Tuesday 30 July 2013

વાર્તાઃ

      વાર્તા એ માનવસમાજની અણમોલ અમાનત છે. પ્રાચીન કાળથી આજ દિન સુધી વાર્તા સાંભળવાની મનવીની અદમ્ય વૃત્તિ હજી પણ એવી ને એવી જ છે. ‘હિતોપદેશ’, ‘પંચતંત્ર’, ‘કથાસરિત્સાગર’, ‘જાતક કથાઓ’, ‘સિંહાસન બત્રીસી’, ‘વિક્રમ વેતાળની વાતો’, ‘અકબર-બિરબલની વાતો’, ‘અરેબિયન નાઇટ્સ’, ‘સિંદબાદ ધી સેલર’, વગેરે…

        તો ચાલો આજે હું મને ગમતી એક વાર્તા કહું, (લખું). વાર્તા કંઇક આવી છે…


        વાર્તા એક ક્ષત્રિય યુવાનની છે. એ દિલ્હી જઇ રહ્યો હતો. બાદશાહ સલામતનું કહેણ હતું. પાણીદાર અશ્વ માથે સવાર થઇ પંથ કાપતાં કાપતાં એ નદીને કિનારે, વનરાઇની છાયામાં મંદિરના પગથિયે આવીને ઊભો રહી ગયો હતો. પરિશ્રમને લીધે ચહેરા પર ધસી આવેલાં લોહીની લાલાશથી જુવાન અસવાર વધુ દેખાવડો લાગતો હતો. એનો જાતવાન અશ્વ, કિંમતી પોશાક, આંખોમાં દેખાતી અમીરાત અને ચહેરા પર જણાઇ આવતી ખાનદાની એ કોઇ ઉચ્ચ કુળનો છે તે દર્શાવી આપતાં હતાં. યુવાનને તરસ લાગી હતી, ઘોડો પણ તરસ્યો થયો હતો. ઘોડાને તો તેણે નદીમાં પાણી પાયું. પરંતુ પોતાની તરસ હજી અતૃપ્ત જ હતી. ત્યાં મંદિરની બાજુના રસ્તામાંથી એક પનિહારી નીકળી. એ યુવતીને જોતાં જ યુવાનનાં હોઠ ફફડ્યા. હૈયાની વાત હોઠ સુધી જ આવીને રહી ગઇ, કાંઇ કહેવાને બદલે એ પનિહારીને જોઇ જ રહ્યો. પનિહારીએ પણ યુવાન સામું જોયું. પનિહારીની પ્રથમ નજર યુવાનનાં હૈયા સોંસરવી નીકળી ગઇ.

        ભવાટવિમાં વિખૂટા પડી ગયેલા વિજોગી પ્રેમીઓ અચાનક એકબીજાને મળી જાય અને એકમેકને ઓળખી લે એમ બેયનાં હૈયા મળી ગયાં. યુવાનની મૂંઝવણ જોઇ યુવતી હરી. તેણે જ સામેથી પૂછ્યું, “પાણી પીવું છે?” યુવાનનાં તૃષાતુર હૈયે કહ્યું, “હા”. યુવતીએ એનાં ઘડામાંથી પાણી રેડવાનું શરૂ કર્યું અને યુવાને પાણી પીવા પોતાનો ખોબો ધર્યો. પણ ધ્યાન યુવતીની સામું હોવાથી મોટા ભાગનું પાણી વહી ગયું. થોડું પાણી પીધું. મંદિરનાં ચોગાનમાં આવેલ આવાસમાંથી કોઇ વૃધ્ધ બહાર નીકળ્યા અને યુવતીને પુછ્યું, “કોણ છે બેટા?” યુવતીએ જવાબ આપ્યો, “દાદા, કોઇ અજાણ્યા વટેમાર્ગુ છે, તેમને પાણી પીવું છે.” વૃધ્ધે કીધું, “અહીં બોલાવી લે.” યુવકે આમંત્રણનો સ્વિકાર કર્યો. યુવાનને જોઇ વૃધ્ધે કહ્યું કે, “લાંબો પંથ કાપીને આવ્યા લાગો છો. બપોર ટાણું થયું છે. હવે અહીં જ જમી લ્યો અને બપોર કેડે આરામ કરીને પછી આગળ પ્રયાણ કરજો.” વર્ષોનો પરિચય હોય એમ નરી સહાજીકતાથી થયેલ આ આગ્રહને યુવાન ના ન કહી શક્યો. યુવતીએ પાણીનો લોટો મૂક્યો, યુવકનાં વિશ્રામની વ્યવસ્થા કરીને રસોઇ બનાવવા લાગી.

        યુવાન રોકાયો, જમ્યો. એ જ મંદિરમાં ઇશ્વરસાક્ષીએ સાથે જીવતર જીવવાનાં એકબીજાને કોલ દીધા. તિથિ, વાર, વખત બધું નક્કી થયું. યુવક પ્રયાણ કરે તે પહેલાં યુવતીએ કહ્યું, “જુઓ, આપણે નક્કી કર્યા મુજબ એ જ તિથિએ સાંજ સુધીમાં જો નહીં પહોંચોં તો આ જ ગામનાં ચોકમાં સૌ નગરજનોની હાજરીમાં ચિતાએ ચડી હું આયખું ટૂંકવી નાખીશ. તમારે મારી પછી રાખ જ જોવાની રહેશે.” યુવકે “હાં, હાં” કહી યુવતી એની પ્રેમીકાનાં મોં આડે હાથ ધર્યો અને કીધું, “હું એ પહેલાં આવી પહોંચીશ, વચન આપું છું.” યુવતીએ આંસુભરી આંખે પોતાનાં પ્રેમીને વિદાય આપી અને યુવકે આગળ તરફ પ્રયાણ કર્યું.

        યુવાન દિલ્હી પહોંચ્યો. બાદશાહ સલામતે દોસ્તનાં પુત્રનું શાનદાર સ્વાગત કર્યું અને ત્યાર પછી શાહી મહેમાનગતિનો દોર શરૂ થયો. દરબાર ભરાતા, વિદ્વાનોની ચર્ચા થતી, રાજ્યનાં  મહત્વનાં કામોનો નિકાલ થતો. રોજ અવનવા પ્રસંગો યોજાતા. કોક ‘દિ શિકાર, તો રાતે સંગીતની મહેફિલ, તો બીજે ‘દિ નાચવાનો કાર્યક્રમ હોય, તો ત્રીજે ‘દિ શાહી રસાલા સાથે કંઇક સફરે જવાનું થાય. રંગરાગમાં અને મોજશોખમાં દિવસો ક્યાં પસાર થયાં એ યુવાનને ભાન રહ્યું નહીં.

        એવું ન્હોતું કે આ યુવાન પ્રેમીને પોતાની પ્રેયસીને આપેલ કોલ યાદ નહોતો, આ બધા વચ્ચે પણ તે પોતાનાં વચન પ્રત્યે પુર્ણતઃ સભાન હતો. પરંતુ જ્યારે જ્યારે એ જવાની વાત કરે ત્યાં બાદશાહ તરફથી આગ્રહ થતો. બેગમસાહેબા પણ સાથે સૂર પુરાવતાં અને યુવક પરવશ બની જતો… એમ કરતાં કરતાં પંથ લાંબો થવા લાગ્યો અને જીવતર ટૂંકું થવા માંડ્યું. અચાનક એક દિવસ યુવક કોઇને જણાવ્યા વિના દિલ્હીથી રવાના થયો. એ પંથ કાપતો જતો હતો. હૈયામાં એક જ અજંપો હતો કે, “કદાચ, નહીં પહોંચું તો?” તરત જ પ્રાણપ્યારી પ્રિયતમાની સળગતી ચિતા તેની નજર સામે તરવરતી અને યુવાનનાં આંખે અંધારા આવી જતાં. ભૂખ્યો-તરસ્યો એ રાત-દિ બસ મજલ કાપ્યા જ કરતો… હૈયામાં પસ્તાવાનો પાર નહોતો.

        અહીં, યુવતીએ ગામલોકોને જાણ કરી દીધી. છેલ્લો દિવસ પણ આવી પહોંચ્યો… યુવતી પોતાનાં મનમાં મક્કમ હતી, સમજાવટનો હવે કોઇ અર્થ નહોતો તેમ ગામલોકોને ખાત્રી થઇ ચૂકી હતી… ભારે હૈયે ગામનાં ચોગાનમાં ચંદનનાં લાકડાની ચિતા ગોઠવવા લાગી. સંતો, ભક્તો, ભૂદેવો, સગાં સંબંધીઓ સૌ એકત્રિત થયાં હતાં. સૌનાં હૈયા વ્યથાનાં ભારથી ભારે થઇ ગયાં હતાં. ધીરે ધીરે સૂરજ અસ્તાચળ તરફ ઢળી રહ્યો હતો. યુવકનો પ્રવાસ પૂરો થયો નહોતો. અહીં યુવતીનાં વચન પ્રમાણેનો સમય પૂરો થવા આવ્યો…

        રાત પડવા માંડી એટલે ગામનાં ગઢનાં દરવાજા મંડ્યા એક પછી એક બંધ થવા. જેવો છેલ્લો દરવાજો બંધ થયો, અહીં યુવતીએ પોતાનાં વાળ છૂટા મુક્યા, સૌને આખરી પ્રણામ કર્યા અને ચિતા તરફ ડગ માંડ્યા…

        આ તરફ યુવાનની છાતીમાં શ્વાસ માતો નથી. સતત પ્રવાથી આંખ્યું ઊંડી ઊતરી ગઇ છે. શરીર માથે કપડાં ફાટી ગયાં છે. કોરાં ભઠ વાળ હવામાં ફરફર ફગફગે છે. સુકાયેલા હોઠ, કરમાઇ ગયેલો ચહેરો અને ભાંગેલા હૈયા સાથે યુવાન ગામ બહારનાં પેલા મંદિરનાં ઓટલે આવતાં આવતાં એક લથડિયું ખાઇ ગયો. વૃધ્ધ દાદાએ યુવાનને સંભાળી લીધો. યુવાને વાત કહી, એટલે દાદા યુવાનને તરત જ ઓળખી ગયા. પણ ગામમાં પહોંચવાનાં તમામ દરવાજા તો બંધ થઇ ગયા છે. અને આ તરફ યુવતી પોતાની આખરી મંજીલ તરફ પોતાનાં કદમો આગળ બઢાવી ચુકી છે. હવે શું કરવું?

