Friday 20 September 2013

નિષ્પ્રાણ અને નિરસ જીવનમાં આવી જીવંત અને મેઘધનુષી સવાર...


        આખરે તેત્રીસ વર્ષની, ભીતરમાં પડેલી સ્ત્રીએ બળવો પોકાર્યો અને વૈશાલીએ પીસ્તાલીસ વર્ષનાં સુકુમાર સિન્હા સાથે લગ્ન કરી લીધા.

        વૈશાલી બી.કોમ. થયેલી. રાષ્ટ્રીયકૃત બેંકમાં સર્વિસ કરતી સુંદર, સૌમ્ય અને સંસ્કારી યુવતી હતી. એક સ્ત્રી માટે અલબત્તા મોટી કહી શકાય એવી તેત્રીસ વર્ષ સુધી લગ્ન ન થઇ શકે એવી કોઇ ખોટ વૈશાલીમાં નહોતી.

        વૈશાલી ધારત તો બાવીસ-ચોવીસ વર્ષની ઉંમરે એની મિત્રો, સંગીતા, છાયા, શીતલ, પ્રિતીની જેમ દેશ વિદેશમાં પરણી જઇ સંસાર વસાવી, એકાદ – બે સંતાનોની માતા બની સ્ત્રીનો જન્મસિધ્ધ અધિકાર છે એવો સંસાર વસાવી શકી હોત, પણ…?

        વૈશાલીનાં મનમાં લગ્ન વિશે બાળપણથી જ પૂર્વાગ્રહનું કોચલું બંધાઇ ગયું હતું. પૂર્વાગ્રહનું નિમિત્ત હતાં, તેનાં માતા-પિતા. જેમની વચ્ચે દર બીજા-ત્રીજા દિવસે થતો કલહ કંકાસ અને રાડારાડ. વૈશાલી થોડી સમજુ થતાં જ જોયું કે માતા-પિતા સતત ઝઘડતા હતાં. તેનાં પપ્પા એની મમ્મીને તમાચા મારતાં હતાં. મમ્મી ચીસો પાડી રડતી. વિરોધાભાસ એ હતો કે બંને જણાં વચ્ચે સમજનું બાર ગાઉનું છેટું હતું છતાંયે બંને જણાં વૈશાલી પર પોતાનો પ્રેમ વરસાવવામાં ક્યારેય કોઇ કસર છોડતા નહીં. બસ એમને બંને ને પરસ્પર બનતું નહોતું. આમ, છતાંયે વૈશાલીનાં દિલોદિમાગમાં એક હબક પેસી ગઇ હ્તી. ‘પુરૂષ મારે, સ્ત્રી માર ખાય અને ડુસકાં ભરે. શો અર્થ આ લગ્ન નો?’

        વૈશાલી કોલેજમાં દાખલ થઇ.

        બાળપણથી જ સુંદર એવી વૈશાલીએ યૌવનની લીસી અને લપસણી ધરતી પર પગ મુકતાં તેની રૂપની વસંત ખીલી ઉઠી. ઘરમાં પ્રવેશતાં જ વૈશાલી મા-બાપનાં ઝઘડાથી ત્રાસી ઉઠતી, કોલેજ તેને માટે એ ત્રાસથી મુક્તિનું ધામ બની ગયું. આમ દિવસો વિતવા લાગ્યા. એક દિવસ વૈશાલી પાસે એક યુવાન આવ્યો.

        ‘વૈશાલી, એક રીક્વેસ્ટ કરવાની છે. મારૂં નામ પંકજ છે, હું જી.એસ. નો ઇલેક્શન લડવાનો છું. તમે અમારી પેનલ તરફથી લેડીઝ રીપ્રેઝેન્ટેટીવ તરીકે ઊભા રહો. તમે ચોક્કસ જીતી જશો. તમને જીતાડવા મારી ફરજ બની રહેશે.’

