Wednesday 5 February 2014

ભારત રત્ન :-


ગઇકાલે આપણે સૌ એક ઐતીહાસિક ઘટનાનાં સાક્ષી બન્યા. જે હતી ભારતનાં રાષ્ટ્રપતિશ્રી પ્રણવ મુખર્જીનાં શુભહસ્તે જીવંત દંતકથા સમાન આપણાં ચહીતા અને સર્વશ્રેષ્ઠ ક્રિકેટર સચીન તેંડુલકરને ભારત રત્ન એવોર્ડ પ્રદાન થયો તે ક્ષણ.

       
        સચીનને ભારત રત્ન એવોર્ડ માટે હક્કદાર ગણવો કે નહીં તે માટે ચડસા ચડસી અને વાતો અને ચર્ચાઓ તો મહીનાઓથી ચાલતી રહેલી. જો કે ભારત સરકારે સચીનની નિવૃત્તિનાં દિવસે જ અનઔપચારિક રીતે તો આ વાતની જાહેરાત કરી જ દીધેલી કે આ વર્ષે સચીન તેંડુલકરને ભારત રત્ન એવોર્ડથી સમ્માનિત કરવામાં આવશે.

        ભારત રત્ન એવોર્ડ આપણાં દેશનું સર્વોચ્ચ સમ્માન છે. ભારત રત્ન એવોર્ડનાં હક્કાદાર બનવા માટે માત્ર કોઇપણ ક્ષેત્રે શ્રેષ્ઠ કે અતિશ્રેષ્ઠ કરનારને કે પ્રદાન કરનારને પ્રધાનમંત્રીએ કરેલી રાષ્ટ્રપતિને ભલામણ બાદ આપવામાં આવે છે. ૨૦૧૧ સુધી આ એવોર્ડ માત્ર સાહિત્યિક કે કલા કે વિજ્ઞાનનાં ક્ષેત્રોમાં જ નોંધપાત્ર પ્રદાન કરનાર વ્યક્તિને આપવામાં આવતો. ત્યારબાદ સરકારે આ એવોર્ડનાં માપદંડમાં થોડો ફેરફાર કર્યો અને આ માપદંડોમાં રમત-ગમતનું ક્ષેત્ર પણ ઉમેરવામાં આવ્યું. એમ તો આ સન્માનનાં માપદંડોમાં આ સન્માન અગાઉ મરણોપરાંત પણ આપવામાં આવતું નહોતું. પરંતુ વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રીજીને આ સન્માનથી સમ્માનિત કરવાનાં હેતુસહ આ માપદંડોમાં ફેરફાર કરી મરણોપરાંત શાસ્ત્રીજીને ‘ભારત રત્ન’ થી સન્માનિત કરવામાં આવ્યા.  આ એવોર્ડ માટેનાં યોગ્યતા પ્રાપ્ત વ્યક્તિની યાદી પ્રધાનમંત્રી, રાષ્ટ્રપતિને મોકલે તે નામોમાંથી રાષ્ટ્રપતિ કોઇ ત્રણ નામ નક્કી કરે અને તેને આ સન્માનથી નવાજવામાં આવે. આ સાથોસાથ ભારત રત્ન એવોર્ડ એક વર્ષમાં વધુમાં વધુ ત્રણ વ્યક્તિઓને જ આપવામાં આવે તેવો નિયમ છે. આ એવોર્ડ દર વર્ષે યોજાય જ એ જરૂરી નથી.

        આ એવોર્ડ કોઇપણ જાતિ, ધર્મ, લિંગ કે હોદ્દાથી પર છે. આ સન્માન મેળવનાર વ્યક્તિ આપણાં દેશમાં સાતમા સ્થાન પર બિરાજે છે. પ્રથમથી લઇને છ સ્થાન સુધી અનુક્રમે, રાષ્ટ્રપતિ, ઉપ-રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, તમામ રાજ્યોનાં ગવર્નર, ભૂતપુર્વ રાષ્ટ્રપતિઓ અને ઉપ-વડાપ્રધાન, સુપ્રિમ કોર્ટનાં મુખ્ય ન્યાયમૂર્તિ અને લોકસભાનાં સ્પિકર, અને ત્યારબાદ ભારત રત્ન એવોર્ડ મેળવનાર વ્યક્તિનું સ્થાન આપણાં સંવિધાન પ્રમાણે દેશનાં ગણમાન્ય વ્યક્તિ તરીકે નવાજવામાં આવે છે. આ એવોર્ડ મેળવનાર વ્યક્તિનું સ્થાન અને હોદ્દો કેબીનેટ મિનિસ્ટર્સ, તમામ રાજ્યોનાં મુખ્યમંત્રીઓ, તમામ ભૂતપુર્વ વડાપ્રધાનો, વિરોધ પક્ષનાં નેતા સમકક્ષ ગણવામાં આવે છે.

