Tuesday 31 December 2013

RIP.... ફારૂખ શેખ…!

મિત્રો, સૌપ્રથમ તો આપ સહુને આવનાર વર્ષની ખુબ ખુબ શુભેચ્છા... પરમાત્મા કરે આપ સહુ વાચકજનો, આવનારા વર્ષમાં સ્વસ્થ રહો, ખુશ રહો, સંપથી રહો... વ્યસ્ત રહો - મસ્ત રહો.

Wishing you all a very HAPPY NEW YEAR....!

૨૦૧૩નાં વર્ષ દરમ્યાન આપણી વચ્ચેથી ખુબ નામવર અને પ્રતિભાશાળી વ્યક્તિઓ મૃત્યુ પામી. આ તમામ માન્યવરોને યાદ કરતાં આપણે હમણાં જ આપણી સૌ વચ્ચેથી ચાલ્યા ગયેલા ફારૂખ શેખ ઉર્ફે ફારૂખભાઇને આજે યાદ કરીશું.

આ લેખ મારા આ ગમતા અભિનેતાને સમર્પિત છે. લેખનાં અક્ષરો થોડા નાના છે, જેથી વધુ માહિતી સમાવી શકાય. થોડી અગવડતા પડે તો નિભાવી લેજો...

ફારૂખ શેખ… નિર્દોષ સ્મિત અને નિખાલસ વ્યક્તિ,

કવિવર સ્વ. સુરેશ દલાલની એક નાનકડી કવિતા યાદ આવે છે,
                   અમને માયા લગાડીને, છાયા ઉઠાવીને, મનગમતો માણસ એક ચાલ્યો ગયો...
                   લય-તાલે ઝૂલતો, સરવર જેમ ખૂલતો, ગુનગુનતો માણસ એક ચાલ્યો ગયો...
                   સ્મિત ભીનું મૂકીને, આંસુઓ લૂંટીને, હસતો-હસાવતો માણસ એક ચાલ્યો ગયો...
                   રણઝણતા ગીત મહીં, પાગલ આ પ્રિત મહીં, થનગનતો માણસ એક ચાલ્યો ગયો...

આ માણસ એટલે
        ફારૂખ શેખ… આ નામ સાંભળતા જ આપણી સામે એક એવો ચહેરો આવી જાય જે તમારા કે મારા ચહેરા જેવો જ આપણો જાણીતો ચહેરો લાગે અને એક બાળ સહજ નિર્દોષ હાસ્ય ધરાવતો નિખાલસ માણસ યાદ આવી જાય. ફારૂખ શેખ એક એવા કલાકાર હતા (!, હતા લખવું કેટલું નિર્દય લાગે છે.) શ્રી વજુ કોટકનાં શબ્દોમાં કહીએ તો વ્યક્તિ ત્યારે જ આપણા વચ્ચેથી ચાલી ગઇ કહેવાય જ્યારે તે નહોવા છતાંય એનાં હોવાનો ઝુરાપો કાયમ રહે અને હ્રદયમાંથી કાયમ એ ટીસ નીકળતી રહે કે આ વ્યક્તિને હવે ક્યારેય જોઇ નહીં શકીયે કે મળી નહીં શકીયે. સ્વજન જેટલાં જ આત્મજન લાગનારા આ વ્યક્તિ હતાં, ફારૂખ શેખ.

        ફારૂખ શેખમાં ક્યારેય ફિલ્મી એટીકેટ આવી જ નહીં. તે એટલા ડાઉન ટુ અર્થ વ્યક્તિ હતાં કે લાગે જ નહીં કે આ માણસ કેટલીયે ફિલ્મોનો હિરો રહે ચુક્યો છે અને તે બધી ફિલ્મો ખુબ ખુબ સફળ રહી છે. આ લખનારનું નમ્ર પણે એવું માનવું છે અને મારી આ વાત સાથે મારા વાચકો પણ સહમત થશે કે ફારૂખ શેખ જેવા અંગત જીવનમાં હતાં તેવાં જ ફિલ્મી પડદે પણ હતાં. ન કોઇ ખોટો દંભ કે દેખાડો. અત્યંત સાદગી અને વિનમ્રતા સાથેનું જીવન જીવનારી વ્યક્તિ. જે મનમાં એ જ હોઠોં પર. પીઠ પાછળ શું કામ કહેવું? એવું દ્રઢ પણે મનનારા ફારૂખભાઇ કોઇપણ વ્યક્તિને જે કંઇ કહેવું હોય તે હંમેશા તેનાં મોં પર જ કહી દેતા. ભલે ને મોટો ફિલ્મ મેકર હોય, કે દિગ્દર્શક હોય કે મોટી વ્યક્તિ નેતા – અભિનેતા.

