Sunday 15 December 2013

છોટી સી બાત - ૧૯૭૬

મિત્રો, આજે જે ફિલ્મ વિશે વાત કરવાની છે તે આ લખનારને જેટલા વર્ષ થયા એટલા વર્ષ જુની છે. મતલબ કે ફિલ્મ ‘છોટી સી બાત’ સન ૧૯૭૬માં રીલીઝ થયેલી. હકીકતે તો ૩૧-ડીસેમ્બર-૧૯૭૫નાં રોજ રીલીઝ થયેલી. પણ છેવટે ગણાય તો ૧૯૭૬ની જ.


        અને ૧૯૭૬માં બીજી પણ કેવી કેવી ધુંઆધાર ફિલ્મો આવેલી. એક યાદી જુઓ. શરૂઆત થઇ, રીશી કપુર અને રંજીતાની ‘લૈલા મજનુ’, પછી આવી, અમિતાભ બચ્ચન (સુપર ડુપર સ્ટાર) અને વિનોદ ખન્નાની ‘હેરા ફેરી’, સુભાષ ઘઇ, શત્રુધ્ન સિન્હાની ‘કાલિચરણ’, અમિતાભ બચ્ચન (સુપર સ્ટાર)ની મારી ઓલટાઇમ ફેવરીટ એવી યશ ચોપરા નિર્દેશીત ‘કભિ કભી’, રાજેશ ખન્ના અને હેમા માલિની અભિનીત, ‘મેહબૂબા’, દિલીપ કુમાર અને લિના ચંદરવારકરની ‘બૈરાગ’. ધર્મેન્દ્ર અને હેમા માલિનીની ‘ચરસ’. આ સાલમાં અમિતાભ ‘દ સુપર સ્ટાર’ની ચાર ફિલ્મો આવી, ‘હેરા ફેરી, કભી કભી, દો અંજાને અને અદાલત’. ચારેય ફિલ્મોએ સારો વકરો કર્યો. એમાં ‘કભી ક્ભી’ એ સુપરહીટ ફિલ્મોમાં અગ્રેસર રહી. અમોલ પાલેકરની ‘ચિતચોર’ પણ આ જ સાલમાં રીલીઝ થઇ.

        આવી સુપર હિટ ફિલ્મોનાં ઘોડાપુર વચ્ચે પણ એક સીધીસાદી, સામાન્ય માણસને રીલેટ (Relate) થઇ શકે એવી ફિલ્મ ‘છોટી સી બાત’. આ ફિલ્મમાં અમોલ પાલેકર ‘હિરો’ તરીકે હતો. અમોલ પાલેકરને જુઓ તો એમ લાગે કે આ તો આપણાં ઘર પાસે, સડક પર, રોજ રોજ સામે મળતી વ્યક્તિ જેવો છે. અમોલ પાલેકરનો મોટો ગુણ એ હતો કે ફિલ્મમાં તે હિરો હોવા છતાંયે હિરો  જેવો લાગતો નહોતો. તેને જોતાં એમ લાગે કે આ તો આપણે જ છીએ. આટલી હદ સુધી આ કલાકાર ઓડિયન્સને અપીલ કરી શક્તો. તો ફિલ્મની હિરોઇન એવી વિદ્યા સિન્હા…! સુંદર, અતિ સુંદર છતાં ભારોભાર નમણાશ ધરાવતી આ હિરોઇન પણ લેડી અમોલ પાલેકર સમજો. સરળ, સહાજીક અને સુંદર અભિનય કરનારી આ યુવતી ૧૯૭૦ નાં દશકમાં ફિલ્મોમાં આવી અને હવે ઉંમર થઇ ગયી હોવાની કારણે આજે દાદી અને માં ની ભુમિકા ટીવી સિરિયલ્સમાં કરે છે.

