Saturday 5 October 2013

માનવ મનનો અસલી ચહેરો ક્યો?



        પૂ. મોરારીબાપુ એમની કથા દરમ્યાન એક દ્રષ્ટાંત આપેલું, કે કોઇ આગળ પોતાનું દુઃખ રડશો નહીં, કોઇ આપનું દુઃખ દુર કરી શકે એમ નથી. દુનિયા શું આપણું દુઃખ દૂર કરવાની હતી? દુનિયાથી ન ભય પામવું કે ન લાચાર થવું. એમ કહેતાં તેઓ એક દ્રષ્ટાંત આપે છે એક છોકરો ગ્રેજ્યુએટ થયો. પણ નોકરી ન મળે. બધે નોકરી શોધી શોધીને અંતે થાક્યો અને નક્કી કર્યું કે જેવી મળે એવી નોકરી હવે સ્વિકારી લેવી.

        ગામમાં એક સરકર આવ્યું હતું. ડૂબતો માણસ જેમ તરણા ને બાઝે એમ આ છોકરો સરકસનાં મેનેજર પાસે ગયો. તેમને વિનંતી કરી કે ‘મને કોઇ પણ કામે રાખી લો, મારે નોકરીની સખત જરૂર છે.’ સરકસનાં મેનેજરે કહ્યું કે ‘ભાઇ, મારે ત્યાં તો બીજુમ શુમ કામ હોય? હા, એક કામ છે. ગઇકાલે રાતે અમારૂં રીંછ મરી ગયું. તું રીંછનું ચામડુ પહેરીને જો સરકસમાં રીંછનો રોલ ભજવે તો દરેક શોનાં તને દોઢસો રૂપીયા આપું.’ લાચારીમાં માણસ કોઇપણ કામ સ્વિકારી લે એમ છોકરાએ રીંછ બનવાનું સ્વિકારી લીધું. આ છોકરાએ થોડી તાલીમ લીધી અને શો દરમ્યાન રીંછનું ચામડું પહેરીને રીંગમાં આવ્યો. રીંછ તરીકે એનો પ્રભાવ પડ્યો.

        અચાનક રીંગમાં સિંહનું પાંજરુ લાવવામાં આવ્યું. પાંજરૂ ખુલ્યુ અને વિકરાળ સિંહે રીંછને જોઇને બહાર છલાંગ મારી. ભયનાં માર્યું રીંછ ભાગવા જતું હતું, ત્યાં પેલા સિંહે કહ્યું કે, ‘દોસ્ત, ડર નહીં ભાગ મા. તું ગ્રેજ્યુએટ થયેલો છે તો હું અનુસ્નાતક છું. તે રીંછનું ચામડું પહેર્યું છે અને મેં સિંહનું.’

        આ દ્રષ્ટાંત પછી બાપુ કહે છે કે ‘કોણ કોનાથી ભાગે? બધાએ મહોરાં પહેર્યાં છે. એ મહોરાં નીચે તો દુઃખ અને લાચારી જ છે. આ કથા આ દ્રષ્ટાંત મને ખુબ ગમે છે. આમ તો બાપુની બધી વાત મને ગમે છે પણ એમાં પણ આ ખાસ.

        આપણું દુઃખ આપણે કોઇનીય પાસે રડવા જઇએ તો કોઇ હમદર્દ હોય, દોસ્ત હોય તો સમભાવથી સાંભળે. કોઇ દેખાવ પૂરતો મિત્ર હોય તો મનમાં હસે પણ કે, ‘હંમ્મ, હવે  કેવો ફસાયો?’ કોઇને ઉપદેશ આપવાની આદત હોય તો એમ કહે કે, ‘ભાઇ, આમ ન કર્યું હોત તો આ દુઃખ ન આવત.’ દુઃખી હોઇએ ત્યારે બધા જ ઉપદેશ આપવા નીકળી પડે છે. કવિ મરીઝે સરસ કહ્યું છે કે,

‘બસ દુર્દશાનો એટલો આભાર હોય છે;
જે પણ મળે છે મુજથી સમજદાર હોય છે.’