        ‘પણ…………………………. મારી ઇચ્છા નથી.’

        ‘જુઓ, તમને જીતાડવાની અમારી ફરજ બની રહેશે. બીજું કાર્ડ છપાવવાનો તેમજ બીજો ખાણી-પીણીનો ખર્ચ પણ હું કરી લઇશ. એ અંગે તમે નિશ્ચિત રહેજો.’

        જીવનની એકવિધતામાં નવો અનુભવ મેળવવા વૈશાલીએ ‘હા’ પાડી.

        જોરશોરથી બંને પેનલનો પ્રચાર શરૂ થયો. વૈશાલી, પંકજની પેનલમાંથી વિજેતા બની. પંકજની પેનલે એકાદ અપવાદ સિવાય વિજય પ્રાપ્ત કર્યો અને પંકજ કોલેજનો જી.એસ. બની ગયો. પૈસાદાર મા-બાપનો દિકરો હોવાથી પંકજે એની પેનલનાં વિજેતા ઉમેદવારોને એક ભવ્ય હોટેલમાં જોરદાર પાર્ટી આપી. મોજમજા કરી, નાચી ગાઇ ખાઇ પી ને લહેર કરીને સૌ છુટા પડ્યા.

        વૈશાલી, પંકજ પ્રત્યે આકર્ષાઇ ચુકી હતી. ‘બધા જ પુરૂષો એનાં પપ્પા જેવાં ક્રુર નથી હોતાં અને બધી જ સ્ત્રીઓ એની મમ્મીની જેમ દુઃખી અને બીચારી નથી હોતી.’ મનને સમજાવી, ઘરનાં આ કજીયા-કંકાસભર્યા વાતાવરણમાંથી છુટવા વૈશાલીએ યોગ્ય સમયે પ્રેમનો અને લગ્નનો પ્રસ્તાવ પંકજ સામે મુકવાનું નક્કી કર્યું. પણ……! હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતો અને મુળ ગામડામાં રહેતો પંકજ બી.કોમ. ની પરીક્ષા આપી ઘેર ચાલ્યો ગયો. વૈશાલીનું સપનું તૂટી ગયું. માંડ માંડ ઓગાળી નાંખેલા પુર્વગ્રહે ફરી પાછો મનનો કબજો લીધો.

        વૈશાલીની મમ્મી વૈશાલી બી.કોમ થઇ ત્યાં સુધીમાં જ્ઞાતિનાં અને ભાણે ખપતી જ્ઞાતિનાં પણ અનેક છોકરાઓ બતાવવા માંડ્યા, પણ વૈશાલી દરેકને ‘ના’ જ ભણતી રહી. તે સમયે બેંકની નોકરીઓમાં ભરતી ચાલુ હતી. વૈશાલીને નેશનલાઇઝ્ડ બેંકમાં નોકરી મળી ગઇ.

        વૈશાલીની મમ્મી વૈશાલીને ખુબ સમજાવતી કે, ‘સર્વિસ અને પ્રવૃત્તિઓનાં આધારે સમસ્ત જીવન ગાળી શકાતું નથી. વર્ષો વીતતાં જુવાની બળવો કરશે અને લગ્નની ઝંખના થશે ત્યારે એ ઉંમરે યોગ્ય પાત્ર મળવું મુશ્કેલ બનશે. હજુ મોડું થયું નથી. અમે હયાત છીએ ત્યાં સુધીમાં ક્યાંક ઠેકાણે પડી જા તો અમારા જીવને શાંતિ.’ સામે વૈશાલી દલીલ કરતી કે, ‘લગ્નની ઇચ્છા જ થતી નથી, ઝંખના જ થતી નથી, પછી કોઇને મળવાનો કે કોઇનો ઇન્ટરવ્યુ લેવાનો શો અર્થ? પીળા પડી ગયેલા પાંદડાઓ પર પાણી છાંટવાથી કંઇએ લીલા થોડા થવાનાં?

