Wednesday 20 November 2013

આપણી આજની જરૂરીયાતઃ રાષ્ટ્રીય શિક્ષણ…


            શિક્ષણ શબ્દ એ આજનાં યુગમાં બહુ સાંકડો અને સીમીત બની રહ્યો છે. આપણા બહુધા લોકોનાં મનમાં શિક્ષણની વ્યાખ્યા કંઇક આ પ્રમાણે છે. “શિક્ષણ એટલે શાળા-કોલેજમાં જઇને ડીગ્રી પ્રાપ્ત કરવા માટેની વ્યવસ્થા.” આજે આપણે કોઇપણ ને શિક્ષણનાં હેતુ વિશે પુછશું તો સો માંથી એંસી લોકો એવું કહેશે કે શિક્ષણનો હેતુ ભણી-ગણીને નોકરી મેળવવાનો છે. અને આમાંના મોટાભાગનાં લોકોને આ ‘ગણવું’ એટલે શું એ પણ ગતાગમ નથી. આજનું શિક્ષણ માત્ર ને માત્ર વ્યવસાયલક્ષી બની ગયું છે. જેને ખરા અર્થમાં જીવનની કેળવણી સાથે કશું જ લાગતું-વળગતું નથી. શિક્ષણનો ખરો અર્થ કેળવણી છે, કે જેનાથી વિદ્યાર્થીમાં શિક્ષણ, સદાચાર અને નૈતિકતાનુમ નિર્માણ થાય. જેના પરિણામે સમગ્ર સમાજ પણ નૈતિક અને ચરિત્રવાન બને.

        આપણા પ્રાચીન કાળમાં ઋષિમુનિઓનાં આશ્રમોમાં વિદ્યાર્થીનું ઘડતર થતું. આ આશ્રમ શાળાઓમાં વ્યવસાયલક્ષી શિક્ષણની સાથે સાથે વહેવારલક્ષી શિક્ષણ પણ આપવામાં આવતું. જેથી કરીને શિક્ષણ મેળવનાર બાળક સમાજમાં શ્રેષ્ઠ નાગરિક પુરવાર થાય અને તેનાં પરિણામે જ તે કાળમાં આપણો દેશ સમૃધ્ધિનાં ટોચ પર હતો. જેનાં કારણે વિશ્વમાં સૌપ્રથમ સુદઢ માનવીય સંસ્કૃતિનાં પગરણ ભારતવર્ષમાં મંડાયા હતાં. પરંતુ સમય જતાં હિન્દુસ્તાનમાં ધર્મનાં નામે બની બેઠેલા ઠેકેદારોએ જીવનલક્ષી રાષ્ટ્રિય શિક્ષણનાં સ્થાને પોતાનીએ દુકાનો પેઢી દર પેઢા ચલાવવા માટે ધાર્મિક શિક્ષણ શરૂ કરતાં ભારતે લગભગ ૨૦૦૦ વર્ષ સુધી વિદેશીઓની ગુલામી તળે રહેવું પડેલું. ત્યારબાદ એ સમય આવ્યો જેનાં માઠા ફળ આજેપણ આપણે ભોગવી રહ્યા છીએ.

        ભારતમાં પ્રવર્તમાન શિક્ષણમાળખાનો જન્મદાતા લોર્ડ મૈકલ છે. જેણે ભારત વર્ષને કાયમી ગુલામ રાખવા એક એકદમ સંકુચીત અને સ્વાર્થી શિક્ષણ જાતિનો પાયો નાખ્યોં. લોર્ડ મૈકલે પોતાના લંડન સ્થિત પિતાને લખેલા એક પત્ર મુજબ, ‘મને સંપુર્ણ વિશ્વાસ છે કે જો આપણી શિક્ષણની યોજના પ્રમાણે કામ થશે તો આજથી ત્રીસ વર્ષમાં બંગાળનાં પ્રતિષ્ઠિત વ્યક્તિઓમાં એકપણ ‘ભારતિય’ નહીં રહે. અંગ્રેજોએ ઇ.સ. ૧૮૫૪માં એજ્યુકેશન ડિસ્પેચ લોર્ડ ડેલહાઉસીને મોકલાવ્યો હતો. તેમાં જણાવ્યા અનુસાર ‘આ શિક્ષણનો હેતુ વહીવટનાં દરેક ખાતા માટે આપણાં માટે વિશ્વાસુ અને હોંશીયાર નોકરો તૈયાર કરવાનો છે.’ અંગ્રેજી શિક્ષણ અને કેળવણીનાં ઉત્તેજન દ્વારા આપણે આપણી અસલ ભારતિયતા આજે ખોઇ બેઠા છીએ.

