Thursday 25 April 2013

આને શું ભક્તિ કહેવી?


           આપણી સંસ્કૃતિ ધર્મપ્રધાન છે આ દેશમાં ઠેકઠેકાણે તિર્થસ્થાનો, ધર્મો, આશ્રમો અને મઠો ફોલાયેલા છે. અને તેમનાં દ્વારા સતત ધર્મિક આખ્યાનો, પ્રવચનો ચાલુ જ હોય છે. આ તમામ સ્થળો એ માનવમેદની હશે જ. ત્યાં સુધી કે દુકાનોનાં નામ પણ ભગવાનો અને દેવીદેવતાઓનાં નામ ઉપરથી જ પાડેલા હોય છે એમ જ વ્યક્તિઓનાં નામો પણ આમ જ હોય છે. રામદાસ, લક્ષ્મણદાસ, વિષ્ણુપ્રસાદ, લક્ષ્મીબેન, પાર્વતિબેન, ગોપાળદાસ, રણછોડદાસ, માધવદાસ આવા આવા નામો જ હોય છો. આ તમામ મંદિરોમાં, તિર્થસ્થાનોમાં અને આશ્રમોમાં લોકો હાથમાં પુજાપાનો સામાન લઇને લાઇનો લગાવતાં જોવા મળે છે. પણ આ બધા વચ્ચે એક પહાડ જેવો યક્ષપ્રશ્ન સૌ સામે ઊભો છે એ છે શું આપણે સૌ ધાર્મિક છીએ?
          આજે હનુમાન જયંતિ છે. આજે સૌ ભક્તો હનુમાનજીનાં વિવિધ મંદિરોમાં જઇને કહી આવશે કે હાં! પ્રભુ હજુ અમારી શ્રધ્ધા છે તમારામાં, અમે ભક્તો છીએ તમારા. અમારી હાજરી જરા પુરી લેજો. તો ઘણાં ફક્ત ટાઇમપાસ માટે અને મિત્રો કે બહેનપણીઓ સાથે આઉટિંગનાં બહાને ચાલીને કે બાઇક પર કે કોઇ રીતે પોતાનાં શહેરની આસપાસ (અહીં ગામમાં આવેલ લોકલ હનુમાનજીનાં મંદિરો ના ગણાય. આજે પ્રભુ પાસે હાજરી પુરાવવા તેમનાં દૂર આવેલા કોઇ મંદિરમાં જઇએ તો પ્રભુ ખુશ થાય, સાબાસી આપે.) આવેલાં મંદિરોમાં જઇને દર્શન કરશે. આ દર્શન કરવા ફરજિયાત છે કારણકે એક તો આટલા દૂર થી આવ્યા હોઇએ અને પછી ઘરે જઇને અમે દર્શન કર્યા છે તેની સાબિતીરૂપે પ્રસાદ પણ દેખાડવાનો પણ હોય અને ક્યારેક આપવાનો હોય.
           રીડરબિરાદરો, (જય વસાવડાનાં શબ્દોમાં તેમનાં ચાહકનાં નાતે) મને એક વાત સમજાતી નથી કે શું આપણી ઇશ્વર પ્રત્યેની શ્રધ્ધા એટલી કુંઠિત થઇ ગઇ છે કે તેમને બતાવવા કે જતાવવા જવું પડે. જો શ્રધ્ધા હોય તો દરેક હિન્દુ ઘરમાં પુજામાં હનુમાનજી હોવાનાં જ. તેમની પાસે માથું નમાવીએ તો પણ ચાલે. તમારી આસ્થા પ્રભુ સુધી પહોંચે જ. જો તમે સાચી શ્રધ્ધાથી માથું નમાવો તો. હાં! આ શ્રધ્ધા કેટલી સાચી છે તે માપવાનું મીટર હજુ સુધી આપણાં આ અતિ, અતિ ને હજુ એકવાર અતિ વિકસીત વિજ્ઞાને શોધ્યું નથી એ તો આપણે જાતે જ માપવી પડશે. પણ નહીં.
જ્યાં લગી આત્મતત્વ ચિંધ્યો નહિ, ત્યાં લગી સાધના સર્વ જૂઠી,

મનુષ્ય-દેહ તારો એમ એળે ગયો, માવઠાની જેમ વૃષ્ટિ જૂઠી.
શુ થયું સ્નાન, સંધ્યા ને પૂજા થકી, શું થયું ઘેર રહી દાન દીધે ?

