Friday 20 December 2013

અતિતની ધૂણી જેવી વિરહની વેદના… (ભાગ – ૧)

મિત્રો શાહબુદ્દિન રાઠોડ, માત્ર એક હાસ્ય કલાકાર નથી પણ એક ઊંચા ગજાનાં લેખક અને વાંચક પણ છે. તેમને પ્રસ્તુતીમાં ગુજરાતી ભાષાનાં ગામઠી અને તળપદી શબ્દોની મીઠાશ છે અને ઉજાસ છે એમની માર્મિક અને સરળ રજુઆતનો.

અત્રે પ્રસ્તુત લેખમાં શાહબુદ્દિન રાઠોડની ગંભીર બાજુની નોંધ લઇએ. શ્રોતાઓ સમક્ષ તે હંમેશ એક ઉમદા હાસ્ય કલાકાર બનીને પ્રસ્તુત થયા છે. પણ તેમનાં સ્વભાવની અને વાંચનની આ બાજુ પણ માણવા જેવી છે, જાણવા જેવી છે.

પ્રસ્તુત લેખ થોડો લાંબો હોવાને કારણે અને વાંચકો પુરો વાંચે અને વાંચતા વાંચતા કંટાળે કે થાકે એ પહેલા ક્રમશઃ કરીને અટકાવ્યો છે. માટે બે ભાગમાં મુકવામાં આવશે. જેથી કરીને મારા વાંચકો લેખને વાંચે અને પચાવે. જેમ ગમે એટલી ભૂખ લાગી હોય તો પણ પેટ ભરાઇ ગયા પછી વધુ જમવાની ઇચ્છા થતી નથી તેમ લેખ ગમે એટલો સરસ હોય પેટ ભરાય જાય એટલે બાકીનો વાંચવામાં બોજો પડે છે એક અજાણતો કંટાળો ચડે છે. માટે મારૂં નમ્ર નિવેદનને ધ્યાને લઇને આ લેખનાં બંને ભાગને પુરેપુરા વાંચી શકો, સમજી શકો અને પચાવી શકો એ સહેતુ આ લેખ બે ભાગમાં પ્રસ્તુત છે. જો કોઇ શબ્દ ન  સમજાય તો બેજીજક કોમેન્ટ દ્વારા પુછજો. જવાબ પણ આપીશ અને એ કહેવા પાછળનો ભાવ પણ સમજાવીશ. તો પ્રસ્તુત છે…

અતિતની ધૂણી જેવી વિરહની વેદના… (ભાગ – ૧)

        વિરહની કટારી હૈયામાં પ્રથમ ભોંકાય છે પછી એમાં ને એમાં ભાંગી જાય છે અને જ્યારે તેમાંથી ટપક ટપક લોહી ટપકવા માંડે છે – જે વ્યથા જન્મે છે –

        એ વ્યથા જો ચિત્ર દ્વારા વ્યક્ત થાય તો મહાન ચિત્રકાર લિયોનાર્દો દ વિન્ચીનાં ‘મોના લિસા’ જેવા યાદગાર ચિત્રનું સર્જન થાય.

        એ વ્યથા જો શિલ્પ દ્વારા વ્યક્ત થાય તો સુપ્રસિદ્ધ શિલ્પી માઇકલ એન્જલોનાં અમર શિલ્પ ‘સૉરો ઇન સ્ટોન’ જેવી કૃતિ રચાય.

        એ વ્યથા જો સ્થાપત્ય દ્વારા વ્યક્ત થાય તો મશહૂર સ્થપતિ ઉસ્તાદ ઇસાનાં અણમોલ સ્થાપત્ય ‘તાજમહાલ’ જેવી યાદગાર ઇમારત જગતને મળે.

        એ જ વ્યથા, એ જ દુઃખ જો સાહિત્ય દ્વારા વ્યક્ત થાય તો? આવાં મહામોલાં મોતીઓ વેરાવા માંડે.

