Wednesday 22 May 2013

જાદુ કી જપ્પી…(સ્પર્શ)



સ્પર્શ નામનું પોષણ સાવ મફતમાં મળતું હોવા છતાં જગતમાં તેની તંગી શા માટે છે?

        બાળક પડી જવાને કારણે ભેંકડો તાણે એ સ્વાભાવિક છે, પછી માતાનાં આલિંગનને કારણે એ થોડું શાંત થાય એ પણ સૌ જાણે છે પરંતુ જે વાત બહુ ઓછા લોકો જાણે છે તે છે કે હુંફાળા સ્પર્શને કારણે મગજમાં એન્ડોર્ફિન્સ નામનાં હોર્મોન્સ પેદા થાય છે અને આ એન્ડોર્ફિન્સ શરીરમાં પેદા થતાં કુદરતી પેઇન કિલર્સ છે. અર્થાત્, પડી ગયા પછી ભેંકડો તાણતું બાળક માનાં આલિંગનથી છાનું રહે છે તેનું એક કારણ એ ખરૂં કે પ્યારી મા બાજુમાં જ છે એ વાતે બાળકને સારું લાગે છે, પણ બીજી તરફ માનાં સ્પર્શથી બાળકનાં શરીરમાં એન્ડોર્ફિન્સ (પેઇન કિલર્સ) પેદા થવાથી છોલાયેલા ગોઠણની પીડા-બળતરામાં ચોખ્ખો ઘટાડો થાય છે એ એક નક્કર લાભ છે.
        વીસમી સદીનાં ચોથા દાયકામાં વિજ્ઞાન એ વાત સ્વિકારતું થયું કે માણસ મોટો થઇને કેવો બનશે, કેવું વર્તન કરશે એનો ઠીક ઠીક આધાર એને સાવ નાની ઉંમરે કેટલો અને કેવો સ્પર્શ મળે છે તેનાં પર રહેલો છે. બાળકને પ્રેમાળ – હેતાળ સ્પર્શ કેટલો મળે છે અને ધિક્કારપૂર્ણ સ્પર્શ (ધક્કો-તમાચો)નાં એને કેટલાં અનુભવો થાય છે એ બંને મળીને બાળકનાં વ્યક્તિત્વનાં ઘડતરનો મહત્વનો ભાગ ભજવે છે. ૧૯૫૮-૬૨ દરમિયાન વિજ્ઞાની હેરી હેર્લોનાં સંશોધનોમાં તો સ્પર્શનું મહાત્મ્ય એટલી હદે પ્રસ્થાપિત થયું કે પૂરતો સ્પર્શ ન પામતાં બાળકો મૃત્યુ પણ પામી શકે છે.
        સ્પર્શવંચિતતા માણસને હિંસક બનાવી શકે છે એ સાબિત થઇ ચૂકેલી બાબત છે, જે સમાજમાં સાહજિક સ્પર્શનું પ્રમાણ ઓછું ત્યાં માત્ર હિંસકતા જ નહીં, માનસિક વિકૃતિ પણ વિશેષ જોવા મળે છે. માત્ર સ્પર્શ વિશે સંશોધન કરતી અમેરિકાની મિયામી ખાતેની ટચ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટનાં વડા ટિફાની ફિલ્ડ સ્પર્શને વિટામિનની ટેબ્લેટ જેટલો મહત્વનો ગણે છે. એ કહે છેઃ ‘અમેરિકામાં ત્વચાનાં કુપોષણની એટલે કે સ્પર્શનાં દુકાળની સમસ્યા બહુ મોટી છે. અહીં બાળકો પણ પૂરતો સ્પર્શ નથી પામતાં. વડીલો બાળકોને સ્પર્શવાને બહાને તેમની જાતીય સતામણી કરે છે એવો ડર અમેરિકનોનાં મનમાં ઘર કરી ગયો છે.’ મનોવિજ્ઞાની ટિફાની ફિલ્ડ વધુમાં જણાવે છેઃ ‘આંદામાનનાં ટાપુની એક આદિવાસી જાતિમાં એવો રિવાજ છે કે બે મિત્રો લાંબા સમય બાદ મળે ત્યારે બેમાંનો એક બીજાનાં ખોળામાં બેસી જાય અને એ અવસ્થામાં તેઓ એકબીજાનાં ગળે હાથ ભરાવીને, થાકીને લોથ ન થઇ જાય ત્યાં સુધી હસે-રડે છે.
        પતિ-પત્ની (કે પ્રેમીઓ) વચ્ચે સ્પર્શનું પ્રમાણ કેટલું છે જેનો દુનિયાભરમાં ફરીને અભ્યાસ કરનાર મનોવિજ્ઞાની સિડની જોનાર્ડનું તારણ એવું છે કે દંપતીઓમાં સાહજિક સ્પર્શનું સૌથી વધુ પ્રમાણ પ્યોર્ટોરિકોમાં અને સૌથી ઓછું પ્રમાણ અમેરિકામાં (કલાકમાં ત્રણ વાર) જોવા મળ્યું. સ્પર્શપ્રેમી પ્યોર્ટો રિકો એક સુખી, રંગીન અને ઉત્સાહી સમાજ છે, આમ તો ખાસ એ દેશ જાણીતો નથી, પણ તેની સારી ફુટબોલ ટીમને કારણ ક્યારેક ક્યારેક સમાચારોમાં ચમકતો રહે છે. સંતાનો અને માતાપિતા વચ્ચે સ્પર્શનું પ્રમાણ અમેરિકા કરતાં ફ્રાન્સમાં ત્રણગણું વધારે છે. વળી, કિશોરવસ્થામાં પણ મિત્રોને અડવાનું-ભેટવાનું-એકમેકની કમરે હાથ રાખી ને ફરવાનું પ્રમાણ ફ્રાન્સમાં વધારે છે. આ બધું જોતાં, એક દલીલ એવી પણ થઇ શકે કે ફ્રેન્ચ લોકો કળાપ્રમી, મોજીલા અને ખુશખુશાલ હોવા પાછળનું એક કારણ સ્પર્શની વિપુલતા પણ હોઇ શકે.
        ફિલ્મ, મુન્નાભાઇ એમ.બી.બી.એસ.માં પણ સ્પર્શનો મહિમા છે, ‘જાદુ કી જપ્પી’ જેવો શબ્દ સ્પર્શનાં મહાત્મ્યને ખુબ સારી રીતે સમજાવી શકે છે કે જપ્પી એટલે કે ભેટવામાં એક જાદુ છે કે ગમે એવા આવેશને પણ અંકુશમાં લાવી શકે છે એ શક્તિ છે સ્પર્શમાં એટલે કે જાદુ કી જપ્પીમાં. એક દુઃખી એક સંતાપગ્રસ્ત હ્રદય પર આ જપ્પી ધગધગતા રણમાં ધોધમાર વરસાદ જેવી લાગે છે.
        કોઇને સાંત્વનાં આપતી વેળાએ આપણે તેને આલિંગન આપીએ છીએ, એ સૂચવે છે એ સ્પર્શમાં એ શક્તિ છે કે જેતે સંતાયગ્રસ્ત હ્રદયને શાતા પહોંચાડે છે. એ જ રીતે આપણે જ્યારે ખુબ ખુશ હોઇએ ત્યારે પણ આપણે એકબીજાને ભેટતા હોઇએ છીએ, આલિંગતા હોઇએ છીએ. એ પણ એક ખુશી વહેંચવાનું માધ્યમ જ છે.
        તો હો જાયે એક જાદુ કી જપ્પી???? મામૂ…!

