Wednesday 24 April 2013

જુની વાનગી નવા ફ્લેવર અને ટોપીંગ સાથે…


ફિલ્મઃ ચશ્મે બદ્દુર



મિત્રો, ગઇકાલે રાત્રે ૯ થી ૧૨નાં છેલ્લા શો માં ડેવિડ ધવનની અને ૧૯૮૧ની હિટ ફિલ્મ ‘ચશ્મે બદ્દુર’ ની રીમેક જોઇ. (મારા ગામમાં દર શુક્રવારે નવી રીલીઝ ફિલ્મ રીલીઝ થતાં જ નથી આવી જતી એનો આ દાખલો) એટલે થયું કે ચલો તમારી સાથે આ ફિલ્મ વિશે મારા વિચારોને, મારા મંતવ્યને વહેંચુ.
        પહેલાં ચશ્મે બદ્દુર શબ્દનો અર્થ સમજીએ. ચશ્મે બદ્દુર ઉર્દુ શબ્દ છે, જેનો મતલબ થાય ‘કોઇની નઝર ના લાગે’. સાચો શબ્દ છે ‘चश्म-बद-दूर’’. इसी बात पे एक शेर पेश-ए-खिदमत है, झरा गौर फरमाइयेगा...
“चश्मे-बद-दूर उनके हुस्न बजा,
हुस्नवालों में हुस्नवालें है ।”
        મિત્રો, હિન્દી ફિલ્મો જોવાનો શોખ ધરાવનાર બહુ ઓછા લોકો એવા હશે જેમણે ૧૯૮૧માં આવેલી ફારૂખ શેખ, દિપ્તિ નવલ, રાકેશ બેદી, રવિ વાસવાની અને સઇદ જાફરી અભિનીત ફિલ્મ ‘ચશ્મે બદ્દુર’ નહીં જોઇ હોય. હવે આપણી વચ્ચે એ જ ફિલ્મ ઘણી ખરી એ જ સ્ટોરી નવા રૂપરંગ અને ક્લેવર-ફ્લેવર સાથે દર્શકરાજાને ફરી રીઝવવા કોમેડી ફિલ્મોનાં કિંગ ગણાતા એવા ડેવિડ ધવન લાવે છે, ચશ્મે બદ્દુરની રીમેક ૨૦૧૩માં. આ રીમેકનું ભૂત હમણાં હમણાં આપણી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને સારૂં એવું વળગ્યું છે.
        આમ તો, ચશ્મે બદ્દુર નામની હિન્દી સિરીયલ પણ ૧૯૯૮માં ઝી ટીવી પર આવી ગઇ. જેમાં મુખ્ય કલાકારો સુધા ચંદ્રન, નવિનબાવા, અજય નાગ્રાર્થ, કાશ્મિરા શાહ વગેરે હતાં. આમ, ચશ્મે બદ્દુર છેલ્લા ૧૯૮૧ થી લઇને ૨૦૧૩ સુધી થોડા થોડા સમયાંતરે ટીવી કે ફિલ્મી પડદે છવાયેલું તો રહ્યું જ કહેવાય.
        ફિલ્મ નિર્દેશક સંઇ પરાંજપે દ્વારા દિગ્દશિત આ ફિલ્મ ૧૯૮૧માં આવી. આ ફિલ્મનાં મુખ્ય કલાકારો જે અનુક્રમે સિધ્ધાર્થ, નેહા, ઓમકાર(ઓમી), જય(જોમો) અને લલ્લન મિયાં ઉપર જણાવ્યા પ્રમાણે હતાં, ૨૦૧૩માં આવેલી ડેવિડ ધવન નિર્દેશીત આ જ ફિલ્મમાં પાકિસ્તાની અભિનેતા, જે ગાયક પણ છે, સંગીતકાર અને ગીતકાર પણ છે, તેવો અલી ઝફર (લંડન પેરીસ ન્યૂયોર્ક, મેરે બ્રધર કી દુલ્હન, તેરે બિન લાદેન, લવ કા ધિ એન્ડ) જે સુધ્ધાર્થનું પાત્ર એટલે કે મુળ ફિલ્મનાં ફારૂખ શેખનુ પાત્ર ભજવે છે. ૧૯૮૧માં આ ફિલ્મમાં હીરોઇન (દિપ્તી નવલ)નું નામ નેહા હોય છે પણ ૨૦૧૩ની ફિલ્મમાં હિરોઇન(તપસી પન્નુ)નું નામ સીમા રાખવામાં આવ્યું છે. ૧૯૮૧માં ફિલ્મમાં હિરોઇનનાં પિતા એક કંપનીમાં માર્કેટિંગ મેનેજર હોય છે જ્યારે આ ૨૦૧૩ની રીમેકમાં હિરોઇનનાં પિતા એક મિલિટરી ઓફિસર બતાવવામાં આવ્યા છે. (એકવાત આ લખનારને સમજાતી નથી કે આપણી ફિલ્મોમાં મિલિટરી ઓફિસરોને હંમેશા આવા કડક અને ઊંચા અવાજે બોલતા જ કેમ બતાવવામાં આવ્યા છે? ચલો માન્યું કે મિલિટરીમાં સૌથી વધુ પ્રાધાન્ય શિસ્તને આપવામાં આવે છે પણ ૨૪ ક્લાક ને સતત ? આવી કડક ઇસ્ત્રી?) વન લાઇનર વાક્યની જેમ અહીં અનુપમ ખેર (હિરોઇનનો પિતા) એક વાક્ય વારંવાર બોલે છે “ઓવર એન્ડ આઉટ”. તો હિરોઇનને પણ એક વાક્ય વારંવાર બોલતી (ગમે એમ તોયે આર્મી ઓફિસરનું ફરજંદ) સંભળાય છે “દમ હૈ બોસ”. શું મતલબ આ બધાનો? ફિલ્મ જોતા જોતા આ બધું સમજવાનો પ્રયત્ન પણ ન કરવો. એક વાત ધ્યાને રાખવી કે ગમે એમ તો યે આ ડેવિડ ધવનની ફિલ્મ છે જે જોતી વખતે દિમાગને ઘરે મુકીને આવવું.
        સિધ્ધાર્થનાં બંને મિત્રોનાં નામ પણ એ જ રાખવામાં આવ્યા છે બંને ફિલ્મમાં. ઓમી (ઓમકાર) અને જય (જોમો). આ બંને પાત્રોમાં ૧૯૮૧માં અનુક્રમે રાકેશ બેદી અને રવિ વાસવાની(સ્વ.) હતાં. ૨૦૧૩માં આ પાત્રો, સિધ્ધાર્થ (રંગ દે બસંતી અને સ્ટ્રાઇકર ફેમ) અને દિવ્યેન્દુ શર્મા (પ્યાર કા પંચનામા ફેમ) છે.
        લલ્લન મિયાં નાં પાત્રમાં ૧૯૮૧માં સઇદ જાફરી હતાં, ફિલ્મમાં સઇદ જાફરી હૈદરાબાદી હિન્દી બોલે છે મિયાં! તો ૨૦૧૩માં રીશી કપુર બન્યાં. આ પાત્રમાં રીશી કપુરનું નામ જોસેફ ફુટ્રાડો રાખવામાં આવ્યું છે. જે ગોવાનિઝ હિન્દી બોલે છે. બંને ફિલ્મમાં બંનેનું (સઇદ જાફરી અને રીશી કપુર) પાત્રાલેખન એક જ સરખું છે.



