Tuesday 30 July 2013

વાર્તાઃ

      વાર્તા એ માનવસમાજની અણમોલ અમાનત છે. પ્રાચીન કાળથી આજ દિન સુધી વાર્તા સાંભળવાની મનવીની અદમ્ય વૃત્તિ હજી પણ એવી ને એવી જ છે. ‘હિતોપદેશ’, ‘પંચતંત્ર’, ‘કથાસરિત્સાગર’, ‘જાતક કથાઓ’, ‘સિંહાસન બત્રીસી’, ‘વિક્રમ વેતાળની વાતો’, ‘અકબર-બિરબલની વાતો’, ‘અરેબિયન નાઇટ્સ’, ‘સિંદબાદ ધી સેલર’, વગેરે…

        તો ચાલો આજે હું મને ગમતી એક વાર્તા કહું, (લખું). વાર્તા કંઇક આવી છે…


        વાર્તા એક ક્ષત્રિય યુવાનની છે. એ દિલ્હી જઇ રહ્યો હતો. બાદશાહ સલામતનું કહેણ હતું. પાણીદાર અશ્વ માથે સવાર થઇ પંથ કાપતાં કાપતાં એ નદીને કિનારે, વનરાઇની છાયામાં મંદિરના પગથિયે આવીને ઊભો રહી ગયો હતો. પરિશ્રમને લીધે ચહેરા પર ધસી આવેલાં લોહીની લાલાશથી જુવાન અસવાર વધુ દેખાવડો લાગતો હતો. એનો જાતવાન અશ્વ, કિંમતી પોશાક, આંખોમાં દેખાતી અમીરાત અને ચહેરા પર જણાઇ આવતી ખાનદાની એ કોઇ ઉચ્ચ કુળનો છે તે દર્શાવી આપતાં હતાં. યુવાનને તરસ લાગી હતી, ઘોડો પણ તરસ્યો થયો હતો. ઘોડાને તો તેણે નદીમાં પાણી પાયું. પરંતુ પોતાની તરસ હજી અતૃપ્ત જ હતી. ત્યાં મંદિરની બાજુના રસ્તામાંથી એક પનિહારી નીકળી. એ યુવતીને જોતાં જ યુવાનનાં હોઠ ફફડ્યા. હૈયાની વાત હોઠ સુધી જ આવીને રહી ગઇ, કાંઇ કહેવાને બદલે એ પનિહારીને જોઇ જ રહ્યો. પનિહારીએ પણ યુવાન સામું જોયું. પનિહારીની પ્રથમ નજર યુવાનનાં હૈયા સોંસરવી નીકળી ગઇ.

        ભવાટવિમાં વિખૂટા પડી ગયેલા વિજોગી પ્રેમીઓ અચાનક એકબીજાને મળી જાય અને એકમેકને ઓળખી લે એમ બેયનાં હૈયા મળી ગયાં. યુવાનની મૂંઝવણ જોઇ યુવતી હરી. તેણે જ સામેથી પૂછ્યું, “પાણી પીવું છે?” યુવાનનાં તૃષાતુર હૈયે કહ્યું, “હા”. યુવતીએ એનાં ઘડામાંથી પાણી રેડવાનું શરૂ કર્યું અને યુવાને પાણી પીવા પોતાનો ખોબો ધર્યો. પણ ધ્યાન યુવતીની સામું હોવાથી મોટા ભાગનું પાણી વહી ગયું. થોડું પાણી પીધું. મંદિરનાં ચોગાનમાં આવેલ આવાસમાંથી કોઇ વૃધ્ધ બહાર નીકળ્યા અને યુવતીને પુછ્યું, “કોણ છે બેટા?” યુવતીએ જવાબ આપ્યો, “દાદા, કોઇ અજાણ્યા વટેમાર્ગુ છે, તેમને પાણી પીવું છે.” વૃધ્ધે કીધું, “અહીં બોલાવી લે.” યુવકે આમંત્રણનો સ્વિકાર કર્યો. યુવાનને જોઇ વૃધ્ધે કહ્યું કે, “લાંબો પંથ કાપીને આવ્યા લાગો છો. બપોર ટાણું થયું છે. હવે અહીં જ જમી લ્યો અને બપોર કેડે આરામ કરીને પછી આગળ પ્રયાણ કરજો.” વર્ષોનો પરિચય હોય એમ નરી સહાજીકતાથી થયેલ આ આગ્રહને યુવાન ના ન કહી શક્યો. યુવતીએ પાણીનો લોટો મૂક્યો, યુવકનાં વિશ્રામની વ્યવસ્થા કરીને રસોઇ બનાવવા લાગી.

