યાયન, વિશ્વામિત્ર, પુલ્ત્સ્ય, ક્રતુ વગેરે ૨૧ ઋષિઓ છે.

        પ્રાચીનકાળથી અર્વાચીન સમય સુધી ઘણા વિદ્વાનોએ ધર્મની વ્યાખ્યાઓનું સ્વરૂપ આપણને સમજાવતા આવ્યા છે, પણ અદ્યાપિ ધર્મ એવું જ્યારે સાંભળવામાં આવે છે ત્યારે માનવીને એમ થાય છે કે ટીલાં-ટપકાં, કંઠી, માળા, દેવદર્શન વગેરે બાબતો જ ધર્મ છે. પરંતુ આ માન્યતા મહદ્દ અંશે ભૂલભરેલી છે. કારણ કે ધર્મનાં વાસ્તવિક સ્વરૂપને આપણે સમજી શક્યા નથી. ધર્મનાં લક્ષણ હજારો વર્ષ પૂર્વે મહર્ષિ જૈમિનીએ મીમાંસાં ગ્રંથમાં જણાવતા કહ્યું છે કે,
यतोड्भ्युदयः निश्रेयः स सिद्धि स धर्मः ।
અથવા
धारणाद्धर्ममित्याहु र्धर्मो धारयति प्रजाः ।
      અર્થાત, “જે ક્રિયા કે કર્મ કરવાથી તમારી અને બીજાની લૌકિક અને અલૌકિક પ્રગતિ થાય તેને ધર્મ નામ આપવામાં આવેલું છે.” અથવા “જે પ્રવૃત્તિ કરવાથી સમસ્ત સમાજનું અસ્તિત્વ વર્ષો સુધી ટકી રહે તેને ધર્મ કહે છે.” હવે આ બાબતમાં ક્યાં આવ્યા ટીલાં-ટપકાં કે માળા-કંઠી? અર્થાત માનવને સમાજમાં માનવ તરીકે જીવતા શીખવાડે, પશુ બનતા અટકાવે, પ્રગતિનાં રસ્તે લઇ જાય અને મનુષ્યનાં જીવનનું જે પરિબળ કરે તેને ધર્મ કહે છે.

        યાજ્ઞવલ્કય મહર્ષિનાં શબ્દોમાં કહીએ તો,
श्रुतिः स्मृतिः सदाचारः स्वस्य च प्रियमात्मनः ।
सम्यक्संकल्पजः कामो धर्ममूलमिदं स्मृतम् ॥
      અર્થાત, શ્રુતિગ્રંથો, સ્મૃતિગ્રંથો, સદાચાર કે મહાપુરૂષોએ આચરણ કરેલી ક્રિયા અને અંતઃકરણે ચીંધેલો માર્ગ મનુષ્યનાં વ્યક્તિત્વને ઘડે છે તે જ ધર્મ છે.

        માનવમાત્ર પોતાની ઉર્ધ્વગતિને ચાહે છે. પણ જ્યાં સુધી માનવ માનવતાને સંપાદન કરતો નથી ત્યાં સુધી તેની ઝંખના પૂર્ણ થતી નથી. ઇશ્વરે સૃષ્ટિમાં કેવળ માનવને બુદ્ધિ આપી છે. તે દ્વારા સારા-નરસાનો, ધર્મ-અધર્મનો નીર-ક્ષીરનો વિવેક પ્રાપ્ત કરી, માનવ પ્રેમ, દયા કે જીવપ્રાણીમાત્ર પ્રત્યે આત્મભાવ દેખાડી શકે છે. યદ્યપિ માનવનું વ્યક્તિત્વ જડ પદાર્થ તુલ્ય છે, છતાં તેનો વિકાસ મન, બુદ્ધિ. હ્રદય કે વિચારો જેવા ચેતન પદાર્થો વડે થાય છે. એટલું જ નહીં પ્રંતુ તે દ્વારા તે આત્માને પણ આધ્યાત્મિક માર્ગ ચીંધે છે.