        આમને આમ સમય વહેવા લાગ્યો…..

        એક સંબંધીનાં પ્રસંગમાંથી પરત આવતાં વૈશાલીનાં માતા-પિતાનું ગમખ્વાર કાર અકસ્માતમાં મૃત્યુ થયું. વૈશાલી સાવ એકલી પડી ગઇ. જે ઘર મા-બાપનાં કંકાસથી પણ ગાજતું લાગતું ત્યાં ચીર શાંતિનો વાસ હતો હવે. ક્યારેક વૈશાલીને એમ પણ થતું કે ભલે પુરો દિવસ ઝઘડતા – અવાજો કરતાં, બુમો પાડતાં પણ માતા-પિતાની હયાતી દરમ્યાન આ ઘર ભરેલું હતું હવે તો એક ઘોર સન્નાટો અને સુનકાર છવાઇ ગયો છે પુરા ઘરમાં.

        બેંકની નોકરી હતી એટલો સમય ટેન્શન વગર પસાર થઇ જતો. સાથી કર્મચારીઓ સારા હતાં. એટલે વૈશાલીને નોકરી દરમ્યાન એની એકલતા ભૂલાઇ જતી. એમાં પણ હેડ ઓફિસમાંથી બદલી થઇ પ્રૌઢ ઉંમરનાં મેનેજર સુકુમાર સિન્હા પણ નવા નવા ઓફિસમાં આવેલાં. વૈશાલીનાં હેડ હતાં પણ સાલસ સ્વભાવ અને મળતાવડા હોવાને કારણે થોડા જ સમયમાં ઓફિસમાં સૌના પ્રિય બની રહ્યા.

        વૈશાલી સાંજે ઘરે આવે, સવારે બે ટાઇમનું બનાવેલી રસોઇ ગ્રમ કરી રાતે જમી લેતી. એકલા એકલા જમવામાં પણ મજા નહોતી આવતી. મોડી રાત સુધી ટીવી જોતી, વાંચતી પણ મનને કાંઇ ચેન પડતું નહોતું. ‘કશુંક ખૂટી રહ્યું છે એવો અજંપો સતત મનને કોર્યા કરતો. વૈશાલી પણ એક સમજ્દાર યુવતી હતી અને સમજતી હતી કે આ વધી રહેલી આયુનો અણસાર છે, અજંપો છે, ખાલીપો છે અને જરૂરીયાત છે.

        બત્રીસી વટાવી ગયા પછી વૈશાલી ધીંગામસ્તી કરતાં યુગલોને જોતી, કે ફિલ્મોમાં કે ટીવીમાં આવતાં ઉત્કટ પ્રણયનાં દ્રશ્યો જોતી ત્યારે તેને પણ અનુભવાતું કે તે તેને શેની અતૃપ્તિ છે? દિવસે દિવસે આ એકલતા અને અતૃપ્તિ વધવા લાગ્યા. વૈશાલીને લાગ્યું કે કોઇ યોગ્ય સાથીની અને એનાં સહવાસની એને તાતી જરૂરીયાત છે. આ જરૂરીયાત તો માત્ર લગ્નથી જ પુરી થઇ શકે એમ છે. વૈશાલીએ જીવનસાથીને શોધવા આસપાસ નજર દોડાવી.

        તેંત્રીસ-પાંત્રીસ-સાડત્રીસ નો કોઇ પણ સુશીક્ષીત પુરૂષ અને મારી સાથે શોભે એવો મળે કે તરત જ પરણી જવું છે. જેથી એકલતા અને અતૃપ્તિનાં આ દાવાનળને શાંત કરી શકાય. જીવનમાં આનંદનો આવિષ્કાર થાય અને મારા આ એકલતાનાં વૃક્ષ પર ફરી વાસંત મ્હોરી ઉઠે.