        અંગ્રેજો પાસેથી વારસામાં મળેલી શિક્ષણપ્રથાને કારને આપને જડનોકરશાહીની પરંપરા ઊભી કરી છે. આજે રાષ્ટ્રમાં ચોમેર વરસાદી દેડકાની જેમ શિક્ષણસંસ્થાઓ ફુટી રહી છે. જે વિદ્યાર્થીઓને જાત જાતની નવી નવી ડીગ્રીઓ વેચી રહી છે. આ ડીગ્રી મેળવીને ફુલાઇને ફાળકા બનેલા વિદ્યાર્થી જરે દહાડે ગુલામ માણસની ગર્તામાં ધકેલાઇને કોઇપણ પ્રકારની વિશેષ સિદ્ધિ પ્રાપ્ત કર્યા વગર ગુમનામીનાં અંધારામાં પોતાનું જીવન પુરૂં કરે છે. સમાજ નિર્માણમાં આપણાં શિક્ષિત વ્યક્તિઓનો ફાળો હંમેશા શૂન્ય જ રહ્યો છે. ભારતવર્ષનાં નૈતિક પતનનું કારણ પણ આ જ આપણી શિક્ષણવ્યવસ્થા છે.

        આજે ભારતમાં આપણાં દેશમાં રાષ્ટ્રિય ચારિત્ર્ય કેળવાય એવા શિક્ષણની તાતી જરૂરીયાત છે. એ રાષ્ટ્રિય શિક્ષણનો જ પ્રતાપ છે જેનાં કારણે પ્રથમ વિશ્વયુધ્ધમાં માર ખાઇને બરબાદ થઇ ગયેલું જર્મની માત્ર દસ જ વર્ષનાં ગાળામાં બેઠું થઇને ફરીથી દુનિયામાં પોતાની ઓળખ પાછી મેળવી શક્યું. જર્મનીનાં દર-બ-દર ઠોકરો ખાતા લાખો બેરોજગાર યુવાનો રાષ્ટ્રિય શિક્ષણનાં પ્રતાપે જર્મનીને મજબુત બનાવવાનાં કામમાં ખૂંપી ગયા. જેણે મજબુત અને શક્તિશાળી જર્મનીનું નિર્માણ કર્યું.

        રાષ્ટ્રિય શિક્ષણનું ધ્યેય વ્યક્તિમાં નાગરિકતાનાં ગુણોનું સીંચન કરીને રાષ્ટ્રવાદનાં સંસ્કાર દ્વારા એક જવાબદાર નાગરિકનું સર્જન કરવાનું છે. પરિણામ સ્વરૂપ રાષ્ટ્રમાં રાષ્ટ્રવાદી યુવાનોની ફોજ તૈયાર થતાં રાષ્ટ્ર વિકાસની અનેક નવી ક્ષિતિજો સર કરી શકે. આજે આપણાં દેશને પજવી રહેલાં કોમવાદ-પ્રદેશવાદ અને ભાષાવાદનો એકમાત્ર ઉપાય રાષ્ટ્રિય શિક્ષણ છે. ભારતનાં દરેક યુવાનને, વિદ્યાર્થીને ભારતનું બંધારણ શું છે એની ખબર હોવી જોઇએ. રાષ્ટ્ર પ્રત્યે પોતાની મુળભૂત ફરજો અને હક્કો પ્રત્યે સજાગ હોવો જોઇએ. જ્યાં સુધી આપણને આપણા બંધારણ દ્વારા ક્યાં-ક્યાં હક્કો આપવામાં આવ્યા છે તથા રાષ્ટ્ર પ્રત્યે આપની ફરજો કઇ-કઇ છે તે જ્ઞાન ન મળે ત્યાં સુધી બાકીની બધી જ વ્યવસ્થા નકામી છે. મદરેસાઓ અને ધાર્મિક સંસ્થાઓમાં શિક્ષણ મેળવીને સંકુચીત અને રૂઢિચુસ્ત બનતો વિદ્યાર્થી ક્યારેય પણ એક સુદઢ રાષ્ટ્રનાં નિર્માણમાં પોતાનો ફાળો ન આપી શકે.


