Thursday 10 October 2013

માનવજીવનમાં શાસ્ત્રો અને ગ્રંથોનું મહત્વઃ-

    
 

        ભારતિય વેદશાસ્ત્રોની પરંપરામાં વૈદાતિરિક્ત સ્મૃતિ સાહિત્ય પણ વિશેષ મહત્વ ધરાવે છે. સ્મૃતિ શબ્દનો પ્રયોગ શ્રુતિગ્રંથોથી પૃથક બતાવવા માટે કરેલો છે. શ્રુતિ-સ્મૃતિ શબ્દનો વ્યુત્પત્યર્થ જોઇએ તો ખ્યાલ આવે કે, ‘શ્રુતિ એટલે ‘श्रुयते अनेन इति श्रुतिः’ અને સ્મૃતિ એટલે ‘स्मर्यते अनेन इति स्मृतिः’ પ્રાચીન ભારતમાં એક એવી પરંપરા હતી કે વેદ મંત્રોનું અધ્યયન કેવળ શ્રવણમાત્રથી થતું હતું, જેમકે ગુરૂ મંત્રોચ્ચાર કરે અને તેમની પાછળ શિષ્ય બોલે. એ સમયે અત્યારને જેમ લેખન કાર્ય કરીને ભણાવવામાં આવતું ન હતું. શિષ્યો કેવળ શ્રવણ માત્રથી ભણતાં, તેથી તેનું નામ ‘શ્રુતિ’ એવું પડ્યું અને કાળાન્તરે એજ વૈદિક મંત્રોનાં સિદ્ધાંતોને સ્મરણ કરી ઋષિઓએ જે ગ્રંથોની રચના લૌકિક ભાષામાં કરી તેને સ્મૃતિ કહેવામાં આવે છે.

        ઉપરોક્ત શ્રુતિસ્મૃત્યાત્મક ગ્રંથોમાં રહેલા આચારને જ ધર્મ એવું નામ આપવામાં આવ્યું છે. શ્રી સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રી શ્લોક ૧૦૩માં કહેલું છે કે, ‘धर्मो ज्ञेयः सदाचरः श्रुतिस्मृत्युपपादितः’ । સંક્ષેપમાં કહીએ તો શ્રુતિથી વેદ ગ્રાહ્ય છે અને સ્મૃતિથી ધર્મ શાસ્ત્રોનું ગ્રહણ કરાય છે. મનુસ્મૃતિમાં કહ્યું છે કે, ‘श्रुतिस्तु वेदो विज्ञयो धर्मशास्त्रं तु वै स्मृतिः’ । શ્રુતિ શ્રવણ, મનન અને અધ્યાપનનો વિષય છે, જ્યારે સ્મૃતિ કેવળ સ્મરણનો વિષય છે. ટુંકમાં સ્મૃતિ અને ધર્મશાસ્ત્ર આ બંન્ને શબ્દો પર્યાયવાચક કહી શકાય.

        વેદસાહિત્યમાં શ્રૌતસૂત્રોની જેમ કલ્પસૂત્રો પણ પ્રાપ્ત થાય છે. તેમાં શ્રૌતસૂત્રો જ્ઞાન, ઉપાસના તેમજ કર્મકાંડનાં વિવેચક છે. પણ ગૃહ્યસૂત્રો ગૃહસ્થજીવનની જન્મ, જન્મપૂર્વે, વિવાહ, મૃત્યુ કે મૃત્યુબાદ પ્રંસંગોપાત કરાતી ક્રિયાઓનું વર્ણન કરે છે. તેથી તેમને ગૃહ્યસૂત્રો અથવા સ્મૃતિસૂત્રો અર્થાત સ્મૃતિ આધારિત સૂત્રો કહેવામાં આવે છે. આ રીતે સ્મૃતિનો શ્રુતિથી ભેદ સ્પષ્ટ કરી શકાય છે. કારણ કે સ્મૃતિ કેવળ પ્રત્યક્ષ સ્મરણ ઉપર જ ભાર આપે છે, તેથી તેના માટે કોઇ વિશેષ શિક્ષા અથવા સાધનાની આવશ્યકતા નથી.

        સ્મૃતિગ્રંથોમાં મનુ અને યાજ્ઞવલ્કય સ્મૃતિઓ અગ્રેસર છે. તેમાં મનુસ્મૃતિ સર્વથી પ્રાચીન છે. જ્યારે યાજ્ઞવલ્કય સ્મૃતિ ત્યારબાદની રચના છે. પ્રાયઃ સ્મૃતિગ્રંથો પદ્યાત્મક છે અને તેમની ભાષા લૌકિક છે. મનુ, યાજ્ઞવલ્કય, ગૌતમ, અંગીરા, બૃહસ્પતિ, દક્ષ, શાતાતપ, પરાશર, પ્રચેતા, સંવર્ત, શંખ, લિખિત, ઉશનસ, આપસ્તમ્બ, અત્રિ, વિષ્ણુ, હારિત વગેરે ઋષિઓ મુખ્ય સ્મતિકારો કહેવાય છે અને ઉપસ્મૃતિકારોમાં વ્યાસ, સન્તકુમાર, બૌધાયન, ગાર્ગ્ય, નારદ, પુલાહો, શૌનક, કાત્યાયન, વિશ્વામિત્ર, પુલ્ત્સ્ય, ક્રતુ વગેરે ૨૧ ઋષિઓ છે.