        તેમનો એપ્રોચ અત્યંત સહાજીક જ રહેતો દરેક વ્યક્તિની સાથે. પછી એ મિલેનિયમ સુપરસ્ટાર અમિતાભ બચ્ચન હોય કે સાવ નવા સવા નિર્દેશક બનેલા એમ.એસ. સત્યુ. એમને ન તો કોઇ સિનેમા નાં મોટા પડદા પર કામ કરવાનો રૂઆબ કે ન તો નાના પડદા પર ટીવી સીરીયલ કરવાનો કોઇ પ્રકારનો ક્ષોભ એમનાં ભાગે જે કંઇ કામ અને જેવું કામ આવ્યું તે તેમણે પુરી લગન અને નિષ્ઠાથી નિભાવ્યું. જેટલી ઇમાનદારીથી તેઓ ફિલ્મ ‘ગર્મ હવા’ માં સિકંદર મિર્ઝા બનેલા એટલી જ સહજતાથી તેમણે અમિતાભ સાથેની ફિલ્મ ‘તૂફાન’ માં ગોપાલ શર્માનો અભિનય કરેલો.

        તેમની પુરી કેરીયર દરમ્યાન ફારૂખ શેખ ફિલ્મ ઇન્ડસ્ટ્રીનાં ધુરંધર નિર્દેશકો સાથે કામ કરેલું. જેમાં ઓસ્કાર એવોર્ડ વિજેતા સત્યજીત રૅ, નવાબ મુઝ્ઝફ્ફર અલી, હ્રિષી’દા (હ્રિષીકેષ મુખર્જી), કેતન મહેતા. આવા આવા ધુરંધર અને મંજેલા નિર્દ્શકો સાથે કામ કરી ચુકેલા ફારૂખ શેખે ટીવી ના પડદા પર પણ પોતાનાં અભિનયનાં ઓજસ પાથરેલા. ૧૯૮૬-૮૭માં દુરદર્શન પર આવતી સીરીયલ ‘શ્રીકાંત’ થી ફારુખ શેખ ટીવીનાં પડદા સાથે જોડાયા. આ સીરીયલ પછી લાંબા સમયનાં અંતરાલ બાદ ૧૯૯૫-૯૬માં સોની ટેલીવિઝન ફારૂખભાઇ ચમત્કાર નામની કોમેડી સીરીયલથી ટીવી પર છવાઇ ગયેલા. આ સીરીઅલમાં તેમણે એક બહેરા ક્લાર્કનો રોલ કરેલો. જે એક ઓપરેશન દરમ્યાન થતી નાનકડી ભુલને કારણે લોકોનાં મનની વાતો પણ સાંભળી લેતા હોય છે અને પછી જે કોમેડી થાય તેનાં થકી દર્શકો પેટ પકડીને હંસતા. આવી જ એક બીજી સીરીયલ હતી, ૧૯૯૮-૯૯માં સ્ટાર પ્લસની ‘જી મંત્રીજી’. જેમાં સીરીયલનાં નામ પ્રમાણે ફારૂખભાઇ મંત્રીજી બનેલા. અણઆવડત વાળા મંત્રી. આ સીરીયલ પણ દર્શકોમાં ખુબ પસંદ કરવામાં આવેલી. ખાસ તો રાજકારણીઓ પર બનેલી અને સુક્ષ્મ કટાક્ષ કરનારી સીરીયલને બુદ્ધિજીવી અને સામાન્ય વર્ગ એક તમામ પ્રકારનો દર્શકોનો અપાર સ્નેહ મળેલો અને એક સમયની સારી એવી ટીઆરપી ધરાવતી સીરીયલ હતી.

