Friday 17 May 2013

Love makes life live...



Love makes life live…

… આશિકી …

પહેલી ૧૯૯૦માં અને હવે તેની રીમેક ૨૦૧૩માં આવી.
૧૯૯૦, ની આશિકીનાં ઘણાં ખરા કસબીઓ આ ૨૦૧૩ની ફિલ્મમાં પણ છે જ. જેમકે, ફિલ્મ વિશેષ ફિલ્મ બેનરની છે સાથે ટી-સીરીઝ પણ અગાઉ હતું તેમ જ છે. ૧૯૯૦માં આવેલી આ ફિલ્મ, ફિલ્મ જગતમાં ફરીવાર સંગીતપ્રધાન ફિલ્મો માટે એક શરૂઆત સાબિત થઇ. ૧૯૯૦માં જબરદસ્ત સફળ થયેલી આ ફિલ્મની સફળતાની રોકડી આ ફિલ્મ સાથે સંકળાયેલા સૌએ કરી. ટી-સીરીઝ (ગુલશન કુમાર), મહેશ ભટ્ટ, કુમાર શાનુ, નદિમ-શ્રવણ, સમીર, અનુરાધા પૌડવાલ, હિરો રાહુલ રોય કે હીરોઇન અનુ અગરવાલ.
આ લખનારે આશિકી ૧૯૯૦માં ભાવનગરનાં અલ્કા ટોકીઝમાં ઓછામાં ઓછી ૧૦ વાર જોઇ હતી. હીરો પહેરે છે એવું બ્લેક લેધર જેકેટ તો ત્યારે રાતોરાત સ્ટાઇલ સ્ટેટમેન્ટ બની ગયેલું.
આ ફિલ્મ સાથે સંકળાયેલા તમામની કેરીયરની ગાડી રાતોરાત, અચાનક ટોપ ગીયરમાં આવી ગઇને એવી સડસડાટ દોડી કે અમુકની તો હજુ અટકી નથી. તેમાનું એક બેનર એટલે સ્વ. ગુલશનકુમાર ઉર્ફે ગુલશન દુઆ નું ટી-સીરીઝ.
પછી, મહેશ ભટ્ટ, આ સિધ્ધહસ્ત નિર્દેશક એનાં ધુનકી સ્વભાવને કારણે આજે પણ પ્રખ્યાત છે. તો ત્યારે તો એ યુવાન હતાં અને પાછા સફળ પણ. મહેશ ભટ્ટની કારકિર્દીમાં આ ફિલ્મ વ્યવસાયિક રીતે ખુબ સફળ થઇ.
ગાયક, કુમાર શાનુ (કેદારનાથ ભટ્ટાચાર્યા) અને સંગીતકારો નદીમ-શ્રવણ. આ ત્રીપુટી તો પછી ફિલ્મી જગતમાં જીલી જીલાતી નહોતી એમ કહીએ તો અતિષ્યોક્તિ નહીં ગણાય. વોઇસ ઓફ કિશોરકુમાર તરીકે પ્રખ્યાત થયેલો અને કિશોરકુમારનાં ગીતો ગાઇ ગાઇને પોતાનું ગાડું ગબડાવતો કુમાર શાનુ ફિલ્મફેર એવોર્ડ મેળવવાનો તો ઠીક પણ જોયેલો પણ નહીં હોય એવા સમયે આ ફિલ્મ આવીને ભાઇ સાહેબ, ફોર્મમાં આવી ગ્યા. બાપુ એના ગાયેલા ગીતોએ જમાવટ પણ એવી કરેલીને! (આદમીએ ગાયેલું પણ જીવ રેડીને હો ભૈ)
અને આ બંને સંગીતકારો, નદીમ સૈફી અને શ્રવણ રાઠોડ. બંને ૧૯૭૯ (માનશો?) થી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં હતાં. પણ કંઇ જામતું નહોતું, આશિકી આવી ત્યાં સુધી.
ગીતકાર, સમીર… ગીતકાર અન્જાન (લાલજી પાંડે) નાં આ સુપુત્ર ચિરંજીવી પણ ૧૯૮૩થી ઇન્ડ્સ્ટ્રીમાં હતાં જ.
આ આખી ટીમમાં અનુરાધા પૌડવાલ એક સીનીયર મોસ્ટ હતાં. જે ૧૯૭૩થી ઇન્ડસ્ટ્રીમાં હતાં. અમિતાભ અને જયા બચ્ચન અભિનીત ફિલ્મ ‘અભિમાન’ યાદ છે? તેમાં એક મંત્ર આવે છે, જે અનુરાધા પૌડવાલે ગાયેલો.
રાહુલ રોયની આ પહેલી ફિલ્મ હતી હિરો તરીકે. ફિલ્મ સુપર ડુપર હીટ થઇ, ને હિરો પણ સુપરહીટ ગણાવા લાગ્યો. એવું સાંભળવામાં આવેલું કે આશિકીની સફળતાને કારણે રાહુલ રોયે એ વર્ષે એક સાથે ૪૦ (ચાલીસ) ફિલ્મો સાઇન કરેલી. સોચો ઠાકુર!!!
