Saturday 4 May 2013

Negative Programming...


થોડા સમય પહેલાં એક ઇમેઇલમાં પાંચ દેડકાની વાર્તા મળેલી. વાર્તા કંઇક આવી હતી.

એકવાર પાંચ દેડકાઓએ નક્કી કર્યું કે આપણે પાંચેય વચ્ચે હરીફાઇ કરીએ. સામે જે ઊંચો પર્વત દેખાય છે, તેનાં પર દોડીને જે સૌથી પહેલો ચડી જાય તે વિજેતા, તે દેડકો જીતે. બીજા દેવસે સવારે હરીફાઇ શરૂ કરવાનું નક્કી થયું. આ વાત જંગલમાં ફેલાઇ ગઇ કે દેડકાઓ અંદરો અંદર આવતીકાલે એક હરીફાઇનું આયોજન કરે છે. બધા પ્રાણીઓમાં જબરૂ કુતુહલ થયું અને સૌએ નક્કી કર્યું કે આ હરીફાઇ જોવા જવી. બીજા બધા પ્રાણીઓ પણ બીજા દિવસે સવાર સવારમાં આ અનોખી હરીફાઇ જોવા માટે આવવા માંડ્યા.

સસલાએ સીટી મારી અને હરીફાઇ શરૂ થઇ. પાંચેય દેડકાં કુદકા મારતાં આગળ વધવા લાગ્યા. શિયાળ, હાથી, સિંહ અને બીજા બધાં પ્રાણીઓને આ તમાશો જોઇને ખુબ હસવું આવતું હતું. એક નાનકડો એવો જીવ દેડકો આજે હરીફાઇમાં ઉતર્યો અને એ પણ દેડકાઓ સાથે જ. ખુબ હાસ્યાસ્પદ આખી ઘટના હતી. અન્ય પ્રાણીઓનું ટોળું બધા દેડકાઓની પાછળ અને આસપાસ સાથે દોડી રહ્યું હતું અને દેડકાઓને સમજાવતું હતું કે ‘તમે દેડકાઓ છો, તમે આટલાં ઊંચા પર્વત પર ચડી નહીં શકો. નાહકનાં જીવ ગુમાવશો અથવા હેરાન થશો, માટે આ હરીફાઇ માંડી વાળો.” છતાં દેડકાંઓ આ સાંભળ્યું ન સાંભળ્યું કરતાં દોડતાં જ રહ્યા. ત્યાં ફરી પાછું કોઇક પ્રાણી બોલ્યું, “અલ્યા, દોડવાનું રહેવા દો…. અટકી જાઓ, હજુ સમય છે. દોડે રાખશો તો મરી જાશો. સમજો.” આ સાંભળીને એક દેડકો જે થાકવા માંડ્યો હતો તે અટકી ગયો.

આ જોઇને હરણ બોલ્યું, “હાં, તમારા સૌમાં આ દેડકો સમજદાર નીકળ્યો. દોડતો અટકી ગયો, એટલે હવે બચી જશે. તમે દેડકાની જાત. આટલો ઊંચો પર્વત ચડવાનું તમારૂં કામ નહીં. જુઓ આ તો સમજી ગયો, તમે પણ સમજો તો સારૂં.” આટલું સાંભળતા બાકીનાં બીજા બે દેડકાં પણ દોડતાં અટકી ગયાં.

        આટલું થયું ત્યાં તો બીજા પ્રાણીઓ બાકી રહેલાં બંને દેડકાઓને સમજાવવાનો પ્રયત્ન ચાલુ રાખ્યો, કે “જુઓ તમારા ભાઇઓ તો સમજીને અટકી ગયા. હવે તમે બંને પણ આ હરીફાઇને અટકાવી દો. તો જીવતા રહેશો. બાકી આજે તમારૂં મોત નક્કી છે. સમજો તો સારૂં. તમારા સારા માટે સમજાવીએ છીએ.” આટલું હજું બોલી રહ્યા. ત્યાં મહામહેનતે ચડી રહેલાં બંને દેડકામાંનો એક દેડકો ત્યાં જ મૃત્યુ પામ્યો. આ જોતાં તમામ પ્રાણીઓ એકી અવાજે બાકી રહેલાં છેલ્લા દેડકાંને સમજાવવા લાગ્યા કે “ભાઇ, હવે બસ કર. આ જો તારો એક ભાઇ તો મૃત્યુ પામ્યો. તું શા માટે ને જીવ ગુમાવવા માંગે છે. હવે થોભી જા, અને બસ કર. તમારી સાત પેઢીમાં કોઇ આટલું ઊંચે નથી પહોંચી શક્યું…” પણ એ દેડકો તો બસ દોડતો જ રહ્યો. આ જોઇને બધા પ્રાણીઓએ છેવટે એ દેડકાની મજાક કરવાનું શરૂ કર્યું, કે “ભલે ને ચડતો, જો જો ને હમણાં મરી જશે!, હમણાં નીચે પડશે.”