        દેશ સૂનો કરીને સોનું લેવા પિયુ ગયો એ તેને ન મળ્યું. પ્રિયતમાને પિયુ ન મળ્યો. મળી માત્ર પ્રતિક્ષા, જેમાં રૂપા જેવા શ્વેત કેશ બની ગયા.
‘સોના લેને પિયુ ગયે સૂના કર ગયે દેશ,
સો ના મિલા પિયુ ના મિલા રૂપા બન ગયે કેશ.’

        પતિ મોતી લેવા જાય છે, પત્ની ઘરે રોતી રહે છે અને નિશ્વાસ નાખે છે એ પ્રદેશ જલી જજો જ્યાં મોતી નીપજે છે.
‘પતિ ગયે પરદેશ પ્રિયા રહી ઘર રોતી,
જલ જાઓ ઉસ દેશ જહાં નિપજત મોતી.’

        ‘હું જાઉં છું. જલ્દી આવીશ, તરત જ આવી જઇશ. આ તિથિએ ચોક્કસ.’ આવા અનેક કોલ આપીને પ્રિયતમ ગયો. ગયો તે તો ના આવ્યો પણ તિથિઓની ગણતરી કરીકરીને પ્રિયતમાની આંગળીની રેખાઓ ઘસાઇ ગઇ.
‘આવત આવત કહે ગયે, દે ગયે કૌલ અનેક,
ગિનતે ગિનતે ઘિસ ગઇ, મેરી અંગુલિયોં કી રેખ.’

        કાદવ અને પાણીને પ્રીત છે. પાણી સુકાઇ જતાં કાદવનાં હૈયામાં તિરાડો પડી જાય છે. આ જોઇને પ્રિયતમા હૈયાને ઠપકો આપે છે કે કાદવનાં કટકા નીર વીણ નોખા થઇ ગયા. પણ ફટ રે ફટ હૈયા સાજણ જવા છતાં તમે સાજાં રહ્યા?
‘કાદવનાં કટકા ઇ નીર વિણ નોખાં થીયાં,
પણ ફટ રે ફટ હિયા, સાજણ જાતાં સાજા રીયાં.’

        સાજણ તમારા સ્નેહમાં મારૂં આખું શરીર સુકાઇ ગયું પણ આ પાપી નયનો ન સુકાણાં, ઊલટાનાં એ તો ભરી ભરી નીર લાવ્યાં.
‘સાજણ તમારા સ્નેહમાં, સુકાણાં અમ શરીર,
એક પાપી નૈણાં નો સૂકયાં ઇ તો ભર ભર લાવ્યાં નીર.’

        લાકડું સળગે છે કોલસો બને છે. કોલસો સળગે છે અને રાખ બની જાય છે. પણ હું અભાગણ જીવતરમાં એવી સળગી છું કે નથી કોલસો બની કે નથી રાખ બની.
‘લકડી જલી કોયલા ભયા, કોયલા જલા ભઇ રાખ;
મૈં અભાગિન ઐસી જલી, ન કોયલા ભઇ ન રાખ.’

        વિરહમાં તડપતી સ્ત્રી અને કાગનો નાતો પુરાણો છે. પ્રિયતમા કાગને કહે છે, હે કાગ, હું મારી બંને આંખો તને કાઢીને આપું છું. એ લઇને તું મારા પ્રિયતમ પાસે જા, પહેલાં એમનાં દર્શન આંખોને કરાવજે અને પછી તું ખાઇ જજે.
‘કાગા નૈન નિકાલ દૂં જો પિયુ પાસ લે જાય,
પહલે દર્શ દિખાય કે, ફિર લિજો ખાય.’

(ક્રમશઃ)


1 comment:

  1. જીજ્ઞેશભાઈ લેખ છે સરસ પણ તેને પાર્ટ પડવાની જરૂર ન હતી.

    ReplyDelete