        હાં! આપણાં સંવિધાનનાં આર્ટીકલ ૧૮(૧) મુજબ ‘ભારત રત્ન’થી સમ્માનિત વ્યક્તિ પોતાનાં નામ ની આગળ કે પાછળ આ સન્માનને લખી નથી શકતાં. ઉદા. સચીન તેંડુલકર પોતાના નામની આગળ કે પાછળ ‘ભારત રત્ન સચીન તેંડુલકર’ કે ‘સચીન તેંડુલકર – ભારત રત્ન’ એમ ન લખી શકે. હાં આ વ્યક્તિ પોતાનાં લેટરપેડ કે બાયોડેટા કે પછી પોતાનાં વિઝીટીંગ કાર્ડ પર જરુર આટલું છપાવી શકે છે. ‘સચીન તેંડુલકર – રાષ્ટ્રપતિ દ્વારા ભારત રત્ન તરીકે સમ્માનિત’ અથવા ‘સચીન તેંડુલકર – ભારત રત્ન એવોર્ડ મેળવનાર’.

        આ એવોર્ડની શરૂઆત ૧૯૫૪માં થઇને અત્યાર સુધીમાં ૪૩ લોકોને આ સન્માનથી નવાજવામાં આવ્યા છે. (આ યાદી લેખનાં અંતમાં આપવામાં આવી છે.) આ એવોર્ડ માત્ર ભારતિયોને જ મળી શકે છે. પરંતુ આપણાં દેશે આ માપદંડમાં પણ જરૂરિયાત મુજબ ફેરફારો કરીને, ૧૯૮૦માં ‘મધર મેરી ટરૅસા બોજાક્ષીહ્યુ’ (મધર ટેરેસા)ને, ૧૯૮૭માં આઝાદી પછી પાકિસ્તાનમાં જઇ વસેલા ‘સરહદનાં ગાંધી’ એવા ખાન અબ્દુલ ગફાર ખાનને અને ૧૯૯૦માં દક્ષિણ આફ્રિકાનાં ગાંધી અને શાંતિદુત એવા રાષ્ટ્રપતિ ‘ડૉ. નેલ્સન રોલિહ્લાહ્લા મંડેલા’ ને પણ ભારતિય ન હોવાં છતાંયે ભારત રત્ન એટલે કે ભારત દેશનાં રત્નો તરીકે આ એવોર્ડથી નવાજવામાં આવેલાં. માન્યું કે આ ત્રણેય વિભૂતિઓ આ સન્માનને લાયક હતી પરંતુ આ સમ્માન ભારતિયોને જ મળવું જોઇએ એવું કે ભારતદેશનાં નાગરિકને જ મળવું જોઇએ આ એક મુળભૂત લાયકાત આ સન્માન યોગ્ય વ્યક્તિમાં હોવી જોઇએ એવું આપણું સંવિધાન કહે છે. પરંતુ આપણા નેતાઓ ક્યાં કોઇ સંવિધાન કે કોઇ નિયમોમાં માને છે ખરાં! એમને મનતો આ બધો સગવડીયો ધર્મ છે. જૈસે બીન પૈંદે કે લોટે. હમસે મીલે તો હમસે સોદા કર લીયા, ઉનસે મીલે તો ઉન્હે સોદા બેચ દીયા. આ કારણોસર જ આવો સર્વોચ્ચ સમ્માનિય પુરસ્કાર પણ ઘણીવાર ગંદા અને ગંધાતા રાજકારણનો ભોગ બનીને થોડો ખરડાયો છે. વારંવાર આ પુરસ્કારની યોગ્યતા અને એનાં માપદંડો પર શંકાની સોય ઉઠી છે.