        પણ દેડકો ચડતો રહ્યો અને આખરે પર્વતની ટોચ ઉપર પહોંચી ગયો. આ જોઇને જંગલનાં તમામ પ્રાણીઓ ચુપ થઇ ગયા. જંગલમાં એ દેડકાનો જયજયકાર થયો. તમામ પ્રાણીઓ દંગ થઇ ગયા. સૌનાં મનમાં એક જ સવાલ, કે “આ ઉપર સુધી પહોંચી કઇ રીતે શક્યો?” આ સવાલનો જવાબ મેળવવા જંગલનાં સૌ પ્રાણીઓએ નક્કી કર્યું કે એ વિજેતા થયેલ દેડકાનું મેડીકલ ચેકઅપ કરાવવું.

જ્યારે એ દેડકાનું ચેકઅપ કરાવવામાં આવ્યું, તો નિદાન થયું કે એ દેડકો તો બહેરો છે!

આ આખી વાર્તા પરથી આપણને આપણાં કાને અથડાતા શબ્દોની શક્તિનો ખ્યાલ આવે છે. દેડકાને ખબર જ નહોતી કે મને કોઇ રોકી રહ્યું છે. એને નિરાશ કરે કે નાસીપાસ કરે એવા શબ્દો સંભળાયા જ નહોતા. માટે એની પાસે એ વાતો પર વિચાર કરવાનો સવાલ જ નહોતો. એટલે જ એને હારી જવાનો કે નાસીપાસ થવાનો ડર નહોતો. એતો બસ એનાં લક્ષ્ય તરફ નજર કરીને આગેકુચ કરે જતો હતો અને છેવટે ધારેલી મંજીલ મેળવીને જ જંપ્યો. દેડકાનું નેગેટિવ પ્રોગ્રામીંગ કરવાનાં ત્યાં હાજર રહેલ તમામ પ્રાણીઓ દ્વારા થયેલ તમામ પ્રયાસો નિષ્ફળ ગયા. કારણકે દેડકા સુધી એ કંઇ પહોંચી જ શક્યું નહીં. માટે તેનાંમાં નિરાશાનાં કે નાસીપાસ થવાનાં ભાવો ઊભા જ ન થયા.

તો વાચકરાજા, તમને પણ તમારી આસપાસનાં લોકોનાં અવાજો સંભળાશે, કે “હમણાં મંદી છે, સાહસ ન કર. તારાથી ધંધો, બિઝનેસ ન થઇ શકે. આપણે રહ્યા મીડલ ક્લાસ માણસો. આપણી સાત કે સીત્તેર પેઢીમાં કોઇએ ધંધો નથી કર્યો કે આવડું મોટું સાહસ નથી કર્યું. છોડ એ આપણું કે તારૂં કામ નહીં.” વગેરે વગેરે પ્રકારે અને પ્રયાસે આપણાં જ કહેવાનાં, સગા, વહાલા, મિત્રો, સંબંધીઓ આપણું સતત નેગેટીવ પ્રોગ્રામિંગ કરતાં જ રહે છે.

