Sunday 5 January 2014

New Year Resolution


        લો, એક ઔર વર્ષ પુરૂં થયું અને ૩૧મી ડીસેમ્બર આવી ગઇ. ૩૧મી ડિસેમ્બર એટલે કેલેન્ડર વર્ષનો છેલ્લો દિવસ. ભીંતે લટકતું તારીખિયું કે કેલેન્ડર બદલાઇ જશે. કંઇક નવી શરૂઆત થયાનો અહેસાસ આપણે કરીએ છીએ. વર્ષના અંતે તમને વર્ષ સારું ગયાનો ઓડકાર આવે છે? આ વખતનો ઓડકાર કેવો છે? સંતોષનો છે કે સંતાપનો? સરેલી ક્ષણો સાથે કેટલું વહી ગયું છે અને કેટલું રહી ગયું છે? માણસની પ્રકૃતિ મૂળથી જ ગણતરીબાજ છે. આપણા સંકલ્પોમાં, આપણી શ્રધ્ધામાં અને આપણી પ્રવૃત્તિઓમાં કંઇને કંઇ ગણતરીઓ તો હોય જ છે ને? પ્રેમ એટલે શું? પ્રેમ એટલે કદાચ ચોક્કસ વર્તન માયનસ ગણતરી!

        બેસતાં વર્ષે સૂરજનાં પહેલા કિરણની સાથે નવા વર્ષની કૂંપળ ફૂટે છે. કૂણી કૂણી આશા જન્મે છે. આંખોમાં નવાં સપના રચાય છે. આખા વર્ષમાં એક રંગોળી કરવાની હોય છે, સુખની રંગોળી. આવી રંગોળીને રંગબેરંગી કરવા માટે આપણે સંકલ્પો કરીએ છીએ. ન્યૂ યર રેઝોલ્યુશન (New year Resolution). આ વર્ષે તમે શું સંકલ્પ કરવાનાં છો? હજુ નક્કી નથી કર્યું? કંઇ વાંધો નહી. એટલું તો કહો કે ગયા વર્ષે તમે શું સંકલ્પ કર્યો હતો? એ સંકલ્પ પુરો થયો કે નહીં? સમયની સાથે સંકલ્પ ભુલાઇ ગયો? સમય બહુ છેતરામણો છે, ઘણું બધું ભુલાવી દે છે. કેટલુંક એવું પણ ઠસાવી જાય છે, જે ક્યારેય ભુલી શકાતું નથી. ભૂલવું હોય તો પણ સમય કંઇ ભૂલવા દેતો નથી અને યાદ રાખવું હોય એ સાલું ભૂલાઇ જતું હોય છે!

        કેટલાંક સંકલ્પો સાવ ચીલાચાલુ હોય છે. હું આમ નહીં કરૂં, અથવા તો હું આમ જ કરીશ. વ્યસનો છોડવાનો અલ્પજીવી સંકલ્પ અનેક લોકો લે છે, અને તોડે છે. એક બહુ જાણીતી જોક છે, ‘એક માણસે દારૂ છોડવાનો સંકલ્પ કર્યો. તેણે તેનાં મિત્રને કીધું કે યાર, દારૂ છોડવો બહુ આકરો છે. બીજા મિત્રે જવાબ આપ્યો કે કોણે કીધું કે દારૂ છોડવો અઘરો છે કે આકરો છે? મેં કેટલીયે વાર છોડ્યો છે!.’ સંકલ્પ લેવો બહુ સહેલો છે, અને સંકલ્પ તોડવો તેનાંથીય વધુ સહેલો છે. જે સંકલ્પમાં બહુ મક્કમતા નથી હોતી તે સંકલ્પ ઝડપથી ડગમગી જાય છે. આપણે વારે વારે ‘સમ’ કે ‘સોગન’ ખાઇએ છીએ અને ‘છૂટા’ કહેડાવીને સમ ભૂલી પણ જઇએ છીએ. સંકલ્પમાં એક શક્તિ છે. સંકલ્પ કરો, સંકલ્પ પર શ્રધ્ધા રાખો અને સંકલ્પની શક્તિને અનુભવો. જે સંકલ્પમાંથી ભરોસો ઉડી જાય શ્રધ્ધા ચાલી જાય તે સંકલ્પ, સંકલ્પનાં બદલે અલ્પ બને છે. પછી તેનો કોઇ મતલબ રહેતો નથી.

