Sunday 30 June 2013

દ્રષ્ટિકોણ, Point of View…

        આપણાં દ્રષ્ટિકોણમાં અચાનક કોઇ મોટું પરિવર્તન આવે તો કેવી પ્રચંડ અસર ઊભી થાય છે તેનો અનુભવ આપણને ક્યારેક થતો હોય છે. કોઇ ટનલમાંથી ગાડી પસાર થતી વખતે આપણે બહુ મર્યાદિત રીતે જોઇ શકતા હોઇએ છીએ. ગાડી જેવી ટનલમાંથી બહાર નીકળે કે આંખ સામે ઊઘાડ થાય છે તેવી જ અનૂભુતિ દ્રષ્ટિકોણ બદલાતાં આપણ માનસમાં આપણાં વર્તનમાં જેવું ઓચિંતુ પરિવર્તન આવે ત્યારે થતી હોય છે. આ વાતને વધુ છણાવટથી સમજાવતો એક કિસ્સો અહીં લખું છું.

        હું એક સવારે ટ્રેનમાં પ્રવાસ કરી રહ્યો હતો. ટ્રેનમાં બધા શાંતિપૂર્વક બેઠા હતાં. કેટલાક છાપાં વાંચતા હતા, કેટલાક પોતાનાં જ વિચારોમાં ખોવાયેલા હતાં, તો કેટલાક અલટી-પલટી મારી ભાઇબંધો સાથે ધીમા અવાજે કોઇને ખલેલ ન પહોંચે એ રીતે ગપ્પા લડાવતાં હતાં, તો કેટલાંક બસ આંખો બંધ કરી આરામ કરી રહ્યા હતાં. ટુંકમાં ગાડીનાં આ ડબ્બામાં પૂર્ણતઃ શાંતિ અને આનંદનું વાતાવરણ હતું.

        એક સ્ટેશન પર ગાડી થોભી, અને અમારા ડબ્બામાં એક પુરૂષ અને તેનાં બાળકો દાખલ થયાં. બાળકો એટલાં ધમાલિયા અને ઘોંઘાટિયાં હતાં કે તરત અમારા ડબ્બાનું વાતાવરણ બદલાઇ ગયું. જ્યાં થોડી વાર પહેલાં એકદમ શાંતિ ત્યાં અચાનક શોરબકોર અને ધમાલ ફેલાઇ ગયેલી. મારા પરમ આશ્ચર્યનું કારણ તો એ હતું કે આ બાળકો જે પુરૂષ સાથે આવેલાં તે તો એકદમ નિર્લેપભાવે મારી પાસેની બેઠકમાં બેઠો અને તેની આસપાસની પરિસ્થિતિથી અલિપ્ત હોય એમ એણે આંખો બંધ કરી દીધી. તેનાં બાળકો જોરદાર શોરબકોર અને ધમાલ કરી રહ્યા હતાં. ચીજવસ્તુઓ ગમે તેમ ફેંકી રહ્યા હતાં, લોકોનાં છાપાં ખૂંચવતાં હતાં. આટલી ધાંધલ હોવા છતાં મારી પાસે બેઠેલ પુરૂષ પરિસ્થિતિને નિયંત્રણમાં રાખવાને બદલે કશું જ કર્યા વગર આંખો મીચીને પડ્યો હતો.

        આવી પરિસ્થિતિમાં અકળામણ થાય તે અત્યંત સ્વાભાવિક હતું. હું માની ન શક્યો કે કોઇ પુરૂષ પોતાનાં બાળકોને આમ જ છૂટા મુકી દઇ કશું જ ન કરે તેવો અસંવેદનશીલ હોય! ટ્રેનનાં અમારા ડબ્બાનાં બીજા પ્રવાસીઓ પણ મારી જેમ જ અકળાઇ ઉઠ્યા હતાં. છેવટે મેં અસાધારણ ધીરજપૂર્વક અને મારા ગુસ્સા પર સંયમ કરીને પેલા પુરૂષને કહ્યું, “ભાઇ, તમારા બાળકો આસપાસનાં માણસોને ખૂબ ખલેલ પહોંચાડી રહ્યા છે. શું તમે તેમને જરા કંટ્રોલમાં રાખો, અને શાંતિથી બેસવાનું કહો.”

        જાણે આ ધમાલ અને ધાંધલ ભરી પરિસ્થિતિથી મારા કહેવાથી જ જાણે સભાન થઇ રહ્યો હોય અવગત થઇ રહ્યો હોય તેમ તેણે માથું ઉંચક્યુ અને ધીમેથી બોલ્યો, “હા, તમારી વાત સાચી છે. મને લાગે છે કે મારે કંઇક કરવું જોઇએ. અમે હમણાં હોસ્પિટલમાંથી જ આવી રહ્યા છીએ, જ્યાં આ બાળકોની મમ્મીનું એક કલાક પહેલાં જ મૃત્યુ થયું છે. મારું મગજ જાણે કંઇ કામ જ નથી કરી રહ્યું અને મને લાગે છે કે આ બાળકોની પરિસ્થિતિ પણ કંઇક એવી જ છે.”

        મને એ ક્ષણે શું થયું હશે તેની તમે કલ્પના કરી શકો છો?

        મારો દ્રષ્ટિકોણ બદલાઇ ગયો. મારી સમજ બદલાઇ ગઇ. પરિસ્થિતિને જોવાની મારી સંપુર્ણ દ્રષ્ટિ જ બદલાઇ ગઇ અને દ્રષ્ટિ બદલાઇ એટલે મેં હકીકતોને જુદી જુદી રીતે જોઇ, જુદી જ લાગણી અનુભવી. જુદી જ રીતે વિચાર કર્યો અને જુદું જ વર્તન થયું. મારી તમામ અકળામણ જાણે કે પલકવારમાં અદ્રશ્ય થઇ ગઇ. મારે મારા અભિગમ કે વર્તણૂંકને નિયંત્રિત કરવાની જરૂર જ ન પડી. મારૂં હ્રદય, મન અને આંખો પણ પેલા પુરૂષની વેદનાથી ભરાઇ ગયું. તેના પ્રત્યે સહાનુભૂતિ અને કરૂણા થઇ.

        મિત્રો, ઘણાં મનુષ્યોનું માનસ જીવનની કટોકટીની ક્ષણોમાં આ જ રીતે અચાનક બદલાય જાય છે. તેનાં કારણે તેઓ પોતાના જીવનની અગ્રિમતાઓને બદલી નાખે છે. અચાનક કોઇ મોટી ઘટના બનતા ઘણા લોકો આ પરિસ્થિતિમાંથી પસાર થતાં હોય છે. એ સાવ સીધીસાદી વાત છે કે, વ્યક્તિ-વિકાસ-નીતિથી આપણે આપણાં અનુભવોથી આપણાં વાણી, વર્તનમાં, વ્યક્તિત્વમાં નાના મોટા ફેરફાર કરી શકીયે છીએ. પરંતુ જો સમૂળગુ વ્યક્તિ પરિવર્તન ઇચ્છતા હોઇએ તો આપણે આપણાં મુળભૂત દ્રષ્ટિકોણને બદલવો પડે. એક જબરજસ્ત મોડ, જબરજસ્ત વળાંક જ આપણાં સંપુર્ણ વ્યક્તિત્વને બદલી શકે છે.

        મૂળે આપણાં દ્રષ્ટિકોણ આપણાં ચરિત્ર્ય સાથે જોડાયેલાં છે. આ દ્રષ્ટિકોણ જ આપણું માનસદર્શન કે ચરિત્ર્ય છે. આપણે જેવા છીએ તેવું જ દેખાય છે કે બીજા શબ્દોમાં કહું તો જોઇ શકીએ છીએ. (જેમકે, ‘કમળો હોય એને બધે પીળું જ દેખાય) અને આ જોવું (Seeing) તે આપણાં હોવા (Being) સાથે ગાઢ સંબંધ ધરાવે છે. આપણે આપણા હોવાપણાંને બદલ્યા સિવાય આપણી દ્રષ્ટિને ખાસ બદલી શકતાં નથી. આનાથી વિરુધ્ધ પણ આટલું જ સાચું છે.

        ટ્રેનમાં પેલાં પુરૂષની વાત પુરી જાણ્યા પછી અપરાધભાવ કે અન્ય કારણોસર મૂંગા બની બેસી રહેનાર લોકો પણ હશે; તો એવા પણ લોકો હશે જેઓ પોતાની સંવેદનશીલતાને લઇને પહેલેથી જ પરિસ્થિતિનાં ઊંડાણમાં કોઇ ગંભીર સમસ્યા હશે તેવું પારખી ગયા હોય.