        આવા ઉપદેશોથી દુઃખ ઘટતું નથી. ક્યારેક ઉપહાસને કારણે વધુ તિવ્ર બની જતું હોય છે. તો ક્યારેક સમભાવ કે અમસ્તી સહાનુભૂતિથી પણ વધતું હોય છે. જેની પાસે આપણે આપણા દુઃખડા રડવા જઇએ છીએ, શું એ પોતે સુખી હોય છે? જો એ સુખી હોય આટલો સમજદાર હોય તો તે આ દુન્વયી દુનિયાનાં વ્યવહારોથે પર થઇ ગયો હોય દોસ્ત…!

        છતાંય માણસને ક્યાંક તો હ્રદય ઠાલવવાનો ખપ પડે છે. આવું બને ત્યારે હ્રદય ઠલવાય છે ખરૂં? હ્રદયમાંનુ દુઃખ ઘટે છે કે વધે છે? કોઇને કહી દઇએ ત્યારે મન હળવું બને એવી માન્યતા છે. વાસ્તવમાં કહીએ તો એટલી ક્ષણો એટલી મીનીટો ભલે હળવાશ અનુભવીએ પછી તો માંહ્યલી વેદના ઓર ઉત્કટ બને છે. કારણ કે જેને પણ વાત કરો કે મન ખોલો તે ઘડીક સાંભળે, ઉપેક્ષા કરે, સમભાવ બતાવે, સહાનુભૂતિ વ્યક્ત કરે કે ઉપહાસ કરે પણ આ કોઇપણ સંજોગોમાં સામેવાંળી વ્યક્તિ તમારૂં દુઃખ ઘટાડી તો નથી જ શકતી. જે તે દુઃખની વેદના તો જે તે વ્યક્તિએ પોતેજ સહેવી પડતી હોય છે.



        હાં જે તમારી વાત સાંભળે છે તે પણ પોતાના દુઃખોથી પર થઇ ગયેલો હોતો નથી જ. હાં ક્યારેક જડ થઇ ગયો હોય તેવું બની શકે. જેથી એને પોતાના દુઃખોનો અનુભવ ન હોય. એની સંવેદનશક્તિની ધાર બૂઠી થઇ ગઇ હોય એવું બની શકે. કોઇક પોતાની વેદનાને ભીતર સંઘરીને સુખી હોવાનું મહોરૂં પહેરે છે. મહોરૂં એ આપણો નિત્ય સ્વભાવ છે. એટલે જ પોતાનો અસલ ચહેરો ભાગ્યે જ કોઇ જાણે છે. કવિ મનોજ ખંડેરીયાનાં શબ્દોમાં કહું તો,

‘ક્ષણો તોડવા બેસું તો વરસોનાં વરસ લાગે;
બુકાની છોડવા બેસું તો વરસોનાં વરસ લાગે…’

        બધા જ માણસોએ બુકાની બાંધી છે. જે ચહેરો અરીસામાં જોઇએ છીએ કે જેને આપણે કવચિત્ સુશોભિત કરીએ છીએ એ આપણો અસલ ચહેરો હોય છે ખરો? કેટકેટલી બુકાનીઓનાં પડ તેનાં પર ચડ્યા હોય છે! આપણે કોઇને મળીએ અને તેનાં ક્ષેમકુશળ પુછીએ ત્યારે ખરેખર આપણને એનાં ક્ષેમ કે કુશળની ચિંતા કે ખેવના હોય છે ખરી?
       
