Sunday 12 May 2013

“મા” શબ્દ ઉચ્ચારાય અને ઉજાસ પથરાય…



વિશ્વવિખ્યાત ચિત્રકાર લિયોનાર્દો-દ-વિન્ચીનું એક ચિત્ર છે, માતા અને બાળક. જે ચિત્રની નીચે આ વાક્ય લખવામાં આવ્યું છે.
“Mother, at whose hands the civilizations are cradled and at whose breast the humanity is nourished.”
“મા, જેનાં હાથો વડે સભ્યતાઓ પારણે ઝૂલી અને જેની છાતીએથી માનવતા પોષણ પામી.”

ભક્ત કવિ દુલા કાગની કાવ્યપંક્તિ…
“મોઢે જ્યાં બોલું મા ત્યાંતો મને સાચે જ નાનપણ સાંભરે,
ઇ આ મોટપની મજા મને કડવી લાગે કાગડા…”

        ઇસુ ખ્રિસ્ત પાસે એક ભક્ત આવ્યો. આવતાંવેત એણે ઇસુનાં પગ પકડી લીધા.
        ‘ભગવાન તમારા ચહેરા પર શાંતિ છે એ મને આપો.’
        ઇસુએ હસીને કહ્યું. ‘લઇ લે.’
        પેલો ભક્ત મુંઝાઇને જોઇ રહ્યો. ‘એમ નહીં, તમે મને એ શાંતિ આપો.’
        ઇસુનાં ચહેરા પર એ જ સ્મિત હતું. તેમણે ફરી કહ્યું, ‘જો, આ મારો ઝભ્ભો, આ મારૂં પાત્ર, તારે જે જોઇતું હોય તે લે. તને મારા ચહેરા પર શાંતિ દેખાતી હોય તો એ પણ લઇ લે. મારે શું કરવી છે એને? તને એ જ્યાં દેખાય ત્યાંથી લઇ લે. હું ના નહીં પાડું.’
        ‘ભગવાન મને મૂંઝવો નહીં. હું આ ગામનો સૌથી શ્રીમંત માણસ છું. તમે કહેશો એ આપીશ. મારો બધો ખજાનો આપી દઇશ. મને લેતાં આવડે એ તો છીનવીને લઇ લઉં છું. પણ તમારા ચહેરા પરની શાંતિ છિનવી શકતો નથી. એ તો તમારે જ આપવી પડશે. તમે કહો એ કિંમત આપીશ.’
        ‘તારી પાસે આટલા બધા પૈસા છે?’
        ‘હા’
        ‘તો એક કામ કર.’
        ‘આજ્ઞા કરો.’
        ‘તારી મા ને લઇ આવ.’
        ‘મારી મા તો મૃત્યુ પામી છે.’
        ‘એથી શું થયું? તું  તો ધનિક છે. તું પૈસા આપીને ખરીદી શકે છે. શાંતિ ખરીદવા નીકળ્યો છો તો એક મા નહીં ખરીદી શકે?’
        ‘હાં એય ખરૂં.’
        પેલા ધનિકે વિચાર્યું. એ એક વૃધ્ધા પાસે ગયો. ‘માજી, તમે માગો એટલા પૈસા આપું. તમે મારી મા બનો.’
        ‘બેટા, તું આ ગરીબ ડોસીને પૈસા આપીશ તો તારી ચાકરી કરીશ, તારો ખ્યાલ રાખીશ. મને જે કૈં આવડે એ રાંધી દઇશ. હા, મા કરે એ બધું કરીશ.’
        ધનિક તો એ વૃધ્ધાને લઇ ઇસુ પાસે આવ્યો. ‘લ્યો, આ મા લઇ આવ્યો.’
        ‘વાહ! કેટલામાં ખરીદી?’
        ‘હજી એને પૈસા આપવાના બાકી છે પણ એ મારું ધ્યાન રાખશે. હું કહીશ ત્યારે મને વહાલ પણ કરશે.’
