Tuesday 15 October 2013

ઇક રૂકા હુઆ ફૈસલા...

 


માત્ર અને માત્ર અભિનય અને સ્ક્રિનપ્લેનાં દમ પર એક ફિલ્મને કઇ કક્ષાની કલાકૃતિ બનાવી શકાય એનો ઉત્તમોત્તમ નમુનો એટલે ફિલ્મ ‘ઇક રૂકા હુઆ ફૈસલા’.

        મારી મનગમતી ફિલ્મોમાંની એક. ફિલ્મમાં નથી એક પણ મારધાડનું દ્રશ્ય કે મા-દિકરાનો ફુલ ઓફ મેલોડ્રામેટીક સીન. વિલન કે હિરો વચ્ચેની આરપારની લડાઇનું ( આ શબ્દ કંઇક સાંભળેલો લાગે છે કે ને?) પણ એકેય દ્રશ્ય નથી કે નથી હિરોઇન પોતાનું શીલ બચાવવા નફ્ફ્ટ અને નાલાયક એવા વિલનનાં ભાઇને કે બેટાને કાકલૂદી કરતો એક પણ સીન આ ફિલ્મમાં નથી.

        એકધારી સડસડાટ ચાલતી પટકથા, દમદાર અને જાનદાર અભિનય અને સંવાદોની સાથો સાથ ચુસ્ત એડિટીંગ અને અસરકારક સ્ક્રિનપ્લેને કારણે ફિલ્મ ખરેખર જોવા જેવી છે. ફિલ્મી કીડાઓ (મારી જેવા) ને ગમે એવી છે.

        ૧૯૮૬માં રીલીઝ થયેલી ફિલ્મ ૧૯૫૭માં આવેલ ‘ધ ટ્વેલ્વ એન્ગ્રીમેન’ નું હિન્દી વર્ઝન કહી શકાય. જેને સિડની લ્યુમેટે નિર્દેશિત કરેલી. અને એ સમયમાં અતિપ્રતિષ્ઠિત એવો ‘ગોલ્ડ્ન બિયર’ એવોર્ડ પણ જીતેલી. એવી ધ ટ્વેલ્વ એન્ગ્રીમેનનું હિન્દી રૂપાંતર એટલે આપણાં બાસુ ચેટરજી નિર્મિત અને નિર્દેશીત ૧૧૭ મીનીટ એટલે કે અંદાજે બે કલાક લાંબી અને ૧૫ રીલ ધરાવતી આ ફિલ્મ એટલે ‘ઇક રૂકા હુઆ ફૈસલા’.

        દમદાર અને અસરકારક સંવાદો રંજીત કપુર હતાં અને ફિલ્મની પટકથા રંજીત કપુર અને બાસુ ચેટરજીએ સાથે મળીને લખેલી. ફિલ્મમાં દિપક કેજરીવાલ, અમિતાભ શ્રીવાસ્તવ, પંકજ કપુર, એસ.એમ. ઝાહિર, સુબોધ ઉદ્ઘટે, હેમંત મિશ્રા, એમ. કે. રૈના, કે. કે. રૈના, અન્નુ કપુર, સુબ્બીરાજ, શૈલેન્દ્ર ગોએલ, અઝીઝ કુરેશી કલાકારો છે.

ડાબેથી, એમ. કે. રૈના, કે. કે. રૈના, અન્નુ કપુર અને સુબ્બીરાજ...
        ઉપર નામાવલી મુજબ ફિલ્મ આ ૧૨ લોકોની વચ્ચે અને આસપાસ જ ફરે છે. આ ૧૨ લોકોને એક રૂમમાં પુરી દેવામાં આવ્યા હોય છે અને એ સુચના આપવામાં આવી હોય છે કે તેઓ તેમને જે કામ સોંપવામાં આવેલું છે તેને યોગ્ય નિષ્કર્ષ પર લાવીને પછી જ બહાર નીકળી શકશે. અને શરૂ થાય છે એક એકથી ચડીયાતી દલીલોનો દોર…

એસ. એમ. ઝાહિર (બેઠેલા) અને પંકજ કપુર (ઊભા)