        માણસનાં મૃત્યુ પછી જ માણસને એનાં સદ્દ્ગુણોની ખબર પડે છે. અને એનાં ગુણગાન કરે છે. ક્યારેક આ ગુણગાનમાં નર્યો દંભ પણ હોય છે. ચહેરો પહેરીને કરાતી વાતોમાં સચ્ચાઇ ક્યાંય તળીયે પણ બેઠી હશે કે કેમ એ વાત વિચારયોગ્ય બની જાય છે. માત્ર મૃત લોકો માટે જ એવું નથી. આપણી સૌથી નજીકનાં માણસો પાસે પણ આપણે પુરેપુરા પ્રગટ થઇ શકીયે છીએ ખરા? ગમે તેટલી ઇચ્છા હોય તો પણ પ્રિયજન સમક્ષ પુરેપુરા પ્રગટ થવાનું શક્ય નથી. કોઇ માણસ પોતાનાં જ માણસો સામે પુરી રીતે પ્રગટ ન થઇ શકતો હોય ત્યાં બીજા લોકો સામે તો શું પ્રગટ થતો હશે કે ખૂલતો હશે? બીજાઓ સમક્ષ તો કેટકેટલા ચહેરાઓ ઓઢીને બેસતો હશે? અહંકાર એ માણસનાં અસલ ચહેરા પરનું એક પડ છે, ઘમંડ કે ક્રુરતા એ અન્ય પડ છે. એક બુકાની છોડીએ એટલે અસલ ચહેરો પ્રગટ થાય એવું નથી. અહંકારની બુકાની છોડીએ એટલે નમ્રતાની બુકાની નીકળે. ક્રુરતાની બુકાની છોડો એટલે દયાની બુકાની પહેરી લેવાય. આમ બુકાની છોડવાની પ્રક્રિયા સહેલી નથી. કવિ કહે છે એમ કરતાં તો વરસોનાં વરસ લાગી જાય.


        બધાં જ દુઃખી છે. એમાંથી કોઇ સુખનું મહોરૂં પહેરે છે. કોઇ વધુ દુઃખી હોવાનું. કરૂણ રાગ કાઢીને ભીખ માંગનારો હાથમાં મોટો સિક્કો કે નોટ આવી જાય તો ખુશીનું ગીત ગણગણવા માંડે અને કશું ન આવે તો બે-ચાર અપશબ્દો પણ ચોપડાવી દે, બોલી નાંખે. આનો અર્થ તો એ જ થયો કે તેને વધુ દુઃખી દેખાવાનું મહોરૂં જ પહેરેલું. આમાં અસલિયત ક્યાંય નથી. આ અસલિયત ને શોધવી ક્યાં? સોચો ઠાકુર…!

4 comments:

  1. GHANSHYAM N VYAS7 October 2013 at 11:35

    ખૂબ સુંદર લેખ છે.

    આપણા ચહેરાના સ્નાયુઓ શરીરના અન્ય ભાગ કરતાં ખૂબ વધારે જટિલ હોય છે. એમ આ સંશોધન સાથે સંકળાયલો એક ગ્રેજ્યુએટ વિદ્યાર્થી લિયાની ટેન બ્રિન્ક કહે છે. ચહેરા પર કેટલાક એવા સ્નાયુઓ છે જેમના પર તમારો કાબુ હોતો નથી. અને આશ્ર્ચર્યજનક રીતે સાચી લાગણીઓની ગેરહાજરીમાં આ સ્નાયુઓ કાર્યરત થતા નથી. જૂઠું બોલો તો એ તરત એક્ટિવ થઈ જાય. એમાં તમે કંઈ ન કરી શકો. "જો કોઈ વ્યક્તિ ખરેખર કોઈ એવું જૂઠ્ઠાણું ચલાવતી હોય કે જેના પરિણામો આજીવન કેદ જેવાં ભયંકર આવતાં હોય તો જુઠ્ઠાણું પકડાઈ જ જવાનું. કારણ કે બોડી લેન્ગ્વેજની જેમ જ તમારા ચહેરાની દેખરેખ કે એ હાવભાવને તમે સંપૂર્ણપણે નિયંત્રિત કરી શકો જ નહીં. તમારા ચહેરા પર શું દેખાઈ રહ્યું છે એની તમને જ ખબર હોતી નથી.

    ReplyDelete
    Replies
    1. દિલ સચ્ચા ઔર ચહેરા જુઠા. રહી વાત તારા આટલા અગત્યનાં માહિતીસભર અભિપ્રાયની. તો આ માટે તને સ્પેશ્યલ થેંક્યુ. દોસ્ત.

      Delete
  2. Nice article as well as nice thoughts.

    ReplyDelete