Tuesday 10 December 2013

ભગવાન અને સંત એ જ છે મીઠી ડાળ…


        અમેરિકાનાં કલીવલેન્ડ નગરમાં અક્ષર પુરષોત્તમ સંસ્થાનાં વડા પ્રમુખ સ્વામી મહારાજ માટે નાગરિક સન્માન યોજાયું હતું. ક્લીવલેન્ડનાં મેયરે પ્રમુખસ્વામીની પ્રતિભા અને ગરિમાએ પડેલા પ્રભાવની વાત કરી અને પછી જાહેર કર્યું કે ‘નાગરિક સન્માનનાં પ્રતિક રૂપે હું ક્લીવલેન્ડ નગરની ચાવી પૂ. પ્રમુખસ્વામી મહારાજને અર્પણ કરૂં છું.’ પ્રમુખસ્વામીએ પોતાઈ બાહુમાં પધરાવેલા ભગવાન ઠાકોરજી સામે જોઇને કહ્યું કે ‘ચાવી ઠાકોરજીને અર્પણ કરો. સન્માન તો ભગવાનનું હોય, આપણું સન્માન ન હોય!’

        પ્રમુખસ્વામીને કોઇ પિષ્પમાળા ધરે તો એ પ્રથમ ઠાકોરજીને ધરાવવા કહે. જે કંઇ નગરોની ચાવી મળે તેને ઠાકોરજીને પ્રસાદ તરીકે ગ્રહણ કરવાની એમની પરંપરા મજાની છે. એમાં ‘હું’ ઓગળી જતો હોય છે. ‘આ મારા માટે છે કે આ મારૂ સન્માન છે’ એવી લાગણીનું વિસર્જન થાય છે. જે કંઇ છે એ પ્રભુનું છે, પરમાત્માનું છે, ઠાકોરજીનું છે, અને એમના પ્રસાદ તરીકે જ મારી પાસે આવે છે, એ ભાવનાથી સુખ કે વિષાદ કોઇ લાગણી સ્પર્શી શકતી નથી. માન કે અપમાનનો કોઇ સ્થૂલ પ્રભાવ રહેતો નથી. કોઇ સન્માન કરે તો એ પ્રભુનો પ્રસાદ છે, એમ માનવું. કોઇ અવમાનના કરે કે અપમાન કરે ત્યારે પ્રભુ સાથે આવું વર્તન કેમ કરતાં હશે આ લોકો, એવો વિચાર મનમાં લાવી અપમાન કરનાર પ્રત્યે અનુકંપા અને દયાભાવ રાખવો. પૂ. પ્રમુખસ્વામી મહારાજ આ જ વાત શીખવે છે.

        જે કંઇ મળે તેનો પ્રભુનો પ્રસાદ ગણવાની પરંપરા ક્યારેક ક્રિયાકાંડ બની જતી હોય છે. યંત્રવત બધું થતું હોય એવો અનુભવ પણ આપણે એ ક્રિયાકાંડને અનુસરીએ ત્યારે લાગે. ઘણી વાર આપણે પણ ઉ્ચ્ચારીયે છીએ કે ‘આ સન્માન મારૂં નથી. આ તો હું સમાજ વતી સ્વિકારૂં છું.’ પણ ભીતર તો આપણુમ કેવું સન્માન થયું તેનો ઉછાળો હોય છે. પૂ. પ્રમુખ સ્વામી મહારાજ ક્યારે પુષ્પમાળાથી માંડી પ્રસાદ સુધી બધું જ પ્રભુને અર્પણ કરે, ત્યારે તેમાં ક્યાંય ક્રિયાકાંડ દેખાતો નથી. ભગવાન માટેની એમની અપાર સમર્પણ વૃત્તિ જોઇ એક હરિભક્તે કહેલું કે ‘સૌમાં ભગવાનનો વાસ છે, પણ પૂ. પ્રમુખ સ્વામી મહારાજમાં તો ભગવાન સિવાય બીજું કંઇ નથી.’