આવી હૈયા ચીરી નાંખતી પારાવાર મૂંઝવણનાં ઉકેલ રૂપે યુવતીનાં દાદાએ મંદિરની પાસેની પુરાતન કાળની એક અવાવરૂ વાવમાંથી ગામમાં જવાનો ગુપ્ત માર્ગ યુવાનને બતાવ્યો. યુવાન પોતાની છેલ્લી શક્તિ એકત્રિત કરી વાવમાં ઊતર્યો, કમાડ ભાંગીને આગળ વધ્યો. વર્ષોથી અવાવરૂ પડી રહેલી આ બંધિયાર વાવનાં માર્ગમાં ઊડતાં ચામાચિડીયાં, લટકતાં સર્પો, ઘોર અંધકાર. પણ આ એકેય વાતની કે રૂકાવટની યુવાનને આજે પરવા નહોતી. એ ગમે તેમ કરીને માર્ગ પસાર કરી ગામમાં આવી પહોંચ્યો. હતું એટલું બળ ભેગું કરીને ચિતા તરફ દોડ્યો અને યુવતીનાં ખોળામાં છેવટે બેભાન થઇને ઢળી પડ્યો. યુવતીએ આ બેહાલ થઇ ગયેલા પોતાના પ્રિયતમને તુરંત જ ઓળખી લીધો.

આઠ દિવસની સઘન સારવારને અંતે યુવક સાજો થયો. બંનેનાં ધામધૂમથી લગ્ન થયાં, અને ગામનાં લોકો ખુશખુશાલ થઇ ગયાં.

આ તો પ્રેમકથા છે અને પ્રેમનો અર્થ જ સમર્પણ થાય છે. કબિરનું પદ છે ને –
यह तो प्रेम का घर है, खाला का घर नाहीं

शिश काट भूंई धरे फिर पैठे मांही…


from, Shahbuddin Rathod, Show Must Go ON...

Thursday 25 July 2013

“ દિકરી અને પિતાનાં સંબંધનું સૌંદર્ય”

મારો ખાસ મિત્ર દેવદત્ત અને તેની બંને લક્ષ્મી, (માલવી અને યશ્વિ)


        વિશ્વમાં અનેક ચમત્કારો થયાં છે, અને હજુ પણ થતા રહેશે. પણ પોતાનાં ઘરમાં બાળકનો જન્મ એ કદાચ મોટામાં મોટો ચમત્કાર ગણી શકાય. બાળક જન્મે તેની સાથે તેનાં માતા-પિતા પણ જન્મે છે. જગત પ્રત્યેનો જીવન પ્રત્યેનો તેમનો દ્રષ્ટિકોણ આપોઆપ બદલાય જાય છે. કંઇક અંશે જવાબદારીનું ભાન પણ વિશેષ પ્રગટે છે. આ જવાબદારીનો બોજો નથી એક અખંડ અનંત યાત્રા છે. લેબરરૂમની બહાર પિતા ઊભો હોય અને માતા પ્રસુતિની પીડા વેઠતી હોય, ત્યારે અચાનક બાળકનાં રડવાનો અવાજ સાંભળતાની સાથે માતા પોતાની તમામ પીડા ભૂલી જતી હોય છે અને બહાર ઊભેલા તે બાળકનાં પિતાનાં કાન આ અવાજ સાંભળીને ધન્ય થતા હોય છે, અને બાળકનું રૂદન તેનાં માતા-પિતાનાં હોંઠ પર સ્મિત થઇને છલકાઇ ઉઠે છે. પોતાનાં બાળકને હાથમાં કે ખોળામાં લેવાનો આનંદ જ કંઇક ઓર છે. જાણે કલ્પવૃક્ષ પરથી કોઇ અત્યંત મુલાયમ અને મુલ્યવાન ફૂલ ખોળામાં પડ્યું હોય તેવો અહેસાસ તેવી અનુભૂતિ તેવી લાગણી થાય છે. તેનાં હાથ-પગ, આંગળીઓ, આંખો આ બધું જ જોઇ લઇએ છીએ અને મનોમન ઇશ્વરનો આભાર માનીએ છીએ.

        બાળકમાં જો દિકરી હોય તો વાત જ કંઇક ઓર છે. કઠોર અને નઠોર બાપ પણ આપમેળે મુલાયમ થતો હોય છે. તેનાં સ્વભાવમાં આપોઆપ જ પરિવર્તન આવે છે. બાળક મોટું થતું જાય તેમ તેમ મા-બાપ પણ ઉછરતાં જતાં હોય છે. કોલેજમાં ભણતા હોઇએ કે નોકરી ધંધો કરતા હોઇએ તે સમયે સડક પર ભલે ગપ્પાં મારતાં મારતાં જતા હોઇને કંઇ નજરે ન ચડે અથવા તે દુકાન પર ધ્યાન ન દીધું હોય લક્ષ ન દીધું હોય પણ જેવાં પિતા બનીએ તેમ આ બધું નજરે ચડવા માંડે. રસ્તે ચલતા ચલતાં જેવું કોઇ ફરફરીયું કે રમકડું કે ચકડોળ જોઇએ તેવું તરત જ ખરીદી લઇએ. પોતાનાં બાળકનાં ઘોડીયા પર બાંધીએ કે તેને રમવા આપીએ. એક દ્રષ્ટિ આપોઆપ કેળવાવા માંડે અને પિતા કે માતા પોતાનાં દ્રષ્ટિકોણ બદલી પોતાનાં બાળકનાં દ્રષ્ટિકોણથી જ દુનિયા જોવા લાગે. તેમની માટે માત્ર અને માત્ર એક જ વ્યક્તિ કેન્દ્રમાં હોય તે હોય છે તેનું બાળક.

        દિકરી જન્મી હોય તો તેને ઢિંગલીની જેમ શણગારવાની મજા તો ભાઇ જેણે માણી હોય તેને ખબર હોય કે એમાં કેવો આનંદ આવે. કેવી મજા પડે. બાપ તેની ઢિંગલીને હસતાં જુએને ત્યારે સાહેબ તેને “શેર લોહી ચડી જાય”. દિકરીનો તેની મમ્મી કે માતા કે માં સાથે સંબંધ જન્મથી જ હોય છે પણ પપ્પા કે પિતા કે બાપ સાથેનો તેનો સંબંધ કંઇક વિશિષ્ટ જ હોય છે. એક પિતા અને એક પુત્રીનો સંબંધ નિરાળો હોય છે. દિકરી એના જીવનમાં જે પહેલો પુરૂષ જુએ છે તે તેનો પિતા જ હોય છે. આ પિતાનાં છાંયા – પડછાંયા તેની આખી ઝિંદગી સુધી લંબાતા હોય છે. એક વ્યક્તિ ગમે તેટલો મોટો માણસ હોય, નેતા હોય કે અભિનેતા હોય, ઉદ્યોગપતિ હોય કે પછી મેનેજર હોય પોતાની દિકરીની વાત આવે ત્યારે તે મીણ જેવો નરમ થઇ જતો હોય છે.

        એક પુત્રી માટે એક દિકરી માટે તેનો પિતા હંમેશા આદર્શમૂર્તિ હોય છે. પોતાનાં પિતા આગળ દરેક પુરૂષ ક્યારેક તેને વામણાં પણ લાગે. દરેક પિતાની દરેક બાપની તેની દિકરીને બોલાવાની રીત પણ પોતાની આગવી હોય છે. એ જ રીતે દરેક પુત્રી પણ પોતાના પિતાને આગવી રીતે બોલાવતી હોય. દરેક બાપ પોતાની દિકરીને એક આગવા નામે બોલાવતો હોય છે, અને દિકરી પણ પપ્પાનું એક આગવું નામ પાડતી હોય છે, જાણે સામસામા પેટન્ટ લીધા હોય. ઘરમાં દિકરી રમતી હોય પણ બારણાં ખુલવાનાં અવાજ પરથી ઓળખી જાય કે મારા પપ્પા આવ્યા. દિકરી માટે પિતા એ એક હુંફ છે, સલામતિ છે. એનાં મનમાં એ એક સજ્જ્ડ માન્યતા હોય છે કે મારા પિતા જ્યાં સુધી મારી સાથે છે ત્યાં સુધી કોઇ મારો વાળ પણ વાંકો નહીં કરી શકે. પિતાનો ખોળો એ જ જાણે દિકરીનો વિસામો, દુનિયાની સૌથી સલામત અને સુરક્ષિત જ્ગ્યા. પિતાના હાથ તેની છત્રછાંયા. કોઇ દિકરી જ્યારે એનાં પિતાનો હાથ પકડી ને સુઇ જાય પછી ખુદ એ બાપ પણ એ હાથ છોડાવી ન શકે, એટલો સજ્જ્ડ રીતે હાથ પકડેલો હોય. તેનાં મનમાં એમ જ હોય અને વિશ્વાસ હોય કે કોઇની તાકાત નથી કે આ હાથ છોડાવી શકે. પિતા જ્યારે તેની દિકરીનું કપાળ વ્હાલથી ચૂમતો હોય તે તેનાં જીવનની એક પિતાનાં જીવનની ધન્યમાં ધન્ય ક્ષણ હોય છે.

        મેં કોઇ જગ્યાએ એક વાત વાંચેલી. કે એક દિવસ એક બાપ-દિકરી બહાર જતાં હોય છે અને અચાનક મુશળધાર વરસાદ પડવા માંડે છે. ખુબ વરસાદને કારણે ગામમાં પૂરની સ્થિતિ સર્જાય જાય છે. રસ્તાઓ તો જાણે નદી બની ગયા હોય એમ ધોધમાર પાણી રસ્તા પરથી પસાર થતું હોય છે. આવામાં એ પિતાને ચિંતા થાય છે કે ઘરે તારી મમ્મી આપણી રાહ જોતી હશે અને આ વરસાદને કારણે તેની ચિંતા બેવડાઇ ગઇ હશે. હવે શું કરવું. આ બંને બાપ-દિકરીને ઘરે પહોંચવા એક નદી ઓળંગવી પડે એમ હોય છે. હવે નદીનું પાણી અને ઉપરથી આ ધોધમાર વરસાદ. નદી કેમ ઓળંગવી. તો પિતા તેની દિકરીને કહે છે કે બેટા, તું મારો હાથ એકદમ જોરથી પકડી રાખજે. જેથી આ તેજ વહેણમાં ફેંકાઇ ન જા. ચાલ આપણે હિંમત કરીને નદી ઓળંગી જઇએ. ત્યારે એ દિકરી શું તેના પિતાને કહે છે દોસ્તો એ વાંચો આ જવાબ પરથી ખ્યાલ આવી જશે કે એક દિકરી માટે બાપ શું હોય છે. દિકરી કહે છે, “પપ્પા, હું નહીં તમે મારો હાથ પકડી રાખજો. કારણ કે ગમે એવું તેજ વહેણ હશે કે ગમે એવી પરિસ્થિતિ ઊભી થશે તો બની શકે કે ડરને કારણે હું તમારો હાથ છોડી દઉં, મને ભરોસો છે પુરો વિશ્વાસ છે કે જો તમે મારો હાથ પક્ડ્યો હશે તો તમે મારો હાથ નહીં છોડો. માટે પપ્પા તમે મારો હાથ પકડીને મને પેલે પાર પહોંચાડજો.”