        આ સિવાય ઝી ટીવી પર ફારૂખભાઇ સંચાલકનાં રૂપમાં પણ આવેલા અને ‘જીના ઇસીકા નામ હૈ’ નામની સીરીયલ કરેલી. આ સીરીયલ સિનેજગતની જાણીતી હસ્તીઓનાં ઓપન ઇન્ટરવ્યુ પર આધારીત હતો. જેમાં મુખ્ય મહેમાન અને તેની સાથે જોડાયેલા લોકો, તેનાં મિત્રો, કુટુંબીજનો, સહપાઠી, સહકર્મચારી, વગેરે લોકોને બોલાવવામાં આવતાં. આ લોકોની સાથે મજાક અને અત્યંત આત્મિયતભર્યા વર્તનને કારણે આ શો દર્શકોમાં અને જે તે હસ્તીને પણ ખુબ પસંદ આવતો. જેમાં આ લખનારનો સૌથી ગમતો એપીસોડ, સંજય દત્તની મુલાકાતનો હતો. આ સીવાય ફારૂખભાઇ રેડીયો પર પણ પોતાનો હાથ અજમાવેલો, અને વિવિધભારતી પર પ્રસારિત થતો ક્વિઝ શોનું સંચાલન કરેલું. મુંબઇ દુરદર્શન પર આવતાં યુવાદર્શન અને યંગ વર્લ્ડ નામનાં શો થી એમને વધુ પ્રસિદ્ધી મળી. જેને કારણે ફારૂખ શેખનું નામ ઘર ઘરમાં જાણીતું થઇ ગયું.

        આમ, રંગમંચ, ફિલ્મો, ટીવી સીરીયલ્સ અને રેડીયો આ તમામ માધ્યમો દ્વારા ફારૂખ શેખ દર્શકો વચ્ચે રહ્યા અને ભરપુર સ્નેહ આપ્યો અને મેળવ્યો પણ. આવી વ્યક્તિ જ્યારે અચાનક આપણા વચ્ચેથી સાવ અચાનક અલવિદા લે ત્યારે મન અને હ્રદયને એક જબરજસ્ત આંચકો લાગે જ! જો આપણામાં માનવસહજ સંવેદના હોય અને ફિલ્મો પ્રત્યે વિશેષ લગાવ હોય. આ લખનારે જ્યારે આ સમાચાર ટીવીનાં પડદા પર વાંચ્યા કે જ્યારે કેજરીવાલનાં દિલ્હીનાં ૭માં મુખ્યમંત્રી તરીકેની શપથવિધી સમારોહનું પ્રસારણ થતું હતું, વિધવિધ ન્યુઝચેનલ પર જંપ મારી મારીને આ સમાચાર સાચા છે કે નહીં એની તપાસ કરી. કારણ કે ફારૂખ શેખ જીવનમાં અત્યંત સંયમ, સાદાઇ અને નિયમિતતા સાથે જીવનારી વ્યક્તિ હતાં. (! વળી પાછું ‘હતાં’) આવી વ્યક્તિને હાર્ટ એટેક અને એ પણ એક અને છેલ્લો? પણ આ કડવી વાસ્તવિકતા હવે સ્વિકારવી જ રહી કે ફારૂખ ભાઇ હવે આપણાં વચ્ચે સદેહે નથી.

        ફારૂખ શેખનાં તકિયા કલામ જેવો શબ્દ ‘અરે ભાઇ’ એ એટલી આત્મિયતાથી બોલતા કે સામે વાળો ઇચ્છે કે ન ઇચ્છે એક સંબંધ બાંધી બેસતો. થોડી ફારૂખભાઇ વિશેની માહિતી મેળવીએ.

        મિત્રો, જાણો છો કે ફારૂખભાઇ જન્મે ગુજરાતી બંદો હતાં. આજીવન તેમણે ગુજરાત સાથે અને તેમના વતન અમરોલી, વડોદરા જીલ્લામાં આવેલું ગામ સાથે નાતો સાચવી રાખેલો. અમરોલીનાં જમીનદાર પરિવારનાં નબીરા એવા ફારૂખભાઇ પરિવારનું સૌથી મુરબ્બી એટલે કે મોટું ફરજંદ હતાં. તેમનાં પિતા મુસ્તફા શેખ અને માતા ફરિદાને ફારૂખભાઇ સિવાયનાં બીજા ચાર સંતાનો હતાં. ભર્યોપુરો પરિવાર અને ઉપરથી જમીનદારી. ખુબ સગવડો અને ભૌતિકતા વચ્ચે ફારૂખભાઇ અને એમનાં ચાર ભાંડરડાઓ ઉછર્યા હતાં. મુંબઇની સેંટ મેરી સ્કુલમાં શરૂઆતનું શિક્ષણ મેળવ્યા પછી સીનીયર કોલેજ તેમણે સેંટ ઝેવિયર્સમાં કરી.

