મિત્રો,
સન ૧૯૭૬માં ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્ટીટ્યુટ ઓફ ઇન્ડિયા(FTII) નાં બે હોનહાર અને પ્રતિભાસંપન્ન
યુવાનો પોતાની કારકિર્દી ફિલ્મ અને ટીવી ક્ષેત્રે બનાવવા થનગનતા હતાં. આ બે નવયુવાનો
એટલે એક સતિષ શાહ અને બીજા કુંદન શાહ. થોડા જ સમયમાં બંને મિત્રોને એક વાતની પ્રતિતિ
થઇ ગઇ કે આ ક્ષેત્રે કારકિર્દી બનાવવી એ કંઇ ખાવાનાં ખેલ નથી. ખુબ સંઘર્ષ અને મહેનત
માંગી લેનારું આ ક્ષેત્ર છે અને હાં! નસીબનો સાથ હોવો તો અત્યંત જરૂરી છે જ. કારણ કે
આ બંને મિત્રો કોમર્શીયલ સીનેમા કરતાં એક નવા જ પ્રકારની થીમ ધરાવતાં જેને સુધરેલો
સમાજ ‘ડાર્ક કોમેડી’ કહે છે કે ‘ન્યુ વેવ સિનેમા’, કે ‘કલ્ટ સિનેમા’ જેવા રૂપાળા નામથી
સંબોધિત કરે છે એવા કોઇ નવા જ અને નવતર પ્રકારની ફિલ્મો બનાવવા ઇચ્છતા હતાં. આમે એ
સમયમાં ઇન્ડસ્ટ્રીમાં કોમર્શિયલ સીનેમા તો સંપૂર્ણપણે સુપરસ્ટાર અમિતાભ બચ્ચનને વરેલું
હતું. એ સમયનાં નિર્માતા-નિર્દેશકો પણ કેવા ધરખમ…! એક યાદી જુઓ……. મનમોહન દેસાઇ, પ્રકાશ
મહેરા, યશ ચોપરા, જી.પી.સિપ્પી, રમેશ સિપ્પી, ગુલશન રાય, નાસીર હુસૈન, બી.આર. ચોપરા,
યશ જોહર જેવા ધુરંધરો મસાલા અને કોમર્શિયલ ફિલ્મો કે જે દર્શકોને જોવી ગમે અને મસાલાથી
ભરપુર હોય. જેથી દર્શકોને પોતાના પૈસા પુરા વસુલ થયેલા લાગે, એવી ફિલ્મો બનાવતાં. તો
બીજી બાજુ આર્ટ ફિલ્મો કે જેનો પણ એક અલગ જ દર્શકવર્ગ હતો, જે સુધરેલો અને વેલ કલ્ચર્ડ
સમાજ ગણાતો તેવી ફિલ્મો બનાવનારા દિગ્દર્શકો પણ કેવા કેવા…???? ગુલઝાર, શ્યામ બેનેગલ,
સંઇ પરાંજપે, કેતન મહેતા, સત્યજીત રૅ, બસુ ભટ્ટાચાર્ય જેવા ખેરખાંઓ પણ હતા, આ ક્ષેત્રમાં.
આ તમામની સાથોસાથ સ્વચ્છ અને પારિવારીક મનોરંજનથી ભરપુર એવી ફિલ્મો બનાવનાર હ્રીષીકેષ
મુખર્જી તો ખરા જ.
આવા આવા બીગ, બીગર અને બીગેસ્ટ લોકોની જમાતમાં
આ બે છોકરડાઓ આવેલા એક સરસ મજાની અને ‘હટકે’ હોય એવી ફિલ્મો બનાવવાનું શમણું આંખોમાં
આંજીને… આ બંને મિત્રો એવી ફિલ્મો બનાવવા ઇચ્છતા હતાં કે જેને બનાવીને તેમને અને તે
ફિલ્મ સાથે સંકળાયેલ હરકોઇને એક સર્જનાત્મક સંતોષ જેને અંગ્રેજીમાં ‘ક્રિયેટીવ સેટીસફેક્શન’
કહે છે તે મળે. તો સામે એક અત્યંત નિર્દય અને નગ્ન સત્ય એ પણ હતું કે આવો સંતોષ મેળવનારા
લોકો આ ક્ષેત્રમાં આંગળીનાં વેઢે ગણી શકાય એટલા પણ ન હતાં.