        આવો વિશ્વાસ જગતની તમામ દિકરીઓને તેના પિતા પર હોય છે. એનાં માટે તેનો પિતાજ તેનો હિરો હોય છે, જાણે અજાણે તેનાં જીવનમાં આવનારા તમામ પુરૂષોને તે તેનાં પિતા સાથે એકવાર તો સરખાવે જ છે.  જેમ મા-દિકરાનાં સંબંધોનું સૌંદર્ય એક વિશિષ્ટ હોય છે તેમ બાપ-દિકરીનાં સંબંધનું સૌંદર્ય પણ અદ્દ્ભૂત હોય છે.

        દોસ્તો, બાળકને કારણે દરેક દિવસ એક સોગાત જેવો, એક ભેટ જેવો લાગે છે.

(સંપાદિત)

Saturday 20 July 2013

Don’t worry, be Barfi! (Part - 3)


ફિલ્મમાં અનેકોનેક સીન્સ એવા ફિલ્માવવામાં આવ્યા છે કે અનુરાગ કશ્યપને ઊભા થઇને સલામ કરવી પડે. મારા ગમતાં સીનને મેં અહીં લખ્યા છે, પણ વાચકરાજાઓ, આવા તો કંઇક સીન્સ છે આ ફિલ્મ મહીં. સાથોસાથ આ ફિલ્મ સાથે જોડાયેલી અમુક અજાણી વાતો પણ અહીં આપી છે. મમળાવજો.

૦૧.    ‘મુસ્કાન’માં જ્યારે જીલમીલ અને બરફી એક બીજાને મળે છે ત્યારે એક સરસ મજાનો સીન નિર્દેશકે ફિલ્માવ્યો છે, જેમાં એક પણ સંવાદ નથી પણ માત્ર અને માત્ર અભિનય દ્વારા જ કહેવાયું છે કે બરફી પર શ્રુતિનો નહીં પણ જીલમીલનો અધિકાર છે, અને જીલમીલથી બરફીને કોઇ જુદુ નહીં કરી શકે. જ્યારે બરફી એક પછી એક રૂમમાં જીલમીલને શોધતો હોય છે ત્યારે તેની પાછળ પાછળ દોડી આવેલી શ્રુતિને જોતાં જ જીલમીલ બરફીને આડશમાં પુરી લે છે.

૦૨.    આ પહેલાં પણ જ્યારે બરફી અને શ્રુતિ, જીલમીલને શોધતાં મુસ્કાનમાં આવે છે, ત્યારે ‘દાજુ’ ની બોડી લેંગ્વેજ થી બરફીને અંદાજ આવી જાય છે કે તેઓ જુઠુ બોલી રહ્યા છે, હકીકતમાં જીલમીલ અહીં, ‘મુસ્કાન’માં જ છે અને જે રીતે રૂમે રૂમે બરફી જીલમીલને શોધે છે તે પરથી અને ત્યાર બાદ તેમનાં નાનપણથી જ ઉપયોગમાં લેવાતો કોડવર્ડ બરફી તેનું બુટ કાઢીને ઊંચે ઉછાળે છે, વારંવાર. જે જીલમીલ જુએ છે અને તેને ફરી એ વાતનો અહેસાસ થાય છે કે બરફી પણ તેને ચાહે છે. પણ જીલમીલ તરફથી કોઇ પ્રતિસાદ ન મળતાં છેવટે શ્રુતિ અને બરફી આ સંસ્થા છોડીને ચાલી નીકળે છે ત્યારે પાછળથી જીલમીલ બરફીને સાદ પાડે છે પણ બરફી તો મુંગો-બહેરો છે એ થોડો આ સાદને સાંભળી શકવાનો. સાદ શ્રુતિ સાંભળે છે… હવે ઘડી આવી પહોંચી કે શ્રુતિ બરફીને જાણ કરે કે જીલમીલ અહીં છે જો સામે રહી તો બરફી તેનાંથી હંમેશ જુદો થઇ જવાનો, અને જો જીલમીલનો અવાજ સાંભળ્યો હોવા છતાંયે ન સાંભળ્યો કરીને ચાલી નીકળે તો બરફી હંમેશા તેની પાસે રહેશે અને તેનો સાથ મળશે. શું કરવું? જે પ્રેમને પામવા તેણે પોતાની ઝિંદગી, માતા-પિતા, પતિ સૌને પાછળ છોડી દીધા તેને સાથે લઇને ચાલી નીકળવું કે બરફીને જીલમીલને સોંપી દેવો?
છેવટે જીત સાચા પ્રેમની થાય છે જે શ્રુતિને અનુભવાય છે કે જીલમીલ અને બરફી જ એક બીજાનાં છે. અને તે બરફીને જીલમીલ સાદ કરે છે તેની જાણ કરે છે.

૦૩.    ફિલ્મ શરૂ જ થાય છે મુસ્કાન નામની સંસ્થાને પડદા પર દેખાડતા દ્રશ્ય સાથે. આ સાથે એ દ્રશ્યમાં ઝાડ નીચે ત્રણ લોકો એકોર્ડીયન, વાયોલિન અને એકોસ્ટીક ગીટાર વગાડતાં જોઇ શકાય છે. આ લોકો ફિલ્મની શરૂઆતથી જ વાર્તા સાથે જોડાયેલા છે અને બેકગ્રાઉન્ડ સંગીત કે જે ગણો તે આ ત્રણ ઇન્સ્ટ્રુમેન્ટમાં જ વાગે છે. ફિલ્મનો છેલ્લો સીન પુરો થાય અને આ ત્રણે જણાં પોતાના ઇન્સ્ટ્રુમેન્ટ ઉઠાવીને ચાલતા થાય છે.

૦૪.    ફિલ્મમાં જ્યારે શરૂ થાય છે અને રૂમમાં બરફી સવારનાં તડકામાં શ્રુતિને કરેલ વાયદા મુજબ એક સારો ફોટો મરતાં પહેલાં આપવાની વાત યાદ કરીને કેમેરો કાઢી ફોટો પાડે છે જેમાં બરફી એક વૃધ્ધ વ્યક્તિ દેખાય છે. ફોટો પડી ગયા પછી ખુરસીમાંથી ઊભો પણ નથી થઇ શકતો.

૦૫.    ફિલ્મમાં બરફી, સ્મોકિંગ કરે છે, દારૂ પીવે છે પણ તમે છતાંયે તેને ધિક્કારી ન શકો એટલો માસુમ પણ બતાવ્યો છે. ફિલ્મમાં બરફી પોતાની મસ્તીથી તોફાનોથી આપણને હસાવે પણ છે અને પોતાના અભિનય દ્વારા રડાવે પણ છે. બરફીનું દિલ તૂટે છે તો તેને પણ દુઃખ થાય છે તેની આંખમાં પણ આંસુ આવે છે. ત્યારે તે પણ એક નાના બાળકની જેમ તેનાં પિતાની પાસે સુવા ચાલ્યો જાય છે. આંખમાં ઊંઘ નથી પણ આંસુ છે અને જરૂર છે એક ખભાની, જેના પર માથું મુકીને હંમેશા હસાવતો, નાયક રડી શકે.

૦૬.    આ આખા ફિલ્મમાં રણબીર કપુરને એક પણ ડાયલોગ બોલવા નથી મળ્યો. માટે તેનો અવાજ માત્ર ફિલ્મ શરૂ થતાં જે ધુમ્રપાન અંગેની જાહેર હિતની ચેતાવણી આવે તેમાં જ સાંભળવા મળે છે. બાકી પુરી ફિલ્મમાં ‘બરફી’ સિવાય એનાં ભાગે માત્ર અને માત્ર અભિનય જ આવ્યો છે. જે તેણે પુરા દિલથી નિભાવ્યો છે.

૦૭.    આ ફિલ્મનાં ટાઇટલ રોલ માટે અનુરાગ કશ્યપ ની એક માત્ર અને પહેલી છેલ્લી પસંદગી રણવીર કપુર જ હતો.

૦૮.    આ ફિલ્મ ૨૦૧૩નાં ઑસ્કર ઍવોર્ડ માટે ભારત દેશની પ્રતિનિધિ તરીકે બેસ્ટ ફિલ્મ ઇન ફોરેન લેન્ગ્વેજ કેટેગરીમાં મોકલવામાં આવેલ હતી.

૦૯.    જેમ કહાની ૧૯૭૦ની પૃષ્ઠભૂમિ સાથે ફિલ્માવેલી છે, માટે શ્રુતિનો મેકઅપ અને તેની સ્ટાઇલ તમામે તમામ ૧૯૭૦ની સાલ પ્રમાણેનાં જ બતાવવામાં આવ્યા છે. આ ગેટ અપ નો આઇડિયા અનુરાગ કશ્યપને તેમની માતાનાં એ સમયનાં(૧૯૭૦ની સમયની આસપાસનાં) ફોટાઓ જોઇને આવેલો અને આ ગેટઅપ ઇલિયાના ડિ’સૉઝાને ખુબ સરસ લાગે પણ છે અને તે હકીકતે આ ગેટ અપ માં ખુબ સુંદર દેખાય છે.

૧૦.    ફિલ્મ ઇન્ડ્સ્ટ્રીની ઘણી બધી ટોપની હિરોઇનો એ શ્રુતિ ઘોષનો રોલ કરવાની ના પાડી દીધેલી. કારણ ફક્ત એટલું જ કે આ રોલ સપોર્ટીંગ રોલ છે લીડ રોલ નહીં. દક્ષિણ ભારત ફિલ્મ ઇન્ડ્સ્ટ્રીની ટોપ હિરોઇન એવી ઇલિયાના ડિસૉઝા પણ અનુરાગ કશ્યપની સાથે ખુબ લાંબી વાતચીતનાં અંતે રોલ સ્વિકારવા તૈયાર થઇ.

૧૧.    એક સીન એવો છે જેમાં શ્રુતિ દાર્જિલીંગ છોડીને જઇ રહી છે એવા સમાચાર ભોલા (બરફીનો મિત્ર) બરફીને આપે છે. બરફી ટ્રેનમાં શ્રુતિને મળે પણ છે અને ઘડી બે ઘડી પછી ક્યારે મળશું એનો અહેસાસ પણ બંનેની આંખોમાં દેખાય છે. પણ બરફી એક થાંભલા સાથે અથડાતા તેની સાઇકલનું ટાયર આગળ નીકળી જાય છે, સાથે સાથે શ્રુતિની ટ્રેન પણ. કેમેરો ફોકસ થાય છે ગોળ ગોળ આમતેમ ફરતાં ટાયર પર કે જે બરફીની જિંદગી જેવી છે તેનું સુચક છે અને શ્રુતિની ટ્રેન તેને લઇને આગળ વધી ગઇ તે એ સુચવે છે કે શ્રુતિ જીવનમાં આગળ વધી જવી જોઇએ જ્યારે બરફી એની ફટીચર સાઇકલનાં ટાયર જેવી આમતેમ અથડાતી કુટાતી જિંદગી જ જીવવાનો. આટલું પુરૂં થતાં જ કેમેરો ફંટાય છે બરફીની પાછળ, જે ચિત્ર છે તેને આગળ લાવે છે. ચિત્ર છે ફિલ્મનું મુખ્ય પાત્ર જેમાંથી સર્જાણું છે તે ‘મરફી’ રેડિયોનું મોટું પોસ્ટર અને તેની નીચે એકોર્ડિયન, વાયોલિન અને ગીટાર વગાડતા આપણાં ત્રણ સાજીંદાઓ.