અનુ અગરવાલ, દિલ્હીની આ મોડેલ સાઇકોલોજી (માનસશાસ્ત્ર કે મનોવિજ્ઞાન) વિષયમાં દિલ્હી યુનિવર્સીટીની ગોલ્ડ મેડાલીસ્ટ છે. ૧૯૯૦ની ફિલ્મ આશિકી અનુ અગરવાલની પણ પહેલી જ ફિલ્મ હતી.
હવે આવીએ વર્તમાનમાં. ૨૦૧૩ની આશિકી-૨ રીલીઝ થઇ તેમાં તમામ કલાકાર-કસબી પહેલેથી જ ઇન્ડસ્ટ્રીમા વેલ સેટ થઇ ગયેલાં. નિર્દેશક મોહિત સૂરી, જે પહેલાં નિર્દેશક વિક્રમ ભટ્ટનાં સહાયક તરીકે ફિલ્મ કસૂર (૨૦૦૧), આવારા પાગલ દિવાના (૨૦૦૨) અને ફૂટપાથ (૨૦૦૩)માં કામ કરેલું. સ્વતંત્ર ડીરેક્ટર તરીકે મોહિત સૂરીની આવેલી ફિલ્મો, ઝહેર (૨૦૦૫), કલીયુગ (૨૦૦૫), વો લમ્હે (૨૦૦૬), આવારાપન (૨૦૦૭), રાઝ – ૨ (૨૦૦૯), ક્રુક (૨૦૧૦), મર્ડર – ૨ (૨૦૧૧) અને અત્યારે આશિકી – ૨ (૨૦૧૩).
આશિકી-૨ માં ગાયક તરીકે શ્રેયા ઘોષાલ, તુલસી કુમાર, પલક મુ્છલ, અરિજીત સિંઘ, કે.કે. અને એક પાકિસ્તાની ગાયક મુસ્તફા ઝાહિદ પણ છે. અરિજીત સિંઘ, સોની ટીવીની ફેમ ગુરૂકુળમાં આવેલો. સંગીતકાર પ્રિતમનાં સહાયક તરીકે પણ કામ કર્યું છે. ૨૦૧૧માં આવેલી મર્ડર – ૨ માં ગીતો ગાયા પછી આ ગાયકની કારકીર્દી થોડી પાટા પર ચડી. તુલસી કુમારે હિમેશ રેશમિયા સાથે ખુબ ગીતો ગાયા અને તેમાનાં ઘણા હિટ નિવડ્યા. પલક મુછલ પણ નવી ઉભરતી ગાયીકા છે, અને શ્રેયા ઘોષાલ વિશે તો કંઇ કહેવાનું ન હોય, યારોં…
આ ફિલ્મમાં સંગીત ત્રણ સંગીતકારોએ આપેલું છે. મિથુન, જીત ગાંગુલી અને અંકિત તિવારી. આ ફિલ્મમાં અંકિત તિવારીએ “સુન રહા હૈ ના તુ” બંને વર્ઝન (મેલ, ફિમેલ) કંપોઝ કર્યા છે, અને મેલ વર્ઝન તો ખુદ સંગીતકારે જ ગાયું છે. ફિલ્મનું સૌથી વધુ હીટ ગયેલું ગીત, “તુમ હી હો”, નું સંગીત મિથુને (બસ ઇક પલ, અનવર, અગર, મર્ડર-૨, જિસ્મ-૨ વગેરે) એ આપ્યું છે. આ ગીત જ્યારે યુ-ટ્યુબ પર મુકાયું ત્યારે માત્ર ૨ અઠવાડિયામાં ૨૦ લાખ હિટ્સ મળી ચુકેલા. મતલબ ગીત હીટ હતું. આ સિવાયનું ગીત, “મેરી આશિકી” માં પણ મિથુનનું જ કંપોઝીશન છે. આ ફિલ્મનાં ત્રીજા સંગીતકાર જીત ગાંગુલી જે અગાઉ પ્રિતમની સાથે જોડીમાં ૨૦૦૨માં યશરાજ બેનરની અને સંજય ગઢવી(ધુમ ફેઇમ) ની ફિલ્મ ‘તેરે લીયે’માં આવેલાં. એ પછી આ જોડીએ થોડી ફિલ્મો સાથે કરી અને સંજોગોવશાત આ જોડી આગળ ન ચાલી. ત્યારબાદ જીત ગાંગુલીએ સ્વતંત્ર રીતે સંગીતકાર બનીને “લાઇફમેં હંગામા હૈ” નામની ફિલ્મ કરી અને આ બીજી ફિલ્મ આશિકી-૨ છે. જીત ગાંગુલીએ આ ફિલ્મમાં કુલ પાંચ ગીત કંપોઝ કર્યા છે. “ચાહું મેં આજ, હમ મર જાયેંગે, પિયા આયે ના, ભુલા દેના, આસાન નહીં યહાં” અને “મિલને હૈ મુજસે આયી”