ફિરભી, ફિલ્મ બનાવવી હતી અને ઇચ્છા મુજબની
બનાવવી હતી, માટે શરૂઆતમાં જે કામ મળ્યું તે તમામ કર્યું. કુંદન શાહે પોતાનું સપનું
પુરું કરવા દસ્તાવેજી ફિલ્મ્સ, એડ ફિલ્મ, ટુંકી ફિલ્મો આ તમામ પ્રકારનું કામ કર્યું.
રાત-દિવસનાં કારમાં સંઘર્ષને કારણે જુસ્સો ધીમે ધીમે મંદ પડી રહ્યો હતો. સંઘર્ષનાં
દિવસોમાં કુંદન શાહ એક-દોઢ વર્ષ અહીં તહીં ભટક્યા અને જે મળ્યું તે તમામ પ્રકારનું
કામ કર્યું. આ દિવસોમાં તેમનાં બે મિત્રો અને સહપાઠીઓ જે ભવિષ્યમાં દિગ્દર્શક અને એડીટર
બનવાનાં હતાં એવા રવિ ઓઝા અને રાજેન્દ્ર શૉ, તેમણે એક ફોટો સ્ટુડિયો શરૂ કરી દીધો.
વાચક મિત્રો, વિચારો કે કેવો કારમો સંઘર્ષ હશે કે જે લોકો ફિલ્મ દિગ્દર્શન કરવાની અને
પુરી ફિલ્મ એડીટ કરવાની તાલિમ પામેલા હતાં તેમણે ઇન્ડસ્ટ્રીયલ ફોટોગ્રાફી શરૂ કરવી
પડી.
ખેર! એક દિવસ કુંદન શાહ રવિ ઓઝાને મળવા ગયા.
વાતો વાતોમાં પુરી રાત વિતી ગઇ અને રવિએ તેનાં સંસ્મરણો વાગોળ્યા અને તેને થયેલા અનુભવો
વિશેની વાત કુંદનને કરી. આ પુરી વાત ફિલ્મ ‘જાને ભી દો યારોં’ નું વાર્તાબીજ બન્યું.
સારા-ખરાબ, ચિત્ર-વિચિત્રી અનુભવો તો કુંદન શાહને પણ થયેલા. આ બધા અનુભવોને સાંકળીને
કુંદને વાર્તા બનાવી. જેનાં પરથી ફિલ્મ બની,
‘જાને ભી દો યારોં’…
આ સમય દરમ્યાન NFDC (નેશનલ ફિલ્મ ડેવલપમેન્ટ
કોર્પોરેશન)ને કુંદન શાહે આ ફિલ્મનું નિર્માણ કરવા તૈયાર થાય એ માટેનાં પ્રયાસો આદર્યા.
જેમાં એ સફળ રહ્યા અને તેમને આ ફિલ્મ બનાવવા માટે રૂ. ૬.૮૪ લાખ (૬ લાખ અને ૮૪ હજાર
રૂપીયા) નું બજેટ ફાળવવામાં આવ્યું. ફિલ્મનાં અંતે આ બજેટ લંબાઇને રૂ. ૭.૨૫ (૭ લાખ
અને ૨૫ હજાર રૂપીયા) સુધી પહોંચ્યું. મતલબ ફાળવેલા બજેટમાં માત્ર અને માત્ર ૪૧ હજારનો
જ વધારો થયો. આવા ટાઇટમટાઇટ અને કટ ટુ કટ બજેટમાં પણ કુંદને એક આલા દરજ્જાની ફિલ્મ
બનાવી. આ તો થઇ શરૂઆત. સ્ટોરી હતી પણ હવે શોધખોળ શરૂ થઇ કલાકારોની અને કહાનીની જરૂરીયાત
મુજબ પાત્રવરણીની, લોકેશનની અને ફિલ્મ બનાવવા માટે જરૂરી એવી બીજી બધી સામગ્રીની (પ્રોડક્શન
ડિટેલીંગ). આ ફિલ્મ સાથે સંકળાયેલા કેટકેટલા લોકો આવનારા સમયમાં પોતાની પ્રતિભાનો પરચો
આ ઇન્ડસ્ટ્રીને બતાવવાનાં હતાં.