        ‘ભાઇ, તેં પૈસા આપીને આ વૃધ્ધા માટે દીકરો ખરીદ્યો છે, કારણકે એ તારું ધ્યાન રાખશે. પણ તારા માટેની મા બહારથી કઇ રીતે આવશે?’
        પેલા ધનિકને સમજ ન પડી. ‘ભગવાન, તમે કહો એ કરવા આ વૃદ્ધાને સમજાવીશ. એને હું મા કહીશ. એ મને દીકરો કહેશે. પછી શું?’
        ‘ભાઇ, તને સમજ ન પડી. એ તને દીકરો કહેશે તો કદાચ એની નજરમાં સાચોસાચ દીકરો દેખાશે. પણ તું જ્યારે એને મા કહીશ, ત્યારે તેં પૈસા આપીને ખરીદેલી જણસ જ દેખાશે. તારી આંખ મા ને નહીં જુએ. તારી આંખ તારી સંપત્તિનો પડઘો જોયા કરશે. એ શક્ય છે કે આ વૃધ્ધાને દીકરો મળે. પણ તને માં કઇ રીતે મળશે? માં કઇ વેચાતી મળતી નથી. આ સ્ત્રીમાં મા છે, પણ તારા પૈસાનાં અહંકારને કારણે તું કેવળ એને ખરીદી શકાય એવી ચીજ માને છે. મા તો કેવળ મા હોય છે.
        પેલો ધનિક ઇસુ સામે જોઇ રહ્યો. ઇસુએ પેલી વૃધ્ધાને કહ્યું, ‘મા, આ માણસ તો સાવ કંગાળ છે. એ તો જૂઠું બોલી તને અહીં લઇ આવ્યો છે. એ તને ફૂટી કોડીય આપી શકે એમ નથી. તું એની મા થઇને શું કરીશ?’
        ‘કંઇ નહીં બેટા, એને મને પૈસા આપવાનું કહ્યું. હું એની ચાકરી કરીશ, એનું ધ્યાન રાખીશ. મને અનાથને મા કહેનારું કોણ છે? દીકરો માત્ર પૈસા ન આપી શકે એટલા માટે એક વાર એને દીકરો કીધો પછી તેનાથી મોં ફેરવી લઉં? ચાલ બેટા, હું બે ઘેર વાસણ માંજીને કમાઇ લાવીશ અને તને રોટલા ભેગો કરીશ.’
        પેલા ધનિકની આંખનાં પડળ ઊઘડી ગયાં. એ આ વૃધ્ધાને પગે લાગ્યો. ‘મા, હું ખરેખર કંગાળ છું. તેં મને પ્રેમ આપ્યો, મને ન્યાલ કરી દીધો.’
        ઇસુએ એ માણસને કહ્યું, ‘હવે તારે મા ખરીદવાની જરૂર નથી. શાંતિ ખરીદવી છે?’
        ઇસુના ચહેરા સામે જોઇને એ ધનિક બોલ્યો. ‘ના, મને હવે શાંતિ પણ મળી ગઇ.’
        આ કથા ખરેખર બની છે કે કેમ એ ખબર નથી, પણ રોજબરોજ બનતી હોય છે. ખરેખરાં માતા-પુત્ર વચ્ચે પણ બને છે. દીકરો છે એટલે મા એને વહાલ કરે છે. દીકરો કમાઇને લાવે છે, એટલા માટે નહીં. માનો પ્રેમ અતલાન્ત હોય છે. પુત્રનાં પ્રેમને સીમા હોય છે.
        એકવાર એક મા-દીકરા વચ્ચે ઝઘડો થયો. દીકરાએ કહ્યું, ‘તેં મને મોટો કર્યો, એ તારો ઉપકાર. પણ એમાં તેં જે કંઇ કર્યું એ બધાનો બદલો હું ચૂકવી દઇશ. બોલ, મારી પાછળ તેં કેટલો ખરચ કર્યો? કેટલા મારાં કપડા પાછળ ખરચ્યા, કેટલા મારા જમવા પાછળ ખરચ્યા? કેટલા દવામાં ગયા? બધું લખાવ. હું વ્યાજ સાથે તને ચૂકતે કરી દઇશ. લખાવ….’