        રિડરબિરાદરો, આ ચશ્મા, આ કાચ ખૂબ જ પ્રભાવશાળી છે, કારણ કે તેનાં દ્વારા જ આપણે વિશ્વને નિહાળીએ છીએ, અને આપણે જે રીતે વિશ્વને નિહાળીએ છીએ તે જ આપણાં જીવનની અસરકારકતાનો પાયો છે.

Tuesday 25 June 2013

વર્ષાગીતો…

શ્રોતાને ભીંજવતા સૂર, તાલ અને શબ્દો…

        પાંચ-સાત હજારની વસ્તીવાળા ગામડામાં ગારમાટીનાં ઝૂંપડા છે. સુખી, સંતોષી લોકો છે. એક જ ફરીયાદ છે તેમના હૈયામાં, ગયા વરસે ચોમાસું સારું નહોતું ગયું. આ વરસે કેવું જશે? ત્યાં તો ડુંગર પરના મંદિરનો ઢોલ માંડ્યો ધ્રબુકવા. બધા દોડ્યા મંદિર તરફ. ઢોલ વગાડનાર યુવાનનાં હરખનો પાર નથી. તેનો હરખ ઢોલ પર પીટાતી દાંડીમાં વ્યક્ત થાય છે. કારણ કે એ મૂંગો છે. ગામલોકો એનાં હરખનું કારણ પૂછે છે ત્યારે ક્ષિતિજ પર ગોરંભાયેલા કાળાં ભમ્મર વાદળો દેખાડે છે.

        અને ગામ આખું હરખઘેલું થઇને નાચી ઊઠે છે. સૌનું અંતર પુલકિત થઇ ઊઠ્યું છે અને દરેકના હોઠે ગુંજે છેઃ "काले मेघा काले मेघा, पानी तो बरसाओ, बिजुरीकी तलवार नहीं, बूंदो के बान चलाओ..."

        આમિર ખાનની ‘લગાન’ ફિલ્મનું આ વર્ષા ગીત પડદા પર પણ અનેરી અસર ઊભી કરે છે તેમ ઘરનાં ડ્રોઇંગરૂમમાં સીડી પ્લેયર યા ફોનમાં પણ સાંભળતી વખતે પણ એવોજ અનેરો આનંદ અને એવી જ ભાવવહી અસરકારકતા ઊભી કરે છે.

        મિત્રો, દેશનાં ખૂણેખૂણે આજે ચોમાસું જામી ગયું છે અને અમુક જગ્યાએ તો કાળોકેર પણ વર્તાવ્યો છે. (ઉત્તરાખંડમાં ખાસ) પણ આજે મેઘરાજાનાં આ ભયાનક રૂપને નહીં પણ તેની પધરામણી થતાં મનમાં ઉઠતા તરંગો, મનોભાવો અને ખાસ તો ફિલ્મી ગીતોની વાત અહીં કરવી છે. વરસાદ અને તેનાંથી ઊભા થતી અસર અને આડઅસર વિશે આપણે અગાઉનાં લેખમાં જાણ્યું અને માણ્યું. આજે અહીં ફક્ત વરસાદી ગીતો વિશે જાણીયે અને આ રેઇની સોંગાસ્વાદને માણીયે…

        આ લેખમાં વર્ષા ગીતોની મોજ માણીએ. અહીં થોડી છૂટ લીધી છે. વર્ષા ગીતો એટલે વરસાદને લગતાં તેમ વરસાદને બેકગ્રાઉન્ડ બનાવીને કથામાં કે ફિલ્મની સ્ટોરીમાં પૂરક બની રહેતાં ગીતોની વાત કરી છે.

        ‘લગાન’માં જેવી રીતે ફિલ્મનાં પ્રારંભમાં વાદળને વરસવા વિનવતું ગીત છે, એવી રીતે તા. ૬ ડીસેમ્બર ૧૯૬૫નાં રોજ રીલીઝ થયેલી નવકેતન બેનરની ફિલ્મ ‘ગાઇડ’માં ફિલ્મનાં ક્લાઇમેક્સમાં હીરો (દેવ આનંદ) ઇશ્વર પાસે વરસાદની માંગણી કરતું એક ગીત "अल्लाह! मेघ दे पानी दे..." જરા જુદા સંદર્ભમાં દેખાડેલું.

        આમ તો પચાસ વર્ષનાં પાંચસો વર્ષા ગીતો મળે. આ તો રાતભર છાપરે ત્રમ ત્રમ કરતાં મેઘરાજા સાથે થોડું ગાવું છે, નાચવું છે અને વીતેલા સમયનીં ગીતોને યાદ કરવા છે. ક્યાંથી શરૂ કરીશું?

        "हम ना रहेंगे, तुम ना रहोगे, फिर भी रहेगी निशांनियां..." યાદ આવી ગયું ને? રાજ કપુર અને નરગીસ વરસતાં વરસાદમાં એક છત્રી નીચે આંખમાં આંખ પરોવીને ઊભાં હોય છે. નજીકથી બાળકો રેઇનકોટ પહેરીને સ્કુલ જઇ રહ્યા હોય છે અને પડદા પર આ ગીત ગૂંજી ઉઠે છે – 'प्यार हुआ, इकरार हुआ है...' આ ગીત આમ તો વર્ષા ગીત ન કહી શકાય, હકીકતમાં આ રોમેન્ટીક સોંગ છે. છતાં આ ગીતનાં પિક્ચરાઇઝેશનનાં કારણે આ ગીતને વર્ષા ગીતની કેટેગરીમાં મુકી શકાય. કા.કે. આ ગીતને બેકગ્રાઉન્ડમાં વરસાદ વગર આ ગીતની કલ્પના કરવી પણ મુશ્કેલ છે.

        બીજું એક ગીત, "ईक लडकी भीगी भागी सी, सोती रातों में जागी सी, मीली इक अजनबी से, कोई आगे ना पीछे, तुमही कहो ये कोई बात है? हम्म्म्म्म्म....!!!!!!" ફિલ્મ ‘ચલતી કા નામ ગાડી’નું આ રમુજી ગીત વરસાદી માહોલમાં ઝડપ્યું હતું. ફિલ્મનાં સંગીતાકાર હતાં એસ.ડી.બર્મન. આ ગીતની બંદીશ હકીકતે મધ્યપ્રદેશનાં ખંડવામાં (ગાંગુલીભાઇઓનું વતન) સાંભળેલા કોઇ ગીતની હતી. બંદીશ થોડી ગંભીર હતી. પરંતુ કિશોરકુમારને તેનાં સ્વભાવગત તેમાં થોડો રમુજી ટચ જોઇતો હતો. કા.કે ફિલ્મ ‘ચલતી કા નામ ગાડી’ એક કોમેડી ફિલ્મ હતી અને તેનાં ગીતો આવા ગંભીર પ્રકારનાં બને તે કિશોરકુમારને મંજુર નહોતું. એનો તોડ કાઢ્યો એસ.ડી. નાં તરવરિયા અને અત્યંત પ્રતિભાશાળી રાહુલદેવે (પંચમે). બંદિશ એની એ જ રહી પણ તેમાં વચ્ચે વચ્ચે મોટરનાં હોર્ન જેવાં અટકચાળા અવાજો મુક્યા, કિશોરકુમાર પોતે આ ગીત ગાવાનાં હતાં. એટલે તેમણે પણ પોતાની રીતે ઉમેરો કર્યો. વાં વાં વાં વાં વાં વાં વાવાવાવા… (યાદ આવ્યું) આ કિશોરદા નાં રમુજી ભેજાની ઉપજ હતી. સાથોસાથ ફિલ્મની અત્યંત ખૂબસુરત અદાકાર ‘મધુબાલા’એ પણ એ પણ પોતાનાં નખરા પડદા પર ગીતમાં ઉમેર્યા… ને લ્યો એક ગંભીર ધુન સાથે બનાવેલું સચીનદેવનું ગીત બની ગયું કોમેડી વર્ષા ગીત.

