Wednesday 25 September 2013

વાસ્તવિકતા સ્વિકારો…

સંત કબીર
આચાર્ય રજનીશ

        કબીર વિશે સર્જનાત્મક ચિંતન જેટલું આચાર્ય રજનીશે કરેલું છે તેટલું ભાગ્યે જ કોઇએ કરેલું હશે. આચાર્ય રજનીશ મુલ્લા નસરૂદ્દિનની કથા કહે છે. તેનાં વિનોદ માટે નહીં, પણ તેમાંથી પણ કોઇ મર્મ સમજાવવા. એવી એક કથા જે મને ખુબ ગમી ગઇ છે.


        મુલ્લા નસરૂદ્દિન ટ્રેનમાં પ્રવાસ કરી રહ્યા હતાં. ટિકિટ ક્લેક્ટ્રર આવ્યો. તેમણે ટીકીટ માંગી. મુલ્લાએ ખિસ્સાં જોયાં, સામાન ખોલીને જોયું પણ ટીકીટ ક્યાંય મળી નહીં. મુલ્લાનો ચહેરો પસીનો પસીનો થઇ ગયો. આ જોઇને ટીકીટ કલેક્ટરે મુલ્લાને કહ્યું કે, ‘ભાઇ અમે બધાં ખિસ્સા જોયાં પણ આ એક ખિસ્સું તો જોયુમ જ નથી. કદાચ તેમાં તમારી ટીકીટ હશે.’

        મુલ્લાએ કહ્યું, ‘તમે મહેરબાને કરી એ ખિસ્સાની વાત ન કરો. હું એ જોવાનો નથી. એ મારી એકમાત્ર આશા છે. જો હું એ ખિસ્સું જૌં અને તેમાં ટીકીટ ન મળે તો ટિકિટ નથી જ એની મને ખાતરી થઇ જાય. એ ખિસ્સાને નથી જોવું. એ મારી સલામતી માટેનું ખિસ્સું છે. ટિકિટ કદાચ એ ખિસ્સામાં હશે એવી હું આશા રાખી શકું. એટલે હું એ ખિસ્સાને અડકીશ પણ નહીં. ટિકિટ મળે કે ન મળે પણ એ ખિસ્સાને હું જોવાનો નથી.’

        વાત હસી કાઢવા જેવી નથી. ઘણીવાર આપણે આ જ કરતાં હોઇએ છીએ. સ્થૂળ રીતે નહીં તો સૂક્ષ્મ રીતે પણ આ રીતે જ વર્તતા હોઇએ છીએ. ક્યારેક કોઇ દિવસ આપણે ધારીએ છીએ તે થશે એવી આશામાં જિંદગીની એક પછી એક જિવાતી ક્ષણ ફંફોસતા રહીએ છીએ. જે ઇચ્છીએ છીએ એ અશક્ય છે, પ્રાપ્ત થાય એમ નથી, એ સ્વિકારી લઇએ તો એ ક્ષણ પુરતું દુઃખ થાય, પણ પછીની ક્ષણો તો આનંદમાં જ વીતે. પરંતુ સત્ય સ્વિકારવાની તૈયારી ન હોય, એટલા માટે બધી જ ક્ષણોને વેડફી નાંખીએ છીએ.

        આપણે સંપૂર્ણતાનું સ્વપ્ન જોઇએ છીએ. ડગલે ને પગલે આપણી પોતાની અપૂર્ણતા એ સ્વપ્નમાંથી ચોંકાવીને જગાડી મૂકે છે. સંપૂર્ણતા શક્ય જ નથી, એ સ્વિકારી લઇએ તો સ્વપ્ન ચૂર થઇ જાય, પણ સતત અનુભવાતી વ્યથામાંથી તો મૂક્તિ મળે જ. સંપૂર્ણતા માટેનાં હવાતિયાં મારવાને બદલે અપૂર્ણતાનું સૌંદર્ય જોવાની દ્રષ્ટિ જગે.

        ઇશ્વરનાં નરી આંખે દર્શન કરવાં છે. એમ માની તપ, વ્રત, નિયમ, કરતાં એક સાધુને કોઇ સિદ્ધ મળી ગયા. એમણે એમને કહ્યું કે, ‘ભાઇ, આ બધું કરીને તો ક્યારેક સાક્ષાત્કાર થશે તો પણ ઇશ્વરને નરી આંખે જોઇ શકાય એટલું તેજ પણ નહીં સાચવી શકે. ઇશ્વરનાં નરી આંખે દર્શન અશક્ય છે. એનાં બદલે તું જે કંઇ જુએ એમાં ઇશ્વરનો અંશ શોધવાનો પ્રયત્ન કર.’

        એ જ ક્ષણે એ સાધુને લાગ્યું કે આ શબ્દોમાં જ ઇશ્વરનો અંશ છે. એ સિદ્ધ પુરૂષ તો ત્યાંથી ચાલ્યા ગયેલા. પછી એ સાધુએ તેની આસપાસ નજર કરી. તો એને ખબર પડી કે અનુભવ થયો કે એ જ્યારે તપસ્યામાં હતો ત્યારે ક્યારે વસંત આવી અને ચાલી ગઇ એની ખબર પણ નહોતી પડી. ક્યારે વર્ષાઋતુ આવી અને ચાલી ગઇ એનો અનુભવ પણ નહોતો થયો. પરંતુ હવે? દ્રષ્ટિ બદલી એટલે સૃષ્ટિ પણ બદલી. આસપાસ પથરાયેલા લીલાછમ વાતાવરણમાં એને ઇશ્વરનો અંશ દેખાયો, પ્રફુલ્લિત ફુલોમાં, વનરાજીમાં ભગવાનનો સ્પર્શ થયો. નદીનાં વહેતાં પ્રવાહમાં અને એનાં ખળખળ વહેતાં નાદમાં દૈવી ગતિ હતી.

