Wednesday 30 October 2013

સરદાર પટેલ - એક વિરાટ વ્યક્તિત્વ ધરાવનાર મહામાનવ...

વાચકમિત્રો, 
                 આવતીકાલે આપણાં દેશનાં પનોતા પુત્ર અને લોખંડી પુરૂષ એવા અખંડ ભારતનાં ઘડવૈયા સરદાર વલ્લભભાઇનો ૧૩૮મો જન્મદિવસ છે. તો આવો આજે આપણે તેમને યાદ કરીયે અને તેમની સ્મૃતિમાં આ લેખ અર્પણ કરૂં છું...


        વલ્લભભાઇનો જન્મ થયો, ૧૮૭૫ની ઓસ્ટોબરની ૩૧મીએ. આ એમની સત્તાવાર જન્મતારીખ માનવામાં આવે છે. કારણ કે એ સમયે બાળકોની જન્મતારીખ યાદ રાખવાનું ચલણ નહોતું. અત્યારની જેમ નાનુ કુટુંબ સુખી કુટુંબની માન્યતા પણ નહોતી. માટે વલ્લભભાઇને પુરા પાંચ ભાંડરડા. લેઉઆ પાટિદાર પટેલ એવા એમના પિતા ઝવેરભાઇ અને માતા લાડબાઇબેનનાં કુખે વલ્લભભાઇ સિવાયનાં બીજા પાંચ સંતાનો. એમાં વલ્લભભાઇ સિવાય બીજા ચાર દિકરા અને એક દિકરી. એમાં વલ્લભભાઇ માતા-પિતાનું ચોથું સંતાન.

        જે જમાનામાં છોકરી કે છોકરો માંડ ૧૦-૧૨ વર્ષનાં થાય ત્યાંતો એમને પરણાવી દેવામાં આવે એ વખતમાં વલ્લભભાઇએ પુરા ૧૮૯૨માં ૧૭ વર્ષ પુરા કર્યા અને ત્યારે એમનો વિવાહયોગ આવ્યો. વલ્લભભાઇનાં ધર્મપત્નિ એવાં કરમસદ પાસે આવેલ એક નાનકડા એવા ‘ગાના’ ગામનાં ઝવેરબા બેન વલ્લભભાઇથી પુરા પાંચ વર્ષ ‘નાના’ હતાં. એ જમાનામાં છોકરો નાની ઉંમર હોય લગ્ન પછી પણ પોતાનો અભ્યાસ વગેરે ચાલુ રાખતો. આમ, વલ્લભભાઇએ પણ લગ્ન પછી પોતાનું ભણતર પુરૂં કરવાનું હોય પુરા આઠ વર્ષનો લગ્ન પછી વિવાહીત દંપતિએ વિયોગ વેઠ્યો.

        સન ૧૯૦૦ની શરૂઆતમાં વલ્લભભાઇનો અભ્યાસ પુરો થયો અને તેમણે સફળતાપુર્વક એમની પ્લીડરની પરિક્ષા પાસ કરી, અને સાથોસાથ દંપતિનો વિયોગ પણ પુરો થયો હોય વલ્લભભાઇએ ઝવેરબાને એમની પાસે ગોધરામાં તેડાવી લીધા.આમ, ૧૮૯૨માં થયેલ લગ્ન પછી છેક ૧૯૦૦માં બંનેનું ગૃહસ્થજીવન શરૂ થયું. વલ્લભભાઇ અને ઝવેરબાનાં સ્વભાવમાં ઉત્તર-દક્ષિણનું અંતર હતું. ઝવેરબા સ્વભાવે મૃદુ, મિતભાષી અને નરમ દિલનાં હતાં જ્યારે વલ્લભભાઇ થોડા ગરમ, જોશીલા અને કોઇપણ ભોગે પોતાનું ધાર્યું કરવામાં માનનારા સખત સ્વભાવનાં યુવાન હતાં. વલ્લભભાઇની પ્રકૃતિમાં જડતાનો અનુભવ કરાવે એવી દ્રઢતા અને સિદ્ધાંત એટલે સિદ્ધાંત ની જડ માન્યતા આપણને ખટકે એવા અજીબ સ્વભાવનો સુમેળ સંગમ હતો.

