Saturday 11 May 2013

શબ્દોની રમત, શબ્દોની ઝમક, શબ્દોની આભા, શબ્દોની છાયા…


       શબ્દો માણસ જેવા છે. સૌની અલગ અલગ તાસીર હોય, જુદી જુદી છટા હોય અને પોતપોતાનું આગવું વાતાવરણ પણ હોય. એક શબ્દ એક ભાષામાંથી બીજી ભાષામાં ગતિ કરે ત્યારે ક્યારેક ઘણું બધું બદલાઇ જતું હોય છે તે આપણે જાણીએ છીએ. અહીં આ લેખમાં આપણી ભાષાનાં કેટલાંક શબ્દોની મોહક ચેષ્ટાઓ જોઇએ.
        ‘મમ્મી… સુધારેલા કાંદા (ડુંગળી) કાપીને કેમ ખુલ્લા મૂકી દીધા? કોઇ ચાંપલી તરૂણી ફ્રિજનું બારણું ખોલીને નાક ચડાવશે, ‘આખા ફ્રિજમાંથી કેટલી બધી ગંધ આવે છે, જો તો!’ કેટલાક શબ્દોની પોતાની એક ઇમેજ હોય છે. દાખલા તરીકે, આ ‘ગંધ’. આમ જોવા જાઓ તો ‘ગંધ’ શબ્દ પોતે તટસ્થ છે, તે સારા કે ખરાબ કોઇનાં પક્ષમાં નથી. સારી ગંધ માટે ‘સુગંધ’ અને ખરાબ ગંધ માટે ‘દુર્ગંધ’ જેવા અલાયદા શબ્દો છે જ, પણ આપણે બાપડા ‘ગંધ’ શબ્દની ઇમેજ બગાડી નાખી છે. ‘ગંધ’ એટલે ‘ખરાબ ગંધ’ એવું લગભગ રૂઢ થઇ ગયું છે! અમુક શબ્દ પૂર્વગ યા પ્રોફિક્સનાં (Prefix) પ્રયોગ વગર જ ચોક્કસ અર્થ પ્રગટ કરી નાખે છે. ખરાબ સ્મેલની વાત કરતાં હોઇએ ત્યારે ‘ગંધ’ શબ્દની આગળ ‘દુઃ’ પૂર્વગ મુકવાનું કષ્ટ ન લો તો બિલકુલ ચાલે. ‘ગંધ’ અને ‘દુર્ગંધ’ આ બન્ને શબ્દો સમાનાર્થી બની ગયા છે. ‘વાસ’ શબ્દનું પણ એવું જ. સારી વાસ માટે ‘સુવાસ’ છે, પણ ખરાબ વાસ માટે ‘દુર્વાસ’ જેવો કોઇ શબ્દ નથી. વાસ એટલે જ ખરાવ વાસ. ‘જો ને કેવી વાસ આવે છે.’ આ વાક્ય ઘણીવાર આપણે પણ પ્રયોગ કરતાં હોઇએ છીએ. બીજાની તો ક્યાં વાત જ કરવી!
        આવો જ બીજો શબ્દ છે, ‘લાગણી’. ‘લાગણી’ એટલે સારી લાગણી એવું આપણે ઘણીવાર વગરકહ્યે સ્વીકારી લઇએ છીએ. દાખલા તરીકે, ‘મને બાપુજી માટે ખુબ જ લાગણી છે,’ ‘આ તો લાગણીનો સવાલ છે.’ આ બંન્ને વાક્યોમાં ‘સારી’ શબ્દ જ અદ્રશ્ય છે, કારણકે એની જરૂર જ નથી. બાપુજી માટે સારી લાગણી જ હોય. એ જ રીતે, સવાલ પણ સારી લાગણીનો જ હોય. સામે પક્ષે, જો વાત નકારાત્મક કે અભાવાત્મક ફિલિંગની હશે તો આપણે એને વ્યક્ત કરવા આખેઆખો શબ્દ વાપરીશું. જેમ કે, ‘રમેશમાં ધિક્કારની લાગણી જાગી,’ ‘અપમાનની લાગણી મહેશનાં રોમેરોમમાં પ્રસરી ગઇ…’