હિરો છે આદિત્ય રોય કપુર, જે ખ્યાતનામ ફિલ્મ અને ટીવી પ્રોડક્શન હાઉસ યુટીવી નાં સીઇઓ સિધ્ધાર્થ રોય કપુર (વિદ્યા બાલનનાં પતિદેવ) નો નાનો ભાઇ છે. તેની આ અગાઉ ફિલ્મો લંડન ડ્રિમ્સ, એક્શન રિપ્લે અને ગુઝારીશ આવેલી. હિરોઇન તરીકે આપણાં સૌનાં ચહિતા એવા આઉઉઉઉઉઉ…..શક્તિ કપુરની હોનહાર બેટી શ્રધ્ધા કપુર છે. આ મેડમની અગાઉ આવેલી ફિલ્મો, ૨૦૧૦માં તીન પત્તિ અને ૨૦૧૧ માં લવ કા ધી એન્ડ હતી.
તો રિડર બિરાદરો આ તો વાત થઇ આશિકી (જુની અને નવી) સાથે જોડાયેલા કલાકાર-કસબીઓની.
હવે વાત કરીએ, ફિલ્મની વાર્તા, સ્ટોરીની. ૧૯૯૦ની ફિલ્મ આશિકીની સ્ટોરી આકાશ ખુરાના અને રોબીન ભટ્ટે લખેલી. જ્યારે ૨૦૧૩ની આશિકી ૨ ની સ્ટોરી શગુફ્તા રફિકીએ લખેલી છે. બંને સ્ટોરી સારી છે. ૧૯૯૦ની આશિકીમાં હિરો, પોતાની માતાને છોડી, પિતાએ કરેલા બીજા લગ્નને કારણે થોડો અપસેટ અને સફળ ગાયક બનવા સંઘર્ષ કરતો હોય છે, જ્યારે અત્યારની આ નવી આશિકીમાં હિરો એક સફળ ગાયક હોય છે. પરંતુ તેની દારૂની આદતને કારણે ધીરે ધીરે તેનો સમય અને કારકિર્દી ખતમ થતી બતાવી છે. (શા માટે આ આદત હોય છે એ બતાવવામાં નથી આવ્યું). હાં, એકવાત આ નવી ફિલ્મમાં ઉડીને આંખે વળગે એવી છે કે, સફળતા જેમ પચાવવી અઘરી છે એમ નિષ્ફળતા પણ પચાવવી તેનાં કરતાં વધુ અઘરી અને અસહ્ય છે. આ ફિલ્મમાં ફિલ્મ ઇન્ડ્સ્ટ્રીની અસલિયત પણ બતાવી છે, એક ડાયલોગ આવે છે, કે “यार ये स्टार लोग जब फ्लोप होते है तो कितने मनहुस लगते है” મતલબ જેની પાછળ એક સમયે લાખો લોકો દોડતા, જેની એક ઝલક મેળવવા પડાપડી કરતાં, ધક્કામુક્કી કરતાં હોય એ સ્ટાર જ્યારે નિષ્ફળ જાય ત્યારે તેનો ઉલ્લેખ માત્ર કે એની હાજરીથી જાણે રંગમાં ભંગ પડી જતો હોય છે. આવી બેરહેમ દુનિયા છે દોસ્તો!
જુની આશિકીમાં હિરોને જ્યારે હિરોઇનનાં કહેવાથી ગાયનનો મોટો બ્રેક મળે છે અને સફળ થાય છે, પણ જ્યારે આ વાતની એને ખબર પડે ત્યારે એ જોરદાર ઉધામા મચાવે છે. એના આત્મસમ્માનને એક જબરદસ્ત ઠેસ પહોંચે છે અને એક સમયે એની પ્રેમિકા જેને પામવા એણે કોણ જાણે કેટલાય ખેલ કરેલા હોય છે પુરી ફિલ્મમાં, બસ આ એક વાત પર છોડી દેવા તૈયાર થઇ જાય, ભાયડો! (अब तेरे बिन जी लेंगे हम) એલા ભૈ, તું તે ક્યા રજવાડાનો રાજકુમાર હતો તે તને કોઇ એમેએમ જ આવડો મોટો બ્રેક આપે? ને મળ્યો છે તો ભાઇ પેલીને થેંક્સ કે, ઠેકડા મારે છે શેને? એમાં એ બિચારીનો માત્ર એ જ ગુનો કે એ સફળ થઇ ગઇને તું હજુ હરાયા ઢોરની જેમ આંટા મારે છે તો કંઇક કામધંધે વળગને ભાઇ… તારી મહેનતને કારણે જ્યારે એને સફળતા મળી તો એતો તને થેંક્યુ કહે છે, ખુલ્લી ગાડીમાં તારી સાથે ગીતો ગાય છે (मेरा दिल तेरे लीये), ને વળી તેણીએ તને એ જ વસ્તુ give back કરી એમાં તને આટલું ચાટી ગયું?