        વલ્લભભાઇએ એમની વકીલાતની પ્રેકટીસ બોરસદમાં શરૂ કરી. આજીવન અવિવાહીત રહીને વલ્લભભાઇની સાથે રહેનાર એવી એમની પુત્રી મણિબેનનો જન્મ એપ્રિલ ૧૯૦૪માં થયો. નવેમ્બર ૧૯૦૫માં વલ્લભભાઇનાં પુત્ર ડાહ્યાભાઇનો જન્મ થયો. આ બંનેનો જન્મ વલ્લભભાઇનાં સાસરે ગાનામાં થયો હોવાનું માલુમ પડે છે. આ સમય દરમ્યાન વલ્લભભાઇની વકીલાતની પ્રેકટીસ સારી ચાલવા લાગેલી. ધીકતી પ્રેકટીસ અને સુખી દાંપત્યજીવનને માણતા વલ્લભભાઇ પોતાનું જીવન આનંદથી પસાર કરી રહ્યા હતાં. આ સમય દરમ્યાન વલ્લભભાઇનાં મોટાભાઇ વિઠ્ઠલભાઇ બેરિસ્ટર બનવા ઇંગ્લેન્ડ ગયા હોય તેમનાં પત્ની દિવાળી બહેન આ લોકોની સાથે બોરસદ રહેવા આવે છે, અને દિવાળીબેનનાં ખરાબ સ્વભાવને કારણે થોડા સમયમાં ઘરમાં ક્લેશ અને અશાંતિનું વાતાવરણ ઊભું થાય છે. આ વાતાવરણની બાળકો પર માઠી અસર ન પડે એ હેતુ વલ્લભભાઇ ઝવેરબાને એમનાં પિયર મોકલી આપે છે.

        ૧૯૦૮માં મોટાભાઇ બેરિસ્ટર બનીને આવતાં વિઠ્ઠલભાઇ મુંબઇ સ્થાયી થવાનું નક્કી કરે છે અને આ તરફ બોરસદમાં ફરી ઝવેરબાને પરત બોલાવી વલ્લભભાઇ દાંપત્યજીવનની ગાડી પાટે ચડાવવાની કોશીશ કરે છે. ત્યાં તો ૧૯૦૯માં ઝવેરબાને આંતરડાની ગંભીર બીમારી લાગુ પડતાં તેમની સારવાર અર્થે તેમને મુંબઇની કામા હોસ્પીટલમાં ખસેડવા પડે છે. તાત્કાલિક આંતરડાનું ઓપરેશન કર્યું. ઓપરેશન પછીનાં દિવસે ઝવેરબાની તબિયત અચાનક બગડતાં તેમનું અકાળે અવસાન થાય છે. ભરજુવાનીમાં વિધુર થયેલા વલ્લભભાઇ પત્નીનાં ઓચિંતા મૃત્યુનો વસમો ઘા પચાવી જાય છે. હવે સવાલ ઊભો છે કે મા વિનાનાં આ બંને બાળકોનાં ઉછેરનું શું? માતાનાં મૃત્યુ સમયે બંને બાળકો મણીબેન પાંચ વર્ષનાં અને ડાહ્યાભાઇ માંડ ચાર વર્ષનાં હતાં.