        ‘લખાવું તો ખરી દીકરા, પણ ક્યાંથી લખાવું?’
        ‘કેમ? જન્મ્યો ત્યારથી. પહેલા દિવસથી.’
        ‘પહેલા દિવસે તને મેં છાતીએ વળગાડી દૂધ પાયું’તું અને પછી તને ખોળામાં લઇ તારી સામે જોઇ હરખનાં આંસુ વહાવ્યા હતાં. બોલ, એ દૂધ કેટલા રૂપિયે લિટર લખીશ? અને એ આંસુનાં ટીપાંની ક્યા કોમ્પ્યુટર પર ગણતરી કરીશ? અને દરેક ટીપાં માટે કેટલા રૂપિયા આપીશ?’
        પુત્રનો બધોજ રોષ ઊતરી ગયો. એણે એની માનાં ખભે માથું મૂકી દીધું અને ધ્રુસ્કે ધ્રુસ્કે રોતાં કીધું, ‘મને માફ કર મા, મારાથી ગુસ્સામાં, ખીજમાં બધું બોલાઇ ગયું…’
        એક નાના કિશોરે તેની માતાને પૂછ્યું, ‘મા, ઇડિયટ શબ્દનો અર્થ શું?’ માતા કહે, ‘બેટા, તું આ શબ્દનો અર્થ કેમ પુછે છે?’ તો પુત્રે કહ્યું કે, ‘આજે મને મારા શિક્ષકે ઇડિયટ કહ્યો.’ ક્રોધમાં ધૂંઆફુંવા થતી માતા એના એ પુત્રને લઇને સ્કુલે ગઇ અને તેનાં એ શિક્ષકને કહ્યું, ‘મારા બાળકને ઇડિયટ કહેવાની તમે હિંમત કેમ કરી? મારે નથી ભણાવવો તેને તમારી પાસે કે આ સ્કૂલમાં. તેને હવે હું ભણાવીશ અને જગતને બતાવી દઇશ કે મારો બાળક શું છે.’ એ સમજદાર મા એ પોતાના બાળકને શિક્ષણ આપ્યું અને જગતને મહાન વૈજ્ઞાનિક થોમસ આલ્વા એડિસનની ભેટ મળી. એડિસન ન હોત તો દુનિયામાં અંધારૂ હોત.
        શરાબી પતિનું મૃત્યુ થયું હોય, વારસામાં દેવું મૂકતો ગયો હોય, ભૂખ્યા બાળકો ખાવા માટે રોતાં હોય, અને તેમને ખવરાવવા માટે માતા પાસે કાંઇ ન હોય – ન ખાવાનું હોય કે ન ખાવાનું ખરીદવાનાં પૈસા. આવી અસહાય અવસ્થામાં માતા શું કરે?
        આ માતા રસ્તે ચાલતા રાહદારેઓ તરફ બાળકનું ધ્યાન ખેંચતી, તેમની હાલવા ચાલવાની રીતની એવી રમૂજી નકલ કરી બતાવતી કે આંખમાં આંસુ સાથે બાળકોનાં ચહેરા પર હાસ્ય ફરક્તું. બાળકો હસી પડતાં. હસી હસીને થાકી જતાં એટલે સૂઇ જતાં. એક ઊંડો નિસાસો નાખી મા પણ સૂઇ જતી. એ પણ કલાકાર હતી. પરંતુ કાર્યક્રમો મળતા નહીં. કારમી ગરીબી હતી. એમાં એક પબમાં કાર્યક્રમ મળ્યો. પબમાં એટલે મયખાનામાં શરાબીઓ દારૂડીયાઓ વચ્ચે કાર્યક્રમ આપવો મુશ્કેલ તો હતો જ પણ એ મા ની મજબુરી હતી.