આ ફિલ્મને
લીધે આપણી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને કેવી કેવી પ્રતિભા મળી જુઓ. કુંદન શાહ (દિગ્દર્શક અને
વાર્તાકાર), સુધીર મિશ્રા (મદદનીશ દિગ્દર્શક, વાર્તાકાર), રણજીત કપુર (સંવાદ લેખક),
વિધુ વિનોદ ચોપરા (પ્રોડક્શન હેડ) બિનોદ પ્રધાન (છાયાંકન અથવા કેમેરામેન), રેણુ સલુજા
(એડીટર) સતીષ કૌશિક (એક્ટર, કોમેડીયન અને સંવાદલેખક) અને વનરાજ ભાટિયા (સંગીતકાર).
આ તમામ પ્રતિભાઓ આ ફિલ્મ સાથે સંકળાયેલી હતી.
મિત્રો, માનશો કે આ ફિલ્મ સાથે સંકળાયેલ તમામ
કસબીઓ અને કલાકારોમાં નસીરૂદ્દિન શાહ સૌથી મોંઘા અને મોટા કલાકાર હતાં અને તેમને આ
ફિલ્મમાં કામ કરવા માટે રૂપિયા ૧૫,૦૦૦/- પુરા (ફરીથી કહું?) હાં આટલા…. બધા રૂપિયા
તેમને મહેનતાણા પેટે ચુકવવામાં આવેલાં. મુખ્ય કલાકારનું ચુકવણું જો આટલું હોય તો બાકીનાં
તો હજુ નવાસવા હતાં. નસીરૂદ્દિન શાહ પણ આ ફિલ્મમાં શા કારણે આવ્યા એ પાછળ પણ એક નાનકડી
કહાની છે. થયું ‘તું એવું કે સઇદ મિર્ઝાની ફિલ્મ ‘આલ્બર્ટ પિન્ટો કો ગુસ્સા ક્યું આતા
હૈ’ માં નસીરભાઇ કામ કરતાં હતાં અને આપણા આ કુંદન શાહ આ ફિલ્મનાં આસિસ્ટન્ટ ડાયરેક્ટર
એટલે કે મદદનીશ દિગ્દર્શક હતાં. આ ફિલ્મ (આલ્બર્ટ પિન્ટો…)નાં નિર્માણ દરમ્યાન નસીરભાઇએ
નવા નવા મિત્ર બનેલા કુંદન શાહને એક પ્રોમીસ આપેલું કે ‘જ્યારે તું કોઇ ફિલ્મ બનાવીશ
ત્યારે તેનો હિરો હું બનીશ’. અને જુઓ નસીરભાઇએ આપેલું પ્રોમીસ પાળી બતાવ્યું અને કુંદન
શાહની પહેલી ફિલ્મમાં કામ કરવાનું વચન નીભાવ્યું.
આ ફિલ્મનાં બાકીનાં કલાકારો પણ FTII, NSD અને
થીયેટરમાં કામ કરતાં અને સંકળાયેલા હતાં. આ સૌનું મહેનતાણું પણ એમની માર્કેટ પ્રાઇઝ
કરતાં ઓછું ચુકવવામાં આવેલું. નસીરૂદ્દિનની જેમ જ. ઓમ પુરી અને સતિષ શાહને પણ માત્ર
રૂપીયા ૫,૦૦૦/- માથાદીઠ ચુકવેલા. રવિ વાસવાનીનું નામ સુધીર મિશ્રાએ સુચવેલું. ફિલ્મમાં
કમિશ્નર ડિ’મૅલો બનતાં સતીષ શાહ તેમનાં રોલથી ખુશ નહોતાં. કારણ કે ફિલ્મમાં વધુ તો
તે એક ડેડબોડી જ બને છે. થોડી સમજાવટ પછી સતીષ શાહ એક ચેલેન્જીગ રોલ તરીકે સ્વિકારી
લે છે.
