Tuesday 28 May 2013

મહત્વાકાંક્ષા…


        એક વાર્તા.
       
        સ્કૂલમાંથી નીકળ્યા બાદ છૂટા પડી ગયેલા ચાર મિત્ર, લગભગ ત્રીસ વર્ષ બાદ ભેગા થયા. વાતો કરવામાં, પોતપોતાની જીવનકથની કહેવામાં, સાંભળવામાં કલાકો વીતી ગયા. એમાંથી એક જણ ઊભો થઇને ટોઇલેટ ગયો.
        પાછળ રહેલા ત્રણ જણે પોતપોતાનાં બૈરીબચ્ચાની વાતો માંડી. પહેલાંએ કહ્યું, મારો દિકરો નાનપણથી જ બહુ મહત્વાકાંક્ષી હતો. ટોપ યુનિવર્સિટીમાંથી બિઝનેસ મેનેજમેન્ટની ડીગ્રી લઇને એક કંપનીમાં માર્કેટીંગ એસ્ક્ઝીક્યુટીવ તરીકે જોડાયો. ટેલેન્ટ અને મહેનતનાં જોરે ઝડપભેર પ્રગતિ કરી, અને આજે ત્યાં એ જ કંપનીનો પ્રેસિડેન્ટ બની ગયો છે. પુષ્કળ પૈસા કમાય છે, અને દોસ્તોની કદર કરવાનું પણ ભૂલતો નથી. હમણાં એના એક ફ્રેન્ડનાં બર્થડે પર તેણે લેટેસ્ટ મર્સિડીઝ કારની ગિફ્ટ આપી. મારો દિકરો મારા જેવો જ છે.
        બીજાએ કહ્યું, મારો દિકરો પણ બચપણથી મહત્વાકાંક્ષી હતો. એન્જિનિયર બનીને એક એરલાઇન્સમાં જોડાયો, અને આવડતનાં જોરે આજે ત્યાં પાર્ટનર બની ગયો છે. પરંતુ આ પોઝીશન આવા મોટા હોદ્દા પર પહોંચ્યા પછી પણ એણે એના મિત્રોને યાદ રાખ્યા છે. હમણાં એનાં એક ફ્રેન્ડનાં બર્થડે પર મારા દિકરાએ આખેઆખું જેટ વિમાન ગિફ્ટમાં આપ્યું. આખરે દિકરો તો મારો છે!
        ત્રીજાએ કહ્યું, કે મારા દિકરાને પણ મહત્વાકાંક્ષા ગળથૂથીમાં જ મળી છે. મારી જેમ એણે પણ નોકરી કરવાને બદલે નાને પાયે બિઝ્નેસ શરૂ કર્યો, અને આજે એ શહેરનો સહુથી મોટો બિલ્ડર – ડેવલપર છે. પાકો બિઝનેસમેન છે પણ મિત્રો સાથે કોઇ ગણતરીમાં પડતો નથી. હમણાં એક દોસ્તનાં બર્થડે પર એને એક મોટો વેલફર્નિશ્ડ બંગલો ગીફ્ટમાં આપી દીધો. બાપ એવા બેટા!
        ત્રણેય દોસ્તો, એકમેકનાં સંતાનો વિશે સાંભળીને રાજી થયા, અને ખુલ્લા દિલે પ્રસંશા, અભિનંદન વરસાવવા લાગ્યા. ટોઇલેટથી પાછા ફરેલા મિત્રને નવાઇ લાગી કે આ શું ચાલી રહ્યું છે! પેલા તેનાં ત્રણ મિત્રોએ કહ્યું કે અમારા દિકરા અમારા જેવા જ નીવડ્યા. મોટા બિઝનેસ સંભાળે છે, સુંદર, સુશીલ છોકરીઓ સાથે પરણીને સુખી છે. હવે તારા દિકરાની વાત કર.
        ચોથા મિત્રએ કહ્યું, ‘મારા દિકરાએ મેરેજ નથી કર્યા, કારણ કે એ હોમોસેક્સ્યુઅલ છે. નાનપણથી એને ડાન્સિંગનો શોખ હતો. જે તેણે છોડ્યો નથી. અત્યારે એક ગે નાઇટ ક્લબમાં સ્ટ્રીપટીઝ ડાન્સર તરીકે કામ કરે છે.’
        પેલા ત્રણેય મિત્રોને આ સાંભળીને આઘાત લાગ્યો. ‘અરર…આવા કપાતર પાકે ત્યારે માબાપને કેવું નીચાજોણું થાય!’ આ સાંભળીને પેલા ચોથા મિત્રએ જવાબ આપ્યો કે, ‘ના, ના મારો દિકરો છે. એન્ડ આઇ લવ હિમ એઝ યુ લવ યુર સન! એ પોતાની ઝિંદગીથી ખુશ છે, અને એની ખુશીમાં હું ખુશ છું. વળી એ પોતાનું ગમતું કામ બહુ ગંભીરતાપુર્વક વેરી સિન્સ્યરલી કરે છે. એટલે લોકો પણ એનાથી ખુશ રહે છે. જુઓને, હજી ગયા અઠવાડિયે જ મારા દિકરાનાં જન્મદિવસે એને એનાં ત્રણ પ્રેમી તરફથી મર્સિડીઝ કાર, જેટ વિમાન અને એક શાનદાર બંગલો ગિફ્ટમાં મળ્યાં.’

-     વર્ષા પાઠક, જુન ૨૦૧૦
  અહા! જિંદગી અંક.

2 comments:

  1. હા હા હા...

    તમે એ તો ન લખ્યું કે ચોથા મિત્રનાં પુત્રનાં પ્રેમીઓ વિશે જાણીને બાકીનાં ત્રણે જણાંનુ શું થયું?

    ReplyDelete
  2. મારો દિકરો છે. એન્ડ આઇ લવ હિમ એઝ યુ લવ યુર સન! એ પોતાની ઝિંદગીથી ખુશ છે, અને એની ખુશીમાં હું ખુશ છું. If the past generation may accept this scenario then there will b no problem between both them. Kya baat kahi. Well Said.

    ReplyDelete