        ફિલ્મનો ઉઘાડ એક કોર્ટરૂમથી થાય છે જેમાં એક યુવાનનો ક્લોઝ અપ જે ધીરે ધીર ઝુમ થતો જાય અને દર્શકો યુવકની ફાટી રહેલી આંખો અને એ આંખોમાં સ્પષ્ટ રીતે ડોકાતો ડર જોઇ શકે છે. બેકગ્રાઉન્ડમાં કોર્ટરૂમનાં જજસાહેબનો અવાજ આવે છે જે પોતાનાં નિવેદનમાં રજુઆત કરે છે કે કોર્ટ કોઇ પ્રકારનાં નિર્ણય પર ન પહોંચી શકવાને કારણે એક ‘પેનલ ઓફ જ્યુરી’નું સંગઠન કરે છે. આ જ્યુરીએ કેસની તમામેતમામ બારીકી અને કોર્ટમાં રજુ કરવામાં આવેલ તમામ પુરાવાઓને વ્યવસ્થિત રીતે ચકાસી, અભ્યાસી અને બુદ્ધિની એરણ પર ચડાવીને આ કેસ સોલ્વ કરવાનો છે અને એક નિર્ણય પર આવવાનું છે. જો આ જ્યુરીનો નિર્ણય યુવક ને નિર્દોષ સાબિત કરશે તો એને છોડી મુકવામાં આવશે અમે જો જ્યુરીનો નિર્ણય યુવક કસુરવાર એટલે કે ગુનેગાર સાબિત કરશે તો બીજી કોઇ દલીલને નહીં સાંભળતા કોર્ટ યુવકને તુરંત જ ફાંસીની સજા આપી દેશે.

        માટે એક યુવકની જીંદગી અને મોત હવે આ ૧૨ સભ્યોની બનેલી જ્યુરી કમીટીનાં હાથમાં છે. માટે તમામેતમામ જ્યુરીને એક રૂમમાં શિફ્ટ કરવામાં આવે છે, જ્યાં બહારની દુનિયા સાથે તેમનો કોઇ સંપર્ક રહેશે નહીં. આ રૂમનું બારણું એક વાર બંધ થયા પછી ત્યારે જ ખુલશે જ્યારે સૌ સભ્યો એક મત થઇ ચુક્યા હોય. આ ૧૨ જ્યુરી સભ્યો સમાજનાં વિવિધ ક્ષેત્રમાંથી આવતા હોય છે. કોઇક મોટો વેપારી છે તો કોઇ સ્ટાઇલીશ બીઝનેસમેન. કોઇ આર્કિટેક્ટ છે તો કોઇ નાનકડી ફર્મમાં ક્લાર્ક. કોઇ અધ્યાપક છે તો કોઇ ઇન્ડસ્ટ્રીયલિસ્ટ. તો કોઇ એડવર્ટાઇઝર છે તો કોઇ ઉર્દુભાષા બોલતા બડેમીયાં. કોઇ સમાજનાં ઉચ્ચ વર્ગમાંથી આવે છે તો કોઇ એકદમ પછાત અને ગરીબીથી ખદબદતી ઝુપડપટ્ટીમાંથી. દરેક ક્ષેત્ર અને વર્ગનાં લોકોને આ જ્યુરીમાં સભ્ય બનાવીને આ કેસનો નિર્ણય કરવાનું કામ સોંપ્યુ છે.

        ક્ટ ટુ જ્યુરી રૂમ… પડદા પરનો સીન ચેન્જ થાય છે અને કોર્ટ રૂમમાંથી જ્યુરી રૂમમાં કેમેરો લગાવવામાં આવે છે. હવે પડદા પર આવનારી ૧૦૦ મીનીટ્સ સુધી આ જ દ્રશ્ય રહેશે. માત્ર કેમેરો ઉપસ્થિત આ ૧૨ પાત્રો ફરતો રહેશે.