        પ્રાચીનકાળથી અર્વાચીન સમય સુધી ઘણા વિદ્વાનોએ ધર્મની વ્યાખ્યાઓનું સ્વરૂપ આપણને સમજાવતા આવ્યા છે, પણ અદ્યાપિ ધર્મ એવું જ્યારે સાંભળવામાં આવે છે ત્યારે માનવીને એમ થાય છે કે ટીલાં-ટપકાં, કંઠી, માળા, દેવદર્શન વગેરે બાબતો જ ધર્મ છે. પરંતુ આ માન્યતા મહદ્દ અંશે ભૂલભરેલી છે. કારણ કે ધર્મનાં વાસ્તવિક સ્વરૂપને આપણે સમજી શક્યા નથી. ધર્મનાં લક્ષણ હજારો વર્ષ પૂર્વે મહર્ષિ જૈમિનીએ મીમાંસાં ગ્રંથમાં જણાવતા કહ્યું છે કે,
यतोड्भ्युदयः निश्रेयः स सिद्धि स धर्मः ।
અથવા
धारणाद्धर्ममित्याहु र्धर्मो धारयति प्रजाः ।
      અર્થાત, “જે ક્રિયા કે કર્મ કરવાથી તમારી અને બીજાની લૌકિક અને અલૌકિક પ્રગતિ થાય તેને ધર્મ નામ આપવામાં આવેલું છે.” અથવા “જે પ્રવૃત્તિ કરવાથી સમસ્ત સમાજનું અસ્તિત્વ વર્ષો સુધી ટકી રહે તેને ધર્મ કહે છે.” હવે આ બાબતમાં ક્યાં આવ્યા ટીલાં-ટપકાં કે માળા-કંઠી? અર્થાત માનવને સમાજમાં માનવ તરીકે જીવતા શીખવાડે, પશુ બનતા અટકાવે, પ્રગતિનાં રસ્તે લઇ જાય અને મનુષ્યનાં જીવનનું જે પરિબળ કરે તેને ધર્મ કહે છે.

        યાજ્ઞવલ્કય મહર્ષિનાં શબ્દોમાં કહીએ તો,
श्रुतिः स्मृतिः सदाचारः स्वस्य च प्रियमात्मनः ।
सम्यक्संकल्पजः कामो धर्ममूलमिदं स्मृतम् ॥
      અર્થાત, શ્રુતિગ્રંથો, સ્મૃતિગ્રંથો, સદાચાર કે મહાપુરૂષોએ આચરણ કરેલી ક્રિયા અને અંતઃકરણે ચીંધેલો માર્ગ મનુષ્યનાં વ્યક્તિત્વને ઘડે છે તે જ ધર્મ છે.

        માનવમાત્ર પોતાની ઉર્ધ્વગતિને ચાહે છે. પણ જ્યાં સુધી માનવ માનવતાને સંપાદન કરતો નથી ત્યાં સુધી તેની ઝંખના પૂર્ણ થતી નથી. ઇશ્વરે સૃષ્ટિમાં કેવળ માનવને બુદ્ધિ આપી છે. તે દ્વારા સારા-નરસાનો, ધર્મ-અધર્મનો નીર-ક્ષીરનો વિવેક પ્રાપ્ત કરી, માનવ પ્રેમ, દયા કે જીવપ્રાણીમાત્ર પ્રત્યે આત્મભાવ દેખાડી શકે છે. યદ્યપિ માનવનું વ્યક્તિત્વ જડ પદાર્થ તુલ્ય છે, છતાં તેનો વિકાસ મન, બુદ્ધિ. હ્રદય કે વિચારો જેવા ચેતન પદાર્થો વડે થાય છે. એટલું જ નહીં પ્રંતુ તે દ્વારા તે આત્માને પણ આધ્યાત્મિક માર્ગ ચીંધે છે.


        જ્યાં સુધી માનવી નિયંત્રણ કે નિયમનની હેઠળ હોય છે ત્યાં સુધી સુખી રહે છે. પણ જ્યારે ઉદ્ધત કે સ્વચ્છંદી બને છે ત્યારે પોતે તો દુઃખી થાય જ છે પણ તેની આસપાસનાં સમાજને અને મનુષ્ય માત્રને હેરાન કરે છે. આ પરિસ્થિતિમાંથી માનવને બચાવવા તેનાં પર નિયંત્રણ – નિયમન કે શાસન ખુબ જ આવશ્યક છે. પરંતુ આજના યુગનુમ સરમુખ્ત્યારશાહી કે લોકશાહી શાસન સમાજમાં ઇષ્ટ મનાતુમ હશે, પરંતુ તે સમાજને બચાવવા સમર્થ નથી, જે એક નિર્વિવાદ હકીકત છે જે સ્વિકારવી રહી. માનવને, સમાજને કે તેનાં અન્ય અંગોને સરળતાથી નિયમિત – નિયંત્રિત રાખનાર જો કોઇ હોય તો તે આ ભારતિય સંસ્કૃતિનાં મૂળભૂત ગ્રંથો છે, તેથી જ તે ગ્રંથોનું નામ ‘શાસ્ત્ર’ એવા શબ્દોથી સાર્થક થાય છે. 

4 comments:

  1. Good Information. I become happily wonder to know that you can write on spirituality too.

    ReplyDelete
  2. મેઘ ખાગડ17 October 2013 at 19:08

    ખુબ સરસ આલેખન. મને ગમ્યું કે તમે બીજા બધા વિષયોની જેમ આધ્યાત્મ આધારિત પણ લખી શકો છો.

    ReplyDelete
    Replies
    1. ઉપર જવાબ લખ્યા મુજબ, કોશીશ કરી છે. તમને ગમ્યું માટે આભાર.

      Delete