Wednesday 25 December 2013

અતિતની ધૂણી જેવી વિરહની વેદના… (ભાગ – ૨)


બીજી પ્રિયતમા વિરહની વ્યથાને જુદી વાચા આપે છે. એ કહે છે, હે કાગ, જ્યારે તું મારું શરીર ખાવાની શરૂઆત કરે ત્યારે ગોતી ગોતીને માંસ ખાજે પણ મારાં બે નયનો ન ખાતો, કારણ કે મને હજી પિયા મિલનની આશા છે.
‘કાગા જબ તુમ ખાઇયો, ચુન ચુન ખાઇયો માંસ,
દો નૈના મત ખાઇયો, મોહે પિયા મિલન કી આસ.’

        પરંતુ રાધાની વ્યથા, આંસુ અને આક્રોશે તો માઝા મૂકી દીધી છે. રાધા કાગાને કહે છે, હું કાળજું કાઢીને ભોંય પર મૂકી દઉં છું. તું એને લઇને ઊડી જા. જો માધવ મેડીએ બેઠા છે, એ ભાળે એમ તું મારૂં કાળજું ખા.
‘કાળજુ કાઢી ભોંય ધરૂં લઇ કાગા ઊડી જા,
માધવ બેઠા મેડીએ ઇ ભાળે એમ ખા.’

        માત્ર રાધાનાં હૈયામાં વેદન છે અને કૃષ્ણનાં હૈયામાં નથી એવું નથી. પણ રાધાની વેદનાને દુનિયાએ જાણી છે જ્યારે માધવની વેદના અજાણી છે. માધવે તો હૈયાનાં ગોખમાં એ વેદનાને સંઘરીને રાખી છે, હોઠ પર કદી આવવા દીધી નથી.
‘રાધાની વેદના તો દુનિયા એ જાણી,
પણ માધવની વેદના અજાણી,
હૈયાનાં ગોખમાં સંઘરીને રાખી,
હોઠ પર કદીય ન આણી.’

        પ્રિયતમની જુદાઇ કલેજામાં આગ દાગ લગાડી જાય છે. આ વિરહની વેદના અતીતની ધૂણી જેવી છે. જ્યારે ખોલો ત્યારે તેમાંથી આગ નીકળ્યા જ કરે.
‘સાજન ગયે બિછડ કે દઇ કલેજે દાગ,
જૈસે ધૂણી અતીત કી જબ ખોલો તબ આગ.’

        પ્રિયતમા, પ્રિયતમને કહે છે, ‘આપણે બેય એક નગરમાં વસીને ભીખ માંગીને ખાશું. પરંતુ પ્રીત વધારીને હવે તું દૂર દેશ ન જા.’
‘પ્રીતમ પ્રીતિ બઢાય કે દૂર દેશ મત જાય,
હમ-તુમ એક નગર બસી, ભીખ માંગ કે ખાય.’

        અલખની ધૂણી ધખાવી એક જોગી ધૂણી પાસે બેઠો છે. ત્યાં એક સુંદર યુવતી આવી, યોગી સામે નજર નોંધી પોતાનું પાત્ર લંબાવ્યું અને એટલું જ કહ્યું કે, ‘યોગી આગ આપશો?’ યોગીએ ધૂણામાંથી આગ તો આપી પણ અંગેઅંગમાં આગ વ્યાપી ગઇ. યોગીએ કહ્યું,
‘લેને આઇ આગ ઔર અંગ અંગ આગ દે ગઇ,
એક નૈન બાન મેં કરોડ બાત કહ ગઇ.’

        પિયુની યાદમાં જોગણ બની વન વન ભટકતી વિરહિણીએ નદીને કિનારે ધુમાડો જોયો અને હૈયામાં ફાળ પડી. ‘નદીકિનારે ધુમાડો જોઇ મારા હૈયામાં કાંઇક થવા માંડ્યું. જેના કારણે હું જોગણ બની છું, એની ચિતા તો નથી સળગતી ને?’
‘નદીકિનારે ધૂંઆ દેખ, મેરે મન મેં  કછુ હોય,
જિસ કારન મૈં જોગણ બની, કહીં ન વહ જલતા હોય.’

        પ્રાણથી પણ અધિક પ્રિય એવી રજપૂતાણીને મળવાનાં ઓરતા હૈયામાં સંઘરીને મારતે ઘોડે રજપૂત પોતાને ગામ પાછો ફરતો હતો ત્યાં પાદરમાં અમંગળનાં એંધાણા દેખાવા માંડ્યા. રજપૂતે પૂછ્યું તો જાણવા મળ્યું કે ‘રજપૂતાણીએ તો લાંબુ ગામતરું કર્યું છે.’ એ સીધો મસાણે પહોંચ્યો. પોતાની પ્રિય રજપૂતાણીને બદલે ભડભડ સળગતી ચિતા જોઇ રજપૂતનાં હૈયામાં વિરહની આગનાં ભડકા ઊઠ્યા. તેને થયું, ‘અરેરે! હવે મારે આ રાખ જ જોવાની રહી?’ ત્યાં તો ચિતાની રાખમાંથી થોડી ભેગી થઇ ઊડી અને રજપૂતનાં હોઠ માથે વળગી પડી.
‘કંથ કણકણે મહણમાં કે હવે મારે રાખ જ જોવાની રહી,
ત્યાં તો ભળેળીને ભેગી થઇ, વળગી હોઠે વિઠલા.’

        વિરહની વ્યથામાં શરીર લંકા બની જાય છે અને મન લંકેશ થઇ જાય છે અને વિરહ હનુમંત બની બધે આગ લગાડી દે છે.
‘આ તન તો લંકા ભઇ મન ભયો રાવણરાય,
બિરહ રૂપ હનુમંત ભયો દેત લગાય લાય.’

        દરદ દીવાની મીરાં કહે છે, ‘ધાન નથી ભાવતું, નિંદ્રા નથી આવતી. વિરહ સતાવ્યા કરે છે. ઘાયલ બની હું ઘૂમતી ફરું છું પણ મારું દરદ કોઇ જાણતું નથી.’
‘ધાન ન ભાવે, નીંદ ન આવે, બિરહ સતાવે મોય,
ઘાયલ સી મૈં ઘૂમત ફિરું, મેરો દરદ ન જાને કોઇ.’

        અરેરે આવી જો ખબર હોત કે પ્રીત કરવાથી આવું દુઃખ મળે છે તો તો હું નગરમાં ઢંઢેરો પિટાવી દેત કે કોઇ પ્રીત કરશો નહીં.
‘જો મૈં ઐસા જાનતી કિ પ્રીત કિયે દુઃખ હોય,
નગર ઢિંઢોરા પીટતી કિ પ્રીત કરો મત કોય.’

        પરંતુ છેવટે પ્રેમનો મારગ જ ત્યાગનો છે, બલિદાનનો છે, પ્રેમને માટે માથું મૂકી જ દીધું છે તો પછી હવે રોવું શું?
સમજ બુજ દિલ ખોજ પ્યારે,
આશિક હોકર સોના ક્યા?
જિસ નૈન સે નીંદ ગંવાઇ,
તકિયા લેફ બિછૌના ક્યા?
રૂખા સુખા રામ કા ટુકડા,
ચિકના ઔર સલોના ક્યા?
કહત કમાલ પ્રેમ કે મારગ,
શીષ દિયા ફિર રોના ક્યા?



- લેખક શાહબુદ્દિન રાઠોડનાં પુસ્તક ‘શો મસ્ટ ગો ઓન’ માંથી સહઆદર…

No comments:

Post a Comment