        પિતા એક સફળ વકિલ હોવાને કારણે સ્વાભાવિક રીતે પોતાની સફળતા પોતાનાં સૌથી મોટા પુત્રને વારસામાં આપી જવાની ઇચ્છા હોય, ફારૂખભાઇએ પિતાની ઇચ્છા મુજબ સિધ્ધાર્થ કોલેજ ઓફ લૉ માંથી કાયદાની પદવી પ્રાપ્ત કરી. ફારૂખભાઇએ પિતાની આજ્ઞાને તો શિરોધાર્ય કરી, પરંતુ જીવ હતો કલાકારનો… પછી કાયદાની આંટીઘુંટી ક્યાંથી ફાવે. સ્વભાવે સરળ એવા ફારૂખ શેખ વકિલાતમાં નિષ્ફળ ગયા અને પોતાની ઇચ્છા મુજબ અભિનયની દુનિયા ભણી પગરણ માંડ્યા.

        અભિનય પથ પર ડગ માંડતા શરૂઆતમાં ફારૂખ શેખ, નાટ્ક અને રંગમંચ સાથે સંકળાયા. સાથોસાથ ઇપ્ટા નામની સંસ્થા માટે કામ કરવાનું શરૂ કર્યું. ઇપ્ટા એટલે ભારતીય જન નાટ્ય સંઘ. આ સંસ્થા સાથે ફિલ્મ અને નાટ્ય જગતની ખુબ જ નામી ગીરામી હસ્તીઓ જોડાયેલી હતી અને છે પણ. જેમકે, ઉત્પલ દત્ત, પંડિત રવિશંકર, સલિલ’દા, પૃથ્વીરાજ કપુર વગેરે જેવા પ્રતિભાશાળી લોકો આ સંસ્થા સાથે જોડાયેલા છે, જેની સાથે આપણાં ફારૂખભાઇ જોડાયેલા.

        ફિલ્મોમાં ફારૂખ શેખ ૧૯૭૩માં બનેલી અને સાવ નવા નિર્દેશક બનેલા એવા એમ.એસ.સત્યુની ફિલ્મ ‘ગર્મ હવા’થી વિધીવત પદાર્પણ કર્યું. જે માટે તેમને રૂ. ૭૫૦/- નું માતબર મહેનતાણું ચુકવવામાં આવેલું. આ ફિલ્મમાં તેમની સાથે બલરાજ સહાની મુખ્ય ભૂમિકામાં હતાં અને ફારૂખ શેખ સહાયક અભિનેતા તરીકે. એ પછી ૧૯૭૪માં નિર્દેશક એ. સમશેરની ફિલ્મ ‘મેરે સાથ ચલ’ માં ડો. શ્રીરામ લાગુ, સ્મિતા પાટીલ સાથે ભૂમિકા ભજવી. આ ફિલ્મોમાં ભૂમિકાઓ ભજવી પણ વાત જેવી જામવી જોઇએ એવી જામતી નહોતી. બે-ત્રણ વર્ષ ફરી નાટક અને રંગમંચ પર વિવિધ ભૂમિકાઓ કરી અને મોટો બ્રેક મળ્યો સન ૧૯૭૭માં.

