Monday 25 November 2013

“દિકરીની વિદાયવેળાએ શ્રીફળનું મહત્વ”



        આપણા રિવાજોમાં એક એવો રિવાજ પણ છે કે જ્યારે પરણીને દિકરી સાસરે જતી હોય, ત્યારે તેનાં પિયરમાંથી કોઇ જે વાહનમાં દિકરી જવાની હોય તે વાહનનું પૈડુ સીંચે. સીંચવાનો મતલબ અહીં કુવામાંથી પાણીની જેમ નહીં, પરંતુ સીંચવું એટલે કે તે વાહનનાં જમણા પૈડા હેઠળ શ્રીફળ મુકવું અને તે શ્રીફળનાં ટુકડા કરી વાહનનું પૈડુ આગળ વધી જાય.

        આનો સૂચક મતલબ એ કે જે શ્રીફળ છે તે, તે સાસરે જતી દિકરીનાં પિતાનું હ્રદય છે, કાળજું છે કે જ્યારે તેની દિકરી સસરે જતી હોય ત્યારે વિદાય વખતે… અને જ્યારે પૈડુ શ્રીફળનાં ટુકડે ટુકડા કરી આગળ વધી જાય ત્યારે તે માત્ર શ્રીફળનાં જ ટુકડા નથી થતા પરંતુ તે દિકરીનાં બાપનાં પિતાનાં હૈયાનાં હ્રદયનાં ટુકડા થઇ જતા હોય છે. કન્યાવિદાય જેવો કરૂણ મંગલપ્રસંગ કોઇ નથી. હાં, ભલભલા ચમરબંધીઓની આંખો પણ આ કરૂણ (અહીં દુઃખ છે પણ આ દુઃખદ પ્રસંગ નથી, માટે ‘કરૂણ’) પ્રસંગે ભીની થઇ જતી હોય છે અને જો ના થતી હોય તો સમજવું કે તે માણસ છે પણ તેનાંમાં લાગણીનો છાંટોય નથી… કહે છે ને કે પથ્થરદિલ હોય છે. કારણ કે દોસ્ત, જે દિકરીને લક્ષ્મીની જેમ સાચવીએ, જતન કરીને મોટી કરીએ, ભણાવીએ ગણાવીએ અને સંસ્કારો સિંચી તેને એ કાબીલ અને સક્ષમ બનાવીએ કે કહે છે ને કે “દિકરી હંમેશા બે કુળ તારે”… ભલેને એ જ્યારથી જન્મી હોય ત્યારથી જ આપણે જાણતા હોઇએ કે એક દિવસ આને સાસરે વળાવાની છે, છતાં દુનિયાનાં તમામ પિતાઓ આ પ્રસંગે એક અકથ્ય લાગણીનો અનુભવ કરતાં હોય છે, જેમાં દિકરીને વળાવાનું દુઃખ હોય તેમ તેનાં નવાજીવનની શુભ શરૂઆતનો આનંદ હોય, હર્ષ હોય. છતાં આ પ્રસંગ જ એવો કરૂણ છે કે ભલભલાની આંખે ઝાકળ બાજે. અને મારૂ માનવું છે કે માટે જ વિદાયવેળાએ આ પૈડુ સિંચવાનો રિવાજ ચલણમાં આવ્યો હશે કે જે શ્રીફળનાં ટુકડે ટુકડા થઇ જાય છે તે શ્રીફળનાં ટુકડા કન્યાનાં ખોળામાં કે હાથમાં મુકવામાં આવે છે. આમ કરવા પાછળ રહેલ વૈદિક કે શાસ્ત્રિય પ્રથાનો મને ખ્યાલ નથી તે અહીં નમ્રતાપૂર્વક કહું છું અને સ્વિકારૂં છું પણ આમ કરવા પાછળ રહેલ હેતુનો મને અનુભવ પણ કહી શકાય અને જાણ પણ કહી શકાય કે સમજવા જેવી વાત છે, કન્યા કે દિકરી જે સાસરે જતી હોય ત્યારે વિદાય ટાંણે ખુબ ખુબ રોતી હોય છે તેને પારાવાર દુઃખ થતું હોય છે તેની પીડા તે આંસુઓ દ્વારા વ્યક્ત કરતી હોય છે કે જેમની સાથે રમીને ભણીને રહીને ખાઇ પી ને મજા કરીને જલ્સાથી લ્હેરથી મોટી થઇ હોય એને આજે આ બધું પાછળ છોડીને તેના આવનારા અને શરૂ થનારા નવજીવનમાં આગળ ધપવાનું હોય છે આનો એક રોમાંચ પણ હોય, સાથોસાથ આ બધું છોડવાનું પારાવાર દર્દ પણ… અને જેમ વધુ રડીયે તેમ માણસને પાણીની તરસ પણ લાગે. પણ કહેવું કોને? કારણકે હજુતો આ તેની શરૂઆત છે, સૌ કોઇ હજુ અજાણ્યા છે તો? આ માટે કન્યાનો પિતા તે શ્રીફળનાં ટુકડા કન્યાનાં હાથમાં મુકે છે કે તેને જ્યારે તરસ લાગે તો તે શ્રીફળનાં ટુકડા ખાઇને તે તેની તરસ છીપાવી શકે. કેટલી મંગળ ભાવના, કેટલો સુંદર વિચાર…

        મિત્રો, આવો છે આપણાં ગુજરાતી સમાજમાં એક બાપ, એક પિતાનો અને દિકરીનો સુગંધી સંબંધ. જે દિકરીને વર્ષો સુધી પોતાની નજર સામે રાખી તેનું જતન કર્યું અને આજે તેને કોઇ બીજાનાં હાથમાં સોંપી છે તે તેનું કેવુંક ધ્યાન રાખશે? આ પીડા તો એક પિતા જ જાણી શકે… અથવા તે, જેની પર આ વીતી ચુક્યું હોય.

Wednesday 20 November 2013

આપણી આજની જરૂરીયાતઃ રાષ્ટ્રીય શિક્ષણ…


            શિક્ષણ શબ્દ એ આજનાં યુગમાં બહુ સાંકડો અને સીમીત બની રહ્યો છે. આપણા બહુધા લોકોનાં મનમાં શિક્ષણની વ્યાખ્યા કંઇક આ પ્રમાણે છે. “શિક્ષણ એટલે શાળા-કોલેજમાં જઇને ડીગ્રી પ્રાપ્ત કરવા માટેની વ્યવસ્થા.” આજે આપણે કોઇપણ ને શિક્ષણનાં હેતુ વિશે પુછશું તો સો માંથી એંસી લોકો એવું કહેશે કે શિક્ષણનો હેતુ ભણી-ગણીને નોકરી મેળવવાનો છે. અને આમાંના મોટાભાગનાં લોકોને આ ‘ગણવું’ એટલે શું એ પણ ગતાગમ નથી. આજનું શિક્ષણ માત્ર ને માત્ર વ્યવસાયલક્ષી બની ગયું છે. જેને ખરા અર્થમાં જીવનની કેળવણી સાથે કશું જ લાગતું-વળગતું નથી. શિક્ષણનો ખરો અર્થ કેળવણી છે, કે જેનાથી વિદ્યાર્થીમાં શિક્ષણ, સદાચાર અને નૈતિકતાનુમ નિર્માણ થાય. જેના પરિણામે સમગ્ર સમાજ પણ નૈતિક અને ચરિત્રવાન બને.

