Friday 15 November 2013

જાગતે રહો…



        ૧૯૫૬માં આવેલી રાજ કપુર નિર્મિત અને અભિનિત ફિલ્મ ‘જાગતે રહો’. આ ફિલ્મ હિન્દી અને બંગાળી એમ બંને ભાષામાં બનેલી. હિન્દીમાં બનેલી ફિલ્મનું નામ ‘જાગતે રહો’ નક્કી કરવામાં આવ્યું. જ્યારે બંગાળી ભાષામાં બનનારી આ ફિલ્મનું નામ ‘એક દિન રાત્રી’ નક્કી કરવામાં આવ્યું. ફિલ્મનું નિર્માણ આર. કે. બેનરનું હતું, માટે નિર્દેશન સોંપવામાં આવ્યું બંગાળી ફિલ્મોનાં પ્રખ્યાત ડાયરેકટર, નાટ્યકાર અને અભિનેતા પણ એવા શંભુ મિત્રાને અને અમિત મૈત્રને.

        સંવાદો કે. એ. અબ્બાસનાં છે. વાર્તા અને પટકથા પણ શંભુ મિત્રા અને અમિત મૈત્રની છે. સંગીત સલીલ ચૌધરીનું છે, જ્યારે ફિલ્મનાં ગીતો શૈલેન્દ્ર અને પ્રેમ ધવને લખ્યા છે. ફિલ્મનાં કેમેરામેને કમાલ કરી છે, કારણ કે પુરી ફિલ્મ રાત્રીની હોય પ્રકાશ સંયોજન અદ્દભુત છે. આ કેમેરામેન એટલે રાધુ કરમાકર. ફિલ્મનાં સેટ ઉભા કર્યા છે એમ.આર. આચરેકરે. મોટા એપાર્ટમેન્ટનો સેટ હોય કે નાના ફ્લેટ્સનો. ફિલ્મનાં સેટ જાણે કે અસલ બિલ્ડીંગમાં જ ફિલ્માવ્યા હોય એટલી હદે ઓરીજીનલ લાગે છે. આ પુરી ટીમની મહેનતને કારણે આ ફિલ્મ આટલી આકર્ષક બની છે. વાર્તા માત્ર એક રાત પુરતી હોય, એમાં શું શું કહી શકો અને બતાવી શકો. પણ આ ફિલ્મ પુરી થાય ત્યાં સુધી દર્શકો એની અસરમાંથી મુક્ત થઇ શકતા નથી. એ હદે સચોટ અને એકધારો પુરી ઝડપે સ્ક્રિનપ્લે પડદા પર હોય છે.

        આ ફિલ્મની ખાસીયત એ છે કે ફિલ્મની સ્ટોરી એક રાત્રીની છે. રાતનાં ફિલ્મ શરૂ થાય છે અને પરોઢિયે પુરી. ફિલ્મનો નાયક આ એક રાતમાં સમાજમાં દિવસે ઉજળા સમાજનાં સારા અને ભદ્ર કહી શકાય એવા લોકો રાતનાં અંધારામાં કેવા કેવા કાળા કામો કરતાં હોય છે કેવા કેવા ગોરખધંધાઓ થતા હોય છે એ વાત સાથે પરિચીત થાય છે.

        ફિલ્મમાં રાજ કપુર સાથે, નરગીસ, મોતીલાલ, પહાડી સન્યાલ, છબી વિશ્વાસ, પ્રદીપ કુમાર, સુમીત્રા દેવી, નેમો, બિક્રમ કપુર, નાના પલશીકર, ભુદો અડવાણી, ઇફ્તેખાર, કિશન ધવન, ભુપેન્દ્ર કપુર, ડેઇઝી ઇરાની (બાળકલાકાર) ની ભૂમિકામાં છે.