        જ્યાં સુધી માનવી નિયંત્રણ કે નિયમનની હેઠળ હોય છે ત્યાં સુધી સુખી રહે છે. પણ જ્યારે ઉદ્ધત કે સ્વચ્છંદી બને છે ત્યારે પોતે તો દુઃખી થાય જ છે પણ તેની આસપાસનાં સમાજને અને મનુષ્ય માત્રને હેરાન કરે છે. આ પરિસ્થિતિમાંથી માનવને બચાવવા તેનાં પર નિયંત્રણ – નિયમન કે શાસન ખુબ જ આવશ્યક છે. પરંતુ આજના યુગનુમ સરમુખ્ત્યારશાહી કે લોકશાહી શાસન સમાજમાં ઇષ્ટ મનાતુમ હશે, પરંતુ તે સમાજને બચાવવા સમર્થ નથી, જે એક નિર્વિવાદ હકીકત છે જે સ્વિકારવી રહી. માનવને, સમાજને કે તેનાં અન્ય અંગોને સરળતાથી નિયમિત – નિયંત્રિત રાખનાર જો કોઇ હોય તો તે આ ભારતિય સંસ્કૃતિનાં મૂળભૂત ગ્રંથો છે, તેથી જ તે ગ્રંથોનું નામ ‘શાસ્ત્ર’ એવા શબ્દોથી સાર્થક થાય છે. 

Saturday 5 October 2013

માનવ મનનો અસલી ચહેરો ક્યો?



        પૂ. મોરારીબાપુ એમની કથા દરમ્યાન એક દ્રષ્ટાંત આપેલું, કે કોઇ આગળ પોતાનું દુઃખ રડશો નહીં, કોઇ આપનું દુઃખ દુર કરી શકે એમ નથી. દુનિયા શું આપણું દુઃખ દૂર કરવાની હતી? દુનિયાથી ન ભય પામવું કે ન લાચાર થવું. એમ કહેતાં તેઓ એક દ્રષ્ટાંત આપે છે એક છોકરો ગ્રેજ્યુએટ થયો. પણ નોકરી ન મળે. બધે નોકરી શોધી શોધીને અંતે થાક્યો અને નક્કી કર્યું કે જેવી મળે એવી નોકરી હવે સ્વિકારી લેવી.

        ગામમાં એક સરકર આવ્યું હતું. ડૂબતો માણસ જેમ તરણા ને બાઝે એમ આ છોકરો સરકસનાં મેનેજર પાસે ગયો. તેમને વિનંતી કરી કે ‘મને કોઇ પણ કામે રાખી લો, મારે નોકરીની સખત જરૂર છે.’ સરકસનાં મેનેજરે કહ્યું કે ‘ભાઇ, મારે ત્યાં તો બીજુમ શુમ કામ હોય? હા, એક કામ છે. ગઇકાલે રાતે અમારૂં રીંછ મરી ગયું. તું રીંછનું ચામડુ પહેરીને જો સરકસમાં રીંછનો રોલ ભજવે તો દરેક શોનાં તને દોઢસો રૂપીયા આપું.’ લાચારીમાં માણસ કોઇપણ કામ સ્વિકારી લે એમ છોકરાએ રીંછ બનવાનું સ્વિકારી લીધું. આ છોકરાએ થોડી તાલીમ લીધી અને શો દરમ્યાન રીંછનું ચામડું પહેરીને રીંગમાં આવ્યો. રીંછ તરીકે એનો પ્રભાવ પડ્યો.

        અચાનક રીંગમાં સિંહનું પાંજરુ લાવવામાં આવ્યું. પાંજરૂ ખુલ્યુ અને વિકરાળ સિંહે રીંછને જોઇને બહાર છલાંગ મારી. ભયનાં માર્યું રીંછ ભાગવા જતું હતું, ત્યાં પેલા સિંહે કહ્યું કે, ‘દોસ્ત, ડર નહીં ભાગ મા. તું ગ્રેજ્યુએટ થયેલો છે તો હું અનુસ્નાતક છું. તે રીંછનું ચામડું પહેર્યું છે અને મેં સિંહનું.’