આ નવી ફિલ્મમાં પણ કંઇક આમ જ બતાવ્યું છે, કે રાહુલ જયકર (હિરો) નાં કારણે આરૂહી (હિરોઇન)ને પ્લેબેક અને સિંગીગ આલ્બમ ગાવા માટેનો મોટો બ્રેક મળે છે. આ વાત પણ જ્યારે રાહુલ, આરૂહીને ગોવામાં એક બારમાં એનું જ ગાયેલું એક હીટ ગીત (सुन रहा है ना तु) ગાતા સાંભળે છે ત્યારે તેને convince કરવા એક સરસ વાત કહે છે કે “दुनिया के सबसे बहेतरीन और मशहुर कलाकार वो लोग होते है, जिनकी अपनी एक अदा होती है. वो अदा जो किसीकी नकल करने से नहीं आती, वो अदा जो उनके साथ जनम लेती है”. વાત પણ ખરી છે ને મિત્રો. દરેકની પોતાની એક આગવી શૈલી હોય છે જે તે ગમે એટલી કોશીશ કરે છતાંયે તેમનાં વ્યક્તિત્વમાં દેખાઇ જ આવે, તેની કળામાં એનાં સફળ થયેલા ક્ષેત્રમાં આ શૈલી દેખાઇ જ આવે.
        તો આમ, રાહુલ, આરૂહીને મુંબઇ લાવે છે અને ગમે એમ કરીને સફળ કરે જ છે. પણ આરૂહીની સફળતાની સાથે સાથે રાહુલ પોતાની અસફળતાથી પણ પુરો વાકેફ છે. ઘણા દ્ર્શ્યો જોતી વખતે ૧૯૭૩ની ફિલ્મ ‘અભિમાન’ પણ યાદ આવી જાય છે, જેમ કે દ્રશ્ય છે જેમાં એક પીઝા ડીલીવરી બોય રાહુલનાં બદલે આરૂહીનો ઓટોગ્રાફ માંગે છે. રાહુલને હકીકતનો અને તેનાં સ્થાનનો સજ્જ્ડ અનુભવ થાય છે. સાથો સાથ તેનાં પીવાની આદતને કારણે આરૂહીને વારંવાર ક્ષોભજનક હાલતમાં મુકાવું પડે છે. આ તમામ વાતો અને અનુભવો રાહુલને છેવટે એ વાત સ્વિકારવા મજબુર કરે છે કે જ્યાં સુધી તે આરૂહીનાં જીવનમાં રહેશે ત્યાં સુધી આરૂહી એને મળેલી સફળતાને ટકાવી નહીં શકે. કારણકે આરૂહી એક સમય તેની સફળતા, તેનો સંઘર્ષ તમામ ભૂલીને રાહુલની સાથે જીંદગી પસાર કરવા તૈયાર થઇ જાય છે. કારણ રાહુલને છોડીને જો તેને સફળતા મળતી હોય તો તે સફળતા માટે એ આટલી મોટી કિંમત ચુકવવા તૈયાર નથી.
મિત્રો, સફળતા એમનમ નથી મળતી. એને મેળવવા માટે પામવા માટે ઘણીવાર ખુબ આકરી કિંમત ચુકવવી પડતી હોય છે. હાં દુનિયા માત્ર તમારી સફળતાને જ જુએ છે, પણ તે પામવા, મેળવવા જે તે વ્યક્તિએ ચુકવેલી કિંમતની તો જાણ જે તે વ્યક્તિને પોતાને જ હોય છે. એ કિંમતની પીડા પણ એની પોતીકી છે, કોઇ એનો ભાગીદાર નથી. હાં એણે જે સફળતા મેળવી છે એનાં ભાગીદારો રાતોરાત સેંકડો બની જાય છે. એક અંગ્રેજી કહેવત છે, Success have many fathers, failure is orphan. મતલબ સફળતાનાં ભાગીદારો સેંકડો હોય છે, પણ નિષ્ફળતા તો અનાથ હોય છે. આ કિંમત ચુકવવા જે તૈયાર હોય એને સફળતા મળે જ છે પણ ખુબ આકરી હોય છે. કારણ કે ટોચ પર તો ખુબ થોડી જગ્યા હોય છે એટલે તેણે ત્યાં પહોંચીને એકલતા વેઠવી જ પડે. ઘર, માતા-પિતા, યાર-દોસ્તો, પ્રિયજન ઘણું ઘણું છોડવું પડે છે ઘણીવાર.