૧૨.    આ ફિલ્મમાં બરફી તેનાં દરેક Near & Dear ની એક જરા વિચીત્ર કહી શકાય એવી રીતની પરિક્ષા લે છે. પરિક્ષા પણ કેવી? લેમ્પપોસ્ટને જરા અમથો ઢળતો રાખીને કાપી નાંખવાનો અને બરાબર ૧૦ ડગલે છેટે એક બોટલ મુકવાની જેનાં પર આ લેમ્પ પોસ્ટ પડે. આ બધું થાય એ દરમ્યાન જે વ્યક્તિ બરફી સાથે હાથ પકડીને પુરી ઘટનામાં સાથે ઊભી રહે તો પરિક્ષામાં પાસ. કારણ કે તેને એ વાતની ફિકર હોય છે કે તે તેને છોડીને જતા તો નહીં રહે ને? જે આ પરિક્ષામાં પાસ થઇ જાય તે તેની સાથે હંમેશ રહેશે તેવો તેને વિશ્વાસ હોય છે. માટે એક વાર તો તેનાં બાળગોઠિયા ‘ભોલા’ની પણ આ રીતની પરિક્ષા લે છે. પણ, ભોલા અને શ્રુતિ બંને આ પરિક્ષા પાસ નથી કરી શકતાં. હવે વારી છે જીલમીલની!

        અને એ પણ શા કારણે? કારણ કે, કલકત્તામાં ફરી એક વાર બરફી શ્રુતિને મળે છે અને હવે શું શ્રુતિ તેની સાથે રહેશે કે જીલમીલ? આ વાતનો ફેંસલો કરવા બરફી જીલમીલની પણ પરીક્ષા લે છે. હવે જે છોકરીને સામે ટ્રેન આવતી હોય તો પણ ચીસ પાડવાની બુધ્ધિ ન હોય તેને માટે લેમ્પપોસ્ટ નું પડવું શી વિસાતમાં? અને જીલમીલ આ પરિક્ષામાં પાસ થાય છે અને બરફી નક્કી કરે છે કે હવે તે હંમેશા જીલમીલ સાથે રહેશે.

૧૩.    શ્રુતિને પણ એ વાતની પ્રતિતિ થઇ ગઇ હોય છે કે રણજીત સેનગુપ્તા (જીશુ સેન્ગુપ્તા) તેનું ભવિષ્ય નથી. તે તેની સાથે ક્યારેય ખુશ રહી શકશે નહીં. આથી જ્યારે બરફીને જીલમીલનાં ખુનનાં આરોપથી છોડાવવા માટે પોલીસ સ્ટેશને જઇ રહી હોય ત્યારે તેનાં પતિદેવ ખુબ સ્પષ્ટ ભાષામાં એ સુચના આપી દે છે કે જો બહાર જવું જ હોય તો હવે ક્યારેય આ ઘરમાં પાછી આવતી નહીં.

        શ્રુતિ પણ પોતાનાં ઇરાદામાં આ વખતે ખાસ, ખુબ સ્પષ્ટ અને અડગ હોય છે. તે બધું જ છોડીને ચાલી નીકળે છે. પરંતુ જીલમીલનાં અસામાન્ય સંજોગોમાં થયેલુ ખુન બરફીને મોટો આઘાત પહોંચાડે છે. અહીં બરફી પુરી ફિલ્મમાં માત્ર બે જ વારમાં બીજી વાર રડે છે. તેનાથી જીલમીલનું મોત અથવા તો દૂરી સહન નથી થતી. જે સબ ઇન્સ્પેક્ટરને બરફી એ ખુબ ખુબ હેરાન કરેલ હોય એ જ પો.સબ.ઇન્સ. મી. દત્તા શ્રુતિને કહે છે કે બરફીને લઇને કંઇક દુર ચાલી જા.

        હવે શ્રુતિ પણ બરફી સાથે જ અને પાસે જ રહેવા માંગતી હોય છે માટે રેલ્વે સ્ટેશને ખુબ જ કશ્મકશ પછી બરફી સાથે ચાલી નીકળે છે. તે માત્ર બરફી સાથે રહેવા માંગતી હોય, બરફી નો સાથ ઇચ્છે છે. સાથો સાથ એ વાત પણ ખુબ સ્પષ્ટ રીતે જાણે છે કે બરફીનાં મન અને હ્રદયમાં જીલમીલ જ છે. તે તેનું સ્થાન ક્યારેય લઇ નહીં શકે.

૧૪.    શ્રુતિ જે જીલમીલ અને બરફી મળ્યા પછી એકાંતવાસમાં પોતાનું જીવન વ્યતિત કરતી હોય છે, તેને બરફી પોતાનાં છેલ્લા શ્વાસ ગણી રહ્યો છે એની જાણ કરવામાં આવે છે અને તે બરફીને છેલ્લી મળવા માટે દાર્જિલીંગ પહોંચી જાય છે. અહીં શ્રુતિ એ વાત દર્શકોને જણાવે છે કે તેનાં નાના-નાની એકબીજાને ખુબ ચાહતા હતાં અને જ્યારે તેનાં નાના મૃત્યુ પામ્યા તેનાં બીજા જ દિવસે નાની પણ મૃત્યુ પામ્યા. જીવનભર તો બંને સાથે રહ્યા પણ મૃત્યુ પણ તેમને જુદા ન કરી શક્યું. હું પણ કંઇક આવો જ અંત ઇચ્છુ છુ. (How Romantic!!!)

        બીજા દ્રશ્યમાં જીલમીલ બરફીની પાસે આવે છે અને તેની પાસે તેનાં બેડમાં સુઇ જાય છે અને સવાર પડતાં બરફીની સાથે સાથે જીલમીલ પણ મૃત્યુ પામે છે. કારણ કે જીવતા જીવત બંને એકબીજાથી દુર થવા નહોતા ઇચ્છતા, અને હવે મૃત્યુ પણ તેમને જુદા નહીં કરી શકે.

પરંતુ મિત્રો, સાથો પ્રેમ આપવામાં છે, પ્રિયજન માટે ફના થઇ જવામાં છે. છોડીને પામવું એ નસીબ છે પણ જાણતા હોવા છતાં પણ છોડ્વું અને છોડીને પણ જોડાઇ રહેવું એ જ સાચા પ્રેમની નિયતી અને ઓળખ છે.

હાં મિત્રો દરેક ફિલ્મની જેમ આ ફિલ્મમાં પણ પ્રોડક્શન મેનેજરે અને નિર્દેશકે ખુબ ચીવટ રાખી હોવા છતાંયે અમુક જગ્યાએ થોડા લોચા માર્યા જ છે. નાનકડી યાદી પેશ-એ-ખીદમત છે.

લોચો નં. ૦૧.  બરફીની પાછળ જ્યારે સબ ઇન્સ્પેક્ટર દત્તા દોડે છે ત્યારે પાછળ એક જગ્યાએ ‘વોડાફોન’ નું બોર્ડ દેખાય છે. જ્યારે ફિલ્મ ૧૯૭૦ની પૃષ્ઠ ભૂમિમાં બનેલી હોય છે, ત્યારે યાર, મોબાઇલ ફોન ક્યાં હતાં.

લોચો નં. ૦૨.  ફિલ્મનાં ગીત ‘ફિર લે આયા દિલ’ માં જ્યારે શ્રુતિ, બરફી અને જીલમીલ ફરવા નીકળે છે, ત્યાં કોલકત્તાની ટ્રામ જે રસ્તેથી પસાર થતી હોય છે ત્યાં પાછળ એલ.જી. કંપનીનાં શો-રૂમનું બોર્ડ પસાર થાય છે, બી.એસ.એન.એલ. નું બોર્ડ પણ દેખાય છે.

લોચો નં. ૦૩.  જ્યારે જીલમીલ ખોવાઇ જાય છે તેને શોધતા શોધતા બરફી હાવરા બ્રિજની સામેની કોઇ એક જગ્યાએ દોડતો આવે છે, ત્યાં એક જગ્યાએ કોલકત્તા મ્યુનિસીપલનું બોર્ડ દેખાય છે. હવે ફિલ્મ બની છે ૧૯૭૦ની પૃષ્ઠ ભૂમિમાં અને કલકત્તાનું કોલકોતા ૨૦૦૧માં થયું. તો બોર્ડ ૧૯૭૦નાં દસકામાં ક્યાં આવ્યું?

લોચો નં. ૦૪. આ ફિલ્મનાં ઘણા બધા સીન્સ ચાર્લી ચેલ્પિનની ૧૯૧૭માં આવેલી 'ધ એડવેન્ચર' અને ૧૯૩૧માં આવેલી 'સીટી લાઇટ્સ' ફિલ્મોમાંથી લેવામાં આવ્યા છે. સ્ક્રિન પ્લે રાઇટર અને સ્ક્રિપ રાઇટરે બીજી પણ બે ત્રણ ફિલ્મો માંથી પણ સીન્સ લીધા છે. હવે આને તડફંચી કહેવી કે સીધી ઉઠાંતરી કહેવી કે જેમ અંગ્રેજીમેં કહેતે હૈ કી....'ઇન્સ્પરેશન' કે પ્રેરણા લેવી. તે મારા વાચકરાજા જ નક્કી કરે.

             હાં ! એક ખુલાસો જરૂર આપીશ, કે નિર્દેશક અનુરાગ બસુ એ આ વાતને એ રીતે જ્સ્ટીફાય કરી છે કે ફિલ્મો તો ત્યારે પણ બનતી ૧૯૨૦,  ૩૦ નાં સમયગાળાની વાત છે. કે ફિલ્મો તો ત્યારે પણ બનતી અને લોકો મનોરંજન મેળવતા. ત્યારે મુક ફિલ્મો બનતી અને હવે ડાયલોગ સંભળાય છે ફિલ્મોમાં. તો પણ ત્યારે માત્ર અને માત્ર અભિનયનાં જોરે જ કલાકારો દર્શકોને હસાવતાં, રડાવતાં. માત્ર અને માત્ર અભિનયનું જ માધ્યમ રહેતું. જ્યારે બરફી પણ એક મુક પાત્રની આસપાસ ગુંથાયેલી કહાની હોય અમે આ માધ્યમ પસંદ કર્યું.