        ઝવેરબાનાં અકાળ અવસાન પછી કળ વળતાં પરિવારનું વલ્લભભાઇ પર ફરી લગ્ન કરવા દબાણ થયું. પણ વલ્લભભાઇ પોતાનાં સંતાનો માટે સાવકી માં લાવવા ઈચ્છતા નહોતાં માટે ખુબ દબાણ હોવા છતાં પણ એ એમનાં નિર્ણય પર અડગ રહ્યા અને બીજા લગ્ન ન જ કર્યા. વલ્લભભાઇનું સ્પષ્ટ પણે માનવું હતું કે દુનિયામાં સાવકી માં નું દુઃખ સૌથી વધુ ગણાય છે. એટલે એમનાં બાળકોને સાવકી માં નાં દુઃખથી દુઃખી કરવા કરતાં મા વગર રહેવાનું દુઃખ કદાચ ઓછું ગણાશે. વિધુર થયા બાદ વલ્લભભાઇ ૧૯૧૦માં બેરિસ્ટર બનવા ઇંગ્લેન્ડ ગયા અને ૧૯૧૩માં બેરિસ્ટર બનીને વતન પરત ફર્યા અને મોટાભાઇની જેમ મુંબઇમાં પ્રેક્ટીસ કરવાને બદલે તેમણે અમદાવાદને પોતની કર્મભૂમિ તરીકે પસંદ કર્યું.

        વલ્લભભાઇનો સંતાનો સાથેનો સંબંધ પણ જરા હટ કે હતો. એ બીજા બધા પિતાની માફક પોતાનાં સંતાનોને તુંકારે કે લાડથી બીજા કોઇ નામે સંબોધવાને બદલે માનાર્થે સંબોધતાં. કાગળો લખતા તો એમાં પણ તુંકારાને બદલે એકબીજાને માનથી જ બોલાવવાનો શીરસ્તો હતો. કાગળમાં તેઓ બંને બાળકોને મણિ અને ડાહ્યો કહેવાને બદલે ચિ. મણીબહેન કે ચિ. ડાહ્યાભાઇ, મજામાં હશો. સમાચારો લખતા રહેશો, વગેરે વગેરે… પરંતુ આવા અંગ્રેજી વિવેક વાણી વર્તનને કારણે પણ બંને બાળકોમાં મૂળગત સંસ્કારો હતાં જ. મણિબહેનનાં કહેવા મુજબ ‘તેઓ પુખ્ત થયા ત્યાં સુધી પિતા (વલ્લભભાઇ) સાથે છૂટથી વાતો કરી શકતાં નહોતાં.’ તો આ સહાદર આક્ષેપનાં જવાબમાં વલ્લભભાઇ એમ કહે છે કે, ‘આ તો પરંપરાગત રૂઢી ચાલી આવે છે અમારા પરિવારમાં. હું પણ ત્રીસ વરસનો થયો ત્યાં સુધી ઘરનાં વડિલો કે મોટાઓની હાજરીમાં બોલી પણ નહોતો શકતો.’

        વલ્લભભાઇનાં છ ભાઇ-બહેનોમાંથી વલ્લભભાઇ અને વિઠ્ઠલભાઇ જ જાહેરજીવનમાં પડ્યા. સન ૧૯૧૭માં ગાંધીજી સાથે જોડાયા પછી જ વલ્લભભાઇને પોતાના જીવનની યોગ્ય દિશા મળી. ૧૯૧૮માં ખેડા નાં સત્યાગ્રહ દરમ્યાન ગાંધીજી અને વલ્લભભાઇ વચ્ચે ઘનિષ્ટતા વધી. રોલેટ એક્ટની ચળવળ દરમ્યાન વલ્લભભાઇ અમદાવાદનાં સામાન્ય નાગરિકોની પણ પહેલી પસંદ બન્યા અને અમદાવાદ મ્યુનિસિપાલિટીની ચુંટણીમાં વલ્લભભાઇની આગેવાની હેઠળ કોંગ્રેસનો ભવ્ય વિજય થયો.

        આપણે સૌ જાણીએ છીએ એમ, ૧૯૨૮નાં બારડોલીનાં સત્યાગ્રહ પછી જ વલ્લભભાઇને ‘સરદાર’નું બિરુદ મળેલું. આ સત્યાગ્રહ દરમ્યાન તેમની પુત્રી મણિબહેન પણ સરદારનાં સંઘર્ષમાં સાથે જોડાયા. મળેલ જાણકારી અનુસાર સરદારનાં કપડા માટેનું સુતર મણિબહેન ખુદ કાંતતા અને આ કપડામાંથી બનેલા વસ્ત્રો પહેરીને સરદારને પરમ સંતોષ થતો. ગાંધીજી સાથે જોડાયા પછી વલ્લભભાઇ પણ ખાદીનો આગ્રહ રાખતાં. તેમનું માનવું હતું કે ખાદી એક ભાવના છે જેને આ ભાવનામાં શ્રદ્ધા હોય એ પહેરે છે.