        હવે, ‘સંસ્કાર’ શબ્દ પર ધ્યાન આપો. ‘સંસ્કાર’ એટલે ઘણું કરીને સારા સંસ્કાર. દાખલા તરીકે… ‘નિરાલીનાં સંસ્કાર એટલે કહેવું પડે…,’ ‘છોકરો જો સંસ્કારી હોય તો કરો કંકુનાં...,’ ‘એનું વર્તન તો જુઓ! મા-બાપે એને સંસ્કાર નહીં આપ્યા હોય?’ અહીં ‘સુસંસ્કારી’ કે ‘સારા સંસ્કારવાળો’ એવું અલગથી કહેવામાં કે specify કરવામાં નથી આવ્યું કે કદાચ જરૂર નથી. ‘સુસંસ્કાર’ કે ‘કુસંસ્કાર’ જેવા શબ્દો આપણે ત્યાં ખાસ વપરાતા પણ નથી. સંસ્કાર એટલે સારા સંસ્કાર, બસ.
        ઉપરનાં જ ઉદાહરણમાંથી વાત આગળ વધારીએ. છોકરો સારો અને સંસ્કારી (સુસંસ્કારી) હતો એટલે નિરાલીનાં માતા-પિતાએ એની સાથે દીકરીનું સગપણ કર્યું. લજ્જાશીલ નિરાલી પોતાની એક સહેલીનાં ઘરે જાય છે અને વાતવાતમાં ધીરેથી શરમાતાં શરમાતાં કહી દે છે, ‘મારે તને એક ન્યુઝ આપવાનાં છે… મારું પાક્કું થઇ ગયું!’ આ સાંભળતા જ સહેલી ખુશખુશાલ થઇ જાય છે, અને બોલી ઊઠે છે, ‘ઓહ ગ્રેટ… કોન્ગ્રેચ્યુલેશન્સ!’ અહીં નિરાલી શું પાક્કું થઇ ગયું એ બોલતી નથી. લગ્ન વયે પહોંચેલી છોકરી ‘મારું પાક્કું થઇ ગયું’ એવું કહે ત્યારે વાત સગપણની જ હોય! નિરાલી ‘સગપણ’ જેવો ચાવીરૂપ શબ્દ જ વાક્યમાંથી ઉડાવી દે છે, છતાં ભાવ-પ્રતિભાવની આપ-લે તો થઇ જ!
        આપણાં સંબંધશાસ્ત્રમાં એક શબ્દ ‘પાટલાસાસુ’ ધ્યાન ખેંચે એવો છે. પાટલાસાસુ એટલે પત્નીની મોટી બહેન. પત્નીની નાની બહેન ‘સાળી’ છે પણ મોટી બહેન સાસુની હરોળમાં બેસી જાય છે. આનો શો અર્થ થયો? પત્નીની નાની બહેનો સાથે મજાકમસ્તીભર્યો વ્યવહાર હોઇ શકે છે, પણ મોટી બહેનની મર્યાદા જાળવવાની છે, અંતર રાખવાનું છે. બીજી બાજુ પત્નીનાં ભાઇઓ માટે આવું કોઇ વિભાજન લાગું પડતું નથી. પત્નીથી નાના કે મોટા બધા ભાઇઓ ‘સાળા’ જ છે. ‘પાટલા સસરા’ જેવો કોઇ શબ્દ ચલણમાં નથી. આમ, ફક્ત પત્નીની મોટી બહેન જ કંઇક વિશેષ, ધ્યાનાકર્ષક હોદ્દો ધરાવે છે.
        પ્રેમ અને ભાષાને કશુંય લાગેવળગે? પ્રેમની લાગણીને પ્રિયજનની ભાષા સાથે ભલે કંઇ લાગતુંવળગતું નથી એવું આપણે ફિલ્મ ‘એક દૂજે કે લિયે’ સહિતની કંઇકેટલીયે ફિલ્મોમાં જોયું છે, પણ ‘પ્રેમ’ શબ્દ પર ભાષાની ચોક્કસપણે અસર થાય છે. ભાષા બદલાય એટલે લાગણીની અભિવ્યક્તિમાં ફેર પડી જાય. અંગ્રેજી ભાષાએ રીતે ખુબ ‘પ્રેમાળ’ છે. અંગ્રેજીમાં ‘લવ’ શબ્દ છૂટથી વપરાય છે. તમે લવર અને વતનથી લઇને જૂતાં, કાર, પાળેલા પ્રાણીઓ બધાને પ્રેમ કરી શકો છો. દાખલા તરીકે… ‘આઇ લવ માય બ્રાઉન ટી-શર્ટ (I love my brown T-shirt) … So comfortable!’ ‘આઇ લવ માય કાર સો મચ! (I love my car so much).’ આ જ વાત ગુજરાતીમાં કરીશું તો ‘લવ’ શબ્દનું ‘લાઇક’ થઇ જશે. પ્રેમ કરવો નહીં, પણ ગમવું. હું મારા બ્રાઉન રંગનાં ટી-શર્ટને પ્રેમ નથી કરતો, પણ મને મારૂં બ્રાઉન રંગનું ટી-શર્ટ ખૂબ ગમે છે. હું મારી કારને પ્રેમ નથી કરતો, પણ મને મારી કાર ખૂબ પસંદ છે, ગમે છે. આ તો નિર્જીવ વસ્તુઓ થઇ. સજીવ માણસોને પણ આપણે પ્રેમ ઓછો કરી છીએ, ગમાડીએ છીએ વધુ. નાનો ટાબરીયો ઇંગ્લીશમાં કહેશે, ‘આઇ લવ માય મમ્મી!’ સંવાદ ગુજરાતીમાં ચાલતો હશે તો આપણે બાળકને એમ નહીં પૂછીએ કે બેટા, તું કોને વધારે પ્રેમ કરે છે – મમ્મીને કે પપ્પાને? આપણે એમ પુછશું કેઃ બેટા, તને કોણ વધારે ગમે છે – મમ્મી કે પપ્પા? ઇવન હિન્દી ભાષામાં પણ ‘પ્યાર’ શબ્દ આપણા કરતાં વધારે છૂટથી અને સહજતાથી વપરાય છે. જેમકે ‘મૈં મમ્મી કો બહોત પ્યાર કરતાં હૂં’ – આ હિન્દીમાં બહુ જ સહજ અભિવ્યક્તિ થઇ. કોણ જાણે કેમ આપણે ગુજરાતી જીભે પ્રેમ શબ્દ પ્રમાણમાં બહુ ઓછો ચડે છે. કહે છે ને કે ભાષા અને શબ્દો માણસની કે પ્રજાની તાસીરનું તેમનાં વિચારોનું તેમનાં સ્વભાવનું પ્રતિબિંબ છે. તો શું આપણે ગુજરાતીઓ પ્રમાણમાં ઓછી પ્રેમાળ પ્રજા છીએ? ગુંચવાઇ રહ્યા હો તો આ સવાલનો જવાબ આપોઃ બોલો તમેને આઇસક્રિમ ગમે છે કે તમે આઇસક્રિમને પ્રેમ કરો છે?

(સંપાદિત)

2 comments:

  1. Ghanshyam Vyas19 July 2013 at 12:17

    શબ્દોની રમત...


    ગરીબ માણસ દારૂ પીએ,
    મધ્યમ વર્ગીય મદ્યપાન કરે,
    જ્યારે શ્રીમંત લોકો ડ્રિંક્સ લે!
    .
    કામ કરનાર ગરીબ માણસને મજૂરી મળે,
    કામ કરનાર મધ્યમ વર્ગીયને પગાર મળે,
    કામ કરનાર ઓફિસરને સેલરી મળે.
    .
    ગરીબ માણસ કરે એ લફરૂ,
    મધ્યમવર્ગીય માણસ કરે એ પ્રેમ,
    જ્યારે શ્રીમંત વ્યક્તિ કરે એ અફેર!

    ReplyDelete
    Replies
    1. ખુબ સરસ વાત કરી ઘનશ્યામ!.

      કૃષ્ણ કરે એ લીલા અને આપણે કરવા જઇએ તો થઇ જઇએ લીલા. (અહીં લીલા શબ્દને લીલા ચકામા એમ સમજવું)

      Delete