       સંકલ્પમાં સ્વયંની ભાગીદારી હોવી જોઇએ. આવી ભાગીદારી નિભાવવાની આવડત અને ક્ષમતા કેળવવી પડે છે. ચમત્કારો થતાં નથી ચમત્કારો કરવા પડે છે. માણસમાત્ર જે કંઇ કરે છે તે અંતે છેવટે શેને માટે કરે છે? માણસની દરેક પ્રવૃત્તિનું આખરે ધ્યેય શું હોય છે? થોડોક લાંબો વિચાર કરીએ તો છેવટે સમજી શકાય એવી વાત છે કે આપણે અંતે તો આ તમામ પ્રવૃત્તિઓ કે (હડીયાપાટી, દોડાદોડ, ભાગદોડ, ભેજામરી, માથાકૂટ, ‘ઘણાં વિશેષણ લખી શકાય’) “સુખ” માટે જ કરતો હોય છે.

ફરી સવાલ એ થાય કે સુખ એટલે શું? વર્ષનાં આખરે સરવાળા અને બાદબાકી પછી જે વધે છે એ સુખ છે? સુખની ગણતરી હોતી નથી. સુખની તો અનુભૂતિ હોય છે તે કહેવાની નહીં પણ અનુભવવાની વાત છે. આવી કેટલી અનુભૂતિ તમે ગયા વર્ષે કરી?

મનનું ગણિત જુદું હોય છે. આ ગણિતમાં ગુમાવીને પણ કંઇક મેળવવાનો આનંદ હોય છે, મજા હોય છે. મનનો હિસાબ ચોપડામાં નથી થતો પણ આત્મામાં (માંહ્યલામાં) અંકાય છે. મનનાં હિસાબનો મેળ થાય છે ખરો? વર્ષ પુરૂ થયું છે ત્યારે મનનાં થોડાંક પાનાં ઊથલાવી જુઓ. કોઇ પાનું ખરડાયેલું તો નથીને? ગયા વર્ષે ઘડિયાળમાં ફરતાં કાંટાની સાથે કોઇ હાથ કે સાથ દૂર તો ચાલ્યો ગયો નથીને? દૂર થઇ ગયો હોય કે ચાલ્યો ગયો હોય તો તેને ફરી નજીક લાવવાનો આ વર્ષે સંકલ્પ કરશો? કરી શકશો?

 હા! સંકલ્પો કરવા જોઇએ. સંકલ્પો સંબંધોને સાચવવાનાં, સંકલ્પો સબંધોનો સજીવન કરવાનાં, રાખવાનાં, સંકલ્પો સબંધોને સુગંધિત રાખવાનાં, જીવંત રાખવાનાં, સંકલ્પો સબંધોને સીંચવાનાં અને સંકલ્પો સંવેદનાને મરવા ન દેવાના! સંવેદનાનાં ખૂનની સજા માત્ર વેદના જ છે. આપણે એટલા પણ હાઇટેક ના થઇએ કે આપણી લાગણીનાં ફૂલ કરમાઇ જાય અને આપણને એની વેદના પણ ન થાય. લાગણીશૂન્ય માણસ જીવતો લાશ સમાન છે. જે જીવે તો છે પણ જીવંત નથી.

પ્રાર્થના હવે આત્મામાંથી નથી ઉઠતી પણ મોબાઇલનાં રીંગટોનમાં સંભળાય છે. કુદરતી સુંદરતાને આપણે કોમ્પ્યુટર અને લેપટોપનાં સ્ક્રીન સેવરમાં કેદ કરી લીધી છે. કોયલનો ટહૂકો આપણે ઇલેકટ્રોનિક ડોરબેલમાં જડાવી દીધો છે. શાવર નીચે ઊભા રહીને આપણે વરસાદનો આનંદ માણવા ફાંફા મારીએ છીએ. પત્રો ટૂંકા થઇ S.M.S. થઇ ગયા છે. મિત્રોનાં બર્થ-ડે કે કોઇ સારા દિવસની યાદ આપણે મોબાઇલ કે મેઇલનાં એલર્ટથી જ આવે છે. આપણે પોતાને પણ ભૂલી જઇએ એટલા બીઝી થઇ ગયા છીએ. યાદ કરો, તમે છેલ્લે તમારી જાતને ક્યારે યાદ કરી હતી? પોતાની જાતને યાદ કરવાનો કે સંભાળ લેવાનો જ સમય ન હોય, પછી બીજા માટે સમયનો સવાલ ક્યાંથી આવે? માણસ દૂર થતો જાય છે પોતાથી, પોતાનાઓથી. આજે નેનો ટેકનોલોજીનો જમાનો છે. બધું સુક્ષ્મ થતું જાય છે. નેનો ટેકનોલોજીનો ચેપ હવે લાગણીઓને પણ લાગ્યો છે. માણસનું મન અને લાગણીઓ પણ ધીરે ધીરે સુક્ષ્મ થતી જાય છે.