શુ થયું ધરી જટા ભસ્મ લેપન કર્યે, શું થયું વાળ લુંચન કીધે ?
શું થયું તપ ને તીરથ કીધા થકી, શું થયું માળ ગ્રહી નામ લીધે ?

શું થયું તિલક ને તુલસી ધાર્યા થકી, શું થયું ગંગાજલ પાન કીધે ?
શું થયું વેદ વ્યાકરણ વાણી વદ્યે, શું થયું રાગ ને રંગ માણ્યે ?

શું થયું ખટ દર્શન ભેદ સેવ્યા થકી, શું થયું વરણના ભેદ આણ્યે ?
છે પ્રપંચ સહુ પેટ ભરવા તણા, જ્યાં લગી પરમ પરબ્રહ્મ જોયો;

ભણે નરસૈંયો કે તત્વદર્શન વિના, રત્ન-ચિંતામણિ જન્મ ખોયો.
- નરસિંહ મહેતા

આજે પણ લગભગ દરેક ઘરોમાં ડોસાકે ડોસીઓ પાસે જ મંદિરોની પુજા કરવાનો ડિપાર્ટમેન્ટ હોય છે. એ પુજા કઇ રીતે થતી હોય છે? એક ઉદા. મંગળડોસી પુજા કરે છે કે માળા ફેરવે છે ઔમ નમઃ શિવાય એમ બોલતા જાય છે અને સાથે કાન સરવા કરીને ઘરની ગતિવિધી પર નજર (કાન) રાખતા જાય છે. દરમ્યાન કોઇ ડેલે આવ્યું અને ખખડાવ્યું, વહુ કપડાં ધોતી હોય, વાસણ માંજતી હોય કે રસોઇમાં પરોવાણી હોય અને કાને ના પડે (આ ઉંમરે જે ડોહા કે ડોહીઓ ફરીયાદ કરે કે કાન ગયા તેનાં કાનમાં ઘરમાં ફુસફુસ અવાજે થતી વાતો પણ પડી જતી હોય છે, સંભળાઇ જતી હોય છે.) એટલે મંગળાડોહી પુજા કરતાં કરતાં બુમ પાડે કે ‘ઓમ નમઃ શિવાય એ વહુ ઓમ નમઃ જો તો કોણ આવ્યું શિવાય… છે? ઓમ હે ભગવાન નમઃ ઘર આખાનાં કાન શિવાય શિવાય… ઓમ નમઃ શિવાય ઘર આખાનાં કાન ગ્યા સે અને મારે હે ભગવાન ઓમ ઓમ ઓમ બધું કરવું પડે છે. શિવાય શિવાય. ઓમ નમઃ શિવાય. માળા ફેરવતાં ફેરવતાં મનમાં ને મનમાં વહુને એકાદ બે ભાંડી પણ દે. હવે આને ભક્તિ કહેવી કે આડંબર?
આવી જયંતિઓ કે અષ્ટમીનાં દિવસોમાં ઘણાં ઉત્સાહી યુવક-યુવતિઓ અને અમુક ડોસા-ડોસી નીકળી પડશે પોતાની ભક્તિનું પ્રદર્શન કરવા. માત્ર આજે જ, અગાઉ પુરા ૩૬૪ દિવસોમાં જોવા ન મળી હોય એવી અભુતપુર્વ માનવ મેદની એકઠી થશે તમામ હનુમાન મંદિરોમાં. કેમ આજે જ? વર્ષનાં બાકીનાં દિવસોમાં હનુમાનજી શું રામ ભગવાનની સેવા કરવા મંદિરોમાંથી બહાર જતાં રહે છે કે બીજા કોઇ કામે? શું બાકીનાં દિવસોમાં ઇશ્વર મંદિરોમાં નથી મળતાં? જવાબ માટે જાતને સવાલ પુછો? અને મનમાં જ જવાબ શોધી કાઢજો.
દોસ્તો, ખરેખર વાત સમજવા જેવી છે. કેમ સોમવારે જ કે શ્રાવણ મહિનામાં શિવ મંદિરો હાઉસફુલ થઇ જાય છે? અરે ઘણાં સોમવાર હોવાને કારણે જ શિવ મંદિરમાં જાય છે ભગવાન ભોળાનાથને પગે લાગે, ફુલ ચડાવે, બીલીપત્ર ચડાવે, પાણી ચડાવે, દૂધ પણ ચડાવે. સોમવારે કોઇપણ શિવમંદિરે સવાર સવારમાં ખાસ, શિવલીંગની દશા જોવા જેવી હોય છે. ફુલ, માળા, બીલીપત્ર, દુધ, મધ ઇત્યાદી વડે શિવલીંગને આખું ભરી મુક્યું હોય. એવી દશા ભગવાનની કરી નાંખે કે ખુદ ભગવાનને પણ સફોકેશનનાં કારણે ક્યારેક ભાગી જવાનું મન થતું હોય છે. અને આ દશા સામાન્ય સોમવારની જ છે હોં! બાકી સોમવાર અને શ્રાવણ મહિનો ભળે એટલે ભક્તો માંહ્યલી ભક્તિ હોલોળે ચડે, એક જુવાળ ઉપડે. વળી એમાં દેખાદેખી ભળે અને ભાયું તળપદી ભાષામાં કહીયે તો ‘ભક્તિ સમરા કાઢી ગઇ હોય’ એવું લાગે. ભગતનાં રૂંએ રૂંએ ભોળાનાથની ભક્તિ ઉગી હોય એવું લાગે. એમ લાગે કે આ જો આજે મંદિરે ગયો તો…