લોચો નં. ૦૫. મિત્રો, આ ફિલ્મનાં ઘણાં સીન ઇન્ટરનેશનલ ફિલ્મમાંથી લેવામાં આવ્યા છે, જેને ફિલ્મી ભાષામાં આપણે Inspired થયેલા જ કહીશું. અહીં એક યુ-ટ્યુબ વિડીયો મુક્યો છે. જેમાં બધું જ આવી જાય છે. 


લેખની શરૂઆત આ ફિલ્મનાં તમામ કલાકાર કસબીઓનાં નામો લેખકે તમારી અનુકૂળતા માટે 
આપેલાં જ છે. તો મિત્રો ‘બરફી’ જો જો ‘જ’. આ એક પ્રેમભર્યો આગ્રહ સમજજો. 

Monday 15 July 2013

Don’t worry, be Barfi! (Part - 2)


પ્રિય વાચકરાજાઓ,

ગયા લેખમાં આપણે બરફી! ફિલ્મ વિશે જાણ્યું. હવે આ ફિલ્મની કહાની વિશે આ લેખમાં વધુ છણાવટથી અપના સમક્ષ પેશ કરૂં છું. 

ફિલ્મની સ્ટોરી…

ફિલ્મનો ઉઘાડ જ આ ફિલ્મ અને ફિલ્મનાં મુખ્ય પાત્ર વિશેનો આછડતો ખ્યાલ આપી દે છે. ફિલ્મની શરૂઆત નેરેશન થી થાય છે. આ નેરેશન અગાઉ કેટરીના કૈફ કરવાની હતી, પણ વાત ન જામતા છેવટે ફિલ્મનું નેરેશન એક રીતે તો તમામ પાત્રો સાથે બરફીનાં સંબંધો અને તેનાં તોફાનોની વાત કરતું હોય છે. જેમકે શ્રુતિ ઘોષ (ઇલીયાના ડી’સૉઝા)નાં નેરેશનથી ફિલ્મની શરૂઆત થાય છે. વધુમાં વધુ નેરેટ ફિલ્મમાં શ્રુતિ જ કરે છે. ફિલ્મમાં બીજા ઘણાં પાત્રો પણ પોતાનાં સંબંધો અને બરફીને યાદને કરે છે. પણ સૌથી વધુ વાત ફિલ્મમાં અગાઉ કહ્યું તેમ શ્રુતિ અને પોલીસ સબ-ઇન્સ્પેક્ટર સુધાંશુ દત્તા (સૌરભ શુક્લા) કરે છે.

એક ગીતથી થાય છે, ‘હો ગઇ પિક્ચર શુરૂ…’. આ પ્રકારનું ગીત પહેલી વાર ફિલ્મનાં ટાઇટલ્સ બતાવવા માટે ઉપયોગમાં લેવામાં આવ્યું છે. પછી થોડી વારે હિરો એટલે કે મુખ્ય પાત્રનું એટલે કે બરફીનું આગમન. પછી ગીતથી ફિલ્મની શરૂઆત. ટાઇટલ ગીત છે, ‘આલા આલા મતવાલા બરફી…’



બરફી! એક જન્મથી જ બહેરો અને મુંગો છોકરો છે. તે તેની તમામ લાગણી કાં તો વર્તનથી કહે છે અથવા તો હોઠ ફફડાવીને. પણ અવાજ નથી નીકળતો માત્ર લીપસીંક પરથી જ સમજવું પડે છે કે તે શું કહે છે. બરફી એક આવારા તો ન કહી શકાય પણ એક નંબરનો તોફાની અને મસ્તીખોર જરૂર કહી શકાય તેવું પાત્ર છે. તેને માટે તે જે સમજે છે તે જ સત્ય છે.  બરફી કોઇપણ સંજોગોમાં ખુશ રહેવામાં માને છે. જીવનની નાની નાની બાબતોથી ખુશી મેળવીને બસ પોતાની દુનિયામાં મસ્ત રહેનારો મસ્તમૌલા પ્રકારનો નાયક છે. તે દાર્જિલીંગનો રહેવાસી છે જ્યાં શેરપા, નેપાળી અને બંગાળી લોકોની વસ્તી વધારે છે. પુરી ફિલ્મ બરફીનાં તોફાનોથી અને મસ્તીથી ભરપુર છે.

બરફી શ્રુતિ નામની છોકરીનાં પ્રેમમાં પડે છે. જે તેનાં પિતાની દાર્જિલીંગમાં બદલી થવાને કારણે પરિવાર સાથે આવી હોય છે. શ્રુતિ એક સભ્ય સમાજમાંથી આવતી હોય છે. ધીરે ધીરે શ્રુતિ જેમ જેમ બરફીને મળતી રહે છે તેમ તેમ બરફીને સમજતી જાય છે અને છેવટે તે સમજની ફલશ્રુતિ, શ્રુતિ બરફીને મનોમન ચાહવા લાગે છે. બરફી પણ શ્રુતિને ચાહતો હોય છે. શ્રુતિ, જે બરફીને ચાહતી હોય છે, તે તેનાં માતાપિતા અને સમાજનાં દબાણને વશ થઇને એક શારિરીક રીતે પુર્ણ એવા વ્યક્તિ સાથે જીવન વિતાવવા તૈયાર થઇ જાય છે. બરફી તો જન્મથી જ મુંગો-બહેરો હોય છે. શ્રુતિનાં માતા-પિતા પણ સૌ માતા-પિતાની જેમ તેમની પુત્રીનાં ભલા માટે તેને એક ભણેલ-ગણેલ, પૈસાદાર અને મુખ્ય તો શારીરિક રીતે પુર્ણ હોય એવા વ્યક્તિ સાથે લગ્ન કરાવી દે છે.

બરફી ખુબ પણ પોતાનાં અધુરાપણાથી સંપુર્ણ વાકેફ હોય છે. તે જ્યારે શ્રુતિનાં મંગેતરને મળે છે ત્યારે તે જ શ્રુતિને સમજાવે છે કે આ જો આ વ્યક્તિ જે પૈસાદાર છે, દેખાવડો છે તારી સાથે ઊભો હશે તો જોડી સારી લાગશે, અને હું? મારો તો આ કોટ પણ ફાટેલો છે, મારા બૂટ જો ચિંથડા નીકળી ગયા છે. તારા મા-બાપ મને ભિખારી સમજે છે. આની પાસે કાર છે ને મારી પાસે સાઇકલ, અને સૌથી મહત્વની વાત કે તે બધી રીતે પુર્ણ છે અને હું નથી. માટે તારા જીવનસાથી તરીકે આ વ્યક્તિ જ યોગ્ય છે, હું નહી. મને માફ કરજે જો મેં તારૂં દિલ દુભાવ્યું હોય તો… હવે હસ જો! આ સીનમાં રણવિરનો અભિનય કાબિલે દાદ છે બોસ!

આ દરમ્યાન બરફી જીલમીલને મળે છે. જીલમીલ એક નાનપણથી જ ઓટીસ્ટીક અને માનસિક રીતે વિકલાંગ બાળક હોય છે. જેને બોલવામાં, ચાલવામાં, પોતાનાં નાના નાના કામો કરવામાં પણ તકલીફ પડતી હોય છે. આને કારણે જીલમીલનાં માતા-પિતા જીલમીલને એક આવા બાળકોની દેખભાળ કરતી સંસ્થા – ‘મુસ્કાન’માં  મુકી આવે છે. બરફીનાં પિતા આ જીલમીલનાં કુટુંબનાં ડ્રાઇવર હોય છે એને કારણે જીલમીલ અને બરફી એકબીજાને ઘણાં વર્ષોથી ઓળખતા હોય છે. અહીં બરફી પોતાની ઓળખ અને હાજરી હવામાં બુટ ઉછાળીને આપે છે જે જીલમીલને બહુ ગમતું હોય છે.

બરફીનાં પિતાને હાર્ટ એટેક આવે છે. બરફીને જણાવવાની કોશીશ કરે છે પણ સાંભળી ન શકવાને કારણે બરફી તે જાણી નથી શકતો અને તેનાં પિતા પારાવાર દર્દ સાથે બેભાન થઇને ઢળી પડે છે. સવારે જ્યારે બરફી ઉઠે છે ત્યારે જુએ છે કે એના પિતાની હાલત શું થયેલી. તાત્કાલિક તેના પિતાને ખભા પર ઉંચકીને (ભઇ! જવાન છોકરો છે.) હોસ્પીટલ ભેગા કરે છે અને સારવાર શરૂ કરાવે છે. સારવાર બાદ ડૉક્ટર બરફીનાં પિતાની બંને કિડની ખરાબ થઇ ગઇ છે અને તુરંત જ બે દિવસમાં બદલવી પડશે અને ઓપરેશન કરવું પડશે જેનો ખર્ચ છે, રૂ. ૭૦૦૦/-, એમ જણાવે છે. હવે, આ ભાઇ તો કંઇ કામ ધંધો તો કરતા નહીં બસ પોતા પુરતું થઇ રહેતું એટલે એટલામાં ખુશ રહેતા. પણ અચાનક હવે પૈસા ક્યાથી એકઠા કરવા? જમા કરેલા પૈસા, તેના પિતા જ્યાં ડ્રાઇવરી કરતાં ત્યાં જીલમીલનાં પિતા પાસે પણ માંગણી કરે છે, પણ જ્યારે જીલમીલનાં પિતાને પૈસાનાં સાંસાં પડતા હોય ત્યાં બીજી તો તે શું મદદ કરી શકવાનાં? અને ભાઇ, જીલમીલનું અપહરણ કરવાનો કારસો રચે છે. જેમાં સફળ થતાં પહેલાં જીલમીલનાં પિતા જ જીલમીલનું પૈસા માટે અપહરણ કરાવી નાંખે છે. જેનો બધો દોષ આપણાં બરફી પર આવે છે. હવે ગમે એમ કરીને પૈસા તો ભેગા કરવાને? એટલે ભાઇ બીજો પેંતરો અજમાવે છે, બેંક લૂંટવાનો. જેમાં પણ નિષ્ફળ જાય છે. હવે જોગાનુજોગ બેંક લૂંટવાને કારણે પોલીસનાં હાથમાંથી બચવાની કોશીશમાં તેનાં હાથમાં જીલમીલ આવી જાય છે. ફરી એ જ પ્લાન… પણ ઇમાનદાર એટલો કે રૂ. ૭૦૦૦/- ની જરૂર છે તો ૭૦૦૦/- જ માંગવાનાં.

આ, દરમ્યાન, જીલમીલને બરફી માટે લાગણી થઇ આવે છે, કે મુસ્કાન પછી જો કોઇ તેનું ધ્યાન રાખી શકે એમ હોય તો તે છે બરફી! જીલમીલને ઘરે લાવીને બરફી એનાં માટે બાનની રકમ રૂ. ૭૦૦૦/- લઇ આવે છે અને હોસ્પીટલમાં જમા કરાવે છે. પરંતુ ત્યાંતો સમયસરની સારવાર ન મળવાને કારણે બરફીનાં પિતા જંગબહાદુર મૃત્યુ પામે છે અને પોલીસ તપાસમાં આ રકમ બરફી એ જમા કરાવેલી અને જીલમીલનું અપહરણ પણ બરફી એ જ કરેલું એ સાબિત થાય છે. બીજે દિવસે જીલમીલને તેનાં ઘરે પણ મુકી આવે છે પણ ત્યાં ન જવું હોય માટે જીલમીલ ત્યાંથી બરફી પાસે આવી જાય છે.