        ફિલ્મ ‘બરસાત’ (જુનુ) નાં ગીત "बरसातमें हमसे मीले तुम सजन, तुमसे मीले हम, बरसातमें..." ફિલ્મ સંગીતકારોનો માનીતો રાગ ભૈરવીમાં ફિલ્મનાં સંગીતકાર શંકર જયકિશને અત્યંત મીઠું વર્ષા ગીત બનાવ્યું છે. જે સાંભળવાની પણ એટલી જ મજા આવે છે, કારણ કે તેમાં ઉમેરાયેલો ‘વઘાર – તડકા’ (તાક્ ધીના ધીન…) જે ઢોલક પર આ થાપ પડે છે એ આ ગીતને એક અનોખી મસ્તી આપે છે. મિત્રો એમાં થયેલું એવું કે આ ગીતની ધુન જયકિશને બનાવીને જ્યારે રાજ કપુરને સંભળાવી ત્યારે રાજકપુરને ગમી તો ખુબ પણ કંઇક ખૂટતું હોય એવું લાગ્યું. ગમે તે હોય રાજકપુરને કંઇ જામતું નહોતું. ત્યાં અચાનક ઢોલક પર થાપી મારતાં શંકર (શંકર-જયકિશન ફેઇમ) ‘તાક્ ધીના ધીન’ અને રાજક્પુર ઊછળી પડ્યા કહે કે, ‘બસ યહી તો કમી થી…’ આમ રાજકપુરની પહેલી ફિલ્મ ‘બરસાત’ નું ટાઇટલ સોંગ અને એક શ્રેષ્ઠ વર્ષા ગીત આપણને સૌને મળ્યું.

        રાજકપુર અને શંકર-જયકિશનનું એક ઔર હીટ વર્ષા ગીત ફિલ્મ ‘બૂટ પોલિશ’ માં છે. યાદ આવ્યું? "लपक जपक तुं आ रे बदरवा, सर की खेती सुख रही है" આ ગીતની કોમેડી તો પડદા પર ગીત જોવામાં જ છે. જેનાં પર આ ગીત ફિલ્માવવામાં આવ્યું છે એવા દિવંગત ચરિત્રનટ ડેવીડ પાસે ખુબ અને વારંવાર રીહર્સલ કરાવતાં પણ કંઇ જામતું નહોતું કા.કે ગીતનાં તબલાંની થાપ પર સમ સાથે ડેવીડનાં હાથનો તાલ મળતો નહોતો. એવું ડેવીડ જાહેરમાં અનેક વાર કબુલી ચુકયા છે. ગીતની તર્જ રાગ મેઘમાં શાસ્ત્રિય રીતે બનાવવામાં આવી છે. મન્નાડે જેવા સિધ્ધહસ્ત ગાયકે આ ગીતને ખુબ ભાવપુર્વક ગાયું છે.

        વરસાદનું સૌથી સૌમ્ય, સૌથી સરળ છતાં અત્યંત ખૂબસુરત ગીત સંગીતકાર રોશને ફિલ્મ ‘બરસાત કી રાત’ (૧૯૬૦) માટે બનાવેલું. ગીતનાં શબ્દો હતાં, સહિર લુધિયાનવીનાં. શું શબ્દો લખ્યા છે સાહેબ. સાંભળો તો ખ્યાલ આવે કે સહિર મનથી કેટલા રોમેન્ટિક વ્યક્તિ હતાં. આ ફિલ્મનો હિરો ભારત ભૂષણ જેને અગાઉ ‘તાનસેન’ અને ‘બૈજુ બાવરા’ જેવી સંગીતકાર કે ગાયકની ભૂમિકા વાળી ફિલ્મો કરેલી. આ ફિલ્મનું આ વર્ષા ગીત એટલે રાગ યમન, કહેરવા તાલની સંગતમાં બનેલું, "झिंदगीभर नहीं भूलेगी वो बरसात की रात" ફિલ્મ ‘ચલતી કા નામ ગાડી’ નાં ગીત ‘ઇક લડકી ભીગી ભાગી સી…’ નાં વિચાર સાથે આ ગીતમાં કેવું સામ્ય છે. જોકે એક મસ્ત જોગાનુજોગ છે આ બંને ગીતમાં કે બંને ગીતો ફિલ્માવવામાં આવ્યા છે ફિલ્મ ઇન્ડસ્ટ્રીની આજ દિન સુધીની સૌથી ખુબસુરત અને અનુપમ સૌંદર્યની માલિક ‘મધુબાલા’ પર. આ ગીત એ જમાનાનાં ઓલ ઇન્ડિયા રેડિયોનાં હૈદરાબાદ સ્ટેશન પર આવતું હોય છે એવું ફિલ્માંકન થયેલું છે. આ ગીત ફિલ્મમાં બે અવાજોમાં મોહંમદ રફી એ અને એક લતા મંગેશકરે ગાયેલું છે. બંને ગીતોમાં મોહંમદ રફીએ રોમેન્ટિક વર્ઝન ગાયું છે જ્યારે લતાનાં અવાજમાં ગવાયેલું ગીત સૅડ સોંગ છે.

        ૧૯૬૦માં રજુ થયેલી નવકેતન બેનરની ફિલ્મ ‘કાલા બાઝાર’ નું "रीमजीम के तराने ले के आयी बरसात...". ગીતા દત્ત અને મોહંમદ રફીનાં અવાજમાં આ વર્ષા ગીત સાંભળવાને લાયક છે. યોગાનુયોગે આ ગીતની બંદીશ-તર્જ-ટ્યુન ઇશાન ભારતનાં લોકસંગીત પર આધારિત હતી. આ ગીત તમે ધ્યાનથી સાંભળશો તો એમાં ખરેખર પતરાં પર ત્રમ ત્રમ વરસાદ પડતો હોય તેવું સંભળાય છે. આ ત્રમ ત્રમનો અવાજ આપણાં ગુજરાતી લોકસંગીતમાં ભજનિકો અને ખાસ તો લોકગાયક હેમંત ચૌહાણ પોતાનાં તમામ કાર્યક્રમોમાં જે હાથમાં રાખીને વગાડે છે ગાય છે એ એકતારાનો અવાજ છે. આ અવાજને કારણે આ ગીતની મધુરતા વધી છે.

         ‘બૈજુ બાવરા’નાં વર્ષાગીતનાં ઉલ્લેખ વિના તો કેમ રહી શકાય. ફિલ્મમાં નાયક બૈજુને તેનાં ગુરૂ હરિદાસ સ્વામી ઋતુ પ્રમાણે જુદા જુદા રાગ-રાગિણી શીખવે છે. તેમાં રાગ - મલ્હાર પણ આવે છે. સંસ્કૃતમાં વરસાદ માટે ‘मल हारयति (ગંદકી દૂર કરે) इति मल्हार’ એમ કહેવામાં આવ્યું છે. ફિલ્મ ‘બૈજુ બાવરા’ માં એક વર્ષા ગીત ‘घनन घनन घन बरसे’ રાગ મેઘમાં ઉસ્તાદ અમીરખાંનાં સ્વરમાં હતું. ઉસ્તાદજીની ગાયનશૈલી જ એવી હતી જ્યારે તે ગમક કરતાં અને સમ પર આવતાં તે શૈલી અનોખી હતી. આ ગીત સામે મહંમદ રફીએ ‘બૈજુ બાવરા’માં ગાયેલું "झुम झुम बदरिया बरसे..." રાગ ગૌડ મલ્હારમાં સાંભળો તો બંને ગીતો વચ્ચેનો ભેદ તરત જ સમજાઇ જશે.

        છેલ્લે, લતા-મુકેશનું ફિલ્મ ‘મિલન’નું ગીત "सावन का महिना, पवन करे सोर..." નો ઉલ્લેખ કરવો જ પડે. આ ગીતમાં ગાયકોએ વધુ મહેનત કરવી પડી. કા.કે સાચા અને સ્પષ્ટ ઉચ્ચારો સાથે ગાવાનું ટેવાયેલા આ મંજાયેલા ગાયકોને જાણી જોઇને ખોટો ઉચ્ચાર કરીને ગાતી વખતે વધુ મહેનત પડતી.

        બાકી તો તમારા પણ મનગમતાં ગીતો વિશે અહીં કોમેન્ટમાં લખશો તો મારી વર્ષાગીતોની યાદી પણ સમૃધ્ધ થશે… 

Thursday 20 June 2013

Rain, વરસાદ, बारीश, மழை, వాన, بارش, पाऊस, ಮಳೆ...