આ ફિલ્મનાં અન્ય કલાકારોમાં પંકજ કપુર, જે
ધીમા અવાજે બોલતાં અને ઠંડા કલેજે કંઇ પણ હદે જઇ શકતા એવા ઘાતકી બિલ્ડર તરનેજા તરીકેનાં
રોલમાં છે. તો તેમનાં લલ્લુ અને કારણવગરનું બોલ બોલ કરનારા એવા બુદ્ધુરામ સેક્રેટરી
અશોકનાં રોલમાં સતીશ કૌશિક છે. તરનેજાનાં કટ્ટર હરીફ એવા પંજબી બિલ્ડર આહુજાનો રોલ
ઓમપુરી કરે છે. ઓમપુરી આમપણ એમની ગંભીર ભુમિકા કરી શકતા કલાકારની છબીને બદલવા માંગતા
હતાં.
કુંદન શાહ ‘ખબરદાર’ પત્રીકાની તંત્રી શોભાનાં
રોલ માટે અપર્ણા સેનને લેવા માંગતાં હતાં. પણ આ ફિલ્મની સ્ટોરી સાંભળતા સાંભળતા મને
ઊંઘ આવી ગયેલી એવું હસતાં હસતાં કબુલ કરતાં કરતાં અપર્ણા સેન આ રોલ કરવા પોતે તૈયાર
નથી એવું શાહને કહી દે છે. છેવટે આ રોલ ભક્તિ બર્વે નામની રંગમંચ સાથે જોડાયેલી કલાકાર
કરે છે.
ફિલ્મનું શુટીંગ પુરેપુરૂ મુંબઇમાં અને અલીબાગમાં
થયેલું છે. એક ઔર રસપ્રદ વાત જાણવા જેવી છે. ફિલ્મનું શુટીંગ શરૂ થયા પછી તમામ કામકાજ
ખુબ ઝડપથી અને ચીવટપૂર્વક થવા લાગ્યું. કારણ કે નિર્માણ સંસ્થા દ્વારા સ્પષ્ટ સુચના
આપવામાં આવેલી કે ફિલ્મનું શુટીંગ વધુમાં વધુ બે મહિનામાં પુરૂ થઇ જવું જોઇએ. કારણ?
કારણ ખુબ સ્પષ્ટ હતું. ફિલ્મને ફાળવવામાં આવેલું બજેટ. આ બજેટને પહોંચી વળવા અને વધારાનો
એકપણ પૈસો બરબાદ ન થાય માટે શુટીંગનાં સ્થળ પર જમવામાં પણ કોસ્ટકંટ્રોલીંગ કરવામાં
આવ્યું. જ્યારે ૧૨૦ જણાં કામ કરતાં હોય ત્યાં જમવાનું માત્ર ૪૦-૪૫ માણસોનું જ આવે.
જેનો વારો આવ્યો તે જમ્યો બાકીનાનું ખુદા ખૈર કરે…!
ઓમપુરી પોતાનાં સંસ્મરણોને વાગોળતા એક સરસ
વાત કહે છે કે આ ફિલ્મનાં એકધારા શુટીંગને કારણે સ્ટાફનાં માણસો ટુવાલ પાથરીને ઓસરીમાં
સુઇ જતાં અને એકવાર તો મેં કેમેરામેનને કેમેરા પર હાથ રાખીને ઘસઘસાટ સુતા જોયેલો. આ
ફિલ્મનાં પ્રોડક્શન હેડ અને હાલ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની ખ્યાતનામ હસ્તી બની ચુકેલા વિધુ
વિનોદ ચોપરા પોતાની યાદોં વાગોળે છે અને કહે છે કે આ ફિલ્મનાં અંતમાં આવતાં મહાભારતનાં
નાટકનાં સીન્સ માટે હું કપડાં (કોસ્ચ્યુમ્સ) રામાયણ ફેઇમ રામાનંદ સાગર પાસેથી ઉછીતા
લઇ આવેલો. ફિલ્મમાટે અમે થોડી ઇલેક્ટ્રીકસીટીની ચોરી પણ કરેલી. કારણ? બજેટ…
કુંદન શાહ એ પણ જણાવે છે કે, ફિલ્મ બનાવતી
વખતે એક સમયે અમે ખુબ જ નાણાંકીય ભીડ અનુભવતા હતાં ત્યારે નસીરે (નસીરૂદ્દિન શાહ) પોતાની
ફી જતી કરવાનો પ્રસ્તાવ મને કહ્યો, કે મારી ફી ભલે મને ન ચુકવે પણ આ ફિલ્મ તો કોઇપણ
ભોગે હવે પુરી કરવાની છે.