 છોટી સી બાત, બી.આર.ફિલ્મ્સ દ્વારા નિર્માણ પામેલી આ ફિલ્મનાં નિર્દેશક છે, બસુ ચેટર્જી’. ફિલ્મની કહાની ‘બાસુ ચેટર્જી અને શરદ જોષી એ લખી છે, પટકથા(સ્ક્રીન પ્લે) બાસુ ચેટર્જીની છે, સંવાદો પણ બાસુ’દાનાં જ છે. ફિલ્મનું મધુર સંગીત સલીલ’દા એ આપ્યું છે. આ ફિલ્મમાં અમોલ પાલેકર અને વિદ્યા સિન્હા સિવાય, અશોક કુમાર અને અસરાની પણ મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મમાં ધર્મેન્દ્ર, હેમા માલિની અને અમિતાભ બચ્ચન પણ એકાદ સીન પુરતા ફિલ્મમાં આવે છે. આ લોકોની ભૂમિકા ફિલ્મમાં મહેમાન કલાકાર તરીકેની છે એમ કહી શકાય.

        આ ફિલ્મ સ્ટિફન પોટ્ટર નામનાં લેખકનાં પુસ્તક ‘ગેમ્સમેનશીપ’ પરથી બનાવવામાં આવેલું ૧૯૬૦નાં એક બ્રિટીશ કોમેડી નાટક ‘સ્કુલ ઓફ સ્ક્રાઉન્ડલ્સ’ (લુચ્ચા કે દ્રુષ્ટ લોકોની શાળા) પર આધારીત છે.

        તો મિત્રો હવે વાત કરીએ ફિલ્મની કહાનીની. કહાની મારી, તમારી આપણા સૌને જીવનમાં કોઇવાર આ હકીકતોનો કે આ પરિસ્થિતિનો સામનો કરવાનો આવ્યો હોય જ એવી છે. અમોલ પાલેકર (અરૂણ પ્રદીપ) એક મીડલ ક્લાસ અપરિણિત નવયુવાન? છે. જે તેની ઓફિસ જે બિલ્ડીંગમાં હોય તે જ બિલ્ડીંગમાં બીજી કંપનીની ઓફિસમાં કામ કરતી વિદ્યા સિન્હા (પ્રભા નારાયણ)ને મનોમન ચાહતો હોય છે. બમ્બૈયાભાષામાં અરૂણભાઇ પ્રભાને પટાવવા કે તેનું ધ્યાન ખેંચવા રોજ ફિલ્ડીંગ ભરે છે. પણ હાય રે બરહેમ કિસ્મત…! ભાઇનું હંમેશા પોપટ થઇ જતું હોય છે. કારણ?

        તો કારણ ફકત એટલું જ કે અરૂણ માનસિક રીતે ખુબ જ શરમાળ, ડરપોક, ભીરૂ અને ગભરૂ વૃત્તિ ધરાવનારો યુવાન? હોય છે. સામે પ્રભા અત્યારની અને ત્યારની પણ દરેક યુવતિની માફક ચંચળ અને આઝાદ ખ્યાલો ધરાવતી હોય છે. તે આવા લલ્લુની સામે જોતી પણ નથી. જો કે દોસ્ત… હારે એ બીજા પણ અરૂણ પ્રદીપ નહીં. અરૂણભાઇ પ્રભાને ઇમ્પ્રેસ કરવા પોતાનાથી થતું બધુ કરી છુટે છે. પણ પ્રભા એની ઓફિસમાં લીગલ ડિપાર્ટમેન્ટમાં ક્લાર્ક તરીકે કામ કરતાં, નાગેશ શાસ્ત્રિ (અસરાની) થી વધુ આકર્ષાયેલી હોય એવું ફિલ્મમાં થોડી વાર પુરતું લાગે પણ..! પણ પ્રભા એક સંસ્કારી અને ઘરરખ્ખુ યુવતી છે, તે નાગેશની હોંશીયારી, આત્મ વિશ્વાસ અને હિંમતને માન આપે છે પણ તેને ચાહવાની વાત… ના રે ના. બા ખીજાય હોં.

