Wednesday 10 April 2013

સાર્થકનાં સથવારે એક સાર્થક સાંજ…


સાર્થકનાં સથવારે એક સાર્થક સાંજ…
        અમે ત્રણ મિત્રો, હું, દેવ અને જયરાજભાઇ (ગામધણી)એ નક્કી કર્યું કે આપણે સાર્થક પ્રકાશનનાં સમારોહમાં શિરકત (હાજરી આપવી) કરીયે. કારણ.. ખુબ કાચ જેવું સ્પષ્ટ, કે એક તો ધૈવતભાઇની પ્રથમ નવલકથા “લાઇટ હાઉસ” જ્યારે પુસ્તક દેહે બહાર પડતી હોય ત્યારે અમારે તો હાજર રહેવું જ રહ્યું. સાથોસાથ જે લોકોને વાંચી વાંચીને મોટા થયા, એક લાંબા સમયથી શબ્દદેહે જે લોકો હંમેશા સાથે રહ્યા હોય તેવા લોકોને મળવાનો તેમની સાથે વાતો કરવાનો ખાસ તો તેમને જોવાનો મોકો મળતો હોય ત્યારે અમે કંઇ પાછા થોડા પડીયે. તો તો છે ને ભાઇ આ ગોહિલવાડનું પાણી લાજે હોં કે બાપલ્યા! કેવા કેવા ધુરંધરોની હાજરી… થોડી યાદી તો જુઓ. શિરમોર નગેન્દ્ર વિજય અને હર્ષલ પુષ્કર્ણા, જેનાં લેખોએ ખુબ હસાવ્યા અને ખુબ જાણ્યા અને માણ્યા તેવા નામ પ્રમાણેનાં નખશિખ ગુણો ધરાવતા વિનોદ ભટ્ટ, જેની નવલકથાની ઉત્કંઠા એવી કે નખ ચાવતા ચાવતા ક્યારે આંગળી ચવાઇ જાય એવી કહાની અને અભિવ્યક્તિનાં સ્વામિ રજનીભાઇ, રજનીકુમાર પંડ્યા, દિપક સોલિયા અને ઉર્વિશભાઇ બંને ભાઇઓ, જેને ખાસ તો “અહા જિંદગી”થી સારી રીતે ઓળખુ અને હજુ પણ દિવ્યભાસ્કરને કારણે. અપુર્વ આશર, દિલીપભાઇ ગોહીલ, પ્રણવભાઇ જેવી સિધ્ધહસ્ત પ્રતિભાનો કુંભમેળો હોય ત્યાં મારી જેવા ડુબકી મારવાનું અને પુણ્ય કમાવાનો આવો અવસર જાતો કરે? હા હા હા બેટા હો હી નહી સકતા હા હા હા (ઉત્પલ દત્ત)
        આમે જ્યારથી આ વાત સાંભળેલી, (વાંચેલી) કે ધૈવતભાઇ, ઉર્વિશભાઇ અને દિપકભાઇ સાથે મળીને આવું એક સહીયારૂ સાહસ ખેડી રહ્યા છે ત્યારથી જ મનમાં હતું કે આ સમારોહમાં જવું જ છે, અને જ્યારે ઉર્વિશભાઇ નો આમંત્રણ કાર્ડ સાથેનો મેઇલ મળ્યો ત્યારે તો ભાઇ દિલ બાગ બાગ (મુઘલ ગાર્ડન) હો ગયા… આપણને તો ગોળનાં ગાડા… બસ પછીતો પટ્ટા ઝાટકીને થઇ ગયા તૈયાર અને ઉપડ્યા અ…મ્દાવાદ… આમે રાજુલાથી ૩૨૫ કિમી છેટુ. એટલે થોડા વહેલા વહેલા ઉઠીને (અહીં સુતુ જ હતુ કોણ…) સવારનાં પાંચ વાગ્યામાં કરો રમકડા કુચ કદમ…
        ઓન ધ વે, સાળંગપુર હનુમાનજીનાં દર્શન પણ કર્યા એ પણ શનિવારે. એટલે આપણી તો યાત્રા પણ થૈ ગૈ.
        વેન્યુ પર ધૈવતભાઇની સાથે જ પહોંચ્યા. (એક રીતે તે અમારા એસ્કોર્ટ થયેલા) પણ કેમ પહોંચ્યા? એવું લાગતું હતું કે કોઇ જંગમા નીકળ્યા હોઇએ. કેવો ટ્રાફિક… ક્યારેક તો એમ લાગ્યુ કે અમારા દર્શનાર્થે પુરું અમદાવાદ જાણે રસ્તા પર ખડકાઇ ગયું હોય. એમાં અમારા ‘બાપુ’ (જયરાજભાઇ)નું શોર્યથી લથબથ ડ્રાઇવિંગ કૌશલ્ય જોઇને આંખો તો નહીં પણ કપાળ (પરસેવાનું માર્યુ) ભીનું થઇ ગયું. કપાળ પરનો પરસેવો ડોક અને પછી પીઠ પર થઇને આગેકુચ કરે અને લોકો કંઇ ભળતું જ સમજે એ પહેલા અમે જેમતેમ કરીને સમારંભનાં સ્થળ પર પહોંચ્યા. હાશ!!!!!