        વલ્લભભાઇની નજર હંમેશા વિજય તરફ જ રહેતી. સ્વભાવે લડવૈયા હોવાથી સરદાર વિરોધીઓની નબળાઇ અને નિર્બળતા જાણી જતાં અને તેનાં પર જ ઘા કરીને એમને ચિત્ત કરી દેતાં. વલ્લભભાઇ એક સેલ્ફ – મેઇડ વ્યક્તિ હતાં. હંમેશા સફળતા અને વિજય જ તેમનું મુખ્ય ધ્યેય રહેતાં. આક્રમક ધ્યેયનિષ્ઠા એમની મુખ્ય તાકાત. સાહિત્ય અને કળા પ્રત્યે પણ તેમનો લગાવ પુરતો હતો. હાં સ્વભાવગત એમની લાક્ષણિકતામાં આ નહોતું આવતું જેટલું પંડિતજીનાં વ્યવ્હાર અને સ્વભાવમાં હતું. પંડિતજી જેટલા બુદ્ધિમંત ન હોવા છતાંયે એમની આ ક્ષેત્ર (કળા, સાહિત્ય) પ્રત્યે એમની રસ અને રૂચી અને કોઠાસુઝ હતી જ.

        આ લખનારની જાણકારી અનુસાર, સરદારને ભાષા પ્રત્યે પણ લગાવ હતો. હિન્દુસ્તાનની સત્તાવાર ભાષા એવી હિન્દીને કારણે ઉર્દુ ભાષાને મુસ્લીમોની ભાષા ગણીને એ પ્રત્યે કોઇ અલગાવ ન રખાય તેને પુરી ચીવટ અને ખેવના સરદારે રાખેલી. એ સમયે ઉત્તરપ્રદેશમાં બહોળી સંખ્યામાં આ ભાષાનો (ઉર્દુનો) પ્રયોગ થતો. આ વાતને ધ્યાને રાખીને સરદારે સરકારી ખર્ચે ત્યાં સરોજીની નાયડુનાં કહેવા પ્રમાણે જોશ મલિહાબાદીનાં તંત્રીપદે એક સામયિક શરૂ કરવાનું નક્કી કર્યું. આમ, કળા, વાંચન, સાહિત્ય કે સિનેમા કોઇઅપન પાસા પ્રત્યે સરદારે દુર્લક્ષ ન રાખ્યું અને જે જે ક્ષેત્રને જેવી રીતે પણ જરૂર પડી ત્યારે અને તે રીતે તેમણે તે ક્ષેત્રને પુરતી મદદ કરી. સરદાર એક વારની ભરપુર ચીવટ રાખતાં કે અમલદારશાહી, બાબુશાહીને લીધે સાંસ્કૃતિક ક્ષેત્ર સાથે જોડાયેલી વ્યક્તિઓએ કે આ ક્ષેત્રોને કોઇપણ રીતે તકલીફ ન પડવી જોઇએ તેની પુરી કાળજી રાખતાં. તેમની બૌદ્ધિક ક્ષમતાનો કહેવાતો અને ક્યારેક અનુભવાતો અભાવ આ બાબતમાં ક્યારેય અડચણરૂપ ન બન્યો.

        એવું પણ નહોતું કે આ સમય દરમ્યાન વલ્લભભાઇ કે સરદાર પોતાની શારિરીક તંદુરસ્તીને ટકાવી શકેલાં. આટલી વ્યસ્તતા અને સતત અને સખત દોડાદોડીને કારણે સ્વાભાવિક છે કે સ્વાસ્થ્ય પર તો અસર પડવાની જ. ૧૯૩૪માં નાકની અને ૧૯૪૧માં આંતરડાની બિમારીએ એમને ખુબ હેરાન કર્યાં.