        આ દ્રષ્ટાંત પછી બાપુ કહે છે કે ‘કોણ કોનાથી ભાગે? બધાએ મહોરાં પહેર્યાં છે. એ મહોરાં નીચે તો દુઃખ અને લાચારી જ છે. આ કથા આ દ્રષ્ટાંત મને ખુબ ગમે છે. આમ તો બાપુની બધી વાત મને ગમે છે પણ એમાં પણ આ ખાસ.

        આપણું દુઃખ આપણે કોઇનીય પાસે રડવા જઇએ તો કોઇ હમદર્દ હોય, દોસ્ત હોય તો સમભાવથી સાંભળે. કોઇ દેખાવ પૂરતો મિત્ર હોય તો મનમાં હસે પણ કે, ‘હંમ્મ, હવે  કેવો ફસાયો?’ કોઇને ઉપદેશ આપવાની આદત હોય તો એમ કહે કે, ‘ભાઇ, આમ ન કર્યું હોત તો આ દુઃખ ન આવત.’ દુઃખી હોઇએ ત્યારે બધા જ ઉપદેશ આપવા નીકળી પડે છે. કવિ મરીઝે સરસ કહ્યું છે કે,

‘બસ દુર્દશાનો એટલો આભાર હોય છે;
જે પણ મળે છે મુજથી સમજદાર હોય છે.’

        આવા ઉપદેશોથી દુઃખ ઘટતું નથી. ક્યારેક ઉપહાસને કારણે વધુ તિવ્ર બની જતું હોય છે. તો ક્યારેક સમભાવ કે અમસ્તી સહાનુભૂતિથી પણ વધતું હોય છે. જેની પાસે આપણે આપણા દુઃખડા રડવા જઇએ છીએ, શું એ પોતે સુખી હોય છે? જો એ સુખી હોય આટલો સમજદાર હોય તો તે આ દુન્વયી દુનિયાનાં વ્યવહારોથે પર થઇ ગયો હોય દોસ્ત…!

        છતાંય માણસને ક્યાંક તો હ્રદય ઠાલવવાનો ખપ પડે છે. આવું બને ત્યારે હ્રદય ઠલવાય છે ખરૂં? હ્રદયમાંનુ દુઃખ ઘટે છે કે વધે છે? કોઇને કહી દઇએ ત્યારે મન હળવું બને એવી માન્યતા છે. વાસ્તવમાં કહીએ તો એટલી ક્ષણો એટલી મીનીટો ભલે હળવાશ અનુભવીએ પછી તો માંહ્યલી વેદના ઓર ઉત્કટ બને છે. કારણ કે જેને પણ વાત કરો કે મન ખોલો તે ઘડીક સાંભળે, ઉપેક્ષા કરે, સમભાવ બતાવે, સહાનુભૂતિ વ્યક્ત કરે કે ઉપહાસ કરે પણ આ કોઇપણ સંજોગોમાં સામેવાંળી વ્યક્તિ તમારૂં દુઃખ ઘટાડી તો નથી જ શકતી. જે તે દુઃખની વેદના તો જે તે વ્યક્તિએ પોતેજ સહેવી પડતી હોય છે.