        વૈશાલી કોઇ મોલમાં શોપીંગ કરવા ગઇ હોય દરમિયાન કોલેજમાં સાથે ભણતા મિત્રો મળી જાય તો તેમની ખુશહાલ ઝીંદગી જોઇ તેનાંથી પોતાની આ હાલત પર નિસાસો નખાઇ જતો. ‘ઢળતી યુવાનીને યોગ્ય જીવનસાથી મળશે કે પછી બાકીનું જીવન આમ જ એકલતા અને અતૃપ્તિનાં વલવલાટમાં પુરૂ થશે?

        વૈશાલીએ ‘લગ્નવિષયક’ જાહેરાતો જોવા માંડી. મોટી ઉંમરનો કોઇ વિધૂર હોય, કોઇ ડિવોર્સી ભલે હોય. આમ કરતાં કરતાં એક દિવસ તેની નજર એક જાહેરાત પર પડી, ‘યોગ્ય પાત્રની તલાશમાં અપરણિત રહેલાં, બેંકમાં ઉચ્ચ હોદ્દો ધરાવતા પિસ્તાલીસ વર્ષનાં અને સાધન સંપન્ન પુરૂષને યોગુઅ જીવનસાથીની જરૂર છે. જ્ઞાતિબાધ નથી.’

        વૈશાલીને લાગ્યું કે આ જાહેરાત જાણે એનાં માટે જ આવેલી. પોતાનાં જ ક્ષેત્રનો વ્યક્તિ છે. પોતાનાંથી બાર વર્ષ મોટો છે પણ અરજી કરવામાં શો વાંધો છે. વૈશાલીએ પોતાનાં બાયોડેટા સહિત જાહેરાતમાં જણાવેલ સરનામા પર અરજી કરી દીધી. થાય તો ઠીક છે. જીવનમાં પહેલા વાર જ આ રીતે કોઇ પુરૂષને મળવાનું થશે, અને એ અરજીનાં જવાબની રાહ જોવા લાગી.

        એક દિવસ વૈશાલી બેંકમાંથી છૂટીને ઘરે જવા બસસ્ટેન્ડ પર ઊભી હતી, ત્યાં એક કાર અટકી અને સિન્હા સાહેબ ઉતરી વૈશાલી પાસે આવ્યા. ‘વૈશાલી, મારે તમારી સાથે એક અગત્યની વાત કરવાની છે. જો વાંધો ન હોય તો હું તમારી સાથે તમારા ઘરે આવું’ પોતાનાં બોસ અને હેડની આવી નિખાલસ છતાંય સજ્જ્નતા વૈશાલીને સ્પર્શી ગઇ, અને તેમની સાથે ઘરે આવવા એમની જ કારમાં બેસી ગઇ. બંને ઘરે આવ્યા. વૈશાલીએ સિન્હા સાહેબને પાણી આપ્યું, પછી પોતે સામેનાં સોફા પર બેસી ગઇ.

        થોડીવારમાં સિન્હા સાહેબે વૈશાલીને એક કાગળ આપ્યો, આ એજ અરજી હતી જે વૈશાલીએ લગ્ન વિષયક જાહેરાત વાંચીને કરેલી. વૈશાલી શરમાઇ ગઇને કહ્યું કે, ‘મેં તમને મારો બાયોડેટા મોકલેલો?’ સાહેબે સંમતિ સુચક માથું હલાવીને હ્ળવે અવાજે પુછ્યું કે, ‘આપણે એકબીજાને ઓળખીયે છીએ. તમારો શો ઉત્તર છે?’

        મારી ‘હા’ છે, વૈશાલીએ તુરંત જ જવાબ આપ્યો.

        આખરે તેત્રીસ વર્ષની વૈશાલી અને પિસ્તાલીસ વર્ષનાં સુકુમાર સિન્હા બેઉં લગ્નગ્રંથીથી જોડાઇ ગયા. વૈશાલીની એકલતા અને અતૃપ્તિ ઓગળી ગયા અને ઢળતા યૌવનની આથમતી સાંજે વૈશાલીનાં જીવનમાં સહજીવનની વસંત ખીલી ઉઠી અને તેનું જીવન આનંદનાં સુર્યથી ઝળહળી ઉઠ્યું.