        બાકીનાં દિવસોમાં શું હાલત હોય છે એ જ મંદિરોની કે એ જ ભગવાનની? શ્રાવણમહિનાનાં દિવસો અને સોમવારને બાદ કરતાં ખાસમખાસ નોંધવાનું કે બાદ કરતાં ભગવાનનાં મંદિરોમાં જવામાં અને ભગવાનની સેવા કરવામાં રસ માત્ર અને માત્ર જે તે મંદિરનાં પૂજારીઓને જ હોય છે. (અહીં અમુકનાં જીવનનિર્વાહનો પણ હેતુ હોય છે.) આ લખનાર આ કારણે જ શિવમંદિરે સોમવારનાં બદલે અઠવાડિયાંનાં કોઇપણ વારે જાય છે. કારણ કે તે દિવસે મંદિર પણ સુમસાન હોય અને ભગવાન પણ તદ્દન ફ્રિ હોય. ઇચ્છા થાય એટલી વાતો કરો, ભક્તિ કરો. કોઇ રોકવાવાળું નહી.
        આ જ હાલત, હનુમાનજીની પણ છે. Same to Same. આમે હનુમાનજી આજનાં જમાનામાં inthing god છે. અબાલ, વૃધ્ધ કે યુવક-યુવતીઓમાં આ ભગવાન ખુબ પ્રિય છે. હનુમાનજીનાં વાર એટલે ખાસ તો શનિવાર અને મંગળવાર. આ બે દિવસે હનુમાનજી Busy કે અતિ વ્યસ્ત હોય. ભક્તો તેલ ચડાવે, શ્રીફળ વધેરે, સિંદુરનું તિલક કાનની બૂટે કે કપાળ પર કરીને હાજરી નોંધાવ્યાનો સંતોષ લે. બાકીનાં દિવસોમાં હનુમાનજી અને તેનુ મંદિર બંને સુમસામ હોય છે દોસ્તો.
        આજે હનુમાન જયંતિ છે. દરેક ગુજરાતી ન્યુઝપેપરની હેડલાઇન છે. “આજે સૌરાષ્ટ્રમાં ભાવભેર ઉજવાશે હનુમાન જયંતિ”, “મારૂતિનંદનનો આજે જન્મદિવસ”, આજે સાળંગપુર, ભુરખિયા અને દાંડીમાં ગુંજી ઉઠશે ‘જય વિર હનુમાન'.  મંદિરોમાં ભક્તોનો સમુયાદ ઉમટી પડ્યો, ભક્તિસાગર હિલોળે ચડ્યો. પદયાત્રીઓ માટે વિસામા, પાણીની પરબો, ભોજન-નાસ્તા માટેનાં વિવિધ સ્ટોલ્સ રોડ પર શરૂ થઇ જાય. ભક્તિ કરતાં ભક્તોની સેવા કરીને ધન્યતા અનુભવતા સમાજનાં માન્યવરો અને આવા અનેક સમાચારો જ છે, આજનાં તમામ અખબારોમાં. અને આવતીકાલે એ સમાચાર હશે કે ક્યા મંદિરે કેટલો માનવમહેરામણ ઉમટેલો, કેવી કેવી રીતો ભક્તોએ ભગવાનની પૂજા અર્ચના કરી, સેવા કરી, ભક્તોને કેવી કેવી સેવાઓનો લાભ મળ્યો, વગેરે વગેરે. બાકીનાં દિવસોમાં? જે મંદિરો સુધી પહોંચતા રસ્તા પણ આજે આ બધું છે તે જ મંદિરો અને તે જ રસ્તાઓ પર આવનારા દિવસોમાં પાણીનું એક પરબ પણ નહીં જોવા મળે. આજે જ્યાં પદયાત્રિઓ માટે નાસ્તા અને ભોજનની વ્યવસ્થા છે ત્યાં કાલે કોઇને રસ્તો પણ પુછવો હશે તો શોધ્યો ય નહીં જડે. શું મતલબ આ બધાનો? આ દેખાડાનો, આ દંભનો, આ આડંબરોનો?
        થોડા દિવસો પહેલાં રામનવમી હતી. ત્યારે પણ રામલલ્લાનાં વધામણાં, આજે રામમંદિરો છલકાય ઉઠશે ભક્તોથી વગેરે વગેરે. અને આ હકીકત છે જ ને. શ્રાવણ માસમાં અને શિવરાત્રીએ શિવ ભગવાન યાદ આવવા, મંગળવારે કે શનિવારે અને હનુમાન જયંતિનાં દિવસે જ હનુમાનજી નાં દર્શન કરવા, જન્માષ્ટમીનાં દિવસે કૃષ્ણમંદિરે જવું, રામનવમીને દિવસે રામ મંદિરે અવશ્ય જવું જ જોઇએ અને જેમ લાલા (કૃષ્ણ) નાં દર્શન કરવા જોઇએ તેમ રામ ભગવાનનાં દર્શન કરવા જ જોઇએ. રામનવમી, કે જન્માષ્ટમી કે શિવરાત્રી અને હનુમાન જયંતિનાં દિવસોમાં ઉમટી પડતી માનવમેદનીમાંના કેટલા ૧૫મી ઓગસ્ટ અને ૨૬મી જાન્યુઆરીએ ધ્વજવંદન કરવા જતાં હશે? અને એ પણ આટલાં ઉમંગથી, હોંશથી? જવાબ આપણે સૌ જાણીએ છીએ.