(સંપાદિત)

6 comments:

  1. Jadoo ki Jappi, this word is been popular from a film of Sanjay Dutt. But nice title anyway. Really touch therapy is one of the most ideal therapy to bless anyone, to condolence anyone, to encourage anyone. Superb article and thoughts.

    From me please accept a 'Jadoo ki Jappi' Mr. Writer.

    ReplyDelete
    Replies
    1. Thanks dear, I humbly accept ur Jappi and same to you. Keep reading and keep posting. Ur comment is valuable for me. Keep posting.

      Delete
  2. Rajeev Zankhra13 July 2013 at 21:54

    Nice Article.

    ReplyDelete
  3. Ghanshyam Vyas19 July 2013 at 12:01

    ત્વચામાં રહેલા સ્પર્શની સંવેદના અનુભવતા જ્ઞાનતંતુઓને કારણે મીઠો સ્પર્શ શરીરમાં પૉઝિટિવ વાઇબ્રેશન્સ પેદા કરે છે. જ્યારે ત્વચાને હળવો સ્પર્શ થાય છે ત્યારે આ જ્ઞાનતંતુઓ થકી મગજના ઇમોશનલ હબ ગણાતા ભાગમાં મેસેજ જાય છે. ઇમોશનલ હબમાં સંવેદનાને કારણે સી ફાઇબર તરીકે ઓળખાતું પ્લેઝર ફાઇબર ઍક્ટિવેટ થાય છે. આ ફાઇબર અન્ય જ્ઞાનતંતુઓના પીડાના મેસેજને મગજ સુધી પહોંચવામાં અવરોધ પેદા કરે છે જેને કારણે દરદની ફીલિંગ મગજને નથી મળતી. પ્લેઝર ફાઇબર ઍક્ટિવેટ થવાને કારણે સારું લાગે છે.

    ReplyDelete
    Replies
    1. વાહ! તેં તો મારા આર્ટિકલમાં માહિતી વધારી.

      Delete