        આપણા પ્રાચીન કાળમાં ઋષિમુનિઓનાં આશ્રમોમાં વિદ્યાર્થીનું ઘડતર થતું. આ આશ્રમ શાળાઓમાં વ્યવસાયલક્ષી શિક્ષણની સાથે સાથે વહેવારલક્ષી શિક્ષણ પણ આપવામાં આવતું. જેથી કરીને શિક્ષણ મેળવનાર બાળક સમાજમાં શ્રેષ્ઠ નાગરિક પુરવાર થાય અને તેનાં પરિણામે જ તે કાળમાં આપણો દેશ સમૃધ્ધિનાં ટોચ પર હતો. જેનાં કારણે વિશ્વમાં સૌપ્રથમ સુદઢ માનવીય સંસ્કૃતિનાં પગરણ ભારતવર્ષમાં મંડાયા હતાં. પરંતુ સમય જતાં હિન્દુસ્તાનમાં ધર્મનાં નામે બની બેઠેલા ઠેકેદારોએ જીવનલક્ષી રાષ્ટ્રિય શિક્ષણનાં સ્થાને પોતાનીએ દુકાનો પેઢી દર પેઢા ચલાવવા માટે ધાર્મિક શિક્ષણ શરૂ કરતાં ભારતે લગભગ ૨૦૦૦ વર્ષ સુધી વિદેશીઓની ગુલામી તળે રહેવું પડેલું. ત્યારબાદ એ સમય આવ્યો જેનાં માઠા ફળ આજેપણ આપણે ભોગવી રહ્યા છીએ.

        ભારતમાં પ્રવર્તમાન શિક્ષણમાળખાનો જન્મદાતા લોર્ડ મૈકલ છે. જેણે ભારત વર્ષને કાયમી ગુલામ રાખવા એક એકદમ સંકુચીત અને સ્વાર્થી શિક્ષણ જાતિનો પાયો નાખ્યોં. લોર્ડ મૈકલે પોતાના લંડન સ્થિત પિતાને લખેલા એક પત્ર મુજબ, ‘મને સંપુર્ણ વિશ્વાસ છે કે જો આપણી શિક્ષણની યોજના પ્રમાણે કામ થશે તો આજથી ત્રીસ વર્ષમાં બંગાળનાં પ્રતિષ્ઠિત વ્યક્તિઓમાં એકપણ ‘ભારતિય’ નહીં રહે. અંગ્રેજોએ ઇ.સ. ૧૮૫૪માં એજ્યુકેશન ડિસ્પેચ લોર્ડ ડેલહાઉસીને મોકલાવ્યો હતો. તેમાં જણાવ્યા અનુસાર ‘આ શિક્ષણનો હેતુ વહીવટનાં દરેક ખાતા માટે આપણાં માટે વિશ્વાસુ અને હોંશીયાર નોકરો તૈયાર કરવાનો છે.’ અંગ્રેજી શિક્ષણ અને કેળવણીનાં ઉત્તેજન દ્વારા આપણે આપણી અસલ ભારતિયતા આજે ખોઇ બેઠા છીએ.

        અંગ્રેજો પાસેથી વારસામાં મળેલી શિક્ષણપ્રથાને કારને આપને જડનોકરશાહીની પરંપરા ઊભી કરી છે. આજે રાષ્ટ્રમાં ચોમેર વરસાદી દેડકાની જેમ શિક્ષણસંસ્થાઓ ફુટી રહી છે. જે વિદ્યાર્થીઓને જાત જાતની નવી નવી ડીગ્રીઓ વેચી રહી છે. આ ડીગ્રી મેળવીને ફુલાઇને ફાળકા બનેલા વિદ્યાર્થી જરે દહાડે ગુલામ માણસની ગર્તામાં ધકેલાઇને કોઇપણ પ્રકારની વિશેષ સિદ્ધિ પ્રાપ્ત કર્યા વગર ગુમનામીનાં અંધારામાં પોતાનું જીવન પુરૂં કરે છે. સમાજ નિર્માણમાં આપણાં શિક્ષિત વ્યક્તિઓનો ફાળો હંમેશા શૂન્ય જ રહ્યો છે. ભારતવર્ષનાં નૈતિક પતનનું કારણ પણ આ જ આપણી શિક્ષણવ્યવસ્થા છે.

        આજે ભારતમાં આપણાં દેશમાં રાષ્ટ્રિય ચારિત્ર્ય કેળવાય એવા શિક્ષણની તાતી જરૂરીયાત છે. એ રાષ્ટ્રિય શિક્ષણનો જ પ્રતાપ છે જેનાં કારણે પ્રથમ વિશ્વયુધ્ધમાં માર ખાઇને બરબાદ થઇ ગયેલું જર્મની માત્ર દસ જ વર્ષનાં ગાળામાં બેઠું થઇને ફરીથી દુનિયામાં પોતાની ઓળખ પાછી મેળવી શક્યું. જર્મનીનાં દર-બ-દર ઠોકરો ખાતા લાખો બેરોજગાર યુવાનો રાષ્ટ્રિય શિક્ષણનાં પ્રતાપે જર્મનીને મજબુત બનાવવાનાં કામમાં ખૂંપી ગયા. જેણે મજબુત અને શક્તિશાળી જર્મનીનું નિર્માણ કર્યું.

        રાષ્ટ્રિય શિક્ષણનું ધ્યેય વ્યક્તિમાં નાગરિકતાનાં ગુણોનું સીંચન કરીને રાષ્ટ્રવાદનાં સંસ્કાર દ્વારા એક જવાબદાર નાગરિકનું સર્જન કરવાનું છે. પરિણામ સ્વરૂપ રાષ્ટ્રમાં રાષ્ટ્રવાદી યુવાનોની ફોજ તૈયાર થતાં રાષ્ટ્ર વિકાસની અનેક નવી ક્ષિતિજો સર કરી શકે. આજે આપણાં દેશને પજવી રહેલાં કોમવાદ-પ્રદેશવાદ અને ભાષાવાદનો એકમાત્ર ઉપાય રાષ્ટ્રિય શિક્ષણ છે. ભારતનાં દરેક યુવાનને, વિદ્યાર્થીને ભારતનું બંધારણ શું છે એની ખબર હોવી જોઇએ. રાષ્ટ્ર પ્રત્યે પોતાની મુળભૂત ફરજો અને હક્કો પ્રત્યે સજાગ હોવો જોઇએ. જ્યાં સુધી આપણને આપણા બંધારણ દ્વારા ક્યાં-ક્યાં હક્કો આપવામાં આવ્યા છે તથા રાષ્ટ્ર પ્રત્યે આપની ફરજો કઇ-કઇ છે તે જ્ઞાન ન મળે ત્યાં સુધી બાકીની બધી જ વ્યવસ્થા નકામી છે. મદરેસાઓ અને ધાર્મિક સંસ્થાઓમાં શિક્ષણ મેળવીને સંકુચીત અને રૂઢિચુસ્ત બનતો વિદ્યાર્થી ક્યારેય પણ એક સુદઢ રાષ્ટ્રનાં નિર્માણમાં પોતાનો ફાળો ન આપી શકે.


        આપણાં રાષ્ટ્રનાં વિકાસ માટે તથા આપણી ભાવી પેઢીની સલામતી અને સુખાકારી માટે રાષ્ટ્રિય શિક્ષણ અનિવાર્ય આવશ્યકતા છે. કોઇપણ રાષ્ટ્ર માટે તેનાં દેશનું રાષ્ટ્રિય ચારિત્ર્ય અત્યંત મહત્વની બાબત છે. કારણ કે રાષ્ટ્રની સુખ-શાંતિ તથા સમૃધ્ધિ અને શક્તિ માટે આ જરૂરી છે. હવે રાષ્ટ્રિય ચારિત્ર્યનું નિર્માણ કરવા માટે અત્યંત ઉચ્ચ ગુણવત્તા ધરાવતું શિક્ષણ હોવું એક અનિવાર્ય બાબત છે. શિક્ષિત સમાજ જ દેશને ઉચ્ચ પ્રકારની નેતાગીરી આપી શકે અને દેશનુમ વિવિધ ક્ષેત્રોમાનું તેજસ્વી બુધ્ધિધન જ દેશની પ્રગતિ માટે જવાબદાર બની શકે માટે રાષ્ટ્રિય શિક્ષણનું અત્યંત મહત્વ છે. કોઇપણ યુવાશક્તિને કેળવવા તેને યોગ્ય દિશા આપવા માટે રાષ્ટ્રિય શિક્ષણ આપવું એ એક પાયાની બાબત છે. રાષ્ટ્રિય શિક્ષણ એટલે યુવા-ધનનો અથવા તો જે તે દેશનાં નાગરિકોનો સામાજીક-બૌધિક તથા આર્થિક વિકાસ. આ બાબતને સિધ્ધ કરવા માટે રાષ્ટ્ર દ્વારા એક સ્વાયત્ત એવુમ તથા તમામ પ્રકારની રાજકીય ખટપટથી મુક્ત હોય એવા નોલેજ કમીશનની સ્થાપના કરીને દેશની તમામ યુવાશક્તિને રાષ્ટ્રિય શિક્ષણ મળી રહે તેની યોગ્ય વ્યવસ્થા કરવી જોઇએ. 

Friday 15 November 2013

જાગતે રહો…



        ૧૯૫૬માં આવેલી રાજ કપુર નિર્મિત અને અભિનિત ફિલ્મ ‘જાગતે રહો’. આ ફિલ્મ હિન્દી અને બંગાળી એમ બંને ભાષામાં બનેલી. હિન્દીમાં બનેલી ફિલ્મનું નામ ‘જાગતે રહો’ નક્કી કરવામાં આવ્યું. જ્યારે બંગાળી ભાષામાં બનનારી આ ફિલ્મનું નામ ‘એક દિન રાત્રી’ નક્કી કરવામાં આવ્યું. ફિલ્મનું નિર્માણ આર. કે. બેનરનું હતું, માટે નિર્દેશન સોંપવામાં આવ્યું બંગાળી ફિલ્મોનાં પ્રખ્યાત ડાયરેકટર, નાટ્યકાર અને અભિનેતા પણ એવા શંભુ મિત્રાને અને અમિત મૈત્રને.

        સંવાદો કે. એ. અબ્બાસનાં છે. વાર્તા અને પટકથા પણ શંભુ મિત્રા અને અમિત મૈત્રની છે. સંગીત સલીલ ચૌધરીનું છે, જ્યારે ફિલ્મનાં ગીતો શૈલેન્દ્ર અને પ્રેમ ધવને લખ્યા છે. ફિલ્મનાં કેમેરામેને કમાલ કરી છે, કારણ કે પુરી ફિલ્મ રાત્રીની હોય પ્રકાશ સંયોજન અદ્દભુત છે. આ કેમેરામેન એટલે રાધુ કરમાકર. ફિલ્મનાં સેટ ઉભા કર્યા છે એમ.આર. આચરેકરે. મોટા એપાર્ટમેન્ટનો સેટ હોય કે નાના ફ્લેટ્સનો. ફિલ્મનાં સેટ જાણે કે અસલ બિલ્ડીંગમાં જ ફિલ્માવ્યા હોય એટલી હદે ઓરીજીનલ લાગે છે. આ પુરી ટીમની મહેનતને કારણે આ ફિલ્મ આટલી આકર્ષક બની છે. વાર્તા માત્ર એક રાત પુરતી હોય, એમાં શું શું કહી શકો અને બતાવી શકો. પણ આ ફિલ્મ પુરી થાય ત્યાં સુધી દર્શકો એની અસરમાંથી મુક્ત થઇ શકતા નથી. એ હદે સચોટ અને એકધારો પુરી ઝડપે સ્ક્રિનપ્લે પડદા પર હોય છે.

        આ ફિલ્મની ખાસીયત એ છે કે ફિલ્મની સ્ટોરી એક રાત્રીની છે. રાતનાં ફિલ્મ શરૂ થાય છે અને પરોઢિયે પુરી. ફિલ્મનો નાયક આ એક રાતમાં સમાજમાં દિવસે ઉજળા સમાજનાં સારા અને ભદ્ર કહી શકાય એવા લોકો રાતનાં અંધારામાં કેવા કેવા કાળા કામો કરતાં હોય છે કેવા કેવા ગોરખધંધાઓ થતા હોય છે એ વાત સાથે પરિચીત થાય છે.

        ફિલ્મમાં રાજ કપુર સાથે, નરગીસ, મોતીલાલ, પહાડી સન્યાલ, છબી વિશ્વાસ, પ્રદીપ કુમાર, સુમીત્રા દેવી, નેમો, બિક્રમ કપુર, નાના પલશીકર, ભુદો અડવાણી, ઇફ્તેખાર, કિશન ધવન, ભુપેન્દ્ર કપુર, ડેઇઝી ઇરાની (બાળકલાકાર) ની ભૂમિકામાં છે.