દરેક વખતે એવું બનતું નથી કે સફળતાની કિંમત આકરી હોય, પરંતુ મોટાભાગનાં કિસ્સાઓમાં સફળતા મેળવનાર વ્યક્તિએ કોઇને કોઇ રીતે એ કિંમત ચુકવી જ હોય છે. ભલે ગમે તે રીતે પણ હાં… મફત કંઇ મળતું નથી. અને સફળતા તો ખાસ.
તો મિત્રો આમ, આ બંને ફિલ્મમાં સફળતા મેળવનાર વ્યક્તિ જેમાં ૧૯૯૦ ની આશિકી હોય કે ૨૦૧૩ની, આ બંને ફિલ્મોમાં હિરોઇન જ સફળ થાય છે. ફરક માત્ર એટલો પડે છે બંને ફિલ્મમાં કે જુની આશિકીમાં રાહુલને પડતો મુકીને અનુ પેરીસમાં એક ફેશન શો માં જતી રહે છે. જ્યારે આ નવી ફિલ્મમાં આરૂહી કોઇપણ ભોગે રાહુલને છોડવા તૈયાર નથી. તે ખુબ સ્પષ્ટ છે તેનાં વિચારોથી કે જો સફળ થવા રાહુલને છોડવો પડે તો આ કિંમત ચુકવવા પોતે તૈયાર નથી. તે તો ત્યાં સુધીની તૈયારી બતાવે છે કે જો રાહુલ તેની આ આદત (દારૂ પીવાની) થી જો ખુશ હોય તો પોતે પણ એ આદત પાડશે અને રાહુલનો સાથ દેશે. પણ કોઇપણ ભોગે રાહુલથી છુટી નહી પડે કે રાહુલને નહીં છોડે. જ્યારે રાહુલ પણ પોતાની આદતને કારણે બેઇલાજ હોય છે, કે ગમે એમ કરવા છતાંયે એ આ આદતને છોડી શકે એમ નથી. ઘણું કરવા છતાંયે.
ફિલ્મનાં છેલ્લા સિન્સમાં આપણો જુનો રાહુલને પોતાની ભૂલ સમજાતાં મુંબઇનાં ભયંકર ટ્રાફિકમાં અથડાતો, કુટાતો ગમે એમ કરીને પેરીસ જતી અનુને રોકે છે. જ્યારે આ વખતની આશિકીમાં રાહુલને સમજાય જાય છે કે જ્યાં સુધી એ આરૂહીની જિંદગીમાં છે ત્યાં સુધી આરૂહી એને છોડશે નહીં પછી ભલે એ એની સફળતાને ભોગે પણ છોડશે નહીં, ત્યારે એ આપઘાત કરીને આરૂહીનીં જિંદગીમાંથી પોતાને દૂર કરવા આ પગલું ભરી લે છે. બની શકે કે આ કારણે દર્શકરાજા પર મોહિત સૂરી એક કરૂણ અંત આપીને સહાનુભૂતિ મેળવવા માંગતા હોય.
અહીં આ લખનાર એ સૂચન માત્ર આપી શકે કે, આ ફિલ્મનો અંત સુખદ પણ થઇ શકતો હતો. જે કંઇક આવો હોય. રાહુલ છેવટે જેમ છેલ્લા સિનમાં આરૂહીથી છૂટા પડતી વખતે આજથી નવી ઝીંદગીની શરૂઆતનો નિર્ણય જણાવે છે તેમ જીમમાં જાય, રીહેબિલીટેશન સેન્ટરમાં જઇ દારૂની આદતથી છુટકારો મેળવે, રોજેરોજ, નિયમીત રિયાઝ કરીને તેનો અવાજ પાછો કેળવે અને ફરી પાછો સંગીતની દૂનિયામાં ધમાકેદાર પુનરાગમન કરીને બંને આરૂહી અને રાહુલ ખુબ ખુબ સફળ થાય અને રાહુલનાં જીવન દ્વારા બીજા લોકોને પ્રેરણા મળે. આવો એન્ડ પણ થઇ શકતો હતો. જે હું માનું છુ ત્યાં સુધી દર્શકરાજાને વધુ ગમત. પણ ભઇ, ફિલ્મ, મોહિત સૂરીની, લખી શગુફ્તા રફિકીએ તો પછી બેગાની શાદીમેં અબ્દુલ્લા દિવાના ક્યૂં હો?
તો રીડર બિરાદરો, આ બધી પળોજણ છોડીને માણો બંને ૧૯૯૦ની અને ૨૦૧૩ની આશિકીનાં લાજવાબ સોંગાસ્વાદ…
આ રહી થાળી…
આશિકી ૧૯૯૦.