હવે, બરફી જીલમીલને તેની કેરટેકર આયા માલતિમાસીને ત્યાં મુકી આવે છે, પણ જીલમીલને તો બરફી સાથે રહેવું હોય, માટે ત્યાંથી પણ ભાગીને બરફી પાસે આવી જાય છે. આ તમામ ઘટનાક્રમમાં ખુબ કોમિક ટાઇમીંગ અને સુપર્બ સ્ક્રિનપ્લેને કારણે આખી ઘટના આમ તો આખે આખી ફિલ્મ જ ખુબ સંવેદનશીલ બની છે.

બરફી પર જીલમીલનાં અપહરણનો કેસ બને છે અને બંને ફરાર છે એવી દૈનિકોમાં જાહેરાતો પણ છપાય છે. આ કારણે બરફી માટે હવે દાર્જિલીંગમાં રહેવું અશક્ય છે, અને તે જીલમીલને લઇને કલકત્તા પહોંચે છે અને જીલમીલ હવે તેની જવાબદારી છે એમ માની ને એક નવી ઝીંદગી શરૂ કરે છે.

આવા બે પાત્રો જે શારીરિક રીતે અપુર્ણ છે તે કઇ રીતે મળે છે અને કઇ રીતે એકબીજાની અપુર્ણતાને લક્ષમાં ન લઇને એકબીજાનાં સાથ વડે તે અપુર્ણતાને પુર્ણ જીવંત બનાવીને બાકીનું જીવન વ્યતિત કરે છે તેની કહાની છે, બરફી!

ઘણાં બધા વર્ષો વિત્યા પછી અચાનક એક જગ્યાએ બંને (બરફી અને શ્રુતિ) એકબીજાને મળે છે જ્યારે બરફી, જીલમીલ સાથે કલકત્તામાં રહેતા હોય છે અને બરફી, જીલમીલને ચાહવા લાગ્યો હોય છે ત્યારે. પરંતુ બરફીનાં જીવનમાં શ્રુતિનું આગમન અને પોતાનાં પ્રત્યે સેવાતું દુર્લક્ષ, જીલમીલ જેવી છોકરીને આઘાત પહોંચાડે છે અને આ બંનેથી તે દુર ચાલી જાય છે. આમ જીલમીલ અને બરફી છુટા પડી જાય છે. પરંતુ જે આસક્તિથી અને તિવ્રતાથી અને ગાંડપણથી બરફી જીલમીલની શોધ કરે છે તે જોઇને શ્રુતિને પણ એ વાતનો અહેસાસ થાય છે કે બરફી અને જીલમીલ એકબીજા માટે જ સર્જાયા છે. બંને શારિરીક રીતે અપુર્ણ હોવા છતાંયે તેમનો પ્રેમ સંપુર્ણ છે, તેઓ જીવંત છે તેમનો પ્રેમ જીવંત છે જે બોલી શકે છે, સાંભળી શકે છે અને અનુભવી પણ શકે છે. અપુર્ણ હોવા છતાં પણ આ પુર્ણતાની ચાહક આ દંભી દુનિયામાં બંને સંપુર્ણ છે. બરફી જો મુંગો-બહેરો હોય તો જીલમીલ પણ નાનપણથી એક ઓટિસ્ટિક બાળક હોય છે.

શ્રુતિ મનોમન વિચારતી હોય છે કે તેની મા એ તેને એકવાર શિખામણ આપી હોય છે કે બરફી અને શ્રુતિ વચ્ચે એક રીતે તો કોઇ સંવાદ થવો શક્ય જ નહોય ત્યારે આ મૌન એક દિવસ બંનેનાં પ્રેમને ગળી જશે, એના બદલે એ (શ્રુતિ) એક પુર્ણ હોય એવા વ્યક્તિ સાથે લગ્ન કરે. આ સમયે શ્રુતિને એ વાતનો અહેસાસ થાય છે કે જેને તે પુર્ણ વ્યક્તિ સમજીને લગ્ન કર્યા હોય એ શારિરીક રીતે તો પુર્ણ હોય છે પણ બંને વચ્ચે સમજણ કે પ્રેમનો જે પુલ રચાવો જોઇતો હોય તે તો રચાણો જ નથી. સાથે હોવા છતાંયે બંને એકબીજાથી ખુબ ખુબ દુર હોય છે. જ્યારે બરફી અને જીલમીલ ભલે શારિરીક રીતે પુરા નથી પણ સાથે છે, એકબીજાનો સાથ હરહંમેશ ઝંખે છે, તેમનો પ્રેમ પુર્ણ છે, તેને કોઇ બંધન નથી નડતું. ત્યારે શ્રુતિ વિચારે છે કે અમે બધી રીતે પુર્ણ હોવા છતાં શું અમારો પ્રેમ પુર્ણ છે? અને બરફી અને જીલમીલ સામાજીક રીતે કે બીજી કોઇ રીતે પુર્ણ ન હોવા છતાં પણ તેનું જીવન જીવંત છે,

ખોવાઇ ગયેલી જીલમીલ આખરે આ બંને (બરફી – શ્રુતિ) ને પેલી સંસ્થા ‘મુસ્કાન’ માં મળે છે. હવે આ બંનેને પણ મુસ્કાન સંસ્થા વાળા પણ ક્યાંય જવા દેવા માંગતા ન હોય, બરફી પણ જીલમીલ સાથે આ જ સંસ્થામાં રહે છે. શ્રુતિ એની બાકીની જિંદગી બરફી અને જીલમીલ થી દુર એકાંતવાસમાં માનસિક રીતે વિકલાંગ બાળકોને ભણાવવામાં વ્યતિત કરવાનું નક્કી કરે છે. Off Course! બરફી મય રહીને…

ફિલ્મ વિશે હજુ થોડુંક… આવતા અને છેલ્લા હપ્તામાં.

(ક્રમશઃ)

Wednesday 10 July 2013

Don’t worry, be Barfi! (Part - 1)

Three young people learn that love can neither be defined nor contained by society's norms of normal and abnormal.


ત્રણ જણાં એવા કે જેઓ માટે પ્રેમ એ કોઇજાતનાં સામાજીક બંધન કે શારિરીક પુર્ણતાથી પર હોય છે…


નિર્દેશક -       અનુરાગ બસુ (ગેંગસ્ટર, લાઇફ ઇન અ મેટ્રો)
નિર્માતા -       રોની સ્ક્રુવાલા, સિધ્ધાર્થ રોય કપુર અને અનુરાગ બસુ
કલાકરો -       રણબીર કપુર - બરફી ‘મરફી’ જોહન્સન
                પ્રિયંકા ચોપરા - જીલમીલ ચેટર્જી
                ઇલિયાના ડિ’સૉઝા - શ્રુતિ ઘોષ, સેનગુપ્તા                                     આ સિવાયનાં,
                રૂપા ગાંગુલી – શ્રુતિનાં મધર, ઉદય તિખેકાર – શ્રુતિનાં ફાધર, જીશુ સેન્ગુપ્તા - મી. સેનગુપ્તા
                અસીષ વિદ્યાર્થી – જીલમીલનાં પપ્પા, હરધન બંગોપાધ્યાય - દાજુ
                આશિષ ખુરાના – જંગ બહાદુર (બરફીનાં ફાધર), ભોલારાજ સપોક્તા – ભોલા (બરફીનો દોસ્ત)
                શુમોના ચક્રવર્તિ – શ્રુતિની દોસ્ત.       
સંગીત  -       પ્રિતમ
ગાયકો -       અરીજીત સીંઘ, નિખીલ પૉલ જ્યોર્જ, મોહિત સૂરી, શફાક્ત અમાનત અલી ખાન,
ગીતકાર-       સ્વાનંદ કિરકીરે, આશિષ પંડિત, નિલેશ મિશ્રા, સૈયદ કાદરી.
સ્ક્રિનપ્લે-       અનુરાગ બસુ
લેખક   -       અનુરાગ અને તાની બસુ
સીનેમેટોગ્રાફિ - રવિ વર્મન (દાર્જિલીંગને આટલું સુંદર દેખાડવા માટે)
રીલીઝ -       તા. ૧૪ સપ્ટેમ્બર ૨૦૧૨.


ખુશ થવા માટે આપણી પાસે ખુબ બધુ હોવું જરૂરી નથી, થોડામાંથી પણ ખુશ રહી શકાય છે, બધો આધાર આપણાં વિચારો, વર્તન પર છે. આ ફિલ્મ સરળ છે માટે સરસ છે. કારણ કે સરળતા જેવી સુંદરતા એકેમાં નથી. સુંદર હોવું એક વાત છે અને સરળ હોવું બીજી વાત છે. પણ આ ફિલ્મમાં એક સહજ રીતની સરળતા હોય, દર્શકરાજા ઘણી વાર જોતાં જોતાં એક અવઢવમાં પડી જાય છે કે આ પરિસ્થિતિમાં આપણે, રડવું, હસવું કે શું કરવું?

સન ૧૯૭૦ ની આસપાસ નાં સમય અને વાતાવરણ સમયની ગુંથાયેલી એક હ્રદયસ્પર્શી વાર્તા કે જે એવા ત્રણ જણાં વિશે છે કે જેઓ આ દંભી સમાજ દ્વારા બનાવાયેલા નિતી નિયમો, શારિરીક અને સામાજીક રીતે સંપુર્ણતાને વરેલા ન હોવા છતાં પણ જેમનો પ્રેમ સંપુર્ણ છે, એવા ત્રણ જણા પર છે.

અનુરાગ બસુ કે બાસુ, એ આ સ્ટોરી રીતિક રોશનની સુપર ફ્લોપ ગયેલી ફિલ્મ ‘કાઇટ્સ’ નાં નિર્માણ દરમ્યાન માત્ર બે પાનાંની લખેલી. જે બાદમાં એક આખી ફુલ ફિલ્મની સ્ટોરી બની. જે ફિલ્મ હતી, ‘બરફી’

બરફી, નામ નક્કી કરતાં પહેલાં બસુ આ ફિલ્મનું નામ ‘ખામોશી’ અથવા તો ‘સાઇલન્સ’ રાખવા માંગતા હતાં. શરૂમાં બસુ એ ફિલ્મ માટે નાયકનાં રોલ માટે રણબીર કપુર અને શ્રુતિનાં રોલ માટે કેટરીના કૈફને સાઇન કરી લીધેલા. હવે શોધ કરવાની હતી, જીલમીલનાં પાત્રને ન્યાય આપી શકે તેવી નાયિકાની. જે પુરી થઇ પ્રિયંકા ચોપરા દ્વારા. પ્રિયંકા ચોપરાનું નામ બસુનાં પત્નીએ સુચવેલું. પણ અનુરાગ બસુ એ વાત સાથે સંમત થતા ન હતાં કે પ્રિયંકા જેવી ગ્લેમરસ અને સુંદર અભિનેત્રી આવા ઓટિસ્ટીક બાળકનાં રોલને ન્યાય આપી શકશે? ખેર! છેવટે થોડા દિવસનાં વર્કશોપ અને તાલિમ અંતે પરિણામ આપણી સૌની સામે છે. જીલમીલનાં રોલ માટે કદાચ આપણે પણ હું કે તમે સૌ વાચક રાજાઓ પણ પ્રિયંકા સિવાય જ કોઇને વિચારી શકશું, હવે!