        આ ફિલ્મ એ સમયની છે જ્યારે શહેરોમાં પેટ્રોમેક્સની લાઇટો થતી. ફિલ્મનો ઉઘાડ થાય છે ટાવરમાં રાત્રીનાં પોણા એક વાગ્યા છે. ૨૪ કલાક જાગતું અને ભાગતું કલકત્તા શહેર આ ફિલ્મમાં રાત્રીનાં પોણા વાગે સુમસામ ભાસે છે. રાત્રીનાં રોન પર નીકળેલા પોલીસવાળા (જ્યારે તેઓ મોટા ચડ્ડા જેવી કેપ્રી કે હાફપેન્ટ પહેરતા) એક બીજાને જોરજોરથી અવાજ કરતાં રસ્તા પર ડ્યુટી બજાવે છે. બોલે છે, ‘જાગતે રહો…’

        આ સુમસામ રાત્રીનાં સુમસામ સડક પર ગામડીયો અને અબુધ એવો રાજકપુર (ફિલ્મમાં નામ નથી બોલાતું) પડદા પર દેખાય છે. તરસનો માર્યો બેચારો પાણી માટે વલખા મારતો હોય છે અને એને રોન પર નીકળેલો પોલીસવાળો ચોર સમજી બેસે છે અને પાછળ પડે છે. એમાં આ અબુધ ગામડીયો એક એપાર્ટમેન્ટમાં જીવ બચાવવા ઘુસી જાય છે, અને ફિલ્મ શરૂ થાય છે.

        ફિલ્મની શરૂઆતમાં જ મોતિલાલની એન્ટ્રી થઇ જાય છે અને મુકેશનાં અવાજમાં ગીત પણ ‘ઝિંદગી ખ્વાબ હૈ, ખ્વાબમેં જુઠ ક્યા ઔર ભલા સચ હૈ ક્યા?’ આમાં એ શરાબી, દારૂડિયાનાં પાત્રમાં છે. આ લખનારનાં મતે આપણી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં શરાબીનો આટલો અસરદાર અભિનય માત્ર ચાર લોકો જ આપી શક્યા છે. એમાનાં એક મોતીલાલ પછી, જ્હોની વોકર, અમિતાભ બચ્ચન અને ક્રેસ્ટો મુખરજી. આ ચારેય કલાકારો જ્યારે શરાબીનો અભિનય કરતાં હોય ત્યારે જોવા વાળાને એમ જ લાગે તે લોકો ૫૦૦ ગ્રામ ઠઠાડીને બેઠા છે.

        એપાર્ટમેન્ટમાં પુજારીનાં વેશમાં આંકડા રમનારાઓ, વેપારી બનીને ગોદામનાં નામે ઘરમાં દેશી દારૂ બનાવનારાઓ, પોતાની પત્નીનાં ઘરેણાં ચોરીને જુગાર-રેસ રમનારાઓ, ડોક્ટર બનીને ગાંજો અને ચરસ વેચનારાઓ, પરપત્નિ સાથે આડા સંબંધો રાખનારાઓ, અનાજનાં કાળા બજારીયા કરનારાઓ, નકલી નોટો છાપનારાઓ જેવા અનેકો લોકો અને તેનાં ગોરખધંધા આ ગામડીયો પોતાની નજરે જુએ છે અને માનવજાત પર નફરત થવા લાગે છે.

        સવાર પડતાં જ્યારે લોકો તેને ચોર સમજીને મારવા દોડે છે ત્યારે આ ગામડીયો પોતાની પીડા વર્ણવે છે. કે હું તો પેટની આગ ઠારવા માટે થોડું પાણી મળશે એ આશયે આ એપાર્ટમેન્ટમાં આવેલો. મને શું ખબર કે અહીં આવા આવા હેવાનો શેતાનો વસે છે. મને તમે ચોર કહો છો મને? અને મારી પાછળ એમ પડ્યા છો કે જાણે હું કોઇ માણસ નહીં પણ આવારા કુતરો હોઉં. મને ચોર કહેનારાઓ તમે લોકો સમાજમાં સારા બનીને કેવા કેવા કાળા કામો કરો છો એ મેં મારી સગી નજરે જોયું છે. સાચા ચોર તો તમે લોકો છો અને મને મારવા અને મારી નાંખવા મારી પાછળ પડ્યા છો. શું કામ કે બહાર જઇને હું તમારી કોઇ વાત સમાજને ન કહી શકું એ માટે તમે મારો જીવ લેવા મારી પાછળ પડ્યા છો. મને ગામડીયાને એવું સીખવવું છે કે ખોટા કામ કર્યા સીવાય કોઇ મોટો માણસ ન બની શકે. તો ઠીક છે હું પણ ખોટા કામો કરીશ, ચોરી કરીશ, લુંટફાટ કરીશ અને એક દિવસ તમારા માથા પર મારો પગ મુકીને આગળ વધી જઇશ અને મોટો માણસ બની જઇશ.

        ફિલ્મનાં અંતમાં પોતાનો જીવ બચાવવા તે એક ઘરની બાલ્કનીમાં કુદે છે જે નરગીસનું ઘર છે. સવાર પડતાં જ તેની દિકરી બની એવી નાનકડી ગોળમટોળ ડેઇઝી ઇરાની બાલકનીનો દરવાજો ખોલે છે અને સામે છે ચોર! થોડી વારમાં બેક ગ્રાઉન્ડમાં શરૂ થાય છે લત્તા મંગેશકરનાં અવાજમાં સ્વરબધ્ધ એવું ‘જાગો મોહન પ્યારે…’ ગીત દરમ્યાન નાનકડે ડેઇઝી ભડભાદર એવા પણ બુદ્ધુ ગામડીયા રાજકપુરને એક અમુલ્ય સીખ આપે છે કે ડરે છે શા માટે? જ્યારે તે કંઇ કર્યું જ નથી તો ડર શેનો? અને આત્મ જાગૃત થયેલો રાજકપુર ડર્યા વગર તમામ લોકો વચ્ચે પોતાનો રસ્તો કરતો એપાર્ટમેન્ટમાંથી બહાર નીકળી જાય છે અને નજીકનાં મંદિરે જઇને નરગીસનાં ઘડામાંથી પાણી પી ને પોતાની તરસ છીપાવે છે અને ફિલ્મ પુરી થાય છે…

        ફિલ્મમાં માત્ર ચાર જ ગીતો છે.
૧.      જાગો મોહન પ્યારે… (લતા મંગેશકર)

૨.      ઝિંદગી ખ્વાબ હૈ… (મુકેશ)

૩.      કોઇનાં દેખીં મેં જુઠ બોલિયાં… (મોહંમદ રફી અને એસ. બલબીર)

૪.      ઠંડી ઠંડી સાવન કી ફુહાર…


        પ્રેમ ધવને લખેલા ભાંગડા નૃત્યનાં ગીત ‘કોઇનાં દેખીં મેં જુઠ બોલિયાં…’ ને ફિલ્મનાં સંગીતકાર એવા સલીલ ચૌધરીએ અદ્દભુત રીતે સંગીતબદ્ધ કર્યું છે. જેને મોહંમદ રફી અને એસ. બલબીરે ગાયું છે. એક બંગાળી સંગીતકારે પંજાબી ગીતની એવી જમાવટ કરી કે ત્યારથી હિન્દી ફિલ્મોમાં ભાંગડા નૃત્ય અને શૈલિ ધરાવતા ગીતો વધુ આવવા માંડ્યા.