        શું આ દિવસો સીવાય ભગવાન ભક્તોને મળતાં નથી કે આપણે એક બહાનું જોઇએ છે ભગવાન સુધી જવા માટે? ઇશ્વર આપણાં સર્વસ્વ છે. પણ મિત્રો તેમને બહાનામાં, કે કોઇ ખાસ દિવસોમાં કે બીજા કોઇ કારણોમાં જકડીને ભક્તિ ન કરાય. ઇશ્વરનાં સાંનિધ્યમાં જતાં તો તમામ જડતા તમામ ડર કે તમામ બંધનથી મુક્ત થઇ જવાય છે એવું કહેવાય છે. ઇશ્વરને ભજો, માનો ચાહો, તેમાં શ્રધ્ધા રાખો પણ તમારી શ્રધ્ધાને આ બધા દેખાડાથી મુક્ત રાખો. ઇશ્વરને,  ભગવાનને, પ્રભુને દિલથી ભજો અને માનો. ડરો નહીં.
        ભગવાને જ આ સૃષ્ટિની રચના કરી છે, તો તેને સોમવાર, મંગળવાર કે જયંતિઓમાં શાને કારણે બાંધો છો? શું આ દિવસો સિવાય ભગવાનની ભક્તિ ન કરી શકાય? એવું કોઇ વિધિવિધાન છે, ક્યાંય કોઇ શાસ્ત્રમાં લખ્યું છે? સોમવારનાં બદલે મંગળવાર કે બીજા કોઇવારે શિવ ભગવાનની આરાધના કરો તો ભગવાન શ્રાપ આપે? શું તમારી ભક્તિ એ આસ્થા તેનાં સુધી ન પહોંચે?
        દોસ્તો, માર્ક કરજો કે આપણે ભગવાનને તુંકારે જ બોલાવીએ છીએ, શા માટે? કારણ કે ઇશ્વર કે ભગવાનને આપણે મિત્ર સમજીયે છીએ. જેને ચાહિયે જેને સાચા દિલથી પ્રેમ કરતાં હોઇએ તેને ‘તું કારો અજાણતા જ થઇ જાય. આ તું કારામાં એક આત્મિયતા હોય છે. તેમની સાથે ઘણી વાતો શેર કરતાં હોઇએ છીએ. Exchange offer કરતાં હોઇએ છીએ. અને પુરી થાય તો આભાર માનવાનો તો કોઇ રિવાજ નહીં પણ ન પુરી થાય તો લડવાનો કે ભગવાનને પણ દોસ્તીદાવે બે શબ્દો સંભળાવવાનો મોકો ન ચુકીએ.
        તો આવા મિત્રને અમુક ખાસ દિવસોનાં બંધનોમાં શા માટે જકડવા? બપોર પછી પૂજા શા માટે ન કરાય? કે રાત્રે મંદિરે શા માટે ન જવાય? (અહીં રાત્રે એટલે મધરાત આસપાસનાં સમયની વાત છે.) શા માટે શનિવારે વાળમાં તેલ ન નખાય કે બુટ-ચપ્પલ ન લેવાય કે શેવિંગ ન થાય કે વાળ કપાવાય નહીં? શા માટે?
        દોસ્તો તમે ક્યારેય ને ક્યારેક તો ભગવાન સાથે વાતો કરી જ હશે. મેં તો કરી છે. હાં! આગળ લખ્યું તેમ થેંક્સ કહેવાનું હું ચુકતો નથી. હાં! માંગવાની વાત તો ક્યારેક જ હોં. બાકી મારો ભગવાનતો મારો મિત્ર છે તે જાણે જ છે કે મારે શું જોઇએ છે કે શું પરિસ્થિતિમાં છું. તો પછી જ્યારે એ સાથે છે ત્યારે તો હું Majority માં Plus Side માં ગણાઉં.
        જો મિત્રને મળવામાં આપણે સમય, દિવસ કે વાર જોતાં નથી, ને જટ દઇને તેનાં ઘરે કે ઓફિસે કે મોબાઇલ પર મળીએ છીએ તેમ જ હાં! બીલકુલ તેમ જ ઇશ્વર સાથે વહેવાર કરો દોસ્તો. ઇશ્વરથી ડરો નહીં તેને પ્રેમ કરો. તેનાં જન્મદિવસે તેને Happy Birthday નહીં કહો તો કંઇ ખોટું નહીં લગાડે પણ તેને ભૂલશો નહીં. તેને દિવસોનાં, અને જયંતિઓનાં અને આ અષ્ટમીઓનાં બંધનોમાં બાંધશો નહીં. પ્લીઝ…!
        