        એ માતા અને બાળક પબમાં પહોચ્યાં, જે કાંઇ થોડીઘણી કમાણી થતી તેમાં માતા બાળકોને ખવરાવી પોતે તો ભૂખી જ રહેતી. માતાએ વાયોલિન વગાડીને ગાવાની શરૂઆત કરી પણ ભૂખ અને અશક્તિને કારણે આંખે અંધારા આવવા માંડ્યા, શરીર કંપવા લાગ્યું, ગાતા ગાતા ઉધરસ ચડી અને ગીત અધૂરૂં રહ્યું, અને માતા સ્ટેજ પર બેભાન થઇને ઢળી પડી. એ જ વખતે એનાં બાળકે સ્ટેજ પર પ્રવેશ કર્યો અને તેની સમજણ પ્રમાણે નાચવાનું શરૂ કર્યું. લોકોને આનંદ આવે એવો અભિનય કર્યો, વાયોલિન ઉપાડ્યું અને માતાની નકલ શરૂ કરી, ગીતની શરૂઆત કરી અને જ્યાં એની માતા અટકી ગયેલી ત્યાં ઉધરસ ખાઇને એ પણ અટકી ગયો અને સ્ટેજ પર ઢળી પડ્યો. લોકોએ તાળીઓનો વરસાદ વરસાવ્યો અને સિક્કાઓથી સ્ટેજ ભરી દીધું. સિક્કાઓ ભેગા કરી એને માતાને સુપ્રત કરી કાર્યક્રમ આગળ ચલાવ્યો. થોડીવાર પહેલા માતાની ક્રુર મજાક કરતાં પ્રેક્ષકોએ માતાને - આવા કલાકાર પુત્રની માતા હોવા બદલ અભિનંદન આપવા લાગ્યા. એ બાળકનો એની જિંદગીનો સ્ટેજ પરનો આ પ્રથમ કાર્યક્રમ હતો અને માતાનો સ્ટેજ પરનો છેલ્લો કાર્યક્રમ હતો. એ બાળકનું નામ ચાર્લી ચૅપ્લિન અને એની માતાનું નામ લિલી હાર્લી.
        જીવનમાં આવેલ અઢળક દુઃખો, ભૂખમરો અને અસહાયતાને સહન કરવાથી લિલી હાર્લી આગળ જતાં પાગલ થઇ ગયા, અને એક પાગલખાનામાં દાખલ કરવા પડ્યા. થોડા વર્ષો બાદ સાજા થતાં પુત્ર ચાર્લી તેમને તેનાં ઘરે (જે એક મહાલય જેવડો હોય છે) લાવે છે અને મોટા વિશાળ બગીચામાં આરામ ખુરસી પર બેઠા બેઠા ટેબલ પર પડેલ બ્રેડ – બડરની ડિશો અને મૂલ્યવાન ટીસેટ માતા ટગર ટગર જોઇ રહે છે, ચા નો કપ નીરખતી અને બ્રેડ બટર જોતી સાવ સાજી હોય એમ ગંભીર બની માતા લિલી હાર્લી, પુત્ર ચાર્લી ચૅપ્લિનને કહેતી, ‘બેટા એ વખતે મને એક કપ ચા અને એક બ્રેડનો ટુકડો મળ્યો હોત ને તો હું પાગલ ન થઇ જાત.” આટલું સાંભળતાં પુત્ર ચાર્લીનાં હ્રદયમાં એક ટીસ એક ઊભી તિરાડ પડતી. ત્યારે ચાર્લી કહેતાં, ‘જગતની કોઇ સમૃધ્ધિ, કોઇ સુખ, કોઇ સત્તા આ તિરાડને ભરવા માટે પૂરતાં નથી.’
        આપણે કલાકોનાં કલાકો જીવનની, વ્યવસાયની, ઇશ્વરની, આધ્યાત્મની વાતો કર્યા કરીએ છીએ. કોઇ ક્ષણે એ મા વિશે અનાયાસે વાત કરીએ ત્યારે એ પવિત્ર ઘડી આવે છે – માનો લય વાતચીતમાં ભળે ત્યારે એ વાત અમૃતત્વને પામે છે. મા શબ્દ ઉચ્ચારાય અને એક ઉજાસ પથરાય છે. મા નો ખ્યાલ આવે કે ચિત્ત મંજાઇને ઝળહળાં થઇ ઉઠે છે. ચમત્કારનાં અનૂભવ માટે બહુ દૂર જવાની જરૂર નથી. ‘મા’ શબ્દ ઉચ્ચારીએ અને ચમત્કાર થાય છે.