        ટીકીટબારી પર ફિલ્મ ઇચ્છીત સફળતા ન મેળવી શકી પણ રાજ કપુરની એક ક્લાસિક ફિલ્મ કહી શકાય એવી બની છે આ ફિલ્મ. આ ફિલ્મને ૧૯૫૭ માં કર્લોવિ વેરી ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટીવલ જે ચેકોસ્લોવાકિયામાં યોજાયો હતો એમાં ક્રિસ્ટલ ગ્લોબ ગ્રાંડ પ્રિક્સ મળેલું. ચોથા રાષ્ટ્રિય ફિલ્મ એવોર્ડમાં આ ફિલ્મને સર્ટીફિકેટ ઓફ મેરિટ મળેલું.


        રાજકપુરનાં અભિનયનાં ચાહકો માટે આ ફિલ્મ એક એવોર્ડ કરતાં કમ નથી. જોવી જ રહી.


Sunday 10 November 2013

સોનુ નિગમ...

વાંકડિયા વાળ, સુરોનો જુવાળ ને ચહેરો પ્રેમાળ. સોનુ ત્રણેય મિલકતોનો માલિક છે. ગીતો એનાં કંઠે ગવાઇને ગરીમા પામે છે, અને સંગીતને મળે છે વિશિષ્ટ શોભા…



        સોહામણો દેખાવ, સરસ નૃત્યશૈલી અને લોભામણી સ્ક્રીન પ્રેઝન્સ. એનાં સરવાળાથી સોનુને અભિનયની અનેક ઓફર્સ મળતી રહી છે. પણ જો કે ભાઇસાહેબે એકવાર હિરો બનીને કોશીશ કરી લીધી. હવે એ ગાયક-પરફોર્મર રહીને જ રાજી છે. અને શા માટે નહીં! તમારી જેમાં આવડત છે, હોંશીયારી છે, હાથોટી છે તે ક્ષેત્રમાં સંપૂર્ણતા હાંસલ કરો તો પણ ઘણું છે ને… સોનુ પછી આપણા એક ગુજ્જુભાઇ હિમેશે પણ આ રવાડે ચડીને જોઇ લીધું કે આપણે જે કરીએ છીએ એ બરાબર છે પડદા પાછળ સારા.

        સોનુની વૈશ્ચિક અપીલ જોરદાર છે. જૂજ જ કલાકારોને મળે એવો પ્રેમ અને પ્રતિસાદ એ દેશ-વિદેશમાં મેળવતો રહ્યો છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો એ સૌથી મોંઘો પ્લેબેક સિંગર ઉપરાંત સફળ પોપ આર્ટીસ્ટ પણ છે. બહુમુખી પ્રતિભા ધરાવતો સોનુ અનેક ભાષાઓમાં ગાઇ શકે છે. ટીવી શોઝ, રીયાલીટી શોઝનું કે રેડીયોનાં શોઝનું સંચાલન કે નિર્ણાયકની ભૂમિકા હોય, સોનુ દરેક કામગીરીને ૧૦૦% સફળતાથી પુરી કરે છે. અને આટઆટલું કરવા છતાંયે હજુ એ એમ માને છે કે ઘણું કરવાનું બાકી છે.

        ૩૦મી જુલાઇ ૧૯૭૩નાં રોજ ફરિદાબાદ, હરિયાણામાં શોભા અને અગમકુમાર નિગમને ત્યાં સોનુનો જન્મ થયો. નાનપણથી જ એને સંગીત પ્રત્યે વિશેષ રૂચિ. સાડાત્રણ વર્ષની ઉંમરે એને સ્ટેજ પરથી રફીનું ક્યા હુઆ તેરા વાદા… ગીત ગાયું હતું. પછી ગાયક પિતાને એટલા બધા શોઝમાં સાથ આપ્યો કે એ એનાથી જ સોનુને ગાયક તરીકેની કારકિર્દી શરૂ થઇ ગઇ. સોનુએ શાસ્ત્રિય ગાયક ઉસ્તાદ ગુલામ મુસ્તફા ખાં સાહેબ પાસે સંગીતની વિધીવત તાલિમ લીધેલી છે.

        શરૂઆતમાં રફીં કી યાંદે આલ્બ્મ કરવાથી એને વોઇસ ઓફ રફીનું લેબલ લાગી ગયું. આજે તેની નકલ કરનારાઓને વોઇસ ઓફ સોનુ નિગમ કહેવાય છે. સોનુને પહેલો બ્રેક ફરીવાર ગુલશનકુમાર સાથે મહેશભટ્ટની ‘જાનમ’ ફિલ્મમાં મળ્યો. જે ૧૯૯૨માં આવેલી. આ સિવાય એ સમયગાળામાં સોનુએ ખુબ બધા રેડિયો જીંગલ્સ પણ ગાયા.


       દરેકને પોતાનો એક આદર્શ હોય છે, આઇકોન હોય છે, પ્રેરણામૂર્તિ હોય છે. હું નાનપણથી જ રફી સાબને સાંભળતો રહેલો એટલે એમની સ્ટાઇલ અનાયાસે મારામાં આવી જ જાય પણ એ નકલ નથી.

        સોનુએ હિન્દી, ઉપરાંત, ઉર્દુ, ઉડીયા, તમિલ, અસમી, પંજાબી, બંગાલી, મલયાલમ, મરાઠી, તેલુગુ અને નેપાળી જેવી ભાષામાં ગીતો ગાયા છે. ભારતભરમાં તેનાં ખુબ ચાહકો છે પણ એનાં વતન હરિયાણામાં તેનાં ચાહકો વિશેષ છે એમ સોનુ કહે છે. પંજાબી ગીતોનું સોનુમાં વળગણ ગાયકી સુધી મયાર્દિત નથી. આ ગીતો સાથે એની ગાઢ આત્મિયતા લાઇવ પર્ફોર્મન્સમાં પણ દેખાય છે. એનાં પરફોર્મન્સમાં જબરજસ્ત ઉર્જા અને સ્ટેજ પ્રેઝન્સ હોય છે.

        મને હંમેશા પડકારજનક કામ કરવું ગમે છે. એકવિધતા મને અકળાવી મૂકે છે, તેથી કાયમ પ્રયોગોમાં રાચું છું. પછી એ મારી ગાયકીમાં હોય કે મારા દેખાવને લઇને. મારે મન સ્ટેજ મારૂં બીજું ઘર છે. કારણ, નાનપણથી જ સ્ટેજ સાથે મારો સંબંધ રહ્યો છે. શ્રેષ્ઠ ગાયકી માટે ખુબ જરૂરી છે યોગ્ય રિયાઝ. એમ સોનુ ભારપૂર્વક કહે છે કે રિયાઝ વગર પણ તમે ગાઇ શકશો પણ આ ગાયકી લાંબો સમય અકબંધ ટકી નહીં રહે.