કોલ્ડ ડ્રિંકની ચૂસકી સાથે પિઝાનો ટુકડો આપણે ટીવી પર આત્મઘાતી હુમલાનાં સમાચાર જોતાં જોતાં આરામથી ખાઇ શકીએ છીએ. ચિત્કાર – ચિસ અને ચિચિયારી વચ્ચે આપણે ભેદ કેમ પાડી શકતાં નથી? શું ક્રિકેટ મેચ કે કોઇ આત્મઘાતી હુમલાના દ્રશ્યોમાં કંઇ ફેર ન લાગે એ હદે આપણે લાગણીશૂન્ય થઇ ગયા છીએ? આપણી લાગણીઓ એ હદ સુધી બુઠ્ઠી થઇ ગઇ છે? દોસ્તો, સંવેદનાતો શું આપણે તો વેદના પણ અનુભવી શકતાં નથી.

માણસ પ્રેક્ટિકલ અને પ્રોફેશનલ થઇ ગયો છે. અરે યાર, ટાર્ગેટ એચીવ કરવાનાં છે! માણસનું ચાલે તો ઘડિયાળને પણ ચીરીને લાંબી કરી દે.

વર્ષનો અંત છે તો આવો, થોડોક હિસાબ કરી લઇએ. આંકડાનો નહીં, આનંદનો. ટાર્ગેટનો નહીં, ટ્રાન્સપરન્સીનો. ગોલનો નહીં, ગમા-અણગમાનો. બંધનોનો નહીં, સંબંધનો. દિમાગનો નહીં, દિલનો. ઝૂરવાનો નહીં, જીવવાનો. સંકલ્પ કરવા જ હોય તો કેટલા બધા છે! હું સંકલ્પ કરૂં છું કે આ વર્ષે હું દરેક ક્ષણને માણીશ, જીવવાનો પ્રયત્ન કરીશ, અનુભવીશ, તેનો અહેસાસ કરીશ એને આત્મસાત્ કરીશ. ફૂલનાં સ્પર્શની મજાનો તેમજ કાંટાની અણિયાળી તિવ્રતાનો પણ. પંખીઓનાં મસ્ત થઇને ટહેકાનો સાથોસાથ નિઃસહાયનાં કલ્પાંતનો પણ. આમ, દરેક લાગણીનો અહેસાસ થવો જોઇએ તો જ આપણે જીવતા છીએ. સુખનો જ નહીં, દુઃખનો પણ અનુભવ થવો જોઇએ. દુઃખમાં વેદના ન થાય તો પણ હું સમજીશ કે મારી અંદર કંઇક મરી રહ્યું છે. સુખની અનુભૂતિ ન થાય તો પણ સમજીશ કે હું લાગણીશૂન્ય થઇ રહ્યો છું.

         નવા વર્ષની પ્રાર્થના. હે ભગવાન! મને એવી સંવેદના આપ કે તું જે કંઇપણ આપે તે જીવી શકું, જીરવી શકું. મારે બધું જ અનુભવવું છે. તાપ પણ અને ટાઢક પણ. તરસ પણ અને તૃપ્તિ પણ. રંગ પણ અને તરંગ પણ. વાહ પણ અને આહ પણ. હા હું સંકલ્પ કરૂં છું કે આ વર્ષે મારી સંવેદનાને મરવા નહીં દઉં. આપણામાં કંઇક જીવે છે, તેને જીવવા દેવું છે. આપણામાં જીવતા એ ‘કંઇક’ ને મરવા ન દેવાનો હું સંકલ્પ કરીશ. By the way, ‘What is your new year resolution?’ 

1 comment:

  1. GHANSHYAM N VYAS6 January 2014 at 15:51

    My goal for 2014 is to accomplish the goals of 2013, which I should have done in 2012, because I promised them in 2011 and planned them in 2010.

    ReplyDelete