        ત્યાં પહોંચીને સૌ પહેલા ધૈવતભાઇએ જે લાગણીથી આવકાર્યા અમારો ધક્કો તો ત્યાંજ સફળ એટલે કે સાર્થક થઇ ગયો. ત્યાર પછી એવી જ આત્મીયતાથી ઉર્વિશભાઇ મળ્યા. મળ્યા તો કેવી રીતે કે જાણે વરસોની ઓળખાણ હોય. “ઓહો! જગડુશા… રાજુલાથી? આવી ગયા ભાઇ ખુબ આનંદ થયો દોસ્ત…” મારી હાજરીથી કોઇ આટલું આનંદીત થાય અને બોસ આપણને તો ભારે મજા પડી ગઇ. ત્યાંતો વિનોદ ભટ્ટની એન્ટ્રી થઇ. ને ધીરે ધીરે તમામ મહાનુભાવો આવવા લાગ્યાને કાર્યક્રમની શરૂઆત થઇ.
        હોલ ખીચોખીચ. જામ પેક્ડ. કાર્યક્રમનાં ઉદઘોષક પ્રણવભાઇનાં ચોખ્ખા ઉચ્ચારણ સાથે કાર્યક્રમની શરૂઆત કરે છે, સાથોસાથ ઓડિયન્સમાં આપોઆપ એક શિસ્ત સાથે શાંતિ. જે ઘડી માટે અમે અને સૌ આતુરતાથી રાહ જોતા હતાં એ આવી પહોંચી. નહીં દિપપ્રાગટ્યની નરી ઓપચારીકતા કે અતિષ્યોક્તિ. કેવી સીધી અને કેવી સરળ શરૂઆત. પછી ત્રણેય મિત્રો (ધૈવતભાઇ, ઉર્વિશભાઇ, દિપકભાઇ) ને સ્ટેજ પર આવવાનું આમંત્રણ અને આમંત્રિત મહાનુભાવો ને મંચસ્થ થવાનું આમંત્રણ.
        ધીરે ધીરે કાર્યક્મ એવો જામ્યો કે ઉપસ્થિત સૌ એ પ્રવાહમાં મોજે ચડ્યા. ‘સાર્થક પ્રકાશન ઉત્સવ’ ને ખરેખર એક ઉત્સવની જેમ જ ઉજવ્યો. નગેન્દ્ર વિજયનું વક્તવ્ય એટલે જાણે કે અનુભવવાણી, સાર્થકવાણી સાથોસાથ અગમચેતી રાખવાની સલાહ અને ‘અમ વિતી તુજ વિતશે, ધીમી ખમો બાપુડીયા’ કે જાણે કહેતા હોય કે કંચન થવું હોય તો દોસ્ત આગની બીક ન રાખતા. જાણે એક સીનીયર પોતાના જુનીયરને આવકારે તેમ આ ત્રણ સાહસિકોને તેમનાં પ્રકાશનનાં વ્યવસાય અને કાર્યક્ષેત્રમાં હરખભેર આવકાર આપ્યો અને એક વડીલમિત્ર અને મોટાભાઇનાં રૂએ નૈતિકતા જાળવી રાખવાની સોનેરી સલાહ પણ આપી.
        પત્રકાર પરીષદની મોક પછી ડીનર.
અમે તો અમારા પુસ્તકોનો સેટ લઇને ધૈવતભાઇ અને ઉર્વિશભાઇ પાસે જઇને બંને ભાઇઓ પાસે તેમની બુક્સ પર સ્વહસ્તાક્ષરે કંઇક લખી આપવા વિનંતી કરી જે તેમણે સહર્ષ અને સસ્મિત સ્વિકારી પણ. અમારી માટે તો આ સંપુર્ણ કાર્યક્રમને સૌથી સુખદ ક્ષણ હતી અને અનુભવ હતો.  એમાં ખાસ કરીને જે ધૈવતભાઇની ઇચ્છા હતી કે તેમની પ્રથમ નવલકથાની પ્રથમ પ્રત રાજુલામાં જાય તે દેવને કારણે ફળીભૂત પણ થઇ.  એ માટે એમણે જે દેવની ‘લાઇટ હાઉસ’માં ઋણાનુસ્વિકાર કર્યું અને લખ્યું તેમાં તો આ લખનારને પણ દેવની મીઠી ઇર્ષા થઇ આવી.
        ઘણી વાર એમ થાય કે સમય વિતતો જ નથી અને ઘણીવાર એમ થાય કે આટલો બધો સમય વિતિ ગયો? કેટકેટલા ફેસબુકનાં મિત્રો જેમને માત્ર ફેસબુકનાં માધ્યમથી જ જોયા અને જાણ્યા છે તેમાંનાં ઘણાને અહીં આ ઉત્સવમાં ફેસ ટુ ફેસ મળવાનું થયું એમાં તો બોસ આપણાં તો પૈસા વસુલ થઇ ગયા. ખરેખર મોજ પડી ગૈ હોં કે!
        આખરે… ઘરે રાજુલા પરત આવવા સૌ મિત્રોની રજા લઇ બેક ટુ પેવેલિયન થયા.

