Sunday 1 December 2013

તુમ હો તો ગાતા હૈ દિલ, તુમ નહીં તો ગીત કહાં… ઇશાની દવે

ગુજરાતનાં ખ્યાતનામ ગાયક પ્રફુલ્લ દવેને ઓળખાણનાં અત્તરની બિલકુલ જરૂર નથી. પોતાના કંઠથી આખાયે ગુજરાતને ઘેલું લગાડનાર્તા ગાયક પ્રફુલ્લ દવે અનેક ફિલ્મોમાં પાર્શ્વગાયન કરી ચૂક્યા છે, દેશ – દુનિયામાં અઢળક સ્ટેજ પ્રોગ્રામ્સ કર્યા છે અને હજ્જરો સી.ડી. અને ડી.વી.ડી અહાર પાડી છે.

        આવા લોકલાડીલા ગાયકની દીકરી ઇશાની એબ્રોડમાં એટલે કે વિદેશમાં અભ્યાસ કરી રહી છે. આજે એ આપણા આ લાડકા ગાયક અને એનાં લાડકા પિતા વિશે મન મૂકીને શબ્દોનું સંગીત પીરસી રહી છે…

        મને એ દિવસ, એ દ્ર્શ્ય એ પ્રેમ હજુ આજેય યાદ છે. વર્ષ તો એક્ઝેટ ખબર નથી પણ હું લગભગ છ-સાત વર્ષની હતી. પપ્પા બીમાર હતાં અને એમનો કચ્છમાં કાર્યક્રમ હતો. અગાઉથી પ્રોગ્રામ નક્કી થઇ ગયો હતો એટલે કેન્સલ કરાય એમ નહોતો. પપ્પા પ્રોગ્રામમાં ગયા. સ્ટેજ પરથી ગાવાનું શરૂ કર્યું. હું પણ એમની બાજુમાં જ બેઠી હતી. મેં જોયું કે પપ્પામાં ખૂબ અશક્તિ હતી. ગાતા ગાતા એમને સખત પરસેવો વળી રહ્યો હતો અને ગાવામાં પારાવાર શ્રમ પડતો હતો. મને ખુબ દુઃખ થયું. અચાનક મેં મારા હાથમાં રહેલા નાનકડા રૂમાલ વડે પપ્પાનાં ચહેરા પરથી પરસેવો લૂછ્યો. એ સાથે જ પપ્પા ચાલુ કાર્યક્રમે સ્ટેજ પરથી રડી પડ્યા. હું એમને જોતી જ રહી. જાણે કે એ સ્પર્શ સાથે જ એમનો થાક દૂર થઇ ગયો હતો. એ ઉત્સાહમાં આવી ગયા. પછીનો આખો કાર્યક્રમ એમણે મને તેડીને ગાયા કર્યું. મારા માટે જિંદગીનો આ શ્રેષ્ઠ દિવસ હતો. મારા પપ્પા મને એટલો બધો પ્રેમ કરતા હતાં કે મારા સ્પર્શમાત્રથી એમનો થાક દૂર થઇ જતો હતો. એમની આંખોમાં આંસુનો દરિયો ઊમટી પડતો હતો.

        ગુજરાતનાં સર્વશ્રેષ્ઠ ગાયક તરીકે ઓળખાતા મારા પપ્પા પ્રફુલ્લ દવે મારા માટે તો સર્વશ્રેષ્ઠ ગાયક તો છે જ પણ સાથે સાથે સર્વશ્રેષ્ઠ પિતા પણ છે, સર્વશ્રેષ્ઠ મિત્ર પણ છે અને દુનિયાની સર્વશ્રેષ્ઠ વ્યક્તિ પણ છે. આખીયે દુનિયા એમને ગાયક તરીકે ઓળખે પણ મારા માટે તો મારા પપ્પા ફ્રેન્ડ, ફિલોસોફર, ગાઇડ અને ટીચરનો સમન્વય છે.

        પપ્પા શબ્દ જ મારા માટે એવો છે જ્યાંથી મારી આખી દુનિયાની શરૂઆત થાય છે અને આજ સુધીની ક્ષણ પૂરી થાય છે. મને હજુયે બાળપણમાં પપ્પા સાથે રમેલી રમતો એવીને એવી જ યાદ છે. અમે રમતા ત્યારે હું સસલું બનતી અને પપ્પા સિંહ. અમે ખૂબ ભાગમભાગ કરતાં. પણ સિંહ બનેલા પપ્પા સસલું બનેલી મને મારતા નહીં. મારો શિકાર નહોતા કરતાં. એ વખતે એનું કારણ સમજાવતા પપ્પાએ કહેલું કે, ‘સિંહ જંગલનો રાજા કહેવાય. એ ગમે એટલો શક્તિશાળી કે હિંસક હોય પણ એનાથી સસલા જેવા ગભરૂ પ્રાણીને કોઇ કાળે મરાય જ નહીં.’ અને મારા બાળમાનસમાં પડેલી એ છાપ આજે પણ એમની એમ છે. પપ્પાની એ વાત સાચી હતી પણ એમણે મારાથી છુપાવી રાખેલું બીજું કારણ મોટી થયા પછી મને સમજાય છે. સિંહ બનેલા પપ્પા મને એટલા માટે નહોતા મારતા કારણ કે મને ખબર છે કે હું સામે હોઉં એટલે પપ્પા ખુદ સસલા જેવા પોચા હ્રદયનાં બની જાય છે. એમની જ વાત નથી, જગતનો કોઇ પણ બાપ એની દીકરી સામે સસલા જેવો મુલાયમ હ્રદયી બની જ જાય છે. એટલે જ કઠોરમાં કઠોર બાપ પણ એની દીકરીની વિદાય વખતે પોક મૂકીને રડી પડતો હોય છે.
       