        સોનુએ વિશ્વનં લગભગ દરેક ખંડમાં સ્ટેજ શોઝ કર્યા છે. ૨૦૦૭નાં નવેમ્બરમાં હાર્વર્ડ યુનિવર્સીટીનાં ૨૮માં પ્રમુખ તરીકે ડૉ. ડ્ર્યુ ગિલપિન ફાઉસ્ટની વરણી થઇ એ નિમિત્તે ત્યાં ગાંધીજીનાં ફેવરીટ ભજન વૌષ્ણવ જન તો તેને રે કહીયે… ગાઇને સોનુએ ઇતિહાસ રચ્યો. કારણ કે પહેલીવાર એક ભારતિય ગાયકને હાર્વર્ડ યુનિવર્સિટીએ આમંત્રણ આપ્યું હતું અને ગવડાવ્યું હતું.

        સોનુ નિગમે અત્યારનાં તમામ ભારતિય રીયાલીટી શો ઝનાં સૌથી પહેલો રીયાલીટી શો એટલે કે ૧લી મે ૧૯૯૫નાં રોજ ઝી ટીવી પર શરૂ થયેલો સા રે ગા મા. આ એક એવો શો હતો જેને ફિલ્મ સંગીત સાથે સંકળાયેલા ધૂરંધરોએ વખાણેલો. આ શોનાં નિર્દેશક હતાં ગજેન્દ્રસિંઘ. (હાં! અંતાક્ષરીવાળા) અને સંચાલન કરેલું સોનુ નિગમે. આ શો થકી આજે આપણી વચ્ચે, શ્રેયા ઘોષાલ, પાર્થિવ ગોહીલ, કૃણાલ ગાંજાવાલા અને શેખર રવજિયાની છે. આ શો ની સૌથી વધુ સિઝનને હોસ્ટ સોનુએ કરેલી. ઝી ટીવી સા રે ગા મા ને સોનુએ ૧૯૯૫થી શરૂ કરી ૧૯૯૯ સુધી એકધારી હોસ્ટ કરી. ત્યારબાદ શાનએ આ શોને હોસ્ટ કરવાનું શરૂ કર્યું. એ પછી સોની ટીવીની ઇન્ડીયન આઇડ્લને પણ શરૂઆતની બંને સિઝનમાં… અનુ મલિક, ફરાહ ખાન સાથે સોનુ એ નિર્ણાયક તરીકેની ભૂમિકા ભજવેલી. આ સિવાય સોનુ ઝી ટીવીની સારેગામાપા લિટલ ચેમ્સ ઇન્ટરનેશનલમાં પણ નિર્ણાયક તરીકે હતો.

        સોનુએ પ્લેબેક સિવાય ઘણાં પોપ આલ્બ્સ પણ બહાર પાડ્યા છે. જેમાનું સૌથી પહેલું અને સૌથી સફળ એવું ‘દિવાના’ જે ૧૯૯૯ની સાલમાં ટી-સીરીઝે બહાર પાડેલું. જેમાં સંગીત આપેલું અત્યારનાં સૌથી સફળતમ મ્યુઝીક કંમ્પોઝર એવા સાજીદ-વાજીદે. આ સિવાય પણ રફીનાં અપ્રતિમ ચાહકનાં નાતે સોનુએ છ ડિસ્કનાં સેટ સાથેનું ‘કલ આજ ઔર કલ’ નામથી રફીનાં ૧૦૦ ગીતોનું કલેક્શન ધરાવતો આલ્બમ સેટ પણ બનાવ્યો છે. હમણાં થોડા સમય પહેલાં જ સોનુનું નવું આલ્બમ રીલીઝ થયેલું છે, ક્લાસિકલી માઇલ્ડ… જે મિશ્ર શાસ્ત્રિય છે.




        સોનુએ ગાયકી ઉપરાંત નાનપણથી જ અભિનયનાં પણ ચમકારા બતાવ્યા છે. તેની રીલીઝ થયેલી ફિલ્મોમાં, પ્યારા દુશ્મન, કામચોર, ઉસ્તાદી ઉસ્તાદ સે, હમ સે હૈ જમાના, તકદીર અને બેતાબમાં  બાળકલાકાર તરીકે અને ક્રિષ્ના ક્રિષ્ના, જાની દુશ્મન, કાશ આપ હમારે હોતે અને લવ ઇન નેપાલમાં લીડ રોલ કરેલાં છે.

        દુનિયાભરમાં ઉડાઉડ, કોન્સર્ટ્સ, સ્ટેજ શોઝ વચ્ચે પણ સોનુ ભગવાનને ભૂલતો નથી. તેનું માનવું છે કે ધાર્મિક હોવા કરતાં આધ્યાત્મિક હોવું જરૂરી છે.


        આટઆટલા વ્યસ્ત રહેવાં છતાંયે સોનુ પોતાનાં શારિરીક દેખાવમાં પણ નિયમિત પરિવર્તન લાવવાની મહેનત કરે છે. વાચકમિત્રો, કદાચ તમે નહીં જાણતા હો, સોનુ એક જપાની માર્શલ આર્ટ અને ખુબ આકરી એવી ‘ટીકવોડો’ નો જાણકાર છે. એની બદલાતી રહેતી હેરસ્ટાઇલ, સુદઢ બાંધો એની અલગ ગાયિકીની જેમ જ એક અનોખો માહોલ સર્જે છે. આ કારણે જ સોનુને એમ ટીવી તરફથી સાલ ૨૦૦૩ અને ૨૦૦૫માં એમ બે વાર ‘સ્ટાઇલ આઇકન ઓફ ધ યર’ નો એવોર્ડ મળેલો છે. સોનુ કહે છે કે મારા વાળ કુદરતી રીતે જ વાંક્ડીયા છે. લાંબા વાળમાં મારો દેખાવ સરસ લાગતો હોવાને કારણે હું વાળની લંબાઇનાં અખતરા સતત કરૂં છું. સ્વસ્થ્ય જાળવવાનો પણ આગ્રહ રાખું છું. આ ક્ષેત્ર જ એવું છે કે જેમાં સતત તમારે કંઇને કંઇ નવિનતા દર્શકોને આપતી જ રહેવી પડતી હોય છે. 

Tuesday 5 November 2013

સંકલ્પ શક્તિ શું છે? Know your Strength...


તમારી શક્તિને જાણો, ઓળખો અને એનાં પર વિશ્વાસ રાખો.