        વ્યક્તિગત રીતે તેમણે પોતાની સઘળી ભક્તિ અને સંપુર્ણ જીવન હિન્દુસ્તાન માટે અને ગાંધીજીને સમર્પિત કરી દીધું. ૧૯૪૮માં ગાંધીજી પર થયેલાં જીવલેણ હુમલાએ સરદારને અત્યંત ગંભીર માનસિક આઘાત પહોંચાડ્યો અને આઘાતને કારણે તેમને હ્રદયરોગનો પ્રચંડ હુમલો આવ્યો. મિત્ર ઉર્વિશ કોઠારીનાં પુસ્તક ‘સરદાર – સાચો માણસ સાચી વાત’નાં પાના નં ૧૧માં જણાવ્યા મુજબ મરણપથારી પર અંતિમ ઇચ્છા તરીકે તેમણે ધાર્મિક પાઠ-સ્તુતિને બદલે વીણાવાદન સાંભળવાની ઇચ્છા વ્યક્ત કરી. એ ‘શુષ્ક’ ગણાતા સરદારનાં જીવનની ઓછી જાણીતી હકીકત છે. કર્ણાટકી સંગીતમાં મોટું નામ ધરાવતા વી.કે.નારાયણ મેનને સરદારનાં સરી જતાં શ્વાસમાં વીણાનાં સૂર વહેતાં કર્યાં. થોડા કલાકો પછી, ૧૫મી ડિસેમ્બર ૧૯૫૦, સવારનાં ૯-૩૭ વાગ્યે, અનેક કથા અને દંતકથાઓને જીવન આપનાર સરદાની આંખ મીંચાઇ અને પાછળ રહી ગયો ભેંકાર ખાલીપ, જે તેમના મૃત્યુનાં ૬૩ વર્ષ પછી પણ સાલતો રહ્યો છે.


નોંધઃ આ લેખમાં લખેલ અમુક અંશો ઉર્વિશ કોઠારીનાં પુસ્તક 'સરદાર - સાચો માણસ સાચી વાત' માંથી સહ આદર લેવામાં આવ્યા છે.  

14 comments:

  1. Sardar, Iron Man of United India...

    ReplyDelete
    Replies
    1. Really very true. He was a contractor of united India. He is in our base of this marvalous and shining India.

      Delete
  2. મેઘ ખાગડ2 November 2013 at 11:20

    સરદાર એટલે સરદાર. કોઇ ઓળખાણની જરૂર જ નહીં. હું તો ખુદ તેમનાં નામે શરૂ થયેલું સરદાર પટેલ સંકુલમાં નોકરી કરૂં છું. અમે તો રોજે યાદ કરીયે.

    ReplyDelete
    Replies
    1. વાહ... સારૂં કહેવાય. ચલો એ બહાને પણ, સરદારને યાદ તો કરીયે છીએ. બાકી આજના જમાના તો સરદાર પુતળુ બનીને ઉભા છે અને તેનાં પર કાગડા અને કબુતરા ઉડે છે. તેનાં નામનો આટલો મોટો બંધ બનાવ્યો પણ તેને જ યાદ કરવાનું ભુલી જઇએ છીએ.

      Delete
  3. Nice Article as always. Specially day wise.

    ReplyDelete
  4. Good work buddy. Really like.

    ReplyDelete
    Replies
    1. Thanks a lot Amit.

      Your comments are really very much important for me.

      Delete
  5. રઝાક મુન્શી3 November 2013 at 21:49

    સરદાર વિશે અસરદાર લખ્યું છે. શુભેચ્છા.

    ReplyDelete
    Replies
    1. ભઇ વાહ... શબ્દો સાથે સરસ ગોઠવણ કરી છે.

      Delete
  6. સરસ લેખ.
    આપને ઈવિદ્યાલય પર 'પ્રેરક જીવન ચરિત્રો' શ્રેણીમાં જોડાવું ગમશે.
    http://evidyalay.net/charitra-2/

    ReplyDelete
  7. http://sadhanaweekly.com/article.php?catid=7&issue_date=2012-08-11


    for more info please click above LINK

    ReplyDelete