        યુવાન રોકાયો, જમ્યો. એ જ મંદિરમાં ઇશ્વરસાક્ષીએ સાથે જીવતર જીવવાનાં એકબીજાને કોલ દીધા. તિથિ, વાર, વખત બધું નક્કી થયું. યુવક પ્રયાણ કરે તે પહેલાં યુવતીએ કહ્યું, “જુઓ, આપણે નક્કી કર્યા મુજબ એ જ તિથિએ સાંજ સુધીમાં જો નહીં પહોંચોં તો આ જ ગામનાં ચોકમાં સૌ નગરજનોની હાજરીમાં ચિતાએ ચડી હું આયખું ટૂંકવી નાખીશ. તમારે મારી પછી રાખ જ જોવાની રહેશે.” યુવકે “હાં, હાં” કહી યુવતી એની પ્રેમીકાનાં મોં આડે હાથ ધર્યો અને કીધું, “હું એ પહેલાં આવી પહોંચીશ, વચન આપું છું.” યુવતીએ આંસુભરી આંખે પોતાનાં પ્રેમીને વિદાય આપી અને યુવકે આગળ તરફ પ્રયાણ કર્યું.

        યુવાન દિલ્હી પહોંચ્યો. બાદશાહ સલામતે દોસ્તનાં પુત્રનું શાનદાર સ્વાગત કર્યું અને ત્યાર પછી શાહી મહેમાનગતિનો દોર શરૂ થયો. દરબાર ભરાતા, વિદ્વાનોની ચર્ચા થતી, રાજ્યનાં  મહત્વનાં કામોનો નિકાલ થતો. રોજ અવનવા પ્રસંગો યોજાતા. કોક ‘દિ શિકાર, તો રાતે સંગીતની મહેફિલ, તો બીજે ‘દિ નાચવાનો કાર્યક્રમ હોય, તો ત્રીજે ‘દિ શાહી રસાલા સાથે કંઇક સફરે જવાનું થાય. રંગરાગમાં અને મોજશોખમાં દિવસો ક્યાં પસાર થયાં એ યુવાનને ભાન રહ્યું નહીં.

        એવું ન્હોતું કે આ યુવાન પ્રેમીને પોતાની પ્રેયસીને આપેલ કોલ યાદ નહોતો, આ બધા વચ્ચે પણ તે પોતાનાં વચન પ્રત્યે પુર્ણતઃ સભાન હતો. પરંતુ જ્યારે જ્યારે એ જવાની વાત કરે ત્યાં બાદશાહ તરફથી આગ્રહ થતો. બેગમસાહેબા પણ સાથે સૂર પુરાવતાં અને યુવક પરવશ બની જતો… એમ કરતાં કરતાં પંથ લાંબો થવા લાગ્યો અને જીવતર ટૂંકું થવા માંડ્યું. અચાનક એક દિવસ યુવક કોઇને જણાવ્યા વિના દિલ્હીથી રવાના થયો. એ પંથ કાપતો જતો હતો. હૈયામાં એક જ અજંપો હતો કે, “કદાચ, નહીં પહોંચું તો?” તરત જ પ્રાણપ્યારી પ્રિયતમાની સળગતી ચિતા તેની નજર સામે તરવરતી અને યુવાનનાં આંખે અંધારા આવી જતાં. ભૂખ્યો-તરસ્યો એ રાત-દિ બસ મજલ કાપ્યા જ કરતો… હૈયામાં પસ્તાવાનો પાર નહોતો.