        ફિલ્મમાં એક શબ્દ વારંવાર સાંભળવા મળે છે ‘માકુલ શક્’. માકુલ શબ્દ ઉર્દુ છે જેનો અર્થ થાય છે ઉચીત કે યોગ્ય. મતલબ કે જો કોઇ ઉચીત કે યોગ્ય શંકા ઉપજી હોય તો તેનું નિરાકરણ કરવું.

        હવે ધીરે ધીરે આ લોકો અંદરોઅંદર દલીલ કરે છે અને શરૂઆતમાં જે લોકોને લાગતું હોય છે કે યુવાન જ ગુનેગાર છે એનાં બદલે જ્યુરી નં ૮ ની સધ્ધર દલીલ અને યોગ્ય સમજાવટને કારણે છેવટે સહુ પોતાનો નિર્ણય અને દ્રષ્ટિકોણ બદલે છે અને નિર્ણય કરે છે કે યુવાન નિર્દોષ છે. આ તમામ પ્રક્રિયામાં જ્યુરી નં ૮ ને બાકીનાં ૧૧ જ્યુરીને જે રીતે ધીરજપુર્વક સમજાવવા પડે છે એ જ છે આ ફિલ્મનું હાર્દ. જ્યુરી નં ૮ બનેલા કે. કે. રૈના આ ફિલ્મમાં અભિનય દ્વારા દર્શકોને પણ વિચારતા કરી મુકે છે.

        જ્યારે જ્યુરી નં ૩ બનેલા પંકજ કપુરનો અભિનય હંમેશની જેમ જ કાબીલે દાદ છે. પંકજ કપુર આમ પણ એક પ્રતિભાશાળી અને અનેક અભિનય કૌશલ્યમાં પારંગત એવા કલાકાર છે. ફિલ્મનાં અંત સુધી તે પોતાનો મત બદલવા તૈયાર નથી અને જ્યારે બાકીનાં સૌનું એમ માનવું છે કે યુવક નિર્દોષ છે. ત્યારે જે રીતે પંકજ કપુર પોતાની વ્યથા વર્ણવે છે. બોસ દાદુ અભિનય હોં! એ સીવાય પણ જ્યારે જ્યારે ફિલ્મમાં નિર્ણય સંબંધી મતભેદો થયા છે ત્યારે તેમનો એગ્રેસીવ રીસ્પોન્સ ફિલ્મ જુઓ તો જ ખબર પડે.

        જ્યુરી નં ૯ બનતા અન્નુ કપુર. શું કહેવું આ કલાકાર માટે. ફિલ્મ ૧૯૮૬માં રીલીઝ થયેલી છે. આ સમયે અન્નુ કપુરની ઉંમર માત્ર ૩૦ વર્ષની હોવાની. ૩૦ વર્ષની નાની આયુએ અન્નુ કપુરએ જે ૭૦-૭૫ વર્ષનાં બુઝુર્ગનો અભિનય કર્યો છે તે સેંકડો તાળીઓને હક્કદાર છે. વાહ! અન્નુજી વાહ! તેની ડાયલોગ બોલવાની શૈલી અને અભિનય જોતાં એમ જ લાગે કે અન્નુ કપુરની ઉંમર હકીકતે આટલી જ હશે. પણ નહીં. આ તો એની અભિનયની કમાલ છે.