        અત્યાર સુધી એ ઇચ્છતો કે કોઇ મળવા આવે ને ‘હું ઇશ્વર છું’ એમ કહીને તેની સામે ઊભા રહે. દેહધારી, વિચિત્ર વેશભૂષાધારી ઇશ્વરની એને અપેક્ષા હતી.. ઇશ્વર બધે છે એ વાતનો એને ખ્યાલ જ ન હતો. ઇશ્વરનાં નરી આંખે સાક્ષાત્કાર નહીં જ થાય એવું પેલા સિદ્ધ પુરૂષે કહ્યું ત્યારે તો એ હતાશ થઇ ગયો હતો. ‘મારી બધી જ સાધના વ્યર્થ ગઇ, એળે ગઇ…’ એવો વસવસો અનુભવતો હતો. પણ પછી જ્યારે સત્ય સમજાયું કે કશું એળે નથી જતું. જે ગુમાવ્યું છે તે ત્યાં હોઇ શકે એવી સંભાવના કે આશા રાખી શકાય એ માટે એક ખિસ્સું જોયા વિનાનું રાખે એ કરતાં એ ખિસ્સું જોઇ લે અને પોતે કશુંક ગુમાવી જ દીધું છે તેની ખાતરી થાય, તો કદાચ નવ-પ્રાપ્તિની કેડી મળે.

        આપણી આ તૈયારી નથી.

        છેલ્લી આશાનું સ્વપ્ન ગમે  તેવું છે. કવિઓ પણ ગાતા હોય છેઃ
કઇ લાખો નિરાશામાં, અમર આશા છુપાઇ છે.

એક અંધેરા લાખ સિતારે…

        અંધકાર પછી સવાર ઊગવાનું જ છે, એવી પ્રતિતિમાં અંધકારને માણી શકાતો નથી. પાનખર પછી વસંત આવશે જ એનાં વિચારમાં પાનખર આવીને વહી ગઇ એની પણ કલ્પના નથી રહેતી.

        હમણાં એક મિત્રે પૂછ્યું, ‘તબિયત કેમ છે?’

        ‘સારી’ મેં કહ્યું.

        અંગત મિત્ર હતાં. એટલે મારા જવાબને સપાટી પરથી એમણે ન સ્વિકારી લીધો. આગળ પુછ્યું.
        ‘કંઇ તકલીફ તો નથી ને હવે?’

        હવે જવાબ આપવો જ પડ્યો.

        ‘તકલીફ તો છે જ. માત્ર હવે એ સહન કરતાં શરીર ટેવાઇ ગયું છે.’


        અંધકાર તો છે જ. એમ સ્વિકારી લઇએ તો અંધકારનું સૌંદર્ય આપણી સમક્ષ પ્રગટ થાય છે. સવારની રાહ જોતાં હોઇએ ત્યાં સુધી અંધકાર પોતાનાં સૌંદર્યને પડદા પાછળ ઢાંકી રાખે છે. મુલ્લા નસરૂદ્દિનનાં ‘એકમાત્ર આશા’ જેવા ખિસ્સાની જેમ…

10 comments:

  1. અંધકાર તો છે જ. એમ સ્વિકારી લઇએ તો અંધકારનું સૌંદર્ય આપણી સમક્ષ પ્રગટ થાય છે. Nice Line.

    ReplyDelete
    Replies
    1. ખરી જ વાત છે ને. જે છે એ છે જ. ખોટા ધમપછાડા કરીને પણ જે તે પરિસ્થિતિ બદલવાની ન હોય તો તેને સહજ સરળતાથી સ્વિકારી લેવામાં જ શાણપણ છે. ખરું કે નહીં...?

      Delete
  2. Always b in presence. Very true.

    ReplyDelete
    Replies
    1. This is fact and reality. Never ever try to make the situation in favor of you. It could not be possible all time. So it is quite necessary to make your self comfortable with the situation. May b you can get the solution.

      Delete
  3. મેઘ ખાગડ30 September 2013 at 21:27

    સાચી વાત છે. ખોટી ભ્રમણામાં કેદ રહેવા કરતાં તે ભ્રમજાળ તોડી તેમાંથી આઝાદી મેળવી વાસ્તવિકતાનાં સૂર્યનો સામનો કરવામાં સાચી હિંમત અને કેળવણી છે. એમ નમ્ર પણે હું માનું છું.

    ReplyDelete
    Replies
    1. ૧૦૦% સાચી વાત અને સંપૂર્ણ ટેકો.

      Delete
  4. Good Description. I like it. Quite Motivational too.

    ReplyDelete
    Replies
    1. Yaah. I had try to make it little bit motivational too. Thanks dear reader.

      Delete
  5. GHANSHYAM N VYAS4 October 2013 at 10:35

    Very nice article about Reality.

    ReplyDelete
    Replies
    1. Thanks a lot my dear friend. Thank you very much.

      Delete