          મેઘ શબ્દનો અર્થ વરસાદ થાય છે. ગુજરાતી લોકસાહિત્ય પ્રમાણે ૧૨ પ્રકારનાં મેઘ એટલે કે વરસાદનું વર્ણન કરવામાં આવેલ છે. એટલે જ પેલી કહેવતની જેમ કહે છે ને કે ‘બારે મેઘ ખાંગા’. આ ૧૨ પ્રકારનાં વરસાદ નીચે પ્રમાણે છે.
         જેમકે, ફરફર, છાંટા, ફોરા, કરા, પછેડીવા, નેવાધાર, મોલ-મેહ, અનરાધાર, મુશળધાર, ઢેફાભાંગ, પાણ-મેહ અને હેલી…




વર્ષાઋતુ તો રોમેન્ટીક થવાની મોસમ છે. સીધો સાદો માણસ પણ આ ઋતુમાં જેવો વરસાદનાં બે છાંટા પડે કે એનામાં રહેલો પ્રેમી જાગે છે અને પોતાનાં પ્રિયતમને પ્રેમ કરવા લાગે છે. બંને જણા એકબીજાનાં હાથમાં હાથ પરોવી ને ખુલ્લી અને સુમસામ સડક પર ધોધમાર વરસાદમાં ચાલ્યા છો ક્યારેય? દોસ્ત! જીવનનો એ એક અવિસ્મરણીય અનુભવ રહેશે એ ગેરંટી… અને એમાં પણ કંઇક ગાવાનું મન થાય તો ગાઇ પણ લેવાનું. જરા પણ શરમાવાનું નહી. જે સાથે છે એ પ્રેમિકા હોય કે પછી પત્નિ. બંને આપણને નખશીખ ઓળખે છે માટે એનાથી શું શરમાવાનું. સાહેબ… આ સ્થિતિ તો માણો જે અનુભવો તો જ અહેસાસ થાય. ‘રીમઝીમ ગીરે સાવન, સુલગ સુલગ જાયે મન, ભાગે આજ ઇસ મૌસમ મેં, લગી કૈસી યે અગન…’ યાદ આવ્યું આ ગીત?


વરસાદ પડતાં ગરમાગરમ ભજીયાં અને ચાની જેમજ ચોક્કસ હિન્દી ફિલ્મોનાં ગીતો યાદ આવી જ જાય. આ લખનારે અહીં આ લેખનાં અંતે પોતાનાં મનગમતાં વર્ષાઋતુનાં ગીતોની યાદી મુકી છે. વરસાદની મોસમ વિશે કે વર્ષાઋતુ વિશે તો શું કહું? દોસ્તો, આ એક ઋતુ એવી છે જેમાં વરસની ત્રણેય ઋતુનો અનિભવ થાય છે. ક્યારેક તડકો પડે, ખુબ વરસાદ પડ્યા પછી જે તડકો નીકળે ત્યારે પ્રકૃતિની સુંદરતા ચારે કળાએ ખીલી ઉઠી હોય એવું લાગે. આને તળપદી ભાષામાં ‘વરાપ’ નીકળી કહે છે. મતલબ કે વરસાદે થોડો ખમૈયા કર્યો તો હવે કામે(ગુજરાતીમાં) વળગો. ધોધમાર વરસાબ પછી વાતાવરણમાં ચોમેર પ્રસરી જતી ઠંડકનો અનુભવ પણ આ જ મોસમમાં થાય છે, જેને અમારી બાજુ આ વિસ્તારમાં ‘ટાઢોડું’ એવાં શબ્દપ્રયોગથી નવાજવામાં આવે છે. એટ્લે કે વાતાવરણ ટાઢોડ્યું થઇ જાય છે. એટલે તરત જ ઘરધણી રસોડામાં આંટો મારીને હળવે સાદે શ્રીમતિજીને કહે છે કે સાહેબ, આજે કંઇક ગરમાગરમ અને ચટપટું બનાવો. ગરમાગરમ ભજીયાં, ગોટા, ગાંઠીયા એ પણ તીખાતમતમતાં મરચાં અને ડુંગળી (સ્વામિનારાયણ ભાઇઓ માફ કરે) સાથે મસાલેદાર ચા (ગુજરાતમાં હજુ “પ્રોહીબીશન” ચાલે છે એટલે બીજું કંઇ ન મળે) ની સંગત હોય તો તો ભાઇ પુછવું જ શું! અમને તો અહીં બેઠા બેઠા જ સ્વર્ગનો અહેસાસ થાવા માંડે.

આ બધી કરામત સુજે આ મોસમ બેસતાં જ. હાં આ સીઝનમાં ખાવા પીવા બાબતે થોડું ધ્યાન રાખો તો આ મૌસમ ખરેખર શરીર માટે પણ ખુબ ફાયદાકારક છે.

       વર્ષાઋતુને ઋતુઓની રાણી કહેવામાં આવે છે, કારણ કે જળ એ જ જીવન છે. જો વરસાદ પડે તો જ પાણી આવે ને તો જ સામાન્ય જનજીવન આગળ ચાલે. વરસાદ આવે એટલે દરેકનાં શરીરમાં જાણે કે આનંદ અને ઉત્સાહનો સંચાર થાય છે, બહાર ફરવા હરવાનું મન થાય છે, પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠે છે અને મન આનંદવિભોર બની ઉઠે છે. નદી-નાળામાં પાણી આવે છે વૃક્ષો પર નવું જીવન ઉગે છે અને પુરો માનવ સમુદાય આ જોઇને આનંદીત થાય છે. સમગ્ર પ્રકૃતિ જાણે કે પોતાનો મિજાજ બદલે છે. આમ, વર્ષાઋતુમાં એક નવું જ વાતાવરણ જોવા મળે છે. પરંતુ ક્યારેક આ વર્ષાઋતુ ઘણાં લોકોમાં બેચેની, હતાશા, ગભરાટ, માથાનો દુઃખાવો વિગેરેનાં અનુભવને લીધે અસહ્ય લાગે છે.

        ઘણાં લોકો આખું વર્ષ આનંદ અને ઉત્સાહથી કામ કરતાં હોય, વિતાવતા હોય પણ જેવી વરસાદની સીઝન શરૂ થાય એટલે આવા લોકો સાવ તદ્દ્ન બદલાય જાય. તેની વાણી, વર્તન, વર્તણુંક બધું અચાનક બદલાય જાય. ચોમાસાની શરૂઆત થાય એટલે હતાશા, ઉદાસી, નિરૂત્સાહ, અને કામ પુરતું જ બોલવાનું થાય. આવા વ્યક્તિઓને અચાનક દરેક કામમાંથી રસ ઉડી જાય બસ પથારીમાં પડ્યા રહે. ન કોઇ સાથે બોલે કે વાતો કરે કે ન કંઇ બહાર જાય. બસ અચાનક સાવ અંતર્મુખી થઇ જાય. આવી બિમારીને સાયકિયાટ્રીમાં ‘સીઝનલ મૂડ ડિસઓર્ડર’ કહેવામાં આવે છે. કે જેમાં સીઝનમાં થતાં ફેરફારની અસર મૂડ પર પડતી હોય છે. ઘણાં કેસમાં અમુઅ દર્દીઓ વધુ પડતા ઉત્સાહમાં આવે, ગુસ્સો કરે, ઝઘડા કરે, અનિદ્રા લાગુ પડી જાય… આવા લક્ષણો પણ જોવા મળે છે.

        અમુક લોકોને જ્યારે આકાશમાં વાદળા ઘેરાય, વિજળીનાં કડાકા ભડાકા થાય એટલે તે ઘરની બહાર જવાનું બંધ કરી દે છે. (તેમને ડર હોય છે કે ક્યાંક વિજળી એના પર પડશે તો?) સતત ડર, બીક, ગભરાટ, ફફડાટ, હમણાં કંઇક થઇ જશે તેવી સતત દહેશત, હ્રદયનાં ધબકારા વધી જવા, પરસેવો છુટી જવો, જેવી તકલીફ થવા માંડે છે. આમ આવા લોકો લગભગ આખું ચોમાસું તે સતત ગભરાટમાં જ પસાર કરે છે.

        આમ, ચોમાસું-વાદળાં વિગેરેને આપણાં મૂડ-મન સાથે સીધો સંબંધ છે. કારણકે વાદળછાયા વાતાવરણમાં સૂર્યપ્રકાશ અપૂરતો હોય છે એટલે આવા વાતાવરણમાં મગજમાંનુ એક રાસાયણ ‘મિલોનોસાઇટ સ્ટીમ્યુલેટિંગ હોર્મોન’ ઓછું બને છે. જેના લીધે આપણા મૂડમાં ફેરફારો જોવા મળે છે.