        દુનિયાનાં એકેએક માણસનાં જીવનમાં આ ચમત્કાર બને છે. મહાન સર્જકો, મહાન કલાકારો, મહાન વૈજ્ઞાનિકો, મહાન રાજપુરૂષો કે મહાન ચિંતકો આ ચમત્કારને પોતાની રીતે પામે છે. આ સૌ માની વાત કરે ત્યારે પોતાના બધા જ આંચળા ઉતારી દે છે. મા સત્યનો સૂર્ય છે. તેની સામે ઉપરછલ્લું ઝાકળ ટકી રહેતું નથી. ‘મા’ શબ્દ જ આવરણનાં બધાં પડ ઉખેળી નાખે છે. માનો વિચાર આપણને ‘એક્સ રે’ની માફક આરપાર જોઇ શકે છે. સમગ્રને બેનકાબ કરી દે છે.
        મા શબ્દ કોઇ સર્જકનાં હ્રદયમાં ઊગે ત્યારે રચાતો કંપ અક્ષર દેહે બહાર પડે છે. ત્યારે આ ચમત્કાર સ્થિરતા પામે છે. આ ચમત્કાર ક્યારેક શબ્દમાં સ્થિર થાય છે, તો ક્યારેક રેખાઓમાં, કોઇ સંગીતકાર સુરાવલીમાં માની સ્મૃતિને મઢે તો એનાં અવાજમાં કે લયમાં પણ ચમત્કાર જોઇ શકાય છે. કોઇ નૃત્યકારને નૃત્યની ક્ષણે માનું સ્મરણ થાય તો તેની ગતિમાં પણ આ ચમત્કાર જોઇ શકાય છે.
        મા એટલે જન્મદારા મા તો ખરી જ. પણ જેની આંખોમાં અમૃત દેખાય એ તમામ મા છે. મા પ્રત્યેક નારીમાં કોઇ અમૃત ક્ષણે જાગી ઉઠે છે. મા કદી મરતી નથી. માનો દેહ ન હોય ત્યારે એનું વ્હાલ હવાનાં કણકણમાં વિખેરાઇઅને આલિંગન આપે છે.
        આજે માતૃદિન છે. અમેરિકામાં મે મહિનાનાં બીજા રવિવારે આ વખતે ૧૨મી મીએ – ‘મધર્સ ડે’ ઊજવાય છે. મા તો એનાં સંતાનને હંમેશા યાદ કરે જ છે, કરતી જ હોય છે. એટલે તેને કદી, ‘સન્સ ડે’ કે ‘ડોટર્સ ડે’ ઊજવવાની જરૂર પડતી નથી. સંતાનો મા ને યાદ ન કરે એવું બને, એ વાતને ધ્યાનમાં લઇને સંતાનોનાં મનમાં માની સ્મૃતિને સભર કરતો એકાદ દિવસ કેલેન્ડરમાં હોવો જોઇએ એવો કોઇકને આજથી ૧૦૬ વર્ષ પહેલાં ફિલાડેલ્ફિયામાં વિચાર આવ્યો હતો, અને આ દિવસ ઉજવવાની શરૂઆત થઇ. આપણે તો જાતજાતનાં તહેવારો ઊજવીએ છીએ. નવરાત્રીને જગજનનીનો તહેવાર ગણી ઊજવીએ છીએ. પણ સીદીસાદી મા-સામાન્ય મનુષ્યની મા-હંમેશા અસામાન્ય હોય છે. આવી મા નો એકાદ તહેવાર ઉમેરીએ તો? ઊજવીએ તો…?
        આ લખનાર તરફથી દુનિયાની તમામ માતા નાં ચરણોમાં વંદન. Happy Mother’s Day. 


મારાં મમ્મી... (મંજુલાબેન ઉપાધ્યાય)

3 comments:

  1. Ma te Ma Bija vagda na Va...

    Nice article Dude.

    ReplyDelete
  2. તમામ માતા નાં ચરણોમાં વંદન.

    ReplyDelete
  3. પિતા રડી શકતા નથી અને માતાને રડતી જોઇ શકાય નહીં. ખુબ સરસ લેખ દોસ્ત.

    ReplyDelete