        સાહિત્યકાર મુન્શી પ્રેમચંદની કથા પર આધારિત ‘શતરંજ કે ખિલાડી’ ફિલ્મ મળી. આ ફિલ્મનાં નિર્દેશક હતાં, ઓસ્કાર એવોર્ડ વિનર એવા સત્યજીત રૅ. આ ફિલ્મમાં તેમની સાથે, સંજીવ કુમાર, સઇદ જાફરી અને શબાના આઝમી હતાં. નવાબ વાજીદઅલી શાહનાં પાત્રમાં આપણાં ‘ગબ્બરસીંહ’ એવા અમજદખાન હતાં. આ ફિલ્મ ખુબ વખાણાઇ. અને આ ફિલ્મમાં ફારૂખ શેખે ભજવેલુ ‘અકિલ’ નું પાત્ર પણ વખાણાયું. બસ ગાડી પાટા પર ચડી ગઇ. ફારૂખ શેખે પ્રતિભાશાળી અભિનેત્રી દિપ્તી નવલ સાથે જોડી બનાવી અને આ જોડીએ લગલગાટ ૭ ફિલ્મો સાથે કરી. અને ૭-૭ ફિલ્મ અત્યંત સફળ રહી. આ સિવાય ફારૂખ શેખની નોંધાપાત્ર ફિલ્મોની યાદી જોઇએ તો…’ગમન’, ‘નૂરી’, ‘ઉમરાવજાન’, ‘ચશ્મે બદ્દુર’, ‘સાથ સાથ’, ‘બાઝાર’, ‘કિસીસે ના કહેના’, ‘કથા’, ‘રંગબીરંગી’, ‘લાખોં કી બાત’, ‘અબ આયેગા મઝા’, ‘બીવી હો તો ઐસી’, ‘તૂફાન’ અને ‘માયા મેમસાબ’ રહી. સન ૧૯૭૩માં શરૂ થયેલી ફિલ્મી સફર ૨૦૧૩ સુધી લગભગ ૪૦ વર્ષ સુધી ચાલી. એમ સમજોને કે અંત તક રહી.

        કારણ કે, ફારૂખ શેખનાં અચાનક મૃત્યુ પછી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનાં જે જે લોકો સાથે ફારૂખભાઇ કામ કરી ચુકેલા કે કરતાં હતાં, એ તમામે પોતાનો શોક પ્રગટ કર્યો. ટાઇમ્સ ઓફ ઇન્ડિયાને આપેલા એક ઇન્ટર્વ્યુમાં બોમન ઇરાની ફારૂખભાઇને શ્રદ્ધાંજલી પાઠવતા અને યાદ કરતાં કહે છે કે દુબઇથી પરત આવીને તેઓ મારી સાથે એક ફિલ્મમાં કામ કરવાના હતાં. અમુક ભાગ તો આ ફિલ્મનો ફિલ્માવાઇ ગયેલો. અને ફારૂખ શેખ સપરિવાર દુબઇ રજા ગાળવા ગયા. જ્યાં હ્રદયરોગનાં તિવ્ર હુમલાએ તેમની જીવનલીલા સંકેલી દીધી.

        ફારૂખ શેખનાં મૃત્યુનાં સમાચાર જાણીને દિપ્તી નવલને પણ ખુબ આઘાત લાગ્યો અને ત્યારબાદનાં તેમનાં એક ઇન્ટર્વ્યુમાં તેમણે જણાવ્યું કે, ‘ફારૂખ શેખ, માત્ર તેમની કેરીયર પુરતા જ નહીં પણ અંગત જીવનમાં પણ ખુબ નજીક હતાં. જીવનનો એક અગત્યનો હિસ્સો હતાં. તેમની અચાનક થયેલી વિદાય અત્યંત આઘાતજનક છે.’ દિપ્તીનવલની ફિલ્મી કેરીયરનો ફારૂખભાઇ એક અગત્યનો હિસ્સો હતાં એ એક નિર્વિવાદ વાત છે.

        યે જવાની હૈ દિવાની માં સ્ટાર રણબીર કપૂરનાં ઓનસ્ક્રિન પિતા બનતા ફારૂખ શેખનાં સ્નેપ્સ કે રશીઝ જોશો તો ખ્યાલ આવશે કે ૪૦-૪૦ વર્ષ જેટલી લાંબી મજાલ કાપ્યા પછી પણ આ માણસમાં રતીભરનો પણ ફરક ન્હોત આવેલો. જે નિખાલસતાથી તેમની ફિલ્મ ગમન, શતરંજ કે ખિલાડી કે કિસીસે ના કહેના કે ચશ્મે બદ્દુર કે તૂફાન કે માયા મેમસાબમાં એમનો અભિનય હતો એટલી જ સહજતા, સરળતા અને નિખાલસતા સભર એમનો અભિનય આ ફિલ્મમાં હતો. એજ ચિરપરિચિત હાસ્ય અને એજ ‘અરે ભાઇ બાત ક્યા હૈ, ક્યા બાત હૈ વો તો કહો…’ નો લય. કોઇ ફર્ક નહી.

        આવા ફારૂખ શેખની આ વર્ષનાં અંતમાં પડેલી ખોટ ક્યારેય ભરાશે નહીં. અફસોસ… કે હવે એ આપણી વચ્ચે નથી.

No comments:

Post a Comment