જોસેફ ફુટ્રાડો (રીશી કપુર)                   અને             લલ્લન મિયાં (સઇદ જાફરી)
        અહીં ૨૦૧૩ને રીમીકમાં એક પાત્ર વધુ ઉમેરવામાં આવ્યું છે મિસ જોસેફાઇન (લિલીટ દુબે). આ પાત્ર સિધ્ધાર્થ, ઓમી અને જયનાં મકાન માલિક તરીકે ગોઠવવામાં આવ્યું છે. ૧૯૮૧ની ફિલ્મમાં આ પાત્ર નહોતું.
        દાદીનું પાત્રાલેખન જેમનું તેમ જ રાખવામાં આવ્યું છે. (ફક્ત કલાકાર બદલ્યા. ૧૯૮૧માં લીલા મિશ્રા અને ૨૦૧૩માં ભારતી આચરેકર)
        સ્ટોરી પણ મહદઅંશે સરખી રાખવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. ૧૯૮૧ની ફિલ્મમાં પૃષ્ઠભૂમિ તરીકે દિલ્હી શહેર બતાવવામાં આવેલું. આ ફિલ્મમાં ગોવા છે. એટલે અમુક પાત્રોનાં નામ પણ ગોવાનિઝ ભાષામાં જ રાખવામાં આવ્યા છે. એટલે તો લલ્લનમિયાં, જોસેફ ફુટ્રાડો થઇ ગયા.
        બંને ફિલ્મની સ્ટોરી સંઇ પરાંજપે એ જ લખી છે. જે આ પ્રમાણે છે. સિધ્ધાર્થ, ઓમી અને જોમો ત્રણેય રૂમમેટ હોય છે અને સાથે રહીને ભણતાં હોય છે. આ ત્રણેયમાં સિધ્ધાર્થ ભણવામાં ધ્યાન આપનારો અને વ્યવસ્થિત રહેનારો વ્યક્તિ હોય છે. જ્યારે બાકીનાં બન્ને ઓમી અને જય ફિલ્મો, શાયરી, અને છોકરીઓ પાછળ ફરનારા હોય છે. તેમની પાડોશમાં ફિલ્મની હિરોઇન રહેવા આવે છે. જય અને ઓમી આદત પ્રમાણે હિરોઇનને આકર્ષવાનો પ્રયત્ન કરે છે અને આ કામમાં સંપુર્ણ નિષ્ફળ જાય છે પણ બંને બાકીનાં બેયથી આ હકીકત છુપાવી રાખે છે અને ભળતી જ નવી સ્ટોરી સંભળાવી દે છે. હવે એકવાર હિરોઇન આ લોકોનાં (હિરોનાં) ઘરે આવે છે આ જોઇને ઓમી-જયની જે હાલત થાય છે અને એ બંને જે રીતે ગુમ થાય છે એ રજુઆત પડદા પર ખુબ હાસ્ય ઊભુ કરે છે. આ બધી ભાંગજડ દરમ્યાન હિરો (સિધ્ધાર્થ) અને હિરોઇન (નેહા કે સીમા) એકબીજાને પસંદ કરવા લાગ્યા હોય છે અને ચાહવા લાગ્યા હોય છે. અહીં સિધ્ધાર્થ અને નેહા કે સીમાને જુદા પાડવાનો કારસો આ બંને (ઓમી-જય) કરે છે અને ગુંચવડો ઊભો થાય છે. છેવટે અંતમાં હિરોઇનનું નકલી અપહરણનું નાટક અને છેવટે ખુલાસો અને હિરો-હિરોઇન રાજીનાં રેડ. બસ વાર્તા પુરી, ફિલ્મ પુરી.
        સંગીત ૧૯૮૧માં રાજકમલે (સાઝ, કથા, જઝબત, સાવન કો આને દો) આપેલું. સંગીતકાર રાજકમલે સુપરહીટ ટી.વી. સીરીયલ “મહાભારત બહાદુર શાહ ઝફર, વિષ્ણુ પુરાણ અને મા શક્તિ માં પણ સંગીત આપેલું. વધુ પ્રસિધ્ધી તેમને ‘મહાભારત’ સીરીયલથી મળી. ૨૦૧૩ની ચશ્મે બદ્દુરમાં સંગીત સાજીદ-વાજીદે (પાર્ટનર, વેલકમ, વોન્ટેડ અને દબંગ ૧-૨) આપ્યું છે.
        જુની ચશ્મે બદ્દુર ફિલ્મમાં કુલ ૬ (છ) ગીતો હતાં અને એક પેરોડી પણ. એમાંથી બે ગીતો ખુબ લોકપ્રિય થયા. ‘કહાં સે આયે બદરા’ (યશુદાસ-હેમંતી શુક્લા) અને ‘કાલી ઘોડી દ્વાર ખડી’ (યશુદાસ- હેમંતી શુક્લા). એ સિવાયનાં બે ઓછા જાણીતા પણ સાંભળવાને લાયક એવા ગીતો, ‘ઇસ નદી કો મેરા આયના માન લો’ (શૈલેન્દ્ર સિંઘ- હેમંતી શુક્લા), ‘પ્યાર લગાવટ ઇશ્ક મહોબ્બત’ (રાજકમલ, હરીહરન અને આનંદકુમાર સી.) ‘કૈસે હો પાગલ’ (હેમંતી શુક્લા, હરીહરન), અને આંસુ કી આરતી’ (હેમંતી શુક્લા)