मैं दुनिया भुला दुंगा तेरी चाहत में...


धीरे धीरे से मेरी झिंदगी में आना...


नझर के सामने, जीगर के पास...

मेरा दिल तेरे लिये, धडकता है...

बस ईक सनम चाहिये, आशिकी के लिये...

जाने जिगर जानेमन...

तु मेरी झिंदगी है...

अब तेरे बिन जी लेंगे हम...

दिल का आलम मै क्या बताउं तुजे...

આશિકી ૨૦૧૩


तुम ही हो, अब तुम ही हो...

सुन रहा है ना तु (Male version)

सुन रहा है ना तु... (Female version)

तु ये मुजको बता दे, चाहु मैं या ना...

हम मर जायेंगे...

पिया आये ना हो...

भुला देना मुजे, है अलविदा तुजे...

आसान नहीं यहां आशिक हो जाना...

मिलने है मुजसे आयी, फिर जाने क्युं तनहाइ...


2 comments:

  1. Nice article. i must see both Aashique now. Good. Very well describe all the aspects.

    ReplyDelete
  2. પુનિત ગામિત7 July 2013 at 18:27

    ખુબ સરસ લેખ. આ સાથે તમારૂં અને તમારા તમામ વાચકોને મારી નમ્ર અપીલ કે, જેઓને આશિકી-૨ ગમ્યુ હોય તે સૌ એ હમણાં નવી રીલીઝ થયેલી ફિલ્મ 'રાંઝણા' જોવી રહી બોસ!

    ReplyDelete