        બીજું તો જવા દો, ભૂતકાળને પણ ન ઉખેળીએ તો પણ, સચીનને ભારત રત્ન એવોર્ડ આપવો જ, જોઇએ, આ વાત પણ હાલની સરકારની નિતી પર આંગળી ઉઠાવવા મજબુર કરે એવી છે. કારણ કે દેશની તમામ નાનીમોટી રાજકીય પાર્ટીએ આ નામોની ઘોષણા બાદ મેલું રાજકારણ રમવાનું શરુ જ કરી દીધેલું ને. આપણે ક્યાં નથી જાણતાં. કોઇક અટલ બીહારી બાજપેયીને આ એવોર્ડ માટે યોગ્ય કહે તો કોઇ એમ કહે કે મેજર ધ્યાનચંદ સચીન કરતાં વધુ યોગ્ય છે તો કોઇ વળી પોતપોતાનાં રાજકિય વડાને યોગ્ય ગણે. હદ તો ત્યારે થાય કે ૧૦માં ધોરણ પાસ છે એવા સર્ટીફિકેટને પણ યોગ્ય ન હોય એવા વ્યક્તિને ભારત રત્ન એવોર્ડ મળવો જોઇએ એવી હો હા થાય ત્યારે સમજવું કે ‘ઇશ્વરને ધરતી પર અવતાર લેવાની ક્ષણ આવી પહોંચી છે’. નૈતિકતાનું સંપુર્ણ રીતે અધઃપતન થયું છે ત્યારે આ લોકો પાસેથી બીજી શું આશા રાખી શકાય.

        ખેર! વાત બીજે પાટે ચડી ગઇ. પરંતુ એક નાગરિક તરીકે દુઃખ થાય આ બધું સાંભળીને જોઇને. પરંતુ આ બધા વાદ-વિવાદો, નિમ્ન કે અતિનિમ્ન કક્ષાનાં નિવેદનો બાદ પણ સરકારે યોગ્ય વ્યક્તિઓને જ આ સન્માનથી નવાજ્યા. આ એક સુખદ બાબત કહેવાય. સચીન તેંડુલકર અને પ્રોફેસર ચિંતામણી નાગેસા રામચન્દ્રા રાવ એટલે કે પ્રો. સી.એન.આર રાવ બંને સંપુર્ણ રીતે તમામ માપદંડો પ્રમાણે નિર્વિવાદ પણે પુર્ણતઃ યોગ્ય છે. આ બાબતે રાષ્ટ્રપતિ શ્રી પ્રણવ મુખર્જીને ધન્યવાદ અને શાબાશ!

        આ પુરસ્કારથી સન્માનિત વ્યક્તિને સરકાર તરફથી બીજી ઘણી સવલતો આપવામાં આવે છે. જેમાં નોંધનીય એવી,
૧.      પુરા ભારતવર્ષમાં ફરવા માટે પ્લેનની ફર્સ્ટ ક્લાસની ફ્રી ટીકીટ,
૨.      પુરા ભારતવર્ષમાં ફરવા માટે ટ્રેનની ફર્સ્ટ ક્લાસમાં ફ્રી ટીકીટ,
૩.      વડાપ્રધાનનાં પગારની બરાબર પેન્શન
૪.      ઉપર નોંધ્યું એ મુજબ કેબીનેટ કક્ષાનાં મંત્રીનો સામાજીક દરજ્જો
૫.      જરૂર પડે તો ‘ઝેડ’ કક્ષાની સુરક્ષા
૬.      પ્રજાસત્તાક દિને અને સ્વાતંત્ર્ય દિને સરકારી ખર્ચે સરકારી મહેમાન બની શકે છે.
૭.      દેશભરમાં વિવિઆઇપી (વેરી વેરી ઇમ્પોર્ટન્ટ પર્સન) એટલે કે અતિ અતિ મહત્વની
        વ્યક્તિનો દરજ્જો મળે છે.
૮.      આ એવોર્ડથી સન્માનિત વ્યક્તિનાં નિકટનાં કોઇપણ કુટુંબીજનને સરકારી નોકરી મળી શકે
        છે.

        આ તો મુખ્ય મુખ્ય સવલતો થઇ. એ સીવાયની ઘણીબધી સવલતો પણ આ વ્યક્તિ મેળવી શકે છે. ભૈ છેવટે એ ભારતની શાન સમાન ગૌરવ સમાન ‘ભારત રત્ન’ છે… સાહેબ!