        આ અનુભવ આ લખનારનો એકનો નથી, પરંતુ આ દિવ્ય વિભૂતીને મળનાર કે તેની સમીપ જનાર દરેક વ્યક્તિનો છે કે તેમનાં સાંનિધ્યમાં જતાં જ કે તેમનાં દર્શન માત્રથી જ તમારી અંદરનાં સંતાપ, ઇર્ષ્યા, મોહ, માન-અપમાનની લાગણી આ તમામથી પર થઇ જતાં હોઇએ છીએ. તેમનાં દર્શન કે આશિર્વાદ માત્રથી ધન્યતા અનુભવીએ છીએ. આ તેમની દિવ્યતાનું પરિણામ છે. છતાંયે કોઇ તેમને કહે કે, ‘ફલાણી જગ્યાએ ભવ્ય સભા થઇ.’ તો સ્વામી બાપા જવાબ આપે કે, ‘યોગીબાપાનું કામ હતું એટલે મહારાજે દિપાવ્યું.’ અમદાવાદનો, કે સાળંગપુર કે ગઢડા કે દિલ્હીનો સમૈયો સફળ બનાવવા સંતોએ હરિભક્તો એ કેટલી જહેમત ઉઠાવી કે પારાવાર પરિશ્રમ કર્યો. તેની વાત કરતાં પ્રમુખ સ્વામી કદી ન થાકે. કેટકેટલા સંતો અને હરિભક્તોએ પ્રદર્શન ગોઠવવામાં કે સંમેલનનાં આયોજનમાં રાત-રાતનાં ઉજાગરાઓ કર્યા હતાં એ સ્વામીબાપા હંમેશા હોંશથી કહે. પણ જો કોઇ એમ કહે કહેવા જાય કે પ્રમુખવામીની પ્રેરણાનો આ ચમત્કાર છે તો એ નિખાલસ સરળતાથી કહેશે કે, ‘મહારાજ અને ગુણાતીતાનંદ સ્વામીનો આ પ્રતાપ છે.’ અથવા તો એમ કહેશે કે, ‘શાસ્ત્રીજી મહારાજે આ સત્સંગ પ્રવર્તાવ્યો છે.’

        પૂ. પ્રમુખ સ્વામી મહારાજે સત્સંગ વિકસાવ્યો અને કેવો વિકસાવ્યો… અદ્દ્ભૂત રીતે. ખેડૂત ખીલો ખોડીને પછી તેને હલાવી જુએ તે પાછો ખેંચી લેવા નહીં, પણ હલતો હોય તો મજબૂત કરવા માટે. કોઇ પ્રમુખ સ્વામીનાં આશિર્વાદ માંગે તો સ્વામીબાપા કહે કે, ‘મહારાજનું સ્મરણ કરી કામ કરજે. ફત્તેહ થશે.’ મને આ શબ્દો ખુબ ગમી ગયા. ભગવાનનું સ્મરણ કે નામ લઇને સત્કાર્ય જ થઇ શકે, અને દુષ્કાર્ય કરવા જાય એને ભગવાનનું નામ યાદ આવે નહીં. યાદ આવે તો પોતે જે કંઇ કરે છે એ બરાબર કરતો નથી, ખોટું કરે છે એનો પણ ખ્યાલ આવે. મહારાજનું નામ લઇને કામ કરવાનું કહે એટલે એ કામમાં હંમેશા સફળતા જ હોય, વિજય જ હોય. પણ નામ લેવું એટલે હોઠ ફફડાવવા નહીં. સમજીને ભગવાનને જીવનની એ ક્ષણ સાથે ઓતપ્રોત કરવા, અને પ્રભુ જેમાં ઓતપ્રોત થયા હોય એ ક્ષણનું દૈવત કંઇ ઔર જ હોય.

        પૂ. પ્રમુખ સ્વામી મહારાજને કોઇ હરિભક્તે પ્રણામ કરીને કહ્યું કે, ‘સ્વામી, મને આશિર્વાદ આપો.’ તો સ્વામીબાપા તેને માથે કે વાંસામાં હાથ મુકીને કે કયારેક વહાલથી ધબ્બો મારીને કહે કે, ‘મહારાજની પાંચ માળા ફેરવો. બધું સારૂં થઇ જાશે. યોગીબાપા હાજરાહુજુર છે. બધું કામ દીપાવશે.’ આમ, આશિર્વાદ પોતે આપ પણ એનોય જશ તો મહારાજને કે ગુણાતીતાનંદ સ્વામીને જ આપે. આવું થાય ત્યારે સંત સમાગમથી શાંતિ મળતી હોય એવું લાગે.

        ભગવાન અને સંત આ જ મીઠી ડાળ છે. એવું પ્રમુખ સ્વામી કહે ત્યારે સૌ કોઇને શાંતિનો એક અજબ શાતાનો અનુભવ થાય છે. એમની વાણીમાં મીઠાશ છે. અહંકારને ગાળીને કામ કરવામાંથી આ મીઠાશ પ્રગટે છે; અથવા વધુ યોગ્ય રીતે કહું તો ભગવાનની નજીક જવામાંથી આ મીઠાશ પ્રગટે ચે. પળેપળ મહારાજ, ઇશ્વર કે પરમાત્માની મૂર્તિ હ્રદયમાં બિરાજતી હોય એવો અનુભવ થાય છે. આ વાણીની મીઠાશ આપણાં ચિત્તને પ્રસન્ન અને તરબતર કરતી હોય છે.