        આ ફિલ્મ એ સમયની છે જ્યારે શહેરોમાં પેટ્રોમેક્સની લાઇટો થતી. ફિલ્મનો ઉઘાડ થાય છે ટાવરમાં રાત્રીનાં પોણા એક વાગ્યા છે. ૨૪ કલાક જાગતું અને ભાગતું કલકત્તા શહેર આ ફિલ્મમાં રાત્રીનાં પોણા વાગે સુમસામ ભાસે છે. રાત્રીનાં રોન પર નીકળેલા પોલીસવાળા (જ્યારે તેઓ મોટા ચડ્ડા જેવી કેપ્રી કે હાફપેન્ટ પહેરતા) એક બીજાને જોરજોરથી અવાજ કરતાં રસ્તા પર ડ્યુટી બજાવે છે. બોલે છે, ‘જાગતે રહો…’

        આ સુમસામ રાત્રીનાં સુમસામ સડક પર ગામડીયો અને અબુધ એવો રાજકપુર (ફિલ્મમાં નામ નથી બોલાતું) પડદા પર દેખાય છે. તરસનો માર્યો બેચારો પાણી માટે વલખા મારતો હોય છે અને એને રોન પર નીકળેલો પોલીસવાળો ચોર સમજી બેસે છે અને પાછળ પડે છે. એમાં આ અબુધ ગામડીયો એક એપાર્ટમેન્ટમાં જીવ બચાવવા ઘુસી જાય છે, અને ફિલ્મ શરૂ થાય છે.

        ફિલ્મની શરૂઆતમાં જ મોતિલાલની એન્ટ્રી થઇ જાય છે અને મુકેશનાં અવાજમાં ગીત પણ ‘ઝિંદગી ખ્વાબ હૈ, ખ્વાબમેં જુઠ ક્યા ઔર ભલા સચ હૈ ક્યા?’ આમાં એ શરાબી, દારૂડિયાનાં પાત્રમાં છે. આ લખનારનાં મતે આપણી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં શરાબીનો આટલો અસરદાર અભિનય માત્ર ચાર લોકો જ આપી શક્યા છે. એમાનાં એક મોતીલાલ પછી, જ્હોની વોકર, અમિતાભ બચ્ચન અને ક્રેસ્ટો મુખરજી. આ ચારેય કલાકારો જ્યારે શરાબીનો અભિનય કરતાં હોય ત્યારે જોવા વાળાને એમ જ લાગે તે લોકો ૫૦૦ ગ્રામ ઠઠાડીને બેઠા છે.

        એપાર્ટમેન્ટમાં પુજારીનાં વેશમાં આંકડા રમનારાઓ, વેપારી બનીને ગોદામનાં નામે ઘરમાં દેશી દારૂ બનાવનારાઓ, પોતાની પત્નીનાં ઘરેણાં ચોરીને જુગાર-રેસ રમનારાઓ, ડોક્ટર બનીને ગાંજો અને ચરસ વેચનારાઓ, પરપત્નિ સાથે આડા સંબંધો રાખનારાઓ, અનાજનાં કાળા બજારીયા કરનારાઓ, નકલી નોટો છાપનારાઓ જેવા અનેકો લોકો અને તેનાં ગોરખધંધા આ ગામડીયો પોતાની નજરે જુએ છે અને માનવજાત પર નફરત થવા લાગે છે.

        સવાર પડતાં જ્યારે લોકો તેને ચોર સમજીને મારવા દોડે છે ત્યારે આ ગામડીયો પોતાની પીડા વર્ણવે છે. કે હું તો પેટની આગ ઠારવા માટે થોડું પાણી મળશે એ આશયે આ એપાર્ટમેન્ટમાં આવેલો. મને શું ખબર કે અહીં આવા આવા હેવાનો શેતાનો વસે છે. મને તમે ચોર કહો છો મને? અને મારી પાછળ એમ પડ્યા છો કે જાણે હું કોઇ માણસ નહીં પણ આવારા કુતરો હોઉં. મને ચોર કહેનારાઓ તમે લોકો સમાજમાં સારા બનીને કેવા કેવા કાળા કામો કરો છો એ મેં મારી સગી નજરે જોયું છે. સાચા ચોર તો તમે લોકો છો અને મને મારવા અને મારી નાંખવા મારી પાછળ પડ્યા છો. શું કામ કે બહાર જઇને હું તમારી કોઇ વાત સમાજને ન કહી શકું એ માટે તમે મારો જીવ લેવા મારી પાછળ પડ્યા છો. મને ગામડીયાને એવું સીખવવું છે કે ખોટા કામ કર્યા સીવાય કોઇ મોટો માણસ ન બની શકે. તો ઠીક છે હું પણ ખોટા કામો કરીશ, ચોરી કરીશ, લુંટફાટ કરીશ અને એક દિવસ તમારા માથા પર મારો પગ મુકીને આગળ વધી જઇશ અને મોટો માણસ બની જઇશ.