        દુનિયામાં કોણ એવું છે કે જેનાં મનમાં, હ્રદયમાં મહત્વાકાંક્ષાં નથી હોતી? દરેકનાં મનમાં કોઇને કોઇ ઇચ્છા અવશ્ય હોય જ છે. હરકોઇ કંઇક ને કંઇક મેળવવા ઇચ્છે છે. પરંતુ શું માત્ર ઇચ્છા રાખવાથી જ તમે તે સ્થાન કે તમારી મહત્વાકાંક્ષાને મેળવી શકશો? પામી શકશો? દરેક મહત્વાકાંક્ષા અત્યંત પરિક્ષમ માંગે છે. હવે ખેડૂતનું જ ઉદાહરણ લઇ લો. પોતાની ખેતી કે ફસલ માટે એ કેટલી મહેનત કરે છે, પરિક્ષમ કરે છે. ફુલ-ફળ શું આપમેળે ઉગે છે? એને ઉગાડવાવાળાં લોકો પાસેથી જ આપણે જાણી શકીએ છીએ કે આ બધું ઉગાડવા કે મેળવવા તેમણે કેટલી મહેનત કરેલી, કેટલો સખત પરિક્ષમ કરેલો. મહત્વાકાંક્ષા પણ આમા અપવાદ નથી.

        મહેનત કરો. તમારી હર એક મહત્વાકાંક્ષા હરેક ઇચ્છા પુરી થશે. પણ એ માટે પહેલી શરત છે, મહેનત કરવાની, પરિક્ષમ કરવાની અને એ પણ સખત. મહેનત કરવાથી તમને બધું મળી શકે છે. બસ જરૂર છે યોગ્ય દિશામાં મહેનત કરવાની.

આ માટે અમુક નિયમો કે સુચનાઓ પર નજર દોડાવીએ.

મનોદશા કે ચિત્તને સ્થિર રાખો –
        તમારા કામ પર તમારા મનને એકાગ્ર કરો. સ્થિર કરો. તમારી જ જીત થશે અને મનોવાંછીત ફળ પણ મળશે જ એવાં પૂર્ણ આત્મવિશ્વાસ સાથે મચી પડો. દ્રઢ નિશ્ચય અને પૂર્ણ આત્મવિશ્વાસ સાથે પોતાની તમામ શક્તિઓને તમારા લક્ષ પર એકાગ્ર કરી દો તો જ સફળતા મળશે. આશા, દ્રઢ નિશ્ચય અને પૂર્ણ આત્મવિશ્વાસ ધરાવનારાઓની ક્યારેય હાર થતી નથી. પરિસ્થિતિ ભલે ગમે એવી હોય, પણ પોતાનાં મનને સ્થિર મનોદશાને સ્થિર રાખો. પછી જુઓ ચમત્કાર…!

આત્મ શ્રધ્ધા રાખો –
        તમે જે લક્ષ પ્રાપ્ત કરવા ઇચ્છો છો તો એ મેળવવા માટે જો તમને તમારી જાત પર જ વિશ્વાસ નહીં હોય શ્રધ્ધા નહીં હોય તો એ તો પેલી વાત જેવું થયું કે તમે ચાલો છો તો પશ્ચિમ બાજુ પણ પૂર્વ પર પહોંચવા ઇચ્છો છો. સફળ થવા માટેનો સૌથી મોટો અને સીધો સાદો સિદ્ધાંત છે કે તમે જે લક્ષને મેળવવા ઇચ્છો છો તેને મેળવવાની પ્રબળ આશા પણ રાખો તેમજ એ માટેની જરૂરી એવી શક્તિ અને આત્મવિશ્વાસ તમારા મનમાં ભરી દો. જો તમે જ તમારી યોગ્યતા પર અને લક્ષની પ્રાપ્તિ હેતુ શક્તિ અને સામર્થ્ય પર વિશ્વાસ નહીં રાખો શ્રદ્ધા નહીં રાખો તમે લખી રાખજો કે મનચાહી સફળતાને તમે કદી તમારી પ્રત્યે આકર્ષી નહીં શકો.

મનોવૃત્તિ બદલો –
        આપણાં વિચારોની ગરીબી, નિરાશાની ભાવના, પોતાની શક્તિઓ પર સંદેહ અને ભયની ભાવના, આત્મવિશ્વાસની કમી અને કાર્યહિન બેસી રહેવાની વૃત્તિ જ આપણને ગરીબ બનાવી રાખે છે.

        તમે તમારી મનોવૃત્તિને એક ધનાઢ્ય વ્યક્તિની મનોવૃત્તિ જેવી બનાવો. તમારી કોઇ પણ ચેષ્ટા કે અભિનયથી તમારી ગરીબી દેખાવી ન જોઇએ. જ્યાં સુધી તમારી આસપાસનું વાતાવરણ જ તમને ગરીબીની માનસિકતા તરફ ખેંચતું રહેશે ત્યાં સુધી તમે મનથી પણ ક્યારેય ધનાઢ્યની જેમ વર્તી નહીં શકો. તમારા ઉદ્દેશપૂર્તી હેતુ જે કરવું પડે તે જ કરો. ઘણીવાર પોતાનાં વર્તનથી જ માણસ સફળ થતો હોય છે. પોતાનું દુઃખડું કોઇપાસે રડો નહીં. પોતાની જાતને મજબૂત બનાવો. માર્ગમાં આવનારા વિધ્નથી જરા પણ વિચલીત થયા વિના લક્ષ્ય પર દ્રષ્ટિ રાખો અને આગળ વધો. તમે જરૂર સફળ થશો.

        ખાસમખાસ નેગેટીવ પ્રોગ્રામિંગ ન થાય એનું ખાસ ધ્યાન રાખવું અને આવા લોકોથી હરહંમેશ સાવચેત રહેવું. આ એ લોકો છે જેમની મનોદશા ગરીબ છે. તમારે એમનાં જેવું રહેવું હોય તો અને તો જ આવા લોકોનાં સંપર્કમાં રહેજો.

વિશ્વાસ તો કાર્યસિદ્ધિનો શ્વાસ છે –
        વિશ્વાસ તો કાર્યસિદ્ધિનો પિતા છે. વિશ્વાસથી માનસિક શક્તિઓને સહારો મળે છે અને આ શક્તિઓમાં વધારો પણ થાય છે. વિચારોની તિવ્રતા કેવળ ધારણાઓથી મળે છે. એનામાં સ્થિરતા કેવળ દ્રઢ નિશ્ચયથી આવે છે. એને શક્તિ માત્ર અને માત્ર પ્રચંડ આત્મવિશ્વાસમાંથી મળે છે. જો તમારો આ ગુણ નબળો પડશે તો વિચાર પણ નબળો પડશે અને તમે તમારી કાર્યસિદ્ધિ માટે અસમર્થ થઇ જશો. માટે વિચારો પર વિશ્વાસ રાખો.