        પ્રમુખ સ્વામીએ પોતે સંતનો મહિમા કર્યો છે, અને આ મહિમાનું સ્મરણ કરીએ ત્યારે આપણને યાદ આવે. ‘સંત તો માતા જેવા છે.’ એ શબ્દ યાદ કરીએ ત્યારે તેનામાં રહેલી વત્સલતા જ આપણને યાદ આવે. આ વત્સલતા અદ્દ્ભૂત છે. અનન્ય છે જે અનુભવે ખબર પડે. જ્યાં ત્યાં ભીતમાં માંથુ ભરાવવાને બદલે આવા સંતની ઓળખ થાય, તો જીવનમાં ઘણુંબધું ઓળખવા જેવું ઓળખાય પણ જાય અને સમજાય પણ જાય.

        પ્રમુખ સ્વામી વિશે વાત કરતાં ઘણી વાર મારો મિત્ર ઘનશ્યામ કહે છે કે, ‘આ તો અક્ષર રૂપ છે. ભગવાનનો સંબંધ કરવો હોય તો આ સંતનો સંબંધ રાખજે. ભગવાન સાથે સેતુ જોડવામાં કોઇ તકલીફ નહીં રહે.’ અને આ નિર્વિવાદ હકીકત છે કે પ્રમુખ સ્વામીને મળ્યા પછી સતત એવું અનુભવાય કે એમનું મહારાજ સાથે અને પરમાત્મા સાથે એક અજબનું સામીપ્ય છે. એ જે કંઇ વાત કરે તેમાં તન્મયતા હોય છે, સરળતા હોય છે. એ સરળતામાં એક અજબ ની ગહેરાઇ હોય છે. માતાની વત્સલતા અને સંતની માનવીય દ્રષ્ટિ બંને તેમનામાં એક જ બિંદુએ મળ્યા છે.

        આવા સંત અને સત્ત્પુરૂષની વાણી વ્યક્તિ અને સમાજને આજનાં સંજોગોમાં સંકુચિતતાથી પર થઇ વિચારવાની પ્રેરણા આપે છે. ત્યારે પૂ. પ્રમુખ સ્વામી મહારાજનાં આ જ શબ્દો આપણને યાદ આવે…

પૂ. પ્રમુખ સ્વામિ મહારાજનાં ચરણોમાં આ લખવૈયાનાં શત્ શત્ નમન.

- આ લેખનાં અમુક અંશો શ્રી હરીન્દ્ર દવેનાં પુસ્તક 'અહમ પીગળે તો જ પ્રેમની પ્રાપ્તિમાંથી... સાભાર.

8 comments:

  1. મેઘના...11 December 2013 at 10:28

    આવા સંત અને સત્ત્પુરૂષની વાણી વ્યક્તિ અને સમાજને આજનાં સંજોગોમાં સંકુચિતતાથી પર થઇ વિચારવાની પ્રેરણા આપે છે.

    Best Article.

    ReplyDelete
  2. રમેશ પુરોહીત11 December 2013 at 10:29

    જય સ્વામીનારાયણ અને સ્વામીજીને જન્મદિન પર કરોડો કરોડો પ્રણામ. સહજાનંદ સ્વામી તેમનો સંગાથ આપણી સહુ સાથે હંમેશા બનાવી રાખે એવી પ્રાર્થના.

    ReplyDelete
  3. Truly nice. Proper article with Perfect timing.

    ReplyDelete
  4. અમિત ઉપાધ્યાય13 December 2013 at 21:19

    પરમપૂજ્ય પ્રમુખસ્વામિને વંદન અને જન્મદિનની ખુબ વધામણી. ભેટ તો આપણે એમને શું આપી શકવાના ભાઇ! એ આપણી સૌની વચ્ચે હાજરાહજુર છે એ તો ભગવાને આપણને આપેલી ભેટ છે. એને આપણે શું આપી શકીએ?

    ખુબ સુંદર વાતો લખી છે. અભિનંદનનાં હક્કદાર છો.

    ReplyDelete
  5. Just one word to describe...! Awasome.

    ReplyDelete
  6. “શોભો સાધુ ગુણે સદા સરળ ને જગતે અનાસક્ત છો……
    શાસ્ત્રીજી ગુરુ યોગીજી ઉભય ની કૃપા તણું પાત્ર છો…..
    ધારી ધર્મ ધુરા સમુદ્ર સરખા ગંભીર જ્ઞાને જ છો….
    નારાયણ સ્વરૂપ દાસ ગુરુ ને સ્નેહે જ વંદુ અહો……..”

    ReplyDelete
  7. http://www.swaminarayan.org/pramukhswami/index.htm

    ReplyDelete
  8. "ભગવાન સ્વામિનારાયણ આ પૃથ્વી ઉપર ૩૦ વરસ સત્સંગમાં રહ્યા અને હવે સાધુ રૂપે દશ વિશ પેઢી રહેશે."
    (ગુણાતીતાનંદ સ્વામીની વાતો - પ્રક્રરણ પહેલું વાત -૨૭૦)
    વર્તમાનકાળે પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ સંત દ્વારા શ્રીજી મહારાજ સત્સંગમાં રહીને હરિભક્તોને અપાર સુખ આપી રહ્યા છે.

    ReplyDelete