        બાકી, આ લખનારનું એવું નમ્ર નિવેદન તમામ વાચકરાજાઓને કે દોસ્તો, પુરા સાલ આપણે ત્રણ ઋતુથી ઘેરાયેલા છીએ. શિયાળો, ઉનાળો અને હવે આવ્યું છે ચોમાસું. દરેક ઋતુને પોતાનું કામ કરવા દેવું અને આપણે એટલું બધુ લક્ષ જ ન આપવું એ પ્રત્યે કે જેથી આપણાં મૂડનો સત્યાનાશ થાય. દરેક ઋતુનો પોતાનો આગવો મિજાજ છે, લખણ છે, આદત છે, નામ છે અને અમુક રીતે બદનામ પણ છે. માટે દરેક ઋતુમાં આપણે જલસા કરવાનાં. વરસાદ પડે, ધુમધડાકા થાય તો એને એનું કામ કરવા દેવું અને આપણે આપણું. વરસે છે તો છો ને વરસતો. ભલેને એ પણ જલસા કરે ને જો મન થાય તો આપણે પણ નીકળી પડવાનું યાર દોસ્તોને લઇને પલળવા, ભિંજાવા અને તરબોળ થવા, મનથી, તનથી. અને એમાં પણ જો રસ્તે કોઇ ખુબસુરત સુંદર મજાની માનૂની પલળતી હોય તો દોસ્તો… શું મનોસ્થિતિ થાય તે અહીં વર્ણવાની જરૂર ખરી?

        દોસ્તો, અહીં મારી પસંદગીનાં વરસાદનાં ગીતો મુક્યા છે, તમને ગમે તે સાંભળવાની છૂટ. ન ગમે તો મને કંઇ ખોટું નહીં લાગે.

ચોમાસાની જળ નિતરતી આગ એટલે, આહા!
છત્રીમાં ભેગા પલળ્યાનો સ્વાદ એટલે, આહા!
ભીના હોંઠોમાં થૈ ગૈ રેતભીની મૌસમ, સ્વાહા…!!!
આહા એટલે આહા..!
સાવ અચાનક, મુશળધારે, ધોધમાર અને નવલખધારે, આ વાદળ વરસે છે કે તું,
ધરાની તરસે, વાદળ વરસે, તારી તરસે હું, મને તું વાદળ કેહ તો શું?

        
આ સીવાય નેટ પરની ગુજરાતી સુગમ ગીતો, કવિતાઓ અને ગઝલોનો ખજાનો ધરાવતી સાઇટ 'ટહુકો.કોમ' પરની આ લિંક પર ક્લિક કરો અને વધુ વરસાદી ગીતોની મજા માણો.

તો રીડર બિરાદરો, ઉપરનાં ગીતોનો સોંગાસ્વાદ માણો ગરમાગરમ ચાની ચુસ્કી સાથે, તમારા ‘ઇ’ ની સાથે બેસીને કે પલળતાં પલળતાં. વરસાદની સીઝન આવી છે તો આપ સૌ આ ઋતુનો પણ પુરો ફાયદો ઉઠાવો અને તમારી પસંદગીનાં ગીતો વિશે નીચે કોમેન્ટમાં લખશો તો મને ગમશે…

Saturday 15 June 2013

Want to be humorist, where are your tears?

આ વખતે ઘણા સમય પછી ફિલ્મ વિશે લખવાનું થયું તો થયું કે ચાલો આ વખતે એ ફિલ્મ વિશે લખું કે જે મારા હ્રદયની ખુબ નજીક છે અને જે ફિલ્મ જોતાં કોઇપણ સંવેદનશીલ વ્યક્તિની આંખો ભીની થઇ જાય. તો આજે થોડુંક ‘આનંદ’ વિશે…

Want to be humorist, where are your tears? અંગ્રેજીમાં કહેવાતી આ કહેવતને જાણે સિનેમાનાં સિલ્વર સ્ક્રીન પર જીવંત કરી દેતી ફિલ્મ.

ફિલ્મ - આનંદનું પોસ્ટર

આનંદ ફિલ્મ ૫મી માર્ચ ૧૯૭૧નાં રોજ દેશભરમાં રીલીઝ થઇ. આ ફિલ્મ મારાં ગમતાં નિર્દેશક હ્રિષિકેશ મુખર્જીએ નિર્દેશીત કરી છે, નિર્દેશન સાથે તેઓ એન.સી.સિપ્પી સાથે સહ નિર્માતા પણ છે. ફિલ્મની વાર્તા પણ હ્રિષીદા, ગુલઝારે સાથે મળીને લખી છે, સંવાદો ગુલઝારનાં છે અને અતિ કર્ણપ્રિય સંગીત સલિલ ચૌધરીએ આપ્યું છે.

આ ફિલ્મની વાર્તા સાથે સાથે ગીતો પણ એટલા જ ભાવવહી બન્યા છે. ફિલ્મમાં ગીતો, ગીતકાર ગુલઝાર અને યોગેશે લખેલા છે. ઉદાસીની છાંટ ધરાવતું પણ અત્યંત હ્રદયસ્પર્શી ગીત મુકેશનાં અવાજે, ‘કહીં દૂર જબ દિન ઢલ જાયે…’ કે પછી, જીવન વિશે સરળ સમજ આપતું, મન્ના ડે નાં કંઠે ગવાયેલું, ‘ઝિંદગી કૈસી હૈ પહેલી હાયે…’, કે ફરી મુકેશનાં કંઠે ગવાયેલું એક ઔર મીઠુ ગીત, ‘મૈને તેરે લિયે હી સાત રંગ કે…’ કે પછી લતા મંગેશકરનાં અવાજમાં એક માત્ર ગીત ‘ના જીયા લાગે ના, તેરે બિના મેરા…’. તમામે તમામ ગીતો એક સાંભળો અને એક ભૂલો એવા છે, દોસ્ત.

ફિલ્મની એકમાત્ર કવિતા ‘મૌત તુ એક કવિતા હૈ…’ ગુલઝારે લખી છે, જેને અમિતાભે પોતાનો અવાજ આપ્યો છે અને ફિલ્મમાં આ કવિતા વાર્તાનાં હાર્દ રૂપે છે.
मौत तु एक कविता है,
मुजसे इक कविता का वादा है, मिलेगी मुजको…

डूबती नब्झोंमें जब दर्द को निंद आने लगे,
झर्द सा चहेरा लिये, चांद उफक तक पहुंचे,
दिन अभी पानी में हो, रात किनारे के करीब,
ना अंधेरा हो, ना उजाला हो…
ना आधी रात, ना दिन,
जिस्म जब खतम हो, और रुझ को जब सांस आये…

मुजसे इक कविता का वादा है, मिलेगी मुजको…

એમાં પણ મારો ગમતો સીને જેમાં હ્રિષીદાએ કમાલ કરી છે એ કે, જ્યારે આનંદ(રાજેશ ખન્ના) છેલ્લા શ્વાસ લેતો હોય અને તેને ખ્યાલ આવી જાય કે બસ હવે પલ દો પલ માં ખેલ ખતમ છે અને બાબુ મોશાય એની બાજુમાં નથી ત્યારે એ ડૉ. પ્રકાશ કુલકર્ણી (રમેશ દેવ) ને ટેપ ચાલુ કરવાનું કહે છે જેમાં ક્યારેક ખુશીની પળ વખતે આનંદે અને બાબુ મોશાયે પોતાનો અવાજ રેકોર્ડ કરેલો હોય. ટેપ ચાલુ થાય છે… ને આ કવિતા પડદા પર ગુંજી ઉઠે છે. જેવી કવિતા પુરી થાય કે આનંદ મૃત્યુ પામે છે. થોડીવારમાં ડૉ.ભાસ્કર રૂમમાં આવે છે ત્યારે એને ખબર પડે છે કે આનંદ મૃત્યુ પામ્યો છે અને ખુબ આઘાત અનુભવે છે અને આ આઘાતમાં ગુસ્સો ભળતા તે આનંદનાં મૃત શરીર ને જોર જોરથી કહે છે કે ‘બોલ હવે કેમ બોલતો નથી, છેલ્લા કેટલા સમયથી બકબક કરીને મારૂં જીવવું દુભર કરી દીધું હતું, હવે કેમ બોલતો નથી, બોલ…!’ અને પેલા ટેપરેકોર્ડર પર આનંદનો અવાજ ગુંજી ઉઠે છે, ‘બાબુ મોશાય….! झिंदही और मौत तो उपरवालें के हाथ है जहांपनाह, उसे ना तो आप बदल सकते है, ना मैं. हम सब तो रंगमंच की कटपुतलियां है, जिसकी डोर उपरवालें की उंगलीयों में बंधी है. कब, कौन, कैसे उठेगा ये कोइ नहीं बता सकता है. हा...... हा....... हा.......અને આ સાથે જ ટેપરેકોર્ડની ટેપ પણ પુરી થાય છે, અને આનંદની ઝિંદગી પણ. આ સીનમાં હ્રિષીદાની ટાઇમીંગને ઉભા થઇને માથું નમાવીને સલામ કરવાનું મન થઇ જાય એવો આ સીન ફિલ્માવવામાં આવ્યો છે.