        દુનિયામાં કોઇપણ વ્યક્તિ ત્યાં સુધી કંઇ નથી કરી શક્તો કે સફળ થતો જ્યાં સુધી એને પોતાનાં હાથમાં લીધેલા કામનાં વિષયમાં અને એ કામને પુરી કરી શકવાનાં પોતાના સામર્થ્ય પર દ્રઢ વિશ્વાસ ન હોય. જો આ દ્રઢ વિશ્વાસ હોય તો એવા લોકોનું પોતાનાં લક્ષ સાધ્ય હેતુ પાછીપાની કરવાનું અસંભવ હોય છે. એને પોતાનાં પર અને પોતાની શક્તિ અને સામર્થ્ય પર પૂર્ણતઃ દ્રઢ વિશ્વાસ હોય કે જે કામ એને કરવાનું છે એ કામ એ કરી શકે એમ છે. એ માટે એનાં માર્ગમાં આવનારા તમામ વિઘ્નોનો સામનો કરવાની હિંમત પણ ધરાવે છે.

કોઇનું અનુકરણ ન કરવું –
        જે લોકો પોતાનાથી વધુ સામર્થ્ય ધરાવતા લોકોનું અનુકરણ કરવાનું શરૂ કરે ત્યાં એ પોતાની આગવી ઓળખ ગુમાવી લેતા હોય છે. ત્યારબાદ તેઓ માત્ર તેટલું જ જોઇ શકે છે કે વિચારી શકે છે જેટલું પેલી વ્યક્તિ જેનું એ અનુકરણ કરતાં હોય. એક રીતે કહું તો આવા લોકો કૂપમંડૂક બનીને પુરૂ જીવન વ્યતિત કરતાં હોય છે. પોતાનું જીવનમાં ક્યારેય તેઓ પ્રગતિ કરી શકતાં નથી. એમનું જીવન એક ઘોર અંધકારની ગર્તામાં ધકેલાઇ જાય છે, અને એનો આવા લોકોને જરા પણ અહેસાસ હોતો નથી.

        ઉઠો, જાગો અને આગળ વધો! આગળ વધીને દોડો ત્યારે જ તમને તમારી મનચાહી મંઝીલ મળશે. ભગવાને રસ્તો તો બનાવ્યો જ છે. પણ ઉઠીને એ રસ્તા પર ન ચાલો તો આમાં દોષ કોનો? સ્વાભાવિક છે કે આપણો જ દોષ છે.

શ્રેષ્ઠ પરિણામની જ આશા સેવો –
        પ્રત્યેક કાર્ય પ્રત્યે રચનાત્મક દ્રષ્ટિથી જોવું, એની સારી બાજુ જોવી, આશા ભરી નજરોંથે જોવું, સફળતાનો ભરોસો રાખવો અને મનમાં વારંવાર સફળ થશું જ એવા જ ભાવ લાવવા. સંદેહ અને સંશય જેવા નિર્બળ કરનારા ભાવોને મનથી અને પોતાનાથી દુર રાખવા, આ તમામ કાર્યો એવા છે કે જેના કારણે મનુષ્ય પોતાના તમામ કામો અને ચેષ્ટાનું સર્વોત્તમ અને શ્રેષ્ઠ પરિણામ જ મેળવે.

        આશાવાદથી તમામ માનસિક યોગ્યતાઓમાં વૃદ્ધિ થાય છે વિકાસ થાય છે ઠીક એમ જ જેમ સુર્યોદય થવાથી ફુલ-છોડ અને વૃક્ષોની વૃદ્ધિ થાય છે. નિરાશાવાદ એક નકારાત્મક બાજુ છે, એક વિચાર છે, સોચ છે. નિરાશાવાદ ઘોર અંધકાર ભર્યું નરક છે. જ્યાં મનુષ્યની તમામ શક્તિઓ અને તમામ યોગ્યતાઓ અપંગ બની જાય છે અને તેમનો વિકાસ રૂંધાઇ જાય છે. જેમને ચારેકોર નિરાશા જ નિરાશા દેખાતી હોય એમનું ભવિષ્ય અંધકારમય છે.

સિદ્ધિનાં અવસરો –
        એક વાતને તમે ગાંઠે બાંધી લો કે હાલની પરિસ્થિતિવશ તમે કેટલા નિર્ધન અને ગરીબ શા માટે ન હો પણ ભવિષ્યમાં તમે ધનાઢ્ય બની શકો છો. જો કોઇ વ્યક્તિ પોતાની જાત પર ભરોસો રાખે, જો નિરંતર પોતાના ઉદ્દેશ્યની વિશે જ વિચારતો હોય, જે પોતાની કાર્ય કરવાની યોગ્યતાઓ પર ભરોસો રાખતો હોય, જે પોતાની દ્રષ્ટિ નિરંતર પોતાનાં લક્ષ્ય પર એકાગ્ર કરીને રાખતો હોય, જે વ્યક્તિ પોતાનાં પર વિશ્વાસ રાખી અને ઘોર પરિક્ષમ અને સંઘર્ષ કરવાની ઇચ્છા અને સંકલ્પ રાખતો હોય એવા લોકોની જીત હંમેશા થતી હોય છે. આવા લોકો જ પોતાનું ઇચ્છીત ફળ, ઇચ્છીત હેતુંને પાર પાડી શકતા હોય છે.

        તમે જે કાર્યો પુરા કરવાનો મનોમન સંકલ્પ કર્યો હોય એ કાર્યોની સિદ્ધિ પર તમને પૂર્ણતઃ વિશ્વાસ હોવો જરૂરી છે. આશાવાદ જેટલો તિવ્ર હશે એટલો જ ઉત્સાહ પણ ઉગ્ર હશે. ઉત્સાહ જેટલો ઉગ્ર હશે એટલો જ માનસિક પ્રયત્ન પ્રચંડ હશે. માનસિક પ્રયત્ન જેટલો પ્રચંડ હશે એટલી જ તિવ્રતાથી સફળતા પ્રાપ્ત થશે.

નિશ્ચયમાં દ્રઢતા –
        જે વસ્તુને આપણુ હ્રદય ઇચ્છે છે ચાહે છે તે સ્વરૂપનું નિર્માણ આપણી આશા-આકાંક્ષા, આપણો વિશ્વાસ, આપણો દ્રઢ સંકલ્પ અને આપણાં પ્રયત્નો થકી જ થાય છે. જો આપણે આપણાં લક્ષની સિદ્ધિ માટે દ્રઢ નિશ્ચય કરી લઇએ પછી એ પ્રાપ્તિ હેતુ માર્ગમાં ગમે એવાં વિઘ્નો આવે કે અડચણ આવે આપણે આપણાં સંકલ્પ બળના આધારે આ તમામ વિઘ્નો અને અડચણોને દુર કરી સફળતા મેળવી ને જ રહીએ છીએ.

આ સાથે આ જ લેખકનો આ અગાઉ લખાયેલ લેખ 'નેગેટીવ પ્રોગ્રામીંગ' પણ જરૂર વાંચવો. નીચે લીંક પર ક્લિક કરવાથી એ લેખ ખુલશે.
http://jignesh1976.blogspot.in/2013/05/negative-programming.html

તો મિત્રો પોતાના પર વિશ્વાસ રાખો...