ભારત રત્ન મેળવનાર મહાનુભાવો


અનુ.
નામ
સાલ
હયાતીમાં કે મરણોપરાંત
કાર્યક્ષેત્ર
૦૧
શ્રી ચક્રવર્તિ રાજગોપાલાચારી
(સી. રાજગોપાલાચારી)
૧૯૫૪
હયાતીમાં
આઝાદીનાં લડવૈયા
૦૨
શ્રી ડૉ. સર્વપલ્લી રાધાક્રિશ્નન
૧૯૫૪
હયાતીમાં
રાષ્ટ્રપતિ
૦૩
શ્રી ડૉ. ચંદ્રશેખરા વેંકટા રમન
(સી. વી. રમન)
૧૯૫૪
હયાતીમાં
વૈજ્ઞાનિક, ભૌતિકશાસ્ત્રી
૦૪
શ્રી ભગવાન દાસ
૧૯૫૫
હયાતીમાં
આઝાદીનાં લડવૈયા, લેખક અને કાશી વિદ્યાપીઠનાં સ્થાપક
૦૫
ડૉ. મોક્ષગુન્ડમ વિશ્વેશ્વર્યા
૧૯૫૫
હયાતીમાં
સિવીલ ઇજનેર અને મૈસુરનાં દિવાન
૦૬
પંડિત જવાહરલાલ નહેરૂ
૧૯૫૫
હયાતીમાં
આઝાદીનાં લડવૈયા, લેખક અને પ્રથમ વડાપ્રધાન
૦૭
પંડિત ગોવિંદ વલ્લભ પંત
૧૯૫૭
હયાતીમાં
આઝાદીનાં લડવૈયા, ઉત્તર પ્રદેશનાં મુખ્યમંત્રી અને ગૃહમંત્રી
૦૮
ડૉ. ધોંડો કેશવ કર્વે
૧૯૫૮
હયાતીમાં
શૈક્ષણિક અને સામાજિક કાર્યકર્તા
૦૯
ડૉ. બીધાન ચન્દ્રા રૉય
૧૯૬૧
હયાતીમાં
તબિબ અને પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી
૧૦
શ્રી પુરશોત્તમદાસ ટંડન
૧૯૬૧
હયાતીમાં
આઝાદીનાં લડવૈયા અને શૈક્ષણિક કાર્યકર્તા
૧૧
ડૉ. રાજેન્દ્ર પ્રસાદ
૧૯૬૨
હયાતીમાં
આઝાદીનાં લડવૈયા અને પ્રથમ રાષ્ટ્રપતિ
૧૨
ડૉ. ઝાકીર હુસૈન
૧૯૬૩
હયાતીમાં
આઝાદીનાં લડવૈયા, વિદ્વાન અને ત્રીજા રાષ્ટ્રપતિ
૧૩
ડૉ. પાંડુરંગ વામન કાને
૧૯૬૩
હયાતીમાં
સંસ્કૃતનાં વિદ્વાન
૧૪
શ્રી લાલબહાદુર શાસ્ત્રીજી
૧૯૬૬
મરણોપરાંત
આઝાદીનાં લડવૈયા, વિદ્વાન અને પ્રધાનમંત્રી
૧૫
શ્રીમતિ ઇન્દિરા ગાંધી
૧૯૭૧
હયાતીમાં
પ્રધાનમંત્રી
૧૬
શ્રી વરાહગીરી વેંકટા ગીરી
(વી. વી. ગીરી)
૧૯૭૫
હયાતીમાં
યુનિયન નેતા અને ચોથા રાષ્ટ્રપતિ
૧૭
શ્રી કુમારાસ્વામિ કામરાજ
૧૯૭૬
મરણોપરાંત
આઝાદીનાં લડવૈયા અને તમીલનાડુનાં મુખ્યમંત્રી
૧૮
સુશ્રી મધર મેરી ટેરેસા બોજાક્ષીહ્યુ
(મધર ટેરેસા)
૧૯૮૦
હયાતીમાં
મીશનરીનાં સ્થાપક અને નોબેલ વિજેતા
૧૯
શ્રી આચાર્ય વિનોબા ભાવૅ
૧૯૮૩
મરણોપરાંત
આઝાદીનાં લડવૈયા
૨૦
ખાન અબ્દુલ ગફાર ખાન
૧૯૮૭
હયાતીમાં
આઝાદીનાં લડવૈયા
૨૧
શ્રી મરૂડુ ગોપાલન રામચન્દ્રન
(એમ. જી. રામચન્દ્રન)
૧૯૮૮
મરણોપરાંત
અભિનેતા અને તમિલનાડુનાં મુખ્યમંત્રી
૨૨
ડૉ. ભીમ રાવ રામજી આંબેડકર
૧૯૯૦
મરણોપરાંત
બંધારણનાં ઘડવૈયા, દલિતોનાં પ્રેરણામૂર્તિ
૨૩
ડૉ. નેલ્સન રોલિહ્લાહ્લા મંડેલા
૧૯૯૦
હયાતીમાં
નોબેલ વિજેતા