અહીં
એક આડવાતઃ આ ફિલ્મમાં વિનોદ બનતા નસીરૂદ્દિન શાહ પાસે જે નિકોન કેમેરો છે તે તેનો પોતાનો
હતો. જે શુટીંગ દરમ્યાન ચોરાઇ ગયેલો. (આ વાત નસીરે અને કુંદન શાહે બંને એ પોતપોતાના
ઇન્ટરવ્યુમાં કહી છે.)
કુંદન શાહ જણાવે છે કે આ ફિલ્મ દરમ્યાન એક
જ સેટ પર અને એક જ ફિલ્મમાટે ઘણાં બધા ક્રિયેટીવ જીનીયસ એક જ છત હેઠળ ભેગા થયેલા. સૌ
પોતપોતાની રીતે ફિલ્મમાં જરુરી એવા સુચનો પણ આપે અને જ્યાં જ્યાં અને જ્યારે જ્યારે
જરૂર પડે ત્યારે એ પ્રમાણે કામ પણ કરી આપે. આ ફિલ્મનાં એક સીનમાં પંજાબી બિલ્ડર અને
શરાબી બનતો આહુજા (ઓમપુરી) પુલ નીચેથી પસાર થાય છે જ્યાં એને કમીશ્નર ડી’મૅલોનું કોફિન
મળે છે. આ સીનમાં જે ઓસ્ટીન ગાડી દેખાય છે તે હકીકતે વિધુ વિનોદ ચોપ્રાની સેકન્ડ હેન્ડ
ગાડી હતી.
ફિલ્મમાં જે ફ્લાયઓવર તુટી પડે છે એ ફુટેજ
હકીકતે મુંબઇમાં આવેલ ભાયખલાનાં ફ્લાયઓવરનું છે. જે આ ફિલ્મ ફ્લોર પર ગઇ એનાં થોડા જ સમય પહેલાં તુટી પડેલો. ફિલ્મમાં
જે તરનેજા અને આહુજા બંને કટ્ટર હરીફ એવા બિલ્ડરનાં નામ છે એ હકીકતે મુંબઇનાં અત્યંત
જાણીતા બિલ્ડર એવા રહેજા પરથી કહાનીમાં ગોઠવવામાં આવ્યા છે. શોભાજી જે ફિલ્મમાં ‘ખબરદાર’
મેગેઝીનની તંત્રી છે એ નામ ખ્યાતનામ લેખીકા અને ફિલ્મી માસીક મેગેઝીન સ્ટારડસ્ટનાં
ભુતપુર્વ તંત્રી એવા શોભા કિલાચંદ (હવે, ડૅ) પરથી લેવામાં આવેલું. ફિલ્મનાં બંને મુખ્ય
પાત્રો એવાં સુધીર અને વિનોદ અનુક્રમે (રવી વાસવાની અને નસીરૂદ્દિન શાહ) ના પાત્રોનાં
નામકરણ ફિલ્મનાં મદદનીશ દિગ્દર્શક એવા સુધીર મિશ્રા અને પ્રોડક્શન હેડ વિધુ વિનોદ ચોપ્રા
પરથી પ્રેરીત છે. ત્યાં સુધી કે ફિલ્મનાં એક સીનમાં જ્યારે વિનોદ (નસીરૂદ્દિન શાહ)
તરનેજા (પંકજ કપુર)નાં બુદ્ધુ સેક્રેટરી અશોક (સતિષ કૌશિક)ને એક ગુપ્ત સંદેશ છે એમ
કહે છે ત્યારે અશોક તેને કોડવર્ડ પુછે છે. એ કોડ એટલે ‘આલ્બર્ટ પીન્ટો કો ગુસ્સ
ક્યું આતા હૈ’ કહે છે. જે થોડા જ સમય પહેલા કુંદન શાહે મદદનીશ નિર્દેશક તરીકે અને નસીરૂદ્દિન
શાહે અભિનેતા તરીકે પુરી કરેલી હોય છે.