        આ બાજુ નાગેશથી ડગલે ને પગલે મળતી હારથી ખિન્ન થયેલો અરૂણ છેવટે પહોંચે છે, ખંડાલા. અહીં એક રીટાયર્ડ કર્નલ જુલિયસ નાગેન્દ્રનાથ વિલ્ફ્રેડ સિંઘ (આ એકજ કેરેકટરનું નામ છે) બનેલા અશોક કુમાર રહે છે. જે આવા લોકોને મદદ કરવા હંમેશા તૈયાર હોય છે જે કોઇને ચાહતા તો હોય પણ આત્મવિશ્વાસ અને હિંમતનાં અભાવે જે તે પાત્રને કહી શકતા ન હોય. આવા લોકોમાં આત્મવિશ્વાસ જગાવવાનું અને એને એવી એવી કળાઓ શીખવવાની કે જેનો ઉપયોગ કરીને તે પોતાનાં પ્રેમીપાત્રને મેળવી શકે. એમ સમજોને કે કર્નલ સાહેબ એક સાયકો થેરાપિસ્ટનું કામ કરે છે. કર્નલ સાહેબ અહીં અરૂણ પ્રદિપને એક શરમાળ, ગભરૂ, ગમાર, આત્મ વિશ્વાસની કમીથી ભરપુર અને અંતરમુખી વ્યક્તિમાંથી, પરિપક્વ, આત્મ વિશ્વાસથી ભરપુર, અને પ્રતિભાવંત યુવાન બનાવે છે. આ માટે કર્નલ સાહેબે પોતાનાં અનુભવો પરથી એક ટેકનિક તૈયાર કરેલી હોય છે જેને અજમાવવાથી કે ઉપયોગ કરવાથી વ્યક્તિ પોતાની મરજી મુજબનું પરિણામ મેળવી શકે છે.

        આમ, એક ચીમળાયેલા, કરમાયેલા અને મુડદલ અરૂણ પ્રદિપમાંથી એક યુવાન, તેજ તરવરાટથી ભરપુર, ચપળ, ચાલક અને ચાલબાજ અરૂણ બનીને મુંબઇ પરત આવે છે, પોતાના પ્રેમીપાત્રને પામવા. કર્નલ સાહેબની સીખવેલી ટેકનિકનો ઉપયોગ કરીને અરૂણ માત્ર પ્રભાનું ધ્યાન પોતાનાં તરફ ખેંચી શકે છે એટલું જ નહીં પણ તેને પામવાનાં રસ્તામાં મોટી અડચણ એવા માત્ર ‘બાંતોકે ધની’ એવા નાગેશને પણ સીધો કરી નાંખે છે. પ્રભાનાં મનમાં પોતાનાં માટે કુણી લાગણીઓ જગાવવામાં સફળ થયેલો અરૂણ છેવટે પ્રભાને મેળવીને જ જંપે છે.
       
        આમ, અરૂણ પ્રદિપ અને પ્રભા નારાયણ એકબીજા સાથે લગ્ન કરીને સુખી જીવન જીવવાનાં પંથ પર અગ્રેસર થાય છે અને ફિલ્મ અહીં પુરી થાય છે.

        આ ફિલ્મ જોતાં લગભગ દરેકનાં મનમાં એક વાર તો એમ થયું જ હોય કે કાશ…! આપણને પણ કોઇ કર્નલ મળી ગયા હોય તો આજે જેની સાથે છીએ એનાં કરતાં જેની સાથે હોવું ‘તું એ હોત. (હવે આ ખયાલ મનમાં જ રાખવો અને ગાલીબને યાદ કરવા કે, ‘દિલ બહેલાને કે લિયે ગાલિબ યે ખયાલ અચ્છા હૈ… વગેરે વગેરે.)

        ખુબ સીધી સરળ અને સંપુર્ણ પારિવારીક ફિલ્મ એવી આ ‘છોટી સી બાત’. લેખની શરૂઆતમાં જણાવ્યા મુજબ સુપર હિટ ફિલ્મોનાં ઘોડાપુર સામે પણ સફળ ગઇ અને લોકોને ખુબ પસંદ પડી.. કેમ ન પડે દોસ્ત. કહાની દર બીજા કે ત્રીજા પ્રેક્ષકની જ હતીને…! ફિલ્મમાં ફિલ્મની કહાનીની જેમ જ સીધા સરળ શબ્દો ધરાવતાં ગીતો હતાં જેને ગીતકાર ‘યોગેશે’ લખેલા.