પ્રિયંકા જેવી ફાઇનલ થઇ આ જીલમીલનાં રોલ માટે કે કેટરીનાને વાંકુ પડ્યુ અને મેડમ, એ પ્રોજેક્ટ છોડી દીધો. તેના મતે શ્રુતિ કરતાં જીલમીલનો રોલ વધુ મજબુત હતો. છેવટે ઘણી બધી શોધખોળનાં અંતે દક્ષિણ ભારતની ફિલ્મ ઇન્ડસ્ટ્રીની સૌથી વધુ ગ્લેમરસ અને સફળ અભિનેત્રી ઇલિયાના ડિ’સૉઝાને શ્રુતિનાં રોલમાં ફાઇનલ કરવામાં આવી, શ્રુતિ આ ફિલ્મમાં નાયકનો પહેલો પ્રેમ હોય છે. છેવટે એ પણ નક્કી થયું કે ઇલિયાના મતલબ કે શ્રુતિ જ આ ફિલ્મને નેરેટ પણ કરશે.

બરફી નાં રોલ માટે રણબીર કપુરે ઑસ્કર ઍવોર્ડ વિનર રોબર્ટ બેનિગ્ની, ચાર્લી ચેપ્લિન અને તેનાં દાદા રાજ કપુરનાં અભિનયમાંથી પ્રેરણા લીધી. આ ફિલ્મનો નાયક મુંગો-બહેરો છે, છતાં પણ ફિલ્મનાં નિર્દેશક અનુરાગ બસુ નાયકને સાઇન લેંગ્વેજનાં બદલે હાવભાવ અને અભિનય દ્વારા પોતાની વાત સામેવાળાને સમજાવે તે રીતે અભિનય કરાવવાનું નક્કી કર્યું.

પ્રિયંકા ચોપરા, જે જીલમીલનું પાત્ર ભજવવાની છે તે નિર્દેશક બસુનાં મતે ફિલ્મનાં તમામ પાત્રોમાં સૌથી અઘરૂ અને સૌથી ચેલેન્જીંગ રોલ હતો. જે પ્રિયંકાએ દિલથી નિભાવ્યો બોસ! માનસિક રીતે વિકલાંગ લોકો અને એક ઓટિસ્ટિક વ્યક્તિ કે બાળક કેવી રીતે વર્તે અને તેની બોલવાની રીત, ચાલવાની રીત, ઉઠવા-બેસવાની રીત, આ તમામ પ્રકારની રીતભાતો જાણવા પ્રિયંકાએ થોડા દિવસો દેશની વિવિધ સંસ્થાઓમાં ફરીને આવા બાળકોને વ્યક્તિઓને મળી ને શીખી.

ફિલ્મનું ત્રીજુ પાત્ર એટલે શ્રુતિ. આ પાત્ર ફિલ્મનાં નાયકનાં જીવનનો પહેલો પ્રેમ બનીને આવે છે. આ પાત્રમાં જેટલા ઉતાર-ચડાવ છે એટલા બીજા એક પણ પાત્રનાં જીવનમાં નથી આવતાં. ઘણાં બધા શેડ્ઝ અને ઉતાર-ચડાવને એક જ ફિલ્મમાં નિભાવ્યા છે દક્ષિણ ભારતની ફિલ્મ ઇન્ડસ્ટ્રીની સૌથી ગ્લેમરસ અભિનેત્રી અને આ ફિલ્મ જેની સૌથી પહેલી હિન્દી ફિલ્મ છે એવી ઇલિયાના ડિ’સૉઝાએ.

આ ત્રણ પછી ફિલ્મમાં સૌથી અગત્યનું પાત્ર હોય તો એ છે સબ ઇન્સ્પેક્ટર સુધાંશુ દત્તાનું. જે સૌરભ શુક્લા (કલ્લુ મામા) નીભાવે છે.

આટલા લોકો સીવાય પણ ફિલ્મમાં ઘણાં એવા પાત્રો પણ છે જે ભલે પડદા પર આવે છે થોડી વાર માટે જ પણ પોતાના અભિનય દ્વારા દર્શકો પર એક છાપ છોડી જાય છે. તેમાનાં છે, ભોલા, શ્રુતિની મધર, બરફીનાં ફાધર, જીલમીલનાં ફાધર, દાજુ અને માલતીમાસી. આમાનાં માલતીમાસી અને ભોલા તો બંને દાર્જિલીંગનાં જ રહેવાસી છે. ભોલાની બોલી સાંભળજો, બીલકુલ નેપાળી છે. ‘જી શાબ જી!’

આ ફિલ્મે તેની સાથે સંકળાયેલા સહુ કોઇને એક પ્રકારનું ‘ક્રિયેટીવ સેટીસફેક્શન’ આપ્યું. કારણ કે મારધાડ, અને જનરલ સ્ટોરી વાળી ફિલ્મો જોઇ જોઇને કંટાળેલા દર્શકો માટે બરફી ફિલ્મ એક એવી ફિલ્મ બનીને આવી કે જેમાં એક તાજગી હતી, સ્વચ્છતા હતી(જો ફિલ્મનો કિસીંગ સીનને બાદ કરીએ તો), એક મસ્તી ભરી ફિલ્મ અને એક એવું પાત્ર જેને જોતાં જોતાં દર્શકો તે પાત્રને Relate (એક અજાણ્યો સંબંધ) કરી શકતા. પાત્રની સાથે રડે અને હસે પણ. દુઃખી પણ થાય અને પાત્રને જ્યારે જીલમીલ મળી જાય ત્યારે રાજી પણ થાય એવી ચુસ્ત પટકથા (સ્ક્રિનપ્લે) સાથેની ફિલ્મ. સાથોસાથ અત્યાર સુધી દાર્જિલીંગ આપણી ફિલ્મોમાં ખુબ ઓછુ જોયું છે એટલે ત્યાંનાં લીલીછમ ચા ના બગીચામાં પણ ફરવાની મજા દર્શકોને પડી જાય છે.

ફિલ્મનું સંગીત હોય કે ફિલ્મનાં ગીતો. દરેકમાં એક પ્રકારની મસ્તી છે, તોફાન છે, નટખટપણું છે. ‘આલા આલા મતવાલા બરફી’, ‘મેં ક્યા કરૂં’, ‘ક્યોં’, ‘આશિયાંના’, ‘સાંવલી સી રાત’, ફિર લે આ્યા દિલ’ અને રણબીર કપુરે તેની કારકિર્દીમાં ગાયેલું પહેલું ગીત ‘ફટાફટી ફટા…ફટી’ સાંભળો યારોં એક એકથી ચડીયાતા છે. ચીલાચાલુ ધુનથી સાવ અલગ ધુન અને સ્વાનંદ કિરકીરેનાં શબ્દો વાળું ફિલ્મનું ટાઇટલ ટ્રેક ગાયું છે મોહિત સૂરીએ…
‘આંખો હી આંખોમેં કરે બાંતે,
ગુપચુપ ગુપચુપ ગુપચુપ હો, ખુસપુસ ખુસપુસ ખુસપુસ,
ખ્વાબોં કી નદીંમેં ખાયે ગોતે,
બુડબુડ બુડ હો…,  ગુડ ગુડ ગુડ…
ઓ…..યે એ એ એ,
આલા આલા મતવાલા બરફી,
પાંવ પડા મોટા છાલા બરફી…
રાતોં કે હૈ યે ઊજાલા બરફી,
ગુમસુમ ગુમસુમ હી મચાયે તો ઉત્પાત,
ખુરખુરખુર ખુરાફાતી કરે નોન-સ્ટોપ…
ઓ…..યે એ એ એ,
મૌલા ઇસ સે બચાઇલે….


આ સિવાયનું ‘મેં ક્યા કરૂં’ નિખીલ પૉલ જ્યોર્જ નામનાં સીંગરે ગાયું છે અને ગીત લખ્યું છે, આશિષ પંડિતે. આ ગીતની સીચ્યુએશન પણ એવી છે કે નાયક – નાયિકા એક બીજાને ચાહવા લાગ્યા હોય છે અને આ ગીત તેમની મીઠી મુંઝવણને પડદા પર એટલી સરસ રીતે રજુ કરે છે. આ ગીત પુરૂ થતા જ ફિલ્મનો એક માત્ર કીસીંગ સીન આવે છે. બાકી પુરી ફિલ્મ બરફીની ધમાલ, મસ્તી અને તોફાનોથી ભરપુર છે. આ ગીતની થોડી પંક્તિ…
કરતાં હૈ આવારગી, ઇસપે તો ધુન હૈ ચડી પ્યાર કી,
ના જાને ગુમ હૈ કહાં, બાંતો મેં હૈ પડા બેકાર કી…

ઉલ્ટી યે બાત હૈ, ઐસે હાલાત હૈ,
ગલતી કરે યે, મેં ભરૂં…
ઉફ્ અબ ઇસ દિલ કા મૈં ક્યા કરૂં????