સતીષ શાહ પોતાનાં સ્મરણો તાજા કરતાં કહે છે
કે, આ ફિલ્મમાં મારે લાંબા સમય સુધી જ મૃતદેહ (ડેડબોડી)નો અભિનય કરવાનો હતો. એક સમયે
મારા પગમાં રોલર સ્કેટર બાંધવામાં આવે છે. રવિ (વાસવાની) અને હું સતત એ પ્રયત્નમાં
રહેતાં કે હું રોલર પર ગબડી ન પડું અને હસી ન પડું. પણ મારો મારા ઇમોશ્ન્સ પર સારો
કંટ્રોલ હતો માટે શોટ ઓકે થતા ગયા.
કુંદન જણાવે છે કે જેવું ફિલ્મનું શુટીંગ સમેટાણું
ફિલ્મ પહોંચી રેણુ સલુજાનાં ટેબલ પર, એડીટીંગ માટે. અહીં રેણુ જણાવે છે કે જ્યારે મારી
પાસે આ ફિલ્મ પહોંચી ત્યારે અમારી પાસે આશરે ચાર કલાકનું શુટીંગ હતું, જેને સંકોચી,
કાપકુપ કરી એડીટ કરીને મારે ૨.૨૫ (સવા બે) કલાકની ફિલ્મ બનાવવાની હતી. આ કામ ખરેખર
થકવી નાખનારૂં રહ્યું. આ જ કારણે ફિલ્મમાં જે અમુક કલાકારોનાં નામ આપવામાં આવે છે એ
લોકો ફિલ્મમાં દેખાતા જ નથી.
જાને ભી દો યારોં ફિલ્મ, ૧૯૮૪માં મુંબઇમાં
યોજાયેલા ફિલ્મ ફેસ્ટીવલમાં દેખાડવામાં આવી અને ફિલ્મોનાં રાષ્ટ્રીય પુરસ્કારથી સમ્માનિત
કરવામાં આવી. હાં! એ પણ હકીકત રહી કે આ ફિલ્મે બોક્સ ઓફિસ પર જોઇએ એવો દેખાવ ન કર્યો
અને ફિલ્મનાં નિર્માણમાં વાપરેલા નાણાં પરત કરી શકી. વધુ ખાસ કંઇ કમાણી ન થઇ.
હાં, જ્યારે આપણાં દેશમાં ટીવી ઘર ઘર આવવા
લાગ્યા અને ટીવીનું ચલણ વધવાથી અને ધીમે ધીમે વિદેશી ચેનલોનાં પગપેસરા પછી જ્યારે આ
ફિલ્મ ટીવી ચેનલ્સ પર દર્શાવવામાં આવી ત્યારે તેનાં દર્શકો પણ વધ્યાં અને ફિલ્મ હકીકતે
વખાણાઇ પણ. એક ગંભીર કોમેડી અને સ્થુળ હાસ્ય વચ્ચેનો ભેદ સમજદાર દર્શકોએ તરત જ પકડી
પાડ્યો અને આજે આ ફિલ્મ રીલીઝ્ થયાનાં ૩૦-૩૦ વર્ષનાં વહાણા વીતી ગયા હોવાં છતાંયે આ
ફિલ્મ તેની સાથે સંકળાયેલા હરએક કસબીનાં હ્રદયમાં એક સ્થાન ધરાવે છે.
જો હજુ સુધી જોઇ ન હોય તો એક વાર તો જોવી જ
રહી…
રહી વાત ફિલ્મની સ્ટોરીની તો આવતા વીકમાં આપની સમક્ષ હાજર કરીશ. ये वादा रहा... दोस्तो!