        યેશુદાસ અને આશ ભોંસલેનું યુગલ ગીત, ‘જાનેમન જાનેમન’ ફિલ્મમાં ડ્રીમ સિક્વન્સ પર છે. આમે આ ફિલ્મમાં અરૂણને જાગતી આંખે વારંવાર સપનામાં ખોવાઇ જવાની આદત હોય છે. ફિલ્મ જોવાથી એ ખબર પડશે કે ઉભો હોય ક્યાંક અને ભાઇ મનોભાવમાં વિહરતા હોય ક્યાંક. બીજું ગીત છે, મુકેશનાં અવાજમાં હેપી સોંગ ‘યે દિન ક્યા આયે, લગે ફુલ હંસને’ અને ‘ન જાને ક્યું, હોતા યે ઝિંદગી કે સાથ, અચાનક યે મન, કીસીકે જાને કે બાદ, કર ફિર ઉસકી યાદ, છોટી છોટી સી બાત’ એમ ટાઇટલ ટ્રેક છે જે લત્તા મંગેશકરે અને એકવાર મુકેશ અને લતાજીએ યુગલમાં ગાયું છે. બધા ગીતો સાંભળવા અને જોવા ગમે એવાં છે.

        હાથમાં અખબાર, બોલબોટમ પેન્ટ અને ઓપન શર્ટ પહેરેલો અરૂણ એટલે આપણા ગલી અને મહોલ્લાનો જ એક નવયુવક જોઇલો. જે વારંવાર નર્વસ થતાં પોતાનાં નાકને ખંજવાળતો હોય એવો, અને સીધી સરળ, નમણી એવી વિદ્યા એટલે ફુલ ફુલ ડિઝાઇનવાળી સાડી પહેરીને રોજ નીકળતી મહોલ્લાની યુવતી. બંને પાત્રો એક સામાન્ય અને રોજીંદા જીવનમાં હરરોજ સેંકડો વાર સામે મળતા હોય એટલી હદ સુધીનાં પોતીકાં લાગે છે.

        આ ફિલ્મે એ જમાનામાં પણ, અને આટ આટલી સુપર હીટ ફિલ્મની વણઝારમાં પણ એ વર્ષનાં ફિલ્મફેર એવોર્ડમાં છ-છ કેટેગરીમાં નોમીનેટ થયેલી. ‘શ્રેષ્ઠ ફિલ્મ’, ‘શ્રેષ્ઠ નિર્દેશક’, ‘શ્રેષ્ઠ અભિનેતા’, ‘શ્રેષ્ઠ સહાયક અભિનેતા (અશોક કુમાર)’, ‘શ્રેષ્ઠ કોમેડિયન (અસરાની)’, અને ‘શ્રેષ્ઠ પટકથા(બસુ’દા)’. આ તમામ કેટગરીમાં ફિલ્મને શ્રેષ્ઠ પટકથા માટે બાસુ’દાને ફિલ્મફેર એવોર્ડ એનાયત કરવામાં આવ્યો.

        આમ, આ ફિલ્મ એક સામાન્ય દર્શકને પણ પોતીકી લાગે એ હદ સુધીની સરળ અને સીધીસાદી છે. માટે મિત્રો, એક વાર તો આ ફિલ્મ જરૂર જોજો. (જો ન જોઇ હોય તો, અને જોઇ હોય તો ફરીવાર) 



5 comments:

  1. Nice Description dear. Chhoti si baat is also my favorite movie. Like to watch. Good.

    ReplyDelete
  2. મેઘ ખાગડ18 December 2013 at 11:40

    સરસ મુવી છે. તમારું વર્ણન પણ સરસ છે. અકંદરે ખુબ સરસ લેખ.

    ReplyDelete
  3. સોમ્ય પંડ્યા18 December 2013 at 11:58

    આ ફિલ્મમાં કર્નલ સાહેબ કોઇ દર્શનશાસ્ત્રની વાત કરે છે. શક્ય હોય તો આ વિષય પર પ્રકાશ પાડશો.

    ReplyDelete
  4. ખરેખર ખૂબ સરસ movie,

    ReplyDelete
  5. આ મારી ઓલટાઈમ ફેવરેટ ફિલ્મ છે. મારા મોબાઈલમાં પણ સેવ કરી રાખી છે!
    ફિલ્મ કોના ઉપરથી બની હતી એ આપના દ્વારા જાણવા મળ્યું. આભાર.

    અમોલ ફિલ્મમાં એકદમ ક્યુટ છે! વિદ્યા સિન્હા પણ ખુબ ખુબ સુંદર લાગે છે. આ જ કલાકારોની પ્રથમ ફિલ્મ 'રજનીગંધા' પણ જોવા લાયક છે.

    ReplyDelete