        હાં જે તમારી વાત સાંભળે છે તે પણ પોતાના દુઃખોથી પર થઇ ગયેલો હોતો નથી જ. હાં ક્યારેક જડ થઇ ગયો હોય તેવું બની શકે. જેથી એને પોતાના દુઃખોનો અનુભવ ન હોય. એની સંવેદનશક્તિની ધાર બૂઠી થઇ ગઇ હોય એવું બની શકે. કોઇક પોતાની વેદનાને ભીતર સંઘરીને સુખી હોવાનું મહોરૂં પહેરે છે. મહોરૂં એ આપણો નિત્ય સ્વભાવ છે. એટલે જ પોતાનો અસલ ચહેરો ભાગ્યે જ કોઇ જાણે છે. કવિ મનોજ ખંડેરીયાનાં શબ્દોમાં કહું તો,

‘ક્ષણો તોડવા બેસું તો વરસોનાં વરસ લાગે;
બુકાની છોડવા બેસું તો વરસોનાં વરસ લાગે…’

        બધા જ માણસોએ બુકાની બાંધી છે. જે ચહેરો અરીસામાં જોઇએ છીએ કે જેને આપણે કવચિત્ સુશોભિત કરીએ છીએ એ આપણો અસલ ચહેરો હોય છે ખરો? કેટકેટલી બુકાનીઓનાં પડ તેનાં પર ચડ્યા હોય છે! આપણે કોઇને મળીએ અને તેનાં ક્ષેમકુશળ પુછીએ ત્યારે ખરેખર આપણને એનાં ક્ષેમ કે કુશળની ચિંતા કે ખેવના હોય છે ખરી?
       
        માણસનાં મૃત્યુ પછી જ માણસને એનાં સદ્દ્ગુણોની ખબર પડે છે. અને એનાં ગુણગાન કરે છે. ક્યારેક આ ગુણગાનમાં નર્યો દંભ પણ હોય છે. ચહેરો પહેરીને કરાતી વાતોમાં સચ્ચાઇ ક્યાંય તળીયે પણ બેઠી હશે કે કેમ એ વાત વિચારયોગ્ય બની જાય છે. માત્ર મૃત લોકો માટે જ એવું નથી. આપણી સૌથી નજીકનાં માણસો પાસે પણ આપણે પુરેપુરા પ્રગટ થઇ શકીયે છીએ ખરા? ગમે તેટલી ઇચ્છા હોય તો પણ પ્રિયજન સમક્ષ પુરેપુરા પ્રગટ થવાનું શક્ય નથી. કોઇ માણસ પોતાનાં જ માણસો સામે પુરી રીતે પ્રગટ ન થઇ શકતો હોય ત્યાં બીજા લોકો સામે તો શું પ્રગટ થતો હશે કે ખૂલતો હશે? બીજાઓ સમક્ષ તો કેટકેટલા ચહેરાઓ ઓઢીને બેસતો હશે? અહંકાર એ માણસનાં અસલ ચહેરા પરનું એક પડ છે, ઘમંડ કે ક્રુરતા એ અન્ય પડ છે. એક બુકાની છોડીએ એટલે અસલ ચહેરો પ્રગટ થાય એવું નથી. અહંકારની બુકાની છોડીએ એટલે નમ્રતાની બુકાની નીકળે. ક્રુરતાની બુકાની છોડો એટલે દયાની બુકાની પહેરી લેવાય. આમ બુકાની છોડવાની પ્રક્રિયા સહેલી નથી. કવિ કહે છે એમ કરતાં તો વરસોનાં વરસ લાગી જાય.


        બધાં જ દુઃખી છે. એમાંથી કોઇ સુખનું મહોરૂં પહેરે છે. કોઇ વધુ દુઃખી હોવાનું. કરૂણ રાગ કાઢીને ભીખ માંગનારો હાથમાં મોટો સિક્કો કે નોટ આવી જાય તો ખુશીનું ગીત ગણગણવા માંડે અને કશું ન આવે તો બે-ચાર અપશબ્દો પણ ચોપડાવી દે, બોલી નાંખે. આનો અર્થ તો એ જ થયો કે તેને વધુ દુઃખી દેખાવાનું મહોરૂં જ પહેરેલું. આમાં અસલિયત ક્યાંય નથી. આ અસલિયત ને શોધવી ક્યાં? સોચો ઠાકુર…!