૨૪
શ્રી રાજીવ ગાંધી
૧૯૯૧
મરણોપરાંત
છઠ્ઠા પ્રધાનમંત્રી
૨૫
શ્રી સરદાર વલ્લભભાઇ પટેલ
૧૯૯૧
મરણોપરાંત
આઝાદીનાં લડવૈયા અને આઝાદભારતનાં ઘડવૈયા
૨૬
શ્રી મોરારજી રણછોડજી દેસાઇ
૧૯૯૧
હયાતીમાં
આઝાદીનાં લડવૈયા અને ચોથા પ્રધાનમંત્રી
૨૭
મૌલાના અબુલ કલામ આઝાદ
૧૯૯૨
મરણોપરાંત
આઝાદીનાં લડવૈયા અને પ્રથમ શિક્ષણ મંત્રી
૨૮
શ્રી જેહાંગીર રતનજી દાદાભોઇ ટાટા (જે.આર.ડી. ટાટા)
૧૯૯૨
હયાતીમાં
ઉદ્યોગપતિ
૨૯
શ્રી સત્યજીત રૅ
૧૯૯૨
હયાતીમાં
બંગાળી ફિલ્મોનાં નિર્દેશક
૩૦
શ્રી ગુલઝારીલાલ નંદા
૧૯૯૭
હયાતીમાં
આઝાદીનાં લડવૈયા અને અલ્પસમયિક પ્રધાનમંત્રી
૩૧
શ્રીમતિ અરૂણા આસફ અલી
૧૯૯૭
મરણોપરાંત
આઝાદીનાં લડવૈયા
૩૨
ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ
૧૯૯૭
હયાતીમાં
વૈજ્ઞાનિક અને રાષ્ટ્રપતિ
૩૩
શ્રીમતિ મદુરાઇ સન્મુખાવાદિવુ સુબ્બલક્ષ્મિ (એમ.એસ.સુબ્બલક્ષ્મિ)
૧૯૯૮
હયાતીમાં
કર્ણાટકી શાસ્ત્રિય ગાયિકા
૩૪
શ્રી ચીદમ્બરમ સુબ્રમણિયમ્
૧૯૯૮
હયાતીમાં
આઝાદીનાં લડવૈયા અને કૃષિ પ્રધાન
૩૫
લોકનાયક જયપ્રકાશ નારાયણ
૧૯૯૮
મરણોપરાંત
લોકસેવક
૩૬
પ્રોફેસર આમર્ત્ય સેન
૧૯૯૯
હયાતીમાં
અર્થશાસ્ત્રી
૩૭
લોકપ્રિય ગોપીનાથ બાર્ડોલોઇ
૧૯૯૯
મરણોપરાંત
આઝાદીનાં લડવૈયા અને આસામનાં મુખ્યમંત્રી
૩૮
પંડિત રવિ શંકર
૧૯૯૯
હયાતીમાં
શાસ્ત્રિય સંગીતકાર
- સિતાર -
૩૯
સુશ્રી લતા દિનાનાથ મંગેશકર
૨૦૦૧
હયાતીમાં
લોકપ્રિય પાર્શ્વ ગાયિકા
૪૦
ઉસ્તાદ બિસ્મીલાહ્ ખાન
૨૦૦૧
હયાતીમાં
શાસ્ત્રિય સંગીતકાર
- શહેનાઇ -
૪૧
પંડિત ભીમસેન જોષી
૨૦૦૯
હયાતીમાં
શાસ્ત્રિય ગાયક
૪૨
પ્રોફેસર ચિંતામણી નાગેસા રામચન્દ્રા રાવ (સી.એન.આર.રાવ)
૨૦૧૪
હયાતીમાં
રસાયણ શાસ્ત્રી
૪૩
સચીન તેંડુલકર
૨૦૧૪
હયાતીમાં
ક્રિકેટર

5 comments:

  1. Mahendra Chotaliya7 February 2014 at 10:25

    Good Work dude. One of the best article from you. Really like it!

    ReplyDelete
  2. મેઘના...7 February 2014 at 19:11

    ખુબ સરસ લેખ. ખુબ વિસ્તૃત માહિતી. અભિનંદન.

    ReplyDelete
  3. સરસ લખાણ , ગૂડ ઇન્ફોર્મેશન વાહ ભાઈ વાહ મજા આવી ગઈ.

    ReplyDelete
  4. Superb article with detail description. Even with some interesting facts too. Nice work,

    ReplyDelete
  5. Nice article.

    ReplyDelete