અહીં એક આડવાત. આ લખનારે જ્યારથી પોતાની ગાડી ખરીદી (૨૯ જાન્યુઆરી ૨૦૦૯) ત્યારથી મનનાં ઊંડે ઊંડે એક ઇચ્છા હતી કે મધ્યરાત્રી પછીનાં(૩ પછી) સુમારે ન આદમ ન આદમજાત જેવા સુમસામ રસ્તા પર અંધારી રાતે ગાડીનાં ટેપ પર પોતાની મનપસંદ ગઝલો સાંભળતા પુરપાટ ઝડપે ગાડી ચલાવવાની ઇચ્છા આ શનિવારની રાતે (કે રવિવારનાં સવારનાં પ્રથમ પ્રહર કહું) ફળીભૂત થઇ. એ સમયે પ્રકાશ ઝા નિર્દેશીત ફિલ્મ ‘મૃત્યુદંડ’ ની હરીહરનનાં ઘુંટાયેલ સ્વરમાં ‘રાત મહેકે તો યું ભી હોતા હૈ’ વાગતી હતી અને અમે ભાવનગરથી ૩૭ કિ.મી. દુર હતાં. વાહ! અને આહા… કેટલી મજા આવી હતી સાંભળવાની… My Dream come True.
        સવારનાં સાત, સવા સાતનાં સુમારે અમે રાજુલામાં એન્ટ્રી મારી. ને એક અવિસ્મરણીય અને આહલાદક આનંદને અને સંભારણાઓને વાગોળતા વાગોળતા પથારીમાં ઝંપલાવ્યુ. સાલી ઊંઘ પણ એવી જ મીઠી અને જોરદાર આવવાની હતી જેવો મીઠો અને મોજીલો દિવસ અને પ્રવાસ રહ્યો. થોડી તસ્વીરો…





        

3 comments:

  1. Wah Jigneshbhai Tamara aa Blog na pratham sopan mate khub khub Aabhinandan

    ReplyDelete
  2. જેટલી મજા ત્યાં આપણે રૂબરૂ કરી હતી તેનું રીવિઝન થઇ ગયું.

    બાકી વળતી વેળાએ " રાત મહેકે તો યું ભી હોતા હૈ " ની મજા સાથે હું તો માત્ર એ જ જોતો હતો કે તને જોકું તો આવતું નથી ને ????? કા.કે આટલી દોડધામ પછીમો થાક તો હોય જ, મને પણ એમ જ થાતું હતું કે આજ ની રાત અમદાવાદ જ રોકાઇ જઇયે પણ તે શક્ય ના હતું તેની તો તને ખબર જ છે.

    એક અવિસ્મરણીય પ્રવાસ !!!!!!!!!!!!!!!!!

    ReplyDelete