        અહીં, યુવતીએ ગામલોકોને જાણ કરી દીધી. છેલ્લો દિવસ પણ આવી પહોંચ્યો… યુવતી પોતાનાં મનમાં મક્કમ હતી, સમજાવટનો હવે કોઇ અર્થ નહોતો તેમ ગામલોકોને ખાત્રી થઇ ચૂકી હતી… ભારે હૈયે ગામનાં ચોગાનમાં ચંદનનાં લાકડાની ચિતા ગોઠવવા લાગી. સંતો, ભક્તો, ભૂદેવો, સગાં સંબંધીઓ સૌ એકત્રિત થયાં હતાં. સૌનાં હૈયા વ્યથાનાં ભારથી ભારે થઇ ગયાં હતાં. ધીરે ધીરે સૂરજ અસ્તાચળ તરફ ઢળી રહ્યો હતો. યુવકનો પ્રવાસ પૂરો થયો નહોતો. અહીં યુવતીનાં વચન પ્રમાણેનો સમય પૂરો થવા આવ્યો…

        રાત પડવા માંડી એટલે ગામનાં ગઢનાં દરવાજા મંડ્યા એક પછી એક બંધ થવા. જેવો છેલ્લો દરવાજો બંધ થયો, અહીં યુવતીએ પોતાનાં વાળ છૂટા મુક્યા, સૌને આખરી પ્રણામ કર્યા અને ચિતા તરફ ડગ માંડ્યા…

        આ તરફ યુવાનની છાતીમાં શ્વાસ માતો નથી. સતત પ્રવાથી આંખ્યું ઊંડી ઊતરી ગઇ છે. શરીર માથે કપડાં ફાટી ગયાં છે. કોરાં ભઠ વાળ હવામાં ફરફર ફગફગે છે. સુકાયેલા હોઠ, કરમાઇ ગયેલો ચહેરો અને ભાંગેલા હૈયા સાથે યુવાન ગામ બહારનાં પેલા મંદિરનાં ઓટલે આવતાં આવતાં એક લથડિયું ખાઇ ગયો. વૃધ્ધ દાદાએ યુવાનને સંભાળી લીધો. યુવાને વાત કહી, એટલે દાદા યુવાનને તરત જ ઓળખી ગયા. પણ ગામમાં પહોંચવાનાં તમામ દરવાજા તો બંધ થઇ ગયા છે. અને આ તરફ યુવતી પોતાની આખરી મંજીલ તરફ પોતાનાં કદમો આગળ બઢાવી ચુકી છે. હવે શું કરવું?

આવી હૈયા ચીરી નાંખતી પારાવાર મૂંઝવણનાં ઉકેલ રૂપે યુવતીનાં દાદાએ મંદિરની પાસેની પુરાતન કાળની એક અવાવરૂ વાવમાંથી ગામમાં જવાનો ગુપ્ત માર્ગ યુવાનને બતાવ્યો. યુવાન પોતાની છેલ્લી શક્તિ એકત્રિત કરી વાવમાં ઊતર્યો, કમાડ ભાંગીને આગળ વધ્યો. વર્ષોથી અવાવરૂ પડી રહેલી આ બંધિયાર વાવનાં માર્ગમાં ઊડતાં ચામાચિડીયાં, લટકતાં સર્પો, ઘોર અંધકાર. પણ આ એકેય વાતની કે રૂકાવટની યુવાનને આજે પરવા નહોતી. એ ગમે તેમ કરીને માર્ગ પસાર કરી ગામમાં આવી પહોંચ્યો. હતું એટલું બળ ભેગું કરીને ચિતા તરફ દોડ્યો અને યુવતીનાં ખોળામાં છેવટે બેભાન થઇને ઢળી પડ્યો. યુવતીએ આ બેહાલ થઇ ગયેલા પોતાના પ્રિયતમને તુરંત જ ઓળખી લીધો.

આઠ દિવસની સઘન સારવારને અંતે યુવક સાજો થયો. બંનેનાં ધામધૂમથી લગ્ન થયાં, અને ગામનાં લોકો ખુશખુશાલ થઇ ગયાં.

આ તો પ્રેમકથા છે અને પ્રેમનો અર્થ જ સમર્પણ થાય છે. કબિરનું પદ છે ને –
यह तो प्रेम का घर है, खाला का घर नाहीं

शिश काट भूंई धरे फिर पैठे मांही…


from, Shahbuddin Rathod, Show Must Go ON...