        આપણાં રાષ્ટ્રનાં વિકાસ માટે તથા આપણી ભાવી પેઢીની સલામતી અને સુખાકારી માટે રાષ્ટ્રિય શિક્ષણ અનિવાર્ય આવશ્યકતા છે. કોઇપણ રાષ્ટ્ર માટે તેનાં દેશનું રાષ્ટ્રિય ચારિત્ર્ય અત્યંત મહત્વની બાબત છે. કારણ કે રાષ્ટ્રની સુખ-શાંતિ તથા સમૃધ્ધિ અને શક્તિ માટે આ જરૂરી છે. હવે રાષ્ટ્રિય ચારિત્ર્યનું નિર્માણ કરવા માટે અત્યંત ઉચ્ચ ગુણવત્તા ધરાવતું શિક્ષણ હોવું એક અનિવાર્ય બાબત છે. શિક્ષિત સમાજ જ દેશને ઉચ્ચ પ્રકારની નેતાગીરી આપી શકે અને દેશનુમ વિવિધ ક્ષેત્રોમાનું તેજસ્વી બુધ્ધિધન જ દેશની પ્રગતિ માટે જવાબદાર બની શકે માટે રાષ્ટ્રિય શિક્ષણનું અત્યંત મહત્વ છે. કોઇપણ યુવાશક્તિને કેળવવા તેને યોગ્ય દિશા આપવા માટે રાષ્ટ્રિય શિક્ષણ આપવું એ એક પાયાની બાબત છે. રાષ્ટ્રિય શિક્ષણ એટલે યુવા-ધનનો અથવા તો જે તે દેશનાં નાગરિકોનો સામાજીક-બૌધિક તથા આર્થિક વિકાસ. આ બાબતને સિધ્ધ કરવા માટે રાષ્ટ્ર દ્વારા એક સ્વાયત્ત એવુમ તથા તમામ પ્રકારની રાજકીય ખટપટથી મુક્ત હોય એવા નોલેજ કમીશનની સ્થાપના કરીને દેશની તમામ યુવાશક્તિને રાષ્ટ્રિય શિક્ષણ મળી રહે તેની યોગ્ય વ્યવસ્થા કરવી જોઇએ. 

2 comments:

  1. સુંદર વિચારશીલ લેખ. આપને ઈવિદ્યાલયની મુલાકાત લેવાનું ગમશે.
    http://evidyalay.net/
    http://evidyalay.net/mathematics/
    ઇવિદ્યાલય આપણાં બધાની શાળા બની રહે, અને અહિં એક તાંતણે સાથે મળીને કંઇક નવું અને ઉપયોગી આપણાં બાળકો માટે કરવા કોઇ ઉપાયો સૂઝે તો જણાવવા વિનંતી.

    ReplyDelete
  2. અતિ સુંદર અને ઉપયોગી થાય તેવો લેખ છે. તમારો વિચાર ખરેખર દેશ માટે ઉપયોગી છે. નોલેજ કમીશનની સ્થાપના ખરેખર કરવા જેવી છે

    ReplyDelete