        ફિલ્મનાં અંતમાં પોતાનો જીવ બચાવવા તે એક ઘરની બાલ્કનીમાં કુદે છે જે નરગીસનું ઘર છે. સવાર પડતાં જ તેની દિકરી બની એવી નાનકડી ગોળમટોળ ડેઇઝી ઇરાની બાલકનીનો દરવાજો ખોલે છે અને સામે છે ચોર! થોડી વારમાં બેક ગ્રાઉન્ડમાં શરૂ થાય છે લત્તા મંગેશકરનાં અવાજમાં સ્વરબધ્ધ એવું ‘જાગો મોહન પ્યારે…’ ગીત દરમ્યાન નાનકડે ડેઇઝી ભડભાદર એવા પણ બુદ્ધુ ગામડીયા રાજકપુરને એક અમુલ્ય સીખ આપે છે કે ડરે છે શા માટે? જ્યારે તે કંઇ કર્યું જ નથી તો ડર શેનો? અને આત્મ જાગૃત થયેલો રાજકપુર ડર્યા વગર તમામ લોકો વચ્ચે પોતાનો રસ્તો કરતો એપાર્ટમેન્ટમાંથી બહાર નીકળી જાય છે અને નજીકનાં મંદિરે જઇને નરગીસનાં ઘડામાંથી પાણી પી ને પોતાની તરસ છીપાવે છે અને ફિલ્મ પુરી થાય છે…

        ફિલ્મમાં માત્ર ચાર જ ગીતો છે.
૧.      જાગો મોહન પ્યારે… (લતા મંગેશકર)

૨.      ઝિંદગી ખ્વાબ હૈ… (મુકેશ)

૩.      કોઇનાં દેખીં મેં જુઠ બોલિયાં… (મોહંમદ રફી અને એસ. બલબીર)

૪.      ઠંડી ઠંડી સાવન કી ફુહાર…


        પ્રેમ ધવને લખેલા ભાંગડા નૃત્યનાં ગીત ‘કોઇનાં દેખીં મેં જુઠ બોલિયાં…’ ને ફિલ્મનાં સંગીતકાર એવા સલીલ ચૌધરીએ અદ્દભુત રીતે સંગીતબદ્ધ કર્યું છે. જેને મોહંમદ રફી અને એસ. બલબીરે ગાયું છે. એક બંગાળી સંગીતકારે પંજાબી ગીતની એવી જમાવટ કરી કે ત્યારથી હિન્દી ફિલ્મોમાં ભાંગડા નૃત્ય અને શૈલિ ધરાવતા ગીતો વધુ આવવા માંડ્યા.

        ટીકીટબારી પર ફિલ્મ ઇચ્છીત સફળતા ન મેળવી શકી પણ રાજ કપુરની એક ક્લાસિક ફિલ્મ કહી શકાય એવી બની છે આ ફિલ્મ. આ ફિલ્મને ૧૯૫૭ માં કર્લોવિ વેરી ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટીવલ જે ચેકોસ્લોવાકિયામાં યોજાયો હતો એમાં ક્રિસ્ટલ ગ્લોબ ગ્રાંડ પ્રિક્સ મળેલું. ચોથા રાષ્ટ્રિય ફિલ્મ એવોર્ડમાં આ ફિલ્મને સર્ટીફિકેટ ઓફ મેરિટ મળેલું.


        રાજકપુરનાં અભિનયનાં ચાહકો માટે આ ફિલ્મ એક એવોર્ડ કરતાં કમ નથી. જોવી જ રહી.


2 comments:

  1. Nice outlook. New look of blog is really stunning as well simple.

    As far as article concern, your film review is always best and without any partiality. Superb as always.

    ReplyDelete
  2. મેં આ ફિલ્મ જોઈ ત્યારે હું ફિલ્મ નહિ પણ હકીકત માં કોઈ એક ઘટના જોઈ રહયો હોઈ તેવું લાગ્યું best acting best direction.

    ReplyDelete