20 comments:

  1. Bhai Wah! Majaa karavi didhi.

    ReplyDelete
    Replies
    1. Thank you. Keep reading, keep posting dear.

      Delete
  2. Nice Story.

    ReplyDelete
    Replies
    1. Thank you dear. Thanks for the appreciation.

      Delete
  3. મહેન્દ્ર ચોટલિય1 August 2013 at 11:19

    અમારા આગ્રહને આટલી જલ્દીથી પુરો કરવા માટે આભાર. મેં કહેલું ને કે વાર્તા પર હાથ અજમાવો. ભલે આ સંપાદિત રહી. પણ ક્યાંક ક્યાંક તમારા ચમકારા દેખાય છે જ. હજુ મહેનત કરો. લખી રાખજો દોસ્ત, તમે સારી વાર્તા લખી શકો એમ છો. મને વિશ્વાસ છે.

    ઓલ ધ બેસ્ટ!

    ReplyDelete
    Replies
    1. તમારો આગ્રહ અને મારી ઇચ્છા બંને સાથે પુરા થયા. આ વાર્તા મને પણ બહુ ગમે છે. રહી વાત તમારા વિશ્વાસની તો તે ખુબ જલ્દી પુરો થશે એની લેખીતમાં ખાત્રી આપું છું. અત્યારે સાથો સાથ એક બુકનાં અનુવાદનું કામ ચાલુ હોય વાર્તા પર ધ્યાન આપી શકતો નથી. પણ મહેન્દ્રભાઇ, પ્લોટ વિચારી રાખ્યો છે. ખુબ જલ્દી તેનાં પર એક સારી વાર્તા બનાવીશ.

      તમારા પ્રોત્સાહન બદલ ખુબ ખુબ આભાર.

      Delete
  4. મેઘ ખાગડ1 August 2013 at 11:22

    પ્રેમનો અર્થ જ સમર્પણ થાય છે. તમારી વાત સાથે સંપુર્ણ રીતે સહમત છું

    ReplyDelete
  5. ઘણા સમયે સારી વાર્તા વાંચવાની મજા આવી.

    ReplyDelete
    Replies
    1. તો સારૂં. આમે મને કોઇ કંઇ સારૂં કહે ત્યારે બહુ સારૂં લાગે.

      તમને ગમ્યુ એમ મને પણ ગમ્યું. તમને મજા આવી એમ મને પણ મજા આવી. તમારો પ્રતિભાવ વાંચીને.

      બસ આમ વાંચતા રહો, તમારા અમુલ્ય પ્રતિભાવો આપતા રહો. પછી જુઓ કેવી કેવી મજા કરાવું છું એ!

      Delete
  6. Good short and sweet love story.

    ReplyDelete
    Replies
    1. Thank u dost. You had read whole story up to end. It means a lot for me. I know your habit. So thanks a lot again and again.

      Delete
  7. વાર્તા સાંભળવાની મનવીની અદમ્ય વૃત્તિ હજી પણ એવી ને એવી જ છે.

    ReplyDelete
    Replies
    1. હાં વાર્તા સાંભળવાની મોટાથી માંડીને છોટા સહુને મજા પડી જાય છે, અને એમાં પણ જો કંઇક સીખ કે સંદેશો આપતી વાર્તા હોય તો તે ગણ પણ કરે.

      ખરી વાત કે નહીં?

      Delete
  8. વાર્તા સાંભળવાની મનવીની અદમ્ય વૃત્તિ હજી પણ એવી ને એવી જ છે.

    True, Very much true.

    ReplyDelete
    Replies
    1. ખુબ ખુબ આભાર રાજીવભાઇ...

      Delete
  9. Usha Maheshwari8 August 2013 at 21:50

    यह तो प्रेम का घर है, खाला का घर नाहीं

    शिश काट भूंई धरे फिर पैठे मांही…

    ReplyDelete
    Replies
    1. આ તો ખાંડાની ધાર પર ચાલવા જેવું છે. જાન, જીગર અને આત્મા બધું લોહીલુહાણ કરવાની તૈયારી હોય તો આનો ચાળો કરવો... નહીં તો મા-બાપ શોધે એની સાથે આ ફેરો પુરો કરવો.

      Delete
  10. Excellent Story.

    ReplyDelete