આવી જ એક ટાઇમીંગ એક બીજા સીનમાં પણ જોવા મળે છે, ઉપરનાં સીન પહેલાં નો જ આ સીન છે. જ્યારે આનંદ, ડૉ. ભાસ્કરનાં રૂમમાં કંઇક કહેવા આવે છે ત્યારે ડૉ. બેનર્જી પોતાની અંગત ડાયરીમાં લખતા હોય છે અને આનંદને રૂમમાંથી બહાર જવાનું કહે છે, ત્યારે આનંદ ખાસ તો રાજેસ ખન્ના એને કહે છે, ‘बाबु मोशाय, आज तक किसीने अपनी मौत नहीं देखी. लेकिन मै वो अभागा हुं जो हररोझ, हरपल, हर लम्हा अपनी मौत देख रहा है, तुम्हारे चहेरे पे, तुम्हारी आंखोमें’ અને અમિતાભનાં ચહેરાનો ક્લોઝ અપ શોટ. બસ બોસ સો સો સલામ છે આ ટાઇમીંગને.

હકીકતે ફિલ્મ ‘આનંદ’ કિશોરકુમાર અને મહેમૂદને લઇને બનવાની હતી, પણ ન બની. દોસ્તો! એમાં થયું એવું કે કિશોરકુમારને બંગાળમાં એક સ્ટેજ શોનાં ઓર્ગેનાઇઝર સાથે પૈસા બાબતે કંઇક વાંધો પડ્યો હતો, માટે કિશોરકુમારે તેનાં બંગલાનાં ચોકીદારને એવી સ્પષ્ટ સુચના આપેલી કે કોઇપણ બંગાળી માણસને અંદર આવવા દેતો નહીં. હવે આપણાં હ્રિષીદા પણ બંગાળી. હવે, જે દિવસે એ સ્ટોરી લઇને કિશોરકુમારને મળવા એમનાં બંગલે પહોંચ્યાં કે કિશોરદાની સુચના પ્રમાણે ચોકીદારે ગેટ પરથી જ રવાના કરી દીધા, અંદર ન આવવા દીધા. આ ઘટનાથી હ્રિષીદા જેવા લાગણીશીલ માણસને એવી ઠેસ પહોંચી કે તેમણે ક્યારેય કિશોરકુમાર સાથે કોઇ ફિલ્મમાં કામ ન કર્યું.

તારીખોને કારણે મહેમુદ પણ આ ફિલ્મ ન કરી શક્યા. નહીં તો ડૉ. ભાસ્કર બેનર્જીનું પાત્ર મહેમૂદ ભજવે અને આનંદનું ટાઇટલ કેરેક્ટર કિશોરકુમાર ભજવે એવી હ્રિષિદાની ઇચ્છા હતી, પણ છેવટે પેલી કહેવત છે ને કે, ‘दाने दाने पे लिखा है खाने वालें का नाम’… એમ અહીં થોડી બદલીયે તો ‘फिल्म फिल्म पे लिखा है एक्टर का नाम’. આમ આનંદ ફિલ્મમાં રાજેશ ખન્ના અને અમિતાભ બચ્ચન આવ્યા.

આ ફિલ્મે ૧૯૭૧નો ‘બેસ્ટ ફિચર ફિલ્મ’ નો રાષ્ટ્રિય પુરસ્કાર પણ જીત્યો. સાથો સાથ, ૧૯૭૨નાં ફિલ્મફેર એવોર્ડમાં તો આ ફિલ્મે ઘણાં એવોર્ડ પોતાનાં કરી લીધા. જેમકે ‘બેસ્ટ ફિલ્મ’, ‘બેસ્ટ એક્ટર (રાજેશ ખન્ના)’, ‘બેસ્ટ સપોર્ટીંગ એક્ટર (અમિતાભ બચ્ચન)’, ‘બેસ્ટ ડાયલોગ (ગુલઝાર)’, ‘બેસ્ટ એડિટીંગ (હ્રિષીકેષ મુખર્જી)’ અને ‘બેસ્ટ સ્ટોરી (હ્રિષીકેષ મુખર્જી)’.

આ ફિલ્મમાં એક એવું પાત્ર છે જે ફિલ્મમાં વારંવાર પડદા પર આવે છે પણ કોઇપાત્ર તરીકે નહીં, યાદ આવ્યું ‘મુરારીલાલ’? આ સિવાય ફિલ્મમાં જ્હોની વોકર પણ થોડા સમય માટે ઇસાભાઇનાં પાત્રમાં આવે છે જે હકીકતે ફિલ્મમાં ઓળખાણું હોય ‘મુરારીલાલ’ થી પણ પોતાનાં ચોટદાર અભિનયથી દર્શકોનાં મન પર અમિટ છાપ છોડે છે. બાકી મેટ્રન ડિસા (લલિતા પવાર) પણ ફિલ્મમાં એક યાદગાર પાત્ર ભજવે છે. સુમન કુલકર્ણી (સિમા દેવ), રેણુ (સુમિતા સન્યાલ) અને ચંદ્રકાંતજી તેલવાળા (અસિત સેન)… આ તમામ પાત્રો ફિલ્મમાં ખુબ નાના સ્કેલ પર છે પણ જ્યારે જ્યારે અને જે જે સીનમાં આવ્યા છે તે તમામ સીનમાં પોતાનાં વાસ્તવિક અભિનયથી દર્શકો સાથે એક સંવાદ રચી લે છે.


ત્યારબાદ આ ફિલ્મ મલયાલમ ભાષામાં પણ બની, 'ચિત્રાશલભમ' નામે. જેમાં 'જયરામ' અને 'બીજુ મેનને' કામ કરેલું.

રહીવાત… આ ફિલ્મની સ્ટોરીની તો તે તમામ જાણો જ છો મિત્રો. મારે તો તમારૂં ધ્યાન આ બધા મુદ્દા પર લાવવું હતું જે ફિલ્મ સાથે ખુબ અંગત રીતે સંકળાયેલા છે. તો માણો આ અણજાણીતા પાસા… ફિલ્મ વિશે.

૦૧.    આનંદ ની વાર્તાની પ્રેરણા ઋષિકેશ મુખરજીને રાજ કપુર સાથેની તેમની દોસ્તીમાંથી મળી હતી. બંને ૧૯૫૪માં સાથે રશીયા ગયા હતાં, ત્યારે રાજ સા’બ ઋષિદાને ‘બાબુ મોશાય’ કહીને બોલાવતા. રાજકપુરને કાર્ડિયાક ન્યુરોસિસની તકલીફ થતાં એમનાં જીવને જોખમ ઊભું થયું હતું. ત્યારે ઋષિબા મિત્રને ગુમાવવાનાં ડરથી ગભરાય ગયા હતાં. એ જ ‘આનંદ’નું વાર્તાબીજ.
૦૨.    એ વાર્તાબીજમાંથી બીમલ દત્તા સાથે મળીને ઋષિદાએ ટુંકી વાર્તા લખી. જે એક બંગાળી સામયિકમાં ‘આનંદ સંગબાથ’ તરીકે છપાઇ. રાજકપુરનો જવાબ કે કાલની ચિંતામાં આજને શું કામ વેડફી કાઢવી? એ વાર્તાનો મુખ્ય સાર બન્યો. રાજકપુરને આ સ્ટોરી ઉપર ફિલ્મ બનાવવી હતી. મોતીલાલ ‘બાબુ મોશાય’ તરીકે કામ કરવા સંમત પણ કરી રાખ્યા. પણ ઋષિદા વહેમીલા ભારે! તેમને થયું કે ફિલ્મ બનાવીએ અને એવું કશુંક મિત્ર રાજકપુરને થઇ જાય તો? ખરેખર દોસ્ત ગુમાવવાનું પોસાય નહીં.
૦૩.    વાર્તા લાંબો સમય પડી રહી. ફરી જ્યારે ફિલ્મ સર્જન કરવાનો વિચાર કર્યો ત્યારે ઋષિકેશ મુખરજીએ પહેલો સંપર્ક આનંદનાં પાત્ર માટે ગાયક-એક્ટર કિશોરકુમારનો કર્યો હતો!
૦૪.    કિશોરદા પછી ઉત્તમકુમારનો પણ. તેમણે ના પડ્યા પછી શશિકપુર ઉપર પસંદગી ઉતારી. શશિનો ચહેરો રાજસા’બની યાદ અપાવે તેવો યોગ્ય જ હતો. પરંતુ, પ્રશ્ન તારીખોનો હતો. ઋષિદાએ ત્રણ મહિનામાં પુક્ચર પુરૂં કરવું હતું. ૧૯૭૦નો સપ્ટેમ્બર મહિનો આવી પહોંચ્યો હતો અને ઋષિદાને આ ફિલ્મને ૩૧મી ડિસેમ્બર પહેલાં પુરી કરીને એ વર્ષનાં રાષ્ટ્રિય પુરસ્કારોની હરીફાઇમાં ઉતારવી હતી, એટલે ગુલઝાર દ્વારા રાજેશ ખન્નાને આ પ્રોજેક્ટની ખબર પડી, ત્યારે એ જાતે ઋષિદાને મળ્યા અને રોલ માટે પોતાની ઉમેદવારી કરી.
૦૫.    પણ, ઋષિદાએ રાજેશ ખન્નાને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે આ ફિલ્મ માટે સળંગ ૨૦ દિવસની તારીખો જોઇશે અને તારો બજારભાવ હું નહીં આપી શકું. ખન્નાને વાર્તાનો તથા તેની અસરનો અંદાજ આવી ગયો હતો. તેણે પોતાનો ત્યારનો બજારભાવ (રૂ. આઠ લાખ) તો શું એક રૂપિયો પણ લેવાનો ઇન્કાર કર્યો. ફક્ત મુંબઇ ટેરીટરીનું વિતરણ (ડિસ્ટ્રીબ્યુશન) માગ્યું. ઋષિદા સંમત થઇ ગયા, થયું શું! ફિલ્મ રજુ થઇ અને એવી સુપરહિટ થઇ કે રાજેશ ખન્નાને પિસ્તાલીસ લાખની આવક થઇ.
૦૬.    ‘ફિલ્મફેર’ નો બેસ્ટ સપોર્ટીંગ એક્ટરનો એવોર્ડ અમિતાભ બચ્ચનને ‘બાબુ મોશાઇ’ બનવા બદલ મળ્યો. આ ફિલ્મ માટે બચ્ચનને ઋષિદાએ ફક્ત પાંચ હજાર રૂપિયા આપ્યા હતાં.
૦૭.    ૩૧મી ડિસેમ્બર સુધીમાં ફિલ્મ સેન્સર કરાવવા ૩૦મી ડિસેમ્બરની આખી રાત એડિટિંગ ચાલ્યું અને બરાબર ૩૧.૧૨.૧૯૭૦નાં દિવસનું સેન્સર સર્ટીફિકેટ મળ્યું. એટલું જ નહીં ‘આનંદ’ને જે સ્પર્ધામાં મોકલવામાં ઋષિદાએ આટલી ધમાલ કરી હતી તે પણ ફળી. રાષ્ટ્રિય પુરસ્કારોમાં ‘આનંદ’ને ‘બેસ્ટ ફિલ્મ’નો રાષ્ટ્રિય એવોર્ડ મળ્યો.
૦૮.    નેશનલ એવોર્ડ ઉપરાંત ‘ફિલ્મ ફેર’ માં પણ ‘બેસ્ટ ફિલ્મ’ નો એવોર્ડ ‘આનંદ’ ને જ મળ્યો. આ ઉપરાંત ઋષિદાને ‘બેસ્ટ સ્ટોરી’નો, રાજેશ ખન્નાને ‘બેસ્ટ એક્ટર’નો અને આગળ જણાવ્યા મુજબ અમિતાભ બચ્ચનને ‘બેસ્ટ સપોર્ટીંગ એક્ટર’ નો એવોર્ડ મળ્યા હતાં.
૦૯.    આનંદ રિલીઝ થતાં અગાઉ તેમાં મારામારી, કેબ્રેડાન્સ નહીં હોવાથી હીરોઇનનું એકાદું રોમેન્ટિક ગીત મુકવાનાં દબાવમાં ઋષિદાએ ‘જીયા લાગે ના’ ગીત મુક્યું. ફિલ્મનાં પ્રવાહને એ એક માત્ર ગીત જ થોડો ધીમો પાડે છે તેનો અફસોસ દાદાને હંમેશા રહ્યો.
૧૦.    રાજેશ ખન્નાએ એક વિતરકની હેસિયતથી ઋષિદાને વિનંતી કરી કે તેનાં એક જ્યોતિષીની સલાહ મુજબ ફિલ્મનાં સ્પેલિંગમાં વધારાનો ‘A’ લગાડીને ‘AANAND’ તરીકે રિલીઝ કરો. ત્યારે રાજેશ ખન્નાએ પોસ્ટર અને પબ્લીસીટી વગેરેનાં ખર્ચમાં થનારો વધારો પોતે ચુકવી આપશે એમ કહ્યું છતાં ઋષિદાએ ના પાડી. એમ કહીને કે ફિલ્મમાંની સામગ્રી (કન્ટેન્ટ)માં ઉમેરો – ઘટાડો કે સુધારા – વધારા થઇ શકે. બાકી નામમાં એક અક્ષર વધારવાથી મારી ફિલ્મની ક્વોલીટી સુધરી જાય એ હું માનતો નથી. ફિલ્મ ચાલે એવી એમાં સામગ્રી હશે તો ‘આનંદ’ Anand એ સ્પેલીંગ સાથે જ ચાલશે, અને સાહેબ ફિલ્મ ચાલી તો કેવી ચાલી !
૧૧.    ‘આનંદ’ નાં સંગીતકાર સલિલ ચૌધરીએ ફિલ્મનાં બેકગ્રાઉન્ડમાં સેક્સોફોન પર વગાડેલી એક ધૂન ગુલઝારને એટલી તો પસંદ પડી ગઇ કે તે તર્જ પર શબ્દો લખ્યા, જે તેમની સર્જેલી પહેલી ફિલ્મ ‘મેરે અપને’ નું ટાઇટલ ગીત બન્યું. કિશોરકુમારનાં આ અમરગીતની ધૂન ‘આનંદ’ માં સલિલ ચૌધરીએ પહેલીવાર સંભળાવી હતી… ‘કોઇ હોતા જિસકો હમ, હમ અપના કેહ લેતે યારોં, પાસ નહીં તો દૂર હી હોતા, લેકિન કોઇ મેરા અપના…!’
૧૨.    ‘આનંદ’ માં સંવાદ લેખક તરીકે ગુલઝારે કેવા કેવા શ્રેષ્ઠ શબ્દો આપ્યા… ‘ઝિંદગી બડી હોની ચાહીયે, લંબી નહીં…!’ કે પછી ફિલ્મ પુરી થતાં અમિતાભનાં અવાજમાં કહેવાતા બાબુ મોશાઇની ડાયરીનાં અંતિમ શબ્દો… ‘આનંદ મરા નહીં, આનંદ મરતે નહીં…!’

આ સાથે જ અહીં આ ફિલ્મની યુટ્યુબ ની લીંક આપી છે, જરૂર જો જો…
  
 બાકી ‘આનંદ’ કરો યાર!!!!

Monday 10 June 2013

આકાંક્ષા પણ સેવવી અને દુઃખી પણ ન થવું એ શક્ય છે?


        નાનપણથી આપણને બે સલાહ અચૂક અપાતી હોય છે. પહેલી – કર્મ કરો, ફળની ઇચ્છા ન રાખો. બીજી – નિશાનચૂક માફ, નહીં માફ નીચું નિશાન. આમ જુઓ તો બંને વિરોધાભાસી સલાહ છે. છતાં આપણે બંને સલાહ સ્વીકારી લઇએ છીએ. બારમા ધોરણની પરીક્ષા આપતી વખતે વધુમાં વધુ માર્કસનું ઊંચામાં ઊંચુ નિશાન તાકવામાં આવે અને પરીક્ષા આપી દીધા પછી ગીતાજી યાદ આવેઃ કર્મ કરી લીધુંને! બસ, તો હવે વેકેશનની મજા માણો. ફળ જે મળશે તે ખરૂં. છતાં, સવાલ એ ઊભો જ રહે છે. બેમાંથી સાચી સલાહ કઇ? એક તરફ એવું લાગે કે જીવનમાં લક્ષ્ય, હેતુ, સાર્થકતા, સંકલ્પ, આકાંક્ષા હોય એ સારૂં પડે. તેનાંથી મગજમાં જરા ક્લેરિટી રહે કે આ દિશામાં આગળ વધવાનું છે. બીજી બાજુ, ગીતાજીની ચેતવણી પણ ખોટી નથી કે લક્ષ્ય બાબતે, ફળ બાબતે બહુ ઊંચાનીચા થશો તો દુઃખી થશો. પોતાની મહત્વાકાંક્ષા પ્રત્યે કોઇ બહુ ગંભીર હોય સિરીયસ હોય એવી વ્યક્તિ જ્યારે નિષ્ફળ જાય ત્યારે એ આત્મહત્યા પણ કરી શકે. આવામાં વચ્ચેનો માર્ગ ન હોઇ શકે?
        હોઇ શકે. એ છે જીવનને ખેલ ગણવું. પછી દિલથી રમવું, જીતવા માટે રમવું. પણ હારી જવાય તો વાંધો નહીં. ખેલમાં હારજીત ચાલતી રહે. ટૂંકમાં, જીવનમાં કોઇ મહત્વાકાંક્ષા હોય એમાં કશું ખોટું નથી, પણ અંદરખાને એટલું યાદ રાખવું કે છેવટે તો જીવન એટલે આ પૃથ્વી પર અમુક વર્ષો સુધી શ્વાસ લેવાનો, જીવવાનો, જગતને અને જાતને જોવાનો એક ખેલ છે. આ બંને નીતિ અપનાવવાથી એક તરફ જુસ્સો પણ પ્રગટે અને બીજી તરફ સમતા પણ જળવાઇ રહે. આ છે વચલો માર્ગ, આકાંક્ષા રાખવી, પણ જીવનને ખેલ ગણીને ચાલવું.
        આ વચલો માર્ગ ન ફાવે, આવું સુક્ષ્મ સંતુલન ન ફાવે તો બીજો પણ એક રસ્તો છે. એ જરા સહેલો છે. એમાં સ્પષ્ટ લક્ષ્ય રાખવાની, આકાંક્ષાને મજબૂત રીતે વળગી રહેવાની છૂટ છે. પણ એક વાતની છૂટ નથી. તે એ કે સફળતાને ક્યારેય લક્ષ્ય ન બનાવવી. ટ્રિક એ છે કે મંજિલ કરતાં માર્ગ પર બધું જ ધ્યાન કેન્દ્રિત કરવું. પ્રત્યેક ડગલું માણવા પર ધ્યાન કેન્દ્રિત કરવું. પછી ચાલતાં ચાલતાં, લાંબા ગાળે, મંજિલે તો પહોંચાશે જ, કારણ કે આપણે ચાલીશું તો અંતર તો કપાશે જ. આવામાં, ‘હું પ્રત્યેક ડગલું દિલથી, મોજથી ભરીશ’ એવી આકાંક્ષા રાખવામાં આવે તો સફરમાં મજા આવે.
        વાત ન સમજાઇ? ઓકે, ઉદાહરણ આપું. ધારો કે એક માણસ બિઝનેસનો કીડો છે. એ ધીરૂભાઇ અંબાણી બનવા માગે છે. તો એણે સતત ધીરૂભાઇને નજર સમક્ષ રાખવાની જરૂર નથી. રોજરોજ પોતાનાં આંતરિક ધક્કાને અનુસરીને સારી રીતે, ટુ ધ બેસ્ટ ઓફ હિઝ એબિલિટી, બિઝનેસ કરવા પર જ ધ્યાન કેન્દ્રિત કરે તો શક્ય છે કે વખત જતાં એ ધીરૂભાઇ જેટલી સફળતા મેળવી શકે. બીજુ ઉદાહરણ જોઇએ. માની લો કે કોઇને ઇશ્વરમાં બહુ રસ છે, ભક્તિમાં બહુ રસ છે, પ્રાર્થના, અર્ચના પુરા મનથી ભાવથી કરે છે. આવી વ્યક્તિ જો ઇશ્વરપ્રાપ્તિને બદલે ઇશ્વરનિષ્ઠાને લક્ષ્ય બનાવે તો એનું જીવન વધું આનંદમય બની રહે. એણે આકાંક્ષા ફક્ત એટલી જ રાખવાની કે ચાહે કુછ ભી હો જાયે, ઇશ્વર પ્રત્યેની મારી નિષ્ઠાને હું ડગવા નહીં દઉં. બસ, પછી ઇશ્વર મળવા આવે તો પણ ભલે અને ન આવે તો પણ ઠીક છે. એ બધું ભલે ઇશ્વર નક્કી કરે. માણસે ફક્ત ઇશ્વર પ્રત્યેની નિષ્ઠાને વળગી રહેવાનું. ટૂંકમાં, સફળતાને બાયપ્રોડક્ટ ગણવામાં આવે અને નિષ્ઠાને લક્ષ્ય તરીકે જોવામાં આવે તો માર્ગ વધુ આસાન, રસપ્રદ અને સુખમય બની રહે એવી શક્યતા ખરી.
        તો, બોલો શું ફાવશે? જીવનને એક ખેલ ગણીને સફળતા માટે મથવાનું વધુ ફાવશે કે પછી સફળતાને ક્ષુલ્લક ગણીને પ્રવૃત્તિ પ્રત્યેની નિષ્ઠાને જ લક્ષ્ય બનાવવાનું વધુ ફાવશે? આ બે વણમાગી સલાહો વિશે વિચારવા જેવું લાગે તો એ વિશે આગળ ઉપર વધુ વિચારી જોજો. નહીંતર આખી વાત ભૂલી જજો. મને ખોટું નહીં લાગે.
        બાકી મજામાં?
                                                                          -   દિપક સોલિયા, અહા જિંદગી

(સંપાદિત)

Wednesday 5 June 2013

એક વાર્તા...

મનાંકનો...

પ્રેમલ અને રમેશ નામનાં બે દર્દીઓ એક જ હોસ્પીટલનાં એક જ કમરામાં સારવાર લઇ રહ્યા હતાં. પ્રેમલને વારંવાર દમનાં હુમલાઓ આવતા હોવાને કારણે તેનો પલંગ કમરાની એક માત્ર બારી પાસે રાખવામાં આવ્યો હતો. રમેશનું કમરથી નીચેનું શરીર લકવાગ્રસ્ત હતું. તેનો પલંગ બેલ પાસે રાખવામાં આવ્યો હતો. જ્યારે જ્યારે પ્રેમલને દમનો હુમલો આવે ત્યારે ત્યારે રમેશ બેલની સ્વીચ દબાવતો, જેથી સમયસરની સારવાર મળવાને કારણે પ્રેમલનો જીવ જોખમમાં ન મૂકાય.
        પ્રેમલ પોતાની પથારી પાસેની બારીમાંથી બહાર દેખાતા દ્શ્યોનું વર્ણન કરતો રહેતો – ખુબ સુંદર, હરિત, પુષ્પો – આચ્છાદિત બગીચાઓ, દૂર દૂર બર્ફીલા પર્વતો અને વિશાળ, નીલું આકાશ.....!
        રમેશને પ્રેમલની ઇર્ષા આવવા લાગી. પ્રેમલને બહારનાં રળીયામણા, હળવાશ આપતા દ્શ્યો જોવા મળે , જ્યારે રમેશને તો ગુંગળામણ થાય તેવી સફેદો મારેલી હોસ્પીટલનાં કમરાની દિવાલો જ જોયા કરવાની ને?
        ફરી વખત જ્યારે પ્રેમલને દમનો હુમલો આવ્યો ત્યારે રમેશે બેલની સ્વીચ ન દબાવી. પરિણામે તરત સારવાર ન મળતાં પ્રેમલનો જીવ છૂટી ગયો. પ્રેમલનાં દેહને હોસ્પીટલમાંથી બહાર લઇ ગયા બાદ રમેશે પોતાના પલંગને બારી પાસે ખસેડવાની માંગણી કરી. છેવટે તેને જેની તલપ હતી તે ક્ષણ આવી પહોંચી. હવે તે પણ બારી બહારનાં રળિયામણાં દ્ર્શ્યો જોઇ શકશે. રમેશે બારી બહાર જોયું.
        બહાર સૂકો ભઠ્ઠ પ્રદેશ, થોડાક ઝાડી ઝાંખરા સિવાય તદ્દ્ન વેરાન અને ભૂખરું આકાશ તેની સામે મંડાયેલું હતું.
        રમેશની શું હાલત થઇ હશે તે આપણે સમજી શકીશું. તેના મનમાં પ્રેમલનાં સુંદર દ્રશ્યોનાં વર્ણનોનાં કારણે જે અંકિત થયું હતું તેનાં કરતાં કાંઇક વિપરીત વાસ્તવિકતા જ જોઇ. આપણે પણ રમેશની જગ્યાએ હોઇએ તો હતપ્રભ થઇ જઇએ અને પ્રેમલ પ્રત્યે કેવી લાગણી અનુભવીયે તે સમજી શકીશું.

(સંપાદિત)