Monday 10 June 2013

આકાંક્ષા પણ સેવવી અને દુઃખી પણ ન થવું એ શક્ય છે?


        નાનપણથી આપણને બે સલાહ અચૂક અપાતી હોય છે. પહેલી – કર્મ કરો, ફળની ઇચ્છા ન રાખો. બીજી – નિશાનચૂક માફ, નહીં માફ નીચું નિશાન. આમ જુઓ તો બંને વિરોધાભાસી સલાહ છે. છતાં આપણે બંને સલાહ સ્વીકારી લઇએ છીએ. બારમા ધોરણની પરીક્ષા આપતી વખતે વધુમાં વધુ માર્કસનું ઊંચામાં ઊંચુ નિશાન તાકવામાં આવે અને પરીક્ષા આપી દીધા પછી ગીતાજી યાદ આવેઃ કર્મ કરી લીધુંને! બસ, તો હવે વેકેશનની મજા માણો. ફળ જે મળશે તે ખરૂં. છતાં, સવાલ એ ઊભો જ રહે છે. બેમાંથી સાચી સલાહ કઇ? એક તરફ એવું લાગે કે જીવનમાં લક્ષ્ય, હેતુ, સાર્થકતા, સંકલ્પ, આકાંક્ષા હોય એ સારૂં પડે. તેનાંથી મગજમાં જરા ક્લેરિટી રહે કે આ દિશામાં આગળ વધવાનું છે. બીજી બાજુ, ગીતાજીની ચેતવણી પણ ખોટી નથી કે લક્ષ્ય બાબતે, ફળ બાબતે બહુ ઊંચાનીચા થશો તો દુઃખી થશો. પોતાની મહત્વાકાંક્ષા પ્રત્યે કોઇ બહુ ગંભીર હોય સિરીયસ હોય એવી વ્યક્તિ જ્યારે નિષ્ફળ જાય ત્યારે એ આત્મહત્યા પણ કરી શકે. આવામાં વચ્ચેનો માર્ગ ન હોઇ શકે?
        હોઇ શકે. એ છે જીવનને ખેલ ગણવું. પછી દિલથી રમવું, જીતવા માટે રમવું. પણ હારી જવાય તો વાંધો નહીં. ખેલમાં હારજીત ચાલતી રહે. ટૂંકમાં, જીવનમાં કોઇ મહત્વાકાંક્ષા હોય એમાં કશું ખોટું નથી, પણ અંદરખાને એટલું યાદ રાખવું કે છેવટે તો જીવન એટલે આ પૃથ્વી પર અમુક વર્ષો સુધી શ્વાસ લેવાનો, જીવવાનો, જગતને અને જાતને જોવાનો એક ખેલ છે. આ બંને નીતિ અપનાવવાથી એક તરફ જુસ્સો પણ પ્રગટે અને બીજી તરફ સમતા પણ જળવાઇ રહે. આ છે વચલો માર્ગ, આકાંક્ષા રાખવી, પણ જીવનને ખેલ ગણીને ચાલવું.
        આ વચલો માર્ગ ન ફાવે, આવું સુક્ષ્મ સંતુલન ન ફાવે તો બીજો પણ એક રસ્તો છે. એ જરા સહેલો છે. એમાં સ્પષ્ટ લક્ષ્ય રાખવાની, આકાંક્ષાને મજબૂત રીતે વળગી રહેવાની છૂટ છે. પણ એક વાતની છૂટ નથી. તે એ કે સફળતાને ક્યારેય લક્ષ્ય ન બનાવવી. ટ્રિક એ છે કે મંજિલ કરતાં માર્ગ પર બધું જ ધ્યાન કેન્દ્રિત કરવું. પ્રત્યેક ડગલું માણવા પર ધ્યાન કેન્દ્રિત કરવું. પછી ચાલતાં ચાલતાં, લાંબા ગાળે, મંજિલે તો પહોંચાશે જ, કારણ કે આપણે ચાલીશું તો અંતર તો કપાશે જ. આવામાં, ‘હું પ્રત્યેક ડગલું દિલથી, મોજથી ભરીશ’ એવી આકાંક્ષા રાખવામાં આવે તો સફરમાં મજા આવે.
        વાત ન સમજાઇ? ઓકે, ઉદાહરણ આપું. ધારો કે એક માણસ બિઝનેસનો કીડો છે. એ ધીરૂભાઇ અંબાણી બનવા માગે છે. તો એણે સતત ધીરૂભાઇને નજર સમક્ષ રાખવાની જરૂર નથી. રોજરોજ પોતાનાં આંતરિક ધક્કાને અનુસરીને સારી રીતે, ટુ ધ બેસ્ટ ઓફ હિઝ એબિલિટી, બિઝનેસ કરવા પર જ ધ્યાન કેન્દ્રિત કરે તો શક્ય છે કે વખત જતાં એ ધીરૂભાઇ જેટલી સફળતા મેળવી શકે. બીજુ ઉદાહરણ જોઇએ. માની લો કે કોઇને ઇશ્વરમાં બહુ રસ છે, ભક્તિમાં બહુ રસ છે, પ્રાર્થના, અર્ચના પુરા મનથી ભાવથી કરે છે. આવી વ્યક્તિ જો ઇશ્વરપ્રાપ્તિને બદલે ઇશ્વરનિષ્ઠાને લક્ષ્ય બનાવે તો એનું જીવન વધું આનંદમય બની રહે. એણે આકાંક્ષા ફક્ત એટલી જ રાખવાની કે ચાહે કુછ ભી હો જાયે, ઇશ્વર પ્રત્યેની મારી નિષ્ઠાને હું ડગવા નહીં દઉં. બસ, પછી ઇશ્વર મળવા આવે તો પણ ભલે અને ન આવે તો પણ ઠીક છે. એ બધું ભલે ઇશ્વર નક્કી કરે. માણસે ફક્ત ઇશ્વર પ્રત્યેની નિષ્ઠાને વળગી રહેવાનું. ટૂંકમાં, સફળતાને બાયપ્રોડક્ટ ગણવામાં આવે અને નિષ્ઠાને લક્ષ્ય તરીકે જોવામાં આવે તો માર્ગ વધુ આસાન, રસપ્રદ અને સુખમય બની રહે એવી શક્યતા ખરી.
        તો, બોલો શું ફાવશે? જીવનને એક ખેલ ગણીને સફળતા માટે મથવાનું વધુ ફાવશે કે પછી સફળતાને ક્ષુલ્લક ગણીને પ્રવૃત્તિ પ્રત્યેની નિષ્ઠાને જ લક્ષ્ય બનાવવાનું વધુ ફાવશે? આ બે વણમાગી સલાહો વિશે વિચારવા જેવું લાગે તો એ વિશે આગળ ઉપર વધુ વિચારી જોજો. નહીંતર આખી વાત ભૂલી જજો. મને ખોટું નહીં લાગે.
        બાકી મજામાં?
                                                                          -   દિપક સોલિયા, અહા જિંદગી

(સંપાદિત)

4 comments:

  1. Nice article from Deepak Soliya from Divya Bhaskar family. But indeed a congratulation to you Mr. Jignesh Upadhyay to choose this one.

    ReplyDelete
  2. कर्मण्ये वाधिका रस्ये, मा फलेषु कदाचन... આ વાક્ય આજનાં સમયમાં શક્ય નથી. આ વાતને ચરિતાર્થ કરતો લેખ.

    ReplyDelete
  3. અશ્વિન સાવલિયા8 July 2013 at 11:59

    ખુબ સુંદર લેખ.

    ReplyDelete