26 comments:

  1. વાહ! સરસ વાર્તા છે.

    ReplyDelete
    Replies
    1. તમને ગમી એ મને પણ ગમ્યું... અને ગમતાનો તો ગુલાલ જ કરાય ને!

      Delete
  2. મહેન્દ્ર ચોટલિયા21 September 2013 at 18:13

    જોયું. હું તો પહેલે થી કહેતો હતો, કે વાર્તા લખો. તમારી વાર્તા કહેવાની શૈલી સરસ અને રસાળ છે. જામશે જ.

    ReplyDelete
    Replies
    1. મહેન્દ્રભાઇ, તમારી વાત અને આજ્ઞા સરઆંખો પર... જામી ને?

      Delete
  3. શિર્ષક સરસ અને યોગ્ય. થોડું લાબું પણ આકર્ષક.

    ReplyDelete
    Replies
    1. અત્યારે તો લાંબા શિર્ષકનો જમાનો છે દોસ્ત!

      Delete
  4. વૈશાલી અને સિન્હા સાહેબને નવજીવનની શુભેચ્છાઓ. સરસ પ્લોટ છે.

    ReplyDelete
  5. આ તો કોઇ ફિલ્મની કે નાટકની સ્ટોરી જેવું લાગે છે.

    ReplyDelete
    Replies
    1. તો બનાવો કોઇ નાટક. સ્ટોરી હાજર છે. કરો અભિનય. લખવા હું હાજર છું.

      Delete
  6. Nice Story.

    ReplyDelete
    Replies
    1. Thank you very my Bhaveshbhai... Now I will call you Bhaveshbhai instead of Mr. Gandhi.

      Mr. Gandhi is something like very mature and boss like attitude. In Bhaveshbhai, it smells like friend a brother and like good friend...

      You are always put your views on my every article. Thanks dear.

      Delete
  7. We all are fond of you now.

    ReplyDelete
    Replies
    1. I m not till at that stage. Please be with me and keep me your friend.

      Delete
  8. દિવ્યા મેહ્તા23 September 2013 at 18:25

    વાર્તા ગમી.

    ReplyDelete
    Replies
    1. ખુબ ખુબ આભાર. વાંચતા રહેજો.

      Delete
  9. Your story telling style is indeed quite interesting.

    ReplyDelete
    Replies
    1. Thank you very very much Jayesh. Your appreciation means lot for me. Thanks a lot. Keep reading my blog my friend. Keep commenting.

      Delete
  10. મેઘ ખાગડ24 September 2013 at 21:50

    ખુબ સરસ રજુઆત અને ગમે એવી વાર્તા. વાર્તા કહેવાની તમારી રીત મનને સ્પર્શે એવી છે.

    ReplyDelete
    Replies
    1. આભાર આપનો. વાર્તા કહેવાની કોશીશ કરું છું. મારા મનને સ્પર્ષે છે એટલે એવી આશા પણ રાખું કે મારા વાચકોને પણ સ્પર્શે. આભાર તમારો કે તમે મારી મહેનતનો યોગ્ય પડઘો પાડ્યો. વાંચતા રહેશો.

      Delete
  11. Superb description and nice portrait of all characters.

    ReplyDelete
  12. Touchy Story. Really Like. Good.

    ReplyDelete
    Replies
    1. Yaah. You can say it a sleepy feelings of a helpless lady.

      Delete
  13. Wah Jignesh saras varta chhe, Nam pan Saras rakhayu chhe SUKUMAR 1975 ma chupke chupke ma Amitabh nu nam hatu barbar ne. Varta kehavani style saras chhe teni to mane khabar chhe j . saras keep it up.

    ReplyDelete