‘ક્યોં’ આ ગીતમાં બરફી જાણે છે કે  જીલમીલ તેની સાથે ખુશ છે અને બંને સાથે મળીને મજા કરીશું. આ ગીત રસ્તા પર પસાર થતાં થતાં ઊંચા વૃક્ષોમાંથી ચળાઇને આવતા તડકાની કિરણો અને લીલાછમ વાતાવરણને કારણે પડદા પર એક અલગ જ અસર ઊભી કરે છે. ગીતકાર નિલેશ મિશ્રાનાં શબ્દો પણ એવાં જ…
ક્યું ના હમ તુમ, ચલે ટેઢે-મેઢે સે
રાસ્તોં પે નંગે પાંવ રે, ચલ ભટક લેના બાવરે…

ઇન ગુનગુનાતી ફિઝાંઓ મેં, ઇન સરસરાતી હવાંઓ મેં,
ટુકુર ટુકુર યું દેખે ક્યા, ક્યા હાલ હૈ તેરા બાવરેં,
ના લફ્ઝ ખર્ચ કરના તુમ, ના લફ્ઝ ખર્ચ હમ કરેંગે,
નઝર કે કંકરો સે, ખામોશીયોં કી ખિડકીયાં હમ તોડેંગે…


‘આશિયાં’, બરફી અને જીલમીલનાં જીવનનું શરૂ થતું સહજીવન વિશે જણાવતું ગીત છે. સ્વાનંદ કિરકીરે એ ખુબ નિર્દોષ શબ્દોથી સજાવેલું આ ગીત બંનેની જે શારીરિક અપુર્ણતા છે તેને કઇ રીતે સાથે રહીને પુર્ણ કરશું તેવું સમજાવતું ગીત છે.
ઇતની સી હંસી, ઇતની સી ખુશી,
ઇતના સા ટુકડા ચાંદ કા,
ખ્વાબોં કે તિન્કો સે, ચલ બનાયે આશિંયા…

દબે દબે પાંવ સે, ચલે હોલે હોલે ઝિંદગી,
હોંઠો પે તાલી ચડાકે, હમ તાલે લગાકે,
ચલ ગુમસુમ તરાને ચુપકે ચુપકે ગાયેં…
આધી આધી બાંટ લે, દિલ કી યે ઝમીં,
થોડા તેરા સા હોગા, થોડા મેરા ભી હોગા,
અપના યે આશિયાં…

આ સિવાય, ‘સાંવલી સી રાત’ ગીત સ્વાનંદ કિરકીરેનાં શબ્દો દ્વારા ખુબ સુંદર બન્યું છે, જેમાં બરફી, જીલમીલને કીડનેપર પાસેથી કીડનેપ કરી આવ્યો હોય અને પોતાના ઘરમાં સાથે રાખી સાચવતો હોય, સાથે રમતો હોય છે… શબ્દો પણ એટલા જ સરસ મુક્યા. અરીજીત સીંઘનાં વ્હીસ્પરીંગ સાઉન્ડમાં આ ગીત ખરેખર સાંભળવા લાયક બન્યું છે.
સાંવલી સી રાત હો, ખામોશી કા સાથ હો,
બીન કહે, બીન સુને, બાત હો તેરી મેરી…
નિંદ જબ હો લાપતા, ઉદાસીયાં ઝરા હટા,
ખ્વાબોં કી રઝાઇ મેં, રાત હો તેરી મેરી…

આ સિવાયનું એક ગીત ‘ફિર લે આયા દિલ’ જરા ગઝલનાં ફોરમેટમાં છે. સઇદ કાદરી સાહેબનાં શબ્દોને અવાજ આપ્યો છે, અરીજીત સીંઘે. જેમાં શ્રુતિ, કલક્તામાં બરફીને ફરી મળે છે ત્યારે બેકગ્રાઉન્ડમાં આ ગીત વાગતું હોય છે અને સાથોસાથ શ્રુતિનાં મનમાં જે અસંખ્ય વિચારો અને કશ્મકશ ચાલતી હોય છે એ નિર્દેશકે બખુબીથી ફિલ્માવ્યા છે. ગીતમાં ઘણી જગ્યાએ ઉર્દુ શબ્દોનો પણ પ્રયોગ કરવામાં આવ્યો છે, જે એક સારી નીશાની છે. બાકી આજનાં ગીતોમાં ઉર્દુ શબ્દો?
ફિર લે આયા દિલ મજબૂર ક્યા કિજે,
રાસ ના આયા રહેના દૂર, ક્યા કિજે,
દિલ કેહ રહા હૈ, ઉસે મુકમ્મલ ભી કર આઓ,
વો જો અધૂરી બાત બાકી હૈ, વો જો અધૂરી સી યાદ બાકી હૈ…

આ ફિલ્મ ૨૦૧૨નાં વર્ષની સૌથી સફળ ફિલ્મ સાબિત થઇ. લગભગ તમામ ફિલ્મ એવોર્ડઝમાં આ ફિલ્મ મેદાન મારી ગઇ. ૫૮માં ફિલ્મફેર એવોર્ડમાં આ ફિલ્મ કુલ ૧૩ કેટેગરીમાં નોમિનેટ થયેલી, તેમાં ૭ (સાત) કેટેગરીમાં એવોર્ડ જીતી ગઇ. એ જ રીતે ૨૦૧૩નાં આયોજીત તમામ એવોર્ડમાં લગભગ દરેક કેટેગરીમાં આ ફિલ્મ એવોર્ડ જીતવામાં સફળ થઇ. હાલમાં મકાઉમાં યોજાયેલ, આઇફા એવોર્ડમાં પણ લગભગ દરેક કેટેગરીમાં આ ફિલ્મ એવોર્ડ લઇ ગઇ.

અને કેમ ન મળે ભાઇ! ફિલ્મ જ એવી બની છે. જરૂર થી જુઓ. આ રવિવારે તા. ૧૪મી જુલાઇએ ઝી સિનેમા અને ઝી સિનેમા HD બંને પર આ ફિલ્મ આવવાની છે.

આ ફિલ્મ વિશે વધુ વાતો… આવતા વિકમાં.

(ક્રમશઃ)

Friday 5 July 2013

જે પોષતું એ જ મારતું, ક્રમ દિસે છે કુદરતનો…


Everybody kills the things, he loves…
        દરિયાકિનારા નજીક એક ઘટાદાર વૃક્ષ હતું. તેનાં પર ફળ, મંજરીઓ વગેરે આવતાં. તેની ડાળખીમાંથી ચળાઇને આવતી છાયાંમાં શીતળતા રહેતી. તેની શાખાઓ પર માળા બાંધતા પંખીઓ તરફ વૃક્ષ હંમેશા માયાળુ રહેતું. એ પારાવાર પ્રેમ દર્શાવતું, સામે પારાવાર પ્રેમ મેળવતું. પણ તેનો સંબંધ પ્રકૃતિ સાથે જ રહેતો. એકવાર એક બાળક રમતાં રમતાં વૃક્ષની નીચે આવી ચડ્યો. બાળકને આ ઘટાદાર વૃક્ષ ગમી ગયું. એ વૃક્ષનાં થડને સ્પર્શી ઉપરની શાખાને આંબવા પ્રયત્ન કરતો. પણ હજી એ નાનો હતો, વૃક્ષને એ બાળક માટે માયા બંધાઇ. તેને થયું કે એ બાળકને ઊંચકી પોતાની શાખાઓ સુધી પહોંચાડી દે. ધીરેધીરે એ બાળક મોટો થયો. એ વૃક્ષ પર ચડી રમવા લાગ્યો. તેનાં ફળ આરોગવા લાગ્યો. બાળક પોતાનાં ફળ ખાય એ વૃક્ષને બહુ ગમતું. બાળક પછી બહુ મોટો થઇ ગયો, તેની આ વૃક્ષની મુલાકાત ઘટતી ચલી. થોડા સમય પછી સાવ બંધ થઇ ગઇ.

        વૃક્ષ એ બાળક માટે તડપતું હતું. હવે તો એ વ્યવહારની દુનિયાનો મોટો માણસ થઇ ગયો હતો. એકવાર એ વૃક્ષની નીચેથી પસાર થયો. વૃક્ષથી રહેવાયું નહી. એણે બૂમ પાડીઃ “એ દોસ્ત! અરે, તું તો સાવ મને ભૂલી જ ગયો! હવે તો રમવાય આવતો નથી?” મોટા થઇ ગયેલા એ માણસે કહ્યું, “અરે, હવે પૈસા કમાવામાંથી ફુરસદ જ ક્યાં મળે છે?” આટલું કહી એ ચાલવા લાગ્યો. પણ વૃક્ષે તેને રોક્યો. ‘તારે પૈસા જ કમાવા છે ને? તો એક કામ કર. મારા પરનાં બધાં જ ફળો તોડીને લઇ જા. બજારમાંથી તને સારા એવા પૈસા મળશે.’ એ માણસને આ વિચાર ગમી ગયો. એણે કાચા-પાકા બધા જ ફળ તોડી લીધાં. એને ઠીકઠીક આવક થઇ. આ રીતે એ માણસ આ વૃક્ષ પાસે વારંવાર ફળો મેળવવા આવતો રહ્યો.

        પછી અચાનક ઘણા વખત સુધી એ ન આવ્યો. એક દિવસ ફરી પાછો એ જેવો પેલા વૃક્ષ પાસેથી પસાર થયો કે વૃક્ષે એને બોલાવ્યો. તો એ કહેઃ “મારી પાસે કયાં સમય જ છે? મારે મકાન બાંધવું છે.” તો વૃક્ષે તરત જ કહ્યું કેઃ “દોસ્ત, તો તો હું જ તને કામ લાગીશ. મારી આટઆટલી લાંબી શાખા છે તે શા કામની છે?” એ માણસ તરત જ કુહાડી લઇને આવ્યો. વૃક્ષમાંથી મકાન થઇ શકે એથી વધુ લાકડું મળ્યું. બાકી માત્ર એ વૃક્ષનું ઠુંઠુ વધ્યું હતું.

        હવે તો એ માણસ પણ જૈફ વયનો થઇ ગયેલો. સાગરકિનારે આવેલાં એ વૃક્ષનાં બાકી બચેલા ઠુંઠા આગળ ચિંતાગ્રસ્ત ઊભો રહ્યો. વૃક્ષથી એને દુઃખી ન જોઇ શકાયો. એણે કહ્યુઃ “હવે તને શું દુઃખ છે?” એ માણસે વૃક્ષને કહ્યું કે, “મારે પરદેશ જવું છે. એક મજબૂત હોડી બનાવવી છે.’ વૃક્ષ હસી પડ્યું અને કહ્યું, ‘કે દોસ્ત, મારા ભાઇબંધ, હવે મારી પાસે મારા આ ઠુંઠામાં બીજુ કશું આપવા જેવું નથી. પણ તારી હોડી પુરતું મજબૂત લાકડું તો આમાં છે જ.’ ફરી એકવાર કુહાડી ચાલી. ઠુંઠુ લગભગ કપાઇ ગયું એમાંથી હોડી બની. વૃક્ષ સંતોષથી એ હોડીને જોઇ રહ્યું. પોતે જેને નાનપણમાં રમાડેલો હતો એ માણસ આ હોડી પર બેસી સફર પર નીકળી પડ્યો. વૃક્ષનું જરાક અમસ્તું મૂળ હજી જીવે છે. પોતે જેના માટે પોતાનું સર્વસ્વ આપ્યું છે એ માણસ કમાઇને, ફરીને, દુનિયા જોઇને પાછો આવે તેની રાહ જુએ છે. વૃક્ષને અફસોસ એક જ વાતનો છે કે પોતાના પ્રેમનાં ભાજન બનેલા એ માણસને આપવા માટે બીજું કશું જ હવે પોતા પાસે નથી.

        જે પ્રેમ કરે છે એ આપી જાણે છે! જે પ્રેમ નથી કરતાં એ પ્રેમીને શોષી લે છે. વૃક્ષ અને બાળકની આ વાર્તા પ્રેમનાં પરમ સમર્પણનાં સંકેત જેવી છે.