        ‘કહાં સે આયે બદરા’, ગીત રાગ મેઘમાં ખરેખર ખુબ સુંદર રચના છે. સંગીત શિખતી નાયિકાનાં મનોભાવનું પણ આ ગીતમાં શબ્દો દ્વારા અને ગાયક દ્વારા અત્યંત ભાવનાત્મક રીતે રજુ કરવામાં આવ્યું છે. યશુદાસનાં ચાહકોનું ખુબ માનીતું ગીત છે આ. ફિલ્મમાં આ ગીત ફિલ્મની થોડી ભાવનાત્મક બાજુ દર્શકોરાજાને લઇ જાય છે. બાકી આ ફિલ્મ એક કોમેડી ફુલ ફેમીલી એન્ટરટેઇનમેન્ટ છે. બીજું એક ગીત ફિલ્મની કોમેડી થીમ મુજબનું, ‘કાલી ઘોડી દ્વાર ખડી’. રાગ કાફીમાં સ્વરબધ્ધ આ રચના પણ ખુબ આકર્ષક છે. (અહીં કાલી ઘોડી નાયકની યઝ્દી મોટરસાયકલ હોય છે.) મોટરસાયકલને ઘોડીનું રૂપક આપી આખું ગીત આ થીમમાં બનાવ્યું એ નિર્દેશક તરીકે સંઇ પરાંજપેની કોમીક સેન્સનું સ્પષ્ટ ઉદાહરણ છે.
        જો કે પુરી ફિલ્મમાં આવા નાના કોમેડીનાં પ્રોપર ટાઇમીંગ હોય એવા કેટલાય શોટ્સ છે. (ઉદા. હિરો-હિરોઇન એક રેસ્ટોરન્ટમાં જાય છે અને વેઇટરને હિરો સ્ટાઇલમાં પુછે છે કે “यहां सबसे अच्छा क्या है?” તો એ જ સુર માં વેઇટર જવાબ આપે છે કે ‘माहौल अच्छा है”, બીજું મીસ ચમકો ડેમો આપવા હિરોનાં ઘરે આવે અને જ્સ્ટ ફોર ટાઇમપાસ હિરો ગ્રામોફોન પર રેકોર્ડ વગાડે અને ગીત આવે ‘હમ તુમ ઇક કમરે મેં બંધ હો’, ને નાયક ફટાફટ ફ્લેટનું મેઇન ડોર ખોલીને ઊભો રહી જાય) આવા આવા તો ઘણાં ચમકારા આ ફિલ્મમાં જોવા મળે છે.
        ૧૯૮૧ની ચશ્મે બદ્દુર ફિલ્મ પછી ફારૂખ શેખ અને દિપ્તી નવલની જોડી એ વખતનાં મધ્યમવર્ગમાં ખુબ લોકપ્રિય બની હતી અને આ જોડીએ પછી ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યું. આ ફિલ્મમાં સંવાદ પણ સંઇ પરાંજપે એ જ લખેલા છે. એને કારણે આ ફિલ્મમાં રાકેશ બેદી જે ઓમીનું પાત્ર ભજવે છે અને મિજાજે શાયર છે, એનાં શેર સાંભળવાને લાયક છે. પરંતુ ૨૦૧૩ની રીમેકમાં પાત્રની શાયરીનું સ્તર મોબાઇલમાં આવતી પીટ ક્લાસ શાયરીનાં સ્તર કરતાં પણ નિમ્ન કક્ષાનું છે. (સંવાદોઃ સાજીદ-ફરહાદ)
        બાકી બધું ઘણું ખરૂં ડેવિડ ધવને જુની ફિલ્મની જેમ જ રાખ્યું છે ત્યાં સુધી કે જુની ફિલ્મની જેમ આ નવી રીમેકમાં પણ એકવાર ‘ચમકો’ ડિટરજન્ટ ચમકે છે. નવી ચશ્મે બદ્દુરને ફક્ત નવા રૂપરંગ આપવામાં આવ્યા છે. નવા ગીતો, સંગીત જે આજની પેઢીને પસંદ પડે તેવું પેપી અને ફુટસ્ટેપ વાળું. છતાંયે આ ફિલ્મ ધારી એવી સફળ ન થઇ.
        ટુંકમાં જુની ૧૯૮૧ની ચશ્મે બદ્દુર એક સરસ ફિલ્મ હતી એ કક્ષાની આ ફિલ્મ નથી બની શકી એ તો કહેવું જ પડે. બાકી ડેવિડ ધવન જેવો નિર્દેશક હોય, જેને કોમેડી ફિલ્મોનાં કિંગ કહેવામાં આવે છે અને ફિલ્મની રજુઆત આટલી નબળી? પણ સોરી ડેવિડજી.
        ‘ઓવર એન્ડ આઉટ’.

2 comments:

  1. Chashme Baddur (OLD) is one of my favorite film. And this one from David Dhavan is totally rubbish. Well Judge both film Mr. Writer.

    ReplyDelete
  2. Ghanshyam Vyas13 July 2013 at 15:40

    comparative study of both film is commendable Super writing capability. Keep it up My Dear friend

    ReplyDelete