અહીંનાં દરેક વિચાર લેખકનાં પોતાનાં છે અને કોઇ ધર્મનું કે ભગવાનનું ઘસાતું બોલવાનો કોઇ ઇરાદો નથી કે આશય નથી.

....ૐ....

7 comments:

  1. Aa lekh saro nahi pan Uttam Chhe, pan aama taaru sthaan kyaa chhe ???? 364 divas waalaa maa ke 1 diavas wala maa ??????

    ReplyDelete
    Replies
    1. પ્રિય દેવદત્ત,

      તારા પુછેલા સવાલનો જવાબ આ લેખમાં જ છે. જરા ધ્યાનથી પુરો લેખ વાંચ્યો તો હોત.

      Delete
  2. adbhut sandesh che, ane hu pan aa dekha dekhi ma manto nathi, Kaliyag ma NAAM jap sauthi uttam che, mano ya na manoooo

    ReplyDelete
    Replies
    1. ખુબ ખુબ આભાર અશ્વિનભાઇ. તમને ખાત્રી આપું છું. મારા લેખો હંમેશા આવા જ રહેશે. પુરી તટસ્થતાથી અને ઇમાનદારીથી લખવાની કોશીશ કરીશ. વાંચતા રહેજો.

      Delete
  3. આને શું ભક્તિ કહેવી? Very true my friend.

    Good Article.

    ReplyDelete
  4. મારો ભગવાનતો મારો મિત્ર છે. I m agree with this line.

    ReplyDelete
  5. Ghanshyam Vyas13 July 2013 at 15:45

    This type of BHAKTI is Bosh. God Never like this type of BHAKTI

    ReplyDelete