        પપ્પાએ એમનાં જીવનમાં ખૂબ સંઘર્ષ કર્યો છે. મેં એમને કુટુંબ માટે, અમારા માટે દોડતા જ જોયા છે. મોટા ભાગે રાતનાં કાર્યક્રમો હોય. સવારે પપ્પા આવે એટલે મારી ફરમાઇશોનું લિસ્ટ તૈયાર જ હોય. મારી સાથે ઘર ઘર રમો, મારી સાથે આ રમત રમો અને તે રમત રમો, અને પપ્પા મારી સાથે રમવા બેસી જતાં. આખો દિવસ મારી સાથે ધિંગામસ્તી કરતા, મારી સાથે ઘર-ઘર, સંતાકૂકડી, થપ્પો રમતાં. સસલું અને સિંહની રમતો રમતા. એ વખતે મને ખબર નહોતી પડતી કે પપ્પા આખી રાત મહેનત કરીને આવ્યા છે. એમને આખી રાતનો ઉજાગરો છે. એમનો જો આરામ નહીં મળે તો એમના પરફોર્મન્સ પર ખરાબ અસર પડશે. અને ખબર પડે પણ ક્યાંથી? પપ્પા તરફથી ક્યારેય કંટાળો દર્શાવાયો હોય તો ખબર પડે ને? એવું આજેય છે. પપ્પા આજેય એમના તમામ દુઃખ, દર્દ, થાક, કંટાળો બધું જ ભૂલીને મારી સાથે બાળક બનીને રહે છે. એમનો મુડનો ગ્રાફ મારા મુડ પર આધારિત હોય છે. આ બધું પપ્પાથી વિશેષ કોઇ ના કરી શકે.

        મારા પપ્પા લોકપ્રિય ગાયક એટલે સ્ટાઇલિશ પણ ખરા. એમનાં લાંબા રેશમી વાળ મને બહુ ગમતા. હું લગભગ રોજ એમને પોની વાળી આપવાનાં બહાને એમનાં વાળ સાથે મસ્તી કર્યા કરતી. એમનાં વાળ મારા માટે રમવાનું રમકડું ન હતાં. જો કે પપ્પાએ મારા માટે દુનિયા આખીનાં રમકડાંનો ખડકલો કરી દીધો હતો. પણ પપ્પાએ દુનિયાભરમાંથી ખરીદેલાં એ બધાં રમકડાંઓ કરતા મને પપ્પા સાથે રમવાનો વધારે આનંદ આવ્યો છે, અને આજે પણ આવે છે.

        મને યાદ નથી કે પપ્પાએ મને ક્યારેય કોઇ વસ્તુની ના પાડી હોય. હા, થોડીવાર ના પાડે પણ પછી તરત જ હા પાડી દે.

        એક ગાયક તરીકે પણ મારા પપ્પા મારા સૌથી ફેવરીટ ગાયક છે. એટલાં માટે તેઓ મારા પ્રિય ગાયક નથી કારણ કે તેઓ મારા પપ્પા છે. પણ એમના સિવાય મને કોઇનો અવાજ, કોઇનું ગીત ગમતું જ નથી. મારા પપ્પા જીવનનાં દરેક પડકારો સામે હિંમતપૂર્વક લડ્યા છે. જીવનની દરેક ચેલેન્જને તેઓએ સ્વિકારી છે એટલું જ નહીં એનો જવાબ પણ આપ્યો છે અને એ પણ સંગીતમય રીતે…

        પપ્પા મારી વિકનેસ નથી પણ સ્ટ્રેન્થ છે. એમણે આખી જિંદગી મારા પર જે પ્રેમ વરસાવ્યો છે એ વર્ણવવા માટે મારી પાસે શબ્દો નથી અને મારી એ તાકાત પણ નથી કે એ પ્રેમને એ વ્હાલને શબ્દોમાં સમાવી શકું કે કહી શકું. હું પાણીનું ટીપું છું અને પપ્પાનો પ્રેમ ઘૂઘવતો દરિયો છે. એમના વિશે કેવી રીતે વાત કરી શકું? બસ એમના માટે એટલું જ કહેવું છે કે,
‘જિંદગી મેરી હૈ લેકિન,
તેરે કહને મેં રહા કરતી હૈ.
તુમ હો તો ગાતા હૈ દિલ,
તુમ નહીં તો ગીત કહાં…
તુમ હો તો હૈ જિંદગી…’
લવ યુ પપ્પા… લવ યુ અ લોટ…!


- રાજ ભાસ્કર દ્વારા સંપાદિત પુસ્તક, ‘લવ યુ પપ્પા’માંથી સાભાર…

2 comments: