Monday 25 November 2013

“દિકરીની વિદાયવેળાએ શ્રીફળનું મહત્વ”



        આપણા રિવાજોમાં એક એવો રિવાજ પણ છે કે જ્યારે પરણીને દિકરી સાસરે જતી હોય, ત્યારે તેનાં પિયરમાંથી કોઇ જે વાહનમાં દિકરી જવાની હોય તે વાહનનું પૈડુ સીંચે. સીંચવાનો મતલબ અહીં કુવામાંથી પાણીની જેમ નહીં, પરંતુ સીંચવું એટલે કે તે વાહનનાં જમણા પૈડા હેઠળ શ્રીફળ મુકવું અને તે શ્રીફળનાં ટુકડા કરી વાહનનું પૈડુ આગળ વધી જાય.

        આનો સૂચક મતલબ એ કે જે શ્રીફળ છે તે, તે સાસરે જતી દિકરીનાં પિતાનું હ્રદય છે, કાળજું છે કે જ્યારે તેની દિકરી સસરે જતી હોય ત્યારે વિદાય વખતે… અને જ્યારે પૈડુ શ્રીફળનાં ટુકડે ટુકડા કરી આગળ વધી જાય ત્યારે તે માત્ર શ્રીફળનાં જ ટુકડા નથી થતા પરંતુ તે દિકરીનાં બાપનાં પિતાનાં હૈયાનાં હ્રદયનાં ટુકડા થઇ જતા હોય છે. કન્યાવિદાય જેવો કરૂણ મંગલપ્રસંગ કોઇ નથી. હાં, ભલભલા ચમરબંધીઓની આંખો પણ આ કરૂણ (અહીં દુઃખ છે પણ આ દુઃખદ પ્રસંગ નથી, માટે ‘કરૂણ’) પ્રસંગે ભીની થઇ જતી હોય છે અને જો ના થતી હોય તો સમજવું કે તે માણસ છે પણ તેનાંમાં લાગણીનો છાંટોય નથી… કહે છે ને કે પથ્થરદિલ હોય છે. કારણ કે દોસ્ત, જે દિકરીને લક્ષ્મીની જેમ સાચવીએ, જતન કરીને મોટી કરીએ, ભણાવીએ ગણાવીએ અને સંસ્કારો સિંચી તેને એ કાબીલ અને સક્ષમ બનાવીએ કે કહે છે ને કે “દિકરી હંમેશા બે કુળ તારે”… ભલેને એ જ્યારથી જન્મી હોય ત્યારથી જ આપણે જાણતા હોઇએ કે એક દિવસ આને સાસરે વળાવાની છે, છતાં દુનિયાનાં તમામ પિતાઓ આ પ્રસંગે એક અકથ્ય લાગણીનો અનુભવ કરતાં હોય છે, જેમાં દિકરીને વળાવાનું દુઃખ હોય તેમ તેનાં નવાજીવનની શુભ શરૂઆતનો આનંદ હોય, હર્ષ હોય. છતાં આ પ્રસંગ જ એવો કરૂણ છે કે ભલભલાની આંખે ઝાકળ બાજે. અને મારૂ માનવું છે કે માટે જ વિદાયવેળાએ આ પૈડુ સિંચવાનો રિવાજ ચલણમાં આવ્યો હશે કે જે શ્રીફળનાં ટુકડે ટુકડા થઇ જાય છે તે શ્રીફળનાં ટુકડા કન્યાનાં ખોળામાં કે હાથમાં મુકવામાં આવે છે. આમ કરવા પાછળ રહેલ વૈદિક કે શાસ્ત્રિય પ્રથાનો મને ખ્યાલ નથી તે અહીં નમ્રતાપૂર્વક કહું છું અને સ્વિકારૂં છું પણ આમ કરવા પાછળ રહેલ હેતુનો મને અનુભવ પણ કહી શકાય અને જાણ પણ કહી શકાય કે સમજવા જેવી વાત છે, કન્યા કે દિકરી જે સાસરે જતી હોય ત્યારે વિદાય ટાંણે ખુબ ખુબ રોતી હોય છે તેને પારાવાર દુઃખ થતું હોય છે તેની પીડા તે આંસુઓ દ્વારા વ્યક્ત કરતી હોય છે કે જેમની સાથે રમીને ભણીને રહીને ખાઇ પી ને મજા કરીને જલ્સાથી લ્હેરથી મોટી થઇ હોય એને આજે આ બધું પાછળ છોડીને તેના આવનારા અને શરૂ થનારા નવજીવનમાં આગળ ધપવાનું હોય છે આનો એક રોમાંચ પણ હોય, સાથોસાથ આ બધું છોડવાનું પારાવાર દર્દ પણ… અને જેમ વધુ રડીયે તેમ માણસને પાણીની તરસ પણ લાગે. પણ કહેવું કોને? કારણકે હજુતો આ તેની શરૂઆત છે, સૌ કોઇ હજુ અજાણ્યા છે તો? આ માટે કન્યાનો પિતા તે શ્રીફળનાં ટુકડા કન્યાનાં હાથમાં મુકે છે કે તેને જ્યારે તરસ લાગે તો તે શ્રીફળનાં ટુકડા ખાઇને તે તેની તરસ છીપાવી શકે. કેટલી મંગળ ભાવના, કેટલો સુંદર વિચાર…

        મિત્રો, આવો છે આપણાં ગુજરાતી સમાજમાં એક બાપ, એક પિતાનો અને દિકરીનો સુગંધી સંબંધ. જે દિકરીને વર્ષો સુધી પોતાની નજર સામે રાખી તેનું જતન કર્યું અને આજે તેને કોઇ બીજાનાં હાથમાં સોંપી છે તે તેનું કેવુંક ધ્યાન રાખશે? આ પીડા તો એક પિતા જ જાણી શકે… અથવા તે, જેની પર આ વીતી ચુક્યું હોય.

4 comments:

  1. Wah... Touchy article.

    ReplyDelete
  2. મેઘના...27 November 2013 at 18:47

    ખુબ સરસ લેખ. પિતા-પુત્રીનાં સંબંધનું ખુબ સુંદર આલેખન.

    ReplyDelete
  3. બાપ અને દિકરીનો સંબંધ જ અનોખો હોય છે ભાઇ. આ અવ્યાખ્યાયીત સંબંધ છે. સરસ લખ્યું છે ભાઇ.

    ReplyDelete
  4. પારકા ઘરની બનશે લાજ એ,
    થશે દિકરીની વિદાય આજ એ,

    ધન એ પારકુ,જતન કરી રાખ્યુ,
    સોપવુ પડે શોધી જેનુ છે સાજ એ,

    આપ્યા સંસ્કાર કેળવણી મુજ રીતે,
    હવે પ્રમાણ આપશે કરીને કાજ એ,

    કાળજાનો કટકો મુજ વહાલસોયો,
    બનશે પોતાના પીયુનો સરતાજ એ,

    સાચવેલી બાગના બાગવાન માફક,
    સાંચવશે પોતાના બાગને આજ એ,

    ખુશી કહુ પરંતુ અશ્રુ આપે છે પ્રમાણ,
    પસાર થાય છે પ્રસંગેથી સમાજ એ,

    નરમ હતો વધારે નરમ બન્યો આજ,
    વહેતા આંસુનો છે આજે તો રાજ એ.

    ReplyDelete