        આ સિવાયનાં જ્યુરી મેમ્બર, નં ૪, એસ. એમ. ઝાહિર એક સ્ટાઇલીશ બિઝનેસમેન બતાવ્યા છે. જે પોતાની વાત હંમેશા ટુંકમાં અને મુદ્દાસર કરતાં હોય છે. મેમ્બર નં. ૧૦ સુબ્બીરાજ. એક ઝઘડાળુ અને બદતમીઝ વ્યક્તિ તરીકે ફિલ્મમાં છે. જે જોરજોરથી ઉશ્કેરાટ ભર્યું અને માત્ર અને માત્ર ઝઘડો કરવા હેતુ બાકીની તમામ જ્યુરી સાથે પણ લડી બેસે છે. તેમને ઝુપડપટ્ટીનાં લોકોથી સખત નફરત હોય છે અને આ નફરતને કારણે તે ઉશ્કેરાટમાં જ પોતાનો અભિનય કરે છે. બાકીનાં જ્યુરી મેમ્બર નં ૨ - અમિતાભ શ્રીવાસ્તવ એક હિન્દી અધ્યાપક હોય છે અને પુરી ફિલ્મમાં શુધ્ધ હિન્દીમાં ઉચ્ચારણ કરે છે. જ્યુરી નં ૭ જેમાં એમ. કે. સૈના અભિનય આપ્યો છે. તે એક હેપી ગો લકી જેવો એક સેલ્સમેન તરીકે આ ફિલ્મમાં રજુ કરવામાં આવ્યો છે. ફિલ્મ, નાટક, સંગીત અને પુરે પુરો મતલબી વ્યક્તિ બતાવવામાં આવ્યો છે. જ્યુરી નં ૫, ૬  અને ૧૧ સુભાષ ઉદઘટે, હેમંત મિશ્રા અને શૈલેન્દ્ર ગોયેલ સમાજનાં મધ્યમ વર્ગમાંથી આવેલા હોય છે. તેઓ કોઇનો વિરોધ પણ નથી કરતાં અને પુરી ઇમાનદારી તેમને સોંપવામાં આવેલી જવાબદારી નીભાવે છે, અને પોતાની દલીલ, વાત અને મત ખુબ શાંત અને ધીરજથી બાકીનાં જ્યુરી મેમ્બર સામે મુકે છે. જ્યુરી નં ૧૨ અઝીઝ કુરેશી એક એડવર્ટાઇઝર હોય છે અને પુરી ફિલ્મમાં પોતાનાં મતને લઇને ખુબ જ મથામણમાં રહે છે. ક્યારેક એમના મતે યુવક નિર્દોષ છે તો ક્યારેક એમના મતે યુવક ગુનેગાર.

        જ્યુરી નં ૧ બનતા દિપક કાજરીવાલ એક સરકારી ઓફીસર છે જેને સરકારે આ જ્યુરીનાં હેડ તરીકે નિયુક્ત કરેલાં હોય છે. અને છેલ્લે જ્યુરી નં ૮ કે. કે. રૈના. જે ફિલ્મમાં આર્કિટેક્ટ હોય છે. આ પાત્ર ફિલ્મની શરૂઆતથી જ યુવકને નિર્દોષ માનતું હોય છે. પુરી ફિલ્મમાં આ જ્યુરી મેમ્બરની ધીરજની કસોટી થાય છે અને જે રીતે બાકીનાં તમામેતમામ ૧૧ જ્યુરી મેમ્બર સામે એક પછી એક દ્રષ્ટીકોણ રજુ કરીને તમામ પુરાવાઓને તે મુલવે છે અને દરેકને ધીરેધીરે પોતાનો મત બદલવા મજબુર કરે છે, તે જ જોવાનું છે. સુપર્બ…!


        ટુંકમાં પુરી ફિલ્મ માત્ર અને માત્ર વાર્તા, અને અભિનયનાં જોર પર છે. જોવા જેવી ફિલ્મ…
ફિલ્મનાં દ્રશ્યો...

5 comments:

  1. ચલો એક ઓર ફિલ્મ તમારા કહ્યા પછી જોઇ, અને ગમી પણ એ નોંધ લેશો.

    ReplyDelete
    Replies
    1. લઇ લીધી.

      સારી ફિલ્મો જોવાના શોખીન લોકોને ગમે ખુબ ગમે એવી ફિલ્મ છે. ' જ '. મારા આગ્રહને વશ થઇને તમે ફિલ્મ જોઇ, અને તમે ગમી પણ એ જાણી ખુબ રાજી થયો. (આની નોંધ લેશો.)

      Delete
  2. Nice Article and Film too. Really Like.

    ReplyDelete
    Replies
    1. Yaah, it is. Thanks bhavesh. This film is really really a nice drama.

      Delete
  3. આ ફિલ્મ મેં ટીવી પર જોઈ હતી...અને ગમી ગયેલી. એ પછી ઘણી વખત જોઈ છે. બાસુદા એ ફ્રેમ ટુ ફ્રેમ કોપી કરી છે.

    ReplyDelete