એક ઉદાહરણ આપું. આપણા સમાજમાં એક પ્રથા પ્રચલિત છે. કોઇ બિમાર હોય તો તેનાં ખબરઅંતર પુછવા જવું. હવે ઘણીવાર આવા ખબરીઓ જ પેલા જે બિમાર પડેલા હોય એની ખબર લઇ નાખતા હોય છે, એને વધુ બિમાર કરવામાં મુખ્ય ભૂમિકા ભજવતા હોય છે. કેવી રીતે ખબર કાઢે? જુઓ. “ઓહો હો! જીજ્ઞેશભાઇ, બાપલા ભારે કરી હો. આટલી નાની ઉંમરમાં તે કાંઇ હાર્ટ એટેકનો ‘હુમલો’ કંઇ હોય. ભારે કરી દોસ્ત. હવે તો બહુ ધ્યાન રાખજો.  કેમ કે પહેલાં જે હુમલા થતાં એમાં તો હેટ્રીક થતી પછી વિકેટ પડતી, પણ હવે તો પહેલાં જ બોલે ઘણીવાર વિકેટ ઉડી જાય. તો ભાઇ, જરા ખાવા પીવામાં ધ્યાન રાખજે. મારા એક મિત્રને પણ તારી જેમ જ પહેલો જ એટેક આવ્યો ને થોડા દિવસોમાં તો દિવાલ પર ફોટામાં ગોઠવાઇ ગયો, હાર સાથે.” હવે આવા લોકો ખબર કાઢવા આવે અને આવું ડેન્જરસ્લી નેગેટિવ પ્રોગ્રામિંગ કરે અને પાછું એ જો જીજ્ઞેશભાઇ સાંભળે પછી શું થાય એ સમજી શકાય એવું છે.

        તો શું કરશો આવા વખતે? કારણ  કે આપણે તો પેલાં દેડકાની જેમ બહેરા નથી! આપણને તો સંભળાય છે, બરાબર સંભળાય છે. ખરૂં ને? માટે જ આ પ્રોગ્રામિંગ આપણાં પર ધારી અસર કરે છે, દોસ્તો! તો શું આનો કોઇ ઉપાય છે?

        હાં મિત્રો! આનો ઉપાય છે અને બહુ સરળ છે. ઉપાય છે, કે હું શું સાંભળી રહ્યો છું તેનાં પર હંમેશા ધ્યાન રાખવું. જેવું કોઇ આ પ્રકારનું નેગેટીવ પ્રોગ્રામિંગ કરવાનું શરૂ કરે, એટલે તરત જ બહેરાશ ધારણ કરી લેવાની. આથી, પરિણામ એ આવશે કે તમને એ શબ્દો સંભળાતા હોવા છતાં સંભળાતા નહીં હોય અને માટે એ તમને અસર પહોંચાડી નહીં શકે. બસ આટલા એક્ટિવ રહેશો, તો કોઇ તમને ક્યારેય નુકસાન નહીં પહોંચાડી શકે.


(મિત્રો, એક વાત અહીં તમારી સૌ સાથે વહેંચવા માંગુ છું. જે મારી પોતાની જાત પર વિતી છે. મારૂં પણ નેગેટિવ પ્રોગ્રામીંગ ખુબ વ્યવસ્થિત અને જોરદાર થયેલું હતું. આ લખનારને પણ લાંબા સમય સુધી “ઘર બનાવવું આપણું કામ નહીં, આપણે તો ભાડે જ રહેવાય અને ગાડી પણ ભાડે જ બાંધી લેવાય કે ગાડી સાફસુફ રાખવાની કે રસ્તામાં ટાયર પંચર થાય તો ગાડીનાં ડ્રાઇવરને બધી બળતરા. મકાન ઇચ્છા પડે એટલે બદલાવી નાખવાનું અને ગાડીમાં આપણે તો ભઇ, હેં ને ટેસથી શેઠની જેમ પાછલી સીટમાં બેસવાનું. કંઇ જંજટ જ ન જોવો હોં!) પણ આ મહેરબાનોને એ ખબર નથી હોતી કે પોતાનું ઘર હોય ને તો બોસ જમીન પર સુવામાં પણ મોજ આવે. એ વાતાવરણમાં શ્વાસ લઇએ તો છાતી શર્ટનાં બટન તોડીને બહાર આવી જાય એટલી ફુલે, અને ગાડી જો પોતાની હોય તો એને ચલાવવાની જે મજા આવે એ દોસ્ત, અનુભવવાની બાબત છે કહે કે કીધે પાર ન આવે.) આજે આ લખનાર પાસે બંને છે ઘરનું ઘર અને પોતાની ગાડી પણ. હાં દોસ્ત! ખુબ મહેનત કરવી પડી અને ખુબ લાંબો સમય લાગ્યો ત્યારે માંડ બહેરો થઇ શક્યો. માટે સોચો ઠાકુર!

(સંકલિત) 

No comments:

Post a Comment